પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, June 28, 2012

ચંદુ મહેરિયા : તિલક વિના ત્રેપન થયાં.....



ચંદુ રામજીભાઈ મહેરિયા

કર્મશીલ, લેખક, પત્રકાર, સંપાદક, સંચાલક, વક્તા, કવિ, વિશ્લેષક, વિચારક જેવી અનેકવિધ ઓળખ ધરાવતા અને આ તમામ પાસાંઓમાં પોતાના ખંત, નિષ્ઠા અને અભ્યાસથી આગવું સ્થાન પ્રાપ્ત કરનારા તેમજ દલિત સાહિત્યના આરંભે તેની ઓળખ ઉભી કરનારામાં પાયારૂપ ગણ્યાંગાંઠ્યાંઓમાંના એક એવા ચંદુભાઈ મહેરિયા / Chandu Maheria આજે 28મી જૂને ચોપનમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે (જન્મવર્ષ –1959 : અમદાવાદ). અલબત્ત, તેમની પૂરેપૂરી ઓળખ માટે અલાયદો લેખ કરવો પડે, જે ક્યારેક અહીં આપવાની ઈચ્છા છે જ.


આ શીર્ષકની સાર્થકતા સમજવા માટે તેમણે લખેલું માનું શબ્દચિત્ર વાંચવું પડે તેમ છે. આંકડાની સહેજ  ફેરબદલ  કરીએ  તો એમ પણ કહી શકાય કે આજે ૫૩ વર્ષ પૂરાં કરનાર ચંદુભાઈએ ૩૫ વર્ષની ઉંમરે ૧૯૯૪માં લખેલો આ લેખ તેમણે પોતે જ  સંપાદિત  કરેલા પુસ્તક 'માડી મને સાંભરે રે'માં ગ્રંથસ્થ થયો છે. આજે ચંદુભાઈના ચોપનમા જન્મદિન  નિમિત્તે આ લેખ 'ડઈમાનો દીકરો' પ્રસ્તુત છે. ચંદુભાઈને સ્વસ્થ અને સક્રિય જીવનની અનેક શુભેચ્છાઓ. તેમનો સંપર્ક મોબાઇલ નંબર 98246 80410.


ડઈ માનો દીકરો
                                               - ચંદુ મહેરિયા

માને મેં ભાગ્યે જ નિરાંતવે જીવ પગ વાળીને બેઠેલી જોઈ છે. દિવસ આખો ઢસરડો કરતી, કારણ અકારણ ચિંતાઓ કરતી મા જ મને જોવા મળી છે. કહે છે કે માના બાપને ત્યાં ભારે જાહોજલાલી હતી. એના બાપા અને દાદાએ ન્યાત કરેલી અને રાણીછાપના રૂપિયા વહેંચેલા. નીચલા વરણ માટે સહજ એવા બાળલગ્નનો મા પણ ભોગ બનેલી. બહુ નાની ઉંમરે એક પુત્રની મા બની એ રંડાઈને પિયર પરત આવેલી. ત્યારબાદ માને ફરી ઠામ બેસાડવામાં (પુનર્લગ્ન) આવી. પોતાના પ્રથમ લગ્નના પુત્રને એના કાકાઓ પાસે છોડી મા એ બા (અમે બાપાને બા કહેતા)નું ઘર માંડ્યું. માના પિયરથી ખૂબ દૂરના ગામના, એક દીકરીના પિતા બન્યા પછી ઘરભંગ થયેલાઅમદાવાદની મિલમાં મજૂરી કરતાકાળા સીસમ જેવા’ ‘બા સાથે માનું પુનર્લગ્ન થયું ત્યારે ફળિયાના લોકોએ માના ભાઈઓ પર છોડીને ખાડ મારસ કહી ફિટકાર વરસાવેલો. પણ જિંદગી આખી દુઃખની ભઠ્ઠીમાં શેકાવાની પ્રતિજ્ઞા સાથે માએ જાણે કે એ પડકાર ઉપાડી લીધો અને જીવતર ઉજાળ્યું.

ચંદુભાઈ મા ડાહીબેન સાથે

ગામડા ગામની મા મહાનગર અમદાવાદમાં / Ahmedabad આવી વસી. પ્રથમ લગ્ન પછી ઘરભંગ થઈ ભગત બની ગયેલા પિતાને એણે સંસારમાં પલોટવા માંડ્યા. ઓરમાન દીકરી અને સાસુ-સસરા સહિતનું વિશાળ સાસરિયું અને એટલું જ વિશાળ પિયરિયું – એ સૌની વચ્ચે રહીને મા સ્વયં પોતાનો મારગ કંડારતી રહી.

તરેવડ ત્રીજો ભઈ તે બૈરુ સ. ઘર ચ્યમનું ચલાવવું એ બૈરાના હાથમાં સ. તારા બા તીસ રૂપિયા પગાર લાવતા...એમનં તો ઘર ચ્યમનું  ચાલસ્ એ જ ખબર નંઈ. તમનં ચ્યમનાં ભણાયા-ગણાયા-મોટા કર્યા એ તમનં શી ખબર... એમ મા ઘણી વાર કહે છે. માના જીવનસંઘર્ષને જેમણે જોયો છે એ સૌ મોંમાં આંગળા નાંખી જાય છે. આ ડઈ હોય નય અનં રામાના ઘરની વેરા વર નય એમ કહેતાં ઘણાં વડીલોને મેં સાંભળ્યા છે.

પાંચ ભાઈ અને બે બહેનોનું અમારું વસ્તારી કુટુંબ ચલાવવાની જવાબદારી માના શિરે હતી. બા તો સાવ ભગત માણસ, માએ જો બધા સામાજિક વ્યવહારો નિભાવતાં – નિભાવતાં અમને ભણાવ્યા ન હોત તો અમે આજે કદાચ આ સ્થિતિએ ન પહોંચ્યા હોત.

મા છાણાં વીણવા જતી, લાકડાં લાવતી, ભૂસું (લાકડાનો વ્હેર) લેવા જતી, કારખાનામાં તનતોડ મજૂરી કરતી, રજાના દિવસે મિલમાં સફાઈ કામે જતી અને ઘરનું કામ તો ખરું. આ બધું કરતાં મારી અભણ મા કે જેને માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે અને જેને આજેય ચોપડી સીધી પકડી છે કે ઊંધી એનું ભાન નથી એ મા અમને સામે બેસાડી આંક પૂછતી, કક્કો મોઢે બોલવા કહેતી...

પોતાનાં છોકરાંઓની સાથે જ એણે પોતાના વિધુર મોટાભાઈઓના પુત્રોને પોતાના ઘરે રાખી ઉછેરીને મોટા કર્યા, પરણાવ્યા. એ જ લોકો જ્યારે માની સામે પડ્યા ત્યારે સ્વમાની માએ ફરી ધાર મારીન એમના સામે જોયું નહિ. ઓરમાન દીકરી સાથે માએ ઓરમાન મા જેવું વર્તન કર્યું હશે પણ એના ઉછેરમાં કચાશ નથી રાખી.

હું તો જન્મ્યો ત્યારથી જ મા માટે દુઃખના ડુંગરો લઈ આવેલો. મારા જન્મને માંડ મહિનો થયો હશે અને એક રાતે અચાનક આંચકી આવવી શરૂ થઈ. વરસતા વરસાદમાં મા’, ‘બા મને લઈને દવાખાને દવાખાને ફરેલાં. છેવટે વાડીલાલમાં (વી.એસ. હૉસ્પિટલ) દાખલ કરવો પડેલો. એ જ વખતે માને સુવારોગ લાગુ પડેલો જેણે એના શરીરને કાયમ માટે ચૂસી લીધેલું.

વી.એસ. હૉસ્પિટલના / V.S. Hospital, Ahmedabad બિછાને જ માને એક રાતે સ્વપ્નમાં કાળકા મા આવેલાંકાળકા માએ જ મને દવાખાનેથી ઘેર લઈ જઈ એમની બાધા રાખવા કહેલું. માએ કાળકા માની વાત માની મારી બાબરી રાખવાની બાધા માનેલી. પણ પછી હું સાજો જ નહોતો એટલે ચોટલી રખાવી વાળ ટૂંકા કરાવી નાંખેલા. જો કે સંપૂર્ણ બાબરી ઉતરાવેલી નહિ. પાવાગઢ જઈને બાબરી ઉતારવાની આર્થિક જોગવાઈનાં વર્ષો આવ્યાં ત્યારે તો હું ઠીક ઠીક સમજણો અને નાસ્તિક થઈ ગયેલો અને બાધા કરાવવાની વાતનો મેં વિરોધ કરેલો. મા માની ગયેલી અને એમ જ મારી બાબરી (જન્મ સમયના જ વાળ) આજે ય અકબંધ રહી છે. મારો બુદ્ધિવાદ માને ઘણી વાર અકળાવે છે પણ સંતાનના સુખમાં જ પોતાનું સુખ જોતી મા એને વિવાદનો વિષય નથી બનાવતી.

1969ના કોમી રમખાણોએ જ્યારે માઝા મૂકી ત્યારે એક દિવસ કર્ફ્યૂ છૂટ્યો કે તુરત મા અમને બધાં ભાઈ-બહેનોને મોસાળ મૂકવા ચાલી નીકળેલી. અત્યંત ડરામણા એ દિવસોમાં રાજપુરથી મણિનગર સુધીના રેલવેના પાટે પાટે સૂનકારભર્યા રસ્તે પોતાનાં બાળકો લઈને જતી માની નિર્ભયતા હજુ આજે ય સ્મૃતિપટે સચવાયેલી છે. એ પછી તો અનામત કે કોમી રમખાણોનું કેન્દ્ર બની ગયેલા આ મહાનગરમાં માની નિર્ભયતાનાં અનેક વાર દર્શન થયાં છે.

પણ આ જ માને મેં ઘણી વાર સાવ જ નિરાશ કે હતાશ થયેલી પણ જોઈ છે. મોટાભાઈનાં પ્રથમ ત્રણ લગ્નો નિષ્ફળ ગયાં અને એ માટે માનું સાસુપણું કંઈક અંશે જવાબદાર લેખાયું ત્યારે મા ઠીક ઠીક હતાશ થઈ ગયેલી... જોકે જાતને જાળવી લેતાં એને આવડે છે એટલે એ માર્ગ કાઢી શકેલી.

મારી માનું જે એક ખાસ લક્ષણ મને ખૂબ સ્પર્શી ગયું છે તે એનો દીકરીઓ પ્રત્યેનો પક્ષપાત. મેં ક્યારેય દીકરીઓ કરતાં દીકરાઓને વધુ ચાહતી માની કલ્પના જ કરી નથી. જો માએ પુત્રના દુઃખ અને પુત્રીના દુઃખ એ બેમાંથી કોઈ એકના પક્ષે રહેવાનું આવે તો એ હંમેશાં પુત્રોને છોડી પુત્રીઓના દુઃખમાં સહભાગી થવું જ પસંદ કરે છે.

દીકરી કમળાબેન સાથે ડાહીબેન

મેં બહુ ઓછી સ્ત્રીઓને આ રીતે પુત્રોને નારાજ કરીને પણ પુત્રીઓના પક્ષે રહેતી જોઈ છે. મોટીબહેનના પ્રથમ બાળલગ્નની ફારગતી લખી ઘરે આવીને સાવ હતાશ થઈ બેસી પડેલા પિતાને માએ જ આશ્વાસન આપેલું બીજીવારના લગ્ન પછી એક પુત્ર પામી ઘરભંગ થયેલાં મોટીબહેનને સૌથી મોટી ઓથ માની જ હતી. સાવ ગરીબડી ગાય જેવાં મોટીબહેન ગ્રેજ્યુએટ થઈ શક્યાં અને આજે સારી સરકારી નોકરી મેળવી શક્યાં છે એ માને જ કારણે. જ્યારે ઘરભંગ થયેલાં મોટીબહેને સરકારી નોકરી કરી, પોતાના પગ પર ઊભા રહી પોતાના દીકરા અતીતને ઉછેરવાનું સ્વીકાર્યું ત્યારે મા જ અમદાવાદનું બહોળું કુટુંબ, પતિ, દીકરા-વહુ સૌને છોડી એમની સાથે સાબરકાંઠાના અજાણ્યા પ્રદેશમાં ચાલી નીકળેલી. આ જ મોટીબહેન જ્યારે મેટ્રિકની પરીક્ષા પછી માંદાં પડ્યાં ત્યારે એલ.જી. હૉસ્પિટલમાં અઢાર દિવસ સુધી એમની પથારી પાસે ન્હાયાધોયા સિવાય મા બેસી રહેલી. નાની બહેન અંજુ પ્રત્યેનો પ્રેમ લખવાનો નહિ અનુભવવાનો વિષય છે.

કાનમાં વેડલા, ઘુલર લોરિયું, ગળામાં આંહડી, ચીપોવાળા બલૈયાં, હવાશેરનાં હાંકરા, એવાં એનાં ઘરેણાં મા ઘણી વખત ગણાવે છે. સોના-ચાંદીના આ દાગીના વેચીને, ઊછી-ઉધાર કરીને, કાળી મજૂરી કરીને એણે અમને ભણાવ્યાં છે. છતાં હવે એ હું નહિ હોઉં ત્યારે મારા ઓરતા આવશે એવું નથી કહેતી પણ એ તો કહે છે: ‘માર સું, ઉં તો હારાના હાતર કેસ્...જે કરો એ થોડાના હાતર્...હું કંઈ કાયમ્ જોવા રેવાની સું...
દીકરા ચંદુના ઘરે માને 'નિરાંત'...
અમે બધાં ભાઈ-બહેન નોકરીઓ મેળવી થાળે પડવા માંડ્યાં છીએ. અભાવોમાં જીવતી માને હવે નિરાંતનો દમ ખેંચવા મળશે એમ લાગતું હતું પણ પગવાળીને બેસવું એ માનો સ્વભાવ જ નથી. છેલ્લા એકાદ દાયકાથી એના સર્વ પ્રેમનું કેન્દ્ર કમળાબહેનનો પુત્ર અતીત બની રહ્યો છે. એની આગળ અમે બધા તો ઠીક આ આખો સંસાર મા માટે ગૌણ બની ગયો છે. ભત્રીજા-ભત્રીજીઓ અને અતીતથી કિલ્લોલતા ઘરમાં માની હાજરી હંમેશાં મંગલમય બની રહે છે. પિતાજીના દેહવિલય પછી માની જવાબદારીઓ વધી ગઈ છે. ઉંમરના વધવા સાથે ભણતરમાં અને સમજણમાં પાછળ રહેતાં ભાઈઓનાં બાળકો માની ચિંતાનો વિષય છે. ભાભીઓની અણઆવડત માને સાસુપણું દાખવવા ઉશ્કેરે છે. હું લોકોનાં છોકરાંની વાતો કરતીતી અને મારા જ ઘરમાં આવાં છોકરાં એમ કહેતી માની વેદના ઉકેલવાની કોને ફુરસદ છે? શાયદ આ જ મજબૂરીએ માને નાનાભાઈ દિનેશભાઈ માટે ભણેલી વહુ લાવવા વિવશ કરી હશે !

  ...અને માના ઘરમાં દીકરા ચંદુને 'નિરાંત'.

(આ તસવીર : ઉર્વીશ કોઠારી) 

ધાર્મિક વૃત્તિની માને સત્યનારાયણ પ્રત્યે વિશેષ લગાવ. રોજ સવારે ઉઠી સતનારાયણ દેવનો જે, આશનો આધાર વાલાજી કહેતી મા જેટલી સત્યનિષ્ઠ છે એટલી જ આશાવાદી અને ભારે પરગજુ. ઘરના ન હોય તો અડોશપડોશના કે પછી કુટુંબ-સમાજના કોઈ ને કોઈ કામે મા દોડાદોડી કરતી જ હોય. ભઈ શું હારે બાંધી જવાનું સ એમ કહેતી માની લોકચાહના ગજબની છે. મારી ડઈમા (માનું નામ ડાહીબેન છે.) મારી જ નહિ રહેતાં અનેકની ડઈમા બની ગઈ છે.

મોટાભાઈ અમદાવાદના રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર હતા ત્યારે ઘણાં લોકો સ્ટેશન પર એમને 'ચેકર સાહેબ' કે 'મહેરિયા સાહેબ'ને બદલે ડઈમાના દીકરા કે છોકરા તરીકે જ ઓળખતા. મારા વિસ્તારમાં મને પણ મારા નામ કે અટકને બદલે ડઈમાના દીકરા તરીકે ઓળખનારાઓની સંખ્યા ખાસ્સી મોટી છે 

વાણિયા-બામણના ભણેલા-ગણેલા, શાણા-સમજદાર છોકરાઓને મા ડઈમાના દીકરા તરીકે ઓળખાવતી. આજે અમે પણ ભણી-ગણી, સારી નોકરીઓ મેળવીસમજદાર બની એ અર્થમાં પણ ડઈ માના દીકરા બની શક્યા છીએ; એમાં અમારી ભોળી, અભણ, રાંક માનો ફાળો નાનોસૂનો નથી.

Tuesday, June 19, 2012

યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશ


યશવન્ત મહેતા : આજે પંચોતેરમાં પ્રવેશ,
પત્ની દેવીબહેન સાથે..... 

સક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જિલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ રહ્યો છે એમ કહેવું જોઇશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના માત્ર નહીં, વખતોવખત – વર્ષમાં બે-ચાર વાર બાલદિન / Children's Day સિવાય પણ બાળકોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કરવાની સક્રિયતા તેમણે બતાવી છે, હજી ચાલુ છે. સ્થળ – સમય કે બાળકોની સંખ્યાને લક્ષમાં લીધા વિના બાળકોની પ્રવૃત્તિઓમાં તેઓ હોંશભેર જોડાય છે. એ માટે જાત ઘસી નાંખવાની કે ખિસ્સા પર ઘસરકો પડે તેની આગોતરી તૈયારી પણ યશદાદાએ રાખી જ હોય. આ યશદાદા એ બાળકોએ આપેલું હુલામણું નામ છે.

એમ તો યશવન્તભાઈ / Yeshwant Mehta એક જમાનામાં જાવા મોટરસાઈકલ ચલાવતા હતા. મને લાગે છે એના પર સવાર થયેલા યશવન્ત મહેતા ખરેખર 'દાદા' જેવા જ લાગતા હશે. ગુજરાતી પત્રકારત્વની નોકરીમાં ઝીણું કાંતવાનો – પુષ્કળ લખવાનો અને બદલામાં આછો – પાતળો પગાર પામવાનો જમાનો હતો એવા દિવસોમાં તેમણે આ મોટરસાઈકલ વસાવેલી. શરીર પાસેથી લેતા હતા એટલું જ કામ એ જાવા / Jawa Motorcycle પાસેથી લેતા. સમવયસ્ક અને સમવ્યવસાયી મિત્રો પણ તેને ખપમાં લેતા. એની વાત આગળ ઉપર.

પત્રકારત્વ – લેખનની વ્યવસાયી કામગીરીના નાતે હું જ્યાં જોડાયેલો છું તે પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય કે લેખકો – પત્રકારોના સંગઠન ગુજરાતી લેખક મંડળ / Gujarati Lekhak Mandal સાથે યશવન્તભાઈ વર્ષોથી જોડાયેલા છે. મંડળના તેઓ અધ્યક્ષ છે. એ રીતે તેમની સાથે વાત – વિવાદ કે ડાયલોગ થવાના સંજોગ ઊભા થતા રહે. આવી જ એક વાતચીત દરમિયાન કહેતા કેપાસે વાહન હોવું એ 1990 પહેલાના જમાનામાં મોટી જણસ ગણાતી. જાવા જેવી હેવીવેઇટ મોટરસાઈકલ હોવાના કારણે હું ઝડપભેર રિપોર્ટીંગ અને અન્ય કામ માટે ફરી વળતો. એ જોઈને મિત્રોને પણ ક્યારેક એ રીતે કામ કરવાની હોંશ જાગતી અને પાસે વાહન ન હોવાના કારણે પાછા પડતા. હું ડ્રાઈવર બનીને તેમની મદદે આવતો.

ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી જોડણીકોશમાં ફ્રિ-લાન્સ શબ્દ દાખલ નહોતો થયો એવે સમયે તેમણે ગુજરાત સમાચાર / Gujarat Samachar જેવા મોટા ગજાના અખબારની કંઈક અંશે સલામત ગણાતી એવી નોકરી માત્ર મુક્તપણે કામ કરવાના એક માત્ર ઇરાદાથી જ મૂકી દીધી. એમાં તે સફળ પણ થયા. સાહિત્ય સર્જન કર્યું – બાળકોની પ્રવૃત્તિઓમાં જોડાયા – છેવાડાના માણસની ચિંતા સેવતું લેખન કરી એ માંહેની પ્રવૃત્તિ કરી – ભૂતકાળમાં લખેલું ગ્રંથસ્થ કર્યું. આ બધું કરવામાં આર્થિક પાસું પણ જળવાઈ રહ્યું તે એ રીતે કે માત્ર લેખનની આવક પર તેઓ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરે છે – એ પણ નિયમિત.

એમ તો બીજું પણ એક કામ તેઓ નિયમિત કરે છે એ પત્નીને પિયર તેડવા જવાનું. ગુજરાતી લેખક મંડળની શુક્રવારી બેઠકમાં અધ્યક્ષના હોદ્દાને વચમાં લાવ્યા વિના કે તેના કથિત મોભાનો સહેજ સરખો ભાર રાખ્યા વિના તેઓ વહીવટી કામગીરી કરતા હોય. જેમાં કવર પર સરનામાં કરવાનું કામેય કોઈ છોછ વિના કરતા જાય. એમ કરતા સાથી મિત્રોને ખબર આપે કે પોતે આવતા શુક્રવારે બેઠકમાં હાજરી નહીં આપે. હા, એમને કેમ નથી આવવાના એવું પણ પૂછી શકાય – હકપૂર્વક નહીં, હેતથી. પૂછીએ એટલે કહેદેવીબહેનને પિયર મોરબી / Morbi તેડવા જવાનું છે.’ તેમની ઉંમર સામે જોતા કદાચ તેમને ચીડવવા માટે જ હું પૂછી બેસું કેકેમ, તમે તેડવા ના જાવ તો એ ના આવે?’ યશવન્ત મહેતા આંખ મીંચકારીને ભારપૂર્વક જવાબ આપે – ના. હા, આંખ મીંચકારે એ ક્ષણ પૂરતા તમે એમને રોમેન્ટિક પણ કહી શકો.

આવા સવાલો પૂછીને હું તેમને હેરાન ન કરું એટલે પછીના શુક્રવારે એ મીઠાઈ લઈને આવે – દેવીબહેનના હાથે બનાવેલી સુખડી, મગસ કે મોહનથાળ. મંડળના સભ્યોને તેનો લાભ મળે પણ સિંહફાળો મારા ભાગે હોય. મઝા આવે. દિલીપ રાણપુરા સાથેની તેમની દોસ્તી એવી કે એમના વિશેની કોઈ વાત એ આંખમાં ઝળઝળિયા વગર પૂરી જ ના કરી શકે. દિલદાર એવા કે બાળસાહિત્ય અંગેનું કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું / Sahitya Akademi સન્માન જાહેર થયું તો એ લેવા માટે મિત્રો નટવર પટેલ અને યોસેફ મેકવાનને પોતાના ખર્ચે દિલ્હી સાથે લઈ ગયા. પ્રકાશક સાથેનો સંબંધ એવો કે મનુભાઈ શાહ એ સન્માન વેળાએ તેમને સરપ્રાઇઝ આપવા ઉપસ્થિત રહ્યા.

તેમના વિશે આટલું કે વિસ્તારથી ના લખવું હોય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તોય આપી શકાય. પારકાના સુખે સુખી અને દુઃખે અતિ દુઃખી થતો જણ એટલે યશવન્ત દેવશંકર મહેતા. તેમના પરિવારમાં બે દીકરીઓ ઋતંભરા (સાઇકાયટ્રિસ્ટ ડૉ. – સુરત), પ્રતીચી (આવકવેરા વિભાગવડોદરા) અને દીકરો ઈશાન (કમ્પ્યૂટર એન્જિનિઅર) અમદાવાદમાં સાથે રહે છે.

પોસ્ટની સૌથી ઉપરનો દેવીબહેન સાથેનો તેમનો આ ફોટો વર્ષ 2006નો શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયો ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં 30 ડિસેમ્બર 2006ની સાંજે પાડ્યો હતો.

Saturday, June 16, 2012

વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગર


બ્લોગ લખવાની આ ટેક્નિકલ સુવિધા પૂરી પાડનાર, તેનો ઉપયોગ કરી લખનાર, વાંચનાર અને વાંચીને ટીકા-ટિપ્પણી કરનાર સુધીના સૌ કોઈ સ્વીકારશે કે આપણા પૂર્વજો વાંદરા / Monkey હતા અને આજના આપણા કેટલાક લક્ષણો તેને મળતા આવે છે. અરે લક્ષણો શું, રોગ પણ મળતા આવે છે.

દુનિયાભરના સઘળા સંશોધનો અમેરિકામાં જ થાય છે એ રીતે જાહેર થયેલા એક સંશોધન પ્રમાણે વાંદરાને પણ ડાયબીટિઝ / Diabetes થાય છે – જેનો પ્રકાર છે ટાઇપ ટુ. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના વાંદરાને ગુજરાતીમાં મધુમેહ કહેતો આ ડાયબીટિઝ લાગુ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ માટે તેમને મોટા જૂથમાં જ રાખવામાં આવે એટલે તેઓ એક્ટિવ રહે. બાકી તેમને આપવામાં આવતો ખોરાક એટલો સ્વાદિષ્ટ હોય કે ડાયબીટિઝ થઈને જ રહે. ગર્ભવતી વાંદરીને ડાયબીટિઝનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્ટ વાંદરી એટલી માત્રામાં તાણ અનુભવે કે ઇન્સ્યૂલિન વાપરતી તેની આંતરિક સિસ્ટમ ખોરવાઈ જાય અને સરવાળે શુગર વધતી રહે.

આફ્રિકન કે આપણા એશિયન વાંદરાઓની કરમ કઠણાઈ જરા જુદી છે. તેમનામાં ખુદનું પ્રતિબિંબ જોવાને ટેવાયેલા પ્રવાસીઓ કે વાંદરાને ખવડાવીને દાન-પૂણ્ય કમાઈ લેવા માંગતા યાત્રાળુઓ તેમને નાસ્તામાં એટલા ફળફળાદિ ધરે કે પેલો ખાઈને અધમૂઓ થઈ જાય, એનું શુગર લેવલ વધી જાય. બિસ્કિટ – ખારીશીંગ ઝાપટી જતા હોય એ જુદું.

હવે સાથે-સાથે એમ પણ વિચારો કે આ વાંદરાઓ ક્યારેક માંદા પણ પડતા હશે ને? અથવા માંદગી ઢૂંકડી ન આવે તેની દરકાર રાખતા હશે. જો કે વાંદરાને કદી માણસોની તો ઠીક પશુઓ માટેની ખાસ હોય તેવી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થયેલો જોયો નથી. પણ મેં જોયો હોં ! ક્યાં? હોસ્પિટલમાં દાખલ થયેલો વાંદરો? ના...બાબા...ના...માંદગી પોતાની નજીક જ ના આવે એની દરકાર રાખતો – કાળજી લેતો વાંદરો. લો આપ પણ જુઓ.....
ડાયબીટિઝ ચેક ના કરાવે ત્યાં સુધી તારી સાથે કીટ્ટા
આ જો ને શરીર વધાર્યું છે...

આચર...કુચર...ખા...ખા...
આચર – કુચર ખાઈને તગડા થયેલા, દિવસભર ભટકતા રહેતા અને રાત પડ્યે ઝાડ પર આડા થઈને ઘોરતા રહેતા આપણા વાંદરાભાઈથી તેની પત્ની એવી વાંદરી નારાજ છે. દિવસભર એને ટોક્યા કરે છે કેઆમ શું આખો દિવસ ભટક્યા કરો છો. આ જો શરીર વઘાર્યું છે. જાવ જને ડાયબીટિઝ ચેક કરાવી આવો. માંદા પડશો તો છે કોઈ કરવા વાળું? મારા માટે નહીં તો આપણા છૈયાં-છોકરા માટે થઈને તો તબિયત જાળવો. કાલે સવારે મારે તમારો ડાયબીટિઝ ચેક થયેલો જોઇએ. બન્ને – ફાસ્ટિંગ અને જમ્યા પછી બે કલાકે ચેક થતો હોય એ પણ.


આ છોકરા સામું જુઓ,

એના માટે ચેક કરાવો.....ડાયબીટિઝ...
રોજે રોજ કંઈને કંઈ બહાને બ્લડ – યુરીન શુગર ચેક કરાવવાનું ટાળતો વાંદરો આજે એ માટે તૈયાર થઈ ગયો. કારણ કે પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. એનો લાભ લેવા એ વહેલી સવારે જઈને ભૂખ્યા પેટે બ્લડ – યુરીનના નમૂના પેથોલોજી લેબ પર આપી આવ્યો.
પેટ્રોલના ભાવ...ઓહ...ઘરે નથી જવું....
...જમ્યા પછી બે કલાકે નમુના
આપવાના...ત્યાં સુધી...
જમ્યા પછી બે કલાકે આપવાના થતા બ્લડ – યુરીનના નમૂના માટે ભાવતાં ભોજન આરોગવા આમ તો તેને ઘરે જવું હતું પણ પેટ્રોલના ભાવ વધી ગયા પછી એમ કરવું તેને પોસાય તેમ નહોતું. એટલે તેણે લેબોરેટરી બેઠાં જ ભોજન પતાવી દીધું. સાદું ભોજન અને ઉચ્ચ વિચારની ફિલસૂફીમાં માનતા વાંદરાએ માત્ર બિસ્કિટથી જ ભોજન આટોપી લીધું અને બે કલાક થતા નમૂના પણ આપી દીધા.
...અહીં જ ક્યાંક આરામ કરી લેવા દે.....

તમને આ બધું સાચું નથી લાગતું? ના માનશો, તમારી મરજી છે. બાકી આપણો આ વાંદરો તો તેનો ડાયબીટિઝનો બ્લડ – યુરીન રિપોર્ટ લેવા પણ પહોંચી ગયો છે. હજીય નથી માનતા?

મારો ડાયબીટિઝનો રિપૉર્ટ નોર્મલ આવે તો સારું.....
ના માનશો. ફોટો જોશો પછી તો માનશો ને? તો પછી માની જાઓ કે આ જ આપણો પૂર્વજ છે. એ બિચારો ફેમિલી ટ્રી કે વંશાવળી તો ક્યાંથી લાવીને બતાવવાનો હતો. હા, થોડી રાહ જુઓ. એવા દિવસો પણ આવશે અને વાંદરો તમારી નજીક આવીને કાનમાં બોલશે કેહું તારો પરભવનો પિતરાઈ છું.


તસવીરો : બિનીત મોદી

Friday, June 08, 2012

અમદાવાદની આજકાલ : કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી


અમદાવાદ અને ગરમીને બારમાંથી નવ મહિનાનું લેણુ છે. ડામરની સડક પર પાછલા આઠ – નવ મહિના દરમિયાન શહેરી નાગરિકોએ પાન-મસાલા-ગુટકાની પિચકારીના જે ડાઘા છોડ્યા છે તે માંડ છૂટે એવા છૂટક ઝાપટાં એક – બે દિવસ પડ્યા. ‘વાદળછાયા વાતાવરણે શહેરીજનોને ગરમીમાં રાહત આપી’ એવી વાતો લખવામાં બહુ સારી લાગે, અનુભવ ના થાય. આ ફોટામાં દેખાય છે તે શહેરી શ્રમજીવીને તો ક્યારેય નહીં.

કાળી મજૂરી’ – આ શબ્દ બોલ-ચાલની ભાષામાં ઘણી વાર સાંભળ્યો અથવા મુદ્રિત સ્વરૂપે એકાધિક વાર વાંચવામાં પણ આવ્યો હશે. હા, તેને કદી જોયો નહોતો. તમને થશે કે જે શબ્દ વાંચ્યો હોય એટલે તેને દેખ્યો છે એમ તો કહેવાય જ ને? આનો જવાબ હામાં આપવો કે નામાં એ તાત્કાલિક તો સૂઝતું નથી. તાત્કાલિક તો ઠીક, સમય મળે તો પણ સૂઝે એમ નથી. એમ કરીએ આ ફોટાના માધ્યમથી જ થોડું-ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ.

શહેરમાં દુર્લભ ગણાય તેવો
છાંયડો શોધતો બહાદુરસિંગ
બહુ જૂનો નથીમહિના પહેલા જ પાડ્યો છે આ ફોટો. સાઇકલ રીક્ષામાં માલસામાનની હેરફેરનું કામ કરતા શ્રમજીવી બહાદુરસિંગને પ્લમ્બિંગના સામાન – પાઇપની હેરફેર કરવાનો ફેરો મળ્યો છે. નક્કી થયેલી મજૂરીની રકમ તો સામાન સ્વીકારનાર પાર્ટી ચુકવે અને ગજવામાં આવે ત્યારે ખરું. બાકી એ પહેલા તો બહાદુરે પોતે રીપેરીંગના રૂપિયા ઢીલા કરવાનો વખત આવ્યો છે. એનો એને લેશમાત્ર રંજ નથી. રંજ છે તો એ બાબતનો કે મજૂરી કરતાં – કરતાં આપવી પડતી અમદાવાદી અગ્નિપરીક્ષા’નો.

ફેરો કરવાની શરૂઆત કરી ના કરીને જ સાઇકલ રીક્ષામાં પંક્ચર પડ્યું. ત્રણ પૈડાંની સાઇકલનું પંક્ચર બનાવવા તેને જેક પર ચઢાવવી પડે અને એ માટે રીક્ષા ખાલી કરવી પડે. જરા વિચારો કે અમદાવાદની / Ahmedabad ફોર્ટી પ્લસ એવી કાળઝાળ ગરમીમાં ખૂબ તપેલા એવા આ પાઇપને રીક્ષામાંથી ખાલી કરવા એટલે શું? મેં જોયું કે બહાદુરે પહેલા તો આજના શહેરો માટે દુર્લભ કહેવાય એવો છાંયડો શોધવા આમ-તેમ નજર કરી. ના મળ્યો એટલે પાસે હતું એ પીવાનું પાણી પાઇપ પર ઢોળ્યું. એથી ય ટાઢા ના થયેલા પાઇપ પર પંક્ચરની દુકાનવાળા પાસેથી માગી લીધેલા પાણીનો જળાભિષેક કર્યો. સામાન ખાલી થયે સાઇકલ રીક્ષાનું પંક્ચર બનાવી લેવડાવ્યા પછી ઉપર વર્ણવેલી પ્રક્રિયાનું પુનરાવર્તન. કારણ કે મજૂરીકામ માટે આગળ વધવાનું હતું.

અમદાવાદથી ય અધિક ગરમ એવા ગલ્ફ પ્રદેશમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવાનો મારો જાત અનુભવ એમ કહેતો હતો કે ઉનાળાની આ ગરમીમાં બહાદુરસિંગે ગરમ લહાય પાઇપ ઉતારવાનું જે કામ કર્યું એ માટે તેની પાસે હેન્ડ ગ્લોવ્ઝ (હાથના મોજાં) હોવા જોઇતા હતા. પંક્ચર બનાવવાનું કામ ચાલતું હતું એ દરમિયાન તેની સાથે વાત કરતાં આ મુદ્દો કહ્યો તો એ તેના માટે નવો તો નહોતો પણ તેની વાસ્તવિકતાનું વર્ણન જરા વિચિત્ર હતું. તેના કહેવા પ્રમાણે પાઇપ જ્યાંથી ચઢાવ્યા એ દુકાનદાર અને જ્યાં ઉતારવાના છે એ કન્સ્ટ્રક્શન સાઇટનો ફોરમેન માગીએ એટલે હાથ મોજાં આપે તો ખરા પણ કામ પૂરું થયે બન્ને જણા પોતપોતાના ઠેકાણે એ ચીજ પાછી માંગી લે. કેમ જાણે કોઈ કિમતી જણસ ના હોય.

અમદાવાદની ગરમીમાં
આ પાઇપને સ્પર્શ થાય? 

મજૂરીકામ કરનારા શ્રમજીવીને હેન્ડ ગ્લોવ્ઝ જેવી લક્ઝરી આઇટમ ખરીદવી પોસાય નહીં. પણ એમ થાય કે તેને કામ આપનારા અને સારો એવો નફો રળી લેતા દુકાનદાર કે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તેમના માટે ખર્ચની દૃષ્ટિએ સાવ નજીવી ગણાય તેવી ચીજ પણ શું કામ આમની પાસેથી પાછી લેતા હશે. તેમને એવો વિચાર કદી નહીં આવતો હોય કે સામાન હેરફેર કરનારે રસ્તામાં આ પાઇપને હાથ લગાડવાનો થશે ત્યારે તે શું કરશે? છાંયડો શોધશે કે પાણી શોધવા જશે? અને એમ કરતા માલસામાન સગે-વગે થાય તો મજૂરની શું વલે થાય.

કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી આને જ કહેતા હશેને?

Saturday, June 02, 2012

અમદાવાદની આજકાલ : રથયાત્રાના હાથીનું મેડિકલ ટુરીઝમ


ચોમાસાનો પ્રારંભ ના થયો હોય તો અષાઢી બીજના દિવસે ઝાપટાંથી પણ એની શરૂઆત થશે એમ માનીને આ દિવસની રાહ જોતા લોકોમાં ભારતના બે શહેરો અપવાદ છે. ઓરિસ્સાનું પુરી અને ગુજરાતનું અમદાવાદ. આ બે શહેરોના લોકો વરસાદની સાથે-સાથે રથયાત્રાની પણ રાહ જોતા હોય છે. અહીંના જગન્નાથ મંદિરેથી વર્ષોવર્ષ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાનો હવે તો શતાબ્દી જૂનો ઇતિહાસ છે.

જેનું વર્ણન એક શબ્દમાં કરવા માટે માત્ર ભવ્યાતિભવ્ય વિશેષણ જ વાપરવું પડે તેવી આ રથયાત્રા / Rathyatra માટે મહિનાઓ અગાઉથી તૈયારીઓ આરંભાતી હોય છે. ભગવાન જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે ઉપયોગમાં લેવાતા જૂના રથનું સમારકામ કરવાનું હોય કે તે નવા બનાવવાના હોય ત્યાંથી તૈયારીઓનો પ્રારંભ થાય. સ્થાનિક માધ્યમોમાં રથયાત્રાના સમાચાર આપવાની શરૂઆતનો વિષય પણ વર્ષોથી આ જ રહ્યો છે. આપણે થોડાક આગળ વધીએ. ભગવાનના દર્શન સિવાય શહેરીજનોને રથયાત્રાનું આકર્ષણ રહે તેવું બીજું કારણ છે રથયાત્રાની સાથે જોડાતા હાથીઓ.

રથયાત્રા પહેલા તબીબી તપાસ માટે તૈયાર 

આ હાથીઓ અત્યારે દાક્તરી તપાસના મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. માઇલો લાંબી અને દિવસભર ચાલતી રથયાત્રામાં જોડાવા માટે જે તે હાથી મહાશય કે હાથણી મેડમ શારીરિક રીતે ફીટ છે કે નહીં તેની ખાતરી આ મેડિકલ ચેક-અપ મારફતે મળે છે. કેટલાકની તપાસ જગન્નાથ મંદિરના આંગણે જ થઈ જાય છે તો કેટલાકને એ માટે આણંદની પ્રખ્યાત વેટરનરી હોસ્પિટલ – કોલેજ સુધી લઈ જવા પડે છે. ઓ.પી.ડી.થી ના પતે તેવા હાથીને ઇલાજ માટે ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવો પડે તો એ માટે પણ મંદિર સત્તાવાળાઓની તૈયારી હોય છે. હાથીની તબીબી તપાસ કે સારવાર માટે તેના મહાવતનો અભિપ્રાય ધ્યાને તો લેવાય જ, ક્યારેક વેટરનરી ડોક્ટર (પશુ ચિકિત્સક) / Veterinary Doctor મહાવતના શબ્દને જ આખરી ગણે. એટલા માટે કે મહાવત હાથીનો મિત્ર – બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આ બેસ્ટ ફ્રેન્ડ શબ્દ મારો નહીં, મહાવત જગદંબાપ્રસાદનો છે.

જગદંબાપ્રસાદના જણાવ્યા પ્રમાણે મેડિકલ ફીટનેસ જાણ્યા વગર હાથી – હાથણીને રથયાત્રામાં સામેલ કરવાનું જોખમ તો ના જ લઈ શકાય. કાયદાકીય રીતે તે હવે જરૂરી પણ બની ગયું છે. રથયાત્રા માટે જરૂરી એવી પોલીસ પરમીશન મેળવવાના કાગળિયાં તૈયાર કરતી વખતે જ તેમના ફીટનેસ સર્ટિફિકેટ સામેલ કરવાના હોય છે. રથયાત્રાના પૂરા દિવસ માટે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના જવાનોની એક ટીમ તેમના સાધનો, દવાઓ અને વેટરનરી ડોક્ટર સાથે હાજર રહે છે. અમદાવાદની ગરમીને કારણે હાથી ગમે ત્યારે તાણ અનુભવે ત્યારે તેને વશમાં રાખવાની કપરી કામગીરી અમદાવાદ ઝૂની આ ટીમના શિરે હોય છે.

તબીબી ચકાસણી પછી જરૂર પડ્યે સારવાર અપાવવા માટે હાથીને મંદિરના આંગણેથી બહાર કાઢવાનું પણ કંઈ સહેલું નથી. એ માટે વેટરનરી ડોક્ટરનો લેખિત અભિપ્રાય તો જોઈએ જ. એ ઉપરાંત જે ટ્રકમાં તેને લઈ જવાનો હોય તે વાહનની આર.ટી.ઓ. મંજૂરી પણ આવશ્યક હોય છે. જે તે વાહનની પણ ફીટનેસ હોવા સાથે તેના ડ્રાઇવર પાસે લાઇસન્સ ઉપરાંત કોમર્શિયલ વ્હીકલ ચલાવવાનો ખાસ બેજ પણ હોવો જોઇએ. હંમેશના સાથીદાર એવા બેસ્ટ ફ્રેન્ડ મહાવતે તો સાથે રહેવું જ પડે અને એના માટે કોઈ પરવાનાની અગાઉ જરૂર નહોતી પડતી. પરંતુ હવે સમય બદલાયો છે એટલે આ બધા કાગળિયાંમાં તેનો નામોલ્લેખ જ નહીં એક ફોટો પણ ઓળખરૂપે ચોંટાડવાનો હોય છે. પોતાની મંદિર સાથેની ઓળખ છતી થાય તેવો દસ્તાવેજ તો આ હેરફેર દરમિયાન સાથે રાખવાનો જ હોય. ટ્રકમાં રેતી ભરેલી ગુણો રાખી ખાસ બનાવાયેલા ધક્કા (એક પ્રકારનો ઓટલો) નજીક હાથીને લઈ જઈ કાળજીપૂર્વક તેને અંદર બેસાડવામાં આવે. આટલું થાય એટલે શરૂ થાય હાથીનું મેડિકલ ટુરીઝમ – રથયાત્રા સે ઠીક એક મહિને પહેલે.

તો તૈયાર થઈ જાઓ આ વર્ષની રથયાત્રા જોવા – ગુરુવાર, 21મી જૂન 2012ની પ્રભાતે, જગન્નાથ મંદિરના પ્રાંગણમાં.

રથયાત્રાને વધાવતા ભાવિકોની ભીડ વચ્ચેથી લીધેલી તસવીર