પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, March 27, 2017

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ફેબ્રુઆરી – 2017)

[caption id="attachment_48449" align="aligncenter" width="225"] (ફેબ્રુઆરી – 2017)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 76મી વેબપોસ્ટ છે.

2010ના વર્ષની એક અને 2011થી 2016ના છ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી – 2017. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

(Wednesday, 1 February 2017 at 09:55am)

“ફેસબુક પોસ્ટ પર મળેલી Likeનો શું મારે વઘાર કરવાનો છે?” ગુસ્સામાં બોલાયેલું આ વાક્ય સાંભળી ગયા પછી ગરમ મસાલાના એક ઉત્પાદક ખરેખર આવો મસાલો બનાવવાના સંશોધનમાં લાગી ગયા છે.

લિ. દિગ્દર્શક મનોજ શાહ અને અભિનેતા પ્રતિક ગાંધીના નાટક ‘મોહનનો મસાલો’નો દર્શક

* * * * * * *

(Tuesday, 7 February 2017 at 06:00pm)

મોબાઇલ ઇન્ટરનેટ ક્ષેત્રે ‘રિલાયન્સ – જિઓ’ના પ્રવેશ પછી અન્ય કંપનીના ડોંગલ વાપરનારને એક વાતનું સુખ થઈ ગયું છે...ઇન્ટરનેટ બંધ નથી કરવું પડતું...આપમેળે જ ડિસકનેક્ટ થઈ જાય છે. કનેક્શન ચાલુ રહે તો ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ અને ‘જિઓ નેટ ઑફર’ના સંદેશા સંભળાવવામાં આવે છે અથવા પોપ-અપ થાય છે.

લિ. લૉ સ્પીડનું દંગલ

* * * * * * *

(Friday, 10 February 2017 at 11:15am)

ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણની ગઈકાલ, આજ અને આવતીકાલ તેમજ ફિલ્મશાસ્ત્ર શીખવતી સંસ્થાઓનો વર્તમાન...

‘Pushpa, I hate tears…’ ડાયલૉગનું ગુજરાતી કરો.

‘પુષ્પા, હું આંસુઓને હેત કરું છું.’

લિ. લાટ સાહબ

* * * * * * *

[caption id="attachment_48455" align="alignright" width="150"] કાળો ડુંગર, ભૂજ - કચ્છ, ગુજરાત[/caption]

(Monday, 13 February 2017 at 07:30pm)

શિયાળાની મધ્યે ઠંડી વધતા સમાચારોમાં ખૂણે-ખાંચરે ચમકતું નલિયા શિયાળાના અંત ભાગે સમાચારની હેડલાઇનનો હિસ્સો બની ગયું છે.

લિ. કાળા ડુંગરનું શિયાળ

* * * * * * *

(Tuesday, 14 February 2017 at 11:40am)

વેલેન્ટાઇન ડે ઉજવ્યાના વર્ષો પછી ડોસા ડોસીને...

“આ ડાયબીટિઝની ગોળી અડધી કેવી રીતે કરવાની?”

“પેસ્ટ્રી અડધી કરીને મને ખવડાવતા હતા એ રીતે.”

લિ. ગુજરાતી ફિલમ ‘કેકથી કંકુ-ચોખા સુધી’નો બેકરી આર્ટિસ્ટ

* * * * * * *

(Thursday, 16 February 2017 at 08:35am)

ઈસરો ગમે તેટલા ઉપગ્રહો બનાવે અને અવકાશમાં તરતા મૂકે...એમાંનો એકપણ ઉપગ્રહ અમદાવાદના સાયન્સ સિટીની અંદર બેસાડી દેવાયેલા વૈજ્ઞાનિક સિધ્ધાંતો સમજાવતા ઊંધા-ચત્તા અવૈજ્ઞાનિક મોડલોની તસવીર કદી લઈ શકવાનું નથી.

લિ. ધકેલ પંચા દોઢસો @ સાયન્સ સિટી

* * * * * * *

(Friday, 17 February 2017 at 07:45pm)

ગુજરાતી ફિલ્મ 'સુપરસ્ટાર' માટે 100 ટકા કરમુક્તિનો અર્થ ફિલ્મ મફતમાં પણ જોયા બાદ ટિકિટની રકમના 100 ટકા રૂપિયા પરત મેળવવા એવો થાય છે.

લિ. મિક્ષ સમીક્ષક

* * * * * * *

[caption id="attachment_48460" align="alignright" width="299"] ગુણવંત શાહના લેખ સાથે પ્રકાશિત ફોટો કોલાજ (વિચારોના વૃંદાવનમાં : રવિવાર, 19 ફેબ્રુઆરી 2017)[/caption]

(Sunday, 19 February 2017 at 07:55pm)

કોઇપણ દ્રષ્ટિકોણથી જેને ફિલ્મ ગણવી કપરું કામ છે તેવા ગુજરાતી ચિત્રપટ ‘સુપરસ્ટાર’ને સર્વત્ર રીતે વખાણતા ગુણવંત શાહના લેખ સાથે મુકાયેલો પ્રેક્ષકો વગરના સિનેમાહોલનો ફોટો જ ફિલમને અપાયેલી સાચી અંજલિ છે.

લિ. ‘સસરા વૃંદાવનમાં તો જમાઈ વેટિકનમાં’ ગુજરાતી ફિલ્મનો સ્ક્રિપ્ટ રાઇટર

* * * * * * *

(Tuesday, 21 February 2017 at 11:40am)

ન પૂછો નાત-જાત, ન પૂછો કુળ મારું...

હું તો છું પંજાબી થાળીનો ગુજરાતી ભાષી પુત્તર...

* * * * * * *

[caption id="attachment_48452" align="alignleft" width="300"] મીડિઆ માઇકથી ઘેરાયેલા મંત્રી મહોદયા : હાથે પાટાપિંડી સાથે નિર્મલા વાધવાણી[/caption]

(Monday, 27 February 2017 at 11:11am)

ગુજરાત વિધાનસભામાં 23 ફેબ્રુઆરીએ ધારાસભ્યો વચ્ચે થયેલા ‘દંગલ’થી મતદાર – નાગરિકોને બે નવી વાત જાણવા મળી...

એક – વ્યવસાયી ડૉક્ટર, નરોડાના ધારાસભ્ય એવા નિર્મલાબહેને જમણી તરફ પડીને ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પાટો ડાબા હાથ પર બંધાવ્યો.

બીજું – ઘટનાની ટીવી માધ્યમોને પ્રતિક્રિયા આપતી વખતે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રીનો હોદ્દો શોભાવતા નિર્મલાબહેન વાધવાણી ગુજરાતીમાં સરખા ઉચ્ચારવાળા બે વાક્યો પણ બોલી શકતા નથી.

લિ. સંયોજક – ગુજરાત વાંચે નિર્મળ ભાષા અભિયાન

* * * * * * *

(Monday, 27 February 2017 at 07:00pm)

તેરમી ગુજરાત વિધાનસભામાં 15 મહિલા ધારાસભ્યો બિરાજે છે. એમાં એક નામ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું પણ છે. પુરુષ ધારાસભ્યોએ મચાવેલા દંગલ - ગાળાગાળી સામે ગુજરાતના પાંચ મહિલા સાંસદો (લોકસભા) અને એક રાજ્યસભા સાંસદ શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની સહિતના મૌનવ્રત પાળી રહ્યા છે.

આનંદીબહેન પટેલ કૌટુંબિક ભત્રીજાએ નિર્માણ કરેલી 'સુપરસ્ટાર' નામની વાહિયાત ફિલ્મના ડોર-ટુ-ડોર પ્રચારકાર્યમાં વ્યસ્ત છે.

લિ. સવારના સ્ટેટસનું અનુસંધાન અને 'રે અમે કોમળ કોમળ' ફિલમના ફાઇનાન્સરની ફોઈ

* * * * * * *

(Tuesday, 28 February 2017 at 06:30pm)

સુવેગા, લુના, હીરો મૅજેસ્ટિક, ટીવીએસ ચેમ્પ, કેડી-50 જેવા જૂના મોપેડની ટુલ કીટ સારી હાલતમાં ‘નેનો’ કારના ઉપયોગ માટે જથ્થાબંધ માત્રામાં ખરીદવાની છે. રસ ધરાવનાર (હલવાઈ ગયેલી) પાર્ટીઓ સંપર્ક કરે.

લિ. ડમડમ ટુલ્સ એન્ડ ટેલ્સ

તા.ક. ‘જિઓ’ સિવાયના નંબર પરથી ફોન કરવો જેથી સ્પષ્ટ વાત થઈ શકે.

 

ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2017ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2017/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-75/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ફેબ્રુઆરી – 2011, ફેબ્રુઆરી – 2012, ફેબ્રુઆરી – 2013, ફેબ્રુઆરી – 2014, ફેબ્રુઆરી – 2015 તેમજ ફેબ્રુઆરી – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2013/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-53/
http://binitmodi.com/2013/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-54/
http://binitmodi.com/2013/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-55/
http://binitmodi.com/2014/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-32/
http://binitmodi.com/2015/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-20/

 

http://binitmodi.com/2016/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-8/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Wednesday, March 08, 2017

તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

[caption id="attachment_48443" align="aligncenter" width="225"] તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017[/caption]

“બીજો માળ, બાવીસ નંબર...તારક મહેતાને ત્યાં...”...આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું.

“ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી.

*     *     *     *     *     *     *


2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને ‘પદ્મ શ્રી’ સન્માન મળી રહ્યાની સત્તાવાર જાહેરાત થઈ. સમાચાર સાંભળીને સગાં – સંબંધી – વાચકો – ચાહકો એમ અનેકના શુભેચ્છા ફોન આવ્યા. દરેકને તેમણે સાંભળ્યા અને પ્રતિભાવ આપ્યો. એ જ પરંપરામાં અમેરિકા વસતા જમાઈ ચંદુ (કવિ ચંદ્રકાન્ત શાહ)નો પણ ફોન આવ્યો.

“દદ્દુ પદ્મ શ્રી સન્માન મેળવવા દિલ્હી જશોને?” એમ ચંદુભાઈએ પૂછ્યું.

“બિનીત અને શિલ્પા સાથે આવતા હશે તો જાડી સાથે જવાની હિંમત કરીશું.” તારકભાઈનો જવાબ.

તેમનો આ જવાબ સાંભળીને દીકરી – જમાઈ ઇશાનીબહેન – ચંદુભાઈએ અમેરિકા રહ્યે એર ટિકિટોનું બુકીંગ મેળવ્યું અને અમારી ટોળી પહોંચી દિલ્હી...રાષ્ટ્રપતિ ભવનના દરવાજે. અઠવાડિયું દિલ્હીમાં સાથે રહ્યા. દરબાર ભવનમાં આયોજિત થતા પદ્મ સન્માનના મુખ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા, દિલ્હીમાં ફર્યા અને લેખકથી વિશેષ...મનગમતા માણસ સાથે રહીને અમે પતિ – પત્નીએ મઝા કરી.

પ્રિય લેખકને મનગમતા માણસ બનાવવાની આ શરૂઆત કેવી રીતે થઈ?

પાંચ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2011ના રોજ ‘ભાઈ’બંધ બીરેન કોઠારીના બ્લોગ પૅલિટ / Palette પર તારકભાઈના 83મા જન્મદિન નિમિત્તે જે વિસ્તૃત પોસ્ટ લખી તેનું જ આ રી-રન ઉપરના બે ડાયલૉગ સાથે અને થોડા ફેરફાર સાથે રજૂ છે. પ્રારંભે કૌંસમાં બીરેન કોઠારીની ટૂંકી નોંધ છે.

(તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

*     *     *     *     *     *     *


ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ‘ચિત્રલેખા’ જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ‘ચિત્રલેખા’ / Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના ‘દુનિયાને ઊંધા ચશ્મા’ વાંચવાનું. ‘તારક મહેતા’ / Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.

 

દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ‘ચિત્રલેખા’ વાંચવાનું અનિયમિત થયું, પણ ‘ઊંધા ચશ્માં’વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી.


એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ‘ચિત્રલેખા’ના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,‘હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી.’ દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું.’ આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ / Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને ‘કાકા’ના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)

કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.

રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, ‘તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.

મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’ / Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, “મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે.’ એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે.’આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,‘હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.’

[caption id="attachment_48433" align="alignleft" width="150"] રહે છે અહીં, વસે છે સૌના દિલમાં[/caption]

મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે, ‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ.’ ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું, ‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. ’સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.

જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે, ‘કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!’

જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું, ‘ક્યારે આવવાનું ફાવશે?’ મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં...કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, ‘કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું.’ તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.

એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ / Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ‘ગલ્ફ ન્યુઝ’ / Gulf News ના મેનેજરપદે હતા.

હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર ‘આસ્ટોરિયા હોટલ’માં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ‘ભાણા’નું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું, ‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર.” આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.

દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.

[caption id="attachment_48435" align="aligncenter" width="300"] ઈન્દુમાસી- તારકકાકા[/caption]

મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે ‘લાઇન ઓફ એક્શન’ની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.

લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.

લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું, ‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે.’ મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે ‘મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ.’ આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ‘ભત્રીજા’નો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ‘ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે.

[caption id="attachment_48434" align="aligncenter" width="300"] ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા[/caption]

ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ‘ઉત્સવ હોટલ’ના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ‘ના’ પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી,મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.

તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે, ‘શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા પાછલા વર્ષોમાં તબિયતના કારણોસર એમ કરી શકતા નહોતા. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે ‘માણસભૂખ્યું’ અને ‘મહેમાનભૂખ્યું’ છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. ‘પેરેડાઇઝ’ (એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.

પ્રારંભે જેમનો ઉલ્લેખ છે તે ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા ‘રેવડી દાણાદાણ’ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.

એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે, ‘બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ‘ફેમીલી મેમ્બર’ તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.

રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, ‘મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા.’ આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, ‘યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.’

[caption id="attachment_48437" align="aligncenter" width="300"] પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા[/caption]

ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, “મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે.” 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' / Tarak Mehta Ka Ooltah Chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નહીં અને સહજતાપૂર્વક તેને સ્વીકારતા રહ્યા.

[caption id="attachment_48441" align="aligncenter" width="300"] અમારી મિત્ર ત્રિપુટી ઉર્વીશ, બિનીત અને પ્રણવ સાથે હિંચકે બેઠા વાતો[/caption]

1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને પાછલા પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા. ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે. એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.

હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.

2008માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘નવભારત’ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે. પ્રતિકૂળ તબિયત, સંજોગોને અવગણીને પણ પાછલા વર્ષોમાં તેમણે તેમના પ્રવાસના શોખને પુનઃર્જીવિત કર્યો. એંસીમાં વર્ષ નિમિત્તે વાચકો – ચાહકો – સ્વજનો સમક્ષ જાહેર કરેલા ‘દેહદાન’ના સંકલ્પનો સ્વજનોએ અમલ કરવો પડે તે દિવસ આવી પહોંચ્યો...બુધવાર 1 માર્ચ 2017ની સવારે તારકભાઈ પોતે જ બનાવેલો માળો છોડી ગયા.

(તસવીરો : અંગત સંગ્રહ તેમજ નેટ પરથી)