પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, March 23, 2012

વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામ


ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતમાં એક નામ એવું છે જે માત્ર નામથી જ ઓળખાય છે. કોઈ અટક કે ઉપનામ-તખલ્લુસ તેને લાગુ પડતું નથી. વસુબહેન / Vasubahenવિનોદની નજરેમાં વિનોદ ભટ્ટે તેમનો પરિચય આપતા શરૂઆત આ રીતે કરી છે.
નામ : વસુબહેન.
ઉપનામ: વસુબહેન.
અટક: વસુબહેન.
પિતા અગર પતિનું નામ : વસુબહેન.

વસુબહેન : આજે થયા અઠ્ઠયાશી (88)

        આ નામ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે એક વાર તેમને ઝઘડો પડેલો. ઉમેદવારી-પત્રમાં પોતાનું આખું નામ તેમણે વસુબહેન લખેલું. કાર્યાલયે આ ઉમેદવારીપત્ર અધૂરું ગણીને તેમનું નૉમિનેશન રદ કરેલું. પછી કોર્ટમાંયે પોતાનું આ જ નામનું રજિસ્ટ્રેશન થયેલું છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું એટલે પાછળથી પરિષદની કારોબારીના સભ્ય તરીકે તેમને કો-ઑપ્ટ કરવામાં આવેલાં.
       ગુજરાતી સાહિત્ય પરિષદે જેમને કારોબારી સભ્ય તરીકે કો-ઑપ્ટ કર્યા હતા તે વસુબહેન આજે 2012માં પરિષદના પાડોશી છે. એમ તો જિંદગી ધરીને જ્યાં નોકરીગત પ્રવૃત્ત રહી છેલ્લે નિયામકપદેથી 1982માં વયનિવૃત્ત થયા તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના સાખપાડોશી છે. ગુજરાતી સાહિત્યની ક્લાસિક કૃતિ વિનોદની નજરે (પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) ના ઉપર ઉલ્લેખેલા તેમના વિશેના લેખના પહેલા પ્રાગટ્યને ત્રણ દાયકા ઉપરાંતનો સમય વીતી ગયો છે. એક સમયના સબળ માધ્યમ ગણાતા રેડિયોમાં કામ કરી ચુકેલા વસુબહેનની નવેસરથી નવા માધ્યમમાં નોંધ લેવી જોઈએ એવા ખ્યાલ સાથે તેમના ઘરે પહોંચ્યો. અહીંથી હું આગળ વધું અને વાંચવામાં તમે આગળ વધો એ પહેલાં એટલું જણાવું કે વિનોદની નજરેમાં તેમના વિશે વાંચ્યા વિના પરિચય અધૂરો જ રહેવાનો. તો ચાલો ઓવર ટુ આશ્રમરોડ.....પાંચમા માળે, જિવાભાઈ એપાર્ટમેન્ટસ્, કંદોઈ ભોગીલાલ મૂળચંદની ગલીમાં – નદી કિનારા તરફ.
                                  *   *   *   *   *   *
વસુબહેન, આ અઠવાડિયે શુક્રવારે તમારો જન્મદિવસ છે તો તમારા વિશે લખવું છે.
જન્મદિવસ તો ગયો. હોળીના દિવસે. ઘરમાં બધા એ રીતે યાદ રાખતા કે એક બાજુ હોળી પ્રગટી અને બીજી બાજુ મારું પ્રાગટ્ય થયું.
બરાબર, પણ તારીખ પ્રમાણે જન્મદિવસ 23 માર્ચે. તો મારે એ નિમિત્તે તમારી ઓળખ જોગ કંઈક લખવું એવો ખયાલ છે.
વિનોદે બધું લખ્યું છે.
એ સિવાયનું મારે લખવું છે.
હમણાં જ ચાર દિવસ હોસ્પિટલમાં રહી આવી. ત્યાં કોઈ વાત કરવાવાળું જ ના મળે. મારું બોલવાનું જ બંધ થઈ ગયું. હવે થાક લાગે છે.
       
        મહેફિલના – મેળાવડાના માણસ એવા વસુબહેન આજે અઠ્ઠયાશી વર્ષનાં થયા. જન્મતારીખ 23 માર્ચ 1924. અઠ્ઠયાસી વર્ષે લાગવા જોઈએ એટલા જ થાકેલા પણ કંટાળેલા નહીં. તેમના અતિ જાણીતા તકિયાકલામ સાથે મને કહેપ્રભુ, ફરી વાર મળીએ તો. માંદગીના ખબર મળતાં મુંબઈ રહેતા તેમના બહેન ઇન્દુબહેન અમદાવાદ દોડી આવેલા. સગાં-સબંધી-મિત્રો-પરિચિતોના માત્ર એક-એક પ્રતિનિધિ ગણીએ તો ય તેમનો રૂમ એકદમ ભર્યો-ભાદર્યો. બધાને તેમની સાથે કંઈક વાત કરવી હતી. પરીક્ષાની તૈયારી કરતી પાડોશીની છોકરી પણ તેની દાદી સાથે આવીને બે ઘડી વસુબહેનને વહાલ કરી ગઈ, એમ કહીને કે તમને મળ્યા વગર વાંચવામાં મન નહોતું લાગતું.


પાડોશીની દીકરી : તમને મળ્યા વગર
વાંચવામાં મન નહોતું લાગતું
 

        હોસ્પિટલમાંથી રજા મળ્યે કલાકો જ વિત્યા હતા. લાંબી વાત થઈ શકે એવી કોઈ ગુંજાશ નહોતી. છતાં બહેન ઇન્દુબહેન પાસેથી થોડી વિગતો મેળવી શકાઈ – વાત થઈ શકી. પરિવારની વિગતો આપતા તેમણે જે જણાવ્યું એ પ્રમાણે.....
        વતન અમદાવાદ અને મોસાળ જંબુસર-ભરૂચ પાસેનું આમોદ ગામ પણ જન્મ વડોદરામાં થયેલો. કારણ પિતા રામપ્રસાદ બાલકૃષ્ણ શાસ્ત્રી સયાજીરાવ ગાયકવાડના પોલીટીકલ સેક્રેટરી હતા. મનુભાઈ દિવાન અને વી.ટી. કૃષ્ણામાચારી જેવા એ સમયના જાણીતા વહીવટદારો સાથે તેમણે કામ કરેલું. માતાનું નામ સરસ્વતીબહેન. બે ભાઈઓ (શરદકાન્ત –મહેન્દ્ર) અને ચાર બહેનો (સૂર્યબાળા, મધુ, વસુ અને ઇન્દુ)ના પરિવારમાં વસુબહેનનો નંબર પાંચમો. શરદભાઈ (હાલ સ્વર્ગસ્થ) વેપાર તરફ વળ્યા હતા તો મહેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના ડ્રગ કન્ટ્રોલર હતા અને અધિકારી તરીકે ખૂબ લોકપ્રિય હતા. હાલ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળે છે. ઇન્દુબહેન અને વસુબહેને આજની બી.એ. સમકક્ષ ગણાય તેવી ગૃહિતા ગમા – જી.એ.ની ડીગ્રી મહર્ષિ કર્વેએ સ્થાપેલી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી કોલેજમાંથી મેળવી હતી. આજે એ કોલેજ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. મધુબહેન વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. જો કે જિંદગીના અંતિમ વર્ષોમાં અમદાવાદ આવી ગયા હતા અને અહીં જ અવસાન પામ્યા. ઇન્દુબહેન એ.સી.સી. કંપનીની મુંબઈ ઓફિસમાં તેત્રીસ વર્ષ કામ કર્યા પછી હાલ નિવૃત્ત જીવન ગાળે છે.

બે બહેનો : વસુ અને ઇન્દુ

        વડોદરામાં ભણતર પૂરું કર્યા પછી વસુબહેને પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદની રાવ મગનભાઈ કરમચંદ સ્કૂલમાં સ્વીકારી. એ અણગમતી નોકરી હતી એટલે એમાંથી છૂટવા જ તેમણે 1949માં આકાશવાણીની / All India Radio નોકરી સ્વીકારી. વડોદરા – રાજકોટ – મુંબઈમાં વિવિધ પદો પર કામ કરતાં છેલ્લે નિયામકપદેથી અમદાવાદમાં નિવૃત્ત થયા. આકાશવાણીની નોકરી દરમિયાન રાજકોટમાં ફરજ બજાવતા તેમની સાથેનો એક પ્રસંગ વિનોદની નજરેમાં આ રીતે આલેખાયો છે.....ઓવર ટુ.....રાજકોટ.....
       
         ચોર-શાહુકાર વચ્ચે પણ તેમને મન ઝાઝો ફરક નથી. વચ્ચે રાજકોટના તેમના મકાનમાં ચોરી થઈ. ચોર પકડાયો. વસુબહેનને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યાં. તેર-ચૌદ વર્ષના ચોર છોકરાને જોઈને આશ્ચર્યથી તેમણે પોલીસને પૂછ્યું
આટલા નાના છોકરાએ ચોરી કરી? પછી એ છોકરાના બરડા પર સ્નેહથી હાથ ફેરવી તેને પોતાની પાસે બેસાડવા માંડ્યાં. પોલીસે તેમને રોકતાં કહ્યું : ‘ચોરને તમારી સાથે ખુરસીમાં ના બેસાડાય. તે ચોર છે એવું તેને લાગવું જોઇએ......
પણ પોલીસની વાત પર બહુ ધ્યાન ન આપતાં ચોર સાથે તેમણે પ્રશ્નોત્તરી શરૂ કરી : દોસ્ત, મારું ઘર તને કેવું લાગ્યું?’
શોભાવાળું...
મારા શો-કેસમાં પડેલી બેલ્જિયમની કીમતી ક્રોકરી તેં કેમ ના લીધી?
કાચની ચીજો હાથમાંથી છટકીને ફૂટી જાય તો અવાજ થાય ને આજુબાજુવાળા જાગી જાય તો પકડાઈ જવાય...
ત્યાર બાદ વસુબહેને પોલીસને કહ્યું : મારું કશું ચોરાયું હોય એવું નથી લાગતું. ત્યારે ચોરે સામેથી શાહુકારી બતાવી : ‘હોય બહેન! તમારા ગળાની ચેઇન ચોરીને મેં સોનીને ત્યાં વેચી નાખી છે.
ને ચોરની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને તેમણે તેને આમંત્રણ આપ્યું : તું છૂટે એટલે મારા ઘેર, હું હોઉં ત્યારે આવજે...આપણે સાથે ચા પીશું.
આ વસુબહેનને મન વસુધૈવ કુટુમ્બકમ્ છે...

હા, આજે ત્રીસ વર્ષ પછી પણ તેમની એ ભાવનામાં કોઈ ફરક પડ્યો નથી. ના જ પડ્યો હોય ને એ તો. કારણ તેમનું નામ વસુબહેન છે. ચોરને આપ્યું હતું એવું જ આમંત્રણ તેમણે મને પણ આપ્યું હતું. મૂળ તો રજનીકુમાર પંડ્યા વતી કોઈ કામે તેમના ઘરે એકથી વધુ વાર મારી અવર-જવર થતી રહેતી. મને કહે, ‘પ્રભુ, તારે આવતા-જતા રહેવું. વાતો કરીશું. મઝા પડશે. જો કે અમદાવાદની અડાબીડમાં એવો વખત કદી આવ્યો નહીં. પણ સમય મળ્યે ચાર-છ મહિને ઘરે મળી તેમના ક્ષેમકુશળ પૂછી લેતો. ઘરમાં કદી એકલા ન હોય. દરબાર ભરેલો જ હોય. શક્ય છે આ દરબારી માહોલને કારણે જ કદી વન-ટુ-વન વાત કરવાનું ન બન્યું કે જેથી તેમનો કોઈ આલેખ કરી શકાય.


        આકાશવાણી સાથેના તેમના એકાધિક સ્મરણો છે. તેમની સાથે કામ કરી ચુકેલા લોકો પાસે પણ પ્રાસંગિક સંસ્મરણો છે. ન હોય તો જ નવાઈ. ઇન્દિરા ગાંધી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યા હોય તેવો તેમનો એક ફોટો આલબમમાં જોયો હતો. બન્ને એકસરખાં ઠસ્સાદાર લાગે. ફ્રેમમાં એક પણ પોલીસ દેખાતો ન હોય તેવો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં વસુબહેન ઊભા હોય તેવો ફોટો એટલા માટે યાદ આવે કે આજે સલામતીના નામે વડાપ્રધાનના ચોકિયાતોને પણ ચાલીસ ફીટ દૂર ઊભા રાખવામાં આવે છે.

વસુબહેન, ઇન્દિરા ગાંધી અને સત્યવતીબહેન 
શાહ વડાપ્રધાનના નિવાસસ્થાને, દિલ્હી

તેમનો ખૂબ સમૃદ્ધ ફોટો આલબમ આજે વેરવિખેર છે. ખપના – ઉપયોગના છે એમ કહી કેટલાય લોકો ફોટા લઈ ગયા છે જે પરત આવ્યા નથી. સ્મૃતિલોપને કારણે હવે વસુબહેનને પણ ફોટા લઈ જનારના નામ યાદ નથી. વચ્ચે એક નમૂનો તેમને એવો ભટકાયો કે ફોટા સ્કેન કરવાના નામે આલબમમાં ચોંટાડેલા ફોટા ઉખાડી-ઉખાડીને લઈ ગયો. એ ફોટા પાછા આવ્યા પણ ન આવ્યા બરાબર.

આકાશવાણીમાંથી નિવૃત્ત થઈને વસુબહેન મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. રાજ્ય સરકારે રચેલા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના પહેલા અધ્યક્ષપદે તેમની નિમણૂક થઈ હતી. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના તેઓ આજીવન પ્રમુખ છે. ઢળતી વયે ઘરમાં બકુલાબહેન તેમની દેખભાળ રાખે છે. વસુબહેનના એ જુના સાથીદાર છે. એટલા જુના કે હવે તેમની પણ અવસ્થા થવા આવી છે.

ઘરમાં ઘડિયાળના કાંટે સાથ આપતા બકુલાબહેન

સાજે – માંદે હવાફેર કરવા વસુબહેન સૂર્યબાળાબહેનના દીકરા ભાણેજ આશુતોષભાઈ – વંદનાબહેન (શીવકુમાર જોશીના દીકરી)ના પરિવાર સાથે જઈને રહે છે. હા, જ્યાં જાય ત્યાં મહેફિલ જમાવીને બેસે. વાતોનો મેળો કરે. એનું જ નામ તો વસુબહેન.

આંગણે આવેલાની દરકાર:
" હું ન મળું તો સંદેશો જરૂર લખજો
 " 
          
        ( નોંધ: પોસ્ટમાં રંગીન ટેક્સ્ટ 'વિનોદની નજરે' પુસ્તકમાંથી. 
           રંગીન તસવીરો : બિનીત મોદી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સૌજન્ય : વસુબહેન) 

Thursday, March 15, 2012

અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’


        વેપાર જગતમાં માર્ચ મહિનો યર એન્ડિંગ મન્થ રૂપે ખ્યાત છે. વર્ષભરના હિસાબ-કિતાબ સરભર કરવાની દિમાગી કસરત આ મહિનામાં થાય. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં એક વ્યાખ્યાન શ્રેણી ચાલે છે જેનું શિર્ષક છે જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત વક્તાએ પોતાના જીવનનું યર એન્ડિંગ નહીં પણ એરા એન્ડિંગ વક્તવ્ય આપવું એવો સામાન્ય ઉપક્રમ છે. પ્રારંભથી દર મહિનાના પહેલા રવિવારની સવારે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીનું ચોવીસમું અને સેકન્ડ લાસ્ટ કહેવાય તેવું વ્યાખ્યાન રવિવાર, 4 માર્ચ 2012ના દિવસે નવલકથાકાર અશ્વિની ભટ્ટે / Ashwinee Bhatt આપ્યું.
        ભલે નિયમિતપણે યોજાતું હોય તોય અમદાવાદ રહ્યે આ પ્રકારના વ્યાખ્યાનના શ્રોતા થવાનો લહાવો લેવો અશક્ય નહીં તો ય અઘરું તો છે જ. છતાં અશ્વિનીભાઈના વ્યાખ્યાનનો લહાવો લઈ શક્યો તેની પાછળ નાની કથા છે. કોફી મેટ્સ, વિકલ્પ અને અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર જેવી ત્રણ સંસ્થાઓના ઉપક્રમે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીના આયોજકો પૈકીમાંના એક અવિનાશભાઈ પારેખે ગત વર્ષે ડિસેમ્બરના પ્રારંભે ઉર્વીશ કોઠારીને બે વાત કરી. એક તો શ્રેણીનું ચોવીસમું વ્યાખ્યાન અશ્વિની ભટ્ટ આપશે અને બીજું તે અશ્વિનીભાઈનો પરિચય ઉર્વીશ કોઠારી આપશે. અમેરિકા રહેતા અશ્વિનીભાઈની અનિશ્ચિતતાઓ અને શારીરિક તંદુરસ્તીથી પૂરેપુરો વાકેફ ઉર્વીશ તેમના આગમન બાબતે આશંક હતો તો અવિનાશભાઈએ વ્યાખ્યાનની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનની તારીખ પણ જણાવી દીધી.
        રોજિંદા જીવનની ઘણી બધી બાબતોનું શેરીંગ કરતા ઉર્વીશે જ્યારે આ વાત જણાવી ત્યારે જ નક્કી કરી લીધું કે અશ્વિનીભાઈને સાંભળવા મુંબઈ જવાનું. જરૂરી રેલવે બુકીંગ પણ એ સાથે જ મેળવી લીધા. વક્તા લેખે અશ્વિનીભાઈના નામ ઉપરાંત બીજો ધક્કો મળ્યો તે એ કે મુંબઈ સ્થિત મિત્ર દંપતી હેતલ દેસાઈ અને દીપક સોલિયાને કારણે અગાઉ આ શ્રેણી અંતર્ગત ચિત્રકાર અતુલ ડોડિયાએ / Atul Dodiya આપેલું વ્યાખ્યાન સાંભળ્યું હતું.
        ઓવર-ટુ-મુંબઈ.....
        રવિવારની સવારે વાયા હેતલ – દીપકના ઘરે થઈ અંધેરી સ્થિત ભવન્સ કેમ્પસ પર પહોંચી ગયા. અશ્વિનીભાઈને બે દિવસ અગાઉ અમદાવાદમાં મળ્યો ત્યારે વ્યાખ્યાનની તૈયારી કરવાની છૂપી ચિંતા તેમની વાતચીતમાં ડોકાતી હતી. તેમની તબિયત જોતાં લેપટોપની મદદથી હું કંઈ ખપમાં આવી શકું કે કેમ તેવી શક્યતા પૂછી તો કહે કે,પૂરું વ્યાખ્યાન લેખિતમાં તૈયાર કરીને જ મુંબઈ પહોંચવાનો પાકો ઇરાદો છે. જો એમ નહીં થઈ શકે તો છેવટે વક્તવ્યના મુદ્દા પણ ટપકાવી લઈશ.
(ડાબેથી) મહેન્દ્ર શાહ, ડૉ. તુષાર શાહ અને અશ્વિની ભટ્ટ 
ભવન્સ / Bhartiya Vidya Bhavan પર પહોંચી તેમને મળવા એસ.પી. જૈન ઓડિટોરીયમના ગ્રીન રૂમમાં હું અને ઉર્વીશ પહોંચ્યા તો અશ્વિનીભાઈ સાથે પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર વાળા મહેન્દ્ર શાહ, કાર્ડિઓલોજિસ્ટ ડૉ. તુષાર શાહ અને તૃપ્તિ સોની હતાં. ભટ્ટ પરિવારમાંથી પત્ની નીતિબહેને દીકરા નીલ સાથે અને અશ્વિનીભાઈના બે બહેનોએ સભાગૃહમાં સ્થાન લઈ પરિચિતોને મળવાનું ચાલુ રાખ્યું હતું. અમે પણ કેટલાક પરિચિતો –મિત્રો સાથે હાય-હેલોનો વ્યવહાર શરૂ કર્યો.

દીપક કાંટાવાલા, અશ્વિની ભટ્ટ અને પૂર્ણિમા કાંટાવાલા : 
પચાસ વર્ષે મળવાનો સંયોગ - અમદાવાદથી અંધેરી
વ્યાખ્યાનનો સાડા દસનો નિર્ધારિત સમય નજીક હતો અને ગ્રીન રૂમમાં એક દંપતીનો પ્રવેશ થયો પૂર્ણિમા અને દીપક કાંટાવાલા. પૂર્ણિમાબહેન એટલે એક સમયના આગેવાન શ્રેષ્ઠી હીરાલાલ ભગવતીના દીકરી. પિતાની જેમ તેઓ પણ નાટકના ક્ષેત્રે અમદાવાદના રંગમંડળમાં સક્રિય રહી ચુકેલા અને એ નાતે નાટકના બળિયા ટંકાયેલા અશ્વિનીભાઈના પણ પરિચિત. હાલ મુંબઈમાં રહેતાં પૂર્ણિમાબહેન લગભગ પચાસ વર્ષના અંતરાલ પછી અશ્વિનીભાઈને મળી રહ્યા હતાં. સમયગાળો એટલો લાંબો કે બન્નેમાંથી કોઈ એકબીજાને કશું ય પૂછવાની કે વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતા. કદાચ સમય પણ નહોતો. કારણ વ્યાખ્યાનનો સમય નજીક આવતો હતો સાડા દસ. મુંબઈમાં રવિવારની સવારે હોવી જોઈએ તેવી જ સંતોષકારક હાજરી વચ્ચે ઓડિટોરીયમના દરવાજા બંધ થયા અને.....

અશ્વિની ભટ્ટને આવકાર : અવિનાશ પારેખ 
        શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપી અશ્વિનીભાઈને આવકાર્યા, જે નિયમિત આવનારાના કહેવા પ્રમાણે પહેલી વાર બન્યું. આયોજક સંસ્થાઓ વતી કાર્યક્રમના સંયોજક અવિનાશ પારેખે સાત મિનિટમાં વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા બાંધવા સાથે પૂર્વે થયેલા વક્તવ્યો – વક્તાઓના નામની નોંધ લઈ અશ્વિની ભટ્ટને આવકાર્યા અને વક્તાનો પરિચય આપવા ઉર્વીશ કોઠારીને માઇક સોંપ્યું.

વક્તાનો પરિચય : ઉર્વીશ કોઠારી દ્વારા 
ફાળવાયેલી દસ મિનિટમાં ઉર્વીશે અશ્વિનીભાઈ એટલે કોણ એમ નહીં, પણ તેઓ શું – શું નથીની તરાહ પર પરિચય આપ્યો.(‘નવનીત સમર્પણ’ના આગામી અંકમાં એ પરિચય પ્રગટ થવાનો હોવાથી એ લખવાની લાલચ ટાળી છે.) સાથે એમ પણ કહ્યું કે આ પરિચયની કેટલીક વાતોનો પડઘો મુખ્ય વક્તવ્યમાં પડશે – ધ્યાનથી  સાંભળજો.
        એમ જ થયું. શ્રોતાઓએ ધ્યાનથી સાંભળ્યું અને વક્તા પણ દિલ ખોલીને બોલ્યા. કેટલી મિનિટ? અશ્વિની હરપ્રસાદ ભટ્ટ બરાબર ત્રાણું મિનિટ ઉર્ફે દોઢ કલાક બોલ્યા. અટક્યા વગર અને પાણી પીવાનો અલ્પવિરામ મુક્યા વગર.
છેલ્લા ઉલ્લેખમાં તેમનું આખું નામ સકારણ લખ્યું છે. અશ્વિનીભાઈએ શિક્ષક પિતા હરપ્રસાદ ભટ્ટથી લઈને પૌત્ર અર્જુન સુધીના સૌ પરિવારજનોને વ્યાખ્યાનના કોઈ ને કોઈ તબક્કે યાદ કર્યા. એમ યાદ કરતાં મૂળ વાતનો તંતુ સદાય જોડેલો રાખ્યો. બાળપણ – ભણતર – કારકિર્દી – લગ્નકથા અને લગ્નજીવન – સર્જન યાત્રા – નાટક અને નાગરિક જીવનની સક્રિયતા જેવા કંઈક વિષયો આવરી લીધા. સ્વહસ્તે લખેલા બાવીસ – પચીસ પાનાંના વક્તવ્યના પ્રારંભના આઠ-નવ પાનાં જ તેઓ વાંચીને કે રેફરન્સ લઈને બોલી શક્યા. એ પછીની તમામ વાતો પાનાંને કોરાણે મૂકીને જ કરી.
પંચોતેરનો પડાવ પાર કરી ગયેલા તેમના જીવનમાં બાળપણ – યુવાનીના સમયના તોફાનો છવાયેલા તેમજ નવલકથા લેખન કરતા નાટક પ્રત્યેનો પ્રેમ ચઢે એટલે એ તોફાનોની વાત પાંચ-છ દાયકા અગાઉ તોફાનો કરતી વખતે દાખવી હોય એટલી સહજતાથી જ કરી. એટલી સહજતાથી કે મરઘાંપાલનના વ્યવસાયમાં આવી પડેલી ખોટ થોડી ઘણી પણ સરભર થાય તે હેતુથી ગુજરી બજારમાં જઈને મરઘાં-બતકાંને બે હાથમાં પકડી કેવી રીતે વેચવા માટે ઉભા રહેતા તેનો અભિનય ઑફ્ફ-પોડિયમ થઈને કરી બતાવ્યો.

'જુઓ, બામણભઈનો છોકરો મરઘા-બતકાં 
વેચવા ગુજરીબજાર વચ્ચે આમ ઉભો રહ્યો"  
માતા – પિતાને યાદ કરી ગળગળા થયેલા અશ્વિનીભાઈ ઇચ્છા છતાં એક પણ દિવગંત મિત્રને યાદ ન કરી શક્યા. એટલા માટે કે એ પછી વક્તવ્યને આગળ વધારવું તેમના માટે મુશ્કેલ બની જાત તેવો એકરાર પણ તેમણે કાર્યક્રમ સમાપ્તિ પછી અંગત સ્વજનો આગળ કર્યો. હા, તેમના એક મિત્ર પરિમલભાઈ પરીખ શ્રોતાઓ વચ્ચે ઉપસ્થિત હતા, તેમને સાંભળવા માટે જ ખાસ અમદાવાદથી આવ્યા હતા.

વાચકો - શ્રોતાઓ, પૂછો - પૂછવું હોય એ..... 

"આટલું બોલવાનું બાકી રહી ગયું " અશ્વિની ભટ્ટની પાછળ
 (ડાબેથી) ઉર્વીશ કોઠારી, કેતન મિસ્ત્રી, મનસુખ ઘાડીયા,
 સિદ્ધાર્થ પારેખ, અવિનાશ પારેખ 
"અશ્વીનીભાઈ, હવે જમવાનો વખત થઈ ગયો."  
પાછળ ઉભેલા મિત્ર પરિમલ પરીખ, 
પુત્ર નીલ ભટ્ટ , શ્રીમતી નીતિ અશ્વિની ભટ્ટ
 સાથે અવિનાશ પારેખ   
વક્તવ્ય પૂરું થયા પછી કેમ્પસના જ એક હોલમાં શ્રોતા મહેમાનો સાથે જમતાં પહેલાં, જમતી વખતે અને એ પછી પણ અશ્વિનીભાઈની થોડીક વાતોનો લહાવો મળ્યો. ભોજન એર-કન્ડીશન્ડ હોલમાં ઠંડું થતું જતું હતું પણ તેની કદાચ કોઈને પરવા નહોતી. વાતો – ખૂટે નહીં એટલી વાતો. સાપ્તાહિક અભિયાનની વાત કર્યા વિના અવિનાશ પારેખ કે અશ્વિની ભટ્ટ વિષેની કોઈ વાત આગળ વધી ન શકે. અહીં તો અભિયાનમાં કામ કરી ચુકેલા સાથી મિત્રોમાંના કેટલાક હાજર હતા. તેમની સાથે ગ્રૂપ ફોટોસેશન થયું.

ટીમ અભિયાન : ઉભેલા (ડાબેથી) મનસુખ ઘાડીયા, 
કેતન મિસ્ત્રી, અશ્વિની ભટ્ટ, કેતન સંઘવી, અવિનાશ પારેખ,
દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને શિશિર રામાવત 
બેઠેલા (ડાબેથી) હેતલ દેસાઈ, તૃપ્તિ સોની અને દિવ્યાશા દોશી

ભવન્સની ભૂમિ પર : (ડાબેથી) અસલમ પરવેઝ, 
અજિંક્ય સંપટ, ઉર્વીશ કોઠારી અને તેજસ વૈદ્ય 

બ્લુ એટલે જીન્સ : (ડાબેથી) બિનીત મોદી, સંજય છેલ, 
ઉર્વીશ કોઠારી,રાજુ પટેલ અને અસલમ પરવેઝ

ગુજરાતી વાર્તાકાર અશ્વિની ભટ્ટ સાથે સવારથી બપોર ભવન્સ કેમ્પસમાં ગાળ્યા પછી ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોને મળવાનું હતું – વર્ચ્યુઅલી. મુંબઈના કેટલાક મિત્રો મે મહિનામાં આવનારા તેમના જન્મદિવસે પ્રિય વાર્તાકારને યાદ કરતો બહુભાષી કાર્યક્રમ કરવા ઇચ્છે છે. તેમાંના બે મિત્રો રાજુ પટેલ અને અસલમ પરવેઝ કેટલીક બાબતે ઉર્વીશની સાથે વાતચીત કરવા આવ્યા હતા. એ વાતો થાય તે પહેલા ભવન્સમાં જ નવા નાટકના રિહર્સલમાં વ્યસ્ત મિત્ર અજિંક્ય સંપટ ઘડી-બે-ઘડી માટે આવીને મળ્યો. હાલમાં મુંબઈ ખાતે 'અભિયાન'માં કાર્યરત પત્રકાર મિત્ર તેજસ વૈદ્ય પહેલા ભોજનમાં અને ત્યાર પછીની ચર્ચામાં સાથે હતા. 
કોલમ લેખન અને ફિલ્મ લેખન ક્ષેત્રે વ્યસ્ત એવા સંજય છેલ સાથે ગુજરાત – ગુજરાતકારણ – ગુજરાતી પત્રકારત્વની આજકાલ અને પુસ્તક પ્રકાશન જગતની કેટલીક વાસ્તવિકતાઓ વિશે (ટૂંકમાં, ફેસબુક સિવાયની બધી) વાતો ચા પીતા-પીતા વિસ્તારથી થઈ. એટલી વિસ્તારથી કે તેનું સ્ક્રીપ્ટીંગ કરવું અશક્ય. અને હા, તેનું કોઈ રેકોર્ડીંગ નથી થયું. ભવન્સનાં ઝાડવાંને કાન હશે તો ભવિષ્યમાં કોઇ તેમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકશે.
અશ્વિનીભાઇના પ્રવચનવાળા આખા કાર્યક્રમનું મલ્ટીપલ કેમેરાથી રેકોર્ડીંગ થયું છે. અગાઉ થયેલા વ્યાખ્યાનોની ડીવીડીની જેમ જ આયોજક સંસ્થાઓ તેને ડીવીડી ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. વ્યાખ્યાન સ્થળે જેમની ઉપસ્થિતિ નહોતી તેવા અશ્વિની ભટ્ટના સંખ્યાબંધ વાચકો-ચાહકોને આ ડીવીડી કેવી રીતે મળી શકે તેની માહિતી બ્લોગના આ માધ્યમથી જ આપીશ.
         ભલે જૂનું થયું તોય સીડી – ડીવીડીના પૂર્વસૂરિ લેખે આપણે વી.સી.આર.થી અને એ રીતે વિડીઓ શબ્દથી પરિચિત છીએ. તો તો પછી આપને ફલાણા – ઢીંકણા મહારાજ-સાધુ-બાવા-ચેલા-ચેલીનો વિડીઓ સત્સંગ એવો શબ્દસમૂહ પણ યાદ હશે જ એમ માની લઈને એટલું કહું કે ડીવીડી ઉપલબ્ધ થયે અશ્વિની ભટ્ટ સાથે ડીવીડી સત્સંગ એવા કાર્યક્રમનો પ્રારંભ કરવા જેવો ખરો. કેમ કે તમે આ વાંચતા હશો ત્યારે આપના પ્રિય લેખક – નવલકથાકાર અમેરિકા પરત થવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. તેમની સાથે ડાયલોગ કરવાનો એક જ રસ્તો છે – ડીવીડી સત્સંગ.


(તમામ તસવીરો : બિનીત મોદી)
(છેલ્લી તસવીર : તેજસ વૈદ્ય)