પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, May 17, 2012

રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ


રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય...ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા 'છ અક્ષરનું નામ'નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું.....કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા.....અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા...બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ - રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા.....

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ28 comments:

 1. વાહ બાપુ બાપ !

  ReplyDelete
 2. Aa unalaama varsaad thi tarbatar thai javayu. Thank you Binit.

  ReplyDelete
 3. "Kalu tare te" is not written by "Ramesh Parekh. It' s in the novel of Pannalal Patel.

  ReplyDelete
 4. ભરતકુમાર ઝાલા18 May 2012 at 19:40

  બિનિતભાઇ, અમારા જેવા કંઇ કેટલાય કવિતાપ્રેમીઓના આરાધ્ય એવા રમેશ પારેખ વિશે સાવ અજાણી માહિતી વહેંચીને કવિને તમે બિનિત શૈલીમાં યાદ કર્યા એ ગમ્યું. ગુજરાતમાં કોઇ સર્જકને આમ આખા શહેરે મળીને વધાવ્યા હોય, એવું બે જ વાર બન્યું છે, એક જૈનમુનિ ને વ્યાકરણશાસ્ત્રી હેમચંદ્રાચાર્યનું સન્માન થયેલું, અને બીજો કિસ્સો તે આપણા રમેશ પારેખનો. જીવનમાં આજ સુધી બે - ત્રણ જ વ્યક્તિઓ એવી રહી કે જેમને એમના જીવન દરમિયાન ન મળી શક્યાનો અફસોસ રહેશે, એમાંની એક વ્યક્તિ તે રમેશ પારેખ. માસ અને ક્લાસ બંનેને પ્રિય અને બંનેના હ્યદયમાં સ્થાન મેળવનાર રમેશ પારેખ ગુજરાતી કવિતાની અન્યન્ય ઓળખ છે, હતા ને રહેશે.

  ReplyDelete
 5. ...bahu badhu lakhelu...
  ignorance na kaarane delete thai gayu!!
  anyways, 2 vaat hati...
  ek toh e ke majaa avi, vaanchi ne..
  biji swarth ni vaat ma - mara ane ashwinee bhatt na te paadela photos ni khul-e-aam maangni hati!
  :-)
  yogya karje, mitr!

  ReplyDelete
 6. Jay Gajjar (Canada)19 May 2012 at 15:28

  THANKS FOR ARTICLES, VERY NICE. ENJOYED. GOOD LUCK.
  JAY GAAJJAR (Canada)

  ReplyDelete
 7. Nice work you had done. Millions of wishes. Thanks.
  Rajendra Jani

  ReplyDelete
 8. Jyoti Chauhan (Gandhinagar)19 May 2012 at 15:37

  ર.પા.મારા ખુબ જ ફેવરિટ કવિ છે. તમારી આ પોસ્ટ મેં ફેસબુક પર વાંચી. ખુબ ગમી. તસવીરો પણ સરસ છે. હું કવિને રાજકોટમાં બે-ચાર વખત મળી છું. એમના અચાનક મૃત્યુ વખતે પણ હું રાજકોટ જ હતી. સમાચાર સાંભળીને કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તેવો આઘાત લાગેલો. રાજકોટના એક અખબારે બીજે દિવસે સોનલ નામની છોકરીઓ / સ્ત્રીઓને અમુક પ્રશ્નો પૂછીને જવાબો અખબારમાં પ્રકટ કર્યા હતા.

  જ્યોતિ ચૌહાણ (ગાંધીનગર)

  ReplyDelete
 9. સ્પર્શ દઈ

  પાણી વહી જાતું હશે

  ત્યારે કંઈક

  આ પત્થરોને કંઈક તો થાતું હશે. અદભુત

  ReplyDelete
 10. Rajnikumar Pandya (Ahmedabad)24 May 2012 at 17:26

  ભાઈ બિનીત,

  ટૂંકો પણ મજાનો લેખ. અભિનંદન. તેમાં તેં જે એક વાત લખી છે તે પૂરી કરું. 'માનવીની ભવાઈ' ફિલમ જોવા અમે સાથે બેઠા હતા. એમાં વારેવારે પર્દા ઉપર ઉપેન્દ્રભાઇને દેખા દેતા જોઇને રમેશ કંટાળ્યો. મને કહે "ચાલ યાર, આનું 'ભોડું' જોઇને હવે તો કંટાળ્યો. (હું પણ કંટાળ્યો હતો) આપણે ટોઇલેટમાં જતા આવીએ, મારે બીડી પણ ઠઠ્ઠાડવી છે...ચાલ." એને પગે ઇજા હતી એટલે હું એને ટેકો આપીને થિયેટરની બહાર આવ્યો. અમે બન્ને ટોઇલેટમાં સાથે જ દાખલ થયા અને હજુ તો જગ્યા ઉપર ઉભા રહીએ ત્યાં તો પાછળથી કોઇનો ઘેરો સાદ સંભળાયો. "કેમ છો, ભાઇબંધો !" અમે ચમકીને પાછળ જોયું તો ખુદ ઉપેન્દ્રભાઇ ! એ પણ અહીં હળવા થવા આવ્યા હતા ! મતલબ કે આ જગ્યાએ પણ એમના 'ભોડા'થી અમને છૂટકારો નહોતો ! બહાર નીકળીને રમેશ મને કહે "વાળંદના વાંકા હોય તો કોથળીમાંય કઇડે". એટલે કે બદનસીબી આપણી પાછળ પાછળ ગમે ત્યાં આવી શકે ! ટોઇલેટમાં પણ !

  આ વાત માત્ર હળવી રીતે કહી રહ્યો છું. બાકી ફિલમ તો સારી હતી જ. ઉપેન્દ્ર પણ ઉમદા કલાકાર છે એમાં ના નહિ.

  રજનીકુમાર પંડ્યા (અમદાવાદ)

  ReplyDelete
 11. Binit Modi (Ahmedabad)24 May 2012 at 19:00

  સૌ મિત્રો,

  બ્લોગની આઠમી પોસ્ટ (17 મે 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  રમેશ પારેખના ફોટા સાથે બીજી એક કાયમી યાદ સંકળાયેલી છે તે એ કે નેગેટિવ - પેપર ફોટોગ્રાફી કરતા મેં પાડેલા છેલછેલ્લા ફોટામાંનો એક છે. કારણ નવો ડિજિટલ કેમેરો જે સવારે ખરીદ્યો તેની બપોરે જ એમના અવસાનના સમાચાર મળ્યા. એટલે નેગેટિવ અને ડિજિટલ ફોટોગ્રાફી વચ્ચે આ ફોટો મારા માટે 'કટ ઓફ ડેટ' જેવો છે.

  રજનીકાકા - તમારા પ્રતિભાવથી પંદર - સત્તર વર્ષ પહેલાનો એ સમય - પ્રસંગ બન્ને નજર સમક્ષ ભજવાઈ ગયા. આભાર.

  બિનીત મોદી (અમદાવાદ) / ગુરુવાર, 24 મે 2012

  ReplyDelete
 12. "Kalu tare te" is not written by "Ramesh Parekh. It' s in the novel of Pannalal Patel. my sister Drashti Patel mentioned it in a conversation.

  ReplyDelete
 13. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને એક વર્ષ પૂર્ણ થયું.
  આઠમી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 17-05-2012 to 17-05-2013 – 710
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 14. Dilipkumar N. Mehta (Vadodara)20 May 2013 at 15:50

  ખૂબ સરસ અભિવ્યક્તિ.
  દિલીપકુમાર એન. મહેતા (વડોદરા)
  (Response through FACEBOOK, Post Reshared on Ramesh Parekh's 7th Death Anniversary, 17 May 2013)

  ReplyDelete
 15. બીનીતભાઈ ,અભિનંદન .
  આપનું કામ સરાહનીય છે .આમને આમ ગુજરાતી ભાષાની સેવા કરતા રહો એવી
  અભ્યર્થના ....

  ReplyDelete
 16. ...Hu kaik 18/19 varshno hoish.(Almost back to year1965-66) Janmashtami ni raat hati. Rajkot ma hu mara param Mitr Deven Shah ((Dawud Shekh -All India Radio-Rajkot Kendra) saathe ek Restaurant ma chaa pita ame betha hata ane achanak Ramesh Parekh Anil Joshi saathe tya aavi chadhya....Deven to ene thoda thoda olkhe vyaktigat, ane hu olkhun teone teoni rachnao thi. Hu to....Bhai! Bhai!!...Dhanya dhanya thai gayo!! Betha, chaa upar chaa pita rahya....vaato no Shravan varsi rahyo....Bhinjai ne lathbath......ne.....vari dharana nahi, te Deven kahe,chalo! Mare gher, besiye.....Ne, Ramesh to pachha sau saral manas, kahe chalo!.....Ne po'chya deven ne gher......Vari Chaa....upar chaa.....upar chaa......ne doodh khatam thai gyun, to doodh vinani kali chaa....... ane Ramesh ane Anil na modhe teoni kavitao ni ramzat......ahahaha.......shu jhamavat thai, vaat muki dyo,Saheb! Ema vari vaat nikli ke chalo apne ek apane game evi film banaviye.......Vari ena upar lambaan thi vaato.....pan pachhi, Ramesh kye ke, film to banaviye, pan ene dekhadva theater kon aapshe? Ane theater vagar film jovi kem?????.....Shu jonar na haath ma film ni patti pakdavi devani ane te bus, aam.....ek ek frame joshe.....???????....hahahaha........:):):).....Aavi aavi hansi-majak ni vaato ma ne vaato ma janamashtamini raat viti gayi......ne, thayun, chalo! Vasudev Gokul pahonchi pan gaya hashe ane Bal Krishna ne Nandbawa-Yashodajine sonpi pan didha hashe......

  ReplyDelete
 17. Yogesh Bhatt (Mumbai, Maharashtra)9 July 2013 at 14:25

  યોગેશ ભટ્ટ (મુંબઈ)ના ઉપરોક્ત પ્રતિભાવની ગુજરાતી લિપિ...

  હું કંઈક ૧૮ / ૧૯ વર્ષનો હોઇશ. મોટેભાગે ૧૯૬૫ - ૬૬ના વર્ષની વાત છે. જન્માષ્ટમીની રાત હતી. રાજકોટમાં હું મારા પરમ મિત્ર દેવેન શાહ (દાઉદ શેખ - ઑલ ઇન્ડિયા રેડિયો, રાજકોટ કેન્દ્રવાળા) સાથે એક રેસ્ટોરન્ટમાં ચા પીતા અમે બેઠા હતા અને અચાનક રમેશ પારેખ અનિલ જોશી સાથે ત્યાં આવી ચડ્યા. દેવેન તો તેમને થોડું થોડું વ્યક્તિગત ઓળખે, અને હું તેઓને ઓળખું તેમની રચનાઓથી. હું તો ભાઈ...ભાઈ...ધન્ય થઈ ગયો. બેઠા અને ચા પર ચા પીતા રહ્યા. વાતોનો શ્રાવણ વરસી રહ્યો. ભીંજાઈને લથબથ.

  વાતવાતમાં દેવેને કહ્યું ‘ચાલો મારે ઘેર બેસીએ.’ ધારણા પણ નહીં...તો ય સરળ સ્વભાવના માણસ રમેશ પારેખ કહે ‘ચાલો.’ અને પહોંચ્યા દેવેનના ઘરે. વળી પાછી ચા પર ચા. દૂધ ખાલી થઈ ગયું તો દૂધ વિનાની કાળી ચાથી ચલાવ્યું.

  અને રમેશ પારેખ અને અનિલ જોશીના મોઢે તેઓની કવિતાઓની રમઝટ ચાલી...આ..હા..હા..શું જમાવટ થઈ..વાત મૂકી દો સાહેબ. એમાં વળી વાત નીકળી કે ચાલો આપણે આપણને ગમે તેવી એક ફિલ્મ બનાવીએ. એ વિષયે લંબાણથી વાતો થઈ. પણ પછી રમેશ કહે કે ‘ફિલ્મ તો બનાવીએ, પણ એને દેખાડવા થિયેટર કોણ આપશે? અને થિયેટર વગર ફિલ્મ જોવી કેમ? શું જોનારના હાથમાં ફિલ્મની પટ્ટી પકડાવી દેવાની...અને તે બસ આમ..એક..એક ફ્રેમ જોશે?’હા...હા...હા...આવી આવી હસી મજાકની વાતોમાં ને વાતોમાં જન્માષ્ટમીની રાત વીતી ગઈ..ને થયું ચાલો...વાસુદેવ તો ગોકુળ પહોંચી પણ ગયા હશે અને બાળ કૃષ્ણને નંદબાવા - યશોદાજીને સોંપી પણ દીધા હશે.

  ReplyDelete
 18. સૌ મિત્રો,
  બ્લોગ પ્રારંભના 500મા દિવસ (8 જુલાઈ 2013) અને 71 પોસ્ટના મુકામ પર આ ત્રીજી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 9 જુલાઈ 2013

  ReplyDelete
 19. Hearty Congratulations & wishing many many Zeros be added after this no. of 1000 day by day!Regards. -Yogesh Bhatt.

  ReplyDelete
 20. Hetal Vin (Surat, Gujarat)30 November 2013 at 01:45

  સરસ લેખ પરંતુ રજનીકુમાર પંડ્યાની કમેન્ટ વાંચીને સૌથી વધુ મઝા આવી.
  હેતલ વીન (સુરત, ગુજરાત)
  (Response through FACEBOOK, Post Re-shared on Ramesh Parekh's 74th Birth Anniversary, 27 November 2013)

  ReplyDelete
 21. Shivani Desai (San Francisco, California, USA)1 December 2013 at 17:40

  પ્રિય કવિ વિશે વાંચવાની મઝા આવી.
  શિવાની દેસાઈ (સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિઆ, અમેરિકા)
  (Response through E-mail)

  ReplyDelete
 22. How can I get the copy of - રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' ?

  ReplyDelete
  Replies
  1. ‘ગીત હાળાં ધક્કા-મુક્કી થાય’ ઑડિયો કેસેટનું નહીં નફો-નહીં નુકસાન એવા ધોરણે વ્યાપારી ઉત્પાદન એક જ વાર થયું હતું. એટલે એ રીતે અત્યારે મળવી મુશ્કેલ છે.

   Delete
 23. પ્રિય મિત્રો,
  આઠમી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 17-05-2013 to 17-05-2014 – 720
  પહેલા અને બીજા વર્ષે એકસરખી સંખ્યામાં વંચાઈ હોય તેવી આ બીજી પોસ્ટ છે. તેનું એક શ્રેય ધૈવત ત્રિવેદી સરખા પત્રકાર-સંપાદક-મિત્રને જાય છે જેમણે વખતોવખત આ પોસ્ટ ‘ફેસબુક’ પર Re-Share કરી અને એમ તેને નવા વાચકો તેમજ કેટલાક પ્રતિભાવો મળ્યા.
  આભાર ધૈવત ત્રિવેદી. તમારી સાથેની મૈત્રીનું શ્રેય ઉર્વીશ કોઠારીને ફાળે જાય છે.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 20 મે 2014

  ReplyDelete
 24. rameshbhai na kavitani koi audio cd hoy to plss sambhadavo ne.

  ReplyDelete
 25. વાહ બિનિતભાઈ, બહુ જ સુંદર અને સમૃદ્ધ સંભારણુ

  ReplyDelete