પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, April 26, 2012

અમદાવાદની આજકાલ : ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ – નામકરણ થયું, મુદ્રીકરણ નહીં.....


      નામકરણની 'લાખેણી' તક્તી

        અમદાવાદના આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો રોડ હવે સત્તાવાર રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
કાર્યક્રમનું આમંત્રણ

     
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાશે.

પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક  

        ખરેખર એમ થયું
? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિનેપરબ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ટાઇમ્સ પાછળ, નદીકિનારે શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ સાહિત્ય વિશેષમાં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)

ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય,
મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં.....

        આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ
? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યોઅમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?

        ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે પરબના તંત્રી યોગેશ જોષી જ સાચો પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા પરબનો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો વિનાના પણ હોય એમ આ પરબ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. પરબમાં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તો.

હવે એક આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.

પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ


39 comments:

  1. ભરતકુમાર ઝાલા27 April 2012 at 15:10

    બિનીતભાઇ , ગુજરાતી સાહિત્યમાં પરિષદના લોકો વિશે હજી વધુ લખો, જેથી ગુજરાતીઓને ખ્યાલ આવે કે- એમની ભાષાનું પ્રતિનિધિત્વ કેવા વામન માણસો કરી રહ્યા છે..!

    ReplyDelete
  2. Binitbhai, priority shape the individual and society. You have nicely tried to suggest through your pen, the gap we experience between literature & corporate. It question on imbalance experience of life how zeroing the literature lead to compromising our certain values. A balancing approach with pondering on literature would give height to Sahitya Parishad and Institution, and definitely the road/strategies it leads.

    ReplyDelete
  3. આપનો લેખ વાચીને લાગ્યું કે ખરેખર ગુજરાતી સાહિત્યની દસા/દિશા ક્યાં જઈ રહી છે. પરતું હજુ સુધી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર સરનામાંમાં સુધારો કરવામાં આવ્યો નથી જેની લીંક આ સાથે સામેલ છે.
    http://www.gujaratisahityaparishad.com/sampark/index.html

    ReplyDelete
  4. આવા નકામા શુક્કરવાર વગરના હોદ્દેદારોને લક્કડિયા પુલ નીચે ભરાતી શુક્કરવારી બજારમાં કોઈ દેવીપૂજકને ત્યાં રદ્દીને ભાવે અથવા ઊંચકી જવાને ભાવે આપી દઈ એમની કિંમત બતાવી દેવી જોઈએ.શું માનો છો??

    ReplyDelete
  5. સુમંતભાઈ, તમારા ગુસ્સામાં પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી વાત તમે કરો છો. બિચારા દેવીપૂજકને ક્યાં ઘસડો છો તમારા સાહિત્યકારો અને સાહિત્યરસિકોના કજિયામાં? એને મન તો 'નદી કિનારો' જ સૌથી વધારે ઓળખીતું લેન્ડમાર્ક છે. એના માટે તો 'સાહિત્ય પરિષદ' કરતા વધારે કામની જગા છે નદી કિનારે આવેલી આ 'શુક્કરવારી' જે એને રોજી-રોટી આપે છે. એના જીવન સંઘર્ષને કદી વાચા ન આપતા અને મોરારીબાપુની નિશ્રામાં રહી ભક્તિ સાહિત્ય લખતા ઘણા બધા ગુજરાતી સાહિત્યકારો તમે મફતમાં આપો તોય એના શા કામના? એના બદલે તો એ કવિ-લેખકોના જૂના રેશમી ખાદીના ઝબ્બા કે કીમતી ખેસ કે સૌ કોઈને ભેટ આપ્યા છતાં બાકી રહી ગયેલા કવિતા સંગ્રહો રીસાયકલીંગ માટે આપશો તો બે પૈસા ઉપજે ય ખરા.

    ReplyDelete
  6. રજનીકુમાર પંડ્યા29 April 2012 at 14:03

    અનોખી વાત અને અનોખી રજૂઆત. બહુ ગમ્યું.બીનીત તને અભિનંદન .
    નામકરણ્ કરતી વેળા આપણે "અવિચારી" બની જઇએ છીએ. નામકરણ્ દ્વારા સન્માનિત વ્યક્તિના નામ આગળ એટલા બધા વિશેષણોનો ખડકલો કરી દઇએ છીએ કે વ્યક્તિના વાસ્તવિક નામનો લોપ થઇ જાય છે. .( જેમ અતિ સુંદર પ્રતિમા ઉપર ફૂલહારોનો ખડકલો કે અસંખ્ય ટીલાં ટપકાનો લેપ, ઘરમાં સદગત વડીલની તસ્વીર ઉપર તેનું મોં ના ઓળખાય તેટલા ચંદનલેપ) ! અરે, ગાંધીજીના નામ આગળ માત્ર મહાત્માનું વિશેષણ પણ લગાડવાની જરૂર નથી.લોકો પાસે લાંબા નામ બોલવાનો સમય અને માનસિકતા નથી. એ તો તરત એમ.જી.રોડ કરી નાખે છે. જ્યાં વિશેષ્ણ નથી ત્યાં ગાંધી બચી ગયા છે. જેમ કે અમદાવાદનો ગાંધી રોડ.બાકી તો દરેક શહેરમાં એમ.જી રોડ થઇ ગયું છે. એમ જ નેતાજી સુભાષ રોડનું એન.એસ. રોડ અને સરદાર વલ્લભભાઇ પટેલ રોડનું એસ.વી.પી. રોડ અને સ્વામી વિવેકાનંદ રોડનું મુંબઇમાં એસ,વી. રોડ થઇ ગયું છે. સીજી રોડ એટલે ચીમનલાલ ગીરધરલાલ રોડ એની કેટલાને ખબર છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ કોઇ યાદ નથી રાખવાનું. માત્ર "પરિષદ માર્ગ " રાખો અને જ્યાંથી તે માર્ગ શરુ થતો હોય ત્યાં અને પુરો થતો હોય ત્યાં એક સમજૂતી રૂપે આખું નામ કૌસમાં મુકવાની પધ્ધતિ રાખો.

    ReplyDelete
  7. બિનીત, થોડી મજાક.
    તમે તો સતત 'હરતા ફરતા' રહો છો, અને પાછા બહુ વર્સટાઇલ પણ છો. તમને હજી 'કોઈ' કે 'કંઈક' ભટકાયું નથી કે અમારે હળવા ફૂલ થવા માટે હજી 'સાહિત્ય પરિષદ માર્ગ' ની એની એ જ વાસી પોસ્ટ વાંચવી પડે! પુસ્તક મેળામાં હરતા ફરતા કે લેખક મંડળની શુક્રવારીમાંથી કે ગુણવંત શાહ નામની પંચિંગ બેગ વગેરેમાંથી તમને ઘણું શેરીંગ કરવા જેવું લાગતું હશે. છેવટે, જેમ ઉર્વીશ કે ઉમેશ ક્યારેક ક્યારેક પોતાના ઓલ્વેઝ હેન્ડી કેમેરાથી ચિત્ર-વિચિત્ર દુનિયા બતાવે છે, એવું તો તમે ય ઘણું ઘણું કાઢી શકો છો તમારા ખીચોખીચ કોથળામાંથી.

    ReplyDelete
  8. Binit Modi (Ahmedabad)24 May 2012 at 16:54

    સૌ મિત્રો,

    બ્લોગની છઠ્ઠી પોસ્ટ (26 એપ્રિલ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    જેમના વિશે પોસ્ટમાં નુક્તેચીની કરી છે તે પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલના ધ્યાન પર સરનામાનો મુદ્દો લવાયો હતો એમ પરિષદના કમ્પ્યુટર કર્મચારી આશિષ જોશીએ જણાવ્યું. તેઓ આ મુદ્દે પત્રમાં કંઈક લખી જણાવશે એમ કહ્યું. ખેદ સાથે જણાવવું પડે કે ભોળાભાઈ હવે આ દૂનિયામાં રહ્યા નથી. 20 મે ની સવારે થયેલા તેમના અવસાન પછી સાંજની સ્મશાનવિધિ દરમિયાન પણ 'ભાસ્કર'ની એ દિવસે પ્રકટ થયેલી તેમની રવિવારીય કોલમમાં 'અજ્ઞેય' પરના લેખમાં નામજોગ કોને-કોને યાદ કર્યા છે તેની ચર્ચા થતી હતી. ખેર! ઉપરના મુદ્દામાં નોંધ લેવાના મુદ્દે ચૂક થઈ તે થઈ.

    રજનીકાકા - તમારા પ્રતિભાવ સાથે આ જ મુદ્દે લખાયેલો, જે તે સમયે 'સમકાલીન'માં પ્રકટ થયેલો તમારો સ્વતંત્ર લેખ યાદ આવ્યો. આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરુવાર, 24 મે 2012

    ReplyDelete
  9. Instead of writing about great linguists like Bholabhai Patel, Gujarati newspapers give more coverage to stage hoppers like Tushar Shukla, Ankit Trivedi, Jay Vasavda, etc. etc. Gujarati language as spoken by Labhshankar Thakar, Umashankar Joshi, Sitanshu and others is being ridiculed by unnecessary "aaroh" "avroh" used by these 'anchors' and radio jockeys... Sandesh newspaper had no coverage of demise of Bholabhai Patel. Forget about others..I am being courageous and mentioning names here, because I have myself written and read much criticism about writers like my father and his generation and organizations like Gujarati Sahitya Parishad. With all their limitations they have served the language to their best, not compromising at all on what they want to write. Tragedy is that the young generation will never get to know them.

    ReplyDelete
  10. The 'reporters' and 'columnists' who have spent their lives doing 'chamchagiri' of owners and editors of Gujarati newspapers and TV channels to earn their livelihood have no right to question the deeds of Bholabhai Patel, Raghuvir Chaudhary or others. These great writers came from remote villages with no urban background and survived and excelled the challenges at national level. Raghuvir Chaudhary had the courage of resigning from a 'safe' job at Gujarat Vidyapith, because he was not ready to sacrifice his dignity as a writer. He had the guts to leave the job at H.K. College, because that was part of his ethics and values. And then we have these petty FACEBOOK celebrity WRITERS who live to IMPRESS their FACEBOOK audience.

    ReplyDelete
    Replies
    1. Surta, you are unnecessarily harsh on journalists and face book viewers. You forget that every great man who is in public life has to face all types of criticism from every tom, dick and harry like me. Don't react emotionally but to be rational discreet.-Dilip Chandulal.

      Delete
  11. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. ..please publish details about any employee getting a 'fat salary' from Gujarati Sahitya Parishad. As a 'reporter' who need facts before you write any thing.

    ReplyDelete
  12. one more clarification regarding your sentence."આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો." I have done my research on this and as far as i know, the entire amount was paid by a donor and no penalty was taken from Parishad by the corporation. You should be careful about what you write on the internet, otherwise some day some one might file a defamation suit against you.

    ReplyDelete
  13. Binit Modi (Ahmedabad)2 June 2012 at 15:19

    બહેનશ્રી સુરતા મહેતા,
    તમારી ચાર કમેન્ટ્સનો આ એક જ જવાબ પાઠવું છું. મોડો પાઠવું છું...પણ મને લાગે છે જવાબ આપું છું એટલું જ કદાચ આપ પર્યાપ્ત ગણી લેશો. આભાર. વાંચો આગળ.

    એક - તુષાર શુક્લ, અંકિત ત્રિવેદી, જય વસાવડા કે કોઈ પણ ગુજરાતીએ કેવા આરોહ - અવરોહવાળું ગુજરાતી બોલવું જોઈએ તે શું પૂર્વસુરીઓ લખીને ગયા છે? લખીને ગયા હોય તો એ પ્રમાણે બોલવું ફરજિયાત છે? 'સંદેશ' દૈનિક ભોળાભાઈના અવસાનની નોંધ ના લે એથી શું ફરક મને ને તમને પડવાનો છે? 'સંદેશ'માં મૃત્યુની નોંધ ના લેવાય તો શું સત્તાવાળા મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની ના પાડવાના હતા? ભોળાભાઈના અવસાનની રાત્રે (20 મે 2012) 'સંદેશ' દૈનિકના પત્રકાર જિજ્ઞેશ પરમારનો આ સંબંધે નોંધ લેવા મારા પર ફોન આવ્યો ત્યારે બીજી બધીજ માહિતી આપવા સાથે તેઓ 'સંદેશ'ના કોલમ લેખક હતા એવું મારું સ્પેશિયલ મેન્શન હતું. નોંધ નથી લેવાઈ એવું તમારી કમેન્ટથી જાણ્યા પછી શું મારે ખબરપત્રીનો કાંઠલો પકડવો? એમ કરવું કોઈ રીતે વાજબી હોઈ શકે ખરું?
    આજની પેઢી ભાષા - સાહિત્ય ક્ષેત્રે પૂર્વસુરીઓએ કરેલા પ્રદાનને જાણતી નથી એવી આપની ફરિયાદ બાબતે જણાવવાનું કે એજ કામ તો 'ગુજરાતી સાહિત્ય પરિષદ'એ કરવાનું હતું. નથી થઈ શક્યું તો ચાલો કકળાટ કરવાનું બંધ કરીને એ કામ ઉપાડી લઈએ. બાકી અહીં નામો લખવાને તમે બહાદુરીનું કામ ગણો છો? સલામ છે તમારી એ સમજણને. બહેન, આ દેશમાં વડાપ્રધાનનો વિરોધ કરનારા પણ તેમનું નામ ભીંત પર લખે છે. તો શું તેઓ બધા બહાદુર થઈ ગયા?

    બે - ભારત ગામડાઓનો બનેલો દેશ છે. એટલે કોઈ જણ ગામડેથી શહેરમાં આવીને ભણે - ગણે - કમાય તેને પ્રગતિનો માપદંડ ના ગણશો. ઓરિસ્સાના ગામડામાં જન્મેલા અને ગુજરાતના ગામડા વલ્લભ વિદ્યાનગરમાં ભણેલા સામ પિત્રોડા અત્યારે વડાપ્રધાનના આઈ.ટી. સલાહકાર છે. એમણે કદી એવું કહ્યું કે તેઓ ગામડેથી આવ્યા છે? અરે મહુવાના 'અસ્મિતા પર્વ'માં તેઓ વક્તા તરીકે આવી ગયા, પણ આવું કંઈ બોલ્યા નથી. પ્રગતિનો માપદંડ તમે કોને કહેશો? તાજેતરનું...એક જ...ઉદાહરણ આપું. એ ય ભોળાભાઈનું જ. અવસાનના બીજે દિવસે પ્રકટ થયેલી તેમના 'બેસણા'ની જાહેરાત તો આપે વાંચી જ હશે. ભોળાભાઈના ચાર દીકરાઓના નામની સાથે તમને એમના પત્ની, દીકરી કે પુત્રવધૂઓનું નામ વાંચવા મળ્યું? ના. તમને એ બાબતે કોઈ પ્રશ્ન થયો? કેમ પત્ની, દીકરી કે ઘર-પરિવારના મહિલા સભ્યોનું સ્વર્ગસ્થના જીવનમાં કોઈ જ સ્થાન નહોતું? ગામડેથી અમદાવાદ જેવા શહેરમાં આવીને પ્રગતિ કરનાર પણ જો આ અને આટલી સમજણ પરિવારજનો વચ્ચે જ ના ઉગાડી શક્યા તો અન્યોનું તો શું કહેવું - કરવું?

    ત્રણ - કોઈ પણ ક્ષેત્રના બજાર માટે પ્રવર્તમાન હોય તેવા પગારધોરણની સરખામણીએ અને કામ કે જવાબદારી (અથવા બેજવાબદારી)ના પ્રમાણમાં તો પરિષદના કર્મચારીઓ 'તગડો' પગાર મેળવે છે. હા, એમાં એક અપવાદ છે. પરિષદનું આજની તારીખે રૂપિયા પાંચ કરોડની વેલ્યુ ધરાવતું મકાન રાત્રે જેમના ભરોશે મુકાય છે તે સંત્રીકાકા (જિતેન્દ્રભાઈ ચાવડા) 'તગડો' પગાર તો ઠીક, દિવસે ચા નો એક કપ સુદ્ધાં પામતા નથી. આને તમે એમની - મારી કે તમારી નહીં પણ સહિયારી વેદના ગણશો તો ગમશે.

    ચાર - બહેન, સાદી સમજણ તો કામે લગાડો. વેરો (Property Tax) ચુકવવા માટે કોઈ દાન આપે ખરું. કાલે ઉઠીને હું કે તમે આવકવેરો ભરવા માટે મિત્રો પાસે ટહેલ નાખીશું કે દાન માગીશું તો મળશે ખરું? પરિષદને પચીસ લાખ રૂપિયાનું દાન આપનાર વેપારી જૂથ એમ થોડું કહે કે તમે આ રકમમાંથી પરિષદનો બાકી મિલકત વેરો ચુકવી દેજો. પરિષદે એમ કર્યું એ જુદી વાત છે બાકી વેરો ચુકવવા માટે દાન મળતું હોય તો એ માટેની લાઇનમાં ઊભા રહેવા માટે ધક્કા-મુક્કી થઈ જાય એ નક્કી - કારણ આ અમદાવાદ છે, ગુજરાતની વાત ફરી ક્યારેક કરીશું. રહી વાત બદનક્ષીના (Defamation Suit) દાવાની. એવું કંઈ થશે તો આપનો એક હેતુ સિદ્ધ થશે. 'પરિષદની કોઈ નોંધ નથી લેતું' એ ફરિયાદ દાવો કર્યા પછી નહીં રહે.

    ફરીથી આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 2 જૂન 2012

    ReplyDelete
  14. હા પરિષદનો વેરો એક વ્યક્તિએ દાન આપીને ભરેલો છે.બધી સમજણ તમારામાં જ છે એવા ભ્રમમાંથી તમારે મુક્ત થવાની જરૂર છે. આખા ગામની મજાક ઉડાવવા અને ભાન્ડ્વાને બદલે સમાજ માટે કામનું કશું તમે કરો તો તમને ફાયદો થશે. તમારો બકવાસ ના વાંચવો પડે એ માટે મેં તમને કેટલાય દિવસો પહેલા મારા લીસ્ટમાંથી ડીલીટ કરી દીધા છે. ભોળાભાઈ પટેલને બદનામ કરવા તમે જે લખ્યું એ પછી મને તમારા માટે બિલકુલ માન નથી રહ્યું. લેખકોના ફોટા પાડીને તેમની સાથે તમારો ઘરોબો બતાવાનું નાટક બંધ કરો તેવી શુભેચ્છા. પરીશાની નોંધ છાપાવાળા બહુ લે છે. કદાચ તમે વાંચતા નહિ હો છાપા. પરિષદ સાથે અસંમત થાવ્યું હોય એ એક વાત છે અને મને ફાવે તેવા આરોપ મુકવા એ બીજી વાત છે. તમે બહુ સાચા હો તો પરિષદ સામે તપાસ કરાવો ગપ્પા મારવાના બદલે.

    ReplyDelete
  15. હા પરિષદનો વેરો એક વ્યક્તિએ દાન આપીને ભરેલો છે.બધી સમજણ તમારામાં જ છે એવા ભ્રમમાંથી તમારે મુક્ત થવાની જરૂર છે. આખા ગામની મજાક ઉડાવવા અને ભાન્ડ્વાને બદલે સમાજ માટે કામનું કશું તમે કરો તો તમને ફાયદો થશે. તમારો બકવાસ ના વાંચવો પડે એ માટે મેં તમને કેટલાય દિવસો પહેલા મારા લીસ્ટમાંથી ડીલીટ કરી દીધા છે. ભોળાભાઈ પટેલને બદનામ કરવા તમે જે લખ્યું એ પછી મને તમારા માટે બિલકુલ માન નથી રહ્યું. લેખકોના ફોટા પાડીને તેમની સાથે તમારો ઘરોબો બતાવવાનું નાટક બંધ કરો તેવી શુભેચ્છા. પરિષદની નોંધ છાપાવાળા બહુ લે છે. કદાચ તમે વાંચતા નહિ હો છાપા. પરિષદ સાથે અસંમત થવું એ એક વાત છે અને મન ફાવે તેવા આરોપ મુકવા એ બીજી વાત છે. તમે બહુ સાચા હો તો પરિષદ સામે તપાસ કરાવો ગપ્પા મારવાના બદલે. જીતેન્દ્ર ચાવડા વિષે પણ તમે કહો એ માનવું જરૂરી નથી

    ReplyDelete
  16. "એક - તુષાર શુક્લ, અંકિત ત્રિવેદી, જય વસાવડા કે કોઈ પણ ગુજરાતીએ કેવા આરોહ - અવરોહવાળું ગુજરાતી બોલવું જોઈએ તે શું પૂર્વસુરીઓ લખીને ગયા છે? લખીને ગયા હોય તો એ પ્રમાણે બોલવું ફરજિયાત છે? 'સંદેશ' દૈનિક ભોળાભાઈના અવસાનની નોંધ ના લે એથી શું ફરક મને ને તમને પડવાનો છે? " when did i write all this to you? why do you bother to answer about it? You are too small to answer on behalf of Sandesh. If "Great" Binit Modi can write any damn thing about any one, why does he bother about what i write on my facebook wall? Tushar Shukla, Ankit Trivedi and Jay Vasavda - all three actively participate in Parishad activities in stead of putting false allegations about Parishad. THEY ARE NOT SO MUCH FREE LIKE YOU. I do not like the way Gujarati is spoken by them. and Yes i criticised their style of speaking because they are in the business of anchoring. However, I have never doubted their honesty or integrity when it comes to financial matters of their activities. Do you even understand what kind of allegations you are putting on people who sacrificed a lot financially for Parishad? If you criticize their literature it is understandable. What right do you have to criticise how they handle financial matters of Parishad? And what proof do you have to prove the allegations you have put on Parishad people? do not bother about commenting on my facebook status on your 'blog'. that was shared on my personal facebook wall and not addressed to you. I do not take you that seriously. Gunvant Shah - Nirikshak episode has taught me a lot about the 'gang' that 'hits below the belt' by accussing people falsely. and as i told you earlier, i have deleted you from my fb list since long, so don't worry about my fb status. be careful about what you write on your PUBLIC BLOG HOWEVER. Parishad people are not paying any attention to what you write about them and they don't care. my bother has told me not to bother about what you write about Parishad, so I am not going to waste my more time on you.

    ReplyDelete
  17. "Instead of writing about great linguists like Bholabhai Patel, Gujarati newspapers give more coverage to stage hoppers like Tushar Shukla, Ankit Trivedi, Jay Vasavda, etc. etc. Gujarati language as spoken by Labhshankar Thakar, Umashankar Joshi, Sitanshu and others is being ridiculed by unnecessary "aaroh" "avroh" used by these 'anchors' and radio jockeys... Sandesh newspaper had no coverage of demise of Bholabhai Patel. Forget about others..I am being courageous and mentioning names here, because I have myself written and read much criticism about writers like my father and his generation and organizations like Gujarati Sahitya Parishad. With all their limitations they have served the language to their best, not compromising at all on what they want to write. Tragedy is that the young generation will never get to know them." - I DO NOT EXPECT YOU TO ANSWER OR EXPLAIN ANY OF THIS. AS I SAID EARLIER, YOU ARE TOO SMALL TO ANSWER ON BEHALF OF TUSHAR SHUKLA, ANKIT TRIVEDI OR JAY VASAVDA. AND THEY ARE TOO BUSY WITH THE ASSIGNMENTS THEY GET.

    ReplyDelete
  18. Binit Modi (Ahmedabad)12 June 2012 at 18:15

    બહેનશ્રી સુરતા મહેતા,
    તમારી વધારાની ચાર કમેન્ટ્સનો આ બીજો જવાબ. જાહેરમાં જવાબ લખ્યા પછી 'ફેસબુક'ના મેસેજ બોક્ષમાં 'હવે કોઈ જવાબ પાઠવશો નહીં' એવી તમારી વિનંતી માન્ય રાખી શકું તેમ નથી. આ પોસ્ટ કે મુદ્દામાં જેમનો નામોલ્લેખ સુદ્ધાં મેં કર્યો નથી એવા પિતા - પુત્ર રઘુવીરભાઈ અને સંજયભાઈને તમે માત્ર 'લોહી-નાળ' સંબંધે પરાણે ખેંચી લાવવા મથો છો. શું કામ એ તમે જાણો. તમે લખેલી લીટીએ લીટીનો જવાબ વાળી શકું ખરો...પણ એટલો બધોય નવરો નથી જેટલો તમે ધારી લીધો છે. છતાં આ ચપટીક.....

    કોઈ પ્રકારના ભ્રમને પાળ્યા - પોષ્યા વગર જ આ કે આટલું લખ્યું છે. 'ફેસબુક'ના ફ્રેન્ડ લીસ્ટમાંથી કમી કરવા બદલ આભાર. ભારતના ચૂંટણી પંચને લખી મારું નામ 'મતદાર યાદી'માંથી પણ કમી કરાવી આપશો તો આપનો જીવનભરનો આભારી થઈશ. લેખકોના ફોટા પાડવાની શરૂઆત 'પન્નાલાલ પટેલ'થી કરી હતી. તમે જેને ઘરોબો બતાવવાનું નાટક ગણાવો છો એ 'નાટક'ને આજકાલ કરતા પચીસ વર્ષ થયા. અને હા, ભોળાભાઈ પટેલના ફોટાય પાડ્યા છે - અવસાનના ઠીક પચીસ દિવસ પહેલા. લેખક - કવિ - સર્જકના ફોટા પાડવા એ મારા અંગત શોખનો એક ભાગ છે એટલું તમે સમજી શકો તો ઠીક.

    પરિષદ સામે તપાસ કરી શકે એવા લોકાયુક્ત (લોકાયતસૂરી નહીં!)ની શોધમાં છું. તમને મળી આવે તો મને જાણ કરજો. 'પરિષદે વેરાની રકમ મોડી મોડી પણ ચુકવવી પડી' એ મુદ્દાને 'નાણાકીય ગોટાળા'માં ખતવી દેવાની તમારી સમજણને સલામ. મને ફાયદો થાય તેવા કોઈ કામ કરું એવી આપની ચિંતા અને સમાજ માટે કંઈક કામનું કરું એવી વણમાગી સલાહ માટે આભાર. જણાવવાનું કે હાલ એવા કોઈ કામમાં વ્યસ્ત તો નથી.....

    .....સિવાય કે છેલ્લા પચીસ વર્ષથી નિયમિત 'રક્તદાન' કરું છું અને 2012માં એ સંખ્યાત્મક રીતે '100'ને પહોંચે એવા સંજોગ છે. આ કામ તમને સમાજ માટે કામનું લાગતું હોય તો ઠીક. 'ફેસબુક'ના ફ્રેન્ડ લીસ્ટમાંથી નામ કમી કરવું એ માર્ક ઝુકરબર્ગએ આપેલી સગવડ છે, એથી વિશેષ કશું નહીં એટલી સાદી સમજણ કેળવશો તો આનંદ થશે.

    રઘુવીર ચૌધરી કે મારા કમ્પ્યુટર ગુરૂ સંજયભાઈ ચૌધરીને કારણ વગર આમાં ખેંચી લાવશો નહીં એવી વિનંતી. કારણ કે અમારે સાથે બેસીને ઘણા બધા 'નાટકો' જોવાના બાકી છે.

    ફરીથી આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 12 જૂન 2012

    ReplyDelete
  19. બિનીતભાઈ, તમે અને તમારી ગેંગ જાણ્યે અજાણ્યે અનેકવાર અપમાન કરી બેસે છે... તમારા જ અંગત વર્તુળના ઘણાં મિત્રો આવું માને પણ છે. ખાસ કરીને તમે અને ઉર્વીશભાઈ આ કામ માટે સારો એવો સમય કાઢો છો, પણ ખરેખર તમારે પરિષદની કામગીરીમાં અંગત રસ લીધા પછી આવા બધા મુદ્દા ઉઠાવવા જોઈએ.

    ReplyDelete
  20. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને એક વર્ષ પૂર્ણ થયું.
    છઠ્ઠી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 26-04-2012 to 26-04-2013 – 850
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  21. કિરીટભાઇ, ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકલાપ વિષે રચનાત્મક અંગુલિનિર્દેશ કરતા મિત્રો સાથે તમે જે વાંધો ઉઠાવો છો તે ઠીક નથી, પણ હા, આવી બાબતે કેટલાક પત્રકાર મિત્રો માત્ર 'સિલેક્ટિવ' બની રહે છે એ પણ એમની ક્રેડિબિલિટીને ધોકો પહોંચાડે છે. ઉદાહરણ સાથે વાત કરું તો આ બ્લોગના લેખક અને મારા મિત્ર બીનીત મોદી ગુજરાતીના લેખકોની આવી જ એક ઉપયોગી સંસ્થા 'ગુજરાતી લેખક મંડળ'માં ખૂબ સક્રિય પદાધિકારી છે.' છાપામાં લેખ લખાય, મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં' એવા કેપ્શન સાથે 'પરિષદ' કે 'પરબ'ની ટીકા કરતાં બીનીતભાઈ ગુ.લે.મં.ના મુખપત્ર 'લેખક સમાચાર'માં 'લેખકોના લેખ તો બિલકુલ છપાય જ નહીં' એવી નીતિ સામે મીંઢું મૌન સેવી લે છે !

    ReplyDelete
  22. પરિષદની પિંજણભરી પારાયણ.....હા હા હા
    કાન આમળતો કટાક્ષ .......અને કરૂણા કથનીની....
    સરસ બીનીત ભાઈ

    ReplyDelete
  23. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના 19મા મહિને અને 78 પોસ્ટના મુકામ પર આ પાંચમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2013

    ReplyDelete
  24. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.
    --------
    'પાઘડીનો વળ છેડે'જેવી આ 'એલચી' ગમી.
    ગુસાપ એ ઘણૂં બધું કરવા જેવું છે. 'નેટ મિડિયા માટે શું કાર્યવાહી થઈ રહી છે? ' - એનો અહેવાલ આપશો તો એ પણ રસપ્રદ રહેશે.

    ReplyDelete
  25. પ્રિય બિનિતભાઈ,
    તમે બહેન સુરતા મહેતાને આપેલા જવાબો ગમ્યા. પરિષદ સાથે (સદનસીબે) મારે કોઈ નાતો નથી પરંતુ એ બહેને આ આખા મુદ્દામાં સમગ્ર પત્રકારો માટે "માલિકોની ચમચાગીરી કરી પેટિયું રળી ખાતા" જેવો શબ્દપ્રયોગ કર્યો છે અને એ પછી પણ પોતે જે દલીલો કરી છે એ સદંતર પાંગળી છે એટલે મને ય થોડુંક ચમચમતું પિરસવાની ચાનક ચડી ગઈ છે.
    આ બહેનના મતે, આવા પત્રકારો-લેખકોને માનનીય ભોળાભાઈ, પરમ માનનીય રઘુવીરભાઈ ચૌધરી સાહેબ (કારણ કે હજુ જીવિત છે, કદીક કામ લાગે... આપણે તો ચમચાગીરી કરનારા જ છીએ ને ;-) ) ની આલોચના કરવાનો અધિકાર નથી. (આસારામના ભક્તો ય આવું જ કહે છે કે, અમારા પૂ. બાપુ માટે એલફેલ બોલવાની તમારી ઔકાત નથી...!! )
    વેલ, તો પછી જે ચમચાગીરી નથી કરતા એ તો આલોચના કરી શકે ને? પણ કોણ ચમચાગીરી કરે છે અને કોણ નથી કરતું એ કોણ નક્કી કરશે? આ બહેનશ્રી સુરતા મહેતા?
    હવે બહેનશ્રી સુરતા મહેતા, આપ જાણી લો કે આ જ ભોળાભાઈ પટેલ જીવંત હતા ત્યારે એમની કોલમ અખબારમાં (શરૂઆતમાં પ્લેસિંગ ફિક્સ્ડ ન હતું ત્યારે) સારી રીતે આવે, જમણી બાજુએ ઊઘડતા પાના પર ઉપરની બાજુએ આવે, તેમાં સરસ ચિત્ર મૂકાય એ માટે (છાપાના માલિકો, તંત્રીની ચમચાગીરી કરીને પેટિયું રળી ખાતા) સબ એડિટર કક્ષાના પત્રકારને અત્યંત ગાલાવેલી ભાષામાં વિનંતી કરતાં મેં જોયા છે અને એવી જ ભાષામાં લખેલી તેમણે મોકલેલી ચીઠ્ઠીઓ પણ મેં વાંચી છે. (ગાલાવેલી ભાષા એટલે કેવી એ ન સમજાય તો પરમ માનનીય રઘુવીરભાઈ ચૌધરીસાહેબને પૂછજો, ભોળાભાઈ તો હવે નથી રહ્યા)
    એ વખતે પત્રકાર ભોળાભાઈ માટે (તેમણે લખેલી ચીઠ્ઠીમાં વાપરેલા શબ્દ મુજબ) સન્ડે ભાસ્કરનો સહતંત્રી "લોકશિક્ષક" હતો, આજે એક પત્રકારે એમની ટીકા કરી તો એ માલિકો, તંત્રીઓની ચમચાગીરી કરતો પત્રકાર થઈ ગયો?
    બહેન કહે છે કે ભોળાભાઈ, રઘુવીર ચૌધરી ગામડેથી આવીને આગળ વધ્યા છે. વાહ... તેમના સંઘર્ષને સલામ. પણ મહેરબાન, એ સિધ્ધિ બહુ બહુ તો તેમના પૌત્રો-દોહિત્રોએ તેમના શ્રાધ્ધ વખતે સ્મરવાની બાબત છે. ફક્ત એટલા માટે આ બંનેને મહાન ગણાવીને સમગ્ર ગુજરાતના ગળે પરોવી દેવા એ તો જરા વધારે પડતું કઠોર કૃત્ય છે.
    બહેન લખે છે કે, Raghuvir Chaudhary had the courage of resigning from a 'safe' job at Gujarat Vidyapith, because he was not ready to sacrifice his dignity as a writer. હાહાહાહાહાહહા... એમ તો બહેન, હું મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, મરિન ટુલ્સ ટેક્નોલોજીમાં અનુસ્નાતક થઈને ઓફશોર ઓઈલ ડ્રિલિંગ સેક્ટરમાં કામ કરતો હતો. પરંતુ લખવા-વાંચવાની ખણ એવી અસહ્ય હતી કે મલ્ટિનેશનલ જાયન્ટ્સની તગડા (કેટલો તગડો એ જવા દો બહેન, તમારી પરિષદી કલ્પના નહિ પહોંચી શકે) પગારની સાડા છ વર્ષની નોકરી છોડીને દસ હજાર રૂપરડીના પગારે પત્રકાર થયો હતો.
    તો બહેન, એ તો મારી વ્યક્તિગત પેશન થઈ. બહુ બહુ તો તમે મારી એ પેશનને બિરદાવી શકો પરંતુ ફક્ત એ પેશનને લીધે મને વાસુદેવ મહેતા કે નગેન્દ્ર વિજયની હરોળમાં ન મૂકી શકો. એ માટે તો મારે પત્રકારત્વમાં જ પૂરવાર થયું રહ્યું... અાજીવન.
    રઘુવીરભાઈને તેમના લેખકપણાંનું ગૌરવ હોય અને ભોળાભાઈ ઉમદા લેખક હોય તો એ સારી વાત છે. એ માટે એમને સલામ. પરંતુ લેખક હોવું અને પરિષદના ટ્રસ્ટી હોવું એ બે પાછી અલગ વાત બની જાય છે. લેખક તરીકે નીવડ્યા એટલે ભાષાના પરમહિતચિંતક થઈ જ ગયા અને પરિષદના ટ્રસ્ટી તરીકે તેમના પર આંગળી ચિંધી જ ન શકાય એવું ગણિત તો કેમ ગળે ઉતરે?
    બિનિતભાઈ, તમારી તો આ બહેન ફેસબુકના ફ્રેન્ડલિસ્ટમાંથી હકાલપટ્ટી કરી શક્યા પરંતુ હું તો (થેન્ક ગોડ...) કદાચ એમનો ફેસબુક ફ્રેન્ડ જ નથી.
    બહેનશ્રીની આટલી તોછડાઈ, અસહિષ્ણુતા (માલિકો, તંત્રીઓની ચમચાગીરી કરીને પેટિયુ રળી ખાતા) અેક પત્રકાર તરીકે મને અસહ્ય લાગી એટલે ન રહેવાયું.

    ReplyDelete
  26. superlike for DT's comment \:)/
    એકદમ સાર્થક કોમેન્ટ , જલ્સો પડી ગયો !

    ReplyDelete
  27. નમસ્કાર, બિનીત ભાઈ.
    પહેલી વખત કોમેન્ટ રહ્યો છું તમારા બ્લોગમાં.
    આ પત્રકારત્વ-ગુજરાતી છાપાઓની દુનિયા-સાહિત્ય પરિષદ વિગેરે વિષે વિશેષ જાણકારી નથી, અનુભવ નથી પણ, અછડતો ખ્યાલ ખરો.
    વડીલ બહેન સુશ્રી સુરતા મેહતાની અહી વાત નીકળી અને તેમની આટલી બધી તોછડી કોમેન્ટ જોઈ માટે હું કોમેન્ટ કરવા પ્રેરાયો છું.
    એક વાત શેર કરું છું.
    લગભગ દોઢેક વર્ષ પહેલા હું અને વડીલ બહેન સુશ્રી સુરતા મેહતા ફેસબુકમાં ફ્રેન્ડ હતા. અમારે ચેટ પણ ઘણી થઇ છે. આમ-તેમ, અલક-મલકની. પછી વાત વાતમાંથી ખ્યાલ આવ્યો કે તેઓ રઘુવીર ચૌધરીના ડોટર થાય. એટલે હું સહેજ જાગૃતપણે એમની સાથે વિશેષ માન સાથે વાત કરતો. પછી થોડા દિવસ બાદ અચાનક મારા સહીત ઘણા બધાને એમણે અનફ્રેન્ડ કરી નાખ્યા. (એનું ચોક્કસ કારણ મારા 'ગજીની' મગજને કારણે ભૂલી ગયો છું. પણ હું, સુકુમાર ભાઈ અને બીજા અનેક પ્રતિષ્ઠિત વડીલ સભ્યો સાથે અપમાનજનક રીતે વર્તન કરી અનફ્રેન્ડ કર્યા.) પછી, મેં એમને મેસેજ કર્યો- એ મતલબનો કે આ ફેસબુકની ટેકનીકલ એરરને કારણે આપણે અનફ્રેન્ડ થયા કે તમે કર્યા? તો વડીલ બહેન સુશ્રી સુરતા મેહતાએ અહી કરેલી અનેકો કોમેન્ટની જેમ લાંબોલાંચ જવાબ આપ્યો જેમાં ખરેખર મારા પ્રશ્નનો ઉત્તર હતો જ નહિ. પછી એમણે મને ફરીથી એડ કર્યો. અને 48 કલાક પણ પૂરી નહિ થઇ હોય ત્યાં મને સીધો બ્લોક.
    (આ વાત રજુ અહી રજુ કરવાનું કારણ 'ઈગો' કે ગુસ્સો નથી, પણ એ વડીલ બહેન સુશ્રી સુરતા મેહતાના 'રવૈયા' વિષે ખ્યાલ આવે કે આવું એમનું વર્તન વર્ષો જુનું છે !)
    હમણાં માનનીય રઘુવીર ચૌધરી સાહેબને ફેલોશીપ મળેલી એ પ્રોગ્રામમાં હાજર હતો હું. બહુ ધ્યાનથી માર્ક કરેલું કે ખુદ રઘુવીર સાહેબની બોડી લેન્ગવેજમાં પણ આટલું 'એરોગંસ' ન'તું. (ચાય-કીટલી વાળી ફેમસ કહેવત.)

    -- અહી જાહેરમાં, ફેસબુકમાં મને બ્લોક કરવા બદલ વડીલ બહેન સુશ્રી સુરતા મેહતાનો કોઈ પણ જાતના કટાક્ષ વગર અંત:પૂર્વક આભાર માનું છું.
    -- ધૈવત ભાઈ અને બિનીત ભાઈને અનુક્રમે એમની કોમેન્ટ અને પોસ્ટ-કોમેન્ટ બદલ અભિનંદન આપું છું, કારણ કે મને બહુ ગમ્યું.
    -- અને અંતે એટલું પણ કહેવાની રજા લઉં કે, એ માનનીય રઘુવીર ચૌધરી સાહેબની ફેલોશીપના પ્રોગ્રામ વખતે ફક્ત સિતાંશુ ભાઈની સ્પીચ મને અને મારી સાથે આવેલા વડીલમિત્રને ગમેલી.

    આભાર.
    અભિમન્યુ મોદી.
    2:22 PM ,10/10/2013

    ReplyDelete
  28. ભાઈ બિનીત : ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલી ચર્ચા આટલી મનોરંજક હોઈ શકે એ વિરલ કહેવાય અને આ ચર્ચાના એન્કર તરીકે હું તમને ખૂબ બધાં અભિનંદન આપું છું...

    ReplyDelete
  29. Vacha Dave (Ahmedabad, Gujarat)11 October 2013 at 01:11

    Pretty interesting. Read almost all comments. Huh!
    Vacha Dave (Ahmedabad, Gujarat)

    (Response through FACEBOOK, 10 October 2013 : BLOG Post Re-shared on 10 October 2013)

    ReplyDelete
  30. Kiran M. Joshi (Vallabh Vidyanagar, Dist. Anand, Gujarat)14 October 2013 at 17:50

    ટાગોર બંગાળના ભોળાભાઈ હતા. ભોળાભાઈ પોતે પણ એમ જ માનતા હતા.
    ભોળાભાઈ પટેલ અને રઘુવીર ચૌધરીને અનુક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદના એન. શ્રીનિવાસન અને ગુરૂનાથ મયપ્પન (ધ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિક્રેટ ઇન ઇન્ડિયાના વહીવટદાર ચેરમેન અને તેના જમાઈ) તરીકે પણ ઓળખાવી શકાય.
    એક સદગત વિશે આવી ઘસાતી વાત લખવા બદલ ઈશ્વર મને માફ કરે.

    કિરણ એમ. જોશી (વલ્લભ વિદ્યાનગર, જિલ્લો : આણંદ)

    (Response through FACEBOOK, 11 & 12 October 2013 : BLOG Post Re-shared by Raj Goswami on 11 October 2013)

    ReplyDelete
    Replies
    1. Rajendra C. Parekh (Rajkot, Gujarat)14 October 2013 at 18:15

      કિરણભાઈ, એમ તો દિલીપકુમાર પોતાને હિન્દી ફિલ્મના ઉપેન્દ્ર ત્રિવેદી માને છે! તેથી ઉપેન્દ્ર ત્રિવેદી ને શું ફરક પડે?
      રાજેન્દ્ર સી. પારેખ (રાજકોટ, ગુજરાત)

      (Response through FACEBOOK, 12 October 2013 : BLOG Post Re-shared by Raj Goswami on 11 October 2013)

      Delete
  31. Rajendra C. Parekh (Rajkot, Gujarat)14 October 2013 at 18:05

    ધૈવતભાઈએ દરેક વખતની જેમ મુશાયરો લુંટી લીધો.
    રાજેન્દ્ર સી. પારેખ (રાજકોટ, ગુજરાત)

    (Response through FACEBOOK, 11 October 2013 : BLOG Post Re-shared by Raj Goswami on 11 October 2013)

    ReplyDelete
  32. સવાલોની શોધમાં
    સવાલ 1
    બહેનશ્રી સુરતા મહેતાનું ગુજરાતી પત્રકારત્વ સાહિત્યમાં શું પ્રદાન છે કે તેઓ અન્ય પત્રકારોનું મુલ્યાંકન કરી રહ્યાં છે? હરભજને એક વખત કહ્યું હતું કે જે ક્રિકેટરો 100 કે તેનાથી વધારે ટેસ્ટ નથી રમ્યા તેઓ મારા ક્રિકેટિંગ વિશે મંતવ્ય ન આપે. એવો જ આ સવાલ છે. પત્રકારો શું કરે છે એ જાણવા માટે બહેનીને કોઈ અનુભવ છે ખરો?
    સવાલ 2
    બહેનશ્રીના પરિવારમાંથી પણ કોઈક પત્રકારત્વમાં હશે જ ને, એમને બહેનશ્રીનું પત્રકારો વિશેનું લખાણ લાગુ પડે છે કે કેમ?

    ReplyDelete
  33. પ્રિય મિત્રો,
    છઠ્ઠી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 26-04-2013 to 26-04-2014 – 850
    પહેલા અને બીજા વર્ષે એકસરખી સંખ્યામાં વંચાઈ હોય તેવી આ પહેલી અને આજ સુધીની એકમાત્ર પોસ્ટ છે. તેનું એક શ્રેય રાજ ગોસ્વામી સરખા પત્રકાર-તંત્રી-મિત્રને જાય છે જેમણે ઑક્ટોબર 2013માં આ પોસ્ટ ‘ફેસબુક’ પર Re-Share કરતા તેને નવા વાચકો તેમજ કેટલાક પ્રતિભાવો મળ્યા.
    આભાર રાજભાઈ. આપની સાથેની મૈત્રીનું શ્રેય ઉર્વીશ કોઠારીને ફાળે જાય છે.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 26 એપ્રિલ 2014

    ReplyDelete
  34. Binitભાઈ, લેખ જેટલી જ રોચક એના ઉપરની ચર્ચા બની રહી. તમારી ટીકા ઝીલવાની અને અનુરૂપ જવાબો વાળવાની તટસ્થતા ગમી. કેટલાંક મિત્રો વિવેક જાહેર માધ્યમ ઉપર જાળવવો જરૂરી એવો વિવેક ચુકી ગયાં છે, ત્યારે પણ તમે ઉદાહરણીય રીતે જવાબો કર્યા છે. લેખ માટે અને ધૈર્ય માટે અભિનંદન.

    ReplyDelete