પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, August 01, 2012

અમદાવાદની ગઈકાલ : મોપેડથી મર્સિડીઝનું ઓટો માર્કેટ – મિરઝાપુર


ચલ મેરી લુના


શહેરમાં હરતાં ફરતાં હજી આપણે પશ્ચિમ વિસ્તારમાં જ લટાર મારી છે. સાબરમતી / Sabarmati River નદીને પેલે પાર પ્રવેશ થવો બાકી છે. એમ તો રથયાત્રાના હાથીનું મેડિકલ ટુરીઝમ’ (2 જૂન) કે વસંત– રજબનું શહીદી સ્થળ : સ્મારક હવે સમારકામ માગે છે...’ (2 જુલાઈ) જેવી બે પોસ્ટના વિષય નદીપારના અમદાવાદના / Ahmedabad છે, પરંતુ તે પ્રસંગોપાત લખાયું છે. તો આજે નદી પાર કરી જ દઇએ. આશ્રમ રોડ – નેહરૂબ્રીજથી પ્રવેશ કરીએ ને ઢાળ ઉતરીએ એટલે ત્રણ વિસ્તારો આવે. ખાનપુર, ભદ્ર અને મિરઝાપુર.

આ મિરઝાપુર / Mirzapur એ એક સમયે અમદાવાદનું ઓટો માર્કેટ હતું. આજે નથી રહ્યું પણ તેનો એ જમાનો વીતી ગયે પણ બહુ વખત નથી થયો. તેની ચમક-દમક ગુમાવ્યે વધુમાં વધુ ગણીએ તો ય એક દાયકો પણ નથી થયો. આ ચમક-દમક શબ્દ એટલા માટે કે અમદાવાદની આસપાસ કે ગુજરાતમાં કાર ઉત્પાદન કરવાવાળી કંપનીઓ ઉતરી આવવાની છે એવા ઉડતા-ઉડતા આવેલા સમાચાર માત્રથી લોક અંજાઈ ગયું છે. અરે, નવા નક્કોર વાહનો વેચવાની બાબતમાં આ મિરઝાપુર વિસ્તાર પણ આંખને આંજી દે તેવો જ હતો. પોસ્ટના મથાળે લખ્યા મુજબ મર્સિડીઝ / Mercedes કાર સુધી પહોંચવાનું જ છે. પણ શરૂઆત કરીએ મોપેડથી.

આ આવડું અમથું મોપેડ અને વિરાટ શો-રૂમ
દિનબાઈ ટાવર– લકી રેસ્ટોરન્ટની સામે આવેલી આ જગ્યા જુઓ. બહારથી ડબલ હાઇટનું દેખાતું આ મકાન (ખરેખર તો શો-રૂમ) અંદરથી પણ એટલી જ ઊંચાઈનું ઓપનિંગ ધરાવતું હતું કે ત્યાં ટાટા – અશોક લેલન્ડની ટ્રક રાખી શકાય. જો કે ત્યાં ટ્રક નહીં પણ મોપેડ / Moped વેચાતું હતું. બ્રાન્ડ નેમ – સુવેગા મોપેડ / Suvega Moped અને ડીલરનું નામ લાખિઆ બ્રધર્સ’. કાળક્રમે આ જગ્યાએ વેચાતા વાહનનું બ્રાન્ડ નેમ બદલાયું હતું પણ વાહનનો પ્રકાર તો એ જ રહ્યો હતો – મોપેડ. હા, છેલ્લે ત્યાં લુના મોપેડ / Luna Moped વેચાતું હતું. ફોટામાં દેખાય છે તેમ આજે એ જગ્યાએ બેન્ક ઓફ બરોડા/ Bank of Baroda ની એક શાખાનું કામ ત્યાંથી ચાલે છે.

લીંબુસોડા પહેલા લાલ ચટ્ટક...
મિરઝાપુરમાં લાંબો પ્રવાસ ખેડવાનો છે. એટલે ભદ્રમાં એક થપ્પો મારીને પાછા ફરીએ. અખંડઆનંદ આયુર્વેદિક કોલેજ સામેની ફૂટપાથ પર લીંબુસોડા વેચતી લારીની પાછળ શટરબંધ થયેલી આ બે દુકાનોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટર / Tractor વેચાતા હતા. સ્પોર્ટ્સ યુટિલિટિ વ્હીકલ (SUV) ઉત્પાદન ક્ષેત્રે આજે મહિન્દ્રા’ / Mahindra and Mahindra કંપનીનું નામ મોટું ગણાય છે. લાલ ચટ્ટક રંગના તેના સ્કોર્પિઓ, ઝાયલો કે એક્સ.યુ.વી 500 જેવા એસ.યુ.વી આજે ઓટો માર્કેટમાં વખણાય છે. આ જગ્યાએ ખેતરમાં વપરાતા લાલ ચટ્ટક ટ્રેક્ટર વેચાતા હતા.

ફિઆટ કાર પછી વારો આવ્યો પ્યુજો વેચવાનો
ફરી પાછા મિરઝાપુરમાં પ્રવેશીએ. જ્યાં અટક્યા હતા એ જગ્યાએથી જ આપણી આ વાહન વગરની યાત્રા શરૂ કરીએ. દિનબાઈ ટાવરની / Dinbai Tower બીજી તરફ અને લકી રેસ્ટોરન્ટ / Lucky Restaurant – સહયોગ બિલ્ડીંગની / Sahyog Building પાછળ આવેલી આ જગ્યાએ પ્રિમિઅર કંપનીની ફિઆટ’ / Fiat Car કાર વેચાતી હતી. ડિલરનું નામ – અમદાવાદ મોટર્સ. ગુજરાતમાં કાર ઉદ્યોગના આગમનથી હરખાઈ ગયેલા સૌ કોઈને યાદ અપાવવાનું કે ફિઆટ કારનું ઉત્પાદન કરતી કંપની પ્રિમિઅર ઓટોમોબાઇલ્સ લિમિટેડ’ / Premier Automobiles Limited ના સ્થાપક શેઠ વાલચંદ હિરાચંદ ગુજરાતી હતા. સમય જતાં માલિકી બદલાયા પછી પણ કંપની ગુજરાતીઓના સંચાલન હેઠળ જ ચાલતી હતી જેમાં મુંબઈનો દોશી પરિવાર મુખ્ય ચાલકબળ હતો. અમદાવાદ મોટર્સની સામે અને દિનબાઈ ટાવરની પાછળ આવેલી શ્રદ્ધા મોટર્સ હીરો હોન્ડા / Hero Honda મોટર સાઇકલની અમદાવાદ ખાતેની પહેલી ડીલરશીપ હતી જે અગાઉ યેઝદી’ / Yezdi Motor Cycle મોટર સાઇકલનું વેચાણ કરતી હતી.

રાજદૂત : જાનદાર સવારી, શાનદાર સવારી...
આમેય આપણી પાસે વાહન નથી એટલે યાત્રામાં આગળ વધવાની ઉતાવળ ના કરો. હજી આપણે દિનબાઈ ટાવર પાસે જ રહેવાનું છે. કાટખૂણે આવેલા આ ટાવરની ત્રીજી તરફ મર્દાના મોટર સાઇકલ તરીકે ઓળખાતી રાજદૂત’ / Rajdoot Motor Cycle વેચાતી હતી. ડીલરનું નામ – સેતલવાડ બ્રધર્સ. રાજદૂતનું ઉત્પાદન કરતી કંપની એસ્કોર્ટ્સનું / Escorts જોડાણ જાપાનની યામાહા’ / Yamaha Motor Cycle કંપની સાથે થતા એ નામની બાઇકનું વેચાણ ડીલર આ જ જગ્યાએથી કરતા હતા.
અહીં 'સ્ટાન્ડર્ડ'નો શો-રૂમ હતો....
સેતલવાડ બ્રધર્સની સામેની તરફ આગળ જતાં આવતું આ મકાન આજે તૂટી ગયું છે અને તેની પાસે આજે એકદમ સ્ટાન્ડર્ડ ગણાતી એવી મારૂતિ કાર પાર્ક થયેલી છે. જો કે એક જમાનામાં ખરેખર અહીં સ્ટાન્ડર્ડ’ / Standard બ્રાન્ડ નેમ ધરાવતી કાર વેચાતી હતી. કિંમત અને આંતરિક સુવિધાઓની રીતે આધુનિક ગણાય તેવી સ્ટાન્ડર્ડ 2000’ / Standard 2000 નામની મોડેલ કાર અહીં છેલ્લે વેચાવા આવી હતી અને તેને શો-રૂમમાં જોઈ હતી એવું યાદ છે. સ્ટાન્ડર્ડના શો-રૂમની સામે એક ખૂણામાં માર્કેટમાં નવા-સવા આવેલા હીરો મેજેસ્ટિક’ / Hero Majestic નામના મોપેડની ડીલરશીપ હતી જેણે એ જગ્યાએ લાંબો સમય કામકાજ નહોતું ચલાવ્યું. થોડાક આગળ વધો એટલે આવે જનસત્તા પ્રેસ’ / Jansatta Daily તરીકે ઓળખાતો વિસ્તાર. તેની સામે આવેલા પેટ્રોલપંપની પાછળ પહેલા ફિરોદિયા ગ્રૂપ કંપનીની / Firodia બનાવેલી મેટાડોર’ / Matador વેચાતી હતી, પાછળથી મેટાડોરની સાથે ટી.વી.એસ કંપનીના મોપેડ પણ વેચાતા થયા હતા. આ જગ્યાએ વેચાવા આવેલા પહેલા મોપેડનું બ્રાન્ડ નેમ હતું ‘TVS 50’.

'બજાજ'નું વેચાણ કેન્દ્ર

મિરઝાપુર કોર્ટ બિલ્ડીંગ પહેલા પેટ્રોલપંપની બાજુમાં આવેલી આ જગ્યાએ આજે બજાજની / Bajaj Auto Limited રીક્ષાઓ સી.એન.જી માટે લાઇનમાં ઊભી છે. અગાઉ અહીં બજાજ’ / Bajaj કંપનીના સ્કૂટર વેચાતા હતા. ડીલરનું નામ રણજીત ઓટોમોબાઇલ્સ’. બજાજનું વાઇકિંગ મોડલનું સ્કૂટર કે જેમાં સૌ પ્રથમવાર ટર્ન સિગ્નલ (સાઇડ લાઇટ્સ) / Side Signals ફીટ કરાયા હતા એ સ્કૂટર અમદાવાદમાં સૌ પહેલું આ જગ્યાએ બુકીંગ માટે મુકાયું હતું. હા, એ જમાનામાં સ્કૂટરના બુકીંગ અને વેચાણ વચ્ચે પંદર વર્ષનો ગાળો રહેતો હતો. એથી પહેલા માલિક બનનારની ગણતરી નસીબદારમાં થતી હતી – એ વ્યક્તિ રેશનાલિસ્ટ હોય તો પણ.

આવવા - જવા માટે 'જાવા'
હવે જનસત્તા’ પ્રેસ / Jansatta Daily તરફ પાછા વળવાનું છે અને જવાનું છે ગુજરાત સમાચાર પ્રેસ / Gujarat Samachar Daily તરફ. નવું સ્કૂટર ખરીદનારે અને તેને અમુક-તમુક વર્ષો વાપર્યા પછી અચૂક મુલાકાત લેવી પડે તેવો વિસ્તાર એટલે આ જગ્યા. નવું સ્કૂટર ખરીદનારે એક્સેસરિઝ માટે અહીં આવવું પડે તેમ એ જ સ્કૂટર જૂનું થાય એટલે લુહારીકામ – વેલ્ડિંગ (ઝારણકામ) કે રંગકામ માટે પણ તેના વાપરનારે અહીં જ આવવું પડે. હા, ભલેને પછી તે વ્યક્તિ અમદાવાદના ગમે તે ખૂણે રહેતી હોય. જનસત્તા પ્રેસની સામે મેટાડોર અને મોપેડ વેચાતા હતા તો ગુજરાત સમાચાર પ્રેસ સામે જાવા’ / Jawa Motor Cycle મોટર સાઇકલ વેચાતી હતી. જાવાની વિશેષતા એ હતી કે તેનું કીક સ્ટાર્ટર વાહન ચાલુ થયા પછી ગિઅરમાં ફેરવાઈ જતું હતું. આ જ વિશેષતા યેઝદી મોટર સાઇકલમાં હતી.

મર્સિડીઝ પછી હવે ડૂકાટીની  પાવરબાઇક અહીં મળશે
સરકારી ગાડી : એમ્બેસેડર
થાકી ગયા હો તો કહી દેજો. બાકી યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. ફરી પાછા નેહરૂબ્રીજ. ઢાળ ઉતરતાં જ આવે રૂપાલી સિનેમા / Roopalee Cinema. ફિલમ જેમાંથી ગાયબ થઈ ગઈ છે એવી આ ઇમારત આજેય અડીખમ ઊભી છે. તેની બાજુમાં છે કામા મોટર્સ’ / Cama Motors. સરકારી ગાડી તરીકે આજેય ઓળખાતી એમ્બેસેડર’ / Ambassador કાર એક જમાનામાં અહીંથી વેચાતી હતી. થોડા વર્ષો અગાઉ કામા પાસે લક્ઝરી કાર ગણાતી મર્સિડીઝ બેન્ઝ’ / Mercedes Benz ની ડીલરશીપ હતી. હા, કાર વેચાણના સરકારી અને લક્ઝરી એવા બે અંતિમોની વચ્ચે તેણે ગુજરાત સરકાર / Government of Gujarat માટે પણ વાહન વેચાણનું કામ કર્યું હતું. બજાજ સ્કૂટરની ચોમેર ફેલાયેલી જાહોજલાલી વચ્ચે ગુજરાત સરકારની માલિકીના ગિરનાર સ્કૂટરનું / Girnar Scooter બુકીંગ-કમ-વેચાણ અહીંથી થતું હતું. ગિરનારનું નામ બદલાઇને નર્મદા’ / Narmada Prince Scooter થયું પણ ડીલરશીપ તો કામા પાસે જ રહી.

પહેલા અમીન ઓટો - હવે અમીન બજાજ
થાકી ગયા?”…અરે...એમ કેમ ચાલે. આ ગિરનાર અને નર્મદા નામના સરકારી સ્કૂટરનું ઉત્પાદન અમદાવાદમાં જ થતું હતું. ક્યાં? એમ કરો તમે થોડો પોરો ખાઈ જ લો. હું પણ થાક ખાઈ લઉં. થોડું પેટ્રોલ ભરાવી લઉં. મળીએ છીએ.

વાહનોની તસવીરો : નેટ પરથી
અન્ય તસવીરો : બિનીત મોદી

15 comments:

 1. Good article on Auto Market with changed scenerio.

  ReplyDelete
 2. waah Binit Bhai, waah. tame kaik navu j laavo chho, ho....>
  kavi jalal mastan.

  ReplyDelete
 3. Nostalgic!

  Hero Majestic Moped was the first my father had after bicycle. During 1981. Then He brought Kinetic Spark that was second hand from a friend. Then Bajaj Super. Then Bajaj Kavasaki Bike,Then for me Kinetic Luna in 1996,Then Maruti 800 during 2003 and Activa and Now I 10 car. I had Hero Honda Street during 2002, and now Access 125 of Suzuki Company. I had enjoyed all the rides. My father taught me Luna, Scotor, Bike. Reading this was Nostalgic as I remembered again all those moments of my ride during school and college days and my father's interest to teach me every vehicle he had. :) Rajdoot ni Dharmendra vali advertise pan yaad aavi gai.

  ReplyDelete
 4. I was going by walk daily from ;Vijdi ghar-Dinbai Tower-Khanpur for job.Cycle was also a bigh thing that time. Many places you shown in your articles were seen by me daily as routine.The thing which dis appears from life become valuable in life and whenever it come back as a glimpses it gives us lot of happiness.I was staying at Mehemdavad and studying in SV Arts coillege than after 11.00 to 6.00 ock I was working in a small industries.

  ReplyDelete
 5. Excellent "Bhuli Bisri Baate" Thanks for taking back in time.

  Minesh Mody, USA

  ReplyDelete
 6. Harish Shukla (Vadodara)6 August 2012 at 10:01

  અમદાવાદની સફર મને આજે બર્થ ડેના દિવસે કરાવીને મારો ભૂતકાળ મને આપ્યો...આભાર. હું મારા મિત્રો સહીત તે જમાનામાં લકી પર ચા પીવા જતા અને હું સિગરેટ પણ પીતો. અને એ લાખિયા બ્રધર્સની ઈમારત પાસે તો અમારો પડાવ....સન ૧૯૭૬ -૭૭ ...આજે હું આપની સફર વાચી ગયો અને ૧૮ વર્ષનો હતો અને જે આનદ જે તે જગ્યાનો માણેલો તે પાછો મળ્યો...અત્યંત આભાર...તમને ખબર પણ નહિ હોય કે તમે લખેલો આ લેખ કોઈને લાખ ખુશીઓ આપશે. ઈશ્વર આપને ખુબ પ્રગતી કરાવે તેવી મારી શિવજીને આજના દિને પ્રાર્થના.....હજી બહુ લખવું છે પણ અટકવું જોઈએ તે ખબર રાખી ને અટકું. અસ્તુ. કલ્યાણ ભવ:

  હરીશ શુક્લ (વડોદરા)
  (ફેસબુક મિત્ર, 5 ઓગસ્ટના તેમના જન્મદિવસે પાઠવેલી શુભેચ્છાનો વળતો પ્રતિભાવ)

  ReplyDelete
 7. very good article.

  ReplyDelete
 8. સૌ મિત્રો,
  બ્લોગની એકવીસમી પોસ્ટ (1 ઓગસ્ટ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  પંદર - સત્તરથી લઈને વીસ - પચીસ વર્ષની ઉંમર એવી હોય કે બે પૈડાંનું વાહન ચલાવવાના અને વસાવવાના ધખારા ખુબ હોય. મનેય હતા. પાસે ગજવાની ગુંજાશ કે જરૂરિયાત તો હતી નહિ છતાં કોલેજકાળમાં બજારમાં નવા આવતા સ્કૂટરને જોવા, 'વિન્ડો શોપિંગ' કરવા હું મિરઝાપુરના રસ્તા પર સાઇકલ લઇને ફરતો રહેતો. મને એમાં મઝા પડતી. એ સમયની યાદોને આધારે લખાયેલું આ વાંચીને તમને પણ મઝા પડી હોય તો આનંદ.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 28 ઓગસ્ટ 2012

  ReplyDelete
 9. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
  21મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 01-08-2012 to 01-08-2013 – 480

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 10. Abhishek Panchal (Vadodara, Gujarat)21 October 2013 at 11:00

  અમદાવાદના ઑટોમોબાઇલ જગતની આટલી જોરદાર દર્શનયાત્રા કરાવવા બદલ આપનો આભાર.
  અભિષેક પંચાલ (વડોદરા, ગુજરાત)

  (Response through FACEBOOK, 21 October 2013 : BLOG Post Shared @ Abhishek Panchal Profile Status, 30 July 2013 / https://www.facebook.com/abbi2612)

  ReplyDelete
 11. પ્રિય મિત્રો,
  21મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 01-08-2013 to 01-08-2014 – 90

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 12. Iliyas Shaikh (Rajkot, Gujarat)8 September 2014 at 18:05

  બિનીતભાઈ,
  મને સાંભરે છે ત્યાં લગી, આ કામા મોટર્સ એ જ કદાચ સ્કોડાનો શો રૂમ?

  ઇલિયાસ શેખ (રાજકોટ, ગુજરાત)
  (Response through FACEBOOK : 8 September 2014)

  ReplyDelete
  Replies
  1. ઇલિયાસભાઈ,
   કામા મોટર્સ વીસમી સદીના અંત ભાગ સુધી એમ્બેસેડર કારના ડિલર હતા. થોડો સમય મિત્સુબિશી અને મર્સિડીઝ કાર વેચ્યા પછી છેલ્લે તેમની પાસે સ્કોડા કારની ડિલરશીપ હતી. હવે તેઓ 'Make to Order' એવી ડિઝાઇનર કાર વેચે છે.

   બિનીત મોદી (અમદાવાદ)

   Delete
 13. Milan Sindhav (Gandhinagar, Gujarat)24 January 2015 at 20:05

  1977ના સમયગાળામાં આ બધું જોયેલું તે આજે યાદ આવી ગયું. બ્લોગમાં સરસ માહિતી આપી છે.
  મિલન સીંધવ (ગાંધીનગર, ગુજરાત)
  (Response through FACEBOOK : 21 January 2015, Photo Sharing of LUNA Moped by Milan Sindhav on Facebook, 20 January 2015)

  ReplyDelete
 14. Mukesh Raval (Anaheim, California, USA)26 January 2015 at 17:02

  બિનીતભાઈ, બાળપણ યાદ કરાવી દીધું. આ મિરઝાપુરને તો કેમ ભુલાય. તેની પથ્થરીયા મસ્જીદ સામે સેન્ટ ઝેવિયર્સ સ્કુલની બાજુમાં જ અમારું બિલ્ડીંગ છે. ‘નાનુ રાવલ બિલ્ડીંગ’ અને ‘મોટું રાવલ બિલ્ડીંગ’. જો કે હતું એવું કહી શકાય. ગમે તેટલા કોમી તોફાનોમાંય મુસ્લિમ પરિવાર સાથેનો સંબંધ ભુલાય તેમ નથી.
  મુકેશ રાવલ (કૅલિફોર્નિયા, અમેરિકા)
  (Response through FACEBOOK : 22 January 2015, Photo Sharing of LUNA Moped by Milan Sindhav on Facebook, 20 January 2015)

  ReplyDelete