પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, June 08, 2012

અમદાવાદની આજકાલ : કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી


અમદાવાદ અને ગરમીને બારમાંથી નવ મહિનાનું લેણુ છે. ડામરની સડક પર પાછલા આઠ – નવ મહિના દરમિયાન શહેરી નાગરિકોએ પાન-મસાલા-ગુટકાની પિચકારીના જે ડાઘા છોડ્યા છે તે માંડ છૂટે એવા છૂટક ઝાપટાં એક – બે દિવસ પડ્યા. ‘વાદળછાયા વાતાવરણે શહેરીજનોને ગરમીમાં રાહત આપી’ એવી વાતો લખવામાં બહુ સારી લાગે, અનુભવ ના થાય. આ ફોટામાં દેખાય છે તે શહેરી શ્રમજીવીને તો ક્યારેય નહીં.

કાળી મજૂરી’ – આ શબ્દ બોલ-ચાલની ભાષામાં ઘણી વાર સાંભળ્યો અથવા મુદ્રિત સ્વરૂપે એકાધિક વાર વાંચવામાં પણ આવ્યો હશે. હા, તેને કદી જોયો નહોતો. તમને થશે કે જે શબ્દ વાંચ્યો હોય એટલે તેને દેખ્યો છે એમ તો કહેવાય જ ને? આનો જવાબ હામાં આપવો કે નામાં એ તાત્કાલિક તો સૂઝતું નથી. તાત્કાલિક તો ઠીક, સમય મળે તો પણ સૂઝે એમ નથી. એમ કરીએ આ ફોટાના માધ્યમથી જ થોડું-ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ.

શહેરમાં દુર્લભ ગણાય તેવો
છાંયડો શોધતો બહાદુરસિંગ
બહુ જૂનો નથીમહિના પહેલા જ પાડ્યો છે આ ફોટો. સાઇકલ રીક્ષામાં માલસામાનની હેરફેરનું કામ કરતા શ્રમજીવી બહાદુરસિંગને પ્લમ્બિંગના સામાન – પાઇપની હેરફેર કરવાનો ફેરો મળ્યો છે. નક્કી થયેલી મજૂરીની રકમ તો સામાન સ્વીકારનાર પાર્ટી ચુકવે અને ગજવામાં આવે ત્યારે ખરું. બાકી એ પહેલા તો બહાદુરે પોતે રીપેરીંગના રૂપિયા ઢીલા કરવાનો વખત આવ્યો છે. એનો એને લેશમાત્ર રંજ નથી. રંજ છે તો એ બાબતનો કે મજૂરી કરતાં – કરતાં આપવી પડતી અમદાવાદી અગ્નિપરીક્ષા’નો.

ફેરો કરવાની શરૂઆત કરી ના કરીને જ સાઇકલ રીક્ષામાં પંક્ચર પડ્યું. ત્રણ પૈડાંની સાઇકલનું પંક્ચર બનાવવા તેને જેક પર ચઢાવવી પડે અને એ માટે રીક્ષા ખાલી કરવી પડે. જરા વિચારો કે અમદાવાદની / Ahmedabad ફોર્ટી પ્લસ એવી કાળઝાળ ગરમીમાં ખૂબ તપેલા એવા આ પાઇપને રીક્ષામાંથી ખાલી કરવા એટલે શું? મેં જોયું કે બહાદુરે પહેલા તો આજના શહેરો માટે દુર્લભ કહેવાય એવો છાંયડો શોધવા આમ-તેમ નજર કરી. ના મળ્યો એટલે પાસે હતું એ પીવાનું પાણી પાઇપ પર ઢોળ્યું. એથી ય ટાઢા ના થયેલા પાઇપ પર પંક્ચરની દુકાનવાળા પાસેથી માગી લીધેલા પાણીનો જળાભિષેક કર્યો. સામાન ખાલી થયે સાઇકલ રીક્ષાનું પંક્ચર બનાવી લેવડાવ્યા પછી ઉપર વર્ણવેલી પ્રક્રિયાનું પુનરાવર્તન. કારણ કે મજૂરીકામ માટે આગળ વધવાનું હતું.

અમદાવાદથી ય અધિક ગરમ એવા ગલ્ફ પ્રદેશમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવાનો મારો જાત અનુભવ એમ કહેતો હતો કે ઉનાળાની આ ગરમીમાં બહાદુરસિંગે ગરમ લહાય પાઇપ ઉતારવાનું જે કામ કર્યું એ માટે તેની પાસે હેન્ડ ગ્લોવ્ઝ (હાથના મોજાં) હોવા જોઇતા હતા. પંક્ચર બનાવવાનું કામ ચાલતું હતું એ દરમિયાન તેની સાથે વાત કરતાં આ મુદ્દો કહ્યો તો એ તેના માટે નવો તો નહોતો પણ તેની વાસ્તવિકતાનું વર્ણન જરા વિચિત્ર હતું. તેના કહેવા પ્રમાણે પાઇપ જ્યાંથી ચઢાવ્યા એ દુકાનદાર અને જ્યાં ઉતારવાના છે એ કન્સ્ટ્રક્શન સાઇટનો ફોરમેન માગીએ એટલે હાથ મોજાં આપે તો ખરા પણ કામ પૂરું થયે બન્ને જણા પોતપોતાના ઠેકાણે એ ચીજ પાછી માંગી લે. કેમ જાણે કોઈ કિમતી જણસ ના હોય.

અમદાવાદની ગરમીમાં
આ પાઇપને સ્પર્શ થાય? 

મજૂરીકામ કરનારા શ્રમજીવીને હેન્ડ ગ્લોવ્ઝ જેવી લક્ઝરી આઇટમ ખરીદવી પોસાય નહીં. પણ એમ થાય કે તેને કામ આપનારા અને સારો એવો નફો રળી લેતા દુકાનદાર કે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તેમના માટે ખર્ચની દૃષ્ટિએ સાવ નજીવી ગણાય તેવી ચીજ પણ શું કામ આમની પાસેથી પાછી લેતા હશે. તેમને એવો વિચાર કદી નહીં આવતો હોય કે સામાન હેરફેર કરનારે રસ્તામાં આ પાઇપને હાથ લગાડવાનો થશે ત્યારે તે શું કરશે? છાંયડો શોધશે કે પાણી શોધવા જશે? અને એમ કરતા માલસામાન સગે-વગે થાય તો મજૂરની શું વલે થાય.

કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી આને જ કહેતા હશેને?

10 comments:

 1. ભરતકુમાર ઝાલા10 June 2012 at 00:21

  અમદાવાદનો સાચો ને સ્પર્શી જતો પરિચય માત્ર ને માત્ર બિનિત મોદી જ કરાવી શકે. એક શહેરના કંઈ કેટલાય ચહેરાઓ હોય છે, એ વાત સાવ જ સાચી. ને બહાદુરસિંહ જેવા વ્યક્તિઓ તો મુસીબતને ચીરીને ય પોતાનો રસ્તો કાઢી લે છે, પણ એના તરફ પ્રેમથી જોવાની- એને બનતી મદદ કરવાની આપણા સૌની સાગમટી ફરજ છે જ, એ યાદ કરાવવા બદલ આભાર.

  ReplyDelete
 2. વાહ સાચી સંવેદના

  ReplyDelete
 3. you are right bharatbhai. i do occasionally see cars and scooters labled 'press' plying on our ahmedabad roads but am yet to read their stories on such bahadursinhs toiling in the scorching 40+ heat. let us therefore learn to thank our own modis ( no, not all modis are alike! ) and kotharis who help us think and feel about the the vast bharat that is doing કાળી મજૂરી for the tiny india that is shining.

  ReplyDelete
 4. Rajnikumar Pandya (Ahmedabad)11 June 2012 at 14:57

  દરેક શેઠિયાની શોષણની આગવી રીત હોય છે. થોડા સમય પહેલા મેં અદાણીની રિટૈલ શોપમાં સવારના દસથી સાંજના આઠ સુધી કાઉન્ટર પછવાડે ઉભી ને ઉભી રહેતી સેલ્સ ગર્લ્સની વાત 'ચિત્રલેખા'માં લખી હતી. એ જુવાન બાળાઓને કોઇ કસ્ટમર ના હોય તોય સ્ટૂલ પર બેસવાની મનાઇ હતી. બસ, ઉભા જ રહેવાનો કાયદો હતો. મેનેજરને કારણ પૂછ્યું તો કહે કે એથી એ લોકોને આળસ ચડી જાય છે.

  છૂપી ક્રૂરતા એ શેઠીયાઓનું આઇ.કાર્ડ છે.

  લેખ બહુ સરસ છે.

  રજનીકુમાર પંડ્યા (અમદાવાદ)

  ReplyDelete
 5. Binit, you have touched me with this post. if only there were more journalists like you! But ofcourse we will need atleast a few 'Sathias' like you. - Kiran Trivedi

  ReplyDelete
 6. હૃદયસ્પર્શી છે. બહુ પહેલાં કોઇ સામયિકમાં વાંચેલી એક વાર્તા યાદ આવી. એનું બીજું કશું યાદ નથી, પણ ઉનાળાની ભરબપોરે સાયકલરિક્ષામાં સામાન લાદીને એ કોઇને ઘરે ઉતારવા ગયો હતો. એ સજ્જન મોટા કલાકાર હતા (વાર્તામાં), પણ એમણે રિક્ષા ચલાવનાર ભાઇને પાણીનો ભાવ સરખો પૂછ્યો નહીં. એમની સઘળી કલાકારી મોટાઇ બતાવવામાં જ ખર્ચાઇ ગઇ.
  પોતે બધા માણસો સાથે સારી વર્તણૂંક કરે છે એના પણ માઇલેજ લેનારા અથવા માઇલેજ લેવા માટે જ સારી વર્તણૂંક કરતા હોય એવા લોકો કરતાં, તેનો સ્વાભાવિકતાથી અમલ કરતા રજનીભાઇ કે આશિષ કક્કડ જેવા વડીલો-મિત્રો એટલે જ વધારે સ્પર્શે છે.

  ReplyDelete
 7. સૌ મિત્રો,

  બ્લોગની બારમી પોસ્ટ (8 જૂન 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  રજનીકાકા - ઘર/પરિવારના કોઈ શુભ પ્રસંગે તરૂકાકી - તર્જની સાથે સાડી ખરીદવા ગયેલા તમે કાઉન્ટર પરની સેલ્સગર્લ્સએ ઘરાકની હાજરી તો ઠીક ગેરહાજરીમાં પણ ઊભું રહેવાનું એવો સવાલ તમે શો-રૂમના માલિકો સમક્ષ ઉઠાવેલો. આ મુદ્દે તમે કરેલો સ્વતંત્ર લેખ પણ યાદ આવી ગયો. મને લાગે છે આવા શો-રૂમ માલિકોના કર્મચારી થવું તે કરતા તો પાથરણા બજારમાં જાતે ધંધો કરવો સારો - બેસવા તો મળે.

  બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 21 જૂન 2012

  ReplyDelete
 8. Jayprakash Raval (Neenah, Wisconsin, USA)3 May 2013 at 00:25

  શ્રમનો મહિમા એટલા માટે છે કે 'લેબર ડે'ની રજા મળે છે. હકીકતમાં તો 'ભીખની બેન મજૂરી'. કાળી મજુરીના પૈસા ચુકવતી વખતે જાણે ભીખ અપાતી હોય કે ઉપકાર કરાતો હોય તેવો ભાવ હોય છે. ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે એવી આશા વ્યર્થ છે. ભૂખ હોય ત્યારે જઠરાગ્ની જાગેલો જ હોય. વધુ સમય ભૂખ્યા રહેવાથી ઊલટાની ભૂખ મરી જાય છે.

  જયપ્રકાશ રાવલ (નિનાહ, વિસ્કોન્સીન, અમેરિકા)
  (Response through FACEBOOK; Post Reshared on 02 May 2013, Post to Labour Day)

  ReplyDelete
 9. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
  12મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 08-06-2012 to 08-06-2013 – 560
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 10. પ્રિય મિત્રો,
  12મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 08-06-2013 to 08-06-2014 – 50

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete