પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, November 20, 2021

સાઇઠ વર્ષના ગુજરાતના ધારાસભ્યનો શતાયુ પ્રવેશ : નારણભાઈ પટેલ, જેમણે ગાંધીજીને જોયા હતા

 


નારણભાઈ કાળીદાસ પટેલ, ઉંમર વર્ષ સો...
જન્મ તારીખ ઃ સોમવાર, 20 નવેમ્બર 1922, ખારચીયા, જેતપુર, રાજકોટ જિલ્લો
શતાયુ પ્રવેશ ઃ શનિવાર, 20 નવેમ્બર 2021, અમદાવાદ

રોજેરોજ અને રોજિંદા જીવનમાં ડગલેને પગલે જેમને યાદ કરવા પડે એ ગાંધીજીનું / Mahatma Gandhi જન્મજયંતિ નિમિત્તે સ્મરણ કરવાના દિવસો થોડા સમય પહેલા જ વીત્યા છે. પરંતુ આપણે તેમની અંતિમ વિદાયથી શરૂઆત કરવી પડશે. તેમની વિદાયનું આ ચુંમોતેરમું વર્ષ છે. બે મહિના પછી જાન્યુઆરી 2022માં પંચોતેરમું બેસશે. તેમને જોયા હોય એવા લોકોની સંખ્યા હવે વર્ષોવર્ષ ઓછી થતી જવાની. ગાંધીજીને જોયા હોય, રૂબરૂ થયા હોય કે સમજણપૂર્વકની કોઈ હેતુસર મુલાકાત કરી હોય એવી વ્યક્તિની ઉંમર આજે 2021માં ઓછામાં ઓછી પંચાસીથી નેવું વચ્ચે હોવાની. અહીં જેમનો પરિચય મેળવી રહ્યા છીએ એમની ઉંમર છે નવ્વાણું વર્ષ. નવ્વાણું ખરા પણ નર્વસ નાઇન્ટી નાઇન જેવું કશું નહીં. સેન્ચુરીએ પહોંચવાથી સો દિવસ દુર હતા ત્યારે હું એમને મળ્યો હતો. આજે શનિવાર 20 નવેમ્બર 2021ના દિવસે તેઓએ સોમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમનું નામ નારણભાઈ કાળીદાસ પટેલ. NaranBhai Kalidas Patel આજે તેઓ ઉંમરમાં ત્રણ આંકડાના થયા – સો. મૂળ તો રાજકોટ જિલ્લાના જેતપુર / Jetpur, Rajkot, Saurashtra તાલુકાના ખારચીયા ગામના વતની છે. પણ ગાંધીજીને એમણે પેટલાદમાં જોયા હતા. મળ્યા હતા એમ તો કેમ કહેવાશે. કેમ કે નારણભાઈ એ સમયે વીસ વર્ષના યુવાન હતા અને પેટલાદમાં વ્યાયામની તાલીમ લેવા આવ્યા હતા. હાલ આણંદ જિલ્લાનું નગર ગણાતું પેટલાદ / Petlad, District Anand એ સમયે ખેડા જિલ્લાનું ગામ ગણાતું હતું. હિન્દ છોડો ચળવળને સમાંતરે 1942માં તેઓ પેટલાદ વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત સૂર્યભવન વ્યાયામ શાળામાં લાઠી દાવ, ભાલા ફેંક, કુસ્તી અને મલખમ શીખવા આવ્યા હતા. મલખમ – લાકડાનો ઉભો લીસો થાંભલો જેની આસપાસ કસરત કરવામાં આવે.

પેટલાદમાં તાલીમ ચાલતી હતી એ દરમિયાન ગાંધીજી રવિશંકર મહારાજને / Ravishankar Maharaj સાથે લઈ તાલીમાર્થીઓને મળવા આવ્યા હતા. વિદ્યાર્થીવર્ગને જે સંબોધન કર્યું એના પરથી પ્રેરિત થઈ કેટલાક યુવાનો 1942ની લડતમાં જુદા જુદા સ્તરે જોડાયા હતા. કોઈ રાષ્ટ્રીય સ્તરે લડતમાં જોડાવા મુંબઈ, દિલ્લી ગયું તો નારણભાઈ પોતાને ગામ પાછા ફર્યા. ખારચીયા અને જેતપુર ગામમાં તેઓ સુભાષ નામની પત્રિકા વહેંચવા જતા. એક મિત્ર પણ સાથે રહેતો અને એમ બે જણા થઇને અડધું – અડધું ગામ વહેંચી લે, ફરી વળે. ગણતરીના કલાકોમાં તો ગાંધી બાપુનો સંદેશો ગામના ઘરે-ઘરે પહોંચી જાય. આ ફરી વળવાની તાલીમ પેટલાદમાં મળી હતી. આ પત્રિકાઓ વહેંચતા બ્રિટીશ પોલીસના હાથે પકડાઈ ગયા તો સાથળના ભાગે ટાંકણીઓ ભોંકવાની સજા થઈ હતી. પીડાદાયક સજા હતી પરંતુ આઝાદી કાજે અને બાપુના માટે ભોગવવાની છે એવો ભાવ રહેતો હતો. ભારતભરની વ્યાયામ શાળાઓનું કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના અમરાવતીથી આવેલા પૃથ્વીસિંહના હાથે વ્યાયામના પ્રથમ અભ્યાસક્રમની તાલીમ મેળવી હતી. તેમની સાથે બિશનસિંઘ હતા જેઓ સુભાષચન્દ્ર બોઝની / Subhash Chandra Bose આઝાદ હિન્દ ફોજમાં કર્નલનો હોદ્દો ધરાવતા હતા. પેટલાદમાં તાલીમ મેળવ્યાના થોડા સમય પછી 1950માં તેમણે જૂનાગઢમાં / Junagadh મિલિટરી તાલીમ પણ મેળવી હતી.

એ પછી નારણભાઈ પટેલ જાહેરજીવનમાં આવ્યા. એ પહેલા જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાંથી મેટ્રીક અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. નો અભ્યાસ પુરો કર્યો હતો. અમદાવાદમાં લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ એક વર્ષના અંતે અધુરો મુક્યો. પરિવારની ખેતી હતી. સમય જતા 1972માં જેતપુરમાં ચેતના સિનેમાના સંચાલક-માલિક બન્યા. વ્યવસાયની સાથે-સાથે સહકારી ક્ષેત્ર, રાજકોટ જિલ્લા લોકલ બોર્ડ, સ્કૂલ બોર્ડ અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. કૉંગ્રેસ સેવા દળ / Seva Dal સાથે પણ સંકળાયેલા હતા. જેતપુર તાલુકાના સૌરાષ્ટ્ર ગ્રામરક્ષક દળના ઇનચાર્જ હતા. આ સમય દરમિયાન અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું.

જાહેરજીવનની કામગીરીએ તેમને 1962માં ચાલીસ વર્ષની યુવાન વયે ધારાસભ્ય બનાવ્યા. નારણભાઈ કાળીદાસભાઈ પટેલ બીજી અને ત્રીજી ગુજરાત વિધાનસભામાં એમ 1962 થી 1971 સુધી જેતપુર બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. 1967માં બીજી વાર ચૂંટણી ઉમેદવારી કરી ત્યારે સ્વતંત્ર પક્ષના પ્રતિસ્પર્ધી ઉમેદવારનું અવસાન થયું. આથી ચૂંટણી મતદાન થોડા દિવસ માટે મોકુફ રહ્યું. બાકી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી એટલે જેતપુર બેઠકની ચૂંટણી સમયે પ્રચારનો વધુ સમય મળ્યો. બન્ને પક્ષના નેતાઓને વધુ સમય મળ્યો હતો પરંતુ કૉંગ્રેસની સરખામણીએ સ્વતંત્ર પક્ષના / Swatantra Party નેતાઓ વધુ આક્રમક પ્રચારના મુડમાં હતા. સમય પણ એવો હતો કે રાજ-પાટ ગુમાવી ચુકેલા અનેક પૂર્વ રાજવીઓને સ્વતંત્ર પક્ષમાં તેમનું ભાવિ દેખાતું હતું. કેટલાય રાજ પરિવારો સ્વતંત્ર પક્ષ અને તેના સ્થાપક રાજાજી ઉર્ફે ચક્રવર્તી રાજગોપાલાચારી / C Rajgopalachari સાથે જોડાઈ ગયા હતા. જેતપુર બેઠકના ચૂંટણી પ્રચારમાં જયપુરના / Jaipur, Rajasthan State મહારાણી ગાયત્રી દેવી / Gayatri Devi પણ આવીને પ્રચારસભા સંબોધી ગયા હતા. એમ છતાં કૉંગ્રેસ પક્ષ / Indian National Congress અને નારણભાઈ પટેલ જીતી ગયા હતા.

ખારચીયા ગામમાં 20 નવેમ્બર 1922ના રોજ જન્મેલા તેઓ હાલ અમદાવાદમાં બીજી અને ત્રીજી પેઢીના પરિવાર સાથે રહે છે. એમની પ્રપૌત્રીઓ નારણભાઈનો પરિચય આપતા કહે છે કે, દાદા અમારાથી પંચાસી વર્ષ મોટા છે બોલો. શું બોલે? બાકી આ દાદાએ તેમની યુવાનીમાં બહારવટિયા ભૂપતને પડકારેલો. પડકાર્યો એ તો ઠીક પણ વખત જતા એમના કારણે જ દેશ છોડી ગયો. બહારવટે ચડ્યો એ પહેલા ભૂપત રજપૂત નામે ઓળખાતો મૂળે તો એ નારણભાઈનો ગાઢ મિત્ર હતો. આરઝી હકુમત ચળવળ દરમિયાન જેતપુર નજીકના વાંસાવડ ગામે ટોળાં દ્વારા થયેલી સાગમટી લુંટનું આળ એના નામે ચઢ્યું હતું. ખોટું હતું પણ ભૂપતનું નામ એ લુંટમાં એવી આબાદ રીતે સંડોવાઈ દેવાયું કે જેને તેણે બહારવટિયો બનાવી દીધો. તેને એ માર્ગેથી પાછા વાળવાના પરિચિતો – મિત્રોના પ્રયત્નો વ્યર્થ ગયા હતા.

આ ભૂપત બહારવટિયો / Bhupat Baharvatiyo નારણભાઈના વતન ખારચીયા ગામને લુંટવા આવ્યો હતો. એક વાર નહીં ત્રણ-ત્રણ વાર. ત્રણેય વખત તેને પડકારી નારણભાઈએ પાછો કાઢ્યો હતો. ખારચીયા ગામને લુંટવામાં નિષ્ફળ રહેલા ભૂપત અને તેના સાથીઓએ પછી જેતપુર ગામને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પાંચ કલાક સુધી લુંટ્યું હતું. પરંતુ એ સમયે તેને પડકારનાર નારણભાઈ પટેલ કે એમના જેવું કોઈ બહાદુર સ્થળ પર હાજર નહોતું. ખારચીયામાં બતાવેલી વીરતા બદલ સરકારે નારણભાઈ પટેલનું બહાદુરીનો મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને બહુમાન કર્યું હતું. નારણભાઈ પટેલ તેમની પાસે ઇટાલિયન બનાવટની ગન રાખતા હતા. આ ગનનો ઉપયોગ કરીને જ એમણે સશસ્ત્ર હુમલો કરવા આવેલા ભૂપતને પડકારવાનું સાહસ કર્યું હતું. સમય જતાં તેઓ વિદેશી બનાવટની કૉલ્ટ રિવોલ્વર રાખતા હતા. આઝાદી પછી સ્વતંત્ર સરકારની ભીંસ વધી એટલે ભૂપત બહારવટિયો ભારતથી ભાગી જઈ પડોશી દેશ પાકિસ્તાનમાં વસી ગયો હતો. જુનાગઢ – સૌરાષ્ટ્રથી સગાં-સંબંધી પાકિસ્તાન તેને મળવા જતા તો મિત્ર નારણભાઈના ખબર-અંતર ખાસ પુછતો અને કહેતો પણ ખરો કે, ખોટું કામ કરવાને કારણે ગામ છોડવું પડે એ તો સમજ્યા, ઓલા નારણભાઈએ તો મને દેશ છોડાવી દીધો. બહારવટીયા બન્યા પહેલાનો ભૂપત રજપુત / Bhupat Rajput અને નારણભાઈ બન્ને ઉંમરમાં સરખા હતા એટલે જ મિત્રો હતા. ભૂપત બહારવટિયો હયાત હતો ત્યાં સુધી તેને ભારત પાછા લાવવાના કેન્દ્ર સરકારે પુરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ પાકિસ્તાન સરકારે જ કોઈ મચક નહોતી આપી. ભૂપત બહારવટિયો પાકિસ્તાનમાં / Pakistan જ મૃત્યુ પામ્યો.

પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ સાથે નારણભાઈ પટેલ

બહાદુરીની વાત કરતા નારણદાદાના જીવનમાં કારુણી પણ એટલી જ છે. એ કારુણીએ એક અર્થમાં તેમને પણ વતન જેતપુરથી દુર કર્યા છે એમ કહીએ તો ચાલે. જીવનસાથી જયાલક્ષ્મીબહેન અને ચાર પુત્રોના પરિવાર સાથે જેતપુરમાં જ રહેતા હતા. પરંતુ એક પછી એક તેમણે પરિવારના ત્રણ સ્વજનોને કાર અકસ્માતના એકસરખા કારણથી ગુમાવ્યા – પત્ની, પુત્ર રોહિત અને પૌત્ર જયવીર. એ પછી તેઓ પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ અને પૌત્રવધૂ ગાયત્રીબહેન જયવીર પટેલના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. પૌત્રી જયમાલા કોલકાતામાં / Kolkata, West Bengal કમર્શિયલ પાઇલટ / Commercial Pilot છે. તેમના એક પુત્ર જનકભાઈ પટેલ જેતપુરમાં વકીલાત / Advocate કરે છે અને ગુજરાત સરકારના પબ્લિક પ્રોસીક્યૂટર લેખે પણ ફરજ બજાવે છે.

પ્રપૌત્રીઓ ધર્પિતા અને ગરિમા સાથે નારણદાદા
શતાયુ વયના નારણભાઈ પટેલનો જુસ્સો બુલંદ છે – ઇરાદા મજબુત છે. ગાયત્રીબહેન – જયવીરના સંતાનો એવી બે પ્રપૌત્રી ધર્પિતા અને ગરિમા તેમના જુસ્સાના કેન્દ્રમાં છે. બન્ને બહેનો પોલીસમાં અથવા ભારતીય લશ્કરમાં જઈ દેશસેવા કરવાની ઇચ્છા રાખે છે. એટલું જ નહીં એ ક્રમમાં જરૂરી એવી એકથી વધુ તાલીમ તેમની ટીનએજમાં જ મેળવી રહી છે. નારણદાદા એમને ભણવામાં દિવસ-રાત કંપની આપે છે. રાતે કેવી રીતે એવો પ્રશ્ન થાય તો એનો જવાબ છે તેઓ રાત્રે કદી પલંગ – પથારીમાં સુતા જ નથી. રાતભર ખુરશીમાં બેઠા-બેઠા જ આરામ કરી લે છે. અને દિવસે, દિવસે કઈ રીતે સમય પસાર કરે છે? દિવસે તેઓ ઝવેરચંદ મેઘાણી / Jhaverchand Meghani અને દુલા ભાયા કાગ / Dula Bhaya Kag રચિત ગીતો, દુહા, છંદ લલકારી જાણે છે. એ ગીતોના ચુસ્ત પાઠ સહિત. એક પણ શબ્દ આઘો-પાછો કર્યા વિના. એકદમ બુલંદ સ્વરે. એવા સ્વરે કે રેકોર્ડીંગ કરીએ તો રીટેક ના લેવા પડે એવી રીતે.


ગાંધીજીના સમયમાં ઉછરેલા યુવાનો તો આવા જ હોય ને.


(
ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ સપ્ટેમ્બર 2021માં નારણભાઈ પટેલની મુલાકાતના આધારે. – બિનીત મોદી)

Thursday, January 31, 2019

જ્યોર્જ ફર્નાન્ડિઝ : ગુજરાત – સંસદીય કારકિર્દીનું પહેલું પગથિયું

જ્યોર્જ ફર્નાન્ડિઝ / George Fernandes
3 જૂન 1930 થી 29 જાન્યુઆરી 2019
મેંગ્લોરથી નવી દિલ્લી

જ્યોર્જ ફર્નાન્ડિઝને / George Fernandes અનેક રીતે યાદ રાખવામાં આવશે. કામદારોના નેતા, તેમના અધિકારો માટેના લડવૈયા, મુંબઈના ટેક્ષી ચાલકોના યુનિયનના સ્થાપક, દેશવ્યાપી રેલવે હડતાળના સફળ બ્લુ પ્રિન્ટર, કટોકટીનો વિરોધ કરનાર અને એ માટે કુખ્યાત થયેલા બરોડા ડાઇનામાઇટ કેસ થકી જેલવાસ ભોગવનાર, જેલવાસ દરમિયાન જ લોકસભા ચૂંટણી જીતનાર, કેન્દ્રિય ઉદ્યોગ પ્રધાનની રૂએ કોકાકોલાને હાંકી કાઢનાર, રેલવે મંત્રી થયા ત્યારે એ જ કોકાકોલા રેલવે સ્ટેશનો સહિત દેશભરમાં પુનઃ વેચાતું થયું, સંરક્ષણ મંત્રીની રૂએ પૃથ્વી પરની સૌથી ઊંચી અને દુર્ગમ ગણાતી યુધ્ધ ભૂમિ સિઆચેનની / Siachen મુલાકાત કરનાર પહેલા ડિફેન્સ મિનિસ્ટર તેમજ એ જ મંત્રાલયમાં થયેલા કૉફીન કમ આર્થિક કૌભાંડોને કારણે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને છેલ્લે જે રાજકીય પક્ષની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકામાં હતા એ જનતા દળ (યુનાઈટેડ)ના / Janta Dal (United) નવા નેતૃત્વએ તેમને પંદરમી લોકસભા ચૂંટણીની ટિકિટથી વંચિત રાખ્યા.

ચોથી લોકસભાથી ચૌદમી લોકસભા વચ્ચે નવ-નવ મુદત માટે ચૂંટણી વિજેતા થનાર તેમજ માત્ર અગિયાર મહિના જેવા ટૂંકા સમયગાળા માટે એક જ વખત રાજ્યસભાનું સભ્યપદ મેળવનાર જ્યોર્જ ફર્નાન્ડિઝનું ચૂંટણી રાજકારણ ગુજરાતથી શરૂ થયું હતું. હા, રિપીટ ગુજરાતથી.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે પહેલી ગુજરાત વિધાનસભાની રચના મુંબઈ રાજ્યની બીજી વિધાનસભામાંથી થઈ. મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાની રચના માટે 1957માં બીજી લોકસભા સાથે જ સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ માંડવી (120) બેઠક પરના અપક્ષ ઉમેદવાર હતા. બેઠક પરના વિજેતા કૉંગ્રેસના ઉમેદવાર (અબ્દુલ કાદર શેલભોય) અને તેમની નજીકના પ્રતિસ્પર્ધક અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પરાજિત ઉમેદવાર (શાંતારામ શીવરામ સાવરકર) સામે ત્રીજા ક્રમે આવેલા જ્યોર્જ મેથ્યૂ જહોન ફર્નાન્ડિઝને (ચૂંટણી પંચના રેકર્ડ મુજબ સત્તાવાર નામ – ફર્નાન્ડિઝ જ્યોર્જ મેથ્યૂ જહોન) માત્ર 4,848 (કુલ મતદાનના 13.13%) મત મળ્યા હતા. આમ રાજકીય જીવનના પ્રારંભે પહેલી ચૂંટણીમાં પરાજિત થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રથમ મુંબઈના અને પાછળથી ગુજરાતની પ્રથમ વિધાનસભાના માનનીય સભ્ય થતા રહી ગયા. કેમ કે બીજી વિધાનસભાથી માંડવી મતવિસ્તારનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રથમ પરાજય પછી પરત મુંબઈ જઈને મજૂર ચળવળ તરફ સક્રિય થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રારંભે 1961માં બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની / Bombay Municipal Corporation ચૂંટણી જીતીને નગરસેવક બન્યા. બીજી મુદત માટે વિજેતા થયા એ સમયગાળામાં સીધું લોકસભા ચૂંટણીમાં જ ઝુકાવ્યું અને જાયન્ટ કીલર તરીકે ચોથી લોકસભામાં (1967 – 1971) પહેલો પ્રવેશ કર્યો. જાયન્ટ કીલર / Giant Killer એટલે ચૂંટણીજંગના અર્થમાં રાજકારણમાં નવો-સવો પ્રવેશેલો ઉમેદવાર મોટું માથું ગણાતા પ્રતિસ્પર્ધી ઉમેદવારને પરાજિત કરે એ. એ અર્થમાં જ્યોર્જ ફર્નાન્ડિઝે સદોબા પાટીલ ઉર્ફે એસ.કે. પાટીલને / S.K. Patil પરાજિત કર્યા હતા. ત્રણ વખત મુંબઈના મેયર રહી ચૂકેલા, પહેલી-બીજી અને ત્રીજી લોકસભાના સભ્ય હોવા ઉપરાંત પ્રથમ ત્રણ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળનો હિસ્સો રહી ચૂકેલા તેમજ મહારાષ્ટ્રના રાજકારણના અજેય અને તાજ વગરના રાજા ગણાતા શક્તિશાળી કૉંગ્રેસી નેતા સદાશીવ કનોજી પાટીલને મહારાષ્ટ્રની દક્ષિણ મુંબઈ બેઠક પરથી જ્યોર્જ ફર્નાન્ડિઝે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર લેખે 29,434 મતથી પરાજિત કર્યા હતા. આ મત તફાવત દસ ટકાનો હતો અને બેઠક પર કુલ આઠ ઉમેદવારો હતા એ પણ નોંધવું રહ્યું.

જ્યોર્જની સામે પરાજય પામેલા કૉંગ્રેસ પક્ષના સદોબા પાટીલ આ જ ચોથી લોકસભામાં પેટાચૂંટણીના માધ્યમથી ચોથી વાર લોકસભામાં પહોંચવામાં સફળ થયા. એ માટે ગુજરાત નિમિત્ત બન્યું. બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સ્વતંત્ર પક્ષના સંસદસભ્ય મનુભાઈ અમરસીની ચૂંટણીને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠરાવી રદબાતલ જાહેર કરવાનો ચૂકાદો આપ્યો હતો. બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે એસ.કે. પાટીલને ઉમેદવાર બનાવ્યા. મોરારજી દેસાઈના આગ્રહથી સદોબા પાટીલ ઠેઠ મુંબઈથી ગુજરાતના બનાસકાંઠામાં પેટાચૂંટણી લડવા માટે આવ્યા અને જીતી પણ ગયા.

એ પછી પાંચમી લોકસભા (1971 – 1977) ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નહોતી કરી. પરંતુ મજૂર ચળવળ, આંદોલનો, 1974ની વીસ દિવસ ચાલેલી દેશવ્યાપી રેલવે હડતાલ, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો / State of Emergency વિરોધ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં કથિત સંડોવણી કે કાવતરું ઘડવાના આરોપોસર જેલવાસ તેમજ સાંકળ-હાથકડી સાથે કૉર્ટમાં રજૂ કરતી દિલ્લી પોલીસની અખબારોમાં પ્રકટ થતી તસવીરોથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ભારતભરના નાગરિકો વચ્ચે છવાઈ ગયા હતા. એવા છવાઈ ગયા કે જેલવાસ ભોગવતા, મતવિસ્તારની એકપણ મુલાકાત કર્યા વિના, માત્ર ટેકેદારોના પ્રચારથી જ્યોર્જ છઠ્ઠી લોકસભા (1977 – 1979) ચૂંટણીમાં બિહારની મુજફ્ફરપુર / Muzaffarpur લોકસભા બેઠક પરથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે 3,34,217ના મત તફાવતથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસ પક્ષના નીતિશ્વર પ્રસાદ સિંઘ સહિત આઠ ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની જનતા પાર્ટી સરકારમાં પ્રારંભે સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન નિમાયા. પાછળથી તેમને ઉદ્યોગ પ્રધાન બનાવાયા. મતવિસ્તાર મુજફ્ફરપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો તેમના સંસદસભ્ય – લોકસભા પ્રતિનિધિ સમક્ષ પાણીની સમસ્યા લઈને આવ્યા. એ દરમિયાન જ ફરજ પરના જિલ્લા કલેક્ટરે તેમના સ્વાગતમાં કોકાકોલા / Coca Cola ધર્યું. જ્યોર્જને સમજાઈ ગયું કે પીવાના કે વપરાશયોગ્ય પાણીની સમસ્યાના મૂળમાં આ બહુરાષ્ટ્રીય કંપની છે. ગણતરીના દિવસોમાં તેમણે મલ્ટીનેશનલ કંપની નામે કોકાકોલાને દેશમાંથી ઉચાળા ભરાવ્યા.

કાર્યકારી રાષ્ટ્રપતિ બી.ડી. જત્તીના હસ્તે પ્રથમવાર
પ્રધાનપદના શપથ, 28 માર્ચ 1977
સાતમી લોકસભા (1980 – 1984) ચૂંટણી આવતા તેઓ જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા. આ ચૂંટણીમાં જનતા પાર્ટી (સેક્યુલર)ની ટિકિટ પર ઉમેદવારી કરીને પુનઃ બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ત્રીજી મુદત માટે લોકસભામાં ચૂંટાઈ આવ્યા. આ ચૂંટણીમાં જ્યોર્જ માત્ર 23,109 મત તફાવત, માત્ર પાંચ ટકા મત તફાવતથી વિજેતા થયા હતા. ગત ચૂંટણી કરતા મત માર્જિનમાં 90%નો ગંજાવર ઘટાડો. ઘટાડાનું કારણ તેમની સામે પ્રતિસ્પર્ધક તરીકે જનતા પાર્ટીના દિગ્વિજય નારાયણ સિંહની ઉમેદવારી હતી. એમની સાથે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પંદર અપક્ષો તો ખરા જ ખરા. એમ બેઠક પર કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં હતા.

વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજામાં યોજાયેલી આઠમી લોકસભા ચૂંટણી (1984 – 1989)માં જ્યોર્જ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા. આ સમયગાળામાં રાજીવ ગાંધીની કૉંગ્રેસથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ નવમી લોકસભા (1989 – 1991) ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ચોથી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતેશ્વર પ્રસાદ સાહીને તેમણે 2,85,010 મત તફાવતથી પરાજય આપ્યો જે ઓગણચાલીસ ટકાથી વધુ હતો. આ સિવાય સત્તર ઉમેદવારો મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ વિશ્વનાથ પ્રતાપસિંહના વડાપ્રધાનપદ હેઠળની જનતા દળ સરકારમાં રેલવે મંત્રીનું / Minister of Railway પદ પામ્યા તેમજ કાશ્મીરની બાબતોનો વધારાનો હવાલો સંભાળતા હતા.

દસમી લોકસભા (1991 – 1996) ચૂંટણીમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ બેઠક પર આ વખતે સંખ્યામાં અધધ કહી શકાય તેવા છેંતાલીસ ઉમેદવારો મેદાનમાં હતા. જ્યોર્જ આ વખતે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર રઘુનાથ પાંડે સામે માત્ર 50,047 મત તફાવતથી વિજેતા થયા જે ફક્ત આઠ ટકા હતો.

ઉપરોક્ત સમયગાળામાં વેરવિખેર થઈ ગયેલા જનતા દળના ટુકડા પ્રયોગ પછી જ્યોર્જ ફર્નાન્ડિઝે 1994માં તેમના મિત્ર અને લાંબાગાળાના કમ્પેનિયન એવા જયા જેટલી / Jaya Jaitley સાથે મળીને સમતા પાર્ટી / Samata Party નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અગિયારમી લોકસભા (1996 – 1998) ચૂંટણીમાં તેઓ બેઠક બદલીને બિહારની જ નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે છઠ્ઠી મુદત માટે ચૂંટાઈ આવ્યા. બેઠક પર ચોત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા. 1,67,864 મત તફાવત, આશરે ઓગણીસ ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર વિજય કુમાર યાદવ હતા. ભૂતપૂર્વ સમાજવાદી નેતા સામે સામ્યવાદી પક્ષના ઉમેદવાર. એક મહિલા નામે કુમારી બચ્ચી સિંહાનો અપક્ષ ઉમેદવાર લેખે સામનો કરવાનું પહેલી વાર જ્યોર્જને આવ્યું તે પણ ઉલ્લેખનીય ગણવું રહ્યું કેમ કે અગાઉની કોઈ ચૂંટણીમાં તેમની સામે મહિલાઓની ઉમેદવારી નહોતી.

બારમી લોકસભા (1998 – 1999) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે સાતમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. 1,15,670 મત તફાવત, આશરે તેર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર રામ સ્વરૂપ પ્રસાદ હતા. એ સિવાય નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જ્યોર્જે તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત રાષ્ટ્રીય જનતા દળ નામે એક પ્રાદેશિક પક્ષનો સામનો કરવાનો આવ્યો એ પણ ઉલ્લેખવું રહ્યું. આ પક્ષની સ્થાપના તેમના જ એક સમયના રાજકીય સાથી લાલુ પ્રસાદ યાદવે કરી હતી. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ પામ્યા. અમેરિકાની વિનંતી કે આર્થિક પ્રતિબંધોની ધમકીને અવગણીને ન્યૂક્લિઅર ટેસ્ટ પોખરણ-2’ આ દરમિયાન થયો.

સિઆચેનમાં સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ
તેરમી લોકસભા (1999 – 2004) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી જનતા દળ (યુનાઇટેડ) નામે નવા પક્ષના ઉમેદવાર લેખે આઠમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સમતા પાર્ટીનું વિલીનીકરણ કરીને આ નવા પક્ષની સ્થાપના શરદ યાદવ, નીતિશકુમાર જેવા જૂના સાથીઓ સાથે મળીને કરી હતી. 1,05,821 મત તફાવત, આશરે બાર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર ગયા સિંઘ હતા. એ સિવાય સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ બીજી વાર પામ્યા. સંરક્ષણ મંત્રાલય વિરૂધ્ધ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, કોફીન ખરીદી કૌભાંડ, તહેલકા સામયિક અને વેબ પોર્ટલ દ્વારા થયેલા સ્ટીંગ ઑપરેશનને કારણે જ્યોર્જ ફર્નાન્ડિઝે આ સમયગાળામાં રાજીનામું આપી સંરક્ષણ મંત્રાલયનો પદભાર નામોશીભેર છોડવાનો અવસર પણ થોડા વખત માટે આવ્યો હતો. બીજી તરફ આ જ બીજી મુદતના સંરક્ષણ મંત્રીના પદ પર રહેતા તેમણે પંદરથી વધુ વખત સિઆચેન યુધ્ધક્ષેત્રની મુલાકાત લઈ વારંવાર અકસ્માતનો ભોગ બનતું વાયુસેનાનું મીગ-21 વિમાન ઉડતું કોફીન છે એવી ફેલાયેલી ગેરસમજ દૂર કરી. આ દુર્ગમ યુધ્ધક્ષેત્રના જવાનોને અતિ વિકટ ફરજ બજાવવામાં ખૂટતા જરૂરી સાધન-સરંજામની ખરીદી માટે સરકારી પ્રક્રિયાઓને તત્કાળ બાજુ પર મુકી દઈ ત્વરિત નિર્ણયો લીધા. આવા નિર્ણયો લેવામાં વિલંબ કરતા નવી દિલ્લી સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલયના ત્રણ અધિકારીઓને પાઠ ભણાવવા શિક્ષા રૂપે સિઆચેનના જવાનોની કપરી પરિસ્થિતિ સમજાય એ માટે ફરજ બજાવવા, કામગીરી કરવા સીધા સિઆચેન બેઝ કેમ્પ જ મોકલી આપ્યા.

ચૌદમી લોકસભા (2004 – 2009) ચૂંટણીમાં પુનઃ એક વાર બેઠક બદલીને મૂળ મતવિસ્તાર બિહારના મુજફ્ફરપુર પાછા ફર્યા. જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે નવમી અને છેલ્લી મુદત માટે ચૂંટાઈ આવ્યા. માત્ર 9,585 મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર ભગવાન લાલ સાહની હતા. એ સિવાય બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ ચૂંટણી પરિણામ પછી કૉંગ્રેસ પક્ષે સત્તાનું નેતૃત્વ સંભાળ્યું અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન પદે આવ્યા. વિદેશી બાબતો સંભાળતી મંત્રાલયની એક સમિતિમાં જ્યોર્જનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

ઉપરોક્ત સમયગાળામાં જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ શરદ યાદવ અને નીતિશકુમારે સંભાળી લીધું હતું. પંદરમી લોકસભાની ચૂંટણી સમયે 2009માં પક્ષે તમે હવે વૃધ્ધ થયા છો એમ કહીને ટિકિટ ફાળવણી ન કરી. પક્ષના આ નિર્ણયથી ગિન્નાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી. ચોવીસ ઉમેદવારો ધરાવતી બેઠક પરના ચૂંટણીજંગમાં તેમને માત્ર 22,804 મત મળ્યા જે કુલ મતદાનના માત્ર સાડા ત્રણ ટકા હતા. તેમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય નીતિશકુમારે કર્યો હતો. એટલે પોતાના પક્ષના કદાવર નેતાનું માન રાખવા બીજા નેતા શરદ યાદવે રાજ્યસભાની તેમની બેઠક રાજીનામું આપીને ખાલી કરી. રાજ્યસભાની આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં જ્યોર્જે અપક્ષ ઉમેદવારી કરી અને તેમનું સમર્થન કરતા જનતા દળ (યુનાઇટેડ) દ્વારા કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિઝ બિહારથી ચૂંટાયેલા જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે માત્ર અગિયાર મહિના જેટલા ટૂંકા સમયગાળા માટે (મુદત : 4 ઑગસ્ટ 2009 થી 7 જુલાઈ 2010) રાજ્યસભાના સભ્યપદે બેઠા.

આમ મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાના પરાજિત ઉમેદવાર લેખે શરૂ થયેલી જ્યોર્જ ફર્નાન્ડિઝની રાજકીય યાત્રા વાયા બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન થઈ લોકસભા પહોંચી. નવ વખતના સભ્યપદ તેમજ ચાર વખતના મંત્રીપદ પછી રાજ્યસભાની અગિયાર મહિનાની મુદત સાથે પૂર્ણ થઈ.

જ્યોર્જ ફર્નાન્ડિઝ અને પત્રકાર કિરીટ ભટ્ટ
વડોદરા સરકીટ હાઉસ, 1978

તસવીર સૌજન્ય : ચિરંતના ભટ્ટ
બરોડા ડાઇનામાઇટ કેસ સમયે વડોદરાના સ્થાનિક પત્રકાર કિરીટ ભટ્ટ / Kirit Bhatt સાથે થયેલો પરિચય જ્યોર્જ ફર્નાન્ડિઝે કિરીટભાઈના અવસાન સુધી પરિવાર સાથે જાળવી રાખ્યો. કિરીટ ભટ્ટના પુત્રી અને પત્રકાર – લેખક ચિરંતના ભટ્ટના / Chirantana Bhatt જણાવ્યા પ્રમાણે કટોકટીના સમયગાળામાં અન્ડરગ્રાઉન્ડ રહેતા જ્યોર્જ ત્રણ દિવસ સુધી વડોદરાના તેમના ઘરે છુપાયા હતા. સંરક્ષણમંત્રી પદનો હવાલો બીજી વાર સંભાળ્યો ત્યારે અમદાવાદ – ગુજરાતના સંસદસભ્ય હરીન પાઠક / Harin Pathak સંરક્ષણ રાજ્યમંત્રી લેખે તેમના સહાયક હતા એ નોંધવું રહ્યું. યોગાનુયોગ કહો તો એ કે જેમ જ્યોર્જ ફર્નાન્ડિઝ બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા ચોથી લોકસભામાં પ્રવેશ્યા હતા એમ હરીન પાઠક પણ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા નવમી લોકસભામાં પ્રવેશ્યા હતા. જ્યોર્જની જેમ હરીન પાઠકે પણ સંરક્ષણ રાજ્યમંત્રી પદે રહેતા અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહની હત્યાના જૂના કેસમાં તેમની સામે આરોપી તરીકેના ચાર્જ ફ્રેમ થતા તત્કાળ રાજીનામું આપવું પડ્યું હતું. આ બન્ને રાજીનામાનું પરિણામ એ આવ્યું કે પ્રધાન વિનાના સંરક્ષણ મંત્રાલયનો હવાલો થોડા સમય માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ / Atal Bihari Vajpayee સંભાળ્યો હતો.

વર્ષ 2002ની ગોધરા રેલવે સ્ટેશન પરની ટ્રેન દુર્ઘટના સમયે ભારતીય લશ્કરની પહેલી કુમક મદદ અમદાવાદને તેમની પહેલથી – સત્તાથી મળી જેનો ગુજરાત છેડે યથાયોગ્ય ઉપયોગ મોડો મોડો થયો અથવા તો નરસંહાર રૂપે નુકસાન થયા પછી થયો.

સત્તાના રાજકારણથી દૂર થયા પછી જ્યોર્જના મૂળ પરિવારજનો એવા તેમના ભાઈઓએ તેમને મળવા તો પત્ની લૈલા કબીરે તેમની નજીક પહોંચવા અને સ્ત્રીમિત્ર જયા જેટલીને તેમના જીવનમાંથી દૂર રાખવા દિલ્લી હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાક્રમ થકી દુનિયાને પહેલીવાર જાણ થઈ કે સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટીસ અલ્તમસ કબીર એ લૈલા કબીરના પિતરાઈ ભાઈ છે, જ્યોર્જના સાળા છે જેઓએ આ અદાલતી કાર્યવાહીથી પોતાની જાતને વેગળી રાખવા તત્કાળ રજા પર ઉતરી જવાનું વાજબી સમજ્યું હતું. અલ્તમસ કબીરના કાકા અને લૈલા કબીરના પિતા, જ્યોર્જના સસરા હુમાયુ કબીર બંગાળી ભાષાના કવિ-નવલકથાકાર હોવા સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહેતા જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી હતી. પ્રથમ રાજ્યસભાના અને પછી લોકસભાના સભ્ય રહી ચૂકેલા હુમાયુ કબીરે મદ્રાસ સ્ટેટના ગવર્નર બનવાની ઈન્દિરા ગાંધીની દરખાસ્ત નકારી કાઢી હતી.
ભારતીય રાજકારણના અભ્યાસીઓ અને જ્યોર્જ ફર્નાન્ડિઝના રાજકીય જીવનને નજીકથી જાણનારા – સમજનારા એકથી વધુ લોકો એવું માને છે કે રામ મનોહર લોહિયાના સમાજવાદી વિચારોથી પ્રભાવિત થઈને રાજકારણમાં સક્રિય થયેલા જ્યોર્જ સક્રિય રાજકારણની છેલ્લી ઇનીંગમાં ભારતીય જનતા પક્ષની નજીક સરક્યા પછી ભાગ્યેજ કોઈ પદ-સત્તાનો નકાર કરી શકે એવી સ્થિતિમાં રહ્યા હતા. અવસાન સાથે જ જ્યોર્જના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત બાલ ઠાકરેની બાયોપિક ઠાકરે નામે રજૂ કરી ચૂકેલા નિર્માતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે કરી છે. ફિલ્મ નિર્માણના તબક્કેથી સિલ્વર સ્ક્રીન પર રજૂ થશે ત્યાં સુધી જ્યોર્જનું નામ ચર્ચામાં રહેશે. એ સિવાય પણ સરકાર, સત્તાતંત્રો સામે લડાયક વૃત્તિ બતાવવાની, યોધ્ધા બનવાની જ્યારે, જ્યાં અને જેમને પણ જરૂર પડશે તેવા દરેક લોકોને જ્યોર્જ ફર્નાન્ડિઝની યાદ આવતી રહેવાની છે – કટોકટીની પચાસમી, સાઇઠમી, પંચોતેરમી કે સો વર્ષની સરકારી કે ખાનગી જેવી સ્મૃતિ ઉજવણીઓ થશે ત્યારે ત્યારે પણ જ્યોર્જ યાદ આવવાના છે એ નક્કી સમજો.
(તસવીરો : ઇન્ટરનેટ પરથી)

Wednesday, January 23, 2019

મમ્મીને ત્રણ બહેનો છે, ચોથા માસીનું નામ ઇન્દુ તારક મહેતા

ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta
27 માર્ચ 1944 થી 19 જાન્યુઆરી 2019 (અમદાવાદથી અમદાવાદ)
(1981, દુબઈ પ્રવાસની સ્ટુડીઓ તસવીર યાદગીરી)

મારા મમ્મી સુધાબહેનને ત્રણ બહેનો છે અને એમ મારે ત્રણ માસી. પચીસ વર્ષ પહેલા 1994ની આસપાસ એ સંખ્યામાં એક મજબૂત ઉમેરો થયો એ નામ એટલે ઇન્દુમાસી. ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta. હા, એ જ દુનિયાને ઊંધા ચશ્માંના માળાના શ્રીમતીજી. ઘણા બધા માટે જાડીકાકી. થોડા લોકો માટે ઇન્દુબા. અમદાવાદમાં એ જ્યાં રહેતા એ પેરેડાઇઝ અપાર્ટમન્ટમાં / Paradise Apartment, Ambawadi, Ahmedabad એમને પહેલીવાર મળ્યો ત્યારે એ મારા માટે શ્રીમતી તારક મહેતા હતા, સંબોધન કદાચ ઇન્દુબહેનનું જ કરતો હોઇશ. એકવાર મને કાંઠલેથી પકડ્યો. કહે કે મહેતાને તમે તારકકાકા કહો છો તો હું તમારા માટે બહેન કેવી રીતે ગણાઉં. તમે મને ઇન્દુમાસી કહી શકો. તો આમ જાડીકાકી મારા માટે ઇન્દુમાસી બની ગયા.

ઇન્દુબહેન – તારકભાઈને પહેલીવાર મળ્યો ત્યારે હું કુંવારો હતો. પછી લગ્ન થયા. તેમની સાથેના વ્યવહારમાં આ સંબોધન એટલું વણાઈ ગયું હતું કે લગ્ન પછી પત્ની શિલ્પાને હું માસીના સંદર્ભમાં કોઈ પણ બાબત-સમાચાર જણાવતો ત્યારે એ આપોઆપ સમજી જતી કે ઇન્દુમાસીની વાત થાય છે. સગાં ત્રણ માસીની વાત નામોલ્લેખ સાથે કરવી એવી અમે અમલ સમજૂતી કરી હતી. અમદાવાદમાં મારી કામની જગ્યા ગૂર્જર પ્રકાશનની ઑફિસ અને તેમનું ઘર પેરેડાઇઝ અપાર્ટમન્ટ બન્ને આંબાવાડી વિસ્તારમાં. એ કારણે વિશેષ અવર-જવર રહેતી. મળવામાં અઠવાડિયાથી વધારે અંતર પડે એટલે અચૂક ફોન આવે. તેમને મળ્યા પછી હું ઘરે પહોંચીને સાંજનું ભોજન જે અલ્પ માત્રામાં લઉં તેના પરથી પત્નીને ખ્યાલ આવી જાય કે આજે હું મહેતા દંપતીને ત્યાં દબાવીને આવ્યો છું. ઑફિસ આંબાવાડીમાં જ હતી તોય શિલ્પા મને પૂછે કે, ‘હું આંબાવાડીનો આંટો મારીને આવ્યો છું કે કેમ?’

હા, મહેમાનગતિ કરવી એ ઇન્દુમાસીની હોબી હતી. કદાચ તેમને સૌથી વધુ આનંદ એ બાબતનો. લેખક-પત્રકાર રજનીકુમાર પંડ્યાએ મારો તારક મહેતા પરિવાર સાથે કઈ રીતે સંપર્ક કરાવ્યો તે હું અગાઉ લખી ગયો છું. (સંદર્ભ લિન્ક – http://binitmodi.blogspot.com/2017/03/blog-post.html) તેમના – પરિવારના કામમાં મેં આંશિક ધોરણે જવાબદારી સ્વીકારી કે કામ કર્યું એ રૂએ તો મારે દર આંતરે દિવસે તેમના ઘરે જવાનું થતું રહ્યું. પણ ઇન્દુમાસી જેમનું નામ. તેમની મહેમાનગતિમાં કોઈ ફરક નહીં. બધું પગારદાર માણસોના ભરોસે થતું હોય પરંતુ એમ કરવાવાળાને ચાકરી ન લાગે અને મેળવનારને પોતાની સહેજ પણ ઓછી દરકાર લેવાઈ રહી છે એવું બિલકુલ ન લાગે, ન લાગવા દે તેનું નામ ઇન્દુમાસી. અઠવાડિયામાં આઠ વાર તેમના ઘરે જનાર મને એમણે કદી ટેકન ફોર ગ્રાન્ટેડ ન લીધો એનું મારે મન બહુ મોટું બહુમાન છે. એકવાર, માત્ર એક જ વાર રસોઈકામની જવાબદારી સંભાળતા બહેનથી મારી આગતા-સ્વાગતામાં કે આવકારમાં કઇંક કાચું કપાયું હશે તે તરત જ તેમના પ્રેમાળ અને બીજા અર્થમાં સત્તાવાહી અવાજમાં જરૂરી સૂચના અપાઈ ગઈ. એવી નોંધ સાથે કે તેનો અમલ કાયમ કરવાનો છે – તેમની ગેરહાજરીમાં હું તેમના ઘરને આંગણે હઉં ત્યારે પણ.

હરવાફરવાનો તેમનો શોખ ગજબનો. એ નિમિત્તના જે બીજા શોખ તે પહેરવા-ઓઢવાના, ખરીદીના અને ઉત્તમમાં ઉત્તમ ભોજનના. એમના શોપિંગ લીસ્ટમાં નાસ્તાની ચીજ-વસ્તુઓ મોખરે હોય. તારકભાઈ સાથે દેશ-પરદેશના અઢળક પ્રવાસો કરનારા તેમના પગ મહેતાસાહેબની નાજુક તબિયત પછી બંધાઈ ગયા. તેમને ખુદને પણ આરોગ્ય સંબંધી પ્રશ્નો હતા. એ બધા વચ્ચે તેમને કચ્છના આશાપુરા મા પર ગજબની આસ્થા – શ્રધ્ધા હતી. તારકભાઈની સંભાળ વ્યવસ્થા ગોઠવી, તબિયતના તકાજાને ધ્યાનમાં રાખી એક જ સમયના દર્શન માટે પણ તે કચ્છ-ભૂજ-આશાપુરાનો / Ashapura Maa Temple, Bhuj, Kachchh ત્રણ દિવસનો પ્રવાસ કાર્યક્રમ અવારનવાર ઘડી કાઢતા. ક્યારેક અમે દંપતી (શિલ્પા બિનીત) એ કાર્યક્રમનો હિસ્સો બનતા. તેમના પરિવારના અન્ય સભ્યો પણ સાથે હોય. લેખન-પત્રકારત્વના ક્ષેત્રમાં હોવાના કારણે એ ક્ષેત્રના સક્રિય લોકોનો પરિચય સ્વાભાવિક હોય પરંતુ આકાશવાણી અમદાવાદમાં કાર્યરત મૌલિન મુનશીનો / Maulin Munshi પરિચય મને મહેતા દંપતીના કારણે થયો હતો. મૌલિનના પિતાજી તારકભાઈના ભાણેજ હતા. મૌલિનના પરિવાર માટે તેઓ તારકમામા-ઇન્દુમામી હતા. તારકભાઈએ તેમના એકાંકી નાટકોનો એક સંગ્રહ ડહાપણની દાઢ મને અને મૌલિનને સંયુક્ત રીતે અર્પણ કર્યો છે.

રજનીકુમાર પંડ્યા પાસેથી મળેલી તાલીમ પછી હું ઇન્દુમાસીના હાથે ઘડાયો એમ કહું તો ખોટું નહીં. એમના વ્યવહારીક કામોની જવાબદારી એ કક્ષાની હતી કે તેમાં મારે ઊંડા ઉતરવું જ પડે. જાતભાતના નીતિ-નિયમોની જાણકારી મળે. એ કામમાં આવતા અંતરાયો અને ઉકેલ પણ મળતા જાય. બહુધા તારકભાઇનું નામ-ફેમ કામમાં આવે. કામની જવાબદારી સોંપ્યા પછી પૂછગંધો પણ ના લે અને નિશ્ચિંત પણ ન થાય એ ગુણ-અવગુણ જે ગણાતું હોય તે ભલે ગણાય – ઇન્દુમાસીમાં એ બન્ને જોવા મળ્યા. મારી દરકાર હંમેશા લે. ઉનાળાની ભરબપોરે કે વરસતા વરસાદમાં કોઈ કામ કરવાનું હોય ત્યારે એ રિક્ષા-ટેક્ષીનો વિકલ્પ સૂચવીને બેસી ના રહે...મારા માટે એની વ્યવસ્થા કરી જ હોય. પોતાના કે અન્યના નાના-મોટા કોઈ લાભ માટે કદી તારકભાઈનું કે ચિત્રલેખાનું નામ ન વટાવ્યું એ તેમનો મોટો ગુણ. કોઈને કદી એ માટે એવી સૂચના આપતા પણ ન જોયા – ન સાંભળ્યા. બાકી આ લખ્યા એ બે એવા ચલણી નામ હતા, છે અને રહેવાના કે ભલભલા કામ ચપટીમાં પતી જાય. મહેતા દંપતીએ આવી ખેવના કદી ન કરી.

પ્રભાબહેન શુક્લ : ઇન્દુમાસીના માતુશ્રી
પોતાને કાચનું વાસણ ગણાવનારા તારકભાઈની કાળજીપૂર્વક દરકાર રાખનાર ઇન્દુમાસી સાથે બધું મળીને પચીસેક વર્ષનો સંબંધ રહ્યો. પાછલા પાંચેક વર્ષ તેમના આરોગ્યની ચિંતા કરાવનારા રહ્યા. અધરાતે – મધરાતે દોડવું પડે. સારવાર મેળવવામાં કદી કચાશ ન રાખી એ એમનો મોટો ગુણ. સારવારમાં સામેલ ડૉક્ટરો સાથે સીધો સંપર્ક રાખે. પારિવારિક સંબંધ પણ ખરો. હોસ્પિટલની – ડૉક્ટરની સૂચનાઓનું અક્ષરશઃ પાલન પણ કરે અને કંટાળે ત્યારે થોડું બાજુ પર પણ મૂકે. તારકભાઈની યાદ કાયમ રાખનારા પુસ્તક સ્મૃતિ વિશેષના 28 ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમ માટે સગાં-સંબંધી-મિત્રો-પરિચિતો ઉપરાંત તેમની સારવારમાં અવારનવાર સામેલ થયેલા તમામ ડૉક્ટરોને પણ યાદ કરીને વોટ્સઅપ આમંત્રણ પાઠવ્યા. આ જ પુસ્તકના 5 જાન્યુઆરી 2019ના રોજ મુંબઈમાં આયોજિત કાર્યક્રમને પણ મનભરીને માણવા રૂબરૂ પહોંચ્યા. પ્રવાસ, ખાણીપીણી અને પરિચિતોને હળવા-મળવામાં જ પોતાનું શ્રેય જોનારા તેમના માટે આ છેલ્લો પ્રવાસ બની રહ્યો. સ્મૃતિ પુસ્તક પ્રકાશિત થયાના પખવાડિયા પછી 19 જાન્યુઆરી 2019ની બપોરે તેમણે આખરી વિદાય લીધી. એ અગાઉ ઇન્દુમાસીએ આખરી દરકાર એ લીધી કે તારકભાઈની અંગત લાયબ્રેરીના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સામયિકો અને પ્રકાશિત સામગ્રીને તેનો યોગ્ય ભાવિ ઉપયોગ કરનારા મિત્રો સુધી પહોંચતા કર્યા.
નૂતનવર્ષના આશિર્વાદ : દિવાળી 2018

આવતા જનમમાં મને ત્રણ નહીં ચાર માસી મળે એવી આકાંક્ષા સાથે – આવજો ઇન્દુમાસી.

Wednesday, July 25, 2018

મેડિક્લેઇમ ક્લોઝર નોટિસ અને અંગ્રેજીની અધૂરપ : વાઘ આવ્યો રે વાઘ

ઇન્સ્યૂરન્સ કંપનીનું અંગ્રેજી
(Enlarge Image to Read Text)

રોટી, કપડાં ઔર મકાનની જેમ મેડિક્લેઇમ / Mediclaim એકવીસમી સદીની અનિવાર્ય જરૂરિયાત છે. મેડિક્લેઇમ પોલિસીની જવાબદારી અગાઉ સરકારીકરણ પામેલી ચાર કંપનીઓ નિભાવતી હતી. પોલિસીનું વેચાણ ધંધામાં પરિવર્તિત થયું એ પછી તેમાં ખાનગી વીમા કંપનીઓએ પણ ઝુકાવ્યું છે. ક્લેઇમ રકમ ચુકવવાની કે ચૂકવી નાખવાની જવાબદારી થર્ડ પાર્ટી આર્બિટ્રેટર કંપનીઓ પર નાખવામાં આવી તે પછી ફરિયાદોનું પ્રમાણ એટલું વધ્યું છે કે સમાધાન – પતાવટ માટે બીમા લોકપાલની જેમ મેડિક્લેઇમ લોકપાલની નિમણૂક કરવી પડે.

જેના શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેવી સો વર્ષ જૂની, વર્ષ
1919માં ટાટા સમૂહના ઉદ્યોગપતિ સર દોરાબજી ટાટા દ્વારા સ્થપાયેલી અને 1973માં જેનું રાષ્ટ્રીયકરણ થયું તેવી ન્યૂ ઇન્ડિયા એશ્યૂરન્સ કંપની લિમિટેડ / The New India Assurance Company Limited દ્વારા મળેલો એક પત્ર અને તેમાંનું લખાણ આપની સાથે વહેંચવું જરૂરી લાગે છે.

આ સાથે દર્શાવેલો પત્ર મને મળ્યો છે એવો સંખ્યાબંધ મેડિક્લેઇમ પોલિસી ધારકોને મળ્યો છે. મથાળું – સબ્જેક્ટ લાઇન જણાવે છે એમ આપની મેડિક્લેઇમ પોલિસી હવે બંધ કરવામાં આવે છે એવો અર્થ અને ગર્ભિત રીતે કહો તો ધમકી એમ ફલિત થાય છે. સંદેશાવ્યવહારના હાથવગા સાધન ફોન – મોબાઇલ મારફત વીમા કંપનીમાં પૂછપરછ કરતા જ પહેલા પ્રયત્ને સ્પષ્ટતા મળે છે કે કંપનીએ વર્ષ 2007ના ધારાધોરણો અનુસાર જે પોલિસી ઇસ્યૂ કરી હતી તેમાં ફેરફાર થયો છે. બાકી પોલિસી રિન્યૂ થવાની છે – રાબેતા મુજબ થવાની છે.

આમ થવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. મેડિક્લેઇમ પોલિસીના એક ધારક તરીકે પોતાની વાત કરું તો હું 1998થી આ પ્રકારની પોલિસી ધરાવું છું. તેના મોડ્યૂલમાં વખતોવખત ફેરફાર થયા હશે, એકથી વધુ વખત થયા હશે એ પણ બનવા જોગ છે. પરંતુ આપની મેડિક્લેઇમ પોલિસી અને તે અંતર્ગત મળતું વીમા કવચ પાછું ખેંચવામાં આવે છે એ મતલબની કોઈ સૂચના ક્યારેય મળી નથી – આપવામાં નથી આવી. સમય – સંજોગો – મોંઘવારી – બજારના બદલાતા જતા પરિમાણો સાથે કંપનીઓએ આવા ફેરફાર કરવા પડે છે. પત્રમાં લખ્યું છે તેમ અને મેં સમજ્યું એ પ્રમાણે ઉપરોક્ત પોલિસી 2007ના મોડ્યૂલને આધારે ઇસ્યૂ કરવામાં આવી હતી. અગિયાર વર્ષ વીતી ગયા પછી તેની શરતોમાં ફેરફાર કરવો પડે – લાવવો પડે એ સમજી શકાય એવું છે. પરંતુ એ પોલિસી હવે ઇસ્યૂ જ નહીં થાય અને પત્ર લખીને મથાળે ‘Withdrawal of Mediclaim Policy (2007)’ લખવું એ ઉતાવળે કાચું કપાયા જેવું થયું છે.

કાચું કપાયું છે તેની કોઈ જાહેર સ્પષ્ટતા કંપનીએ કરી નથી. વન-ટુ-વન વ્યક્તિગત ધોરણે ફોનથી કે રૂબરૂ સંપર્ક કરવામાં આવે ત્યારે કંપનીના ડેવલપમૅન્ટ ઑફિસર ઉપર જણાવી તે સમજૂતી આપે છે. પત્રના બીજા પેરેગ્રાફમાં કંપનીની બીજી કોઈ પ્રૉડક્ટ તરફ માઇગ્રેટ થવાનો વિકલ્પ ખૂલ્લો છે અને તે મેળવવા માટે નવું ફ્રેશ પ્રપોઝલ ફૉર્મ ભરી આપવું પડશે તેમ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે મથાળે દર્શાવેલી સૂચના અને પહેલા ફકરામાં જે કંઈ જણાવ્યું છે તેનાથી તદ્દન વિપરીત છે.

પચીસ રૂપિયાના ખર્ચે રજિસ્ટર્ડ પોસ્ટથી દરેક પોલિસીધારકને મોકલાયેલા પત્રની અસ્પષ્ટ – વિસંગત ભરેલી વિગતો જોતા એવો પ્રશ્ન પણ થાય છે કે ગ્રેજ્યુએટ – પોસ્ટગ્રેજ્યુએટ અને તેથી ઉપરનું ભણતર પામેલા લોકોની જ કર્મચારી તરીકે ભરતી કરતી વીમા કંપનીઓ પાસે અંગ્રેજીમાં દસ લીટીનો એક સાદો કાગળ – પત્ર સૌને સમજાય તેવી ભાષામાં ડ્રાફ્ટ કરી શકે તેવો કોઈ માણસ – મેનેજર નહીં હોય? નાનપણમાં વાંચેલી વાઘ આવ્યો રે વાઘ વાર્તા નવેસરથી અને નવા સદર્ભે યાદ કરાવવા બદલ વીમા કંપનીનો આભાર માનવો કે લમણે હાથ દેવો તે નક્કી થઈ શકતું નથી. પત્ર વાંચીને આપ આપનો વિકલ્પ નક્કી કરી શકો છો.

વીમા કંપનીઓની જાહેરખબરમાં વીમો આગ્રહની વિષયવસ્તુ નથી એવું ડિસક્લેઇમર મુકાય છે. હા, ભાષા મારા માટે આગ્રહની વિષયવસ્તુ છે તે બાબતે આ પોસ્ટ એ મારું ક્લેઇમર છે એમ સમજવું.