પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, September 29, 2012

ગુજરાતનું રાજકારણ : એક્સ એમ.એલ.એ કાઉન્સિલ ઉર્ફે પૂર્વ ધારાસભ્યોની પંચાયત


ગુજરાત વિધાનસભા ભવન
ગાંધીજીની પ્રતિમા : શિલ્પકાર રામ સુથાર (નવી દિલ્હી)


ભારતમાં સંસદની કે તેના કોઈ એક કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય તો કોણે – કોણે તૈયારીઓ શરૂ કરવી પડે? પ્રશ્ન એક જ છે પણ તેના જવાબો એકથી વધુ છે. જેમ કે કેન્દ્રીય ચૂંટણી પંચ, / Election Commission of India / www.eci.nic.in રાજ્યનું ચૂંટણી પંચચૂંટણી યોજવા માટે જેમની મદદની જરૂર ઊભી થવાની છે તેવા તમામ સરકારી – અર્ધસરકારી વિભાગો અને આ કવાયત જેમના માટે થઈ રહી છે તેવા નોંધાયેલા – નહીં નોંધાયેલા – નોંધણી માટે અને પોતાની નોંધ લેવાય એ માટે મથી રહેલા એવા તમામ પ્રકારના રાજકીય પક્ષો.

આપ સૌ જાણો છો તેમ ગુજરાતમાં આગામી સમયમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેરમી વિધાનસભાની રચના માટે બારમી વખતની ચૂંટણી બારમા મહિનામાં યોજાશે. આપ એ પણ જાણો છો કે ગુજરાત / Gujarat / www.gujaratindia.com તો નંબર વન રાજ્ય છે એટલે ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને જે જવાબો ઉપર લખ્યા છે તે તો તેને લાગુ પડે જ પડે. પણ નંબર વન રાજ્ય હોવાના કારણે તેને વધારાના એક જવાબનો લાભ પણ આપવો પડે. એમ સમજોને કે બોનસ.

તો ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવવાના કારણે હરકતમાં આવીને તૈયારીઓમાં લાગી જનારી વધારાની એક સંસ્થાનું નામ છે – ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ / Gujarat Ex MLA Council. તૈયારીઓ કરવામાં ખાસ કશું કરવાનું છે નહીં, માત્ર થોડા ફોર્મ છપાવી રાખવાના છે.

શેના ફોર્મ? અને થોડા એટલે કેટલા?”
ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલનું સભ્યપદ મેળવવાના ફોર્મ...અને થોડા એટલે બસો – ત્રણસો જેટલા.
અરે એમ તે હોતું હશે કંઈ? એટલા બધા ફારમ છપાવીને શું કામ છે? ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની / Member of Legislative Assembly બેઠક સંખ્યા તો 182 છે. ફોર્મ છપાવીને તરત પસ્તી ભેગા કરવાના છે કે શું?”
તમે યાર છાપાં વાંચો છો કે નહીં? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટભાવનગર અને જામનગર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં નો રિપીટ થિયરી ચાલી ગઈ એટલે સત્તાધારી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોનો આત્મવિશ્વાસ વધી ગયો છે કે આપણો ઘડોલાડવો થવો નક્કી છે.

ઓ.કે. વિરોધપક્ષે રહેલા કોંગ્રેસના આત્મવિશ્વાસનું કેમનું છે?
એમને ત્યાં નો રિપીટ થિયરીની પત્રકાર પરિષદ બોલાવીને સત્તાવાર ધોરણે જાહેરાત કરવામાં આવી છે એટલે અત્યાર સુધી ટિકિટ માટે જેઓ નિશ્ચિંત થઈને ડોલતા હતા એવા વર્તમાન ધારાસભ્યો અને ટિકિટવાંચ્છુઓનો આત્મવિશ્વાસ નવેસરથી ડગમગી ગયો છે.
તો હવે એ લોકોએ કરવાનું શું?
કહ્યું તો ખરું. ફારમ છપાવવાના છે તે એનો ઉપયોગ કરી લેવાનો. કાઉન્સિલનું સભ્યપદ મેળવી લેવાનું.


તો આમ વાત છે. ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ બસો – ત્રણસો ફોર્મ છપાવશે એ તો ચપટી વગાડતામાં ખપી જશે. કાઉન્સિલે તેનો હેતુ વિશાળ રાખ્યો છે. આ પ્રકારની સંસ્થામાં પક્ષના ભેદ તો આમેય ન હોય પણ એના કર્તા-હર્તાઓએ તો ત્યાં સુધી જાહેરાત કરેલી છે કે લોકસભાના સંસદસભ્યો અને ગુજરાતના ધારાસભ્યોના મતથી ચૂંટાતા રાજ્યસભાના સંસદસભ્યો માટે પણ તેનું સભ્યપદ ખુલ્લું છે.

તો તો ભૂતપૂર્વ ધારાસભ્યોની પંચાયતમાં સભ્યોની પડાપડી હશે એવું અનુમાન લગાવવાનું મન થાય. જો કે ખરેખર એવું છે નહીં. પડાપડી નહીં થવાના કારણો પણ કાઉન્સિલની રચના જેવા જ વિશિષ્ટ છે. મુખ્ય કારણ તો ભૂતપૂર્વનું લેબલ લાગી જનાર એમ.એલ.એને ઊંડે-ઊંડે તેના ધારાસભ્યપદનો વર્તમાન પાછો આવશે તેવો આત્મવિશ્વાસ હોય છે. કમ-સે-કમ એક – બે ચૂંટણી સુધી તો પક્ષની અને એ ન મળે તો વિરોધપક્ષની ટિકિટ મેળવવાના પ્રયત્નો ચાલુ રાખવા પડે છે. એય ન મળે તો ચલતા પૂર્જા જેવા કોઈ પણ પક્ષની ટિકિટ ખરીદીને પણ એમ.એલ.એ માર્કેટમાં પોતાનું નામ ચાલુ રહે એવા યથાશક્તિ પ્રયત્નો કરવા પડે.

હવે આ સમયગાળો એવો છે કે ભૂતપૂર્વ બની ગયેલા ધારાસભ્યને કાઉન્સિલ તરફથી માગાં આવવાના શરૂ થાય છે અને ચોક્કસ સમયગાળા સુધી ચાલુ રહે છે. કાઉન્સિલના હોદ્દેદારો તેને સમજાવતા રહે છે કે, ‘ભાઈ (અથવા બહેન)તમે હવે ભૂતપૂર્વ ધારાસભ્ય બની ગયા છો તો અમારી ભેગા જોડાઈ જાવ અને તમારો વર્તમાન સુધારી લો. કેટલાક સમજુઓ આ સમજાવટ પછી તરત જ એક્સ એમ.એલ.એ. કાઉન્સિલના મેમ્બર બની જાય છે. જે લોકો સભ્યપદ નથી લેતા એ તો ક્યારેય નથી લેવાના. અને પછી તો એમને માગાં નાંખવાનું મતલબ કે વિનંતીઓ કરવાનું પણ બંધ કરવામાં આવે છે. એવા કેટલાક નમૂના બન્ને બાજુથી રહી જાય છે. વિધાનસભામાં પુનઃપ્રવેશની તક મળતી નથી અને કાઉન્સિલ સાથે પણ કિન્ના બંધાતી નથી.

ભૂતપૂર્વ ધારાસભ્યોની પંચાયત જેવી પરિષદનું સભ્યપદ મેળવવું શું કોઈ એક્સ એમ.એલ.એ માટે અતિ આવશ્યક છે? એવા પ્રશ્નનો જવાબ આપતા કાઉન્સિલના ચેરમેન શંકરલાલ ગુરૂ / Shankerlal Guru જણાવે છે કે...ધારાસભ્યોની જેમ વિધાનસભા હોય છે તેમ પૂર્વ ધારાસભ્યોનું આ એક સંગઠન છે. ગુજરાતે તેમ કરવામાં પહેલ કરી છે એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ એટલા માટે નથી કેમ કે આપણા દાખલા પરથી અન્ય રાજ્યોમાં આ પ્રકારે સંગઠનોની રચના થઈ છે. એવા સંગઠનો વચ્ચે એક સેતુ રચાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. પૂર્વ સંસદસભ્યો અમારું સભ્યપદ મેળવવામાં ઝાઝો રસ દાખવતા નથી એ પણ હકીકત છે.


કામગીરીની રીતે જોઇએ તો સરકારી – અર્ધસરકારી વિભાગો, બેન્ક કે વીમા કંપનીના કર્મચારીઓનું હોય છે તેવું જ આ એક સંગઠન છે. ફરક એટલો જ કે તે ભૂતપૂર્વ ધારાસભ્યોનું સંગઠન છે જેમની નોકરીની મુદત નક્કી હોય છે – પાંચ વર્ષ. મુદત વીત્યે નવેસરથી ચૂંટાય તો નોકરી ચાલુ રહે બાકી ઘરભેગા થવાનું.

પૂર્વ ધારાસભ્યોનું અધિવેશન અને આગેવાનો
(ડાબેથી) જયનારાયણ વ્યાસ, પ્રવીણ ક. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ),
માણેકલાલ પટેલ - હરિભાઈ ડોડીયા અને લેખરાજ બચાણી (પૂર્વ ધારાસભ્યો),
પ્રોફેસર મંગળદાસ પટેલ (વિધાનસભા અધ્યક્ષ), નવલ કિશોર શર્મા (રાજ્યપાલ),
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (કૃષિ મંત્રી) અને શંકરલાલ ગુરૂ
1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની એકમાત્ર, અગ્રતાક્રમમાં પણ ટોચ પર આવતી (સ્વાભાવિક છે!) સક્રિય કામગીરીનું ટાઇટલ છે – ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન અપાવવું. કહ્યું ને કર્મચારીઓનું હોય તેવું જ આ એક સંગઠન છે જે ગુજરાતના જાહેર પ્રશ્નો કે પ્રજાની સમસ્યાઓ પરત્વે તદ્દન નિષ્ક્રિય છે. પેન્શન તેમના માટે યક્ષપ્રશ્ન છે અને એ બાબતમાં તેઓ અન્ય રાજ્યોને અનુસરે છે. શંકરલાલ ગુરૂ ગર્વપૂર્વક કહે છે કે કેટલાક રાજ્યોએ ગુજરાતનું જોઇને કાઉન્સિલની રચના કરી દીધી અને તેના ધારાસભ્યોને પેન્શનનો હક્ક આપી દીધો. દેશના અઠ્ઠાવીસ રાજ્યોના પૂર્વ ધારાસભ્યોને મળે છે એવો હક્ક લેવામાં ગુજરાતના ધારાસભ્યોએ મોં વકાસીને જોઈ રહેવું પડે છે. પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાનું બીલ ગુજરાત વિધાનસભામાં કેમેય કરીને પસાર થતું નથી કેમ કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. એટલા બધા વર્ષો પસાર થઈ ગયા છે કે આ પ્રકારનું કોઈ બીલ પસાર થવા વિધાનસભાના ફ્લોર પર આવ્યું હતું કે કેમ એ પણ હવે સંશોધનનો વિષય છે. તાલેવંત ધારાસભ્યોની સરખામણીએ પેન્શનની આવકની જરૂર હોય તેવા ધારાસભ્યો તો હવે માંડ એક હાથની આંગળીઓના વેઢે ગણાય એટલા રહ્યા છે. તેમને લાભ આપવા બધા ધારાસભ્યોને સાગમટે પેન્શન આપવું જરૂરી નથી તેવો પણ એક મત પ્રવર્તે છે.

શંકરલાલ ગુરૂ / Shankerlal Guru જે પેન્શનને ધારાસભ્યના હક્ક તરીકે ઓળખાવે છે તેવો હક્ક લેવામાં પણ કોઇક અપવાદ તો હોય નેપ્રથમ વિધાનસભામાં ખેડા જિલ્લાની નડિયાદ / Nadiad બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર મહેન્દ્ર દેસાઈ / Mahendra Desai ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા પરંતુ આ પેન્શનનો હક્ક મેળવવાની બાબતમાં તેઓ કાઉન્સિલની સાથે નહોતા. અરે સાથે શું નહોતા...એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક નહીં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. અહીં ખાસ નોંધવાનું કે પેન્શનનો હક્ક માંગનાર અને તેના વિરોધમાં ઉપવાસ કરનાર બન્ને પૂર્વ ધારાસભ્યો જે તે સમયે એક જ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા – સ્વતંત્ર પક્ષ.

ભૂતપૂર્વ ન થયા હોય તોય પેન્શનનો વિરોધ કરતા હોય એવા બીજા ધારાસભ્યનું નામ છે મહેન્દ્ર મશરૂ / Mahendra Mashru. જૂનાગઢની / Junagadh બેઠકનું પ્રારંભે અપક્ષ પ્રતિનિધિત્વ કરતા તેઓ પાછળથી ભારતીય જનતા પક્ષની બેઠક પર ચૂંટાઈ આવ્યા પરંતુ તેમના વલણમાં કોઈ ફરક પડ્યો નથી. એક માહિતી પ્રમાણે પાંચ ટર્મથી ચૂંટાતા મશરૂ વર્તમાન બારમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે મળવાપાત્ર પગાર અંતર્ગત પ્રતિકાત્મક ધોરણે દર મહિને માત્ર એક રૂપિયો જ સ્વીકારે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને ત્રણ બાબતો માટે યાદ કરવામાં આવશે – પેન્શનનો વિરોધ કરનાર, પગાર નહીં સ્વીકારનાર અને જૂનાગઢના પ્રથમ મેયર તરીકે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવા 2012ના આ વર્ષે કાઉન્સિલની સક્રિયતાનું એક ઉદાહરણ તેના એક જાહેર નિવેદનમાંથી મળે છે. જુલાઈ મહિનામાં મળેલી બેઠકમાં થયેલી ચર્ચા પછી કાઉન્સિલે ભારત સરકાર તેમજ ચૂંટણી પંચને પત્ર લખી એક સૂચન કર્યું છે કે અમેરિકાની જેમ દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધીની ચૂંટણીઓ દર પાંચ વર્ષે એક સાથે જ યોજો. એમ કરવાથી ચૂંટણી યોજવા માટે કરવા પડતા ખર્ચમાં તો બચત થશે જ, લાખો માનવ કલાકો વેડફાતા બચી જશે. કાઉન્સિલે પત્રમાં એમ પણ લખ્યું છે કે જરૂર પડે તો આ માટે બંધારણમાં પણ ફેરફાર કરો. એટલે ભારતના બંધારણમાં ફેરફાર કરાવવાની ઇચ્છા માત્ર અન્ના હજારેને કે અરવિંદ કેજરીવાલને જ હોય તેવું નથી.

શંકરલાલ ગુરૂ
કાઉન્સિલના આજીવન અધ્યક્ષ
એવી ઇચ્છા રાખનારનું નામ શંકરલાલ ગુરૂ પણ હોઈ શકે છે. આવો થોડું તેમના વિશે પણ જાણીએ. સત્તાવાર રીતે શંકરભાઈ મોહનલાલ પટેલ / Shankerbhai Mohanlal Patel નામ ધરાવતા તેઓ રાજકીય – બીનરાજકીય અને સહકારી ક્ષેત્રે શંકરલાલ ગુરૂના નામથી વધુ જાણીતા છે. સ્વતંત્ર પક્ષ તરફથી ઊંઝા / Unjha વિધાનસભાનું પ્રતિનિધિત્વ તેમણે માત્ર એક જ વાર ત્રીજી ગુજરાત વિધાનસભા (1967 – 1972)માં કર્યું હતું. 1 ઓગસ્ટ 1928ના રોજ સિધ્ધપુર તાલુકાના ઉનાવામાં જન્મેલા તેઓ ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલની 1997માં સ્થાપના થઈ ત્યારથી તેના પ્રમુખ છે અને 2012માં પણ એ જ હોદ્દે બિરાજે છે. એ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે થતાં સંશોધનોમાં રસ ધરાવે છે. એ માટે દેશ-પરદેશનો પ્રવાસ પણ ખેડ્યો છે, હજી ખેડી રહ્યા છે.

અધિવેશનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યો
હા, યાદ આવ્યું. આ ખેતી વિષયક થતા સંશોધનોનો આધાર લઈને જ ફેબ્રુઆરી 2005માં કાઉન્સિલનું એક અધિવેશન ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયું હતું. અધિવેશનના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ પંડિત નવલ કિશોર શર્મા / Nawal Kishore Sharma તેમના વક્તવ્યમાં એવું બોલ્યા હતા કે આપ સૌની જેમ હું પણ વિધાયક (ધારાસભ્ય) રહી ચૂક્યો છું એટલે પેન્શન મેળવવાની આપની પીડા સમજી શકું છું. નવલ કિશોર શર્માનો બાયોડેટા જોતા જણાય છે કે તેઓ રાજસ્થાનમાંથી / Rajasthan પ્રથમ લોકસભામાં ચૂંટાતા હતા અને સક્રિય રાજકારણના પાછળના વર્ષોમાં તેમણે રાજ્યના રાજકારણમાં ઝુકાવ્યું હતું.

અમદાવાદના પૂર્વ મેયર અને શાહપુરના પૂર્વ ધારાસભ્ય
ડૉ. સોમાભાઈ દેસાઈનું રાજ્યપાલના હસ્તે સન્માન
એક સમયે, મોટા ભાગે આઝાદીના પ્રારંભકાળે રાજકારણીઓ બહુધા ખેડૂત કે શ્રમજીવી પરિવારમાંથી આવતા હતા. કાઉન્સિલે એ ધારણા આજે પણ ચાલુ રાખી છે. ખેત પેદાશો – ઉપજને બજાર વ્યવસ્થાનો મહત્તમ લાભ કેવી રીતે મળે તેની સમજ કેળવવા માટે કૃષિ બજાર ક્રાંતિ બેનર તળે યોજાયેલા ઉપરોક્ત અધિવેશનમાં નોંધપાત્ર સંખ્યામાં પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા. કેટલાક ધારાસભ્યોનું ખેસ તેમજ સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમાંના એક હતા ડૉ. સોમાભાઈ છક્કડદાસ દેસાઈ / Somabhai Desai Dr. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ ઉપરાંતની પદવીઓ ધરાવતા સોમાભાઈ ડૉક્ટર તરીકે તો કાર્યરત હતા જ અને ત્રીજી વિધાનસભાના સભ્ય બન્યા તે અગાઉ 1965માં અમદાવાદનું મેયરપદ શોભાવી ચૂક્યા હતા. ગુજરાત વિધાનસભામાં તેઓ મહાગુજરાત જનતા પરિષદ પક્ષ તરફથી અમદાવાદના શાહપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2 ફેબ્રુઆરી 1922ના રોજ અમદાવાદમાં જન્મેલા તેઓ નેવુ વર્ષની વયે આ વર્ષના પ્રારંભે 3 જાન્યુઆરી 2012ના રોજ અમદાવાદમાં જ અવસાન પામ્યા.

ઓ.કે. તો આવી થોડીક વિગતો અને થોડી મોજ-મસ્તી સાથે અહીં મળતા રહીશું – ડિસેમ્બર 2012માં તેરમી ગુજરાત વિધાનસભાની રચના માટે બારમી વાર ચૂંટણીઓ યોજાય અને સંપન્ન થાય ત્યાં સુધી. હા, એ પણ હકીકત છે કે 2012ના બારમા મહિનામાં યોજાનારી આ બારમી ચૂંટણી ઘણા બધાના બાર વગાડનારી છે. પ્રોમિસ બસ.

તસવીરો : બિનીત મોદી

Monday, September 24, 2012

કે.લાલ : અલવિદા લીધી..... ના...ના...છૂમંતર થઈ ગયા.....


કે.લાલ (કાન્તિલાલ ગીરધરલાલ વોરા)
01-01-1924થી 23-09-2012


જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.
ટાઇપ, જોડણી બધું બરાબર છે?”…“હા, બરાબર છે.
અરે શું બરાબર છે? આવું તે કંઈ લખાતું હશે?”…“હા, પપ્પા આવું તો ના જ લખાય.”હા, હા, પપ્પાજી આવું તો ના જ લખાય. અબઘડી છેકી નાંખો.

શબ્દોમાં ફેરફાર હશે પરંતુ વાતચીતના અર્થમાં કોઈ ફેરફાર નથી. આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ઉપર લખ્યો તે ડાયલૉગ મારી સામે થતો હતો. સ્થળ – જાદુગર કે.લાલનું ઘર. તેમની સાથે વાતચીત...ના...ના...દલીલબાજી કરી રહ્યા હતા તે એમના પરિવારજનો. પહેલી દલીલ કરી તેમના પત્ની પુષ્પાબહેને, બીજી દલીલ આવી પુત્ર હર્ષદ (હસુભાઈ) તરફથી...અને છેલ્લે દલીલ કરનાર હતા લાલસાહેબના પુત્રવધૂ જયશ્રીબહેન.

બસ થઈ રહ્યું. જાદુકળાથી દુનિયાને જીતી લેનાર કે.લાલ / K. Lal છેલ્લી દલીલ સામે હારી ગયા...અને છપાવવા જઈ રહેલું વાક્ય છેકી નાખ્યું.....જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.’ – એ વાક્ય જે તેઓ પોતાના લેટરહેડ પર છપાવવા માગતા હતા.

1990 – 1992 વચ્ચેનો કોઈ સમય. કોલકતા (એ સમયે કલકત્તા / Calcutta)માં / Kolkata રહી દુનિયાભરમાં જાદુના શો કરતા કે.લાલ / Kantilal Girdharlal Vora / www.klal.com પરિવાર સાથે અમદાવાદમાં / Ahmedabad સ્થાયી થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ માટેનું મુખ્ય કારણ તે પૌત્રો (હસુભાઈના દીકરાઓ) બાળક મટી મોટા થઈ રહ્યા હતા. તેમના ભણતરને ચોક્કસ દિશા તરફ વાળવા માટે આ સ્થળાંતર જરૂરી હતું. લાલસાહેબને સૌથી મોટી ચિંતા છોકરાઓને સારી સ્કૂલમાં એડમિશન મળે તેની હતી. ઘર-પરિવાર સાથે નવી જગ્યાએ સ્થાયી થવાનું એટલે બીજી તો નાની-મોટી અનેક પળોજણો હોય પરંતુ આ સ્કૂલ એડમિશનની ચિંતા મોટી હતી.

(ડાબેથી) જૂનિઅર કે.લાલ (હર્ષદભાઈ), રજનીકુમાર પંડ્યા,
ગુણવંત છો. શાહ (પત્રકાર) અને કે.લાલ : વસ્ત્રાપુર (અમદાવાદ) શો, ફેબ્રુઆરી 2009
એ સમયે હું રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે ફુલટાઇમ જોડાયેલો હતો. અમદાવાદમાં રહેતી આ એક એવી વ્યક્તિનું નામ છે જેની સાથે જોડાનારની અડધી ચિંતાઓ ઓછી થઈ જાય. કારણ કે તેને એમણે પોતાની ગણીને માથે ઓઢી લીધી હોય. લાલસાહેબના કિસ્સામાં પણ એમ જ થયું. ઉંમરનો તફાવત ઓગાળી નાખો તો બન્ને મિત્રો અને ના ઓગાળો તો એકબીજાના વડીલ બનીને પેશ આવે. સ્થળાંતર કરીને અમદાવાદ જેવા શહેરમાં દાખલ થઈએ અને જેવી જરૂર ઊભી થાય તેવા દરેક કામમાં રજનીભાઈ તેમની પડખે રહ્યા – બાળકોનું સ્કૂલ એડમિશન, નવા ખરીદેલા મકાનની દસ્તાવેજી જરૂરિયાતો, રાંધણ ગેસનું નવું જોડાણ, રેશન કાર્ડ. આવી તો કંઈક બાબતો. જરૂર પડી ત્યાં મદદના માધ્યમ તરીકે હું પણ ક્યારેક નિમિત્ત બનું. એ રીતે થયેલા પરિચયમાં જ આગળ વધતાં એમને સ્ટેશનરી પ્રિન્ટીંગ માટે રજનીભાઈને વાત કરી. વિઝિટિંગ કાર્ડબ્રોશર, લેટરહેડ વગેરે. લેટરહેડના મથાળે તેઓ ઉપર જણાવ્યું તે વાક્ય લખાવવા માગતા હતા. પરિવારજનોને મંજૂર નહોતું એવું એ વાક્ય તેમના મતે એકરારનામું હતું. મારે તો ગુરૂ (રજનીકુમાર પંડ્યા)ની સૂચના પ્રમાણે તેમને નમૂનો બતાવી મંજૂર થયે આગળ વધવાનું હતું.

તેમના અંગત પરિચયમાં આવ્યો તે પહેલાં એક એકરાર તેમણે જાહેરમાં પણ કર્યો હતો. બાલાભાઈ દેસાઈ જયભિખ્ખુનું / Balabhai Veerchand Desai ‘Jaibhikkhu’ ઘણું બધું સાહિત્ય અપ્રાપ્ય બન્યું હતું. બજારમાં માગ હોય તો ય પ્રકાશક છાપવાનો રાજીપો ના બતાવે એવો એ 1990 પહેલાંનો સમય હતો. કે.લાલને કલકત્તા બેઠા આ વાતની જાણ થઈ. જયભિખ્ખુ માટેનો તેમનો આદર જાણીતી વાત છે. બાલાભાઈના પુત્ર કુમારપાળ દેસાઈને ફોન કરી તેમણે આ સમગ્ર કામની આર્થિક જવાબદારી ઉપાડી લીધી. ગુજરાત વેપારી મહામંડળના હોલમાં જ્યારે તે સમગ્ર સાહિત્ય ચં.ચી. મહેતા (ચંદ્રવદન ચીમનલાલ મહેતા / Chandravadan Chimanlal Mehta)ના હસ્તે લોકાર્પણ પામ્યું ત્યારે તેઓ કલકત્તાથી ખાસ આ કાર્યક્રમમાં આવ્યા, શ્રોતાજનોની વચ્ચે બેસીને કાર્યક્રમ માણ્યો અને પોતાના પ્રદાનની કોઈ જાહેર નોંધ ન લેવાય તેની ખાસ તકેદારી રાખી. કાર્યક્રમના અંતે જ્યારે કુમારપાળ દેસાઈએ / Kumarpal Desai કે.લાલ તરફથી મળેલા આર્થિક સહયોગનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે માઇક હાથમાં લીધું. માત્ર એટલું જ બોલ્યા કેમારી કારકિર્દી ઘડવામાં જયભિખ્ખુનો ફાળો મોટો છે. તેમના સાહિત્ય કે મારી ભાષા માટે તેમના જ આશીર્વાદથી કમાયેલા રૂપિયા કામમાં ના આવે તો એ શું ખપના?

આટલું બોલીને તેઓ બહુ ઝડપથી મંચ છોડીને પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. એટલા ઝડપથી, જે ઝડપે એ સ્ટેજ પર પોતાની જાદુકળા બતાવીને અલોપ થઈ જતા હતા. હા, તેઓ દુનિયાના ફાસ્ટેસ્ટ મેજિશિયન હતા. પહેલીવાર તેમનો શો આણંદના ટાઉનહોલમાં જોયો હતો. સાલ 1980ની આસપાસ. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની ઠાસરા શાખામાં કામ કરતા પપ્પા (પ્રફુલ મોદી)એ બેન્કે ખેડૂતો-પશુપાલકોને ભેંસ ખરીદવા આપેલા ધિરાણ (લોન) સંદર્ભે આણંદ આસપાસની કેટલીક દૂધ મંડળીઓમાં જાતતપાસ માટે જવાનું હતું. અમૂલ ડેરીના એક અધિકારી પણ આણંદથી સાથે જોડાયા. બપોર પડે કામ પત્યે અમૂલ ડેરીના પ્લાન્ટમાં દૂધની બનાવટો બનતી જોવી એ પણ કંઈ જાદુથી કમ તો નહોતું જ. અને રાત્રે તો ખરેખર જાદુના ખેલ જોવા મળ્યા – વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલ અને જૂનિઅર કે.લાલના.

પંચાશીની વયે શોની પ્રોપર્ટીનું પેકિંગ કરતા લાલસાહેબ
એ પછી થોડા વર્ષ વીત્યે અમદાવાદમાં જ ફરી એકવાર તેમનો શો જોવાની તક મળી. સાલ 1987ની આસપાસ. આજે 2012માં સાવ જ ઉપેક્ષિત થઈને બંધ પડેલા ભદ્ર સ્થિત પ્રેમાભાઈ હોલમાં તેઓ શો લઈને આવ્યા હતા. તેમની જાદુકળા ફરીને માણવાનું મન થાય એ માટે તેઓ આ વખતે એક મોટું અને વજનદાર આકર્ષણ લઈને આવ્યા હતા – સ્ટેજ પરથી સિંહને ગાયબ કરી દેવાનું. આ માટે તેઓ બહારના કોઈ રાજ્યમાંથી સિંહને પણ લઈ આવ્યા હતા. ગણતરીના શો થયા હશે ને ગુજરાતનું જંગલ ખાતું સિંહની જેમ જ આળસ મરડીને બેઠું થયું. વન્ય પ્રાણી જીવ સંરક્ષણના કાયદાનો દંડૂકો ઉગામતું પ્રેમાભાઈ હોલ સુધી પહોંચી ગયું. સિંહને તો તાત્કાલિક અસરથી વાયા કાંકરિયા ઝૂ થઈને જંગલ ભેગો જ કરવો પડ્યોપ્રેમાભાઈ હોલના સંચાલકો પણ નારાજ થયા હતા. કારણ કે સિંહને સ્ટેજ સુધી લઈ જવા માટે હોલની એક દિવાલમાં વગર પરવાનગીએ બાકોરું પાડ્યું હતું. સિંહ જંગલ ભેગો થયો એ પછી પણ માંદગીના નામે સમાચારમાં રહેતો હતો અને એ રીતે સમાચારમાં રહેવાનો લાભ લાલસાહેબને પણ મળતો હતો. તેના લાલન-પાલન માટે રોજિંદા ધોરણે માંસ ખરીદવું પડે એ પણ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી એવા કે.લાલ માટે કઠણ કામ હતું. આવા કંઈક કારણોસર તેમણે પાળેલા સિંહથી પીછો છોડાવ્યો. જાદુના શો કેન્સલ થયા પછી તેમણે તેનું સ્વરૂપ સ્ટેજ પરથી મારૂતિ કાર ગાયબ જેવા જાદુમાં બદલ્યું હતું. લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મોને મળેલી સફળતા અને ગાંધીગીરીના ફેલાયેલા જુવાળ પછી તેમણે સ્ટેજ પર ગાંધીજીને રજૂ કરીને ગાયબ કરવાનું શરૂ કર્યું અને ઠેઠ આ વર્ષ સુધી થયેલા શોમાં તે બતાવવાનું ચાલુ રાખ્યું હતું.

ગુજરાતમાં જે સમયે તેમણે કાયમી ધોરણે રહેવાનું શરૂ કર્યું ત્યારે મુખ્યમંત્રીપદે ચીમનભાઈ પટેલનો સૂરજ સોળે કળાએ ખીલેલો હતો. સોળ વર્ષ પછી પુનઃ સત્તા પ્રાપ્ત થઈ હતી એ પણ એક કારણ ખરું. બદલાયેલો સમય કહો કે તેની માંગ, જે કહો તે પણ લેખકો – કળાકારોને તેમણે પોતાની નજીક એક ચોક્કસ સ્થાન આપ્યું હતું. રાજ્ય સરકાર વતી કે.લાલનું નાગરિક સન્માન થયું ત્યારે તેમણે પોતાના મનની વાત જાહેરમાં મુકી કે – સરકાર જો જમીન આપે તો આ લુપ્ત થતી જતી જાદુકળાનો વારસો નવી પેઢીને સોંપવા માટે, તેને તાલીમ આપવા માટે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ખોલવાની તેમની નેમ છે.

બસ થઈ રહ્યું. આ જમીનની માગણી જાહેર કરી એ સાથે રાજ્ય સરકારે તેમની સાથે અંતર પાડી દીધું. અને પછી તો ચીમનલાલ સહિતની સરકારો વગર જાદુએ ફટાફટ ગાયબ થવા માંડી એટલે આખી યોજના ખોરંભે પડી ગઈ.

વિશ્વકોશમાં વ્યાખ્યાન
લાગે છે આ જમીનની માગણી કરવામાં લાલસાહેબે તેમની જાદુકળા જેવી જ ઝડપ કરી મુકી. તેમણે આવી માગણી 1992ને બદલે 2002માં કે 2012માં કરી હોત તો કંઈક બાત બનતી, એમ.ઓ.યુ થઈ શકત. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીમાં 9મી એપ્રિલ 2008ની સાંજે જાદુકળા વિશે વક્તવ્ય આપતા પણ તેમણે આ કળાના સંવર્ધન માટે સેવાયેલા સરકારી દુર્લક્ષની વાત ફરી એકવાર જાહેરમાં મુકી આપી હતી.

ખેર! જે નથી થઈ શક્યું તેનો અફસોસ નહીં. જે થયું તેનો આનંદ લેવો એ મોટી વાત છે. લાલસાહેબ પોતે આ ફિલસૂફીમાં માનતા. દેશ-દુનિયાના નામી-અનામી તમામ જાદુગરોનો અમદાવાદમાં એક છત્ર તળે મેળાવડો કરવાની અને એ નિમિત્તે જાદુકળાના અનેક પાસાંઓની નવેસરથી ચર્ચા આરંભવાની તેમની ઇચ્છા થોડા વખત અગાઉ જ ફળીભૂત થઈ. હજારો જાદુગરો અમદાવાદના આંગણે આવ્યા. લાલસાહેબે તે સૌને એ રીતે જ આવકાર્યા જેવા હોલમાં દર્શકોને આવકારતા અને ઘરમાં મહેમાનને.

અવસાનના ચોવીસ કલાક પછી 24મી સપ્ટેમ્બરની સવારે નીકળેલી તેમની સ્મશાનયાત્રા તેમના શો અગાઉ ટિકિટબારી છલકાતી હતી એ રીતે જ ચાહકો – શુભેચ્છકોથી છલકાતી હતી. હસ્તકલાના કળાકારોએ થલતેજના મુક્તિધામમાં પહોંચેલી સ્મશાનયાત્રામાં આવેલા ડાઘુઓના પાકીટ-મોબાઇલ પર હાથચાલાકીના અસલ કરતબ પણ અજમાવ્યા. બસ એ જોઈને તેમને સન્માર્ગે વાળી શકે તેવો અસલી કળાકાર અહીં ગેરહાજર હતો.

        હંમેશા મીઠો આવકાર આપતા લાલસાહેબને – કે.લાલને અલવિદા.

Thursday, September 20, 2012

પથ્થરના શિલ્પ નહીં, માનવીના જીવનના ઘાટ ઘડવા છે : કાન્તિભાઈ પટેલ


શિલ્પકાર કાન્તિભાઈ પટેલ

દાદા તમારા વિશે લખવું છે.
અત્યાર સુધી ઘણાએ મારા વિશે લખ્યું છે. છાપાંમાંય બહુ આવી ગયું. બાકી હતું તે આ તમે જ્યાં બેઠા છો એ શિલ્પભવનની જગ્યાનો મામલો સત્તાવાળાઓએ લેવા-દેવા વિના છાપે ચઢાવી દીધો. તમે હવે નવું શું લખશો? હું હવે ત્યાગીની ભૂમિકામાં આવી ગયો છું. મારા બનાવેલા શિલ્પો પાછળ પણ છેલ્લા થોડા વર્ષોથી મેં મારું નામ કોતરવાનું બંધ કર્યું છે.

હા, એ ખરું પણ મારે તો તમારા કામ – કારકિર્દી અને જીવન વિશે મારા બ્લોગ પર લખવું છે.
બ્લોગ? એ વળી શું?
તેમના આ પ્રશ્નનો જવાબ આપવામાં ચાર મહિના વીતી ગયા. અમદાવાદમાં ટેક્સ્ટાઇલ મિલમાલિકોના સંગઠન આત્માના / Ahmedabad Textile Mills’ Association / www.atmaahd.com કાર્યાલય સાથે સંકળાયેલા અભિનવ શુક્લ અને તેમના કેટલાક સમવયસ્ક મિત્રો આસ્વાદ નામે બેઠકનું આયોજન કરે છે. દર મહિનાના છેલ્લા રવિવારની સવારે સંસ્થાના હોલમાં મળતી બેઠકમાં લેખક – કવિ – કળાકાર – વિચારક – કર્મશીલ મિત્રોને આમંત્રી તેમની વાત સાંભળે અને એ પછી પરસ્પર વિચારોનું આદાનપ્રદાન પણ થાય. આવી જ એક બેઠક એપ્રિલ મહિનાના છેલ્લા રવિવારે 29મી તારીખે શિલ્પકાર કાન્તિભાઈ / Kantibhai Patel Sculptor સાથે ગોઠવાઈ. આસ્વાદના નેજા હેઠળ અગાઉ થયેલી બેઠકો કરતા આ મુલાકાત જુદી એ રીતે હતી કે અહીં આમંત્રિત મહેમાન પોતે યજમાનની ભૂમિકામાં હતા. કાન્તિભાઈની ઉંમરનું કારણ તો ખરું જ પણ એથીય વિશેષ તેમના કામને જોઈ શકાય એ હેતુથી સભ્યોએ તેમના ઘર-કમ-સ્ટુડિયોની મુલાકાતે જવાનું જ નક્કી કર્યું.

ચીકુવાડીમાં 'આસ્વાદ' બેઠક અને કાન્તિદાદાની વાતો
એક સમયે અમદાવાદની / Ahmedabad ભાગોળે ગણાતા પણ હવેના મેગાસિટીમાં તો શહેર મધ્યે આવી ગયેલા ચાંદલોડિયા ગામમાં તળાવની સામે આવેલું તેમનું ઘર આસપાસના લોકોમાં ચીકુવાડી તરીકે પ્રખ્યાત છે જેનું સત્તાવાર નામ છે શિલ્પભવન’.

એપ્રિલ – 2012ના એ રવિવારની સવારે કાન્તિભાઈએ પહેલો પુરુષ એક વચનમાં મુલાકાતી મિત્રો સાથે ખૂબ વાતો કરી. સવાલ-જવાબ પણ થયા. છેલ્લે પરસ્પર પરિચય કેળવાયા પછી વાત અહીં આવીને અટકી - મારે તમારા વિશે લખવું છે અને બ્લોગ? એ વળી શું?

મને થયું કે આ બ્લોગ એટલે શું તે સમજાવવાની નહીં પણ દેખાડવાની બાબત છે – જરૂર છે. બીજી મુલાકાતમાં તેમના થોડા જૂના ફોટા લઈ આવ્યો હતો તે પરત કરતી વેળાએ લેપટોપ અને ઇન્ટરનેટ કાર્ડ સાથે તેમના સ્ટુડિયો પર પહોંચ્યો. ફરી પાછો એ જ સવાલ...મારે તમારા વિશે લખવું છે. બ્લોગ પર. ચાલો સમજાવું...ના...ના...ચાલો બતાવું.

જુઓ દાદા, આ મારો બ્લોગ છે – હરતાંફરતાં એનું નામ. ઇન્ટરનેટનું એક માધ્યમ છે. તમારા વિશે લખાયેલી વાતને દુનિયાની કોઈ પણ વ્યક્તિ વાંચી – જોઈ શકે, દુનિયાના કોઈ પણ છેડેથી. છાપાં – મેગેઝિનોમાં તમારા વિશે લખાયું એ તો વંચાઇને પસ્તી થઈ ગયું. ક્યાંક છૂટુંછવાયું સચવાયું હશે તેની ના નહીં પણ આ અહીં લખાશે તે લાંબુ ટકશે. અનંતકાળ સુધી.

એમ?”…“હા, હું અને તમે નહીં હોઇએ ત્યારે પણ એ વંચાતુ રહેશે.
ભાઈ, એવું ના બોલશો.
જુઓ દાદા, આ રહ્યો બ્લોગ. છેલ્લું લખાણ હમણાં ગયા અઠવાડિયે અવસાન પામેલા ડૉ. વર્ગીસ કુરિયન વિશે છે. તેમની ગુજરાતીમાં અનુવાદિત આત્મકથાના અમદાવાદમાં યોજાયેલા વિમોચન પ્રસંગે લેવાયેલી થોડીક તસવીરો એ સાથે મુકી છે.

મેં એમની પ્રતિમા બનાવી હતી. આણંદથી અમૂલ ડેરીના એક મોટા અધિકારી મારું નામ સાંભળીને સ્ટુડિયો પર મળવા આવ્યા. ડેરીના મકાનમાં તેમની હયાતીમાં જ પ્રતિમા મુકવાનો નિર્ણય લેવાયો હતો. મેં કામ તો સ્વીકારી લીધું પણ સાથે સાથે કહ્યું કે કુરિયન સાહેબે મારી સાથે બેઠક (કળાકારની ભાષામાં સિટીંગ લેવા) કરવી પડશે. માત્ર ફોટા આપી દેવાથી કામ નહીં થાય.”…..“પછી?

ડૉ. કુરિયન : એકદમ જેન્ટલમેન
કામકાજની રીતે અતિ વ્યસ્ત હોવા છતાં તેમણે મારા માટે સમય ફાળવ્યો. અરે સમય શું ફાળવ્યો...મારી સાથે ઘણી બધી વાતો કરી. મૂળ તો હું ય તેમના પંથકનો જ ને...સોજીત્રા મારું વતન. અમદાવાદથી મને પૂરા માન-સન્માન સાથે બોલાવ્યો. ડેરી બતાવી અને ભાવભરી વિદાય આપી. મારા કામથી પણ રાજી થયા હતા. એકદમ જેન્ટલમેન.

દાદા, તમારું કામ જ એટલું વિશાળ – ગંજાવર છે કે રાજી ના થાય એની તબિયત તપાસવી પડે.

આ જુઓ, બ્લોગનો બીજો લેખ. એ મારા દિવંગત મિત્ર ડૉ. કલ્પેશ શાહ વિશે છે.
દિવંગત? ફોટામાં તો યુવાન લાગે છે. શું થયું હતું?
તેણે જાતે જ તેની જિંદગી ટૂંકાવી દીધી હતી – આત્મહત્યા. વીસ વર્ષ થયા એ ઘટનાને.
અરેરે...જાણી બહુ દુઃખ થયું. મને મળ્યા હોત તો એમ ન કરવા દેતો. એ માર્ગેથી પાછા વાળતો. અફસોસ...આપણે થોડા વહેલા મળ્યા હોત...
એમ? તમે મારા એ મિત્રને જીવાડી શક્યા હોત?
અરે હા ભાઈ. એ જ તો ખરું કામ છે આ જીવનું. એટલું ય ન કરી શકીએ તો શા ખપનું? મેં ઘણાને એ રીતે આપઘાતના માર્ગેથી પાછા વાળ્યા છે. માત્ર અહીંના નહિ, પરદેશના ય દાખલા છે. તેમની ગમે તે મુશ્કેલી – સમસ્યાઓ હોય. હું માર્ગ કાઢી આપું. જીવનને નવી દિશા અને જીવને નવો ઘાટ ઘડી આપું. બાકી પ્રતિમા બનાવવી એ તો મારા માટે બાયપ્રોડક્ટ છે.

કૌટુંબિક ભત્રીજી જયશ્રીબહેન સાથે સ્ટુડિયોમાં શિલ્પકાર કાન્તિભાઈ 
હા, તો આ કાન્તિભાઈની વાત છે. શિલ્પકાર કાન્તિભાઈ પટેલની. જેમના સાદગીભર્યા જીવનમાંથી ગાંધીજીની છાંય જોવા મળે તેવા અને શિલ્પકળા માટે સરદાર વલ્લભભાઈ પટેલના હાથે સુવર્ણચંદ્રક સન્માન પામેલા કાન્તિભાઈ બળદેવભાઈ પટેલ ઉંમરની (જન્મ: 1 જુલાઈ 1925) રીતે હવે નેવુંની નજીક છે. પણ તેમનો જોસ્સો સરદારના હાથે સન્માન પામેલી વ્યક્તિનો હોવો જોઇએ એવો જ છે – એક દોરો પણ આઘોપાછો નહીં. કામકાજની રીતે સક્રિય છે પરંતુ મૂળ રસ છે કોઈકના ખપમાં આવવું. સમસ્યા હોય તો દૂર કરી આપવી. તેની સાથે ડાયલોગ કરવો જેની આજના જમાનામાં સ્વજનો પાસેથી પણ અપેક્ષા રાખી શકાતી નથી. પરિવારની રીતે એકલા એવા તેમને કૌટુંબિક ભત્રીજી જયશ્રીબહેનનો સાથ છે જેઓ તેમની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

એવોર્ડ સાથે ઉષ્માભર્યો આવકાર, પદ્મ શ્રી સન્માન (30 જૂન 2004)
બે એકર જગ્યામાં ફેલાયેલા સ્ટુડિયો માટે પણ તેમની ભાવના એક ત્યાગીની હોય તેવી જ છે. એટલે તો ખુદની હયાતી ન રહેતા આ જગ્યા કેન્દ્રિય લલિત કળા અકાદમીને ફાળે જાય અને ભવિષ્યમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થાય તેવી માત્ર ઇચ્છા જ નહીં, પાકી ગોઠવણ કરી લેતાં એ માટેની કાયદાકીય પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. બાકી આજના બજારભાવે લગડી જેવી ગણાય તેવી આ જગ્યાને અંકે કરી લેવા સ્થાનિક સત્તાવાળાઓએ કાવાદાવા કરવામાં કોઈ કચાશ રાખી નહોતી – છાપે નામ ચઢે ત્યાં સુધીની. એટલે થતું એવું કે એક દિવસે છાપામાં તેમને રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના હસ્તે પદ્મ શ્રી સન્માન અપાયાના ખબર હોય અને બીજે દિવસે આ કહેવાતી પ્રોપર્ટીના વિવાદોના સમાચારની સનસનાટી હોય. એવી પ્રોપર્ટી જેના પરત્વે એમને ખુદને કોઈ આસક્તિ રહી નથી. આસક્તિ રહી છે તો માત્ર એટલી જ કે જગ્યા કોઈ કપાત થયા વગર લલિત કળા અકાદમીને / Lalit Kala Akademi / www.lalitkala.gov.in મળે. એ પણ થયું. ડૉ. કલામ અને રાષ્ટ્રપતિ ભવનની દરમિયાનગીરીથી એ શક્ય બન્યું.

અમદાવાદની Must અને મસ્ત વિઝિટ
સાઠ ઉપરાંત વર્ષોથી લાગલગાટ ચાલી આવતી શિલ્પકાર તરીકેની તેમની કારકિર્દીનો આલેખ કરવા અલગથી લેખ કરવો પડે. એ ફરી ક્યારેક. બાકી ચાંદલોડિયા-અમદાવાદ સ્થિત તેમના આ સ્ટુડિયોની મુલાકાત એક વાર તો કરવા જેવી છે. કળાના ચાહક હશો તો ઘણું-ઘણું પામશો એની ગેરન્ટી અને નહીં હો તો...તો...ચીકુવાડીના ચીકુ તો પામશો જ પામશો એની ડબલ ગેરન્ટી.