પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, April 16, 2012

અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ


ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે 
તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી

16 comments:

  1. બિરેન ભાઈ,
    બીનીત મોદીનો 'જેકેટની જલ્લાદી' વિષેનો આ લેખ આપણાં દેશની જડસુ નોકરશાહી
    એક ઔર નમુનો છે,આવી તો કેટલીય 'જુલમગીરી' ને 'દાદાગીરી' આપણાં દેશનાં
    દરેક સરકારી ખાતાઓમાં ચાલે છે એ તમને બધાંને ખબરજ છે.
    અત્રે એક વાત સમજાતી નથી કે સફાઈ કામદારોનાં 'યુનીયનો' પણ શું ઊંઘે છે?
    તેઓ કેમ ચુપ ચાપ છે? શું તેમની પણ આ 'સરકારી બાબુઓ'ની સાથે મિલીભગત છે?
    આપણાં દેશમાં કોઈ નવી સુધારણા કામકાજમાં થતી હોય છે તે પશ્ચિમના દેશોમાંથી
    આયાત કરેલી હોય છે,જેમાં સરેઆમ નકલ હોય છે,સારી રીતો અપનાવવી ખોટું નથી
    પણ આંધળું અનુંકરણ વાંદરાની નકલ છે.
    કામદારોએ પોતાના હક્કો ફક્ત પગાર સીમિત ના માનવા જોઈએ પણ કામકાજની રીતો
    ને કામપરની સલામતી માટે પણ મક્કમ વલણ લેવું જોઈએ,સાથે સાથે કામદારોએ
    પણ જાહેરજનતાની સામે ઉપદ્રવી કે પેધેલાહોય તેમ પણ ના વર્તવું જોઈએ જેથી
    લોકોપણ કામદારોના હક્ક માટે તેમને સાથ આપે પણ પરીસ્થિતિ ઉલટી છે,
    બહુધા લોકો કામદારોનેજ કામચોર કહેતા રહેતા હોય છે!!

    ReplyDelete
  2. નોકરશાહીનો કઈ ઇલાજ નથી.

    ReplyDelete
  3. This may be used as a reflector to avoid any experience of accident. This may be a good approach to derive. There are lot of other approaches which relates to their economy, social status, education, equality.

    Jabir
    (Promoting Space for healthy Plural Society,
    with & without difference)

    ReplyDelete
  4. It is known as RED TAPISM. we can tell >>>Aaguse chali aati hai.

    ReplyDelete
  5. ભરતકુમાર ઝાલા18 April 2012 at 09:49

    ટુ ધ પોઇન્ટ ને એક પણ વધારાનો શબ્દ વાપર્યા વિના એક તદ્દન નવી જ વાતને લઇ આવ્યા, એને માટે અભિનંદન. બિનીતભાઇ. આવી ઝીણવટભરી નજર ને તે ય પાછી સહાનુભૂતિથી ભરી ભરી..આજ કાલ આવી ફુરસદ લોકો પાસે ક્યાં છે જ? આ બહુ જ દુર્લભ ને જાળવવા જેવો ગુણ છે જ. ને કર્મચારીઓમાં ય બે વર્ગો છે- એક છે, જે અમલદાર છે, જેની પાસે સત્તા છે, એ લાંચ લે છે, એ જાણવા છતા લોકો સાહેબ સાહેબ કહીને તેની કદમપોસી કરતા હોય છે. ને બીજી તરફ આવા નાના નાના કર્મચારીઓ છે, જેમનું સંબંધિત ખાતામાં કશુ ઉપજતું નથી, ને લોકોને તેમની હાલાકી વિશે જાણવામાં ખાસ કઇ રસ હોતો નથી. આવા લોકોના થતા શોષણને માત્ર પગાર સાથે મૂલવવાની જરૂર નથી હોતી, તેમની કાર્યપધ્ધતિ તરફ પણ ક્યારેક એક નજર નાખવી જોઇએ. આ લોકો સમાજ બહારના નથી, સમાજનો જ એક ભાગ હોય છે, એ વાત લોકો દ્વારા ઉપલા વર્ગના અધિકારીઓ સુધી પહોંચે, તો આવી હરકતો અટકે. ત્યાં સુધી આવું ચાલ્યા કરવાનું.

    ReplyDelete
  6. બુદ્ધિ જેવુ હોવુ એ સરકાર નુ દેવાલુ જ કહેવાનુ

    ReplyDelete
  7. સૌ મિત્રો,

    બ્લોગની પાંચમી પોસ્ટ (16 એપ્રિલ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    જેમના માટે આ લખ્યું તે સફાઈ કામદારોને લખાણ વાંચી સંભળાવ્યું તો એમના સાહેબો વાંચી શકે એ માટે પ્રિન્ટ આપી. એ પછી થોડો સળવળાટ થયો અને જેકેટ બાજુ પર મુકાયા એનો આનંદ. કામદારોનો આનંદ લાંબો ટકે એવી 'પહેલી મે'ના શ્રમ દિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છા.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 30 એપ્રિલ 2012

    ReplyDelete
  8. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને એક વર્ષ પૂર્ણ થયું.
    પાંચમી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 16-04-2012 to 16-04-2013 – 580
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  9. બિનીત તમને, અને સાથે આ બ્લોગ વાંચીને પોઝિટિવ કમેંટ્સ કરનાર સૌ મિત્રોને ધન્યવાદ. કોઈ લેખક-પત્રકાર આવા નાનકડા અંગુલિનિર્દેશ થકી પણ આવા નાનામોટા અન્યાયોને દૂર કરવામાં કેટલું ઇફેક્ટિવ કોંટ્રિબ્યુશન આપી શકે તેનું આ સુંદર ઉદાહરણ છે ! એટલે જ હું વારંવાર કહું છુ કે કઈ પણ 'લખે તે લેખક' નહીં બલ્કે આવું માનવકલ્યાણ અને માનવપ્રગતિ માટે લખે તે જ લેખક, બાકીના બધા તો રોજીરોટી કે માનપાન મેળવવા માટે લખતા લાહિયા.

    ReplyDelete
  10. Good approach that resulted in positive way. Good, keep it up.

    ReplyDelete
  11. વાહ ભાઇ.. ધોળે દિવસે ખર્ચાના તારા ના બતાવે તો કોર્પોરેશનના અધિકારીઓ શું કમાય... હેં..

    ReplyDelete
  12. લોકશાહીમાં અનેક જ્ઞાતિઓની માફક “જડભરત” નામની પણ એક જ્ઞાતી હોય છે. આ જ્ઞાતીને અક્કલ નથી હોતી ફક્ત અવાજ જ હોય છે. “ઉપરથી ઑર્ડર છે” તે તેમનું ધ્રુવપદ હોય છે.

    ReplyDelete
  13. બીનીતભાઇ સામાન્ય રીતે આપનો બ્લોગ વાંચતો નથી પણ આજે મથાળું વાંચીને મારા વીશય સંબંધીત લાગ્યું. તમે બહુ જરુરી કામ ક્ર્યું. ખાસ તો તમારો બ્લોગ વાંચીને જેકેટ બાજુ પર મુકાયા તે જાણી આનંદ થયો. અભીનંદન મેં ઘણા વર્શ પહેલાં અમ્યુકો ના એક વોર્ડના સફાઇ કામદારોની મુલાકાત લીધી હતી એમના કબાટમાં રબરના વણવપરાયેલા સલામતીના સાધન પ્ડ્યા હ્તા તે પીગળીને ચોંટી ગયા હતા. બીજી તો ઘણી વાતો થઇ હતી તે ફરી ક્યારેક

    ReplyDelete
  14. થોડોક જુદો અભિપ્રાય આપું તો માઠું ન લગાડતા.
    ---
    'ગ્લો સાઈન જેકેટ'ની પાછળ વૈજ્ઞાનિક કારણ છે; અને તે સમજ્યા વગર એનો આમ વિરોધ કરવો કેટલે અંશે વ્યાજબી છે?
    એમ ન બને કે, મલમલના . પાતળા કાપડના પણ દૂરથી જોઈ શકાય એવા રંગના જેકેટ ન વાપરી શકાય?

    અને વાહનો હંકારનાર પ્રજાની, કાયદાની ઐસી તૈસી કરવાની, ટ્રાફિક સેન્સ માટે નહીં જ સુધરવાની અને ટ્રાફિક ગુનાઓમાં પણ ઉપરથી ચિઠ્ઠી લાવી છુટી જવાની વૃત્તિ માટે અભિયાન કોણ ચલાવશે?

    આ છેલ્લી બાબત લ્ખેલ ત્રણ હાસ્ય/ વ્યંગ લેખો આપને ઈમેલથી મોકલું છું. ઠીક લાગે તો એને જનજાગૃતિ માટે વાપરી શકો છો.

    ReplyDelete
  15. એમ ન બને કે, મલમલના . પાતળા કાપડના પણ દૂરથી જોઈ શકાય એવા રંગના જેકેટ ન વાપરી શકાય?
    બે નેગેટિવ વપરાઈ ગયા. સુધારીને વાંચવા વિનંતી...

    એમ ન બને કે, મલમલના . પાતળા કાપડના પણ દૂરથી જોઈ શકાય એવા રંગના જેકેટ વાપરી શકાય?

    ReplyDelete
  16. પ્રિય મિત્રો,
    પાંચમી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 16-04-2013 to 16-04-2014 – 320

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete