પ્રતિભાવો ઉર્ફે Comments

Sunday, September 29, 2013

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી : પરિણામની પ્રેસનોટ


ગુજરાતી સાહિત્ય પરિષદની મતદાન પેટી

અમદાવાદમાં આશ્રમ રોડ પર અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની / The Times of India ઑફિસ પાછળ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટની / Sabarmati Riverfront પડોશમાં આવેલું ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન / Gujarati Sahitya Parishad હવે પાંચમાં પુછાતું થયું છે. એમાં તેના સાહિત્યક્ષેત્ર પ્રદાન કરતાં રામનારાયણ વિ. પાઠક સભાગૃહનો ફાળો વિશેષ છે. કારણ કે રિનોવેશન ઉર્ફે નવીનીકરણ પામ્યા પછી તેનો ઉપયોગ કરનારા વધ્યા છે તેમ પરિષદના આંગણામાં પગલાં પાડનારાની સંખ્યા પણ વધી છે. એમ કરતા પરિષદની સભ્યસંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. અગાઉ પરિષદ પ્રમુખપદે ચૂંટાઈ આવવાની ખેવના ધરાવનાર સંભવિત ઉમેદવારોએ તાલેવંત હોવાના નાતે પોતાના કાર ડ્રાઇવરને અને આચાર્ય હોવાના નાતે સ્કૂલના પટાવાળાને પણ ખુદના ખિસ્સામાંથી ફી ભરીને પરિષદના આજીવન સભ્ય બનાવી દીધા હતા.

પરિષદ પ્રમુખપદની આગામી મુદત માટે સર્વાનુમતે કવિ ધીરૂભાઈ પરીખની / Dhiru Parikh વરણી થઈ છે એટલે એ પદ માટે ચૂંટણી યોજવાની કે ઉપર વર્ણવી તે રીતે સભ્યસંખ્યા વધારવાની જરૂર પડવાની નથી. ખરું પૂછો તો આ પદ મેળવવા માટે અગાઉ જેટલી મહેનત કોઈ કરે એમ પણ નથી. જો કે પરિષદની મધ્યસ્થ સમિતિ માટે આ સપ્ટેમ્બર મહિનામાં જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા પ્રકટ થતા તેના મુખપત્ર ‘પરબ’ માસિકના / PARAB Monthly ઑક્ટોબરના અંકમાં પ્રસ્તુત પરિણામ પ્રકાશિત કરવામાં આવશે. જો કે તેનો ફેલાવો પરિષદના સભ્યો અને લવાજમ ધારકો પૂરતો મર્યાદિત હોઈ અને પરિણામની કોઈ પ્રેસનોટ / Press Note તૈયાર ન થતી હોઈ જાહેર જનતાના બહોળા લાભાર્થે તે બ્લોગના આ માધ્યમથી પણ આપ સુધી પહોંચાડવાનો આશય છે. હા, ગુજરાતી સાહિત્ય પરિષદની સત્તાવાર વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાય છે જે માત્ર વિજેતા ઉમેદવારોની વિગતો દર્શાવવા પૂરતું મર્યાદિત છે. આ રહી તેની લિન્ક – http://www.gujaratisahityaparishad.com/prakashan/newsletter/parinam.pdf

મધ્યસ્થ સમિતિના ચાળીસ સભ્યોને ચૂંટી કાઢવા માટે ઉમેદવારી કરવા ઇચ્છનારને ‘પરબ’ના માધ્યમથી જ ઇજન આપવામાં આવે છે. વર્તમાન સમિતિની ચાર વર્ષની મુદત આગામી ડિસેમ્બરમાં સમાપ્ત થશે. તેના ઠીક પાંચ-છ મહિના પહેલા નવી સમિતિનું ગઠન કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે ‘પરબ’ના જૂન – 2013ના અંકમાં પ્રમુખપદ, મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિ માટે ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી તે માટેનો કાર્યક્રમ છાપવામાં આવ્યો. પરિષદના આજીવન સભ્ય કે સતત ત્રણ વર્ષ સુધી સામાન્ય સભ્યપદ જાળવી રાખનાર ઉમેદવારી કરી શકે છે તેમ મતદાનમાં પણ ભાગ લઈ શકે છે. એ રીતે 1 જાન્યુઆરી 2014થી 31 ડિસેમ્બર 2017ની આગામી ચાર વર્ષની મુદત માટે મધ્યસ્થ સમિતિની યોજાયેલી ચૂંટણીમાં આ વખતે બાસઠ (62) ઉમેદવારો મેદાનમાં હતા.

કક્કાવારી પ્રમાણે નામ છાપેલું મતપત્ર / Ballot Paper સભ્યોને સાદી ટપાલથી મોકલી આપવામાં આવે છે. નહીં વધારે કે નહીં ઓછી એવી માત્રને માત્ર ચાળીસ ચોકડી (X) કરેલું મતપત્ર મતદાતાએ ટપાલટિકિટ ચોંટાડી વળતી ટપાલે પરિષદ કાર્યાલયને મોકલી આપવાનું હોય છે. આ વખતે પહેલીવાર તેમાં કુરીયર કંપની / Courier મારફતે અથવા રૂબરૂમાં / In Person મતપત્રનું બંધ કવર આપી જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

એ રીતે ઑગસ્ટ મહિનામાં રવાના કરવામાં આવેલા મતપત્રો પરિષદ કાર્યાલયને પહોંચતા કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર હતી. 21 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી. મતપત્ર સાથે મોકલાયેલા પત્રમાં આ તારીખો અને તેની સામે દર્શાવાયેલ વારનું મોં-માથું બેસતું નહોતું એ આ સાથે મુકેલી સ્કેન ઇમિજસમાં જોઈ શકશો. એટલે અસંખ્ય ભૂલો સાથે પ્રકટ થતા ‘પરબ’ માસિકની જેમ પરિષદ એક પાનાનો પત્ર પણ ભૂલ વિનાનો પાઠવી શકતી નથી એ બેદરકારી છતી થાય છે. મતદાન પ્રક્રિયાનું વર્ણન પણ તેમાં જ છે.

રમેશ બી. શાહ
મતપત્રો મોકલતી વખતે ચૂંટણી અધિકારી તરીકે કનુભાઈ શાહનું / Kanubhai Shah નામ હતું. જો કે નાદુરસ્ત તબિયતને કારણે મતગણતરી સમયે તેમની જવાબદારી અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક – લેખક રમેશ બી. શાહને / Ramesh B. Shah ભાગે નિભાવવાની આવી. તેમની દેખરેખમાં મતગણતરી હાથ ધરાઈ અને પરિણામ તૈયાર કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટી રઘુવીર ચૌધરી / Raghuveer Chaudhary, નવા વરાયેલા પ્રમુખ ધીરુભાઈ પરીખ / Dhiru Parikh અને પ્રકાશનમંત્રી-કમ-ઉમેદવાર પ્રફુલ્લ રાવલ / Prafull Raval ઉપસ્થિત હતા. 62 ઉમેદવારોના પ્રતિનિધિ લેખે એકમાત્ર ઉમેદવાર પરીક્ષિત જોશી / Parikshit Joshi હાજર હતા. સુરતથી ઉમેદવારી કરનાર બકુલેશ દેસાઈના / Bakulesh Desai અમદાવાદ સ્થિત ભાણેજ ચૂંટણી પરિણામ / Election Results જાણવા અને મામાને ખબર કરવા સ્થળ પર હાજર હતા.

એ પરિણામ મુજબ...
કુલ 3,134 મતપત્રો રવાના કરવામાં આવ્યા.
891 મતપત્રો પરિષદ કાર્યાલયને પરત મળ્યા.
26 મતપત્રો રદ થયા. [ચાળીસથી ઓછી કે વધતી ચોકડી (X) કરી હોય તે રદ થવાનું મુખ્ય કારણ.]

રતિલાલ બોરીસાગર : સૌથી વધુ મત
એ રીતે જોતાં 28.43% મતદાન થયું એમ કહેવાય અને સભ્યસંખ્યાનો આંકડો જોતાં મતદાનનું આ પ્રમાણ બહુ નબળું છે એમ પણ કહી શકાય. પરિષદે તૈયાર કરાવેલું મતગણતરીનું સોફ્ટવેર ચાળીસથી ઓછી-વધતી ચોકડીવાળા મતપત્રોને આપોઆપ રદ કરે તેવી વ્યવસ્થા છે. ચૂંટણી અધિકારી દ્વારા મનાઈ કરવા છતાં મતદાતાએ પોતાની ઓળખ છતી થાય તેવી કોઈ નિશાની મતપત્ર પર કરી હોય તો તેવા મતપત્રોને રદ કરવા માટે અલગથી ધ્યાન રાખવું પડે અને એ પ્રક્રિયા માટે જુદી કસરત હાથ ધરવી પડે.

મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયેલા ચાળીસ ઉમેદવારોનો / Winner Candidates ક્રમ આ પ્રમાણે છે. નામની સામે તેમને મળેલા મતની સંખ્યા દર્શાવી છે. ક્રમ નંબર 41થી 62ના ઉમેદવારો પરાજિત / Defeated Candidates થયેલા જાહેર કરવામાં આવે છે.

વિજેતા ઉમેદવારો
વિજેતા ઉમેદવારો
1.    રતિલાલ બોરીસાગર – 824
2.    માધવ રામાનુજ – 784
3.    ઉષા ઉપાધ્યાય – 762
4.    અનિલા દલાલ – 755
5.    નીતિન વડગામા – 748
6.    જનક નાયક – 732
7.    ગુણવંત વ્યાસ – 732
8.    સતીશ વ્યાસ – 726
9.    હરિકૃષ્ણ પાઠક – 719
10. યોગેશ જોષી – 719
11. ભારતી દવે – 719
12. નિરંજન ત્રિવેદી – 710
13. પ્રકાશ ન. શાહ – 698
14. નિરંજન રાજ્યગુરૂ – 698
15. સંધ્યા ભટ્ટ – 694
16. જલન માતરી – 691
17. રવીન્દ્ર પારેખ – 685
18. જયેન્દ્ર શેખડીવાળા – 678
19. ઊજમશી પરમાર – 676
20. પ્રફુલ્લ રાવલ – 653
21. પ્રજ્ઞા પટેલ – 652
22. યશવન્ત કડીકર – 639
23. કીર્તિદા શાહ – 629
24. રતિલાલ નાયક – 629
25. ધ્વનિલ પારેખ – 626
26. પિંકી પંડ્યા – 625
27. પરેશ નાયક – 622
28. કેશુભાઈ દેસાઈ – 615
29. નરોત્તમ વાળંદ – 613
30. ભરત મહેતા – 605
31. ભારતી રાણે – 598
32. ફિલીપ ક્લાર્ક – 596
33. અજય પાઠક – 592
34. રાજેન્દ્ર ઉપાધ્યાય – 572
35. બકુલેશ દેસાઈ – 569
36. ઉત્પલ પટેલ – 567
37. અજયસિંહ ચૌહાણ – 564
38. કનૈયાલાલ ભટ્ટ – 540
39. પ્રફુલ્લ દેસાઈ – 539
40. રાજેન્દ્ર મહેતા – 512
પરાજિત ઉમેદવારો
પરાજિત ઉમેદવારો
41. અશોક ચાવડા – 507
42. હરદ્વાર ગોસ્વામી – 494
43. જગદીશ ભટ્ટ – 477
44. જયંતીભાઈ નાયી – 476
45. ભરત વિંઝુડા – 464
46. પરીક્ષિત જોશી – 458
47. દિનેશ દેસાઈ – 430
48. દિલીપ એન. મોદી – 420
49. હરીશ ખત્રી – 407
50. જગદીશ ગૂર્જર – 401
51. બુદ્ધિધન ત્રિવેદી – 388
52. હર્ષદ પટેલ – 385
53. હિતેશ પંડ્યા – 369
54. રમેશ પટેલ – 365
55. હરીશ ઠાકર – 355
56. ભરત ઠાકોર – 339
57. શિવજી રૂખડા – 325
58. જગદીશ કંથારિયા – 325
59. જિતેન્દ્ર બી. પટેલ – 265
60. અરવિંદ શાહ – 238
61. તરૂણ દત્તાણી – 211
62. રમણલાલ નાગર – 194


ચૂંટાયેલા સભ્યો સાથે મધ્યસ્થ સમિતિનું કુલ સંખ્યાબળ 75થી 80 સભ્યોની આસપાસ જળવાતું હોય છે જેમાં સંસ્થા, દાતા, સંવર્ધક, આમંત્રિત અને સન્માનનીય લેખક સભ્યોનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રમુખો તેમની હયાતી સુધી આપોઆપ સમિતિના સભ્ય ગણાય છે.

ઉપરોક્ત પરિણામની વિશેષતા એ છે કે પિતા-પુત્ર રવીન્દ્ર પારેખ / Ravindra Parekh અને ધ્વનિલ પારેખની / Dhwanil Parekh જોડી બીજીવાર મધ્યસ્થ સમિતિમાં ચૂંટાઇ આવ્યા છે. પરિષદ વિજેતા ઉમેદવારોને પત્ર લખીને પરિણામની જાણ કરે છે. પરાજિત ઉમેદવારને આ પત્રલાભ પણ મળતો નથી. પરિષદની ચૂંટણીના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નથી નીકળતા અને પરાજિત ઉમેદવારોની ડિપૉઝિટ જપ્ત નથી થતી. હા, એ ખરું કે આ વખતે પહેલીવાર કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે ‘ફેસબુક’ / Facebook / https://www.facebook.com/gujarati.sahityaparishad જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની પરંપરાગત ઢબ અનુસાર છાપેલા પત્રથી જ પોતાની ઉમેદવારીનો પ્રચાર કર્યો. જો કે એમાંના એક પણે પત્રમાં પોતાનું સંપર્ક સરનામું લખવાની તસ્દી લીધી નહોતી. માત્ર મોબાઇલ નંબર લખીને છૂટા. મતદાન થઈ જાય, પરિણામ જાહેર થઈ જાય પછી સીમકાર્ડ બદલી નાખે તો તેમનું સરનામું શોધવા રિવરફ્રન્ટના કિનારા સુધી લાંબા થવું પડે. જો કે પરિષદનું બંધારણ એવું છે કે મતદાતાને ક્યારેય મધ્યસ્થ સમિતિના સભ્યની જરૂર પડતી નથી. હા, સમિતિ સભ્યને સભ્ય મતદાતાની જરૂર પડે ખરી જો એમણે (કે તેણીએ) બીજી મુદતમાં ચુંટાવું હોય તો.

અને હા, પરિષદના ચૂંટણી પરિણામ ઉપરાંત તેના એક અલગ જ પરિમાણ વિશે જાણવું હોય તો આ રહી લિન્ક – http://www.binitmodi.blogspot.in/2012/04/blog-post_26.html


(તસવીરો અને ઇમિજસ : બિનીત મોદી)