પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, June 24, 2013

પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ


નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે પાપી પેટને ખાતર!...અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે દાળ-રોટી ભેગા થવા.

હવે આ પાપી પેટ કે દાળ-રોટીનો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી ધારણા સાચી છે પણ મને હમણાં આ પ્રકારની નોકરી / Job જોવા મળી. ભારતીય રેલવેના / Indian Railway / http://www.indianrail.gov.in/ ડબ્બામાં. લાંબા – ટૂંકા અંતરની રોજની હજારો ટ્રેનો દેશમાં દોડે છે. એમાં આ પ્રકારની વિશિષ્ટ નોકરી જોવી હોય તો લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવી પડે. મેં કરી. આમ તો એ મુસાફરી કશ્મીર – શ્રીનગરનું ‘કુદરતી સૌંદર્ય’ જોવા માટે કરી હતી પરંતુ યાત્રા દરમિયાન કુદરતી હાજતે જતાં અનાયાસ આ ઉપર વર્ણવી એવી નોકરી પણ જોવા મળી.

કેવી છે એ નોકરી? અને ક્યાં જોવા મળે? અમદાવાદથી જમ્મુ લઈ જતી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવી નોકરી કરનારા યુવાનો જોવા મળે. સોળ-સત્તર ડબ્બાની ટ્રેનમાં તેમની એક માત્ર કામગીરી તે પાયખાના (જાજરૂ – સંડાસ / Toilets) સાફ કરવાની. જમ્મુથી બપોરના સમયે અમદાવાદ / Ahmedabad પરત ફરતી ટ્રેન થોડા કલાકોના વિરામ બાદ રાત્રે કાં તો વેરાવળ / Veraval, Gujarat જવા ઉપડે અથવા જામનગર / Jamnagar, Gujarat પાસેના હાપા / Hapa, Jamnagar, Gujarat ગામે સીધેસીધી પહોંચે. એટલે એ નક્કી કે આ યુવાનો મોટે ભાગે સૌરાષ્ટ્રના હોય, વેરાવળ કે હાપા-જામનગરની આસપાસના ગામના પણ હોય. વેરાવળથી રાત્રે ઉપડીને બીજા દિવસની વહેલી સવારે અમદાવાદ આવતી ટ્રેનમાં બેસીને આવતા આ યુવાનો જમ્મુની / Jammu, Jammu & Kashmir State ખેપ મારીને ઘરે પાછા ફરે ત્યારે છઠ્ઠા દિવસની સવાર હોય. ચાર રાત ટ્રેનમાં અને એક રાત જમ્મુ સ્ટેશન યાર્ડમાં ગુજારતા આ યુવાનોને કામના કલાકોની ગણતરીએ પાંચ દિવસના પાંચસો લેખે મહિનાનો 2,500/- રૂપિયા પગાર / Salary મળે. બહુ તાણી-તૂસીને કામ કરે તો મહિનાના ત્રણ હજાર મળે ખરા પરંતુ શરીર એ માટે સાથ આપે તેવું રહ્યું જ ન હોય. કેમ કે આ યુવાનોને નોકરીએ રાખનાર રેલવે કોન્ટ્રાક્ટર તેમને પગાર આપે પણ જમવાની સવલતના નામે ફદિયું પણ ના પરખાવે. એટલે આ છોકરાઓ પાંચ – છ દિવસ-રાત વચ્ચે ઝોલાં ખાતી નોકરીના દિવસોનો ગુજારો ઘરેથી લાવેલા એકાદ દિવસના રોટલા-શાક કે પછી સેવ-મમરા અને બિસ્કીટ / Biscuits ખાઈને કરે. ટ્રેનના કેટરીંગ કોન્ટ્રાક્ટરના વેઇટર્સ નજર સામે ગરમા-ગરમ નાસ્તાના પેકેટ લઈને ફરતા હોય પરંતુ તેના ભાવ તેમની પહોંચ બહારના હોય. ભલે કોન્ટ્રાક્ટ હેઠળ હોય પરંતુ રેલવેની જ સેવા કરતા તેમના માટે રાહત દરના ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહીં?

તેનું પરિણામ શું આવે? એ જ કે આ યુવાનો પૂરો મહિનો તો આ કામ કરી જ ન શકે. એવી શક્તિ જ ન રહી હોય. અને એમ ન થાય એટલે પૂરો પગાર પણ ના મળે. ઘરેથી નીકળ્યા પછી પાછા પહોંચતાં સુધીના આઠ ટંક માત્રને માત્ર સેવ-મમરા-બિસ્કીટના સહારે ગુજારવાના કારણે તેમના યુવાન શરીર વૃદ્ધત્વની ચાડી ખાતા દેખાય. તબીબી ભાષામાં જેમને ‘અન્ડરવેઇટ’ / Underweight કહી શકાય એ તો તેમનામાં દેખાતું સામાન્ય લક્ષણ.

પાંચ દિવસની પંદરસો કિલોમીટરની તેમની આ ‘યાત્રા’ દરમિયાનની કામગીરી શું હોય છે? સૌથી મોટી કામગીરી તે સોળે-સોળ ડબ્બાના સંડાસ / Toilet સાફ કરવાની. એ કામ તો તેઓ ‘નિયત’ ધોરણે કરતા જ હોય પરંતુ તેને વધુ ‘જવાબદાર’ બનાવવા ડબ્બે – ડબ્બે તેમના અને સુપરવાઇઝરના નામ સહિતના મોબાઇલ નંબર લખેલા કાગળો ચોંટાડ્યા હોય. મુસાફરી કરતા નાના બાળક સાથેના મમ્મી – પપ્પા હોય કે રાહત દરની મુસાફરી કરતા સિનિયર સિટીઝન, સંડાસ સહેજ ગંદુ દેખાય એટલે પહેલું કામ ફોન કરવાનું કરે. ફરજ પરના આ યુવાનોમાંથી કોઈ એક સંડાસ તો સાફ કરી જ જાય પણ બીજી તરફ તેના મોબાઇલનું બેલેન્સ પણ ‘સાફ’ થવા માંડ્યું હોય. આને નોકરી કહેવી, વેઠ કહેવી કે કરમની કઠણાઈ એ નક્કી જ ન થઈ શકે. કેમ કે ટ્રેન જેવી ગુજરાતની સરહદ પાર કરે કે મોબાઇલમાં રોમિંગ ચાર્જિસ / Mobile Roaming Charges કપાવાના શરૂ થઈ જાય. એનું કોઈ વધારાનું એલાઉન્સ / Allowance (પગાર ઉપરાંતનું ભથ્થું) મળે કે? એવા મારા સવાલના જબાવમાં સામો સવાલ આવ્યો કે ‘એટલે શું?

આ પાયખાના સાફ કરવાની મજૂરી કરવા સામે તેમને કોઈ સવલત મળે છે ખરી? હા, રાત્રે ઊંઘવાની સગવડ મળે છે. તેમના માટે એક ડબ્બામાં રિઝર્વડ્ બર્થ / Reserved Berth હોય છે. પણ એમ સુખેથી સુવા દે તો એ વેઠ શેની? સાફ-સફાઈના સાધનો તેમજ માલસામાનની સાથે તેમનાં પોતાના કપડાંલત્તાં મુકવા માટે એક સંદૂક કોન્ટ્રાક્ટરે આપી હોય. રાત્રે ટ્રેનમાં ફરતા લોકો કે રિઝર્વડ્ ડબ્બામાં ચઢતા સામાન્ય મુસાફરો એ માલસામાન ચોરી / Theft ન જાય તે માટે આ પાંચ યુવાનો તેની ચોકી કરવા માટે વારાફરતી જાગતા રહે. આમ કિલોમીટર કપાતા જાય.

મને એમ થાય છે કે ચાલતી ટ્રેઈને ગંદા થતા આ સંડાસને સાફ રાખવા તે એટલું અગત્યનું કામ છે કે તેના માટે આ યુવાનોને ઘરેથી દૂર ભૂખ્યા રહીને ઉજાગરો કરવો પડે. પંદરસો – સત્તરસો કિલોમીટરનો પ્રવાસ ખેડતી ટ્રેન રસ્તામાં નાના – મોટા પચાસ સ્ટેશનોએ ઊભી રહે છે. એમાંના કેટલાક સ્ટેશનોએ તો તે વીસ મિનિટથી લઈને અડધો કલાક સુધી થોભતી (વિરામ / હૉલ્ટ / Halt) હોય છે. ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે?

(*) બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર : સદાકાળ સેવ મમરા 
વેરાવળ અને તેની આસપાસના ગામોના આ યુવાનો (પ્રફુલ, મિતેષ,ધર્મેન્દ્ર, રાજુ અને પરસોત્તમ) સમાજના દલિતવર્ગમાંથી / Dalit આવે છે તેવી સ્પષ્ટતા કરું કે ન કરું? ચાલશે? ના...ના...નહીં જ ચાલે. સ્પષ્ટતા નહીં કરું તો તેમની જિંદગી આમ જ ટ્રેન પર ચાલતી...માફ કરજો...દોડતી રહેશે...દાયકાઓ સુધી.

(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 1 જૂન 2013ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 8, અંક: 21, સળંગ અંક: 189)


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Saturday, June 22, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2011)


(મે – 2011)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે મે – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Thursday, 5 May 2011 at 03:21pm)
Know each and everything about GUJARAT and GUJARATI People by login to www.gujaratquiz.in
An initiative by Writer - Journalist and a Creative Personality Pranav Adhyaru with Education Department of Government of Gujarat.
* * * * * * *

(Friday, 6 May 2011 at 04:57pm)
અમદાવાદથી પ્રકાશિત થતું ટેબ્લોઈડ મેટ્રો સમભાવ રવિવારે પ્રગટ થતું નથી. પહેલી મે 2011ને રવિવારે આયોજિત ગુજરાત સરકારના સ્વર્ણિમ સમાપન કાર્યક્રમમાં લોકોને આવકારતી જાહેરાત આ અખબારે બીજે દિવસે સોમવારે બીજી મેના રોજ છાપી. આને આપણે TG સ્કેમ કહીશું. TG એટલે Tabloid Gujarati Scam.
* * * * * * *

મહેન્દ્રસિંહ ટિકૈત
ઝૈલસિંહ
(Saturday, 21 May 2011 at 01:48pm)
હોસ્પિટલના એક જ વોર્ડમાં સારવાર લઈ રહેલા કિસાન નેતા મહેન્દ્રસિંહ ટીકાયત પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને ઓળખી શક્યા નહોતા. આ પ્રસંગ1988 – 1989 આસપાસનો છે જયારે ટીકાયતની આગેવાનીમાં કિસાન આંદોલન ચાલતું હતું અને ઝૈલસિંહને રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયે એકાદ વર્ષ માંડ વીત્યું હતું. (ટીકાયતના હમણાં થયેલા અવસાન સંદર્ભે જૂની એક વાતની યાદ)
* * * * * * *

અમેરિકી પ્રમુખની કારનો દસ ફૂટ ઊંચો દરવાજો?
(Tuesday, 24 May 2011 at 03:14pm)
સલામતી સુરક્ષાના ઉચ્ચતમ માપદંડો ધરાવતી અમેરિકી પ્રમુખની કાર 'The Beast' સંદર્ભે આજે પ્રગટ થયેલા સમાચાર.
આ કારના દરવાજામાં દસ ઇંચ જાડાઈના બુલેટપ્રૂફ કાચ ફીટ કરવામાં આવ્યા છે. (ગુજરાત સમાચાર)
આ કારમાં દસ ફૂટ ઊંચા બુલેટપ્રૂફ દરવાજા બેસાડવામાં આવ્યા છે. (દિવ્ય ભાસ્કર)
દિવ્ય ભાસ્કરના સાહેબો, પેસેન્જર કારમાં લગાવવાનો દસ ફૂટ ઉંચો દરવાજો ક્યાં મળે છે? જરા તપાસ તો કરો યાર.
* * * * * * *

કબીરવડ : વડવાઈઓ એટલી જોડણી
(Thursday, 26 May 2011 at 06:42pm)
ગુજરાતના પ્રવાસન સ્થળ કબીરવડને કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા વિકસાવવા અંગે 25મી મે 2011ના રોજ પ્રગટ થયેલી જાહેરખબરમાંના જુદા જુદા ત્રણ શબ્દો.
કબીરવડ (ગુજરાત સમાચાર)
કબિરવડ (સમભાવ મેટ્રો)
કબિરવાદ (દિવ્ય ભાસ્કર)
દિવ્ય ભાસ્કરના સાહેબો, ગુજરાતમાં આ કબિરવાદ ક્યાં આવ્યું છે એ તો કહો. જરા તપાસ તો કરો યાર.
* * * * * * *

જવાહરલાલ નેહરૂ
ડૉ. મનમોહન સિંહ
(Friday, 27 May 2011 at 06:53pm)
1947માં ભારતના પ્રથમ વડાપ્રધાનપદે આરૂઢ થયેલા જવાહરલાલ નેહરુના અવસાન (27મે 1964)ને આજે 47વર્ષ પુરા થયા. હાલના 14મા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ 1947માં 15 વર્ષના હતા.
* * * * * * *

(Tuesday, 31 May 2011 at 07:06pm)
બેટરીથી ચાલતું વાહન ખરીદો ચલાવો, પણ હવા ભરાવવા માટે તો પેટ્રોલ પંપ પર જ જવું પડે.

અગાઉ આ મહિને અહીં મુકેલી મે – 2013 તેમજ મે – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/06/2013.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ
: નેટ પરથી)

Monday, June 17, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2012)


(મે – 2012)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે મે – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(*) ફોટો કૉલાઝ
(Tuesday, 1 May 2012 at 11:35am)
આજે ત્રેપનમા ગુજરાત રાજ્ય સ્થાપના દિને રાજ્યના ઉદ્ઘાટન સમારંભમાં આશીર્વચન આપનાર પૂજ્ય રવિશંકર મહારાજના સ્મરણ સાથે નવલકથાકાર અશ્વિની ભટ્ટ પણ યાદ આવ્યા. શા માટે? 1980 પછીના દિવસોમાં તબિયત કથળતી ત્યારે વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે આવતા મહારાજ પ્રીતમનગર અખાડાના એક રૂમમાં રહેતા અને નજીકમાં રહેતા અશ્વિનીભાઈ મહારાજને નિયમિત મળવા જતા. અશ્વિનીભાઈ તેમની સાથે વાતો કરતા એવું કહેવાની જરૂર ખરીશું કહેતા મહારાજ એમને? “તું હજારો માણસનું ભલું કરી શકીશ એ વાત ભૂલી જજે. એ શક્ય નથી. જીવનમાં કોઈ એક માણસને મદદરૂપ થઈ તેની જિંદગી સુધારજે. તેના આશીર્વાદ મળશે.” મહારાજ...આપને જાણીને આનંદ થશે કે અશ્વિની ભટ્ટ આપની સલાહને અનુસર્યા છે. સમાજના સાવ છેવાડાના કહેવાય એવા એક નહીં, ચાર પાંચ યુવાનોને તેઓ મદદરૂપ થયા છે.
* * * * * * *

રવીન્દ્રનાથ ઠાકુર
(Wednesday, 2 May 2012 at 02:22pm)
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની દોઢસોમી જન્મજયંતી આજથી છ દિવસ (બીજીથી સાતમી મે) રવીન્દ્ર મહોત્સવ નામે અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના આંગણે ઉજવાઈ રહી છે. આનંદ. ભારત સરકારને વખતોવખત હચમચાવી જાણનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને માલુમ થાય કે કાર્ટૂન જોવા, જોઈને ટીકા-ટિપ્પણી કર્યા પછી કાર્ટૂનિસ્ટની ધરપકડ કરાવવા જેવા કામોમાંથી સમય મળે તો શતાબ્દી વર્ષ પાર કરી ગયેલા ગુજરાતના કવિવર ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકર જોશીને કોલકાતા સહિતનું બંગાળ કોઈક રીતે સ્મરે એવું ગોઠવજો. ટાગોર અને શાંતિનિકેતન સાથે આ બન્ને ગુજરાતી કવિનો નાતો જોડાયેલો હતો એ આપની જાણ માટે.
* * * * * * *

(Thursday, 3 May 2012 at 09:09am)
ડમડમબાબાનું સંશોધન.....દુનિયાનું કોઈ પણ કમ્પ્યુટર કે લેપટોપ વગર ભણે સાહિત્યમાં ડોક્ટરેટની ડીગ્રી ધરાવતું હોય છે.” વિશ્વાસ ના બેસતો હોય તો આપનું કમ્પ્યુટર કે લેપટોપ જાતે તપાસી લો. જુઓ, એમાં ડી. લિટ. ‘Delete’નું બટન છે કે નહીં?
* * * * * * *

ચેતન 'ભગત'નું ધાર્મિક સાહિત્ય
(Friday, 4 May 2012 at 03:15pm)
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય પુસ્તક મેળો શરૂ થયો એનો આનંદ. જો કે મારો એ આનંદ થોડી જ વારમાં વિલાઈ ગયો. થયું એવું કે.....એક બુક સ્ટોલ પર મેં ચેતન ભગતના પુસ્તકો વિશે પૂછપરછ કરી તો જવાબ મળ્યો કે ભગતના પુસ્તકોની તપાસ પેલા સ્ટોલ પર કરી જુઓ. અમે તો ધાર્મિક સાહિત્ય રાખતા નથી.
* * * * * * *

(Saturday, 5 May 2012 at 03:00pm)
ચીકનનું શર્ટ સાડી કે ડ્રેસ પહેર્યા પછી ભૂખ્યા પેટે પણ સો ટકા શાકાહારી હોવાનો દાવો ક્યારેય ન કરવો. – ‘PETA’ ડમડમબાબા ઉર્ફે ડમડમબાબાના આસિસ્ટન્ટ (શાકાહારનો પ્રચાર કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘PETA’ના નિયામક)
* * * * * * *

(Tuesday, 8 May 2012 at 04:30pm)
ડમડમબાબાનું રાજકીય રિસર્ચ.....રાજકીય સ્થિતિની રીતે ઉત્તર પ્રદેશ અને ફ્રાન્સ એક સરખા છે. બન્ને સ્થળે સમાજવાદી પાર્ટી સત્તામાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં માર્ચમાં સત્તા મળી તો ફ્રાન્સમાં મે મહિનામાં સત્તા પ્રાપ્ત થઈ.
* * * * * * *

(Tuesday, 15 May 2012 at 07:25pm)
"ટી.વી. શો 'સત્યમેવ જયતે'ના શૂટિંગની તમામ તૈયારીઓ થઈ ગઈ છે?"....."હા સાહેબ. આમિર ખાન સાબના આવવાની જ રાહ જોવાય છે."....."શૂટિંગ પ્રોપર્ટી ચેક કરી લીધી? તમામ ચીજ વસ્તુઓ આવી ગઈ?"....."હા સાહેબ. એક લિટર ગ્લિસરીન પણ મંગાવી લીધું છે."
* * * * * * *

(Wednesday, 16 May 2012 at 03:00pm)
"સૌથી વધુ થીગડાં ક્યાં જોવા મળે?"....."ગરીબ માણહના કપડાં પર બાપલીયા, બીજે ચ્યાં હોય?"....."ના ખોટ્ટું. સૌથી વધુ થીગડાં અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે. જાવ ચેક કરી લો." (સૌજન્ય: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)
* * * * * * *

(Saturday, 19 May 2012 at 03:10pm)
ડમડમબાબાનું સંશોધન / છેલ્લા દસ દિવસ દરમિયાન આપણી આ મહાન ધરતી પર છાંયડાના ક્ષેત્રફળમાં વધારો થયો છે.....કારણ કે.....એર-ઇન્ડિયાના પાઇલટ હડતાલ પર હોવાથી ટર્મેક પર પાર્ક થયેલા પ્લેન છાંયડો પાથરીને આ ઉનાળામાં દેશની મહાન સેવા કરી રહ્યા છે.
* * * * * * *

ફિલિપ્સ - ક્રિકેટ અને માંદગી
(Monday, 21 May 2012 at 04:15pm)
ડમડમબાબાનું તબીબી સંશોધન ઉર્ફે ચોંકાવનારું મેડિકલ રિસર્ચ.....ક્રિકેટ મેચ કે આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ જોવાના શોખીન હો અને સંજોગોવશાત ખુદની કે પારિવારિક માંદગી અંતર્ગત હોસ્પિટલાઇઝ્ડ થવાનો વખત આવે તો ફિલિપ્સના શો-રૂમમાં દાખલ થઈ જવાનું. સારવાર માટેના મેડિકલ ઇક્વિપ્મન્ટની સાથે-સાથે ટેલિવિઝન પણ બનાવતી હોય તેવી દુનિયાની તે એકમાત્ર કંપની છે.
* * * * * * *

(Monday, 21 May 2012 at 06:20pm)
શાહરૂખખાન : વાનખેડે સ્ટેડિયમની પ્રવેશબંધી પહેલા અને પછી.....
પપ્પા, શુટીંગમાંથી વહેલા પરવારી જજો. અમારે ક્રિકેટ મેચ જોવા જવું છે. નાના છોકરાંવને વાલી વિના અંદર જવા નથી દેતા.”.....“બેટા, ટ્યુશનમાંથી વહેલા પરવારી શકાય તો મને ક્રિકેટ મેચ જોવા લઈ જજો. કહે છે કે હવે બાળકો વિના ગાર્ડિયનને સ્ટેડિયમમાં અંદર જવા નથી દેતા.”.....“હા, કેટલાક ગાર્ડિયન ક્રિકેટ મેચ જોતાં જોતાં કુસ્તી કરવા માંડે અને ગાળાગાળી પર ઉતરી આવે છે એટલે હવે એ લોકોએ નિયમોમાં ફેરફાર કર્યા છે.
* * * * * * *

(Monday, 21 May 2012 at 10:55pm)
રાજીવ ગાંધી.....20-08-1944થી 21-05-1991
એકવીસમી સદીમાં ઝડપભેર જવા માગતા હતા.....એ પહેલાં.....એકવીસમી મે ની રાત્રે વિદાય થયા.....આજે આ સમયે વરસ થયા એકવીસ.....
* * * * * * *

(Wednesday, 23 May 2012 at 04:15pm)
સિઝનમાં ભરવાના પ્રૂફરીડિંગ કરેલા સો કિલો ઘઉં મોકલાવી આપજોને, લો આ સરનામું.
પ્રૂફરીડિંગ કરેલાએવા કોઈ ઘઉં આવતા નથી.”.....“આવે છે. પ્રેસમાં કામ કરતા અમારા બાજુવાળાએ મંગાવ્યાને.....વીણેલા...સાફ કરેલા ઘઉં.
* * * * * * *

(Wednesday, 23 May 2012 at 07:00pm)
નેનો કારના રિપેરીંગ માટે બાજુમાં સાઇકલ પંક્ચરની દુકાને પૂછપરછ કરવી.’ ગેરેજ બહાર લખેલી સૂચના.
* * * * * * *

(Thursday, 24 May 2012 at 00:10am)
બે દિવસ પહેલા સત્તાના આઠ વર્ષ પુરા કરનારી મનમોહન સિંહ સરકારે પેટ્રોલના ભાવવધારામાં પણ આઠનો 'સ્કોર' જાળવી રાખ્યો.
* * * * * * *

(Thursday, 24 May 2012 at 01:05am)
પેટ્રોલના ભાવવધારાની સાથોસાથ મોંઘાદાટ પાર્કિંગ ચાર્જ અને બેફામ ટોલ ટેક્ષ પણ આપણી ચિંતાનો વિષય હોવા જોઈએ. અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશને વાંચેલા પાર્કિંગ ચાર્જ પ્રમાણે ટુ વ્હીલર માટે એક દિવસના 16 રૂપિયા લેખે મહિનાના 480 રૂપિયા થાય. ધોરણસરનું વાહન ચલાવતા હોઈએ તો એક મહિનાનો પેટ્રોલ ખર્ચ થાય 1000 રૂપિયા. થર્ડ પાર્ટી વીમા માટે ઇન્સ્યુરન્સ કંપની સ્કુટરના એક વર્ષના પ્રીમિઅમ લેખે 600થી 800 રૂપિયા વસુલતી હોય છે. ટોલ ટેક્ષની રકમ તો ટાલ પાડી દે તેવી જ હોય છે. ટુ વ્હીલર માટે એ દરેક જગ્યાએ લાગુ પડતો નથી પરંતુ મોટરકાર માટે તેનો દર કિલોમીટરે રૂપિયો એવો બેસતો હોય છે.
* * * * * * *

(Thursday, 24 May 2012 at 01:20am)
પેટ્રોલ ખરીદવા માટે હવે છપ્પનની છાતી અને કરન્સી પણ છપ્પન વાળી જોઈશે.....છપ્પન રૂપિયા અપાવતો એક અમેરિકન ડોલર.....
* * * * * * *

(Thursday, 24 May 2012 at 01:35am)
કોંગ્રેસ પક્ષે પહેલીવાર 1977માં સત્તા ગુમાવી હતી....બીજી વાર 1989માં.....અને.....ત્રીજી વાર 1996માં.....લાગે છે હવે ચોથી વાર પેટ્રોલના '77 ભાવવધારાને કારણે જ સત્તા ગુમાવશે.....અને...ત્યાં સુધીમાં પેટ્રોલના ભાવ '89થી લઈને '96 સુધી પહોંચી ગયા હશે.
* * * * * * *

(Thursday, 24 May 2012 at 03:33pm)
કાશ, પેટ્રોલ પણ ચાઇના મેડ ખરીદીને વાપરી શકાતું હોત.....
* * * * * * *

(Thursday, 24 May 2012 at 04:00pm)
ગઈકાલ સુધી પેટ્રોલના ભાવ સાથે મારું ખુદનું સંધાન કંઈક આવું હતું.....જન્મ વર્ષ :1970, પેટ્રોલનો ભાવ : લિટરે રૂપિયા 70/-.....
આજે પેટ્રોલના ભાવ સાથે મારું ખુદનું સંધાન કંઈક આવું છે.....ઘરમાં પહેલીવાર વાહન (સુવેગા મોપેડ) વસાવ્યું અને પેટ્રોલનો ભાવ સાંભળ્યાનું વર્ષ :1978, પેટ્રોલનો ભાવ : લિટરે રૂપિયા 78/-.....
ભાવવધારાએ કેટલો મોટો હનુમાન કુદકો લગાવ્યો છે તેનું એક ઉદાહરણ માત્ર.....
* * * * * * *

(Thursday, 24 May 2012 at 07:50pm)
ડમડમબાબાનું સેન્સેશનલ સંશોધન.....દુનિયામાં સૌથી સસ્તી જમીન ચીનમાં વેચાય છે કારણ કે પોતાની જેટલી જમીન વેચાય એનાથી ડબલ એ ભારતની જમીન હડપ કરી લે છે. આમ જમીનના ભાવ ટકી રહે છે અને સરવાળે પ્રજાને સસ્તી જમીન ઉપલબ્ધ થાય છે.
* * * * * * *

અમદાવાદનું ડ્રાઇવ-ઇન સિનેમા
(Saturday, 26 May 2012 at 05:00pm)
"ડ્રાઇવ-ઇનમાં પિક્ચર જોવાનું મોંઘું થયું."....."કેમ? એ લોકોએ ટિકિટના ભાવ વધાર્યા?"....."ના. પેટ્રોલ મોંઘું થયું."
* * * * * * *

(Saturday, 26 May 2012 at 05:05pm)
ડમડમબાબાનું આર્થિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધન
એક રૂપિયાની કોઈ કિંમત નથી રહી તેમ એક ડોલરની પણ કોઈ વેલ્યુ રહી નથી. લિટર પેટ્રોલ પણ ના આવે એ ડોલરને કરવાનો શું?
* * * * * * *

(Saturday, 26 May 2012 at 05:10pm)
"દેખો, ક્લાઇમેક્શ સીન મેં તુમ્હારા હીરો સે ફાઇટ હૈ. ઉસસે પહેલે પોલીસ કે સાથ તુમ્હારા તીન મિનિટ કા ચેઝ સિક્વન્સ ઔર તુમ સરન્ડર હોતા હૈ."
"ક્યા સાબ. બીસ સાલ સે અપન ફિલ્મો મે વિલનગીરી કરતા હૈ. થોડા સીનિઑરિટી કા લિહાજ કર કે પાંચ મિનટ કા તો ચેઝ રખ્ખો."
"મોન્ટીબાબા, પાંચ નહિ પંદરા મિનટ કા ચેઝ રખતા. મુઝે ક્યા ફર્ક પડતા હૈ? મગર પ્રોડ્યુસર ના બોલતા હૈ. કહેતા હૈ પેટ્રોલ મહેંગા હો ગયા હૈ, માલુમ નહિ ક્યા?"
* * * * * * *

(Monday, 28 May 2012 at 08:15pm)
આદરણીય જવાહરલાલ નેહરૂઅઠવાડિયા અગાઉ રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ (21મી મે) અમે તેમને યાદ કરતા આખા અડધા પાનાની ઢગલો જાહેરાતો છપાવી એટલે ગઈકાલે આપની પૂણ્યતિથિએ (27મી મે) તમને યાદ કરવા માટે એક સાદી ટચૂકડી જાહેરાત પણ અમે છપાવી શક્યા નહીં, ફંડ ખલાસ થઈ ગયું હતું. સાથે એ બાબતની ખાતરી રાખશો કે આવતા મે સુધીમાં ટુG જેવો કોઈ મેળ પડી ગયો તો તમારા નામની સ્પેશિયલ પૂર્તિ કાઢશું. નેહરૂચાચા, અમને માફ કરશો. લિ. (કોં)ગ્રેસી સિંઘ
નોંધ: આ સ્ટેટસ મોડું લખવા માટે ડમડમબાબાને પણ માફ કરશો.
* * * * * * *

(Monday, 28 May 2012 at 08:30pm)
મમ્મીમારે લેટ નાઇટ શોમાં ફિલ્મ જોવા જવું છે. તેં હજી ખાવાનું નથી બનાવ્યું. જલદી કર, સખત ભૂખ લાગી છે.
બેટા, મેં બપોરે જ સાંજે જમવામાં દાળઢોકળી બનાવવાનું ફેસબુક સ્ટેટસ તારી વોલ પર મુક્યું હતું. અડધો કલાક રાહ જોઈ તોય તારું LIKE ના આવ્યું. પછી કેવી રીતે બનાવું. બોલી નાખ બકા, શું ખાવું છે.
* * * * * * *

(Tuesday, 29 May 2012 at 07:40pm)
સવારે ઉઠીને પહેલું શું કરવાનું?”.....“હાથ-મોં ધોઈ દાતણ-પાણી કરીને ચા-નાસ્તો કરવાનો.
.....“ના. એથી ય પહેલાં...
બારણે છાપું આવીને પડ્યું હોય એ ટેબલ પર મુકવાનું.”.....“ના. એથી ય પહેલાં...
ઉનાળો હોય તો રૂમનો પંખો કે એરકંડિશનર બંધ કરવાનું.”.....“ના. એથી ય પહેલાં...
ભગવાનના ફોટાને પગે લાગવાનું.”.....“ના. એથી ય પહેલાં...
.....“ફેસબુક પર પ્રોફાઇલ સ્ટેટસ અપડેટ કરવાનું.”.....“ધેર યુ આર. સાચો જવાબ.
* * * * * * *

(Tuesday, 29 May 2012 at 08:40pm)
યાર દોસ્તો મિત્રો બહેનપણીઓ.....એક વાતનો જવાબ આપો કે દેશ-દુનિયામાં મહિલાઓને થતો અન્યાય ક્યાં સુધી ચાલુ રહેશે? એક જણ વાળ કપાવવાના ચાલીસ રૂપિયા ચુકવે અને બીજાએ બ્યુટી પાર્લરમાં એ જ કામના હેર કટના નામે ચારસો રૂપિયા ચુકવવાના!
હે ડમડમબાબા આ ક્યાંનો ન્યાય છે?
* * * * * * *

(Wednesday, 30 May 2012 at 08:40pm)
"દેશના કયા શહેરનું નામ નાસ્તા હાઉસવાળા રોજ બોલે છે?"..."દિલ્હી." ના..."ઇન્દોર." ના....."રતલામનું. રતલામી સેવ વેચવા."
* * * * * * *

(Wednesday, 30 May 2012 at 08:50pm)
"નિરમા યુનિવર્સિટીમાં શું નથી ભણાવાતું?"
"વોશિંગ પાઉડર બનાવવાની ફૉર્મ્યૂલા."

આ અગાઉ અહીં મુકેલી મે – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/06/2013.html


(નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)