પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, May 06, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા પેટાચૂંટણીમાં પણ બિનહરીફ વિજેતા

પાર્લમેન્ટ ઑફ ઇન્ડિયા, નવી દિલ્લી


પહેલા તબક્કામાં અગાઉની સરખામણીએ મતદાન ઓછું થયું છે એવા સમાચાર સાથે અઢારમી લોકસભાની રચના કરવા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1951-52થી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની રચના 1952માં થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીનો અવસર છે પણ આપણે વાત કરીશું પેટાચૂંટણીઓની. પેટાચૂંટણીઓ અને તે પણ માત્ર ગુજરાતની લોકસભા બેઠકોના સંદર્ભમાં.


એટલા માટે કે પેટાચૂંટણીઓ પણ ભારતના ચૂંટણી રાજકારણનું એક મહત્ત્વનું અંગ છે. યાદ કરવું ગમશે કે 2024માં જેમના ચૂંટણીચાણક્યકર્મની ચર્ચા ચારેકોર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે તેમની સક્રિય રાજનીતિની શરૂઆત પેટાચૂંટણી લડીને કરી હતી. અલબત્ત એ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હતી.


ગુજરાત અને લોકસભાના સંદર્ભમાં જોઇએ તો સત્તરમી લોકસભા એવી પાંચમી લોકસભા છે જેના તમામ સંસદસભ્યોએ તેમની પાંચ વર્ષની સંસદીય મુદત પૂર્ણ કરી છે. અગાઉ 1957માં બીજી, 1989માં નવમી, 1991માં દસમી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભાના ગુજરાતના તમામ સંસદસભ્યોએ તેમની સંસદીય મુદત પૂર્ણ કરી હતી. એ સિવાયની લોકસભાઓમાં રાજીનામા કે સભ્યના મુદત દરમિયાન અવસાનને કારણે પેટાચૂંટણીના સંજોગો ઉભા થયા હતા. એક અપવાદરૂપ હકીકત લેખે જણાવવાનું કે 1989ની નવમી લોકસભાનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો રહ્યો હતો. એ સમયે ભાવનગરના સંસદસભ્ય શશીકાન્તભાઈ જમોડનું મુદત વચ્ચે અવસાન થયું હતું. પરંતુ લોકસભાની ડામાડોળ સ્થિતિ વચ્ચે તેનું વિસર્જન હાથવેંતમાં હોવાથી બેઠકની પેટાચૂંટણી યોજવાની જરૂર નહોતી પડી.


પ્રથમ ત્રણ લોકસભામાં ગુજરાતના બાવીસ તેમજ ચોથી અને પાંચમી લોકસભામાં ચોવીસ સંસદસભ્યો હતા. છઠ્ઠી લોકસભાથી ગુજરાતની સંસદસભ્યોની સંખ્યા છવ્વીસ થઈ જે બેઠકોના કેટલાક ફેરફાર સાથે અઢારમી લોકસભા સુધી યથાવત છે. પહેલી બે લોકસભામાં કચ્છ, પંચમહાલ-વડોદરા, મહેસાણા અમદાવાદ, ખેડા અને સુરત બેઠકને વિસ્તાર આધારે બે-બે બેઠકોનું પ્રતિનિધિત્વ મળેલું હતું. ત્રીજી લોકસભાથી ત્રણ ફેરફારો થયા. બે બેઠકોનું પ્રતિનિધિત્વ નીકળી ગયું, દરેક સ્વતંત્ર લોકસભા બેઠકને એક જ સંસદસભ્યનું પ્રતિનિધિત્વ મળ્યું અને હા 1962ની ત્રીજી લોકસભા ચૂંટણી સમયે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવી ગયું હતું.


ગુજરાત અલગ નહોતું થયું એ સમયે પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર પાંતની હાલાર બેઠકની પેટાચૂંટણી પહેલવહેલી આવી પડી હતી. આવી પડી હતી એમ જ કહેવાશે કેમ કે એ બેઠકની સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ખંડુભાઈ દેસાઈ વિજેતા થયા અને વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં શ્રમ મંત્રી થયા.


એ જ રીતે સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા. અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને પહેલી લોકસભાના સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ વિજેતા થયા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Friday, May 03, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના બિનહરીફ સંસદસભ્યો

 

ભારતીય સંસદ


સવા દોઢ મહિના પછી ખુલવાનું હતું એ ખાતું એપ્રિલના અંતમાં ખુલી ગયું છે. અઢારમી લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું અને બોંતેર કલાક કરતાં પણ ઓછા સમયમાં પહેલું પરિણામ આવી ગયું. પરિણામ એવી જગ્યાએથી આવ્યું જ્યાં હજી મતદાન યોજાયું નથી. સુરત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ. ભારતીય જનતા પક્ષે તેના લોકપ્રિય નારા અબ કી બાર ચારસો પારને હકીકતમાં બદલવાના પહેલા પગથિયે પગ મુકી દીધો.


મુકેશ ચંદ્રકાંત દલાલ – અઢારમી લોકસભા માટે સુરત બેઠકના સંસદસભ્ય. બિનહરીફ વિજેતા. સત્તરમી લોકસભાના ત્રીજી મુદતના સંસદસભ્ય અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશના અનુગામી. ભાજપે ઉમેદવાર ન બદલ્યા હોત તો બીજો રેકોર્ડ થયો હોત – દર્શનાબહેન ગુજરાતના સૌથી લાંબી મુદતના મહિલા સંસદસભ્ય થયા હોત. સંભવિત ચોથી મુદત અને સંસદસભ્ય પદના વીસ વર્ષ. એમ થયું નથી, હવે થશે નહીં.


નર્વિરોધપણે, બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય એવા સંસદસભ્યોમાં મુકેશ દલાલનો નંબર દેશભરમાં પાંત્રીસમો આવે છે. છેલ્લો દાખલો શ્રીમતી ડિમ્પલ યાદવનો છે. 2012માં તેમના જીવનસાથી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળવા કન્નૌજ લોકસભા બેઠક ખાલી કરી પછી તેઓ પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પહેલીવાર ચૂંટણી લડેલા મુકેશ દલાલની જીતની સરખામણી એ રીતે પણ કરવી પડશે કે ડિમ્પલબહેનના પતિ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા અને સસરા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પિતા – પુત્ર બન્ને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા હતા.


આ સિવાય યશવન્તરાવ ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લાહ, હરેકૃષ્ણ મહેતાબ, ટી. ટી.ક્રિશ્નામાચારી, પી. એમ. સઇદ અને એસ. સી. જમીર લોકસભાના સભ્ય લેખે વખતોવખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર પદે રહેતા એસ. સી. જમીર થોડા વર્ષ અગાઉ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ નાગાલેન્ડ લોકસભા બેઠક પરથી 1967ની ચોથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમનો રાજકીય પક્ષ – નાગાલેન્ડ નેશનાલિસ્ટ ઓર્ગેનાઇઝેશન.


ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એ અર્થમાં મુકેશ દલાલ ગુજરાત રાજ્યના પહેલા બિનહરીફ સંસદસભ્ય ગણાશે. 1951-52માં યોજાયેલી પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પ્રાંતની હાલાર બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી હતી. હાલાર એટલે આજની જામનગર લોકસભા બેઠક જેના 2024ના ભાજપના ઉમેદવાર અને બે મુદતના સંસદસભ્ય પૂનમબહેન માડમ ગુજરાતના મહિલા ઉમેદવારોમાં તેમની સૌથી વધુ સંપત્તિને લઇને ચર્ચામાં છે.


પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પંચમહાલ અને વડોદરા પૂર્વ બેઠકની બીજી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર કૉંગ્રેસ પક્ષના રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે તેઓએ પહેલી લોકસભાના સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. પહેલી લોકસભામાં અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા હતા.


આમ અમદાવાદ બેઠકની 1956ની પેટાચૂંટણીના બિનહરીફ વિજેતાને લક્ષમાં લઇએ તો સડસઠ-અડસઠ વર્ષ પછી સુરતના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ છે જેઓ નિર્વિરોધપણે લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. 1984ની આઠમી લોકસભા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો સાથે લોકસભામાં ખાતું ખોલ્યું હતું. એમાં એક બેઠક ગુજરાતની મહેસાણાની હતી. ચાલીસ વર્ષ પછી ભાજપે ગુજરાતમાં મતગણતરી પહેલા એક બેઠક મેળવીને ખાતું ખોલ્યું છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Sunday, April 28, 2024

ભારતનું મહાભારત : લોકસભાનું આયુષ્ય

જૂનું સંસદભવન : પહેલીથી સત્તરમી લોકસભાના સભ્યો અહીં બેઠા

અઢારમી લોકસભાની રચના માટે પહેલા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1950માં સંસદીય લોકશાહી અપનાવ્યા પછી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની 1952માં રચના થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીના આ અવસરે આપણે વાત કરીશું લોકસભાના આયુષ્યની. આયુષ્ય મતલબ મુદત. બંધારણે નક્કી કરી આપ્યા પ્રમાણે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. ન એક દિવસ ઓછો, ન એક દિવસ વધારે. હા, તેમાં અપવાદ છે.

સત્તરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ જૂન 2024ની મધ્યમાં પુરો કરશે. એ પહેલા અઢારમી લોકસભાની રચના થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર આખરી ચૂંટણી પરિણામોને આધારે નવા ચૂંટાયેલા 543 સભ્યોની પ્રિન્ટેડ યાદી, સારી રીતે બાઇન્ડ અને ડેકોરમ કરેલી સ્થિતિમાં કાસ્કેટમાં મુકી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સોંપશે એ સાથે અઢારમી લોકસભાની રચના પ્રક્રિયા શરૂ થઈ જશે. સામાન્ય ચૂંટણી એ તેનું પ્રથમ પગથિયું છે.

આજ સુધી સત્તરમાંથી અગિયાર લોકસભાએ તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે. પહેલી ત્રણ લોકસભાએ તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી હતી. એ પછી પાંચમી, સાતમી, આઠમી, દસમી અને ચૌદમીથી સત્તરમી લોકસભાએ તેનો નિશ્ચિત કાર્યકાળ પૂર્ણ કર્યો છે. લોકસભા તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ ન કરે તેના કારણો મોટા ભાગે રાજકીય હોય છે. ચોથી લોકસભાની મુદતમાં જવાહરલાલ નેહરૂની ગેરહાજરી હતી અને કૉંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ ભંગાણ પડ્યું એ પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેને સવા વર્ષ પહેલા બરખાસ્ત કરી હતી. પાંચમી લોકસભા સમયે કટોકટી / State of Emergency લાદવામાં આવી હોવાથી ઇન્દિરા ગાંધીએ જ તેની મુદત દસ મહિના જેટલી લંબાવી હતી, અલબત્ત લોકસભાની બંધારણીય મંજૂરી સાથે.

છઠ્ઠી લોકસભાએ દેશને પહેલી બીનકૉંગ્રેસી સરકાર આપી પણ તેની બન્ને સરકારો મુદત પુરી ના કરી શકી. વડાપ્રધાન પદે માતા-પુત્રની જોડીએ સાતમી અને આઠમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કરાવ્યો. પુનઃ બે બીનકૉંગ્રેસી સરકારોએ નવમી લોકસભાને પાંચ વર્ષ ના જોવા દીધા. આર્થિક સુધારા યુગની પહેલી લોકસભા એવી દસમી લોકસભાએ એક જ વડાપ્રધાનના નેતૃત્વમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા. એમનું નામ પી. વી. નરસિમ્હારાવ. જેમને ગયા મહિને માર્ચ 2024ના અંતે મરણોત્તર ભારત રત્ન સન્માન એનાયત થયું. દેશનું સર્વોચ્ચ રાજકીય સન્માન. એ સન્માન પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર અપાયું જેમણે પદ પર રહેતા કદી લોકસભા જોઈ જ નહોતી.

પુનઃ બીનકૉંગ્રેસી સરકારોના યુગમાં અગિયારમી અને બારમી લોકસભા મુદત પહેલા જ બરખાસ્ત થઈ ગઈ. જીવતેજીવ ભારત રત્ન સન્માન મેળવનાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની તેરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરે એવી પુરતી શક્યતાઓ હતી. પરંતુ વાજપેયીના રાજકીય સલાહકારોએ આઠ મહિના પહેલા લોકસભા બરખાસ્ત કરાવી વહેલી ચૂંટણી કરાવડાવી.

તો 2004માં ચૌદમી લોકસભાથી શરૂ કરીને આ 2024માં સત્તરમી લોકસભાની મુદત પૂર્ણ થવા આરે ભારતની સંસદીય લોકશાહીના આ પહેલા એવા બે દાયકા છે જેમાં ચાર સરકારો અને બે વડાપ્રધાનોએ સ્થિર શાસનના દસ-દસ વર્ષ આપ્યા છે.

નવું સંસદભવન : સત્તરમી લોકસભાના સભ્યો અહીં પણ બેઠા

સંસદીય લોકશાહીનું આગામી ભાવિ જાણવા માટે ચોથી જૂનની સાંજ પડે એની રાહ જૂઓ. એ સાંજે અઢારમી લોકસભા ચૂંટણીના બહુમતી પરિણામો જાહેર થઈ જશે.

(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)