પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, February 19, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2011)



(જાન્યુઆરી – 2011)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે જાન્યુઆરી – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(*દિલીપ ધોળકિયા - ગાયક
(Sunday, 2 January 2011 at 07:41pm)
ગુજરાતી ગીતોમાં ઓલ ટાઇમ ગ્રેટ એવા 'તારી આંખનો અફીણી'ના ગાયક દિલીપ ધોળકિયાની વિદાય : મારા માટે પાડોશી ગુમાવ્યાની પીડા. gujarati world: 500મી પોસ્ટ: દિલીપ ધોળકિયા- દિલીપકાકા-ને દિલી અલવિદા
* * * * * * *

બચકાથી બચાવે બેલબોટમ પેન્ટ
(Friday, 7 January 2011 at 11:48pm)
અજમાવી જુઓ : (આ આયુર્વેદીક ઉપાય નથી તેમ કોઈ છાપાની આરોગ્ય કોલમમાં વાંચવા પણ નહીં મળે. ગેરન્ટી.) અમદાવાદ જેવા શહેરોમાં રખડતા કૂતરા દ્વારા કરડવાના બનાવો વધી ગયા પછી તેમાંથી બચવાનો સોલિડ ઉપાય મળી આવ્યો છે. પેન્ટની મોરી મોટી રાખો. કૂતરું કરડવાનો પ્રયત્ન તો કરશે જ પણ કાપડ સિવાય કશું હાથમાં નહીં આવે. ફેશનગુરુઓ બેલબોટમના દિવસો પાછા લાવે તો પણ કામ થઈ જાય.
* * * * * * *

(*) રવિ - સંગીતકાર
(Saturday, 15 January 2011 at 12:59am)
સંગીતકાર રવિનો નવેસરથી પરિચય કરાવતો ઉર્વીશ કોઠારીનો લેખ મુલાકાત. gujarati world: ‘નાગીનના બીનથી સૌને ડોલાવનાર સંગીતકાર રવિ: ગીતની ઘૂન એવી હોવી જોઇએ કે સામાન્ય માણસ પણ ગણગણી શકે
* * * * * * *

(*) રતન રૂસ્તમ માર્શલ - લેખક
(Sunday, 16 January 2011 at 11:42pm)
૧૦૦મા વર્ષે અમદાવાદના પાંચ અંગ્રેજી - ગુજરાતી અખબારો અને વતન સુરત સાથેનો નાતો જાળવી રાખવા ત્યાંથી પ્રગટ થતા ત્રણ અખબારોનું નિયમિત વાચન કરતા ડો. રતન માર્શલને શ્રદ્ધાંજલિ અર્પતો તેમજ તેમના વિશેની જૂની માહિતીની લીંક દર્શાવતો ઉર્વીશ કોઠારીનો બ્લોગ લેખશતાયુ ડૉ. રતન માર્શલને અલવિદા
* * * * * * *

(Friday, 21 January 2011 at 1:51pm)
સ્વીસ બેન્કોમાં જમા થયેલું ભારતનું કાળુ નાણુ પાછું ન આવે તો સારું. આવશે તો સરકારી કર્મચારીઓ સીધો બારમા પગાર પંચનો અમલ કરવાની માગણી કરશે એ નક્કી.
* * * * * * *

(Sunday, 23 January 2011 at 11:01pm)
પચીસ પૈસાનો સિક્કો ભલે ચલણમાંથી ખસી જાય, પોસ્ટ વિભાગે છાપેલા પોસ્ટકાર્ડ મોકલવાનો વધારાનો ચાર્જ વસૂલવા પચીસ પૈસાની ટીકીટ છાપવાનું ચાલુ રાખવું પડશે.
* * * * * * *

હરિભાઈ પંચાલ
વિઠ્ઠલભાઈ પંડ્યા
(Monday, 24 January 2011 at 11:49pm)
અમદાવાદની આજકાલ (મંગળવાર, 25 જાન્યુઆરી 2011) મૃત્યુનો અણસાર પામી ગયેલા એક ગૃહસ્થે દેહદાનનો સંકલ્પ કરી સ્નેહીજનોને પોતાની ઇચ્છા જણાવી. સાથે-સાથે એમ પણ કહ્યું કે દેહદાન સ્વીકારવા માટે અમદાવાદ ગુજરાતની બી.જે. મેડિકલ કોલેજ પાસે સ્ટ્રેચર, પોલ બેરર્સની(અર્થી – મૃતદેહ ઊંચકનાર, કાંધ આપનાર માટેનો અંગ્રેજી શબ્દ) વ્યવસ્થા ન હોય કે એન.એચ.એલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજે લીફ્ટની વ્યવસ્થા ન કરી હોય તો મારી ઇચ્છાને પૂળો મૂકી પરંપરાગત રીતે જ અંતિમવિધિ કરજો. (જાન્યુઆરી2011માં અવસાન પામેલા સદવિચાર પરિવારના સ્વર્ગસ્થ હરિભાઈ પંચાલ અને સી.એન. વિદ્યાલયના અંગ્રેજીના પૂર્વ શિક્ષક વિઠ્ઠલભાઈ પંડ્યાના મૃતદેહોને વીસ દિવસના ગાળામાં મળેલી એક સરખી ટ્રીટમેન્ટ પછી લાગતા-વળગતા સહુને અર્પણ)
* * * * * * *

(Tuesday, 25 January 2011 at 11:15pm)
ધરતીકંપની ઘટનાને આજે 26 જાન્યુઆરી 2011ના રોજ દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આટલા વર્ષ પછી પણ આ ઘટનાને હું જેમની તેમ ફરીથી અનુભવી શકું છું. કારણ મારા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડફ્લોર પર રીનોવેશનના નામે આડેધડ હથોડાઝીંક ચાલે છે. ધરતીકંપના દિવસો જેવી જ ધ્રુજારીઓ આપવા માટે પાડોશીનો આભાર.
બિનીત મોદી (રામવન એપાર્ટમેન્ટ, નેહરૂપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ)

અગાઉ આ મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2013 તેમજ જાન્યુઆરી – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/02/2013.html

(*નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Saturday, February 16, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2012)



(જાન્યુઆરી – 2012)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે જાન્યુઆરી – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Sunday, 1 January 2012 at 06:30pm)
સમાચાર છે કે ભારતના એક વાંદરાને જેને બોબી’ નામ આપવામાં આવ્યું છે તેને સરહદ પાર કરવાના ગુનાસર પાકિસ્તાનના લશ્કરી સત્તાવાળાઓએ રહીમ યાર ખાનના રણ વિસ્તારમાંથી પકડ્યો છે. જૂના સમાચાર એવા છે કે સરહદ પાર આવવાની આવી જ ભૂલ કરવાના કારણે પાકિસ્તાનના એક ઊંટને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કચ્છ સરહદે પકડવામાં આવ્યું હતું. મિયાં મુશર્રફ’ નામકરણ પામેલું આ ઊંટ હાલમાં સરપત નાકા ભૂજ ખાતેના પોલીસ તબેલાની મહેમાનગતિ માણી રહ્યું છે. ઉપરોક્ત બન્ને મહાનુભાવોને પોતપોતાના વતનમાં સહેલાઈથી પરત થવા મળે એ જ નવ વર્ષ 2012ના પહેલા દિવસનીપહેલા રવિવારની અને પ્રથમ સાંજની શુભેચ્છા. HAPPY NEW YEAR બિનીત મોદી અને પરિવાર (અમદાવાદ)
* * * * * * *

ઓસ્કાર વાઇલ્ડ
(Monday, 2 January 2012 at 01:20pm)
સમય અને ટોકટાઇમ બન્ને કીમતી છે. વીતેલો સમય અને વપરાયેલો ટોકટાઇમ પાછા આવતા નથી. (ઓસ્કાર વાઇલ્ડ)
નોંધ: ઓસ્કાર વાઇલ્ડે આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ’ આશયથી જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *


(Tuesday, 3 January 2012 at 01:03pm)
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....અવ્વલ અમદાવાદ…..
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રીની રૂએ માયાવતીએ પોતાના રાજકીય ગુરુ કાંશીરામની સ્મૃતિમાં કરોડો અબજોના ખર્ચે સ્મારકો બનાવડાવ્યા.....ઓ.કે. આપણે ગુજરાતમાં આવો કોઈ એક નયા પૈસાનો ખર્ચ કર્યા વિના કાંશીરામની સ્મૃતિમાં એક નહીં બબ્બે સ્મારકો જાહેર કરી શકીએ એમ છીએ. કયાથોડું મગજ કસો અને અમદાવાદમાં રહેતા હોવ તો પશ્ચિમ દિશાથી વિપરીત પણ નજર દોડાવો. જુઓ આ રહ્યો જવાબ.....એક કાંશીરામ ટેક્ષટાઇલ મીલ.....અને.....બીજું કાંશીરામ અગ્રવાલ હોલ.....
* * * * * * *

(Wednesday, 4 January 2012 at 01:03pm)
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની કેપ્ટનશીપ જેવા તેના પ્રમુખપદેથી નરહરિ અમીનને હીટ વિકેટ’ કર્યા પછી હવે તેમની ટીમ ખેરવવાની શરૂઆત થઈ છે. રન આઉટ થનાર પહેલા ખેલાડી’ છે ભવાન ભરવાડ. ડિસેમ્બર – 2007ની બારમી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લીંબડી-સુરેન્દ્રનગરથી હારી જનાર ભવાન જીવણભાઈ ભરવાડનું ભાજપની પેવિલ્યનમાં સ્વાગત કરનાર પ્રદેશ ઉપપ્રમુખ કૌશિક જમનાદાસ પટેલ આ જ ચૂંટણી ભાજપની ટિકિટ પર શાહપુર-અમદાવાદથી હારી ગયા હતા.
* * * * * * *

(Thursday, 5 January 2012 at 12:00am)
પ્રિન્ટ મીડિયામાં નવ વર્ષ 2012નો ધમાકેદાર પ્રારંભ કરવામાં અમદાવાદનું અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અગ્રેસર રહ્યું. 1 જાન્યુઆરી 2012ની આવૃત્તિના અમદાવાદ ટાઇમ્સ’ સપ્લિમેન્ટમાં ગુજરાત રાજ્યની સ્થાપના માટેના મહાગુજરાતના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ સેવા સંસ્થાના સ્થાપક ઇલાબહેન ભટ્ટના હસ્તે વિમોચન થયાના સમાચાર પેજ-થ્રી’ પર છપાયા છે. સમાચારમાં નોંધ્યા પ્રમાણે આત્મકથાના અનુવાદક દેવવ્રત પાઠક આ પ્રસંગે ઉપસ્થિત હતા. શાબાશસાહેબોઇન્દુચાચાની આત્મકથાનો અનુવાદ કરનાર પ્રા. દેવવ્રત પાઠકનું અવસાન થતાં તેમના અમેરિકા સ્થિત પુત્ર અભિજિત પાઠકે પ્રા.હાવર્ડ સ્પોડેક અને જહોન વુડની મદદ લઈ અનુવાદનું અધુરું કામ પૂરું કરાવ્યું. દિવંગત દેવવ્રત પાઠકને આપે કાર્યક્રમમાં હાજર કઈ રીતે કર્યા એ જાદુ તો જણાવો.
* * * * * * *

(Thursday, 5 January 2012 at 02:35pm)
ટ્રાફિક (વાહનવ્યવહાર) નિયમોનો ભંગ કરવાથી નહીં પણ સારી રીતે ભણવા ગણવાથી જીવનમાં આગળ વધી શકાશે. (થોરો)
નોંધ: થોરોએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ’ આશયથી જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *

(Friday, 6 January 2012 at 01:30pm)
તસવીર’ સંસ્થાએ જાહેર કરેલા એક સંશોધનાત્મક અહેવાલ પ્રમાણે ભારતમાં સ્ટીલ કેમેરા કરતા સીસીટીવી કેમેરા વધુ વેચાય છે. (TASVEER – The Association for Surveillance Via Electronic Equipments and Research)
નોંધ: આવી કોઈ સંસ્થા નથી. હોય પણ નહીં. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ આશયથી જ જેમ કાગળ પરની સંસ્થાઓ હોય છે તેમ આ સ્ક્રીન પરની સંસ્થા બનાવીને નામ ઠપકારી દીધું છે.
* * * * * * *

(Friday, 6 January 2012 at 10:35pm)
વાહનમાં સૌથી વધુ ઉપયોગ તેના કયા ભાગનો થાય છેએન્જિન ના. ટાયર ના. ક્લચએક્સેલરેટર અથવા બ્રેક ના. હોર્ન એકદમ સાચું. નથી માનતા. ના માનશો. એક વાર પધારો મ્હારે દેશ અને આવો અમદાવાદના આંગણે. મધરાતે ત્રણ વાગે હોર્ન નહીંસાયરન જેવા હોર્ન સાંભળવા મળશે.
* * * * * * *

ખલીલ જિબ્રાન
(Saturday, 7 January 2012 at 01:20pm)
સંપાદનો સંપાદકીય પુસ્તકોમાં એટલા લેખો ન લખવા કે સ્વતંત્રપણે પુસ્તક લખવા માટે કંઈ બાકી બચે જ નહીં. (ખલીલ જિબ્રાન)
નોંધ: ખલીલ જિબ્રાને આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ’ આશયથી જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *

(Saturday, 7 January 2012 at 05:55pm)
આ સિઝનમાં કે પછી ક્યારેય અમેરિકાથી ભારત આવનારા કોઈ સગાં સંબંધી મિત્રનો ફોન આવે અને પૂછે કે, 'કંઈ મંગાવવું છે' તો પાછા ડાહ્યા થઈને 'ના' ન પાડતા. બે-ચાર વસ્તુની યાદી કહી જ દેવાની. એમ કરીને આપ અમેરિકી અર્થતંત્રની મદદ કરી રહ્યા છો એ ન ભૂલવું.
* * * * * * *

(*) સર રણજીતસિંહજી હાઇસ્કૂલ-દેવગઢ બારિયા
(Saturday, 7 January 2012 at 08:10pm)
દેવગઢ બારિયાની સર રણજીતસિંહજી હાઇસ્કૂલમાં જૂન 1981થી મે 1983 દરમિયાન સાતમું અને આઠમું ધોરણ ભણી રહ્યાના અઠ્ઠાવીસ વર્ષ બાદ સોમવાર, 21 નવેમ્બર 2011ના રોજ બારિયાની સફરે જતા સ્કૂલનો આ ફોટો પાડ્યો હતો. ફોટામાં ડાબી તરફ પેન્ટ-શર્ટમાં છે તે કિરણભાઈ અધ્વર્યુ સ્કૂલના મારા સમયના લાઇબ્રેરિઅન હતા અને 2011માં એ જ પદ પર છે જયારે સાથે લેંઘા-ઝભ્ભામાં ઉભેલા અશ્વિનભાઈ ઓ. શાહ સુપરવાઇઝર છે જેઓ મારા સ્કૂલ છોડ્યા પછી 1984થી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.
બિનીત મોદી (અમદાવાદ) / મોબાઇલ9824 656 979 / E-mail: binitmodi@gmail.com
* * * * * * *

(Monday, 9 January 2012 at 05:20pm)
ગઈકાલે રાત્રે એક જબરદસ્ત ભૂલ થઈ અને એ કારણે એક જબરદસ્ત ઘટના પણ સર્જાઈ ગઈ. ગુજરાત મેલના ડબ્બા(અંગ્રેજીમાં કોચ, બસ)માં બેટરી ચાર્જિંગ માટે મૂકેલા મોબાઇલનું એ કામ પૂરું થતાં પાવર સપ્લાયની સ્વીચ બંધ કરી તો ટ્રેન જ અટકી ગઈ. આગળ વધવાનું નામ જ ના લે.
નોંધ: આવું કંઈ થયું નથી. થાય પણ નહીં. આ તો કેટલાક ટેકનિકલ નિષ્ણાતો આપણને શેવિંગ મશીનથી લઈને શેવરોલે કાર સુધીની બાબતોમાં આમ થાય ને તેમ થાય, આમ કરો તો તેમ થઈ જશે ને જુઓ આમ કર્યું એટલે આવું થઈ ગયું એવું બધું કહી-કહીને જાત-ભાતની રીતે બીવડાવતા હોય છે. એવા ટેકનિકલ નિષ્ણાતોને બીવડાવવા માટેની આ તરકીબ માત્ર છે.
* * * * * * *

(Monday, 9 January 2012 at 05:25pm)
અમેરિકામાં તો દરેક બહુમાળી મકાન(અંગ્રેજીમાં મલ્ટી-સ્ટોરીડ્ બિલ્ડીંગ, બસ)માં બે લિફ્ટ હોય છે. એક લિફ્ટ ઘરમાં લઈ જાય અને બીજી સીધી જ માળિયામાં લઈ જાય. તમારે બિલ્ડીંગના ફોયરમાં નીચેથી જ નક્કી કરી લેવાનું કે ઘરમાં દાખલ થવાની લિફ્ટમાં પ્રવેશવું છે કે પછી માળિયામાંથી કોઈ વસ્તુ-સામાન નીચે ઉતારવાનો છે.
નોંધ: અમેરિકા તો શું જગતમાં કોઈ ઠેકાણે આવી રીતે બે લિફ્ટ હોય? ના જ હોય ને. આ તો અમેરિકાથી માદરે વતન આવેલા સગાં સંબંધી મિત્રો એ દેશ સુખ-સુવિધાઓથી કેવો છલોછલ છે તેના ભારોભાર વખાણ કરતા અને વિગતો આપતા થાકતા નથી. પરંતુ હજી 2012માં પણ એ દેશમાં કઈ સુવિધા ખૂટે છે તેનો ચિતાર આપવા જ આ લખ્યું છે.
* * * * * * *

(Monday, 9 January 2012 at 05:30pm)
ભારત, ભારતનું રાજકારણ અને ભ્રષ્ટાચાર સામેની લડત : મારી નજરે.....
કોંગ્રેસ : હમારે પાસ કલમાડી હૈ.....દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડી.એમ.કે) : હમારે પાસ કનિમોઝી હૈ.....ભારતીય જનતા પક્ષ (બી.જે.પી) : હમારે પાસ કુશવાહા હૈ.....ટીમ અન્ના હજારે : હમારે પાસ કિરણ બેદી હૈ.....મેં કક્કાની શરૂઆત કરી છે, આપ સૌ તેને આગળ વધારો.
* * * * * * *

(Monday, 9 January 2012 at 05:35pm)
ભારતની મોટા ભાગની જ્ઞાતિઓ સમાજો પરિવારોએ લાજ કાઢવાના સંદર્ભમાં પડદાપ્રથા(ઓઝલનો રિવાજ)ને તિલાંજલિ આપ્યાના દાયકાઓ બાદ ઉત્તર પ્રદેશમાં આજકાલ તેનો અનુભવ હાથીની પ્રતિમાઓને થઈ રહ્યો છે. જીવતા હાથીઓ આ જોઈ હરખાય છે.
* * * * * * *

(Monday, 9 January 2012 at 06:40pm)
સુપર માર્કેટ કે મોલમાં બધીજ વસ્તુઓ મળે છે એવા વહેમમાં રાચવા જેવું નથી. 'રિલાયન્સ'ના મોલમાં તેની પેરેન્ટ કંપનીના શેર જ મળતા નથી.
* * * * * * *

(Monday, 9 January 2012 at 06:45pm)
'મેનેજર સાહેબ, મારા બચત ખાતામાંથી એક નિશ્ચિત રકમ દર મહીને ટ્રાન્સફર થાય એવી વ્યવસ્થા કરવી છે.'.....'ઓ.કે. સાદા કાગળ પર અરજી આપો જેમાં તમારો ખાતા નંબર દર્શાવી જેના ખાતામાં બેન્કે રકમ મોકલવાની થાય તેનો ખાતા નંબર પણ જણાવો.'.....'સાહેબ ખાતા નંબર તો મળે એમ નથી, પાર્ટીનું નામ ખબર છે કિંગફિશર એરલાઇન્સ.'
* * * * * * *

(Tuesday, 10 January 2012 at 11:59pm)
તમે પાઇલટ છો છતાં તમને આકાશમાં ઉડતા પ્લેનને જોવાનું બાળસહજ આકર્ષણ છે એ જોઈને આનંદ થયો.’.....‘અરેઆકર્ષણને મૂકો પૂળો. આ તો આજે મારે વીકલી ઓફ છે તે જોતો હતો કે મારા વાળી ફ્લાઇટ સમયસર ઉપડી કે નહીં.
* * * * * * *

(Wednesday, 11 January 2012 at 08:40pm)
શક્તિ સામંતે 1970માં રાજેશ ખન્ના આશા પારેખના અભિનય વાળી ફિલ્મ 'કટી પતંગ' બનાવી તેના છત્રીસ વર્ષ પછી 2006માં નાગેશ કુકુનૂરે ગિરીશ કર્નાડ આયેશા ટાકિયા અને ગુલ પનાગને લઈ 'ડોર' ફિલ્મ બનાવી. ફિલ્મોમાં ભલે પતંગ અને દોરી વચ્ચે આટલું અંતર પડી ગયું, જેઓ પતંગ દોરીમય રહેવાના છે એવા સૌ મિત્રોને આગામી છન્નુ કલાક માટે શુભેચ્છાઓ.
* * * * * * *

(Wednesday, 11 January 2012 at 09:25pm)
કચ્છ ગુજરાતમાં વસતા પતંગમય મિત્રોને વિનંતી કે પતંગ ચગાવતા દોરીની ઢીલ વધારે ના રાખતા. એવા પતંગ કપાઈને પાકિસ્તાનમાં જઈ પડશે તો પેલા 'બોબી' વાંદરાની માફક પકડીને પાછા એમ કહેશે કે ભારતે જાસુસી માટે વાંદરા પછી પતંગ મોકલવાનું શરૂ કર્યું.
નોંધ: હવે આ 'બોબી'નો મામલો શું છે એ જાણવાની ઈચ્છા હોય તો 2012નું મારું પહેલું 'સ્ટેટસ પ્રોફાઇલ' જુઓ. જવાદો યાર, તમને મિત્રોને એ કસરત પણ શું કામ કરાવવી જોઇએ. સમયસર કિન્ના નહીં બંધાય અને બે પતંગ ઓછા ચગાવશો તો પાછા વાંક કાઢશો અને 'Like' નહીં કરો એ જુદું. લો આ રહ્યું એ સ્ટેટસ  સમાચાર છે કે ભારતના એક વાંદરાને જેને બોબી’ નામ આપવામાં આવ્યું છે તેને સરહદ પાર કરવાના ગુનાસર પાકિસ્તાનના લશ્કરી સત્તાવાળાઓએ રહીમ યાર ખાનના રણ વિસ્તારમાંથી પકડ્યો છે. જૂના સમાચાર એવા છે કે સરહદ પાર આવવાની આવી જ ભૂલ કરવાના કારણે પાકિસ્તાનના એક ઊંટને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કચ્છ સરહદે પકડવામાં આવ્યું હતું. મિયાં મુશર્રફ’ નામકરણ પામેલું આ ઊંટ હાલમાં સરપત નાકા ભૂજ ખાતેના પોલીસ તબેલાની મહેમાનગતિ માણી રહ્યું છે. ઉપરોક્ત બન્ને મહાનુભાવોને પોતપોતાના વતનમાં સહેલાઈથી પરત થવા મળે એ જ નવ વર્ષ 2012ના પહેલા દિવસનીપહેલા રવિવારની અને પ્રથમ સાંજની શુભેચ્છા. HAPPY NEW YEAR મોદી પરિવાર (અમદાવાદ)
* * * * * * *

(Wednesday, 11 January 2012 at 10:25pm)
ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરવી હોય તો 14 જાન્યુઆરીનું મૂહુર્ત ઉત્તમ છે. પતંગ, ફીરકી અને અગાસી તેમાં મહત્વના બની રહેશે. (ભૃગુસંહિતા)
નોંધ: ભૃગુ ઋષિ દ્વારા રચના થઈ હોવાનું મનાતા ભૃગુસંહિતામાં આવું કંઈ લખ્યું નથી. કોઈ લખે પણ નહીં. આ તો થોડા વધારે 'Like' મળે, કોમેન્ટની સંખ્યા વધે અને કંઈક લોકનું ગોઠવાઈ જાય તો સંખ્યાબંધ 'Like' મળે એવા 'શુભ' આશયથી જ ઉપરનું નામ ઠપકારી દીધું છે.
* * * * * * *

(Thursday, 12 January 2012 at 07:55pm)
આપઘાત કરવોનો સમાનાર્થી શબ્દસમૂહ જણાવો.....અમદાવાદ જેવા શહેરમાં રસ્તો ક્રોસ કરવો.
* * * * * * *

(*) વિનોદ ભટ્ટ
(Saturday, 14 January 2012 at 10:19am)
વિનોદ ભટ્ટ : હાસ્યનું અમૃત પીવડાવનાર હાસ્યલેખકનો અમૃતપ્રવેશ.
આજે 14 જાન્યુઆરી 2012  પંચોતેરમાં પ્રવેશતા વિનોદ ભટ્ટને જન્મદિને મારી વિસ્તૃત શબ્દ શુભેચ્છા : બીરેન કોઠારીના બ્લોગ Palette પર Click to Read – http://birenkothari.blogspot.com/2012/01/blog-post_14.html
* * * * * * *

(Sunday, 15 January 2012 at 03:00pm)
સમાચાર છે કે કાળું નાણું બહાર લાવવા માગતા બાબા રામદેવ પર કાળી શાહી ફેંકવામાં આવી. બાબા માત્ર બાવા જ બની રહ્યા હોત તો કુંભમેળામાં શાહીસ્નાન કરતા હોતએને બદલે જરા જુદી રીતે શાહીસ્નાન કરવાનો વખત આવ્યો.
* * * * * * *

ઢોંગી બાબા રામદેવ
(Sunday, 15 January 2012 at 03:05pm)
કાળું નાણું બહાર લાવવાની માગણી કરીને શાહીસ્નાનનું ઇનામ પામેલા બાબા રામદેવ સફેદ નાણાંને બહાર લાવવાની વાત કરે તો એમના મોઢા ઉપર ચૂનો ચોપડવો જોઇશે. અત્રે એ યાદ અપાવવાનું કે આયુર્વેદના નામે ભળતી-સળતી દવાઓ બનાવીને બજારમાં પધરાવતા બાબા લોકોના ખિસ્સાને ચૂનો ચોપડવાનું કામ ઓલરેડી કરી જ રહ્યા છે.
* * * * * * *

(Monday, 16 January 2012 at 04:00am)
બાબા રામદેવને વગર કુંભમેળાએ શાહીસ્નાન કરાવનાર યુવકે સ્પષ્ટતા કરી છે કે એ તો ઓસ્ટ્રેલિયાથી પાછી ફરનાર ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કેમ કરવું તેની નેટ પ્રેક્ટિસ કરતો હતો.
* * * * * * *

(Monday, 16 January 2012 at 04:05am)
બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી પ્રતિક હાથીની પ્રતિમાઓને ઢાંકવાના નિર્ણયને પાછો લેવાની ચૂંટણી પંચને વિનંતી કરતા પક્ષ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ સાથે-સાથે બાંયધરી આપી છે કે કાપડની ચિંતા ના કરતા. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાથી પાછી ફરશે એટલે તેમના માટે બુરખા બનાવવાના અને વિશ્વકપ વખતે ઇનામમાં મળેલી ગાડીઓને ઢાંકવાના કામમાં તેનો ઉપયોગ થઈ જશે.
* * * * * * *

(*) રોહિત કોઠારી
(Monday, 16 January 2012 at 05:28pm)
અમદાવાદ સ્થિત પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના આધારસ્તંભ સમા શ્રી રોહિત કોઠારીનું ગઈકાલે રવિવાર, 15 જાન્યુઆરી 2012ની રાત્રે અમૃતસર (પંજાબ) ખાતે 52 વર્ષની વયે અવસાન થયું છે. પત્ની નીતાબહેન તેમજ બે દીકરાઓ હરિત અને ધ્રુવ સાથે અમૃતસર વાઘા બોર્ડરના પ્રવાસે ગયેલા રોહિતભાઈ પ્રકાશન વ્યવસાયની મહત્વની એવી અક્ષર મુદ્રણસંસ્કાર કામગીરી સાથે સંકળાયેલા હતા. આપણી ભાષાના મૂર્ધન્ય વિવેચક ભાષાશાસ્ત્રી સદગત જયંત કોઠારીના દીકરા હોવાની જાણીતી ઓળખ સાથે તેમની ઓછી જાણીતી ઓળખ એ કે તેમણે ઉપરોક્ત કામગીરીને ન્યાય આપવા ગુજરાત સરકારના માહિતી ખાતાની મોભાદાર નોકરીને થોડો સમય કામ કર્યા પછી તિલાંજલિ આપી હતી. 15 જુલાઈ 1959ના રોજ જન્મેલા તેઓના પરિવારમાં માતા મંગળાબહેન, બહેન દર્શના અને બે ભાઈઓ પીયુષ અને નીખીલ છે. ચિક્કાર પ્રવાસો કરવાના ફરીને આવ્યા પછી તેનો આનંદ વહેંચવાના તેમજ પ્રવાસ દરમિયાન પુષ્કળ ફોટોગ્રાફી કરવાના શોખીન રોહિતભાઈએ ઝડપેલી કેટલીક તસવીરો સામયિકો પુસ્તકોના ટાઇટલ પર સ્થાન પામી છે. આવા જ એક ઉપરોક્ત પ્રવાસ દરમિયાન તેમનું અવસાન થયું. તેમના મૃતદેહની અમદાવાદ પહોંચવાની રાહ જોતા આથી વધુ લખી શકાય તેમ નથી.
નોંધ: તેમની અંતિમયાત્રા આવતીકાલે મંગળવાર, 17 જાન્યુઆરીના રોજ સવારે 11:00 કલાકે તેમના નિવાસસ્થાન 24 સત્યકામ સોસાયટી, બિકાનેરવાલા ફૂડ જંકશન નેહરૂનગર BRTS બસ સ્ટોપ પાસે, આંબાવાડી, અમદાવાદથી નીકળશે. (લોકેશન: નેહરૂનગર BRTS બસ સ્ટોપ પછી આઝાદ સોસાયટી જવાનો રસ્તો)
(ગૂર્જરની ઓફિસમાં રોહિત કોઠારીનો આ ફોટો તેમની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને જ 20 સપ્ટેમ્બર 2011ના રોજ પાડ્યો હતો.)
* * * * * * *

(Wednesday, 18 January 2012 at 09:30pm)
દોરીનો સૌથી વધુ ઉપયોગ ઉત્તરાયણ સિવાય ક્યાં અને કેવી રીતે થાય છેભજીયાગોટાની લારી અને દુકાનો પર. નથી માનતા? ના માનશો. અમદાવાદમાં રહેતા હોવ તો રાયપુર ભજીયા હાઉસ પહોંચી જાઓ અને બે મિનિટ દુકાને ઉભા રહો. પછી મારી વાત સાચી લાગશે. ઓ.કે. અચ્છા, થોડો વખત વધુ ઉભા રહ્યા હોવ તો વાંધો નહીં. સો ગ્રામ ભજીયા ખાઈ લેવાના યાર. ભાવ છે ફક્ત રૂપિયા બાર. ઓ.કે. ઉપરના બે રૂપિયા છુટ્ટા આપવાની માથાકુટમાં પડવા માગતા નથી એમ? નો પ્રોબ્લેમ યાર, વીસ રૂપિયાના ઠપકારી દેવાના. આજે સાંજે મેં એમજ કર્યું.
* * * * * * *

(Wednesday, 18 January 2012 at 09:50pm)
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....ગુજરાતમાં અંગ્રેજી ભાષા ઉપરાંત જીવનધોરણ પણ સુધરતું જાય છે. જો કે આમ સીધેસીધું લખવા માત્રથી કંઈ થાય નહીં, દાખલો પણ આપવો પડે. તે ક્યાં ના છે? લો, આ રહ્યો યાર. કોલસાની દુકાને કામ કરનારો પણ પોતે 'કૉલ સેન્ટર'નો કર્મચારી હોવાની ઓળખ આપે છે.
* * * * * * *

(Thursday, 19 January 2012 at 07:00pm)
પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા.....હરીન્દ્ર દવે.....ઘાસ લીલું જોયુંને ગોલ્ફ કૉર્સ યાદ આવ્યો.....બિનીત મોદી / મિત્ર ઋતુલ જોશી (હા ભાઈ હા, ફેસબુક ફ્રેન્ડ પણ ખરા!)એ 2012ના ફેસબુક સ્ટેટસની શરૂઆત જાન્યુઆરીએ આ રીતે કરી હતી....એમાંથી પ્રેરણા લઈને ઉપરનું સ્ટેટસ.
From Rutul Joshi's FACEBOOK Wall (1st January 2012) 'છાસ લેવા જવુંને દોણી સંતાડવી'. હવે આપણે દોણી લઈને છાસ લેવા જતા નથી એટલે આ કહેવતનો આધુનિક પ્રયોગ.....'ડેટા લેવા જવુંને પેનડ્રાઇવ સંતાડવી'. (આવી બીજી કઈ કહેવતોને નવું સ્વરૂપ આપી શકાય? લીસ્ટ બનાવો, ચતુર સુજાણ!)
* * * * * * *

(Thursday, 19 January 2012 at 08:50pm)
આજના અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા રાયપુર અને એક સમયે અમદાવાદની ભાગોળે ગણાતા ગોતા વિસ્તાર વચ્ચે શું સામ્ય છે? અમદાવાદમાં રહેતા હોવ તો આ જવાબ સહેલાઈથી આપી શકશો. ચાલો એક ક્લુ આપું. મારા ગઈકાલના 'ફેસબુક સ્ટેટસ' પરથી આછોપાતળો જવાબ મળી રહેશે. જુઓ આ રહ્યો રાયપુરના ગોટા વખણાય છે અને 'ગોતા'નો સ્પેલિંગ છે GOTA. નોંધ: ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે પણ રાયપુરના ગોટાનો 'ગોળમટોળ' બ્રાન્ડ એમ્બેસેડર હું છું.
* * * * * * *

(Thursday, 19 January 2012 at 09:30pm)
અમદાવાદમાં એક અજીબો-ગરીબ ઘટના બની. બે વાહન વચ્ચે અકસ્માત થયા પછી સ્થળ પર પહોંચેલી પોલીસે એક બાજુ બનાવની નોંધ કરી અને ભંગાર થઈ ગયેલા વાહનોના મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ કરતા સંબંધિતોને વિનંતી કરી કે આ બે વાહનોમાંથી 'નેનો' કાર કઈ અને 'સ્કુટી' કયું છે તે જુદું પાડી આપશો, આભાર.
નોંધ: આવું કંઈ થયું નથી. પણ થાય ખરું, હોં. તમને લાગે છે ને કે એક દિવસ આવું થશે. બસ ત્યારે, 'Like' કરે રાખો યાર.
* * * * * * *

માન ન માન, મૈં તેરી ફોઈ.....
(Friday, 20 January 2012 at 12:25pm)
ઉત્તરપ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર દરમિયાન, ‘રાજીવ ગાંધી પોતાને બહેન માનતા હતા એવો એકદમ લેટેસ્ટ ફટાકડો ઉમા ભારતીએ ફોડ્યા પછી હવે તદ્દન નવી કહેવત ફરતી થઈ છે માન ન માન, મૈં તેરી ફોઈ.....ઓ.કે. બાબા, પણ જૂની કહેવત કઈ હતી એ તો કહો. લો આ રહી માન ન માન, મૈં તેરા મહેમાન.
* * * * * * *

(Friday, 20 January 2012 at 12:30pm)
પગારધોરણના મામલે કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ (NGO – Non-Government Organization) કેન્દ્ર અને રાજ્ય સરકારો કરતા પણ આગળ છે. કામની જવાબદારીની અલ્પતા અને સગવડોની રેલમછેલ સામે ચુકવાતા પગારની તોતિંગ રકમ સાંભળીને આજકાલ ત્યાં આઠમા પગારપંચનો અમલ થતો હોય એવું લાગે.
* * * * * * *

(Friday, 20 January 2012 at 01:40pm)
જાને સાલા ચાંપલા’ ઠાસરા (ખેડા જિલ્લો) કે દેવગઢ બારિયા (દાહોદ જિલ્લો)ની સ્કૂલમાં ભણતી વખતે આ વાક્ય એક છોકરીના મોંઢે સાંભળ્યું હતું. છોકરાઓના તોફાનોના જવાબમાં ગુસ્સાથી તેણે મને કહ્યું હતું કે સાથે ભણતા બીજા કોઈ ભાઈબંધને કહ્યું હતું એ હવે પચીસ વર્ષ પછી યાદ નથી. એનું મહત્વ પણ નથી. આ વાક્ય છેલ્લા થોડા વર્ષોથી મને જરા જુદી રીતે કામ લાગી રહ્યું છે. ઓફિસમાં ઉંમરમાં મારાથી નાના કે જૂનિઅર સ્ટાફ પાસેથી પ્રેમપૂર્વક’ કામ કરાવવાકામ કઢાવી લેવા આ વાક્યનો હું છૂટથી ઉપયોગ કરું છું – જાને સાલા ચાંપલા.
* * * * * * *

(*) કિરીટભાઈની કથાનું કમઠાણ
(Friday, 20 January 2012 at 04:31pm)
કિરીટભાઈની કથાનું કમઠાણ : બ્રિટનમાં ઠંડીનું પ્રમાણ વધે એટલે યાયાવર પક્ષીની માફક લંડનથી ઉતરી આવતા કિરીટકુમારની આ કથા આમ તો પતી ગઈ છે, પણ તેમની કથાનું ચોપાનિયું હમણાં હાથ લાગ્યું. એટલે સૌ મિત્રોને 'ભક્તિરસ'માં તરબોળ કરવા પ્રસ્તુત છે 'ચોપાનિયાની ચોવટ'. હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં આગળ-પાછળ છપાયેલા આ ચોપાનિયાની ભાષા વિષે કશુંય પણ ન લખવામાં જ સાર છે. ધાર્મિક કાર્યક્રમોના આવા આયોજનોના ચોપાનિયા કેવા 'ડાબા' હાથે લખાય છે તેનો આ ઉત્તમ નમૂનો છે. લખે છે પિતૃઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે. અલ્યા લપોડશંખ નદીમાં અસ્થિનું વિસર્જન થાય, પિતૃઓનું ક્યાંથી થાય? ચોપાનિયું વાંચતા હોવ તો થોડા આગળ વધો. પિતૃદોષ નિવારણ માટે રૂપિયા 2,500 /-ની સાથે લેમિનેટેડ પિતૃઓનો ફોટો જમા કરાવવાનું લખ્યું છે. અલ્યા ભાઈ, બાપાનો ફોટો લેમિનેશન કરાવીને આપીએ, બાકી 'લેમિનેટેડ પિતૃ' ક્યાંથી લાવવા. તમારા લંડનમાં મળતા હોય તો નેક્સ્ટ ટ્રીપમાં થોડા નંગ લેતા આવજો. પસંદ પડશે તો રાખી લઈશું.
* * * * * * *

(*) પાટિયા પ્રચાર : પરમો ધર્મ
(Friday, 20 January 2012 at 06:34pm)
અમદાવાદના આશ્રમમાં ભણતા વાઘેલા પરિવારના બે દીકરાઓ દીપેશ અને અભિષેક અવગતે મૃત્યુ પામતા કોરટ કચેરી અને કાગળીયા થવાના કારણે પપ્પા આશારામના જીવનમાં જે ડુપ્લીકેટ 'તણાવ' સર્જાયો તેને ઠેકાણે પાડવાના અષ્ટમ પષ્ટમ ઉપાયો સમજાવતો 'ડુપ્લીકેટ સેમીનાર.સ્પષ્ટતા: આ જાહેરાત નથી તેવી નોંધ સાથે લખવાનું કે એમ લાગે તો ભલે લાગે.
* * * * * * *

(*) પાટિયે ઝુલતા પિ(શાચ)તા - (ક)પુત
(Friday, 20 January 2012 at 07:05pm)
પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા.....
Watch the Original Song by Clicking Link – http://www.youtube.com/watch?v=0vYCejs2xtM
અમદાવાદના આશ્રમમાં ભણતા વાઘેલા પરિવારના બે દીકરાઓ દીપેશ અને અભિષેક અવગતે મૃત્યુ પામતા કોરટ કચેરી અને કાગળીયા થવાના કારણે પપ્પા આશારામના જીવનમાં જે ડુપ્લીકેટ 'તણાવ' સર્જાયો તેને ઠેકાણે પાડવાના અષ્ટમ પષ્ટમ ઉપાયો સમજાવતો 'ડુપ્લીકેટ સેમીનાર' જેને આ લોકો સત્સંગ જ્ઞાન યજ્ઞ તરીકે ઓળખાવે છે. આ તિકડમ જ્યાં ચાલવાનું છે તે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ઉર્ફે ભક્તકવિ નરસિંહ મહેતા સરોવરની આસપાસડ્રાઇવ-ઇન સિનેમાથી લઈને હિમાલયા અને આલ્ફા વન મોલ સુધીની ખાણી-પીણી અને મોજમઝા કરવાની અનેક જગ્યાઓ છે એટલે શનિ-રવિનો વીકએન્ડ આ બાપ-બેટા પાછળ બગાડવો નહીં.
સ્પષ્ટતા: આ જાહેરાત નથી મોલની પણ નહીં, તેવી નોંધ સાથે લખવાનું કે એમ લાગે તો ભલે લાગે.
* * * * * * *

સલમાન રશદીની 'છોટી'સી લવ સ્ટોરી
(Saturday, 21 January 2012 at 01:50pm)
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભારતીય મૂળના બ્રિટીશ લેખક સલમાન રશદી આવી નહીં શક્યા તે બાબતનો સૌથી વધુ અફસોસ કોને છેચેનલ મીડિયાવાળાઓનેના. લેખકો સાહિત્યકારો પત્રકારોનેના. સલમાન રશદીના મિત્રોનેના. રિયા સેનનેહા. તેને થતું હશે કે રશદી જયપુર આવ્યા હોત તો સારું હતું. તેમની સાથેની સો કોલ્ડ લવ સ્ટોરીને લઈને જે કંઈ થોડી ઘણી પબ્લિસિટી મળતી ફોટા છપાતા. બાકી ફિલ્મોમાં તો હવે બેબીબહેન તેમની નોંધ લેવી પડે એવું કંઈ ઉકાળી શકે તેમ નથી.
* * * * * * *

(Saturday, 21 January 2012 at 01:55pm)
ઉત્તરાયણ વીતે આજે અઠવાડિયું થયું એટલે હવે ધાબેથી નીચે ઉતર્યો હશે એમ માનીને મિત્ર પ્રણવ અધ્યારૂને (હા ભાઈ હાફેસબુક ફ્રેન્ડ પણ ખરો) ફોન કર્યો તો એના મમ્મી ઉર્વશીબહેને ફોન ઉપાડ્યો. કહે, ‘એ તો ધાબે છેઆવતી ઉત્તરાયણની રાહ જુએ છે. મોબાઇલ કરો તો વાત થશે.’ પ્રણવને મોબાઇલ કર્યો તો એ કહે, ‘હામમ્મીએ બરાબર જ કીધું છે પણ થોડો ફેરફાર કરું. હું ધાબે નહીં કાલુપુર ટંકશાળ છું અને આવતા વર્ષ માટે પતંગ ખરીદું છું.
નોંધ: આવી કોઈ વાત થઈ જ નથી. થાય પણ નહીં. પણ પ્રણવને તેના પરિવારને ઓળખનારાઓ સાચું કહેજોઆવો ડાયલૉગ તેની મમ્મી સાથે કે પ્રણવ સાથે થઈ શકે ને?
* * * * * * *

(Sunday, 22 January 2012 at 01:00am)
ભગવાન બધું જ જુએ છે ઉપરથી.....હાફેસબુક પર જે કંઈ લખો છો તે તો જુએ જ છેકોના કેવા અને કયા-કયા સ્ટેટસ પર ‘Like’ ક્લિક કરો છો એનું તો ખાસ ધ્યાન રાખે છે.
* * * * * * *

કેશુભાઈ પટેલ : મતદાનને રામ-રામ
(Monday, 23 January 2012 at 00:30am)
લેઉઆ પટેલોના કુળદેવી માટે ખોડલધામ મંદિર નિર્માણ માટે ભેગા થયેલા જ્ઞાતિના યુવાનોને અન્યાય સામે લડવાની અને વાંક વિના કોઈ તમાચો મારે તો સામે બે તમાચા મારવાની જાહેર પ્રેરણા’ આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ યુવાનોને બે વાત કહેવાની ચૂકી ગયા. એક – 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યસભામાં જે પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ભારતીય જનતા પક્ષની વિરૂદ્ધમાં જ મતદાન કરવાની અપીલ કરતા હતા. બે લેઉઆ પટેલ જ્ઞાતિના ઠરેલ યુવાનોએ કેશુભાઈની આ સલાહ’ કાને ધરી નહીં એટલે 2009ની લોકસભા ચૂંટણીમાં બાપા મતદાન કરવા જતા પણ શરમાતા હતા. રાજકોટમાં હોવા છતાં મતદાન કરવા ઘર બહાર નહોતા નીકળી શક્યા.
* * * * * * *

(Monday, 23 January 2012 at 07:00am)
અન્ના, શરદ પવારને કોઈ યુવાને એક લાફો માર્યો.’.....‘બસ, એક જ?’.....‘અન્ના, બાબા રામદેવના મોં પર કોઈ યુવાને કાળી શાહી ફેંકી.’.....‘કેટલા લિટર?’
* * * * * * *

(Monday, 23 January 2012 at 08:55am)
અમારે ત્યાં આપની પસંદગી મુજબના ફેસબુક પ્રોફાઇલ સ્ટેટસને ‘Like’ ક્લિક કરી આપવામાં આવશે તેમજ આપના ટેસ્ટ મુજબના પ્રોફાઇલ સ્ટેટસ લખી આપવામાં ક્રિએટ કરી આપવામાં આવશે. મોબાઇલમાં મેસેજ કે ઇ-મેલ જોવાનો પણ જ્યારે સમય ન રહેતો હોય એવા આપની વ્યસ્તતાના ગાળામાં અમારી આ સેવાઓનો લાભ લો. એકલા કે પરિવાર સાથે બહારગામ હો ત્યારે પ્રવાસનો હરવા-ફરવાનો સાચો આનંદ લેવા તેમજ મિત્રો સાથે કનેક્ટ રહેવા અને એમ કરીને તેમની નારાજગી નહીં વહોરવા અમારી આ સુવિધાનો લાભ લો. વાજબી ભાવ ઉત્તમ સેવા એ જ અમારો મુદ્રાલેખ છે. ઝડપી સેવા આપવાનું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના હાથમાં હોવાથી એ માટેનો દાવો અમારા હરીફો ભલે કરતા, અમે નથી કરતા કારણ અમે પ્રમાણિક છીએ.
સેવા મેળવવા માટે: આપે માત્ર યુઝર આઈ-ડી મેલ અને પાસવર્ડ આપવાનો રહેશે. અમારી સેવાઓ સમાપ્ત થયે પાસવર્ડ બદલવાની જવાબદારી આપની રહેશે અને તે પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. આવું અમે જવાબદારી પૂર્વક કહીએ છીએ. ન્યાયક્ષેત્ર ફેસબુકની ઓફિસ અથવા માર્ક ઝુકરબર્ગનું ઘર રહેશે.
નોંધ: હું આજથી ત્રણ દિવસ પ્રવાસમાં છું અને આ પ્રકારની સેવા મેળવવા માટે મેં મારો પાસવર્ડ પોસ્ટકાર્ડ લખીને મોકલી આપ્યો છે.
* * * * * * *

(Saturday, 28 January 2012 at 04:00pm)
ઉત્તરાયણ વીતી ગયે પખવાડિયું થવા આવશે. ધાબા અગાશી અને રસ્તા પર પડેલા દોરીના ગૂંચળા અદ્રશ્ય થવા લાગ્યા છે. થોડા પીલ્લું થઈને ઠેકાણે પડ્યા હશે અને બાકીના આપના સ્કુટર મોટર સાઇકલના કે કારના વ્હીલમાં ફસાયા હશે. આ દોરી ગૂંચળાને દૂર કરશો તો વ્હીલ સંબંધી કોઈ તકલીફ નહીં થાય કે બ્રેક લાઇનરને નુકસાન નહીં થાય. ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ એવી આ ફૉર્મ્યૂલા સૂચવવામાં હું મોડો છું પણ આ અજમાવેલી યુક્તિ આપ સૌને કાયમ માટેદર વર્ષે કામ આવે તેવી છે.
* * * * * * *

(*) પત્રિકાનું પોસ્ટમોર્ટમ...અને...
(*)...પિષ્ટપીંજણ...
(Monday, 30 January 2012 at 06:50pm)
કોંગ્રેસી પત્રિકાનું પોસ્ટમોર્ટમ યાને પિષ્ટપીંજણ : આજે 30 જાન્યુઆરી 2012 – મહાત્મા ગાંધીનો 64મો નિર્વાણ દિન. અણધારી વિદાયના થોડા દિવસ મહિના અગાઉ બાપુએ આઝાદી મળ્યે સ્થાપનાનો ઉદ્દેશ પૂરો થયો હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીનું વિસર્જન કરી નાખવાની ઈચ્છા પ્રગટ કરી એ માટેની ભલામણ પણ કરી જોઈ હતી. અનેકવારની ભાંગફોડ અને ઘાટ-ઘડામણ વેઠી ચુકેલી આ પાર્ટીનું વિસર્જન થયેલું ગણાય કે નહીં તે પ્રશ્ન રાષ્ટ્રીય કક્ષાએ છે અને રહેવાનો છે. પણ આપણે ત્યાં ગુજરાતમાં એવી કોઈ અવઢવમાં રહેવા જેવું નથી. એટલા માટે કે ગુજરાત કોંગ્રેસે ગુજરાતના વિકાસ પ્રગતિ સંદર્ભે એક પત્રિકા પ્રગટ કરી છે. ફોર કલરમાં છાપેલી બે પાનાંની પત્રિકા 26 જાન્યુઆરી 2012ના દિવસે સવારના છાપાઓ વચ્ચે ખોસીને મોકલવામાં આવી. આ પત્રિકા ગુજરાતના ઘર-ઘરમાં વહેંચવામાં આવી છે એવો દાવો કરવામાં આવે છે જે પોકળ છે. એટલા માટે કે હજી તો કોંગ્રેસ પોતે ઘર-ઘરમાં પહોંચી નથી પછી તેની પત્રિકા ક્યાંથી પહોંચવાની હતી. ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન જ નહીં શ્રાદ્ધ સુદ્ધાં થઈ ગયેલું ગણાય એવી આ પત્રિકાની ઇમેજ અહીં નમૂના રૂપે મુકું છું. સ્કેન કરવાની મારી મર્યાદાને લઈ તેમાંનું લખાણ પૂરે-પૂરું કદાચ વાંચી નહીં શકો. બાકી આ પત્રિકા પ્રગટ કર્યા પછી ગુજરાત કોંગ્રેસનું વિસર્જન થઈ ગયેલું જ ગણાય. સહેજ પણ અવઢવ હોય તો વાંચો આ સાથેના કારણો પણ.....1) આ પત્રિકામાં ગાંધીજીનો સમ ખાવા પુરતો એક પણ ફોટો નથી. એક શેપિયા ઇમેજ મૂકી છે અને બીજા રેખાચિત્રમાં ગાંધીજીએ પીઠ ફેરવી લીધી છે. પૂજ્ય બાપુને માલુમ થાય કે ગુજરાતના મતદારોએ પણ કોંગ્રેસથી પીઠ ફેરવી જ લીધી છે. 2) જેમ ગાંધીજીનો ફોટો નથી એમ એક પણ મહિલાનો ફોટો અહીં નથી. અરે કોઈ મહિલાના પૂતળાનો ફોટો ય આ લોકોએ મુક્યો નથી. જાણે ગુજરાતમાં કોઈ દીકરીએ જન્મ જ લીધો નથી. માથે બેડાં મુકીને ડેરીમાં દૂધ ભરતી મહિલાઓનો ફોટો છે ખરો આપણાથી ખોટું કેમ કહેવાય3) પત્રિકામાં વડોદરાના પૂર્વ રાજવી સયાજીરાવ ગાયકવાડનો ઘોડેસવારી કરતા પૂતળાનો ફોટો મુકવામાં આવ્યો છે શાબાશ. 4) પત્રિકામાં ગણીને નવ ગુજરાતી મહાનુભાવોના ફોટા મુકવામાં આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાભાઈ નવરોજી, વિઠ્ઠલભાઈ પટેલ, જમશેદજી નસરવાનજી તાતા, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, વીર નર્મદ, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ઉમાશંકર જોશી. બસ, યાદી સમાપ્ત. અગાઉ લખ્યું તેમ ગુજરાતના વિકાસમાં જાણે કોઈ મહિલાનું યોગદાન છે જ નહીં. જહાજ વહાણવટા ઉદ્યોગસાથે સંકળાયેલા સુમતિ મોરારજીનું નામ શોધવું પડે એ રીતે લખ્યું છે જેથી આપણે તેમનું નામ દરિયામાં શોધી રહ્યા હોઇએ એવી અનુભૂતિ થાય. શાબાશ. 5) ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છ પ્રદેશનો પૂરી પત્રિકામાં ક્યાંય ઉલ્લેખ નથી. ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા જેમાં સવાર હતા તે પ્લેન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને કચ્છ સરહદે તોડી પાડ્યું હતું એવો ઉલ્લેખ માત્ર કર્યો હોત તો પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને હું કચ્છના સફેદ રણમાં ફરવા લઈ જાત. માય પ્રોમિસ. 6) ગુજરાતના આજ સુધીના 14 મુખ્યમંત્રીઓના ફોટા મુકીને તેમની હોદ્દાગત સિદ્ધિઓ વર્ણવી છે જેમાં સૌથી વધુ જગ્યા અને શબ્દો ચીમનભાઈ પટેલના ફાળે ગયા છે કારણ કે 'ખર્ચા' જેવી પત્રિકા છપાવવાનો ખર્ચો તેમના દીકરા અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે એ શરતે કર્યો છે કે તેમને આગામી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળવી જોઇએ અને હારી જાય તો કોઈ રાજ્યના ગવર્નર બનાવવાના અથવા એમ ના થઈ શકે તો રાજ્યસભાની ટિકિટ આપવાની. કોંગ્રેસમાં હારેલાને ગાદીએ બેસાડવાનો રિવાજ જૂનો છે એ આપ સૌની જાણ માટે. 7) ચૌદ મુખ્યમંત્રીઓની સિદ્ધિઓ વર્ણવતા કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે જેમને કેમ્પેઇન કમિટિના ચેરમેન બનાવ્યા છે તે શંકરસિંહ વાઘેલાની સિદ્ધિઓ વર્ણવતા લખ્યું છે ખેડૂતો સામે વીજચોરીના કરાયેલા કેસો પાછા ખેંચ્યા. ચોરીના કેસ પરત લેવા તે સિદ્ધિ ગણાય? બાકીના મુખ્યમંત્રીઓની સિદ્ધિઓ વર્ણવવામાં થોડું ઘણું ધોરણ જળવાયું છે. 8) ચીમનભાઈ પટેલ કોંગ્રેસ ઉપરાંત જનતાદળ અને જનતાદળ (ગુજરાત) જેવા બે જુદા જુદા રાજકીય પક્ષોના મુખ્યમંત્રી હતા એવી સાદી વિગત પણ અહીં ચૂકી જવાઈ છે. 9) 'પ્રત્યેક ગુજરાતી છે ગુજરાતનો વિકાસપુરુષ' – મને લાગે છે આટલું લખ્યા પછી હવે આ ટેગલાઇન માટે મારે કોઈ ટીપ્પણી કરવાની રહેતી નથી.
* * * * * * *

(Tuesday, 31 January 2012 at 05:50pm)
ઠંડા પ્રદેશોમાં વસનારા લોકો ટૉઇલિટ પેપર શું કામ વાપરે છે તે અત્યાર સુધી નહોતું સમજાતું. 2012ના શિયાળાએ સમજાવી દીધું છે.
* * * * * * *

બાવા એટલે બીલ વગરનો બિઝનેસ
(Tuesday, 31 January 2012 at 06:05pm)
ધર્મના નામે ધંધો-ધાપો કરતા ફાઇવ સ્ટારથી માંડીને ચલતા પૂર્જા જેવા સાધુ બાવાઓ સંબંધે આપણે અનેક ટીકા ટિપ્પણીઓ સાંભળી હશે, આગળ પણ સાંભળતા રહીશું પણ આ ટિપ્પણી તદ્દન નવી નક્કોર છે. 'બાવાઓનો ધંધો એટલે ઇન્વૉઇસ બીલ વગરનો ધંધો' (ગયા અઠવાડીએ કચ્છ-ભુજના પ્રવાસ દરમિયાન ડ્રાઇવર પાસેથી સાંભળેલું)
* * * * * * *

કિંગ ખાનના હસ્તાક્ષર મારા ગાલ પર
(Tuesday, 31 January 2012 at 06:55pm)
શિરીષ કુંદેર માટે 'રા.વન' શાહરૂખ ખાન ખરેખર રાવણ સાબિત થયો.

આ અગાઉ અહીં મુકેલી જાન્યુઆરી – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/02/2013.html


(નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)