ચંદુ રામજીભાઈ મહેરિયા |
કર્મશીલ, લેખક, પત્રકાર, સંપાદક, સંચાલક, વક્તા, કવિ, વિશ્લેષક, વિચારક જેવી અનેકવિધ ઓળખ ધરાવતા અને આ તમામ પાસાંઓમાં પોતાના ખંત, નિષ્ઠા અને અભ્યાસથી આગવું સ્થાન પ્રાપ્ત કરનારા તેમજ દલિત સાહિત્યના આરંભે તેની ઓળખ ઉભી કરનારામાં પાયારૂપ ગણ્યાંગાંઠ્યાંઓમાંના એક એવા ચંદુભાઈ મહેરિયા / Chandu Maheria આજે 28મી જૂને ચોપનમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે (જન્મવર્ષ –1959 : અમદાવાદ). અલબત્ત, તેમની પૂરેપૂરી ઓળખ માટે અલાયદો લેખ કરવો પડે, જે ક્યારેક અહીં આપવાની ઈચ્છા છે જ.
આ શીર્ષકની સાર્થકતા સમજવા માટે તેમણે લખેલું માનું શબ્દચિત્ર વાંચવું પડે તેમ છે. આંકડાની સહેજ ફેરબદલ કરીએ તો એમ પણ કહી શકાય કે આજે ૫૩ વર્ષ પૂરાં કરનાર ચંદુભાઈએ ૩૫ વર્ષની ઉંમરે ૧૯૯૪માં લખેલો આ લેખ તેમણે પોતે જ સંપાદિત કરેલા પુસ્તક 'માડી મને સાંભરે રે'માં ગ્રંથસ્થ થયો છે. આજે ચંદુભાઈના ચોપનમા જન્મદિન નિમિત્તે આ લેખ 'ડઈમાનો દીકરો' પ્રસ્તુત છે. ચંદુભાઈને સ્વસ્થ અને સક્રિય જીવનની અનેક શુભેચ્છાઓ. તેમનો સંપર્ક મોબાઇલ નંબર 98246 80410.
ડઈ માનો દીકરો
- ચંદુ મહેરિયા
માને મેં ભાગ્યે જ નિરાંતવે જીવ પગ વાળીને બેઠેલી જોઈ છે. દિવસ આખો ઢસરડો કરતી, કારણ અકારણ ચિંતાઓ કરતી મા જ મને જોવા મળી છે. કહે છે કે માના બાપને ત્યાં ભારે
જાહોજલાલી હતી. એના બાપા અને દાદાએ ન્યાત કરેલી અને રાણીછાપના રૂપિયા વહેંચેલા. નીચલા
વરણ માટે સહજ એવા બાળલગ્નનો મા પણ ભોગ બનેલી. બહુ નાની ઉંમરે એક પુત્રની મા બની એ રંડાઈને
પિયર પરત આવેલી. ત્યારબાદ માને ફરી ‘ઠામ બેસાડવા’માં (પુનર્લગ્ન) આવી. પોતાના પ્રથમ
લગ્નના પુત્રને એના કાકાઓ પાસે છોડી ‘મા’ એ ‘બા’ (અમે બાપાને ‘બા’ કહેતા)નું ઘર માંડ્યું. માના પિયરથી
ખૂબ દૂરના ગામના, એક દીકરીના પિતા બન્યા પછી ઘરભંગ
થયેલા, અમદાવાદની મિલમાં
મજૂરી કરતા, ‘કાળા સીસમ જેવા’ ‘બા’ સાથે માનું પુનર્લગ્ન થયું ત્યારે
ફળિયાના લોકોએ માના ભાઈઓ પર ‘છોડીને ખાડ મારસ’ કહી ફિટકાર વરસાવેલો. પણ જિંદગી
આખી દુઃખની ભઠ્ઠીમાં શેકાવાની પ્રતિજ્ઞા સાથે માએ જાણે કે એ પડકાર ઉપાડી લીધો અને જીવતર
ઉજાળ્યું.
ચંદુભાઈ મા ડાહીબેન સાથે
|
ગામડા ગામની મા મહાનગર અમદાવાદમાં / Ahmedabad આવી વસી. પ્રથમ લગ્ન પછી ઘરભંગ થઈ ‘ભગત’ બની ગયેલા પિતાને એણે સંસારમાં
પલોટવા માંડ્યા. ઓરમાન દીકરી અને સાસુ-સસરા સહિતનું વિશાળ સાસરિયું અને એટલું જ વિશાળ
પિયરિયું – એ સૌની વચ્ચે રહીને મા સ્વયં પોતાનો મારગ કંડારતી રહી.
‘તરેવડ ત્રીજો
ભઈ તે બૈરુ સ. ઘર ચ્યમનું ચલાવવું એ બૈરાના હાથમાં સ. તારા બા તીસ રૂપિયા પગાર લાવતા...એમનં
તો ઘર ચ્યમનું ચાલસ્ એ જ ખબર નંઈ. તમનં ચ્યમનાં
ભણાયા-ગણાયા-મોટા કર્યા એ તમનં શી ખબર...’ એમ મા ઘણી વાર કહે છે. માના જીવનસંઘર્ષને
જેમણે જોયો છે એ સૌ મોંમાં આંગળા નાંખી જાય છે. ‘આ ડઈ હોય
નય અનં રામાના ઘરની વેરા વર નય’ એમ કહેતાં ઘણાં વડીલોને મેં સાંભળ્યા
છે.
પાંચ ભાઈ અને બે બહેનોનું અમારું
વસ્તારી કુટુંબ ચલાવવાની જવાબદારી માના શિરે હતી. ‘બા’ તો સાવ ‘ભગત’ માણસ, માએ જો બધા સામાજિક વ્યવહારો નિભાવતાં – નિભાવતાં અમને ભણાવ્યા ન હોત તો અમે આજે
કદાચ આ સ્થિતિએ ન પહોંચ્યા હોત.
મા છાણાં વીણવા જતી, લાકડાં લાવતી, ભૂસું (લાકડાનો વ્હેર) લેવા જતી, કારખાનામાં તનતોડ મજૂરી કરતી, રજાના દિવસે મિલમાં સફાઈ કામે જતી
અને ઘરનું કામ તો ખરું. આ બધું કરતાં મારી અભણ મા કે જેને માટે કાળા અક્ષર ભેંસ બરાબર
છે અને જેને આજેય ચોપડી સીધી પકડી છે કે ઊંધી એનું ભાન નથી એ મા અમને સામે બેસાડી આંક
પૂછતી, કક્કો મોઢે બોલવા કહેતી...
પોતાનાં છોકરાંઓની સાથે જ એણે પોતાના
વિધુર મોટાભાઈઓના પુત્રોને પોતાના ઘરે રાખી ઉછેરીને મોટા કર્યા, પરણાવ્યા. એ જ લોકો જ્યારે માની સામે પડ્યા ત્યારે સ્વમાની માએ ફરી ‘ધાર મારીન’ એમના સામે જોયું નહિ. ઓરમાન દીકરી
સાથે માએ ઓરમાન મા જેવું વર્તન કર્યું હશે પણ એના ઉછેરમાં કચાશ નથી રાખી.
હું તો જન્મ્યો ત્યારથી જ મા માટે
દુઃખના ડુંગરો લઈ આવેલો. મારા જન્મને માંડ મહિનો થયો હશે અને એક રાતે
અચાનક આંચકી આવવી શરૂ થઈ. વરસતા વરસાદમાં ‘મા’, ‘બા’ મને લઈને દવાખાને દવાખાને ફરેલાં.
છેવટે ‘વાડીલાલ’માં (વી.એસ. હૉસ્પિટલ) દાખલ કરવો પડેલો. એ જ વખતે માને સુવારોગ લાગુ પડેલો જેણે એના શરીરને કાયમ માટે ચૂસી
લીધેલું.
વી.એસ. હૉસ્પિટલના / V.S. Hospital, Ahmedabad બિછાને
જ માને એક રાતે સ્વપ્નમાં કાળકા મા આવેલાં ! કાળકા માએ
જ મને દવાખાનેથી ઘેર લઈ જઈ એમની બાધા રાખવા કહેલું. માએ કાળકા માની વાત માની મારી બાબરી
રાખવાની બાધા માનેલી. પણ પછી હું સાજો જ નહોતો એટલે ચોટલી રખાવી વાળ ટૂંકા કરાવી નાંખેલા.
જો કે સંપૂર્ણ બાબરી ઉતરાવેલી નહિ. પાવાગઢ જઈને બાબરી ઉતારવાની આર્થિક જોગવાઈનાં વર્ષો
આવ્યાં ત્યારે તો હું ઠીક ઠીક સમજણો અને નાસ્તિક થઈ ગયેલો અને બાધા કરાવવાની વાતનો
મેં વિરોધ કરેલો. મા માની ગયેલી અને એમ જ મારી બાબરી (જન્મ સમયના જ વાળ) આજે ય અકબંધ
રહી છે. મારો બુદ્ધિવાદ માને ઘણી વાર અકળાવે છે પણ સંતાનના સુખમાં જ પોતાનું સુખ જોતી
મા એને વિવાદનો વિષય નથી બનાવતી.
1969ના કોમી રમખાણોએ જ્યારે માઝા મૂકી ત્યારે
એક દિવસ કર્ફ્યૂ છૂટ્યો કે તુરત મા અમને બધાં ભાઈ-બહેનોને મોસાળ મૂકવા ચાલી નીકળેલી.
અત્યંત ડરામણા એ દિવસોમાં રાજપુરથી મણિનગર સુધીના રેલવેના પાટે પાટે સૂનકારભર્યા રસ્તે
પોતાનાં બાળકો લઈને જતી માની નિર્ભયતા હજુ આજે ય સ્મૃતિપટે સચવાયેલી છે. એ પછી તો અનામત
કે કોમી રમખાણોનું કેન્દ્ર બની ગયેલા આ મહાનગરમાં માની નિર્ભયતાનાં અનેક વાર દર્શન
થયાં છે.
પણ આ જ માને મેં ઘણી વાર સાવ જ નિરાશ કે હતાશ થયેલી પણ જોઈ છે. મોટાભાઈનાં પ્રથમ
ત્રણ લગ્નો નિષ્ફળ ગયાં અને એ માટે માનું સાસુપણું કંઈક અંશે જવાબદાર લેખાયું ત્યારે
મા ઠીક ઠીક હતાશ થઈ ગયેલી... જોકે જાતને જાળવી લેતાં એને આવડે છે એટલે એ માર્ગ કાઢી
શકેલી.
મારી માનું જે એક ખાસ લક્ષણ મને ખૂબ સ્પર્શી ગયું છે તે એનો દીકરીઓ પ્રત્યેનો પક્ષપાત.
મેં ક્યારેય દીકરીઓ કરતાં દીકરાઓને વધુ ચાહતી માની કલ્પના જ કરી નથી. જો માએ પુત્રના
દુઃખ અને પુત્રીના દુઃખ એ બેમાંથી કોઈ એકના પક્ષે રહેવાનું આવે તો એ હંમેશાં પુત્રોને
છોડી પુત્રીઓના દુઃખમાં સહભાગી થવું જ પસંદ કરે છે.
દીકરી કમળાબેન સાથે ડાહીબેન
|
મેં બહુ ઓછી સ્ત્રીઓને આ રીતે પુત્રોને નારાજ કરીને પણ પુત્રીઓના પક્ષે રહેતી જોઈ
છે. મોટીબહેનના પ્રથમ બાળલગ્નની ફારગતી લખી ઘરે આવીને સાવ હતાશ થઈ બેસી પડેલા પિતાને
માએ જ આશ્વાસન આપેલું ! બીજીવારના લગ્ન પછી
એક પુત્ર પામી ઘરભંગ થયેલાં મોટીબહેનને સૌથી મોટી ઓથ માની જ હતી. સાવ ગરીબડી ગાય જેવાં
મોટીબહેન ગ્રેજ્યુએટ થઈ શક્યાં અને આજે સારી સરકારી નોકરી મેળવી શક્યાં છે એ માને જ
કારણે. જ્યારે ઘરભંગ થયેલાં મોટીબહેને સરકારી નોકરી કરી, પોતાના
પગ પર ઊભા રહી પોતાના દીકરા ‘અતીત’ને ઉછેરવાનું
સ્વીકાર્યું ત્યારે મા જ અમદાવાદનું બહોળું કુટુંબ, પતિ, દીકરા-વહુ
સૌને છોડી એમની સાથે સાબરકાંઠાના અજાણ્યા પ્રદેશમાં ચાલી નીકળેલી. આ જ મોટીબહેન જ્યારે
મેટ્રિકની પરીક્ષા પછી માંદાં પડ્યાં ત્યારે એલ.જી. હૉસ્પિટલમાં અઢાર દિવસ સુધી એમની
પથારી પાસે ન્હાયાધોયા સિવાય મા બેસી રહેલી. નાની બહેન અંજુ પ્રત્યેનો પ્રેમ લખવાનો
નહિ અનુભવવાનો વિષય છે.
કાનમાં વેડલા, ઘુલર લોરિયું, ગળામાં
આંહડી, ચીપોવાળા બલૈયાં, હવાશેરનાં
હાંકરા, એવાં એનાં ઘરેણાં મા ઘણી વખત ગણાવે છે. સોના-ચાંદીના
આ દાગીના વેચીને, ઊછી-ઉધાર કરીને, કાળી મજૂરી
કરીને એણે અમને ભણાવ્યાં છે. છતાં હવે એ હું નહિ હોઉં ત્યારે મારા ઓરતા આવશે એવું નથી
કહેતી પણ એ તો કહે છે: ‘માર સું, ઉં તો હારાના
હાતર કેસ્...જે કરો એ થોડાના હાતર્...હું કંઈ કાયમ્ જોવા રેવાની સું...’
દીકરા ચંદુના ઘરે માને 'નિરાંત'... |
અમે બધાં ભાઈ-બહેન નોકરીઓ મેળવી
થાળે પડવા માંડ્યાં છીએ. અભાવોમાં જીવતી માને હવે નિરાંતનો દમ ખેંચવા મળશે એમ લાગતું
હતું પણ પગવાળીને બેસવું એ માનો સ્વભાવ જ નથી. છેલ્લા એકાદ દાયકાથી એના સર્વ પ્રેમનું
કેન્દ્ર કમળાબહેનનો પુત્ર ‘અતીત’ બની રહ્યો છે. એની આગળ અમે બધા
તો ઠીક આ આખો સંસાર મા માટે ગૌણ બની ગયો છે. ભત્રીજા-ભત્રીજીઓ અને અતીતથી કિલ્લોલતા
ઘરમાં માની હાજરી હંમેશાં મંગલમય બની રહે છે. પિતાજીના દેહવિલય પછી માની જવાબદારીઓ
વધી ગઈ છે. ઉંમરના વધવા સાથે ભણતરમાં અને સમજણમાં પાછળ રહેતાં ભાઈઓનાં બાળકો માની ચિંતાનો
વિષય છે. ભાભીઓની અણઆવડત માને સાસુપણું દાખવવા ઉશ્કેરે છે. ‘હું લોકોનાં
છોકરાંની વાતો કરતી’તી અને મારા જ ઘરમાં આવાં છોકરાં’ એમ કહેતી માની વેદના ઉકેલવાની કોને
ફુરસદ છે? શાયદ આ જ મજબૂરીએ માને નાનાભાઈ
દિનેશભાઈ માટે ‘ભણેલી વહુ’ લાવવા વિવશ કરી હશે !
...અને માના ઘરમાં દીકરા ચંદુને 'નિરાંત'.
|
(આ તસવીર : ઉર્વીશ કોઠારી)
ધાર્મિક
વૃત્તિની માને સત્યનારાયણ પ્રત્યે વિશેષ લગાવ. રોજ સવારે ઉઠી ‘સતનારાયણ
દેવનો જે, આશનો આધાર વાલાજી’ કહેતી મા જેટલી સત્યનિષ્ઠ છે એટલી
જ આશાવાદી અને ભારે પરગજુ. ઘરના ન હોય તો અડોશપડોશના કે પછી કુટુંબ-સમાજના કોઈ ને કોઈ
કામે મા દોડાદોડી કરતી જ હોય. ‘ભઈ શું હારે બાંધી જવાનું સ’ એમ કહેતી માની લોકચાહના ગજબની છે.
મારી ‘ડઈમા’ (માનું નામ ડાહીબેન છે.) મારી જ નહિ રહેતાં અનેકની ‘ડઈમા’ બની ગઈ છે.
મોટાભાઈ અમદાવાદના રેલવે સ્ટેશન
પર ટિકિટ કલેક્ટર હતા ત્યારે ઘણાં લોકો સ્ટેશન પર એમને 'ચેકર સાહેબ' કે 'મહેરિયા સાહેબ'ને
બદલે ‘ડઈમાના દીકરા’ કે ‘છોકરા’ તરીકે જ ઓળખતા. મારા વિસ્તારમાં
મને પણ મારા નામ કે અટકને બદલે ‘ડઈમાના દીકરા’ તરીકે ઓળખનારાઓની સંખ્યા ખાસ્સી
મોટી છે !
વાણિયા-બામણના ભણેલા-ગણેલા, શાણા-સમજદાર છોકરાઓને મા ‘ડઈમાના દીકરા’ તરીકે ઓળખાવતી. આજે અમે પણ ભણી-ગણી, સારી નોકરીઓ મેળવી, સમજદાર
બની એ અર્થમાં પણ ‘ડઈ માના દીકરા’ બની શક્યા છીએ; એમાં અમારી
ભોળી, અભણ, રાંક
માનો ફાળો નાનોસૂનો નથી.
'ડઈમાના દીકરા' ચંદુભાઈએ સરસ લખ્યું છે. આખા જીવનકાળ પરથી બદલાતું સમાજ-જીવન અને તેમાં જીવતી જીંદગી વિષે પણ જાણવા મળે છે. ચંદુભાઈ ને આ બ્લોગ દ્વારા ચોપનમા વર્ષના જન્મદિનની શુભેચ્છાઓ.
ReplyDeleteબીનીતભાઈ, એક સૂચન કરું.
ReplyDeleteતમે જયારે ચંદુભાઈ વિષે અલાયદો લેખ લખો ત્યારે એની સાથે પૂરવણી રૂપે બે લેખ - 'મેયર્સ બંગલો' અને 'ગૃહપ્રવેશ' - મૂકશો તો આજે આપણે જેને એક દલિત લેખક-ચિંતક-કર્મશીલ રૂપે ઓળખીએ છીએ તેમને જન્મ સાથે જ કેવો ગરીબી,ગંદકી,ગુનાખોરી,ગીચતા,અભાવો અને ભેદભાવભર્યો માહોલ મળ્યો છે તેનો થોડોક અહેસાસ થશે. કારણકે તમારી પાડેલી છબીઓમાં રાજપુર-ગોમતીપુરમાં આવેલી એ 'અબુ કસાઈની ચાલી' કે જેમાં એમનું બાળપણ, યુવાની, ભણતર-ઘડતર વગેરે મહત્વના સમયખંડો પસાર થયા એની સહેજ પણ ઝાંખી મળતી નથી.
ગુલબાઈ ટેકરાનો 'હોલીવૂડ' વિસ્તાર કે ચમનપુરાના દેવીપૂજકની ચાલીઓ કે રખિયાલ-રાજપુર-ગોમતીપુરની દલિત ચાલીઓ કે ચંડોળા-ચામુંડાની મુસ્લિમ ઝૂપડપટ્ટીઓમાં આવા 'ચંદુઓ' પાકી શકે એ નવાઈની વાત નથી લાગતી!
ચંદુભાઈને જન્મદિનની હાર્દિક વધાઈ.
chandubhai falls in to 'rarest of rare' type. Yet to meet someone like him. neeravbhai has rightly remembered 'mayor's bunglow'. It's one of the most memorable autobiographical writings in Gujarati.
ReplyDeleteચંદુભાઈએ લખેલો 'મેયર્સ બંગલો' ગુજરાતી સાહિત્યનો વિશિષ્ટ આત્મકથાનક લેખ છે. ક્યારેક એ અહીં વાંચવા મળશે એવી અપેક્ષા છે.
ReplyDeleteચંદુભાઈને જન્મદિનની અનેક શુભેચ્છાઓ.
ચંદુભાઈને જેટલી વખત મળવાનું થયું એ બધી વખતે લાગ્યું છે, બાકીના ઘણા બધા કરતાં ચંદુભાઈ કંઈક, કંઈક નહિ ઘણા બધા અલગ છે. શું અલગ છે એ માટે તેમણે જેમ એમના નાના બહેન માટે લખ્યું તેમ, એ ‘લખવાનો નહિ, અનુભવવાનો વિષય છે.’ અને એમાં ડઈ માનો ફાળો નાનોસૂનો નથી, એ આ લેખ વાંચીને અનુભવી શકાય છે.
ReplyDeleteચંદુભાઈને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ચંદુભાઈ અદભુત વ્યક્તીત્વ છે, એમના જેવા સમર્પીત લેખક-પત્રકાર ઓછા જોયા છે, ખુબ પ્રેમાળ મીત્ર છે (મારા જેવા સરવાળે નવા-સવા મીત્ર પ્રતી પણ), ઠંડી તાકાત અને પ્રતીબદ્ધતા ધરાવતા કર્મશીલ છે. એમના પ્રદાન વગર ગુજરાત અને ગુજરાતી અધુરા છે. ખુબ ખુબ અભીનંદનો અને શુભેચ્છાઓ, ચંદુભાઈ.
ReplyDelete- કીરણ ત્રીવેદી
Chandubhai , Trepanma Varshman Pravesh mate modi modi pan Mubarakbadi. Ne Aa DahiMani vat to aa chhellan 50 varshni Gujaratni Badhi Maani Vaat chhe em kahu to khotu nahi kahevay .
ReplyDeleteThanks,
meenakshi
વિનમ્રતાની જિવંત મૂર્તિ જેવા ચંદુભાઇને મારા અભિનંદન.
ReplyDeleteરજનીકુમાર પંડ્યા (અમદાવાદ)
E-mail: rajnikumarp@gmail.com
ચંદુકાકાને જોઇને યુવાન રહેવાની મારી ઇચ્છા વધુ પ્રબળ બને છે.. તેમને જન્મ દિવસની લાખ લાખ શુભકામના
ReplyDeleteHu urvishbhai sathe sahamat 6u. Chandubhai jevo manas malalo mushkel 6e. Temanu nirabhimanipanu ane premalpanu hammesha sparshe 6e ane temana mate nu man ek kshan mate pan ghatatu nathi, je temana utkrusht vyaktitva ni sabiti 6e.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની પંદરમી પોસ્ટ (28 જૂન 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
જન્મદિન નિમિત્તે તેમના જ કોઈ લખાણ દ્વારા ચંદુભાઈનો બ્લોગ વિશ્વમાં પ્રવેશ થાય એવા એકમાત્ર આશયથી મુકાયેલી - ટાઇપ થયેલી આ પોસ્ટને મળેલા પ્રતિભાવથી મારા ઉત્સાહમાં ચોક્કસ વધારો થયો છે.
અને હા, નીરવ પટેલ - કિરણ ત્રિવેદી અને રજનીકુમાર પંડ્યા સરખા સમકાલીન મિત્રોની સાથે યુવાન મિત્રો તરફથી મળેલી શુભેચ્છાઓથી ‘ચંદુકાકા’ પણ રાજી - રાજી છે.
બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 9 જુલાઈ 2012
ચંદુભાઈને આપના માધ્યમથી જન્મદિનની શુભકામના.
ReplyDeleteવજુભાઈ પુનાણી (પોરબંદર, ગુજરાત)
(Response through FACEBOOK, 28 June 2013 : BLOG Post Re-shared on 28 June 2013, Chandu Maheria's 55th Birthday)
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
15મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 28-06-2012 to 28-06-2013 – 550
બિનીત મોદી (અમદાવાદ)
એક સરસ ગુજરાતી મનેખ જે મારા સરખાને દીવાદાંડીની ગરજ સારે છે.
ReplyDeleteવિપુલ કલ્યાણી (લંડન, બ્રિટન)
(Response through FACEBOOK, 28 June 2013 : BLOG Post Re-shared on 28 June 2013, Chandu Maheria's 55th Birthday)
સારાયે સમાજને ખરેખર તો તમારા જેવાના દીર્ઘાયુષ્યથી ફાયદો જ થવાનો છે પણ સવિશેષ તો દલિત સમાજને તમારા જેવા પરિપક્વ ને પ્રતિબદ્ધ વિચારક-લેખક-કર્મશીલની દોરવણીની ઘણી જરૂર છે, અને એટલે તમે ખૂબ લાંબુ જીવો એ તમારી ખુદની તો ફરજ બની જ રહે છે પણ સમગ્ર દલિત સમાજની પણ એ જવાબદારી બની રહેવી જોઈએ. ચંદુભાઈ, જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! અને બીનીત તમે ઠીક યાદ અપાવ્યું કે ચંદુભાઈએ હજી 54 જ પૂરાં કર્યાં છે, એટલે કે Despite all wear and tear, we expect him to hit a century at least !
ReplyDeleteનીરવ પટેલ (અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK, 28 June 2013 : BLOG Post Re-shared on 28 June 2013, Chandu Maheria's 55th Birthday)
ચંદુભાઇને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા !
ReplyDeleteજ્યોતિ ચૌહાણ (ગાંધીનગર, ગુજરાત)
(Response through FACEBOOK, 28 June 2013 : BLOG Post Re-shared on 28 June 2013, Chandu Maheria's 55th Birthday)
વિપુલભાઈ અને નીરવભાઈની વાતમાં સૂર પુરાવીને કહું છું કે ફક્ત દલિત સમાજને જ નહીં, સમસ્ત સમાજને ચંદુભાઈની ગરજ છે. ચંદુભાઈ થકી જે પામ્યો છું એ પૂરેપૂરું શબ્દોમાં વ્યક્ત થઈ શકે એમ નથી.
ReplyDeleteઉર્વીશ કોઠારી (મહેમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK, 28 June 2013 : BLOG Post Re-shared on 28 June 2013, Chandu Maheria's 55th Birthday)
comes tears in my eyes... i know Chandubhai from my childhood...
ReplyDeleteપ્રિય મિત્રો,
ReplyDelete15મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 28-06-2013 to 28-06-2014 – 130
બિનીત મોદી (અમદાવાદ)
બીનીતભાઈ મોદી અભિનંદન.....
ReplyDeleteવેબગુર્જરીપર આ લેખને મુકાવો...