પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, July 30, 2013

સુરેન્દ્ર સાકરલાલ મોદી : વિદેશમાં વિદાય પામનારા પહેલા પરિવારજન

સુરેન્દ્ર સાકરલાલ મોદી / Surendra Sakerlal Mody
03-12-1927થી 26-07-2013

અમેરિકામાં બે દીકરીઓ અને બે પુત્રોના હર્યા-ભર્યા પરિવાર સાથે બે દાયકાથી વસવાટ કરતા સુરેન્દ્રકાકાનું મિશિગન સ્ટેટના લાન્સિંગ શહેરમાં શુક્રવાર 26 જુલાઈ 2013ની નમતી બપોરે 86 વર્ષની વયે અવસાન થયું. 3 ડિસેમ્બર 1927ના રોજ ગોધરા (પંચમહાલ જિલ્લો)માં જન્મેલા તેઓ છ ભાઈઓમાં સૌથી મોટા અને પાંચ બહેનો સાથેના પરિવારમાં ત્રીજા નંબરે હતા. ઉર્મિલાકાકી સાથેનું તેમનું લગ્નજીવન છ દાયકા ઉપરાંતના સમયગાળાનું રહ્યું તેવું ગણતરી કર્યા વગર બહુ સહેલાઇથી કહી શકાય.

તેમના વિશે લખતાં આ ‘દાયકો’ શબ્દ વિશેષ મહત્વનો છે. કેમકે પંચમહાલ જિલ્લાના / Panchmahal District પ્રથમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ / Chartered Accountant તરીકે જેમની ઓળખ બહુ ગૌરવપૂર્વક અપાતી હતી તે સુરેન્દ્ર સાકરલાલ મોદીની / Surendra Sakerlal Mody ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી પાંચ દાયકા ઉપરાંતના વર્ષો સુધી વિસ્તરેલી હતી. પિતરાઈ ભાઈ હોવા સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી ધરાવતા હસમુખ ઓચ્છવલાલ મોદી સાથે મળીને ગોધરામાં / Godhra સ્થાપેલી ‘મોદી એન્ડ મોદી કંપની’ની / Mody & Mody Co. – Chartered Accountants કામગીરી પણ એ રીતે પાંચ દાયકા સુધી વિસ્તરેલી અને એમ ગણતા તે લાંબામાં લાંબા સમયગાળા માટે ચાલેલી ભાગીદારી પેઢી ગણાતી હતી.

સુરેન્દ્રકાકા મારા પિતા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Late Praful Modi)ના માસીયાઈ ભાઈ અને એ રીતે મારા કાકા થતા હતા. અમેરિકાને કાયમી ઘર બનાવ્યું તે પહેલાં વતન ગોધરામાં જ રહેતા હતા. મારા ખુદના બા-દાદા ગઈ સદીમાં એંસીના દાયકાના પ્રારંભે અવસાન પામ્યા પછી પાલીમાસી – સાકરમાસાનું (સુરેન્દ્રકાકાના માતા-પિતા) ઘર જ જાણે અમારું ઘર હતું. એકવાર મેં તેમને પૂછ્યું હતું કે...
આ તમારા બંગલાની બહાર પાર્વતી નામની પ્લેટ કેમ લગાવી છે?
અલ્યા...એ મારી બાનું નામ છે.
એમનું નામ તો પાલીમાસી છે.
એ તો આપણે બધા એને લાડમાં કહીએ છીએ. બાકી સાચું નામ તે પાર્વતી...પાર્વતી સાકરલાલ મોદી / Parvati Sakerlal Mody.

‘પાર્વતી’ બંગલો જ્યાં બંધાતો એ જગ્યાએ એ સમયગાળામાં આવી પહોંચેલા કોઈ આગંતુકનો બાંધકામની દેખરેખ રાખતા સાકરમાસા / Sakerlal Maganlal Mody સાથે થયેલો આ ડાયલૉગ પણ માણવા જેવો છે...
કાકા...હવે તમારી ઉંમર થઈ છે. શીદને અહીં આવો છો. કામ તો એની રીતે થતું જ રહેશે અને બંગલો ય બંધાશે.
અરે તમે લોકો ધાર્યું કામ ન કરો તો રૂપિયા તો સુરેન્દ્રના ઓછા થાય ને? હું એનો બાપ છું તે એટલું ય ધ્યાન ના રાખી શકું?”…“હું આવીશ પણ ખરો અને માથે ઊભો રહીને તમારી પાસેથી કામ પણ લઈશ.

મારા પપ્પા બૅન્કમાં કામ કરતા હતા. ગામે-ગામ બદલી થાય. સુરેન્દ્રકાકાની કાયમી સૂચના રહેતી કે ‘પ્રફુલ, દિવાળી કરવા તો તારે ગોધરા જ આવી જવાનું. ઘર ખુલ્લું જ છે.’ ખરેખર જ, માત્ર શબ્દાર્થમાં જ નહીં...યથાર્થપણે તેમનું ઘર ખુલ્લું જ રહેતું...સદાયને માટે...કોઈ પણને માટે. મને યાદ જ નથી આવતું કે અમે તેમને કદી ઘરના ડ્રોઇંગરૂમમાં મળ્યા હોઇએ. કારણ કે એ પોતે જ ડાઇનીંગ ટેબલ પર બેઠા હોય. સંતાનો પાસે જઈ કાયમી ધોરણે અમેરિકામાં રહેવાનું સ્વીકાર્યું તેના છેલ્લા વર્ષોમાં તો એવું થતું કે ઘરમાં તેઓ અને ઉર્મિલાકાકી / Urmila Surendra Mody બે જ વ્યક્તિ હોય...પણ જમવાની થાળી છ જણની પીરસાતી હોય.

પપ્પા અને સુરેન્દ્રકાકા મળે એટલે એક ઉઘરાણી અવશ્ય થાય. નવી ચલણી નોટોની / Fresh Currency Notes. બૅન્કમાં કામ કરતા ભાઈ પાસેથી નવી નોટો મળે એ તેમની સહજ અપેક્ષા. પપ્પા નોકરીમાં રહ્યા ત્યાં સુધી નવી નોટોની સપ્લાય લાઇન ચાલુ રહી. બે રૂપિયાની નવી નોટના બંડલથી શરૂ થયેલો એ ક્રમ દસ રૂપિયાની નોટના બંડલ સુધી ચાલ્યો. ઉંમરમાં ઘણા નાના એવા મને તેમની અને પપ્પાની વચ્ચે થયેલો એક ડાયલૉગ બરાબર યાદ છે. પપ્પાએ પૂછ્યું હતું...
સુરેન્દ્રભાઈ...આ નવી નોટોનું તમે કરો છો શું? કહો તો ખરા.
પ્રફુલકાકા...આ પાલીબા છે ને તે રિક્ષામાં રોજ મંદિરે જાય. ભાડું આપવા અને છૂટાની માથાકૂટ ટાળવા આ બે રૂપિયાનું બંડલ તેને આપી રાખું. રોજ આવતાં-જતાં તે બે નોટ વાપરે. દાન-ધરમેય કરે. ખૂટે એટલે મને કહે તે પાછું હું નવું બંડલ આપું અને તારી પાસે નવેસરથી ઉઘરાણી ચાલુ રાખું. હા, સાકરમાસા સાથે પિતરાઈ ભાઈના એક સગપણે સુરેન્દ્રકાકા પપ્પાને ક્યારેક ‘પ્રફુલકાકા’ કહેતા અને ઉર્મિલાકાકી ‘સુધાકાકી’ એમ કહીને એમાં સાથ પુરાવતા. એ વખતે રિક્ષાનું મિનિમમ ભાડું બે રૂપિયા હતું. પાંચ રૂપિયા થયું તો પાંચના બંડલની આપ-લે તેમની વચ્ચે થવા માંડી.

જો કે પછીથી આ કડાકૂટનો ય અંત લાવવા તેમણે પાલીબાને રિક્ષા જ બાંધી આપી હતી. મહિનો થાય ને રૂપિયા ચૂકવી આપવાના. અહીં સુધી વાંચનારને અને સુરેન્દ્રકાકાને અંગત ધોરણે નહીં ઓળખનારને સહજ પ્રશ્ન થાય કે...‘ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે ધીખતી પ્રૅક્ટિસ ધરાવતા તેમની પાસે ઘરની ગાડી નહોતી?’ પ્રશ્ન થવો વાજબી છે અને એનો જવાબ પણ એવો વાજબી જ છે કે...‘ના.’ તેમની એવી દલીલ રહેતી કે...તો પછી ગામનો ભાડાની ગાડીવાળો ક્યારે કમાશે? વરસના વચલે દહાડે ગામની બહાર નીકળવું હોય એના માટે ગાડી / Car વસાવવાની શું જરૂર છે? આજે 2013માં પાંચ-સાત-પંદર હજારના પગારદારોને પણ ઘરના સ્કૂટર-ગાડી લઇને હડિયાપાટી કરતા – પેટ્રોલના ધૂમાડા છોડતા જોઉં છું ત્યારે મને કારકિર્દીનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હોવા છતાં ગોધરા ગામમાં સુવેગા મોપેડ / Suvega Moped પર ઘરેથી ઑફિસે જતા સુરેન્દ્રકાકા અચૂક યાદ આવે છે. મને લાગે છે આ તેમનું વિઝડમ હતું – ડહાપણ હતું.

તેમની સાથેનો એક પ્રસંગ મારાથી ભૂલાતો નથી તે આ. પાસપોર્ટ / Pass Port માટે જન્મનો દાખલો / Birth Certificate નવેસરથી મેળવવા હું ગોધરા ગયો હતો. પપ્પાએ તેમનું આવકવેરાનું રિફન્ડ ઑર્ડર / Income Tax Refund Order લાવવાનું કામ પણ સોંપ્યું હતું. એ માટે સુરેન્દ્રકાકાને ઑફિસે ફોન કર્યો. મને કહે...‘આવકવેરા કમિશનર / Income Tax Commissioner નવા આવ્યા છે તે મને રિફન્ડ ઑર્ડર આપતા નથી. તું પ્રફુલનો દીકરો છું એવી કોઈ સાબિતી સાથે હોય તો એ લઇને મારી ઑફિસે કે સીધો આવકવેરા ખાતાની ઑફિસે આવી જા. ત્યાં જ મળીશું.’ જન્મનો દાખલો મારી પાસે હતો જ તે હું પહોંચી ગયો. રિફન્ડ ઑર્ડર અપાવ્યા પછી કમિશનરની સાથે જ એ તેમની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. સુરેન્દ્રકાકાના ઑફિસ ક્લાર્કને જાણતા કમિશનરે તેનાથી બમણી ઉંમરના કાકાને કારના દરવાજા સુધી પોતાની ઑફિસબેગ લઈ લેવા ઇશારો કર્યો. ગુસ્સે થયા વગર જ તેમણે કમિશનરને સુણાવ્યું કે...મારા ઑફિસ ક્લાર્કને મેં આજ દિન સુધી હાથમાં ફાઇલ પણ પકડાવી નથી. મારા વડીલ છે એ તો જાણે સમજ્યા પણ તમારા માટે તો એ બાપની ઉંમરના છે. મને લાગે છે એમ નહીં...આ જ એમની ખુમારી હતી.

કન્સીલ્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ સૌ પ્રથમ તેમના નવા બંધાયેલા બંગલામાં જોયું હતું અને ત્યારે એ નવી નવાઈનું લાગ્યું હતું એ મારે કબૂલવું જોઇએ. એમ તો મારે એક પણ સગી બહેન નથી. પણ ભાઈ તરીકે મારે કોઈ સક્રિય ભૂમિકા ભજવવાની થાય એવો પહેલો અવસર તેમણે જ મને આપ્યો હતો. દેવગઢ બારિયા / Devgadh Baria રહેતા ત્યારે ભાઈ-બહેનોમાં સૌથી મોટા મીનાબહેનનું / Meena Surendra Mody સગપણ બારિયાના રાજેશભાઈ ધારિયા / Rajesh Dharia સાથે કરવાનું નક્કી થયું. તેમના સગા ભાઈઓ મીનેષભાઈ / Minesh Surendra Mody કે પથિક / Pathik Surendra Mody વડોદરા ભણતા હોવાના કારણે કે અન્ય કારણોસર દેવગઢ બારિયા પહોંચી શકે તેમ ન હતા. વિવાહ પ્રસંગે ભાઈ તરીકે જે કંઈ વિધિ – વિધાન કે જવાબદારી નિભાવવાની હોય તે મારા ભાગે આવી એ અવસર મારા માટે ભૂલ્યો ભૂલાય નહીં તેવો છે. બીજા દીકરી પીનાબહેન / Pina Surendra Mody ઘરનું સુશોભન સારી રીતે કરતા એ જોયાનું યાદ છે. વ્યવસાયે ડૉક્ટર એવા દિનેશભાઈને / Dr. Dinesh Shah પરણેલા પીનાબહેન તેમની મદદથી જ સુરેન્દ્રકાકાના સ્વાસ્થ્યની છેવટ સુધી કાળજી રાખવાને સક્ષમ બન્યા એમ કહું – લખું તો ખોટું નહીં.


આયુષ્યના છેલ્લા વર્ષોમાં પાર્કિન્સન્સથી / Parkinson’s પીડાતા સુરેન્દ્રકાકા સ્પષ્ટપણે બોલી શકતા નહોતા. ગયા વર્ષે પપ્પાના અવસાન પછી મમ્મી (સુધા પ્રફુલ મોદી / Sudha Praful Modi) અને મારી સાથે વાત કરવાની જીદે જ પરિવારજનોએ તેમના હાથમાં ફોન આપવો પડ્યો. ઉંમરમાં પોતાનાથી કંઈક નાનો ભાઈ ચાલ્યો ગયો અને પોતે પીડાઓ વેઠીને જીવી રહ્યા છે એવી ત્રૂટક શબ્દોમાં બોલાયેલી લાગણી સાથે ખૂબ રડ્યા. તેમનું રૂદન શમે એ પહેલાં તેમના માટે આંસુ સારવાનો વખત આવી પહોંચ્યો એ બહુ કઠે તેવું છે. વરસોના પસાર થવા સાથે વતન ગોધરામાં જવાના કારણો – પ્રસંગો સાવ જ ઘટી ગયા છે. એટલું નક્કી કે ‘પાર્વતી’ બંગલા / Parvati Bungalow પાસેથી પસાર થતી વખતે હવે કાળજું કઠણ રાખવું પડશે.

Saturday, July 20, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જૂન – 2011)


(જૂન – 2011)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે જૂન – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

બાબા રામદેવ
(Friday, 3 June 2011 at 06:09pm)
તોફાની જિદ્દી બાળકને ‘બાવો આવશે, પકડી જશે’ એવી બીક બતાવીને મા બાપ ડરાવતા હતા. બરાબર એવી જ રીતે બાબા રામદેવ નામનો બાવો કોંગ્રેસને ડરાવી રહ્યો છે. હા, એ બાળકની ઉંમર 125 વર્ષ છે એ જુદી વાત છે.
* * * * * * *

(Thursday, 9 June 2011 at 06:28pm)
યોગ આયુર્વેદનો પ્રચાર કરતા બાબા રામદેવની શારીરિક સ્થિતિની તપાસ ઉત્તરાખંડ સરકારે એલોપથી ડોકટરોના હવાલે કરી છે જેનો તેઓ ટાઢા પહોરથી આસ્થા ચેનલ પર વિરોધ કરે છે.
* * * * * * *

(Thursday, 9 June 2011 at 06:34pm)
અબજોની મિલકત, ફૂડપાર્કનો ધંધો, આયુર્વેદિક દવા બનાવવાની ધમધમતી ફેક્ટરીઓ, દાનમાં મળેલો પરદેશી ટાપુ, અગણિત ચેલાઓ, પ્રાઇવેટ પ્લેન અને પર્સનલ પાઇલટ. બાબા પછી શું કામ ઉપવાસ કરવા જોઇએ. શું તમને પ્લમ્બર પણ પર્સનલ જોઇએ છે. મળી જશે યાર. પહેલા ઉપવાસનું નાટક તો બંધ કરો.
* * * * * * *

(Friday, 10 June 2011 at 04:34pm)
પરદેશમાં ટાપુ ભેટમાં મળ્યો તેના કરતા દેશમાં મોટું મેદાન ભેટમાં મળ્યું હોત તો બાબા રામદેવને યોગ-શિબિરના આયોજન સિવાય ઉપવાસ પર બેસવા માટે પણ કામ લાગતું. જેણે ટાપુ ભેટમાં આપ્યો હોય તેની સાથે બાબાએ એક્ષચેન્જ ઓફરની ચર્ચા કરવી જોઇએ.
* * * * * * *

(*) તારક મહેતા
(Monday, 13 June 2011 at 01:03pm)
તારક મહેતાની મુલાકાતમાંથી : (તારક મહેતાની યોગેન્દ્ર પારેખે લીધેલી મુલાકાતમાંથી)
હાલ કયા ગુજરાતી લેખકોને વાંચો છો?
સર્જનાત્મક અંગ્રેજી વધારે. આપણા લેખકોમાં અખબારોમાં નિયમિત લખતાં ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, ઉર્વીશ કોઠારી, કાંતિ ભટ્ટ, અશોક દવે વિગેરેને અચૂક વાંચુ. આપણા કરતા વધારે જાણતા હોય તે સહુને વાંચું છું.
હાસ્ય લેખકોમાં કોણ પ્રભાવિત કરે છે?
અશોક દવે. ખૂબ લોકપ્રિય. ઉર્વીશ કોઠારી પણ. ઉર્વીશ વર્સેટાઈલ લેખક છે. ઊંડો ઉતરીને લખે છે.
જન્મભૂમિ જૂથના દૈનિક ‘કચ્છમિત્ર’ની પરાગ પૂર્તિ (બુધવાર, 8 જૂન 2011)
* * * * * * *

(Monday, 13 June 2011 at 07:06pm)
આસ્થાચેનલ પર ટાઇમ સ્લોટ ખરીદનારા તમામ બાવાઓ રામદેવને ઉપવાસના પારણા કરાવવા પહોંચ્યા હતા. એ સિવાયનું કોઈ નહીં.
* * * * * * *

(Thursday, 16 June 2011 at 03:03pm)
રવિવાર, 12 જૂનની રાત્રે અમદાવાદના ડ્રાઈવ-ઇન રોડ, હેલમેટ ટ્રાફિક બૂથના પોલીસે ગુજરાત સરકારના વાહનો માટેનું ખાસ પાસીંગ ('G' Series) ધરાવતી જીપને અટકાવી પૂછ્યું, ‘હરાજીમાંથી આ ગાડી ખરીદ્યા પછી હજી નંબર પ્લેટ કેમ બદલાવી નથી.’ દંડનો મેમો આપ્યો તે જુદો. સરકારી માલિકીનું વાહન ખરીદ્યા પછી આર.ટી.ઓ. માં નવેસરથી પાસીંગ કરાવી લેવાનો નિયમ છે. માત્ર નંબર જોઇને ગાડી અટકાવનાર અને તે સરકારી ગાડી નથી એવું જાણનાર ફરજનિષ્ઠ પોલીસને સલામ.
* * * * * * *

અન્ના હઝારે
(Friday, 17 June 2011 at 06:28pm)
સાદું ખરીદીનું બીલ નથી બનાવવાનું, લોકપાલ બીલનો ડ્રાફ્ટ ઘડવાનો છે. તો પછી અન્ના હઝારે અને તેમની ટીમને આટલી ઉતાવળ શીદને છે. હા, આ બાબતે મોડું જરૂર થયું છે પણ એ વિલંબને કવર કરવા ઉતાવળ કરવાની જરૂર નહિ. યાદ રાખો કે, મોડા પડ્યા પછી ઉતાવળ કરો તો અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે.
* * * * * * *

(Thursday, 23 June 2011 at 02:51pm)
અમારે ત્યાં પેનમાંથી પેન-ડ્રાઇવ બનાવી આપવામાં આવશે.
(આવા પાટિયા પણ ક્યારેક દુકાનો પર લાગશે એવા એકવીસમી સદીના બહુ ગવાયેલા આઇ-ટી ગુજરાતની રાહ જોતા...જોતા....)
* * * * * * *

(Thursday, 23 June 2011 at 05:51pm)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (ડિસેમ્બર2012) કે લોકસભાની ચૂંટણી (મે2014) માટે વફાદાર ઉમેદવારો શોધવા મુખ્ય તેમજ પરચુરણ રાજકીય પક્ષોએ બહુ કસરત નહીં કરવી પડે. ‘ફેસબુક’ની કેટલીક પ્રોફાઇલ તપાસવાથી, વફાદાર જ નહીં પૂંછડી પટપટાવે એવા પણ ઉમેદવારો મળી આવશે.
* * * * * * *

(Saturday, 25 June 2011 at 03:20pm)
બેઇજિંગ ચાઇનાથી આઠ વર્ષે અમદાવાદ આવેલા સિનિયર સિટીઝન દંપતીમાંના આન્ટીએ અપાર્ટમેન્ટના ચોથા માળની ગૅલરીમાંથી રસ્તે જતા એલ.પી.જી. સિલિન્ડર ડિલિવરીબોયને સિલિન્ડર માટે પૂછ્યું. પેલાએ ચોથે માળ સંભળાય એવી રીતે જ મોટેથી જવાબ આપ્યો – ‘બ્લેકમાં લેવાનો છે કે નોંધાયેલો’.
(આજે 25 જૂનની સવારની ઘટના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતા સૌ કોઇને અર્પણ)
* * * * * * *

(Sunday, 26 June 2011 at 03:05pm)
ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો વિમોચન કાર્યક્રમ (25 જૂનની સાંજે) પૂરો થયા પછી ભાઈકાકા હોલની સામી ફૂટપાથે મિત્રો ચા પીવા ભેગા થયા. પ્રણવ અધ્યારૂએ 100ની નોટ હાથમાં થમાવતા કહ્યું, સૌ મિત્રો વતી પૈસા ચૂકવી આપવા. ચા વાળા ભાઈએ ઇશારો કરી કહ્યું કે પેલા લાંબા વાળ વાળા ભાઈ (આશિષ વશી)એ ચૂકવી દીધા.
લોકપાલના અધિકારક્ષેત્રમાં વડાપ્રધાન આવે કે ન આવે પણ આવા પ્રામાણિક લોકોનો સમાવેશ ભૂલથી પણ ન થાય એ જોવા સિવિલ સોસાયટીને વિનંતી.
* * * * * * *

સીતારામ કેસરી : ભારતના વડાપ્રધાન?
(Sunday, 26 June 2011 at 03:10pm)
નરસિંહરાવ, વિશ્વનાથ પ્રતાપસિંઘ, ચરણસિંઘ, ચંદ્રશેખર, સીતારામ કેસરી સહિત તમામ વડાપ્રધાનોના ફોન ટેપ થતાં હોવાનું પુરવાર થયું છે ત્યારે પ્રણવ મુખરજી તો હજી પ્રાઈમમિનિસ્ટર ઇન વેઇટિંગ છે.
(દિવ્ય ભાસ્કર 26 જૂન 2011ની ‘Sunday’ પૂર્તિની કટાર પોઈન્ટ ઓફ ઓર્ડરમાં તંત્રી અજય ઉમટ)
સીતારામ કેસરી ક્યારે અને કયા દેશના વડાપ્રધાન હતા એ માહિતી જાણવામાં મને રસ છે.
* * * * * * *

(Monday, 27 June 2011 at 05:49pm)
અમદાવાદના આર્ટિસ્ટ વૃંદાવન સોલંકી આજથી છ દિવસના કળા પ્રવાસે એથેન્સમાં. ચેન્નાઈની પ્રક્રિત આર્ટ ગેલેરી આયોજિત આ આર્ટ ટુરમાં દેશના અન્ય 15 ચિત્રકારો જોડાયા છે જેઓ ત્યાંના જનજીવન વચ્ચે રહી સ્કેચીસ કરશે, કળા સંગ્રહસ્થાનો જોશે અને સ્થાનિક કળાનો પરિચય કેળવશે.
* * * * * * *

(Monday, 27 June 2011 at 07:43pm)
ફેસબુક પર મિત્રાચારી સિવાય કોઈના દોરવાયા આવ્યા હોય કે કોઈના વતી ચમચાગીરી કરતા હોય તેવા જનો માટે 'Add Friend'ની સાથે 'Add Philosopher' અને 'Add Guide' જેવા બટન પણ હોવા જોઈએ.
* * * * * * *

શુકનના સવા રૂપિયાની ખોટ
(Tuesday, 28 June 2011 at 05:51pm)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્ણય પ્રમાણે પાસે 25 પૈસાનો સિક્કો હોય તો એ વાપરી કાઢવા માટે હવે માત્ર 25 કલાક બાકી રહ્યા છે. 29મી જૂનની મધરાત વિત્યે આ સિક્કો બેન્ક અને બજારમાં સ્વીકારાવાનો બંધ થશે.
શુકનનો સવા રૂપિયોહવે કેમ કરીને આપશું?

અગાઉ આ મહિને અહીં મુકેલી જૂન – 2013 તેમજ જૂન 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/07/2013.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)