પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, March 15, 2012

અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’


        વેપાર જગતમાં માર્ચ મહિનો યર એન્ડિંગ મન્થ રૂપે ખ્યાત છે. વર્ષભરના હિસાબ-કિતાબ સરભર કરવાની દિમાગી કસરત આ મહિનામાં થાય. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં એક વ્યાખ્યાન શ્રેણી ચાલે છે જેનું શિર્ષક છે જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત વક્તાએ પોતાના જીવનનું યર એન્ડિંગ નહીં પણ એરા એન્ડિંગ વક્તવ્ય આપવું એવો સામાન્ય ઉપક્રમ છે. પ્રારંભથી દર મહિનાના પહેલા રવિવારની સવારે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીનું ચોવીસમું અને સેકન્ડ લાસ્ટ કહેવાય તેવું વ્યાખ્યાન રવિવાર, 4 માર્ચ 2012ના દિવસે નવલકથાકાર અશ્વિની ભટ્ટે / Ashwinee Bhatt આપ્યું.
        ભલે નિયમિતપણે યોજાતું હોય તોય અમદાવાદ રહ્યે આ પ્રકારના વ્યાખ્યાનના શ્રોતા થવાનો લહાવો લેવો અશક્ય નહીં તો ય અઘરું તો છે જ. છતાં અશ્વિનીભાઈના વ્યાખ્યાનનો લહાવો લઈ શક્યો તેની પાછળ નાની કથા છે. કોફી મેટ્સ, વિકલ્પ અને અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર જેવી ત્રણ સંસ્થાઓના ઉપક્રમે યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીના આયોજકો પૈકીમાંના એક અવિનાશભાઈ પારેખે ગત વર્ષે ડિસેમ્બરના પ્રારંભે ઉર્વીશ કોઠારીને બે વાત કરી. એક તો શ્રેણીનું ચોવીસમું વ્યાખ્યાન અશ્વિની ભટ્ટ આપશે અને બીજું તે અશ્વિનીભાઈનો પરિચય ઉર્વીશ કોઠારી આપશે. અમેરિકા રહેતા અશ્વિનીભાઈની અનિશ્ચિતતાઓ અને શારીરિક તંદુરસ્તીથી પૂરેપુરો વાકેફ ઉર્વીશ તેમના આગમન બાબતે આશંક હતો તો અવિનાશભાઈએ વ્યાખ્યાનની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનની તારીખ પણ જણાવી દીધી.
        રોજિંદા જીવનની ઘણી બધી બાબતોનું શેરીંગ કરતા ઉર્વીશે જ્યારે આ વાત જણાવી ત્યારે જ નક્કી કરી લીધું કે અશ્વિનીભાઈને સાંભળવા મુંબઈ જવાનું. જરૂરી રેલવે બુકીંગ પણ એ સાથે જ મેળવી લીધા. વક્તા લેખે અશ્વિનીભાઈના નામ ઉપરાંત બીજો ધક્કો મળ્યો તે એ કે મુંબઈ સ્થિત મિત્ર દંપતી હેતલ દેસાઈ અને દીપક સોલિયાને કારણે અગાઉ આ શ્રેણી અંતર્ગત ચિત્રકાર અતુલ ડોડિયાએ / Atul Dodiya આપેલું વ્યાખ્યાન સાંભળ્યું હતું.
        ઓવર-ટુ-મુંબઈ.....
        રવિવારની સવારે વાયા હેતલ – દીપકના ઘરે થઈ અંધેરી સ્થિત ભવન્સ કેમ્પસ પર પહોંચી ગયા. અશ્વિનીભાઈને બે દિવસ અગાઉ અમદાવાદમાં મળ્યો ત્યારે વ્યાખ્યાનની તૈયારી કરવાની છૂપી ચિંતા તેમની વાતચીતમાં ડોકાતી હતી. તેમની તબિયત જોતાં લેપટોપની મદદથી હું કંઈ ખપમાં આવી શકું કે કેમ તેવી શક્યતા પૂછી તો કહે કે,પૂરું વ્યાખ્યાન લેખિતમાં તૈયાર કરીને જ મુંબઈ પહોંચવાનો પાકો ઇરાદો છે. જો એમ નહીં થઈ શકે તો છેવટે વક્તવ્યના મુદ્દા પણ ટપકાવી લઈશ.
(ડાબેથી) મહેન્દ્ર શાહ, ડૉ. તુષાર શાહ અને અશ્વિની ભટ્ટ 
ભવન્સ / Bhartiya Vidya Bhavan પર પહોંચી તેમને મળવા એસ.પી. જૈન ઓડિટોરીયમના ગ્રીન રૂમમાં હું અને ઉર્વીશ પહોંચ્યા તો અશ્વિનીભાઈ સાથે પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર વાળા મહેન્દ્ર શાહ, કાર્ડિઓલોજિસ્ટ ડૉ. તુષાર શાહ અને તૃપ્તિ સોની હતાં. ભટ્ટ પરિવારમાંથી પત્ની નીતિબહેને દીકરા નીલ સાથે અને અશ્વિનીભાઈના બે બહેનોએ સભાગૃહમાં સ્થાન લઈ પરિચિતોને મળવાનું ચાલુ રાખ્યું હતું. અમે પણ કેટલાક પરિચિતો –મિત્રો સાથે હાય-હેલોનો વ્યવહાર શરૂ કર્યો.

દીપક કાંટાવાલા, અશ્વિની ભટ્ટ અને પૂર્ણિમા કાંટાવાલા : 
પચાસ વર્ષે મળવાનો સંયોગ - અમદાવાદથી અંધેરી
વ્યાખ્યાનનો સાડા દસનો નિર્ધારિત સમય નજીક હતો અને ગ્રીન રૂમમાં એક દંપતીનો પ્રવેશ થયો પૂર્ણિમા અને દીપક કાંટાવાલા. પૂર્ણિમાબહેન એટલે એક સમયના આગેવાન શ્રેષ્ઠી હીરાલાલ ભગવતીના દીકરી. પિતાની જેમ તેઓ પણ નાટકના ક્ષેત્રે અમદાવાદના રંગમંડળમાં સક્રિય રહી ચુકેલા અને એ નાતે નાટકના બળિયા ટંકાયેલા અશ્વિનીભાઈના પણ પરિચિત. હાલ મુંબઈમાં રહેતાં પૂર્ણિમાબહેન લગભગ પચાસ વર્ષના અંતરાલ પછી અશ્વિનીભાઈને મળી રહ્યા હતાં. સમયગાળો એટલો લાંબો કે બન્નેમાંથી કોઈ એકબીજાને કશું ય પૂછવાની કે વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતા. કદાચ સમય પણ નહોતો. કારણ વ્યાખ્યાનનો સમય નજીક આવતો હતો સાડા દસ. મુંબઈમાં રવિવારની સવારે હોવી જોઈએ તેવી જ સંતોષકારક હાજરી વચ્ચે ઓડિટોરીયમના દરવાજા બંધ થયા અને.....

અશ્વિની ભટ્ટને આવકાર : અવિનાશ પારેખ 
        શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપી અશ્વિનીભાઈને આવકાર્યા, જે નિયમિત આવનારાના કહેવા પ્રમાણે પહેલી વાર બન્યું. આયોજક સંસ્થાઓ વતી કાર્યક્રમના સંયોજક અવિનાશ પારેખે સાત મિનિટમાં વ્યાખ્યાન શ્રેણીની ભૂમિકા બાંધવા સાથે પૂર્વે થયેલા વક્તવ્યો – વક્તાઓના નામની નોંધ લઈ અશ્વિની ભટ્ટને આવકાર્યા અને વક્તાનો પરિચય આપવા ઉર્વીશ કોઠારીને માઇક સોંપ્યું.

વક્તાનો પરિચય : ઉર્વીશ કોઠારી દ્વારા 
ફાળવાયેલી દસ મિનિટમાં ઉર્વીશે અશ્વિનીભાઈ એટલે કોણ એમ નહીં, પણ તેઓ શું – શું નથીની તરાહ પર પરિચય આપ્યો.(‘નવનીત સમર્પણ’ના આગામી અંકમાં એ પરિચય પ્રગટ થવાનો હોવાથી એ લખવાની લાલચ ટાળી છે.) સાથે એમ પણ કહ્યું કે આ પરિચયની કેટલીક વાતોનો પડઘો મુખ્ય વક્તવ્યમાં પડશે – ધ્યાનથી  સાંભળજો.
        એમ જ થયું. શ્રોતાઓએ ધ્યાનથી સાંભળ્યું અને વક્તા પણ દિલ ખોલીને બોલ્યા. કેટલી મિનિટ? અશ્વિની હરપ્રસાદ ભટ્ટ બરાબર ત્રાણું મિનિટ ઉર્ફે દોઢ કલાક બોલ્યા. અટક્યા વગર અને પાણી પીવાનો અલ્પવિરામ મુક્યા વગર.
છેલ્લા ઉલ્લેખમાં તેમનું આખું નામ સકારણ લખ્યું છે. અશ્વિનીભાઈએ શિક્ષક પિતા હરપ્રસાદ ભટ્ટથી લઈને પૌત્ર અર્જુન સુધીના સૌ પરિવારજનોને વ્યાખ્યાનના કોઈ ને કોઈ તબક્કે યાદ કર્યા. એમ યાદ કરતાં મૂળ વાતનો તંતુ સદાય જોડેલો રાખ્યો. બાળપણ – ભણતર – કારકિર્દી – લગ્નકથા અને લગ્નજીવન – સર્જન યાત્રા – નાટક અને નાગરિક જીવનની સક્રિયતા જેવા કંઈક વિષયો આવરી લીધા. સ્વહસ્તે લખેલા બાવીસ – પચીસ પાનાંના વક્તવ્યના પ્રારંભના આઠ-નવ પાનાં જ તેઓ વાંચીને કે રેફરન્સ લઈને બોલી શક્યા. એ પછીની તમામ વાતો પાનાંને કોરાણે મૂકીને જ કરી.
પંચોતેરનો પડાવ પાર કરી ગયેલા તેમના જીવનમાં બાળપણ – યુવાનીના સમયના તોફાનો છવાયેલા તેમજ નવલકથા લેખન કરતા નાટક પ્રત્યેનો પ્રેમ ચઢે એટલે એ તોફાનોની વાત પાંચ-છ દાયકા અગાઉ તોફાનો કરતી વખતે દાખવી હોય એટલી સહજતાથી જ કરી. એટલી સહજતાથી કે મરઘાંપાલનના વ્યવસાયમાં આવી પડેલી ખોટ થોડી ઘણી પણ સરભર થાય તે હેતુથી ગુજરી બજારમાં જઈને મરઘાં-બતકાંને બે હાથમાં પકડી કેવી રીતે વેચવા માટે ઉભા રહેતા તેનો અભિનય ઑફ્ફ-પોડિયમ થઈને કરી બતાવ્યો.

'જુઓ, બામણભઈનો છોકરો મરઘા-બતકાં 
વેચવા ગુજરીબજાર વચ્ચે આમ ઉભો રહ્યો"  
માતા – પિતાને યાદ કરી ગળગળા થયેલા અશ્વિનીભાઈ ઇચ્છા છતાં એક પણ દિવગંત મિત્રને યાદ ન કરી શક્યા. એટલા માટે કે એ પછી વક્તવ્યને આગળ વધારવું તેમના માટે મુશ્કેલ બની જાત તેવો એકરાર પણ તેમણે કાર્યક્રમ સમાપ્તિ પછી અંગત સ્વજનો આગળ કર્યો. હા, તેમના એક મિત્ર પરિમલભાઈ પરીખ શ્રોતાઓ વચ્ચે ઉપસ્થિત હતા, તેમને સાંભળવા માટે જ ખાસ અમદાવાદથી આવ્યા હતા.

વાચકો - શ્રોતાઓ, પૂછો - પૂછવું હોય એ..... 

"આટલું બોલવાનું બાકી રહી ગયું " અશ્વિની ભટ્ટની પાછળ
 (ડાબેથી) ઉર્વીશ કોઠારી, કેતન મિસ્ત્રી, મનસુખ ઘાડીયા,
 સિદ્ધાર્થ પારેખ, અવિનાશ પારેખ 
"અશ્વીનીભાઈ, હવે જમવાનો વખત થઈ ગયો."  
પાછળ ઉભેલા મિત્ર પરિમલ પરીખ, 
પુત્ર નીલ ભટ્ટ , શ્રીમતી નીતિ અશ્વિની ભટ્ટ
 સાથે અવિનાશ પારેખ   
વક્તવ્ય પૂરું થયા પછી કેમ્પસના જ એક હોલમાં શ્રોતા મહેમાનો સાથે જમતાં પહેલાં, જમતી વખતે અને એ પછી પણ અશ્વિનીભાઈની થોડીક વાતોનો લહાવો મળ્યો. ભોજન એર-કન્ડીશન્ડ હોલમાં ઠંડું થતું જતું હતું પણ તેની કદાચ કોઈને પરવા નહોતી. વાતો – ખૂટે નહીં એટલી વાતો. સાપ્તાહિક અભિયાનની વાત કર્યા વિના અવિનાશ પારેખ કે અશ્વિની ભટ્ટ વિષેની કોઈ વાત આગળ વધી ન શકે. અહીં તો અભિયાનમાં કામ કરી ચુકેલા સાથી મિત્રોમાંના કેટલાક હાજર હતા. તેમની સાથે ગ્રૂપ ફોટોસેશન થયું.

ટીમ અભિયાન : ઉભેલા (ડાબેથી) મનસુખ ઘાડીયા, 
કેતન મિસ્ત્રી, અશ્વિની ભટ્ટ, કેતન સંઘવી, અવિનાશ પારેખ,
દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને શિશિર રામાવત 
બેઠેલા (ડાબેથી) હેતલ દેસાઈ, તૃપ્તિ સોની અને દિવ્યાશા દોશી

ભવન્સની ભૂમિ પર : (ડાબેથી) અસલમ પરવેઝ, 
અજિંક્ય સંપટ, ઉર્વીશ કોઠારી અને તેજસ વૈદ્ય 

બ્લુ એટલે જીન્સ : (ડાબેથી) બિનીત મોદી, સંજય છેલ, 
ઉર્વીશ કોઠારી,રાજુ પટેલ અને અસલમ પરવેઝ

ગુજરાતી વાર્તાકાર અશ્વિની ભટ્ટ સાથે સવારથી બપોર ભવન્સ કેમ્પસમાં ગાળ્યા પછી ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોને મળવાનું હતું – વર્ચ્યુઅલી. મુંબઈના કેટલાક મિત્રો મે મહિનામાં આવનારા તેમના જન્મદિવસે પ્રિય વાર્તાકારને યાદ કરતો બહુભાષી કાર્યક્રમ કરવા ઇચ્છે છે. તેમાંના બે મિત્રો રાજુ પટેલ અને અસલમ પરવેઝ કેટલીક બાબતે ઉર્વીશની સાથે વાતચીત કરવા આવ્યા હતા. એ વાતો થાય તે પહેલા ભવન્સમાં જ નવા નાટકના રિહર્સલમાં વ્યસ્ત મિત્ર અજિંક્ય સંપટ ઘડી-બે-ઘડી માટે આવીને મળ્યો. હાલમાં મુંબઈ ખાતે 'અભિયાન'માં કાર્યરત પત્રકાર મિત્ર તેજસ વૈદ્ય પહેલા ભોજનમાં અને ત્યાર પછીની ચર્ચામાં સાથે હતા. 
કોલમ લેખન અને ફિલ્મ લેખન ક્ષેત્રે વ્યસ્ત એવા સંજય છેલ સાથે ગુજરાત – ગુજરાતકારણ – ગુજરાતી પત્રકારત્વની આજકાલ અને પુસ્તક પ્રકાશન જગતની કેટલીક વાસ્તવિકતાઓ વિશે (ટૂંકમાં, ફેસબુક સિવાયની બધી) વાતો ચા પીતા-પીતા વિસ્તારથી થઈ. એટલી વિસ્તારથી કે તેનું સ્ક્રીપ્ટીંગ કરવું અશક્ય. અને હા, તેનું કોઈ રેકોર્ડીંગ નથી થયું. ભવન્સનાં ઝાડવાંને કાન હશે તો ભવિષ્યમાં કોઇ તેમાંથી એક્સ્ટ્રેક્ટ કરી શકશે.
અશ્વિનીભાઇના પ્રવચનવાળા આખા કાર્યક્રમનું મલ્ટીપલ કેમેરાથી રેકોર્ડીંગ થયું છે. અગાઉ થયેલા વ્યાખ્યાનોની ડીવીડીની જેમ જ આયોજક સંસ્થાઓ તેને ડીવીડી ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. વ્યાખ્યાન સ્થળે જેમની ઉપસ્થિતિ નહોતી તેવા અશ્વિની ભટ્ટના સંખ્યાબંધ વાચકો-ચાહકોને આ ડીવીડી કેવી રીતે મળી શકે તેની માહિતી બ્લોગના આ માધ્યમથી જ આપીશ.
         ભલે જૂનું થયું તોય સીડી – ડીવીડીના પૂર્વસૂરિ લેખે આપણે વી.સી.આર.થી અને એ રીતે વિડીઓ શબ્દથી પરિચિત છીએ. તો તો પછી આપને ફલાણા – ઢીંકણા મહારાજ-સાધુ-બાવા-ચેલા-ચેલીનો વિડીઓ સત્સંગ એવો શબ્દસમૂહ પણ યાદ હશે જ એમ માની લઈને એટલું કહું કે ડીવીડી ઉપલબ્ધ થયે અશ્વિની ભટ્ટ સાથે ડીવીડી સત્સંગ એવા કાર્યક્રમનો પ્રારંભ કરવા જેવો ખરો. કેમ કે તમે આ વાંચતા હશો ત્યારે આપના પ્રિય લેખક – નવલકથાકાર અમેરિકા પરત થવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. તેમની સાથે ડાયલોગ કરવાનો એક જ રસ્તો છે – ડીવીડી સત્સંગ.


(તમામ તસવીરો : બિનીત મોદી)
(છેલ્લી તસવીર : તેજસ વૈદ્ય)

42 comments:

 1. મનમાં 'રહી ગયા'ના ખચવાટ અને ભારોભાર ઈર્ષા સાથે તમને અભિનંદન અને આ બધું લખવા માટે થેંક્યું. ડીવીડી વિષે જરૂર જણાવજો.

  Rutul

  ReplyDelete
 2. અમે જોડાઈ નોતા શક્યા એટલે આમાં મજા પડી ગઈ... ડીવીડીની રાહ છે.

  ReplyDelete
 3. You can read Ashwini Bhatt wherever and whenever you want but it's really hard to come by anything to read about Ashwini Bhatt so really enjoyed the blog post.
  Please do post the info about the DVD and if possible the (yet to be published) article of Urvishbhi.
  Thanks for sharing.

  ReplyDelete
 4. બિનિતબાબુ, ટનાટન આલેખન. - તેજસ વૈદ્ય, મુંબઇ

  ReplyDelete
 5. Tamari aalekhan karvani kala adabhut 6e...........

  ReplyDelete
 6. Khub khub abhar.

  DVD ni mahiti jaroor thi janavjo.

  Jabir

  ReplyDelete
 7. અમારા ડલાસના બુઝુર્ગ વડીલને પ્રણામ. એમને અહીં મલવાની આતુરતા વધી ગઈ.

  ReplyDelete
 8. Very nice write up with rich pictorials.

  ReplyDelete
 9. SALIL DALAL (Toronto)15 March 2012 at 22:57

  This is what I have insisted for years now..... Binit must write (report) on a regular basis.
  He has very sharp and detail oriented observations with a flair for writing in an interesting way. Felt like being in the hall seeing Ashwinibhai. Hearing him will be done in the DVD Satsang.
  Keep it up, Binit.
  -Salil

  ReplyDelete
 10. બિનીતભાઇ, મગજમાં થોડોક વખતથી શ્રી અશ્વીનીભાઈ ઘુમરાતા હતા, અને તમે એ અમેરિકનને ત્યાં માણ્યા, અમે અમેરિકાવાસી
  રહી ગયા. મઝા પડી ગઈ. રૂબરૂ મળવા જેટલો જ આનંદ થયો. એઓનું એક પોસ્ટકાર્ડ અમદાવાદમાં મારે માટે યાદગીરી રૂપે પડ્યું છે. ઐસા ભી હોતા હય..

  ReplyDelete
 11. રજનીકુમાર પંડ્યા15 March 2012 at 23:35

  એકદમ તાદ્રશ્ય વર્ણન અને લાગણીતરબોળ ! અશ્વિની ભટ્ટ જેવો ઉમદા લેખક થાવો નથી/ તેમની અને તારકભાઇની નિરાંડબરતાની તોલે આવે એવો મને તો કોઇ દેખાતો નથી. વાંચીને આર્દ્ર થઇ જવાયું. ઘણું જીવો અશ્વિનીભાઇ ! અને બિનીતની જોરે કલમ ઔર જીયાદા-

  ReplyDelete
 12. Chandrashekhar Vaidya16 March 2012 at 00:04

  બિનીતબાબુ, મઝા મઝા કરાવી દીધી. મને યાદ આવે છે, આપણે સહુ મહેમદાવાદમાં ઉર્વીશના જૂના મકાનમાં ઉપર આમ જ, કશું જ નક્કી કર્યા સિવાય અશ્વિનીભાઈ સાથે આખો દિવસ બેઠા હતા. ભટ્ટ્સાહેબની છટા એવી જ હતી ' પૂછો જે પૂછવું હોય તે'.
  જો કે, વિડીયો રેકોર્ડિંગ જોવા મળે તો હજી એક વાર મઝા પડી જાય. આભાર.

  ReplyDelete
 13. this is not at all fare.you all are 'lucky' people........
  ekvar jaan kari hot k khabar hot to ashwini 'dada' ne malva game m karine pochi jaat.
  dvd jaldi joi sakai evi aasha........

  ReplyDelete
 14. Nice piece Of sharing , binitbhai.

  ReplyDelete
 15. Himanshu Pathak16 March 2012 at 15:23

  ખુબ ખુબ અભિનંદન ઉત્તમ લેખ લગ્ન કથા ની વાત થી ફાર્મ ઉપર થયેલા કાર્યક્રમ ની યાદ આવી ગયી.dvd ની રાહ ,આવે એટલે જણાવશો

  ReplyDelete
 16. Enjoyed the post of my favourite writer Ashwini Bhatt........thanx for sharing with us

  ReplyDelete
 17. khub priy eva lekhak Ashwini Bhatt saathe Binitbhai, tame jaane rubru mulakat karavi didhi. vvahhh... majaa aavi gai.

  ReplyDelete
 18. contrags binitbhai for your blog.enjoyed.waiting for dvd.

  ReplyDelete
 19. સૌ મિત્રો,
  બ્લોગની ત્રીજી પોસ્ટ (15 માર્ચ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  પ્રતિભાવોનો સામાન્ય સૂર એવો છે કે અશ્વીનીભાઈના વ્યાખ્યાનની DVD વિશે જણાવો. ઉર્વીશ કોઠારી કાર્યક્રમના આયોજકો સાથે નિયમિત સંપર્ક ધરાવે છે એટલે જણાવું કે વ્યાખ્યાનની DVDનું પ્રોડક્શન થયે આ માધ્યમથી જ આપને એ બાબતની જાણ કરીશું. તે આપને કેવી રીતે અને ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે એની વિગતો પણ જણાવીશું.

  DVD આપના સુધી પહોંચે એ દરમિયાન ઉર્વીશે આપેલા વક્તાના પરિચય અને અશ્વિની ભટ્ટના વ્યાખ્યાનની પૂરી ટેક્ષ્ટ મુંબઈથી પ્રકાશિત થતા 'નવનીત સમર્પણ'ના એપ્રિલ - 2012ના અંકમાં પ્રકટ થઈ છે. સંપાદક દીપક દોશીના સૌજન્યથી સામાયિકના ત્રેવીસ પાનામાં ફેલાયેલી આ કેફિયત પીડીએફ સ્વરૂપે મળી શકી છે. રસ ધરાવનાર આ માધ્યમથી તેમનું E-mail ID જણાવશે તો હું મોકલી આપીશ.

  રજનીકુમાર પંડ્યા અને સલીલભાઈ - આપના શબ્દો લખવા માટે ટોનિકનું કામ કરે છે.

  ચંદ્રશેખર વૈદ્ય અને હિમાંશુ પાઠક - અશ્વીનીભાઈ સાથેના જૂના પ્રસંગ ઠીક યાદ કર્યા.

  ફરીથી સૌ મિત્રો અમદાવાદના ઋતુલ જોશી - લલિત ખંભાયતા - ગૌરાંગ અમીન, મુંબઈના તેજસ વૈદ્ય - શિશિર રામાવત, જયસુખ બારોટ (રાજકોટ), ભરતકુમાર (થાનગઢ, સુરેન્દ્રનગર), ભાવનગરના નીતિન ત્રિવેદી - ડૉ. ડીમ્પલ મહેતા, અમેરિકાના સુરેશભાઈ - સુમંતભાઈ વશી, ચિરાગ ઠક્કર, જાબીરભાઈ, રજનીકાંત શાહ, યોગીન વ્યાસનો આભાર.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 17 એપ્રિલ 2012

  ReplyDelete
 20. binitbhai my email id is ndave555@yahoo.com

  ReplyDelete
 21. binitbhai please send it to me at chirag_pp@sify.com

  ReplyDelete
 22. એપ્રિલ'૧૨ના 'નવનીત સમર્પણ'ના અંકમાં શ્રી અશ્નિની ભટ્ટનું ' જો આ મારું છેલ્લું પ્રવચન હોય તો" વાંચું જ છે, પણ તે જો ડીજીટલ સ્વરૂપે મળે તો તેનો એક જૂદા જ વર્ગ સાથે પ્રસાર કરી શકાય.
  આપના બ્લૉગ પર અન્યત્ર આ વિષે જાહેરાત કરી ચૂક્યા હો, તો તે વાંચવાની તસ્દી ન લેવા બદલ ક્ષમા ચાહું છું.

  ReplyDelete
  Replies
  1. પ્રિય અશોકભાઈ,
   અશ્વીનીભાઈએ આપેલું આ વ્યાખ્યાન હજી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થઈ શક્યું નથી.
   બ્લોગપોસ્ટ લખ્યા પછી 17 એપ્રિલના મારા પ્રતિભાવમાં જણાવ્યા પ્રમાણે DVD કાર્યક્રમના આયોજકો દ્વારા જ ઉપલબ્ધ કરાવાશે. આ માધ્યમથી તેની આપને જાણ પણ કરીશું. આભાર.

   બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 12 જુલાઈ 2012
   (અશ્વિની ભટ્ટનો 77મો જન્મદિન)

   Delete
 23. Binitbhai- Can you please send that PDF to p_savai@yahoo.com

  ReplyDelete
 24. સૌ મિત્રો,
  બ્લોગ પ્રારંભના દસમા મહિને અને બેતાળીસ પોસ્ટના મુકામ પર આ પહેલી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો 'પડાવ' પાર કર્યો છે. દુઃખ એક જ વાતનું છે કે એ માટે નિમિત્ત બનનાર અશ્વિનીભાઈ પોતાનો ડલ્લાસ - અમેરિકાનો 'પડાવ' 10 ડિસેમ્બર 2012ના રોજ છોડીને ચાલી નીકળ્યા છે.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 11 ડિસેમ્બર 2012

  ReplyDelete
  Replies
  1. સર્જકોને આપણે ડિજીટલ સ્વરુપે ન સાચવ્યા એનો એક પુરાવો આ કાર્યક્રમની DVD છે. બધાંને ખબર છે કે ડિમાન્ડ છે, પણ સપ્લાય આપવા વાળા બુઠ્ઠા છે (કે બુઢ્ઢા છે, કારણકે ડિજીટલ સ્વરુપ તેમને બહુ યંગ લાગે છે!).

   અને હા, અશ્વિની ભટ્ટનો તમે પાડેલો એક ફોટો વિકિપીડિઆમાં ચડાવી શકો? સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની આગલી પેઢી - બિનિતભાઇ - તમને થેન્ક્સ કહેશે :)

   Delete
 25. Binit, as per your wish...

  હું, અશ્વિની 'ને એક દાયકાની દોસ્તી...

  '92થી ગુજરાતી લેખક મંડળને કારણે અશ્વિની ભટ્ટ સાથે મિત્રતા જામી ગઈ'તી. પાછા નજીક નજીકમાં રહીએ એટલે બંગલે રોજ જતા આવતા રહેવાનું થાય. આજે બધા આંસુ સારે છે પણ એમના સૌથી કપરા સમય એટલે કે હાર્ટસર્જરી પછી રીકવરીના ગાળામાં નરી એકલતા હતી. એકેય ફેન હાજર નહતો. એક પડખે એમની થનાર પુત્રવધુ, બીજે પડખે હું. આંટી પણ નીલ જોડે પાછા જતા રહ્યા હતા. દિવસનો મોટો ભાગ એમને ત્યાં જ વિતાવતો. લખતો. ઉપરના માળે લેખક મંડળનો રાઈટર્સ કોર્નર હતો.

  એક કોર્ડલેસ ડોરબેલ લઇ આવેલો. 'કેળા ખાવા છે' કહે એટલે આંબાવાડી બજારમાંથી એક લૂમ ઉઠાવી લાવું.
  ...
  એ ગાળામાં એમની પાસેથી જુના અમદાવાદ વિશેને અઢળક વાતો સાંભળેલી. ઇન્દુલાલ યાગ્નીક 'ને ગુજરાત સમાચાર-માધવસિંહ 'ને મિલમાલિકો 'ને સારાભાઇ ફેમીલી 'ને એવું ઘણું બધું...

  એમની સાથે સુરેન્દ્રનગર, ગાંધીનગરના નાનામોટા પ્રવાસો પણ ખાસ્સા રસપ્રદ રહ્યા...
  મોટાભાગે ઘરે જ હોય તે પણ સફેદ સદરો'ને લેંઘામાં, પણ કોઈવાર અચાનક જીન્સ-શર્ટ અને કોલ્હાપુરી ચંપલ પહેરી, સ્કુટરને કિક મારીને કહે 'ચલ ફલાણાને મળતા આવીએ' એમનું કઈ કહેવાય નહિ.

  એમના હાથની આદુવાળી ચા પીવાનો ઘણી વાર મોકો મળ્યો'તો...

  એક ક્લીશે વપરાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે પણ અશ્વિનીની સફળતા પાછળ જાણે-અજાણે નીલે કરેલો ત્યાગ છે. એ કહેતા કે પોતે આર્થીક રીતે સરખા પગભર ક્યારેય નહિ થઇ શકે એવી એમને ભીતિ હતી. આ ઇન્સિક્યોરિટીને કારણે 12-13 વર્ષેની કુમળી ઉમરે નીલને બહેનને ત્યાં અમેરિકા મોકલી દીધો હતો. (નીલના એ એકાકી બાળપણ વિષે એકાદો લાંબો ઇન્ટર્વ્યું થવો જોઈએ). નીલ કેટલી કપરી પરિસ્થિતિમાં અમેરિકામાં મોટો થયો એ વાત અપરાધભાવ સાથે કહેતા...

  એ નર્મદા વિરોધી આંદોલનના સપોર્ટર હતા અને નર્મદાના પોલીટીક્સ પર 'જલકપટ' નામે નવલકથા પણ લખવા માંગતા હતા. એકવાર એવી જ પાણી પરિષદમાં ચીમનભાઈ પટેલના ગુંડાઓએ એમના પર હુમલો કર્યો હતો જેનો અમે એ સમયે 'જમકર વિરોધ' નોંધાવ્યો હતો.

  મારી બહુ ઈચ્છા હતી એમના પર એક ડોક્યુમેન્ટરી બનાવવાની પણ ખબર નહતી કે 2002ના રમખાણો અમારી દોસ્તીની એક્સપાયરી ડેટ બની જશે.

  એમણે એ સમયના સળગતા ગુજરાતમાં ઘી રેડવા સમાન એક અત્યંત કૌમી સીરીઝ શરુ કરી'તી, 'આરપાર'માં... અને એ ઉદ્વેગના માહૌલમાં મેં એમને એક nasty letter લખ્યો'તો. મારા પર એ ખુબ જ અકળાયા હોવા છતાં મને માફ કરી દીધો હતો પણ હવે મારું જ મન ઉઠી ગયું હતુ. હું માનવા તૈયાર નહતો કે આટલી લોકપ્રિય કલમનો, આ હુન્નરનો આવો ઝેરીલો ઉપયોગ પણ થઇ શકે. 2002થી 2012 દરમ્યાન પછી ઉડતી મુલાકાતોમાં ધીમે ધીમે એ સંબંધ સુકાતો ગયો...

  એમની પાસેથી જે શીખવા મળ્યું તે એ કે લખવું એ મન-રંજન કે મૌજશોખ નથી એ મજુરી છે. કાળી મજુરી છે. એ સતત લખતા, સખત રિસર્ચ કરતા અને સારું એવું વાંચતા.

  (હવે સ્ક્રીન જરા ઝાંખો દેખાય છે...કદાચ પેલી એક દાયકાની રોકિંગ દોસ્તીની યાદો આંખોમાં ધસી રહી છે. વિરમું છું.)

  અલવિદા અશ્વિની...

  ReplyDelete
 26. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર્ષ પૂર્ણ થયું.
  ત્રીજી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-03-2012 to 15-03-2013 – 1220
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 27. હરતા ફરતા ગુગલ+ની પોસ્ત પરથી અશ્વિની ભટ્ટ નુ નામ નજરે પડતા વાચવા મન
  લલચાયુ અને આખુ એક દ્રશ્ય નજર સામે રીલ ચાલતી હોય એમ અનુભવાયુ

  ReplyDelete
 28. અદ્ભૂત.
  - જયવંત પંડ્યા

  ReplyDelete
 29. હાશ, તેજસ વૈદ્યે અધૂરું રહી જતું કાર્ય પૂરું કર્યું !

  અહેવાલ અંગે સૌએ કહ્યું જ છે, ત્યાં ઉપસ્થિત હોવાના અનુભવથી સંતોષ થાય. સાભાર, – જુ.

  ReplyDelete
 30. Very Good!
  While reading and watching photographs I wondered, was not DhaivatTrivedi present in this program? Why? He has dedicated his novel "Light House" to Shri Ashwini Bhatt with a note which in English can be roughly translated & read as: "What I've acquired from you, the same I'm offering to your feet".
  This is just what I felt personally.
  May be,Dhaivatbhai's circumstances of that time were diff. not allowing him to be present at this occasion.
  Regards.
  Yogesh Bhatt

  ReplyDelete
 31. Mansukh Salla (Ahmedabad)15 July 2013 at 01:30

  સરસ. વિડીયો મળે તેવું કરજો.
  મનસુખ સલ્લા (અમદાવાદ)

  ReplyDelete
 32. Keyur Kotak (Ahmedabad, Gujarat)14 September 2013 at 21:16

  બિનીતભાઈ,
  આપનો બ્લોગ ખરેખર સુંદર અને માહિતીપ્રદ છે.

  કેયુર કોટક (અમદાવાદ)
  (Response through E-mail: Thursday, 15 Mach 2012)

  ReplyDelete
 33. Ramesh Tanna (Ahmedabad, Gujarat)14 September 2013 at 21:25

  ખૂબ જ સરસ લેખ છે. મઝા આવી.

  રમેશ તન્ના (અમદાવાદ)
  (Response through E-mail: Friday, 16 Mach 2012)

  ReplyDelete
 34. પ્રિય મિત્રો,
  ત્રીજી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 15-03-2013 to 15-03-2014 – 410

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 35. Prabhakar Shukla (Ahmedabad, Gujarat)14 July 2014 at 00:20

  અશ્વિનીભાઈ કેમેય કરીને ભૂલાય તેમ નથી. વર્ષો સુધી રોજે-રોજ તેમને મળવાનું થાય તેવો સંજોગ ઘડાયો હતો. તેઓ જ્યાં મેનેજર હતા તે ભદ્ર - અમદાવાદ સ્થિત પ્રેમાભાઈ હોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બૅન્ક ઑફ મદુરાઈમાં હું ફરજ બજાવતો હતો. રિહર્સલ સમયે તેમની હાજરી અમારી પાઠશાળાને વધુ જીવંત બનાવતી.

  પ્રભાકર શુક્લ (નાટ્ય કલાકાર, અમદાવાદ, ગુજરાત)
  (Response through FACEBOOK : 13 July 2014 / Post Re-shared on 12 July 2014, 79th Birth Anniversary of Late Ashwinee Bhatt)

  ReplyDelete
 36. Sir, if possible please send PDF copy on viplav24@rediffmail.com. And request you to kindly update on Video.

  Regards
  Viplav.

  ReplyDelete
 37. કોઇ ઉતાવળ ન હોય એમ બહુ જ ટાઢકથી કરાવેલી અદભુત સમયસફર

  ReplyDelete
 38. અશ્વિનીભાઈના એક્યાસીમા જન્મદિન 12 જુલાઈ 2016 (જન્મતારીખ : 12 જુલાઈ 1936, અમદાવાદ) ના રોજ Re-Share કરતાં આ પહેલી એવી પોસ્ટ બની છે જેણે છત્રીસ (36) કમેન્ટ સાથે વાચકસંખ્યાનો બે હજાર (2000)નો પડાવ પાર કર્યો છે. સૌનો આભાર.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete