પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, September 16, 2016

રણછોડભાઈ પુરાણી નામે ‘એક માણસની બે ઓળખ’ : સેવાદળના કાર્યકર અને કાર્ટૂનિસ્ટ

રણછોડભાઈ પુરાણી / RanchhodBhai Purani
કળાકાર અને કાર્યકર

ગ્રામીણ પત્રકારત્વ માટે જાણીતા ‘ગ્રામગર્જના’ / Gramgarjana પાક્ષિકના પ્રકાશક-તંત્રી મણિલાલ એમ. પટેલે / ManiLal M. Patel આ વર્ષની પંદરમી ઑગસ્ટ – સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદનનું આમંત્રણ આપતા ‘આવજો ને’ એટલું માત્ર ન કહેતાં એથી આગળ વધીને કહ્યું કે ‘ધ્વજવંદન મારા હસ્તે છે અને અમારા સેવાદળના એક સમયના સાથી કાર્યકરનો તમને પરિચય પણ કરાવવાનો છે.’ નામ શું? એમ પૂછ્યું તો મણિભાઈ બોલ્યા...

આપણું મંડળ - સેવાદળના બેજ સાથે
રણછોડભાઈ પુરાણી. મથાળે જાણીજોઇને નથી લખ્યો પણ પૂરો પરિચય આપવો હોય તો સેવાદળની આગળ ‘કૉંગ્રેસ’ શબ્દ ઉમેરવો પડે. કારકિર્દીમાં આગળ વધતાં તેઓ કાર્ટૂનિસ્ટ / Cartoonist પણ થયા અને નવ હજાર કાર્ટૂન દોરીને નિવૃત્ત થયા. નવ હજાર? એવો પ્રશ્ન થવો વાજબી છે. મને પણ થયો. પૂછ્યો તો ત્રાણુ વર્ષના રણછોડદાદા કહે થાય જ ને? રોજનું એક કાર્ટૂન કરવાનું હોય તે થાય જ ને. એક્સપ્રેસ જૂથના / Indian Express Group of News Papers ગુજરાતી દૈનિક ‘જનસત્તા’માં / Jansatta Gujarati Daily પાંત્રીસ વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયા હતા એટલે 1954થી 1984 વચ્ચેનાં ત્રીસ વર્ષ દરમિયાનના નવ હજાર કાર્ટૂનનો આંકડો માનવો જ પડે. અરે! તેમનાં પાંચથી વધુ કાર્ટૂન તો કેનેડાના મોન્ટ્રિયલ શહેરથી પ્રકટ થતા ‘ઇન્ટરનેશનલ સલોન ઑફ કાર્ટૂન્સ’માં પ્રકાશિત થયાં છે.
પરદેશમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ કાર્ટૂન
દાદા, કાર્ટૂન પ્રકટ કરવા સાથે કંઈ ઉપનામ રાખેલું કે?”
હોવે...દુબલે કાજી અને અસલી નામ પુરાણી.
દુબલે કાજી તમારા હાલના શરીરને બિલકુલ અનુરૂપ નામ છે. જોકે તમે તો મને અસલી નામ પુરાણીની જ થોડી વાતો કરો.

દસ પેઢીથી અમદાવાદમાં / Ahmedabad વસવાટ કરતા કુટુંબમાં જન્મેલા રણછોડભાઈ હરિલાલ પુરાણી / RanchhodBhai Purani કહે, 21 જુલાઈ 1924 મારી જન્મતારીખ અને જે ઘરમાં આપણે બેઠા છીએ એ જ મારું જન્મસ્થળ. બાપ-દાદા દલિત કુટુંબોના પુરાણી / Priest હતા. દલિતોના ઘરે સારો-માઠો પ્રસંગ હોય ત્યારે પૂજા - વિધિ-વિધાન કરાવવા જાય. ક્યારેક મને પણ સાથે લઈ જતા. હું તો બાળક હતો. ટીલાં-ટપકાં થાય એ બધું જોયા કરું. હા, આઠ વર્ષની ઉંમરે મારાંય લગ્ન થઈ ગયાં હતાં. અઢી વર્ષની બાળકીને નવોઢાનો સાજ-શણગાર કરી મા-બાપે કાખમાં તેડી મારી સાથે પરણાવી હતી. તેને ‘બાળલગ્ન’ / Child Marriage કહેવાય એવી તો મને બહુ મોડી, યુવાન વયે ખબર પડી.

ત્રણ દાયકા પહેલા કાર્ટૂનમાં છેલ્લી લીટીના સમાચાર...
...આજે છાપાના પહેલા પાને હોય છે
યુવાન એટલે ખરેખર ક્યારે? એવા મારા સવાલનો જવાબ આપતાં કહે કે બેંતાલીસની ચળવળમાં જોડાયો ત્યારે. ગાંધીજીએ 1942માં અંગ્રેજોને ભારત છોડી જવા / Quit India Movement હાકલ કરી, મેં એ ચળવળમાં જોડાવા ભણવાનું જ છોડી દીધું. મિડલ સ્કૂલનું એ સમયનું ભણતર આજના એસ.એસ.સી / SSC સમકક્ષનું કહેવાય. ચળવળને ટેકો કરવા અમદાવાદની કાપડ મિલોમાં હડતાળ પડી હતી. સ્કૂલો બંધ હતી. ભણવાનું – ભણાવવાનું ખોરંભે પડ્યું હતું. મેં ભણવાનું જ સમૂળગું મૂકી દીધું અને હિન્દ છોડો ચળવળમાં જોડાઈ ગયો. એ પહેલાં સુભાષચન્દ્ર બોઝના / Subhash Chandra Bose અધ્યક્ષસ્થાને સુરત – હરિપુરા ખાતે 1938માં યોજાયેલા એકાવનમાં કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા ગયો હતો. ચૌદ વર્ષની ઉંમરે અમદાવાદ બહારનો એ મારો પહેલો પ્રવાસ. આઝાદી પછી સેવાદળની પ્રવૃત્તિઓમાં સક્રિય થયો. લાગલાગટ પંચોતેર વર્ષ એમાં સેવા આપી. ‘કામ કર્યું’ એવો શબ્દ તો નોકરી માટે જ વપરાય એવી પાક્કી સમજણ ધરાવતા રણછોડભાઈના સેવાદળના સાથીઓ કોણ હતા? ખંડુભાઈ દેસાઈ / KhanduBhai Desai, શંકરલાલ જોશી / ShankarLal Joshi, રમણલાલ શાહ / RamanLal Shah અને કૃષ્ણવદન જોશી. કૃષ્ણવદન જોશી / Krishnavadan Joshi પાછળથી અમદાવાદ શહેરના નગરપતિ / Mayor થયા હતા. રમણલાલ શાહને તેમના કદાવર કદને કારણે ‘ડુક્કર’ ઉપનામથી ઓળખવામાં આવતા હતા એવી માહિતી પણ તેમણે આપી.

જૂનું પણ નવું લાગે તેવું અને આજના કોઈ પણ
રાજકીય પક્ષને બંધબેસતું આવે તેવું કાર્ટૂન
પુરાણીદાદા, તો પછી આ ચિત્રકારી – કાર્ટૂનકળા તરફ કઈ રીતે વળ્યા?
જવાબ આપતાં કહે ‘ગોરપદું’. બાપ-દાદાના ગોરકર્મને લઈ મારે તેમની સાથે જવાનું થતું. મારા ભાગે તો એ કામ કરવાનું કદી આવ્યું નહીં પણ વિધિ-વિધાનની શરૂઆત ગણપતિ સ્થાપનાથી થાય. ભીંત પર ગણપતિનું ચિત્રજી દોરવાનું કામ મારા ભાગે આવતું. ચિત્રકળામાં આ મારો પહેલો પ્રવેશ અને આગળ જતાં રસ-રુચિ પણ વધ્યાં. એ સમયે હિન્દી ફિલ્મોથી જાણીતા કનુ દેસાઈના કળાનિર્દેશનથી શોભતી ‘પૂર્ણિમા’ ફિલ્મ જોઇને ફિલ્મના મુખ્ય પાત્ર પૂર્ણિમા તેમજ ભગવાન શિવનાં ભીંતચિત્રો મેં કર્યાં હતાં. ઘર પાસે જ પ્રૌઢ શિક્ષણના સરકારી વર્ગો ચાલતા હતા. કૉંગ્રેસના આગેવાન કાર્યકર અને પાછળથી ગુજરાત સરકારમાં પ્રધાન થનાર ઇન્દુમતીબહેન શેઠ સમયાંતરે એ વર્ગોની મુલાકાતે આવે. મોટે ભાગે એ તેમની ફરજનો ભાગ હતું. મને ચિત્રો કરતો જુએ. તેમાંની અધૂરપ- ઊણપોને તેઓએ જોઈ અને મને તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કર્યો.

પરદેશમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ કાર્ટૂન
પ્રોત્સાહન પણ કેવું? કળાગુરુ રવિશંકર રાવળને / Ravishankar Raval સંબોધીને મારા નામજોગ ચિઠ્ઠી લખી આપી. પ્રીતમનગર અખાડા નજીકની બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં આવેલા તેમના ઘરમાં જ ચિત્રકામની સમજ-તાલીમ આપતા વર્ગો ચાલે. રસિકલાલ પરીખ (પાછળથી સી.એન. કળા વિદ્યાલયના આચાર્ય થયા હતા) પણ શીખવવા આવે. રવિશંકર રાવળ હિમાલય ચાલ્યા જતા રણછોડભાઈએ મોટા ભાગની તાલીમ રસિકલાલ પરીખ / RasikLal Parikh પાસેથી તેમના ડ્રોઇંગ ક્લાસ ‘ગુજરાત કલા સંઘ’ મારફત મેળવી. ફી કેટલી? મહિને બે રૂપિયા. સોંઘવારીના એ જમાનામાં પણ મોંઘી લાગતી ફી ઘરમાંથી ચૂકવાતી હતી કે બારોબાર એવું પુરાણીદાદાને આજે યાદ નથી. યાદ છે તો એટલું કે એ તાલીમને કારણે જીવનમાં સ્થિરતા આવી. ઘોરણસરનું કામ મેળવીને બે પૈસા રળી શક્યા.

ધોરણસરનું એટલે કેવું અને કેવી રીતે?”
1944માં ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં જોડાયા. ચન્દ્ર શાહ / Chandra Shah અને બંસીલાલ વર્મા ‘ચકોર’ / BanshiLal Verma ‘Chakor’ તેમના સાથીદારો હતા. ત્યાં સાત વર્ષ કામ કર્યું. એ ગાળામાં જ ચકોર આ ક્ષેત્રમાં વધુ સારી તક મળતાં મુંબઈ / Mumbai જતા રહ્યા. એ કારણે રણછોડભાઈ પુરાણીને તેમનું કામ, કળા બતાવવાની – ખીલવવાની તકો મોકળાશથી મળી. 1951માં એક્સપ્રેસ જૂથના / Indian Express Group of News Papers / http://indianexpress.com/ ગુજરાતી દૈનિક ‘જનસત્તા’માં / Jansatta Gujarati Daily આર્ટિસ્ટ તરીકે જોડાયા. અહીં બાળસાહિત્યકાર જીવરામ જોશી / Jivram Joshi અને કાર્ટૂનિસ્ટ શિવ પંડ્યાનો / Shiv Pandya સાથ હતો. શિવ પંડ્યાનું પચાસથી ઓછી વયે નહીં જવાની ઉંમરે અવસાન થયું એટલે કાર્ટૂન દોરવાની તંત્રીએ ચીંધેલી અચાનક આવી પડેલી જવાબદારી રણછોડભાઈ પુરાણીએ 1986માં તેઓ વયનિવૃત્ત થયા ત્યાં સુધી સંભાળી. એ પછી જીવનનિર્વાહ માટે એકાદ બે ગુજરાતી પ્રકાશકો સાથે કામ કર્યું જે વધતી ઉંમરનો તકાજો જોતાં અને દીકરાઓ તેમની કારકિર્દીમાં સ્થિર થતાં 2000ની સાલમાં બંધ કર્યું.

આપણું મંડળ - સેવાદળના
પોતે બનાવેલા સિમ્બૉલના બૅનર સાથે
આટલા બધા કામ વચ્ચે સેવાદળમાં સક્રિય કેવી રીતે રહ્યા?” જવાબમાં તેઓ કહે છે કે પ્રેસનું કામ પતે એટલે પાર્ટી ઑફિસે જવાનું. ત્યાં સિમ્બૉલ દોરવાના આવે, ડિઝાઇન કરવાની થાય, પોસ્ટર બનાવવાનાં આવે, ચૂંટણી સમયે પ્રચારસાહિત્ય તૈયાર કરવાનું કામ ભાગે આવે. બધું જ કર્યું. નિઃસ્વાર્થ ભાવે કર્યું એવી સ્પષ્ટતા કરવાની જરૂર મને તેમની આજની સ્થિતિ જોતાં લાગતું નથી. પાછળનાં વર્ષોમાં તેઓ સર્વોદય આંદોલન સાથે જોડાયા. લડતમાં ઉપયોગી થાય તેવી પ્રચારસામગ્રી તૈયાર કરવામાં રણછોડભાઈનો જોટો ન જડે. સર્વોદય આંદોલન સાથે જોડાયેલા અનેક કાર્યકરો સાથે પરિચયમાં આવ્યા. મુંબઈના આગેવાન કિશન ગોરડિયા / Kishan Goradia સાથે જોડાયેલો સંબંધ આજે પણ જળવાઈ રહ્યો છે તો અમદાવાદમાં ચુનીભાઈ વૈદ્ય / ChuniBhai Vaidya સાથે આજીવન રહેલો સંપર્ક ચુનીકાકાના અવસાન પછી તેમના પરિવાર સાથે ચાલુ રહ્યો છે.

આ ઘરમાં જ જનમ અને આ ઓટલેથી જ
ગાંધીજીને જોયાનું સ્મરણ
હરિપુરા અધિવેશન સિવાય ગાંધીજીને જોયાનું સ્મરણ પૂછતાં કહે આપણે જે ઘરમાં બેઠા છીએ તે રાયખડના આ ફળિયામાં ગાંધીજી એક વાર આવ્યા હતા. અને છેલ્લું સ્મરણ તો કહે ગાંધીજીની હત્યા થયાના સમાચાર 30 જાન્યુઆરી 1948ની સાંજે મળ્યા એ દિવસ શુક્રવાર હતો. એ દિ’ ને આજની ઘડી દર શુક્રવારે ઉપવાસ રાખું છું. વધતી ઉંમરે થોડાં વર્ષોથી સાંજે ફળાહારની છૂટ લઉં છું. આવી અને આ હદની જવલ્લે જોવા મળતી પ્રમાણિકતાના દાદા છેલ્લા અવશેષ છે એવું પ્રતીત થયા વગર ન રહે. મને બતાવવા તારવીને જુદાં કરેલાં પાંત્રીસ વર્ષ અગાઉ પ્રકાશિત થયેલાં ત્રીસ કાર્ટૂનમાંથી પાંચ તો એવાં નીકળ્યાં જેને 2016માં અખબારના પાને ચિપકાવી દો તો પણ તમે ખોટા ન પડો અને કાર્ટૂન સાચું પડે તેની ગૅરન્ટી.
ઑગસ્ટ 1981ના સમાચાર...
...ઑગસ્ટ 2016માં પણ સમાચાર જ રહ્યા

ગુજરાતી ભાષાના અનિયતકાલીન કાર્ટૂન માસિક ‘વાહ ભાઈ વાહ’ના તંત્રી-પ્રકાશક અને ખુદ અચ્છા કાર્ટૂનિસ્ટ એવા અશોક અદેપાલ / Ashok Adepal પોતાના સામયિકમાં તેમનો સંપૂર્ણ પરિચય આપતો લેખ કરવાનું કે એક સમયે જનસત્તા અખબારના તસવીરકાર રહી ચૂકેલા જગદીશ મેવા / Jagadish Mewa દિવ્ય ભાસ્કર અખબારની ‘કળશ’ પૂર્તિમાં તેમના કામની નોંધ એક લેખરૂપે લેવાનું ચૂક્યા નથી. પરંતુ ગુજરાત સરકારનો સાંસ્કૃતિક વિભાગ સામેથી અરજી કરાવીને પણ રણછોડભાઈ પુરાણીને તેમના કામની કદર કરી, પુરસ્કાર આપીને તેમનું ગૌરવ કરવાનું ચૂકી ગયો છે. એમ કહીને કે, તમે લાયક નથી અથવા તો (અરજી કરવામાં) મોડા પડ્યા છો. આ લખેલું જો સરકારને લાયકાતવિશેષ લાગતું હોય તો હજીય મોડું નથી થયું. ઘર નંબર 1694, સિદ્ધાર્થ ચોક, જયશંકર સુંદરી હૉલ પાછળ, રાયખડ, અમદાવાદ – 380 001ના સરનામે રહેતા રણછોડભાઈના પરિવારજનોના આ રહ્યા સંપર્ક નંબર +91 990 424 4602 / +91 942 943 8726. બે પુત્રો (ગૌરવ અને નિમેષ) તેમજ બે પુત્રીઓ (હેમલતા અને લીના)નો પરિવાર ધરાવતા રણછોડદાદાનાં ધર્મપત્ની મણિબહેન 2010માં પંચાસી વર્ષની વયે અવસાન પામ્યાં છે.


પુત્રો ગૌરવ અને નિમેષ
પુત્રી લીના સાથે રણછોડભાઈ પુરાણી
ગૌરવ પુરસ્કાર નિમિત્તે તેમના કામની સરકાર સ્તરે નોંધ લેવાય અને નિવૃત્તિ ટાણે 1986માં મળેલી પાંચ આંકડાની રૂપિયા 85000ની પ્રોવિડન્ટ ફંડ / Provident Fund રૂપી બચતને થોડો ટેકો થાય એવી ખેવના રાખવી શું ખોટી છે? એવું રણછોડદાદા મને પૂછી બેસે છે. હું કહું છું, ના રે ના. તમે સાચા જ છો. આ ઉપર જણાવી એ રકમ તો હવે તમારા પુરસ્કાર પર મતું મારનારા સરકારી અધિકારીના એક મહિનાના પગાર કરતાંય ઓછી છે.


(તસવીરો : બિનીત મોદી અને કાર્ટૂન સૌજન્ય પુરાણીદાદાનું)

Tuesday, September 06, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑગસ્ટ – 2016)

(ઑગસ્ટ – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 70મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑગસ્ટ – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ
હાશ ! ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી
યાદીમાં આપણું નામ નથી
(Wednesday, 3 August 2016 at 09:09am)
ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીઓના નામની યાદીમાં પોતાના નામનો સમાવેશ ન થતાં હિલેરી ક્લિન્ટનડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પક્ષ અનુક્રમે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો.
લિ. ગાંધીનગર સચિવાલયનો ગાઇડ
* * * * * * *

(
Monday, 8 August 2016 at 09:00am)
નવી સરકારનો નવો નિર્ણય...
ચાલુ વર્ષે સરકારી ખર્ચે રાખડીઓની ખરીદી બંધ.
લિ. આનંદિત બહેનનો રૂપાળો ભાઈ...કટકી કરે દીકરી ને જમાઈ
* * * * * * *

(
Thursday, 11 August 2016 at 12:12pm)
अच्छे दिन गए...
અમદાવાદ સ્થિત કર્ણાવતી ક્લબની લાઇફટાઇમ મેમ્બરશીપ ફી રૂપિયા પંદર લાખથી ઘટાડીને અગિયાર લાખ રૂપિયા કરવામાં આવી અથવા તો થઈ ગઈ.
લિ. કર્ણાવતીનો અમદાવાદી કાકાકૌઆ
* * * * * * *

(
Monday, 15 August 2016 at 12:12pm)
હિન્દુસ્તાનમાં વેપાર કરવા આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પગલે આવેલા બ્રિટિશરાજ અને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાના સિત્તેરમે વર્ષે હવે ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી Samsung, LG, Coca Cola, Pepsi, Honda, Ford અને Hyundai જેવી વિદેશી કંપનીઓની નિશ્રામાં થાય છે.
લિ. સેમસંગબાબા
* * * * * * *

(
રક્ષાબંધન : Thursday, 18 August 2016 at 11:11am)
ભાઈ મોડે સુધી ઘોરતો હશે તેવી ખાતરી રાખતી અને પોતાની માન્યતામાં ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી બહેન રક્ષાબંધનનો તહેવાર કાં તો આગલા દિવસે ઉજવે છે અથવા બળેવના દિવસે બપોર પછી ભાઈના ઘરે જાય છે.
તા.ક. બહેનો અને ભાઈઓ વીરપસલી રૂપે યથાશક્તિ કમૅન્ટ પ્રસાદી પાઠવી શકે છે.
લિ. સગ્ગી અને ધરમની એવી તમામ બહેનોનો ભાઈબંધ
* * * * * * *

(
Monday, 22 August 2016 at 11:11am)
સાતમા પગારપંચનો અમલ કરવાને કારણે આ મહિને ભારતમાં કમ્પ્યૂટર અને કેલક્યુલેટરનો એકસરખો ઉપયોગ થવાની વકી છે.
ઉર્જિત પટેલ (માલિક, પટેલ પ્રિન્ટીંગ પ્રેસ, મુકામ-પોસ્ટ નાસિક, મહારાષ્ટ્ર)
ઉર્જિત પટેલ
રિઝર્વ બૅન્કના ઑગસ્ટમાં નવનિયુક્ત
અને હવે સપ્ટેમ્બરમાં મુદતી ગવર્નર
નોંધ : ઉર્જિત પટેલે આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો જરા એમના નામે ઠપકારીએ તો અનામત માંગતા ગુજરાતના પટેલો જરા રાજી થાય.
લિ. લેપટોપબાબા
* * * * * * *

(
Wednesday, 24 August 2016 at 02:22pm)
રાજા રજવાડાના ઇતિહાસમાં નોંધાયું નથી...પણ એવી વાયકા છે કે વરસાદ પડે ત્યારે છત્રી ખોલવાવાળો, પકડવાવાળો અને બંધ કરવાવાળો એમ જુદા-જુદા ત્રણ સેવકો રાજાની સેવામાં તહેનાત રહેતા હતા.
લિ. રજવાડી સંશોધક
* * * * * * *

(
Friday, 26 August 2016 at 09:09am)
ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો કરતા શૂટિંગ ફ્લોર પરની ગુજરાતી ફિલ્મોની સંખ્યા વધી ગઈ છે.
લિ. અંગ્રેજી મીડિઅમની અમદાવાદી સ્કૂલનો ફ્રેન્ચ સંચાલક
* * * * * * *
‘સૌની’ યોજનાના લોકાર્પણને ‘ક્રાઇમ લર્ટ’નું લેબલ
                     સૌજન્ય : સંદેશ ન્યૂઝ ચેનલ                    
(*)

(
Tuesday, 30 August 2016 at 10:20am)
સમાચાર નંબર એક અને સમાચાર નંબર બે...
એક સૌરાષ્ટ્રને પાણીની સમસ્યાથી મુક્તિ અપાવનારી સૌની’ (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન) યોજનાનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર જિલ્લાની મુલાકાતે.
બે સલામતીના કારણોસર પીવાનું પાણી દિલ્હીથી સાથે લઇને આવશે.
લિ. પાણીકળો
* * * * * * *

(
Wednesday, 31 August 2016 at 11:20am)
સૌનીયોજનાના લોકાર્પણ માટે આજી-3 ડેમસાઇટ પર પહોંચેલા વડાપ્રધાન સહિતના સૌનેસેફ્ટિ હેલ્મિટ પહેરાવવાનું સાઇટ એન્જિનિઅરથી લઇને વડાપ્રધાનની સલામતી સાથે સંકળાયેલા સૌભૂલી ગયા.
લિ. યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિનો સભ્ય

ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑગસ્ટ – 2011, ઑગસ્ટ – 2012, ઑગસ્ટ – 2013, ઑગસ્ટ – 2014 તેમજ ઑગસ્ટ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2012/09/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)