પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, May 18, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : ગુજરાતના દલિત, આદિવાસી સંસદસભ્યો

નવા સંસદભવનની લોકસભા ચેમ્બર


અઢારમી લોકસભા ચૂંટણી 2024ના મતદાનના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી છ બેઠકો અનામત રાખવામાં આવી છે. ચાર અનુસૂચિત જનજાતિ માટે તો બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. અગાઉની સત્તર લોકસભા ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યામાં વધ-ઘટ થવા સાથે આ સંખ્યામાં પણ ફેરફાર થતો રહ્યો છે. અહીં અગાઉની સત્તર લોકસભામાં અનામત વર્ગની બેઠકનું પ્રતિનિધિ કરવા માટે વિજેતા થયેલા કેટલાક વ્યક્તિઓનો માત્ર નામ પરિચય આપવાનો ખ્યાલ છે. અનુસૂચિત જનજાતિ બેઠકના પ્રતિનિધિને ‘ST’ ઓળખીશું તેમજ અનુસૂચિત જાતિ બેઠકના પ્રતિનિધિને ‘SC’ સંજ્ઞાથી ઓળખીશું.


પહેલી લોકસભા 1952માં પંચમહાલ અને વડોદરા પૂર્વની બીજી ST અનામત બેઠક પર રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ વિજેતા થયા અને સુરતની આવી બેઠક પર બહાદુરભાઈ કુંથાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. બહાદુરભાઈ એ પછી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા અને 1960 પછી રચાયેલા ગુજરાતના પ્રારંભના પાંચેય મંત્રીમંડળમાં તેઓ સ્થાન ધરાવતા હતા. અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકોમાં પહેલી SC અનામત બેઠક પર મૂળદાસ ભુદરદાસ વૈશ્ય ચૂંટાઈ આવ્યા હતા. મૂળદાસ વૈશ્ય આ પછી 1962ની ત્રીજી લોકસભામાં સાબરમતી લોકસભા બેઠકથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ સાબરમતી બેઠક હવે ગાંધીનગર લોકસભા બેઠક તરીકે ઓળખાય છે અને તે બિનઅનામત છે. પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર કે કચ્છ વિસ્તારમાં કોઈ બેઠકને અનામતનો દરજ્જો મળ્યો નહોતો.


બીજી લોકસભામાં અમદાવાદની બીજી SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા હતા. દાહોદથી જાલજીભાઈ કોયાભાઈ ડીંડોડ, માંડવીથી છગનલાલ મદારીભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ નિચ્છાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ST અનામત બેઠકના પ્રતિનિધિ લેખે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી લોકસભામાં દાહોદની બેઠક SC અનામતનો દરજ્જો ધરાવતી હતી અને સ્વતંત્ર પક્ષના હીરાભાઈ કુંવરભાઈ બારીઆ ચૂંટાઈ આવ્યા હતા. કોઈક કારણસર આ બેઠકની પેટાચૂંટણી યોજવી પડી હતી. એમાં પણ સ્વતંત્ર પાર્ટીના પુરૂષોત્તમભાઈ હરિભાઈ ભીલ વિજેતા થયા હતા.


દેશના ગૃહમંત્રી અમિત શાહ 2024માં ચૂંટણી ઉમેદવાર હોવાના કારણે જેની ચર્ચા ચારેકોર છે એ ગાંધીનગર લોકસભા બેઠક 1967ની ચોથી લોકસભાથી અમલમાં આવી. કૉંગ્રેસના સોમચંદભાઈ મનુભાઈ સોલંકી SC અનામત ઉમેદવાર લેખે સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એ પછી પાંચમી લોકસભામાં સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. 1967થી જ પાટણ લોકસભાને SC અનામતનો દરજ્જો મળ્યો. સ્વતંત્ર પક્ષના ડાહ્યાભાઈ રામજીભાઈ પરમાર સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા. દાહોદ ST અનામત બેઠક પર કૉંગ્રેસના ભાલજીભાઈ રાવજીભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા. એ પછી પાંચમી લોકસભામાં તેઓ સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. માંડવીથી એ જ છગનભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ પટેલ કૉંગ્રેસમાંથી પુનઃ વિજયી થયા હતા.


      પાંચમી લોકસભા 1971માં પાટણથી SC અનામત બેઠક પર પહેલીવાર વિજેતા થયેલા ખેમચંદભાઈ સોમાભાઈ ચાવડા સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા એ સમયે 1960થી, બાર વર્ષ – બે મુદતથી કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા. ખેમચંદભાઈ સમય જતા ભારતીય લોકદળ અને જનતા દળમાંથી ચૂંટાઈ આવતા અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોના પ્રતિનિધિ રહ્યા. ગુજરાતના દલિત નેતૃત્વની વાત કરીએ તો ખેમચંદભાઈ ચાવડા એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ ત્રણ દાયકા જેવો લાંબો સમય સક્રિય રાજકારણમાં રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.

બીજી તરફ આદિવાસી નેતૃત્વની વાત કરીએ તો છોટાઉદેપુર ST અનામત બેઠક પરથી પાંચ મુદત માટે અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોમાંથી ચૂંટાયેલા નારણભાઈ જેમલાભાઈ રાઠવા રાજ્યસભાની છ વર્ષની એક મુદત સાથે બધું મળીને પાંત્રીસ વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. તેઓ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી રહ્યા. રામસિંહભાઈ પાતળિયાભાઈ રાઠવા કૉંગ્રેસમાંથી રાજ્યસભાની બે મુદત સાથે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રણ મુદત માટે સંસદસભ્ય રહ્યા. આમ તેઓ સત્તાવીસ વર્ષ જેવો લાંબો સમય સંસદના ફ્લોર પર રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.


હોદ્દાની જ વાત નીકળી છે તો જાણી લઇએ કે દાહોદ લોકસભા ST અનામત બેઠક પર સતત સાત મુદત, છઠ્ઠીથી બારમી લોકસભા સુધી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહેલા સોમજીભાઈ પુંજાભાઈ ડામોરને એકેય સરકારોએ મંત્રીપદ આપ્યું નહોતું. એમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિમ્હારાવના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકારોનો સમાવેશ થાય છે. એવું જ માંડવી ST અનામત લોકસભા બેઠકથી સતત સાત મુદત માટે કૉંગ્રેસમાંથી જ ચૂંટાતા રહેતા છીતુભાઈ દેવજીભાઈ ગામિતની બાબતમાં બન્યું. તેમનું ભણતર ઓછું હતું એટલે કદી મંત્રી પદ ના પામ્યા એવી શક્યતા ખરી.


લોકસભાના SC કે ST વર્ગના સભ્ય લેખે મંત્રી પદ કે સમકક્ષ કોઈ હોદ્દો, સ્થાન પામ્યાના પાંચ જ દાખલા આ પંચોતેર વર્ષમાં મળે છે. દસમી લોકસભા 1991માં વલસાડ લોકસભા ST અનામત બેઠક પર ત્રીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડળમાં ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી હતા. ચૌદમી લોકસભા 2004માં છોટા ઉદેપુર ST અનામત બેઠકના પાંચમી મુદતના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય નારણભાઈ રાઠવા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી હતા. એ જ રીતે પંદરમી લોકસભા 2009માં બારડોલી ST અનામત બેઠક પર બીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના મંત્રીમંડળમાં આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. સોળમી લોકસભા 2014માં દાહોદ ST અનામત બેઠક પર પહેલી વાર ચૂંટાયેલા જસવંતસિંહ ભાભોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં 2016થી 2019 દરમિયાન આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. જેનો કાર્યકાળ હવે સમાપ્ત થવામાં છે તે સત્તરમી લોકસભા 2019-2024ના અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રીજી મુદતના સંસદસભ્ય ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પેનલના સભ્ય રહ્યા. બેશક, આ કોઈ બંધારણીય હોદ્દો નથી પરંતુ પેનલ મેમ્બરને સ્પીકરની ગેરહાજરીમાં લોકસભા સંચાલન કરવાની તક મળે છે એ નોંધવું રહ્યું.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

1 comment: