પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, July 23, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જૂન – 2014)

(જૂન – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 44મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જૂન – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 2 June 2014 at 11:00am)
સ્વતંત્રતા પ્રાપ્તિ પછી સ્થાપના પાછળનો ઉદ્દેશ પૂર્ણ થયાનું માનતા ગાંધીજીએ કૉંગ્રેસ પક્ષનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી. સોળમી લોકસભા ચૂંટણીના પરિણામો પછી સ્થાપના પાછળનો ઉદ્દેશ પૂર્ણ થયાનું માનતા આમ આદમી પાર્ટીના નાના-મોટા નેતાઓ કાર્યકરો રાજીનામા આપી પક્ષને વિસર્જનના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે.
* * * * * * *

(Tuesday, 3 June 2014 at 11:11am)
ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલીની સામૂહિક દુષ્કર્મ અને હત્યાઓની તાજી ઘટનાઓના સંદર્ભે...જત જણાવવાનું કે...
સસ્તી લોકપ્રિયતા માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવના યુવપણ (વડપણનું વિરૂદ્ધાર્થી) હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે મફત લેપટોપ (LAPTOP) વહેંચ્યા પછી...હવે પરિસ્થિતિ એવી છે કે...
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ગુનેગારોના ખોળામાં (Lap) રમે છે અને ગુનાખોરી શિખર (Top) પર બિરાજે છે.
* * * * * * *

ડોમીનોઝનો ‘ડોઝ’
(Friday, 6 June 2014 at 02:34pm)
ફાસ્ટફૂડ કે જંકફૂડ તરીકે વગોવાઈ ગયેલા પિત્ઝા પીરસતા ડોમીનોઝ પાર્લરનો પહેલો અને છેલ્લો અક્ષર ખૂબ મહત્વનો છે...
તેને સમયાંતરે પણ નિયમિત ખાવાથી તબિયત બગડે ત્યારે દવાનો ડોઝજ કામમાં આવે છે.
* * * * * * *

(Monday, 9 June 2014 at 12:00 Noon)
પ્રાથમિક શાળાના ભણતર અને ક્રિકેટની રમતમાં ઝાઝો તફાવત નથી...સિવાય કે...
...ભણતી વખતે પેન્સિલની અણી કાઢવી પડે છે...અને...
...ક્રિકેટ કીટના સ્ટમ્પની અણી તૈયાર આવે છે...
(નવા શૈક્ષણિક વર્ષની ઉઘડતી સ્કૂલના પ્રથમ દિવસે ડમડમબાબાનું ચોંકાવનારું તેમજ શૈક્ષણિક-કમ-બીનશૈક્ષણિક સંશોધન)
* * * * * * *

(Tuesday, 10 June 2014 at 12:00 Noon)
તડકે સુકવવા મુકેલી ચીજ શેકાઈ જાય એવી કાળઝાળ ગરમી પડી રહી છે.
* * * * * * *

(Thursday, 12 June 2014 at 09:40am)
ચૂંટણીકારણ, રાજકારણ અને સંદેશાવ્યવહાર સુવિધાને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું તદ્દન ચોંકાવનારું સંશોધન...
મે 2014ના અંતે દેશભરમાં 543 મોબાઇલ સીમ કાર્ડ ડીઍક્ટિવેટ્ થયા છે.
એમતમને કેવી રીતે ખબર પડી?”
લોકસભા ચૂંટણી જીતેલા 543 ઉમેદવારોએ સંસદસભ્ય બન્યા પછી તેમના જૂના સીમ કાર્ડ બદલીને નવા મોબાઇલ નંબર લઈ લીધા છે.
* * * * * * *

(Saturday, 14 June 2014 at 02:00pm)
કેમ હમણાંના મોર્નિંગ વૉકમાં દેખાતા નથી?”
નવું ઘર લીધું ને...સાત બેડ-રૂમનું. સવારે આંગણે આવેલું છાપું લઈ ગેલરીમાં વાંચવા જઉં અને તે પછી પ્રાતઃક્રિયાઓ માટે એકથી બીજા રૂમનો સર્ક્યુલર રૂટ ફરવામાં જ મોર્નિંગ વૉક થઈ જાય છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

સોળમી લોકસભાના પ્રથમ સંરક્ષણ મંત્રી અરૂણ જેટલી
(Monday, 16 June 2014 at 01:40pm)
પહેરવેશ અને સંરક્ષણને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું તદ્દન ચોંકાવનારું સંશોધન...
સંરક્ષણ મંત્રી લુંગી (એ.કે. એન્ટોની) કે લેંઘો-ઝભ્ભો (જ્યોર્જ ફર્નાન્ડિઝ) પહેરીને અથવા તેના સુધારેલા સ્વરૂપ જેવો કુર્તા-પાયજામો (અરૂણ જેટલી) પહેરીને સરહદ પર જાય એટલે ભારતીય સેનાના જવાનોનું અડધો અડધ મોરલ ડાઉન થઈ જાય છે. સાચ્ચે જ હોં!
* * * * * * *

મિથુન ચક્રવર્તી અને અમિતાભ બચ્ચન
(Wednesday, 18 June 2014 at 11:00am)
મિથુન ચક્રવર્તી જેમ ગરીબ ફિલ્મ નિર્માતાઓ માટે અમિતાભ બચ્ચન હતો...
...તે જ રીતે Micromax ‘ગરીબસ્માર્ટફોન ઇચ્છુકો માટે SAMSUNG છે...
* * * * * * *

(Friday, 20 June 2014 at 04:30pm)
જાડિયા-પાડિયા લોકો બુલેટ મોટરસાઇકલ પર સવાર હોય ત્યારે ખબર નથી પડતી કે બુલેટનું બોડી ક્યાંથી શરૂ થાય છે અને ખરેખરી ચેસીસક્યાંથી શરૂ થાય છે. ખરેખર હોં!
* * * * * * *

જમ્મુકશ્મીર રાજ્યને લાગુ પડતી કલમ 370નો શિલાલેખ
(Saturday, 21 June 2014 at 02:40pm)
ચૂંટણીઢંઢેરામાં આપેલા વચન પ્રમાણે શાસનની શરૂઆત કાશ્મીર સંબંધી બંધારણની 370મી કલમ રદ કરીને જ કરવાની હતી...પણ...
...પણ પછી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોની ફાળવણીનો ડ્રો રદ કરીને સંતોષ માની લીધો.
* * * * * * *

(Tuesday, 24 June 2014 at 10:20am)
બુરી નજર વાલે તેરા મુંહ કાલાનો ભાગ બીજો...
अच्छे दिन पे बुरी नजर रखने वालों, आपका मुंह काला...
* * * * * * *

(Wednesday, 25 June 2014 at 01:55pm)
ભારતીય રેલવેએ ભાડું વધારીને આજે 25મી જૂનથી તેનો અમલ કર્યા પછી ટ્રેનમાં દિલ્હી જવાનું ખૂબ મોંઘું થઈ ગયું...
...છેલ્લે મે મહિનામાં ગુજરાતમાંથી પચીસ સંસદસભ્યો ગયા તે ગયા...
(નોંધ : વડોદરાના છવ્વીસમા સંસદસભ્ય ખાનગી કંપની અદાણીના ભાડે લીધેલા પ્લેનમાં દિલ્હી ગયા હતા એ સહેજ જાણ માટે.)
* * * * * * *

(Friday, 27 June 2014 at 01:25pm)
કાકા, મુંબઈ સેન્ટ્રલ આવી ગયું. હવે તો ડબામાંથી નીચે ઉતરો. કોની રાહ જુઓ છો?
ભઇલા...ટિકિટ ચેકરની રાહ જોઉં છું. વખત છે ને રાતમાં ભાડું વધી ગયું હોય તો તફાવતની રકમ એને ચુકવીને જઉં ને...
ગુજરાત મેલમાં ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

રાણીકી વાવની સાખે તારક મહેતા પાટણના મિત્રો સાથે
(ડાબેથી) હેમન્ત તન્ના 
– પાટણ નગરપાલિકા પ્રમુખ, કિશોર મહેશ્વરી,
કે.સી. પટેલ (પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ 
 શિક્ષણકાર)
અને પ્રભાકર શુક્લ (નાટ્ય કળાકાર) 
(*)
(Sunday, 29 June 2014 at 08:06am)
તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’...
પરદેશના પ્રવાસોનું વર્ણન કરતું આવું એક પુસ્તક પ્રકાશિત થયું હતું...આજે તારક મહેતાની ટોળી પરદેશના નહીં પાટણના પ્રવાસે...રાણીકી વાવ જોવા...
* * * * * * *

(Monday, 30 June 2014 at 11:11am)
સુથારીકામના કારીગરો મોટી સંખ્યામાં જોઇએ છે...નેનો કાર માટે લાકડાના જેક બનાવવા. લાકડું કંપની પૂરું પાડશે. ગાડીની કિંમત ઘટાડવા માટે અત્યંત જરૂરી એવા આ પ્રોજેક્ટમાં સામેલ થવા...મળો યા લખો...
ટાટા મોટર્સ લિમિટેડ, આણંદ સાણંદ વચ્ચે આવતા કોઈ પણ પેટ્રોલપંપ પર.

ગયા મહિને અહીં મુકેલી મે – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે જુલાઈ મહિનામાં અહીં મુકેલી જૂન – 2011, જૂન – 2012 તેમજ જૂન 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/07/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Wednesday, July 09, 2014

સન્માનનો સિક્કો એટલે કે અસલી રબર સ્ટૅમ્પ


વાત મોડી લખું છું પણ તેની તીવ્રતા મોળી પડી હોય એવું જરા પણ લાગતું નથી. એવું માનવાને કોઈ કારણ પણ નથી. વાત જાણે એમ બની કે...

રક્તજૂથના સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનર
દર વર્ષે જૂન મહિનો આવે અને રક્તદાનની પ્રવૃત્તિને સામૂહિકપણે યાદ કરવામાં આવે છે. એમજ સમજોને કે 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરને અને 31મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે કે 15મી ઑગસ્ટે જેમ દેશદાઝનો ઉભરો ચઢે એમ જ 14મી જૂન આવે ને રક્તદાનની પ્રવૃત્તિની વાર્ષિક નોંધ લેવાય છે. માનવશરીરમાંના રક્તનો વિસ્તૃત અભ્યાસ કરી તેને ‘એ’ અને ‘બી’ એવા અલગ-અલગ જૂથમાં વર્ગીકૃત કરનાર અમેરિકન સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો / Karl Landsteiner જન્મદિવસ એટલે 14મી જૂન. રક્તદાન પ્રવૃત્તિને તેમના જન્મદિવસ સાથે જોડી કાર્લ લેન્ડસ્ટેઇનરને આ દિવસે સંભારવામાં આવે છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટી અને તેની સાથે સંલગ્ન શાખાઓ – સંસ્થાઓનો કાર્યક્રમ આયોજનમાં સિંહફાળો હોય છે. સારું છે, તેનાથી પ્રવૃત્તિને વેગ મળે છે. બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિરો)નું આયોજન કરવામાં આવે, રક્તદાન કરનારાઓનું સન્માન થાય કે કેમ્પ આયોજકોને મળતી સફળતાની નોંધ લેવાય તેનાથી સમાજમાં એક સારો દાખલો બેસે છે. હા, ક્યારેક કોઈ ચૂક થઈ જાય છે. જેવી આ વર્ષે થઈ.

વાત જાણે એમ બની કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 14મી જૂને નહીં પણ તેના પછીના દિવસ 15મી જૂને રક્તદાનની પ્રવૃત્તિને પ્રમાણવાનો એક જાહેર કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સાથે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી બે માતબર સંસ્થાઓ પણ કાર્યક્રમના આયોજનમાં સામેલ હતી. સરકારી, અર્ધ-સરકારી અને આ પ્રકારના કામમાં જોડાયેલી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજિત થાય તેવો જ કાર્યક્રમ હતો. જેમ કે કાર્યક્રમનો વિધિવત આરંભ થાય તે પહેલા આમંત્રિત મહેમાનો – આગંતુકોનું રજિસ્ટ્રેશન, કાર્યક્રમ સંબંધી વિગતો જણાવતો પૉર્ટફોલિઓ – આઈડેન્ટિટી ટેગ આપવો અને પછી ચા-નાસ્તો. ભજન (વક્તવ્યો) સાંભળીએ તે પહેલા સેમી-ભોજનનો પ્રબંધ. અહીં પણ એમ જ થયું.

સન્માનનો સિક્કો અને સ્ટૅમ્પ પેડ : જુગતજોડી
ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં નવા બંધાયેલા ભવ્યાતિભવ્ય ઑડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ સ્થળે હું પણ એક આમંત્રિતની રૂએ સવાર-સવારમાં જ પહોંચી ગયો. રજિસ્ટ્રેશનની વિધિ પછી પૉર્ટફોલિઓ કિટ લઈને ચા-નાસ્તા માટે આગળ વધતો હતો ત્યાંજ એક નહીં બે હાથ આડા આવ્યા. એકે મારા હાથમાં ગિફ્ટ થમાવી અને બીજા હાથે કહ્યું ‘લાવો તમારો બીજો હાથ’. હવે પછીની વાત ડાયલૉગ સ્વરૂપે જ વાંચીએ.
કેમ? શેના માટે?
તમારા કાંડા પર સિક્કો મારવાનો છે.
સિક્કો? શેના માટે?
આ તમને ગિફ્ટ આપીને તેની સાબિતી માટે. બીજીવાર લેવા આવો તો અમને ખબર પડી જાય ને.
તમારી ભલી થાય. રક્તદાન કરનારા કે એ પ્રવૃત્તિનો હિસ્સો બનીને સમાજસેવામાં ફાળો આપનારનું સન્માન પણ કરવું છે અને હારોહાર એમને અપ્રમાણિક પણ ધારી લેવા છે. આ હાળું જબરું. મગજ ફાટ-ફાટ જ થવું ઘટે. થઈ જ રહ્યું હતું છતાંયે કેમેય કરીને અટકાવી-ટકાવી રાખ્યું. એટલા માટે કે શાંતિથી આ બાબતની રજૂઆત કરીશ તો આમ સિક્કો મારવાનો ક્રમ અટકી જશે એવો મને વિશ્વાસ હતો.

સિક્કો મારવાની જવાબદારી જેમના માથે થોપી હતી તેઓ દેખાવે તાજા કૉલેજ પાસ-આઉટ યુવક-યુવતીઓ જણાતા હતા. માણસ અને અહીં તો આપે જેને આમંત્રણ આપી બોલાવ્યો છે તેના શરીર પર આમ રબર સ્ટૅમ્પના સિક્કા ન થોપાય તેવી દલીલ કરી. આ તો ગૌરવહનન અને ગુલામીની નિશાની જેવું છે એમ પણ સમજાવ્યું. પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. ખરેખર કરવાનું તો કંઈ હતું જ નહીં, જે કરતા હતા તેને અટકાવવાનું હતું. ‘અમને જેમણે સૂચના આપી છે તેમને વાત કરો’ એવા સૂચન સાથે તેઓમાંના એકે એક હોદ્દેદાર જણાતી વ્યક્તિ તરફ આંગળી ચીંધી. એ દિશામાં આગળ વધું તે પહેલા જ બીજી સૂચના આવી...‘તમે સિક્કો મરાવો છો કે પછી ગિફ્ટ મુકી દો છો?

હાથમાં પકડેલી ગિફ્ટને તો પડતી જ મૂકી. આત્મસન્માનને પડતું મુકવું પડે એ પહેલાનો એ સહેલો રસ્તો હતો. ગિફ્ટ શું હતી? એક દિવાલ ઘડિયાળ. ક્વાર્ટઝ્ મૂવમેન્ટ વાળી વૉલ ક્લોક. આજથી ત્રીસ વર્ષ અગાઉ પહેલવહેલી વાર 1985ની આસપાસ બજારમાં આવી ત્યારે સો રૂપિયાની કિંમતે મળતી આવી ઘડિયાળ આજે પણ 100/- રૂપિયામાં જ મળે છે. એક નવો પૈસો ઓછો નહીં ને એક વધારે પણ નહીં. ભેટમાં મળતી વસ્તુ અમૂલ્ય ગણાય એવી સાદી સમજણ હતી પણ હૈયાસૂઝ એમ કહેતી હતી કે એ લેવા માટે હથેળીમાં સિક્કો ના મરાવાય.

સન્માનના સિક્કા ના પડાવો, છાપ પડાવો
જેમની તરફ આંગળી ચીંધી હતી તે કાર્યક્રમ આયોજનના હોદ્દેદાર ભાઈને મળ્યો. આગળ જણાવી છે એ જ વાત તેમની આગળ કહી. સમજ્યા પણ ખરા. તેમની પાસે પણ દલીલ હતી કે ‘આ એક જાહેર સ્થળ છે. કાર્યક્રમ સાથે સંબંધ ના હોય તેવા લોકો સવારનો ચા-નાસ્તો તો ઝાપટી જ ગયા છે. ભેટ પણ લઈ જાય તો તેમનું શું કરવું?.’...‘આયોજકની રૂએ તમે એનો કોઈ વિકલ્પ શોધી કાઢો અથવા તો કાર્યક્રમના અંતે ઑડિટોરીયમમાંથી બહાર નીકળતી વ્યક્તિને જ ગિફ્ટ આપવાનું રાખો’ એવા સૂચન સાથે અને કાંડા પર સિક્કો મારવાનું કામ તાત્કાલિક અસરથી બંધ થાય છે તેવી ખાત્રી મેળવીને અમે છૂટા પડ્યા.

વિરોધનો મારો મુદ્દો સાચો અને સમયસરનો હતો એમ અન્ય હોદ્દેદારો અને સાથીમિત્રોએ પણ સ્વીકાર્યું. મને ખુદને આ પ્રસંગ સાથે વધુ એક વાર ખાતરી થઈ કે વાતમાં વજૂદ હોય તો વિરોધ કરી શકાય અને લાંબી-પહોળી લપમાં પડ્યા વિના તેનો નિવેડો લાવી શકાય છે.

આવો, આ પ્રકારનો જ નિવેડો લાવવાના કામનો પાટનગર પછીનો ભાગ બીજો અમદાવાદમાં ભજવી શકાય તેમ છે. અનલિમિટેડ ભોજનનો આનંદ ઓછો પણ વધુમાં વધુ વાનગીઓનો વિકલ્પ આપતી અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે રૂપિયા ગણી આપ્યા પછી થાળી લેવાનો ઑપ્શન એક જ વારનો ઉર્ફે સિંગલ ટાઇમ હોય છે. ભોજનની થાળી પર ગ્રાહક બીજી વાર હાથ નહીં અજમાવે તેની ખાતરી કઈ રીતે લેવામાં આવે છે? કાંડા પર સિક્કો મારીને. બીજી કોઈ રીત છે ખરી? હોય તો જરૂર જણાવશો.


(રંગીન તસવીરો : બિનીત મોદી)