પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, February 25, 2012

મારો પણ એક બ્લોગ હોય.....


ગુજરાતી ટાઈપ કરતાં આવડતું હોય એવા મોટા ભાગનાઓને આવી ઈચ્છા થતી હોય તો લેખનના ક્ષેત્રમાં હોય એવા કયા જણને એ ન હોય? અને છતાંય કોઈ એમ કહે કે ‘ના, આવી ઇચ્છા નથી.’ તો? તો સમજવું કે એ જૂઠ્ઠું બોલે છે. પણ કેમ ખબર પડે કે એ જુઠ્ઠું બોલે છે? એની ખરાઈ શી રીતે કરવી? જૂઠાણું પકડી પાડતા લાઈ ડિટેક્ટર મશીનો/ lie detector machines ખૂબ જ મોંઘા આવે છે.
લાઈ ડિટેક્ટર? બહુ મોંઘા પડે! 
મારા – તમારા જેવા સામાન્ય માણસ માટે વસાવવા તો પહોંચ બહારના. અને વસાવ્યા પછીય કોને ખબર કે સતત વપરાશને કારણે એ બગડી ન જાય? એટલે અમુક પ્રકારના જૂઠ્ઠાણાં પકડી પાડવા માટે તો આપણી દેશી યુક્તિઓ જ કામ આવે. 
જેમ કે –એક આડવાતથી શરૂઆત કરું. જેમના હાથે મારું જીવન ઘડતર થયું તે રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya ને અમેરિકાના વિઝીટર વિઝા પ્રથમ પ્રયત્ને નહોતા મળી શક્યા. એ ઘટનાથી તે નાસીપાસ જરૂર થયા હતા, પણ સાથે જ બીજી વારના પ્રયત્ન તેમણે શરૂ કરી દીધા હતા.  1993-1994 આસપાસની આ વાત છે. પોતાનો આ અનુભવ તે કોઈ પરિચિત વ્યક્તિ આગળ વર્ણવી રહ્યા હતા. હું હાજર હતો. વાતવાતમાં એ બોલ્યા – ‘અમેરિકા જવાની ઇચ્છા કોને ન હોય? કોઈ ના પાડે તો સમજવું કે એ જૂઠ્ઠું બોલે છે.’ આ વાતને ત્યાર પછી મેં મારી બનતી કલ્પનાશક્તિ કામે વળગાડીને વ્યવહારમાં આગળ વધારી છે અને જૂઠાણું પકડવાનાં લગભગ સાચાં પરિણામ મેળવ્યાં છે. 
જેમ કે – લારી પર ભજીયાં કે સમોસાં ઝાપટનારો એમ કહે કે એને હોટેલમાં જમવા જવાનું પસંદ નથી, મોબાઈલના સ્ક્રીન પર ઈન્ટરનેટ સર્ફ કર્યા કરતો 'ટેકી' કહે કે મને લેપટોપ વાપરવું ના ગમે, આખો દિવસ બુકાની બાંધીને સ્કૂટર કે બાઈક પર આંટાફેરા માર્યા કરતો કોઈ ‘લડવૈયો’ કહે કે મને એરકન્ડીશન્ડ કારમાં બેસવું ના ફાવે, અક્ષય ખન્નાનો કોઈ આશિક એમ જણાવે કે મને અમિતાભ બચ્ચનનું પિક્ચર જોવું ના ગમે.....વગેરે. આ યાદી ઘણી લાંબી થઈ શકે, પણ અહીં જ અટકું. મોંઘા ભાવનું લાઈ ડિટેક્ટર મશીન ખરીદીને આપણે ક્યાં વસાવવાના? એટલે વિકલ્પે જૂઠ્ઠાણા પકડી પાડવાની આ સહેલી અને એક કરતાં વધુ ચાવીઓ છે.
આડવાતથી પાછો મૂળ વાત પર આવું.

"જોશીજી, આપ કહાં હો? મૈં ઈસ્તિફા દે રહા હૂં." 
બ્લોગ એટલે કમ્યુનિકેશનનું બળુકું માધ્યમ. કમ સે કમ બ્લોગરો તો આમ માનતા  હશે. ઘણા વખતથી મારા મનમાં એવી વાત રમતી હતી કે નજીક કે દૂર, દેશમાં કે દેશાવર બેઠેલા મિત્રો સાથે બ્લોગના માધ્યમથી ડાયલોગનો પ્રારંભ કરવો છે. આના માટે કમ્યુનિકેશન આધારિત કોઈ વિષય મળે તો વાત આગળ વધારું. અને થોડા સમયમાં એવો વિષય મળી પણ ગયો. એની વાત આગળ કરું જ છું, જે આજની પહેલી પોસ્ટનો મુખ્ય વિષય છે. 
લો મૈં આ ગયા! 
પણ એ પહેલાં એક એકરાર કરી લઉં. મને જાતજાતની હકીકતો, સમાચારો કે ચીજવસ્તુઓ વચ્ચે તાલમેલ બેસાડવાની જબરી મઝા આવે છે. આનું એક ઉદાહરણ. એક સમયના આપણા શિક્ષણપ્રધાન ડૉ. મુરલી મનોહર જોશી/ Dr. Murli Manohar Joshi ની રાજકીય કારકિર્દીના પાયામાં બીજું કોઈ નહીં, પણ 'કુખ્યાત' (કે ખ્યાતનામ) બોફોર્સ/ Bofors તોપ છે. દેખીતી રીતે આ વાત અસંબદ્ધ લાગી શકે, પણ હવે જુઓ તાલમેલની કમાલ. આઠમી લોકસભામાં અમિતાભ બચ્ચન/ Amitabh Bachchan ઉત્તર પ્રદેશની અલાહાબાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન અને મિત્ર રાજીવ ગાંધી/ Rajiv Gandhi ની સાથોસાથ બચ્ચનનું નામ પણ બોફોર્સ તોપના સોદામાં ખરડાયું. આ કારણે તેમણે પોતાની મુદત પૂરી થાય એ પહેલાં જ સંસદસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું. સ્વાભાવિકપણે જ એ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં ડૉ. જોશીએ ઉમેદવારી નોંધાવી. તેમનો વિજય થયો અને લોકસભામાં એ પહોંચી ગયા. થેન્ક્સ ટુ બીગ બી. બેઠો હવે તાલમેલ?
         ઉપરોક્ત એકરાર સંદર્ભે વધુ એક એકરાર કરી લઉં કે આગળ જણાવેલી કમ્યુનિકેશનનો વિષય મળવાવાળી વાત પણ આવી જ છે. તાલમેલથી ભરપૂર. ‘તાલ’ સાથેનો ‘મેલ’ આ મુજબ છે.
વરસોથી જેને આપણે જોતા આવ્યા છીએ એવી આપણી ટપાલપેટીની ડિઝાઇન હવે બદલાઈ ગઈ છે. નાના ગામમાં કે ઓછી વસ્તીવાળા વિસ્તારમાં નાની તેમજ મોટી નળાકાર ટપાલપેટી/ letter box આપણે જોઈ છે. એ પછી તેની સુધારેલી આવૃત્તિ જેવા લંબચોરસ પોસ્ટબોક્ષ આવ્યા. આ પ્રકારની ટપાલપેટી ઘણે ભાગે કોઈ પોસ્ટ ઑફિસની બહાર વધુ જોવા મળે છે. એ સિવાય પણ તે જોવા મળે છે ખરી. બન્ને પ્રકારની ટપાલ પેટી લોખંડ (એમ.એસ.) ના પતરાંમાંથી બનાવેલી હોય છે. પણ તેના ગેજમાં, બનાવટમાં દેખીતો ફરક છે, જે તસવીરમાં જોઈ શકાય છે. હા, તેના કદમાં, ક્ષમતામાં કદાચ કોઈ દેખીતો ફરક નથી.
 હરતાં ફરતાં હમણાં અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ/ Indian Institute Of Management ના નવા કેમ્પસ સામે આવેલી અંતરિક્ષ વિભાગના કર્મચારીઓ માટેની ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ કોલોની/ Department of Space Colony ની બહાર એક નવી, આધુનિક, ‘રંગે રૂડી, રૂપે પૂરી’ ટપાલપેટી જોવા મળી. ટપાલપેટીની આ અદ્યતન આવૃત્તિની બનાવટમાં મટીરિયલ સમૂળગું બદલાઈ ગયું છે. તે પરંપરાગત રીતે પતરાંની નહીં, પણ સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી હતી. નવા જમાનાના 'કેલરી કોન્શ્યસ' ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને તેને ‘સ્લીમ એન્ડ ટ્રીમ’ રાખવામાં આવી છે અને તેના કદમાં ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આનું કારણ કદાચ એ હશે કે હવે ટપાલ પોસ્ટકાર્ડ, અંતર્દેશીય કે કાગળ પર પેન વડે નહીં, પણ મોનીટર પર કી-બોર્ડની મદદથી લખાય છે અને ટપાલપેટીને બદલે પોસ્ટ થાય છે ઈનબોક્ષમાં.
આ નવી ડિઝાઇન કેવી રીતે આવી, તેના કોઈ ચોક્કસ માપ-નકશા કે ધારા-ધોરણ છે કે કેમ તે જાણવાનું મને કૂતુહલ થયું. પોસ્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીને ફોન કર્યો અને વિગત પૂછી. નવાઈની વાત એ હતી કે આ હકીકતની જાણ એમને પણ ત્યારે જ થઈ. આના વિશે સત્તાવાર હોય તેવી કોઈ માહિતી તેમની પાસેથી મળી ન શકી. ફોન વાતચીતમાં એક તર્ક એમણે એવો રજૂ કર્યો કે કોઈએ ખાનગી ધોરણે (અહીં અંતરિક્ષ વિભાગે) ટપાલપેટી બનાવડાવીને મૂકી હોય. ‘ભારતીય ટપાલ વિભાગમાં ખાનગી ધોરણે ટપાલપેટી બનાવડાવીને મૂકી શકાય એવી કોઈ જોગવાઈ છે?’ એવા મારા પ્રશ્નનો તેમની પાસે જવાબ નહોતો. આમ, પોસ્ટ વિભાગમાં ‘આસ નિરાસ ભઈ’ એટલે ગૂગલદેવનું શરણ શોધ્યું. 

ખાંખાખોળા કરતાં જાણ થઈ કે મુંબઈની પવઈ સ્થિત આઈ.આઈ.ટી./ I.I.T; Powai ના ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટર/ Industrial Design Centre ના એક વિદ્યાર્થી એસ. પાટીલ અને પ્રો. બી.કે. ચક્રવર્તીએ રીસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે એ તૈયાર કરી છે. કટાઈ જતા પતરાંને બદલે કાટપ્રતિરોધક સ્ટેનલેસ સ્ટીલ, તાળું પણ એનું જ, વીસેક વરસ સુધી મેન્ટેનન્સ ફ્રી આ ટપાલપેટીની ટોચે કાગળ નાંખવા માટેની બારી. ટોચે મૂકેલા પ્લાસ્ટિકના બોક્સની રચના એવી કે વરસાદનું પાણી ટપાલપેટીની અંદર રહેલા કાગળમાં ઊતરીને તેને પલાળે નહીં, બલ્કે પેટીની બહાર જ ટપકે. ટોચ પણ ઢાળવાળી હોવાથી ત્યાં પાણી ભરાઈ ન રહે અને વહી જાય. એક જ વિસ્તારની ટપાલપેટીઓ ખોલવા માટે અલગઅલગ નહીં, પણ એક જ પ્રકારની કોમન ચાવી.
આ ટપાલપેટીની ડિઝાઈન સપ્ટેમ્બર – 2005માં રજિસ્ટર કરવામાં આવી હતી અને 18 ઓક્ટોબર, 2005ના દિવસે નવી દિલ્હીમાં તેને લૉન્ચ કરવામાં આવી હતી.

તમામ પ્રકારની ટપાલપેટીમાં સામાન્ય હોય તેવી બાબત એ છે કે એ બધી સિમેન્ટ-કોંક્રિટના બેઝ પર જ ગોઠવાઈ છે. બોક્ષમાં ટપાલ નાખનારની સામાન્ય ઊંચાઈનો ખ્યાલ રખાયો છે, તેમ વાહન પર બેઠા-બેઠા પણ ટપાલ નાખી શકાય એવી અનુકૂળ ઊંચાઈ છે. દિલ્હીથી આ ટપાલપેટીને અમદાવાદનું અંતર કાપતાં સાતેક વરસ લાગ્યા છે, પણ બહુ ઝડપથી આપણને એ ઠેર ઠેર જોવા મળે એ શક્યતા દૂર હોય એમ લાગતું નથી. પછી જેવી મરજી ઉપરવાળાની.
* * * * * * * * * *
આ બ્લોગના નામકરણ અંગે કોઠારીભાઈઓ (બીરેન-ઉર્વીશ) સાથે ચર્ચા કરતાં પહેલી જ વારમાં આ નામ સૂઝ્યું, અને સર્વાનુમતે એ મંજૂર થઈ ગયું. કેમ કે, મારી નોકરી કે કામકાજના સ્થળ, પ્રકાર ભલે વરસોવરસ બદલાતા હોય, પણ એક બાબત સદાય એમની એમ રહી છે. અને તે એ કે અમદાવાદમાં હું હરતો-ફરતો રહ્યો છું. જરાય અતિશયોક્તિ વગર એમ કહી શકું કે ચારેકોર ફેલાયેલું આજનું 2012નું અમદાવાદ/ Ahmedabad મેં 1995માં જ જોઈ લીધું હતું – રજનીકુમાર પંડ્યાના ખર્ચે. કેવી રીતે? એની તાલમેલવાળી વાત ફરી ક્યારેક.
અમદાવાદ શહેરમાં કે અન્ય કોઈ પણ જગાએ હું મારા રસનું જે કંઈ જોઈશ, જાણીશ કે માણીશ તેમાં સૌને સહભાગી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ બ્લોગ શરૂ કરવા પાછળનો છે.

(નોંધ: ટપાલપેટીની તમામ તસવીરો: બિનીત મોદી. એ સિવાયની પ્રથમ ચાર તસવીરો નેટ પરથી લીધી છે, જેની પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે.)

36 comments:

 1. Pranavkumar Adhyaru25 February 2012 at 14:07

  ભાઈ બિનીત, ડેડ-લાઇન જેવું કંઈ નક્કી કર્યું છે?...જો એવું કંઈ હોય તો જણાવજે...એટલે તારી પાસેથી આ પ્રકારનું અને આ કક્ષાનું કામ લેવા માટે અમારે ક્યારથી - કેવા પ્રકારની - કઈ કક્ષાની ઉઘરાણી કરવી તેની સમજ પડે. :) બ્લોગ લખવાના શ્રી ગણેશ કરવા બદલ અભિનંદન...અને દરેક બ્લોગ-ધારકને આરતી ઉતારનારા તો મળી જ જતા હોય છે...પહેલી આરતી મારી ;)

  ReplyDelete
 2. ha..ha.. Modi No. 1 on blogosphere, with all his characteristics and eye for detailing.
  Bravo & Carry on, Doctor.

  ReplyDelete
 3. બીરેન કોઠારી25 February 2012 at 17:55

  અલ્યા, આ તો ઘરના જ ભૂવા છે અને ઘરનાં જ ડાકલાં! પ્રણવકુમારની આરતીમાં એક પૈસો આપણા તરફથી પણ ગણી લેજો.
  પોસ્ટના ડબલાનું જબરું પોસ્ટમોર્ટમ કર્યું! (કેવો તાલમેલ બેસાડ્યો!)

  ReplyDelete
 4. 'તાલ' અને 'મેલ'ની છેલ્લી વાતે મારો ઉત્સાહ વધાર્યો અને મારી પ્રાચીન તાલને (ટાલને, યાર, એટલી તો કવિછૂટ ચાલે) સ્વયંવરમાં ઉતારું છું
  મેં જોયું કે અહીં હજી ઘરના માણસો પણ નથી આવ્યા તે પહેલાં માંડવે આવી પહોંચ્યો છું. દૂધ કે આઇસક્રીમ આવી ગયાં હોય તો રાહ જોઉં.

  ReplyDelete
 5. ઉર્વીશભાઈ, બિરેનભાઈ અને તમે – તમારી ત્રિપુટી વેબજગતને ઘણું ઘણું સમૃદ્ધ બનાવશે એવી મને ખાત્રી છે. રજનીકાન્તભાઈ તો class by itself છે જ. તમને બધાને અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા.

  ReplyDelete
 6. જૂઠાણું, તાલ-મેલ વાંચીને હસવું આવ્યું અને પોસ્ટબોક્સ જોઈને અતીતનું જળ છલકાઈ આવ્યું સુંદર લેખ.

  ReplyDelete
 7. વાંચી ગયો.. માણ્યું. હરતાંફરતાં...લખતા રહેજો...

  ReplyDelete
 8. ભરત કુમાર26 February 2012 at 14:52

  બ્લોગનું શિર્ષક ગમ્યું,અને હા સાથે સાથે અવનવું જાણવા માટેનું એક સરનામું ઓર વધ્યું,એનો આનંદ છે.તમારી આ યાત્રા મસ્તી ભરી બની રહે,એ જ શુભેચ્છા.

  ReplyDelete
 9. Tamoro pan ek blog hovo joiye. Best wishes :)

  ReplyDelete
 10. લગે રહો બિનીતભાઈ...લેખ વાંચવાની મઝા આવી ગઈ....

  ReplyDelete
 11. wonderful. It was long awaited. I would like to suggest u to put typical Binit-shai photo stories here. U have very large collection of city snaps and u r having vision too. I m sure, it will be interesting. congratulation and all the very best.

  ReplyDelete
 12. Great Start....Lots of Best Wishes.....:-)

  ReplyDelete
 13. Congratulations Binitbhai and wishing you all the best in your new endeavor!

  ReplyDelete
 14. Congrats and Best of Luck Binitbhai!

  We have high hopes and expectations from you :)

  Keep it up....

  ReplyDelete
 15. બ્લોગનું શિર્ષક ગમ્યું,અને હા સાથે સાથે અવનવું જાણવા માટેનું એક સરનામું અભિનંદન !

  ReplyDelete
 16. બ્લોગ બદલ અભિનંદન. પહેલા ફેસબુક અને અહીં બ્લોગ પર આવીને સરસ તાલ-મેલ જમાવી લીધો.

  ReplyDelete
 17. good Binitbhai... I like your thoughts...

  ReplyDelete
 18. SALIL DALAL (TORONTO)28 February 2012 at 07:41

  અભિનંદન ભાઇ બિનીત.
  મારે તો જાતને જ ભાંડવાની છે. મારો બ્લોગ શરૂ કરવા ઉર્વીશે બે એક વરસ પહેલાં ઇન્ડીયા રહે રહે ફોનથી માર્ગદર્શન આપ્યું હતું. પણ એ હજી શરૂ કરી શક્યો નથી. (ભારતમાં નહીં રહેવાના ગેરફાયદાઓમાંનો આ સૌથી મોટો ગણી શકાય!)

  તારાં નિરીક્ષણો આગવાં હોય છે. એટલે પહેલી જ પોસ્ટમાં નવતર પોસ્ટબોક્સના પોસ્ટમોર્ટમ(?)ની પોસ્ટ તેં પોસ્ટ કરી એ જ બતાવે છે કે તારી પોસ્ટનો USP (એટલે કે યુનિક સેલીંગ પોસ્ટ) શું છે.

  વિગતે ભવિષ્યમાં લખીશ. પણ બ્લોગનું ટાઇટલ મને લગભગ ૪૦ વરસ પહેલાં લઇ ગયું. કેમ કે ૧૯૭૪થી ૧૯૭૯ સુધી અમારા પરિવારના સાપ્તાહિક ‘આનંદ એક્સપ્રેસ’માં ‘ફિલમની ચિલમ’ની સાથે સાથે “આણંદમાં હરતાં ફરતાં” પણ દર અઠવાડિયે લખતો હતો અને નમ્ર થયા વગર કહું તો એ અત્યંત લોકપ્રિય પણ હતી.

  આ તો તારા નિમિત્તે એકાદ વાત મારી પણ થઇ જાય એવો સાવ નિર્દોષ આશય.
  બીજું કશું નહીં.
  મળીએ.
  -સલિલ

  ReplyDelete
 19. 'ખરા દીલની શુભેચ્છાઓ'. સાલું, આટલું સીધું-સાદું શુભેચ્છા-વાક્ય લખવામાંએ મારા જેવા 'બુદ્ધીના બળદ'ને સત્તર વીચાર આવે! ખરા દીલની - શા માટે? દીલ થોડું વિચારે છે, દીલને શું ભાન પડે, પ્રાર્થનાઓ- અને શુભેચ્છાઓ ફળતી હોત તો મહેનત કરવાની જરૂર ખરી? scientific approach છોડીને romantic બનવું કે વૈકલ્પીક શબ્દ શોધવા !!

  ટુંકમાં હું એમ કહેવા માંગું છું, કે ના- મને બ્લોગની ઈચ્છા નથી અને હું જુઠ્ઠું નથી બોલતો! આવું-આવું પિષ્ટપેષણ કરનારે પોતાના બ્લોગ હોવા વીશે પિષ્ટપેષણ કર્યું જ હોય અને એમાં મને એ બહુ અઘરું કામ લાગ્યું છે. લખી નાખવું સહેલું હશે, તેને લોકો સુધી લઇ જવાની 'પ્રમોશન'ની કવાયત અઘરી છે. એવું અઘરું કામ કરવા બદલ અભીનંદન. આ તબક્કે અહીં મત આપનાર મીત્રોનો અભીપ્રાય જાણવા માંગું છું કે "ફેસબુક, જી-પ્લસ જેવા પોર્ટલ આવ્યા પછી પર્સનલ બ્લોગનું આકર્ષણ ઓછું થયું છે તેમ હું માનું છું. તમે શું માનો છો?"
  - કીરણ ત્રીવેદી

  ReplyDelete
 20. wish u all the best for ur new blog and the readers have one more fountain to satisfy their reading quest.

  ReplyDelete
 21. aanando.... Blog tamane to falashe ethi vishesh amane pan falavano eni khatari 6e!!!

  ReplyDelete
 22. બ્લોગ જન્મ દિન નિમિત્તે હાર્દીક શુભેચ્છા......
  લા...બુ આયુ ભોગવે એવી કામના .....

  ReplyDelete
 23. Jayant Meghani (Bhavnagar)24 March 2012 at 18:59

  પ્રિય બિનીતભાઈ,
  ગમી જાય એવાં નાવીન્ય અને તાજગી તમારી કલમમાં હાજરાહજૂર છે. આ લેખન-વહેણ અણખૂટ વહો એવી શુભેચ્છા.

  જયંત મેઘાણી (ભાવનગર)

  ReplyDelete
 24. Vipool Kalyani (Herrow, Middlesex, Britain)24 March 2012 at 19:08

  પ્રિય બિનીતભાઈ,
  કુશળ હશો. ભલે પધાર્યા. તમારું સહૃદય સ્વાગત.
  તમારા શબ્દોની તાકાત ભાળી છે. તમારી પાસે ફોટાનો ય કસબ છે. અને વળી વિનોદ ભર્યો ભર્યો છે. આ દરેકને હવે અહીં ફોરવાને તક મળશે.
  દોસ્ત, તમારા બ્લૉગને અંતરમનની શુભ કામનાઓ જ હોય. તમે વિસ્તરો અને ફૂલોફાલો.
  તમે ઘેર સૌ હેમખેમને? કામકાજ જણાવશો.

  સસ્નેહ,
  વિપુલ કલ્યાણીનાં વંદન
  (હેરો, મિડલસેકસ, બ્રિટન)

  ReplyDelete
 25. Jyoti Chauhan (Gandhinagar)24 March 2012 at 19:10

  Congrats and all the best !

  Jyoti Chauhan (Gandhinagar)

  ReplyDelete
 26. Binit Modi (Ahmedabad)25 March 2012 at 13:20

  સૌ મિત્રો,
  બ્લોગ પ્રારંભની પહેલી પોસ્ટ (25 ફેબ્રુઆરી 2012)ના પ્રતિભાવો માટે આભારી છું. મિત્રાચારીને વળોટી ગયેલા ‘ભાઈ’બંધો પ્રણવ – ઉર્વીશ – બીરેન પહેલી પોસ્ટના પ્રથમ પ્રતિભાવકો રૂપે પણ યાદ રહેશે.

  ધૈવત ત્રિવેદી – ફોટો સ્ટોરીઝ કરવાનું મન બનાવેલું જ છે. તમારા સૂચનથી બળ મળ્યું.

  સલિલભાઈ – તમને વાંચવું ગમ્યું એનો આનંદ તો હોય જ. એ નિમિત્તે તમારી પણ એક વાત જાણવા મળી, એય સંદર્ભવાળી એનો ઔર આનંદ.

  કીરણભાઈ – લખવા ઉપરાંતની પ્રમોશનની કવાયતને પ્રમાણી તે ગમ્યું. એટલું કહું કે તે જરાય અઘરી નથી. ફેસબુક, ગુગલ પ્લસ જેવા સોશિયલ નેટવર્કિંગ પોર્ટલ આવ્યા પછી વ્યક્તિગત બ્લોગનું આકર્ષણ ઓછું થયું કે કેમ તે જાણવા માટે પણ અત્યારના તબક્કે તો આ માધ્યમોનો જ ઉપયોગ કરવો પડશે.

  ફરીથી સૌ મિત્રો દીપક ધોળકિયા, માવજીભાઈ મુંબઈવાળા, પૂર્વી મલકાણ, ઉત્તમભાઈ ગજ્જર (સુરત), ભરતકુમાર (થાનગઢ, સુરેન્દ્રનગર), ધ્રુવા મીસ્ત્રી, અમદાવાદથી મૈત્રી શાહ – સત્યમ ઠાકર – ગૌરાંગ અમીન – રોશન રાવલ – દીપકભાઈ પંડિત – ખજિત પુરોહિત – દિવ્યેશ વ્યાસ, પ્રેરક શાહ (દુબઈ), રતીલાલ જાદવ, પરેશ પ્રજાપતિ (વડોદરા), જયંતભાઈ મેઘાણી (ભાવનગર), વિપુલભાઈ કલ્યાણી (ગ્રેટ બ્રિટન) અને જ્યોતિ ચૌહાણ (ગાંધીનગર)નો આભાર.

  બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 25 માર્ચ 2012

  ReplyDelete
 27. Welcome to blogosphere.. We will keep enjoying it. Congrats!

  ReplyDelete
 28. પ્રિય મિત્રો,
  25 ફેબ્રુઆરી 2012થી પ્રારંભેલા બ્લોગ ‘હરતાંફરતાં’ને ગઈકાલે એક વર્ષ પૂર્ણ થયું.
  પ્રથમ પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 25-02-2012 to 25-02-2013 – 980
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 29. અભિનંદન અને શુભેચ્છાઓ.

  ReplyDelete
 30. સૌ મિત્રો,
  બ્લોગ પ્રારંભના તેરમા મહિને અને ત્રેપન પોસ્ટના મુકામ પર આ બીજી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

  બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 18 માર્ચ 2013

  ReplyDelete
 31. કોમ્યુનિકેશનની વાત કરો અને મેગ્ડેબર્ગના પ્રેસને યાદ ન કરો; એ કેમ ચાલે?!
  -------------
  બ્લોગર...

  તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.

  માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો ….. અરે ! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!

  ReplyDelete
 32. આ લાઈવ ડીટેક્ટરમાં દારુ કે આલ્કાહોલ પીવડાવે. પછી તો રામ જાણે શું સાચું અને શું ખોટું?

  મુરલી મનોહર જોશી પાસે જોશ જોવડાવી તો કુવામાં પાણી આવે.

  રહી વાત ટપાલપેટીની.. હજી મેઘદુત પોસ્ટકાર્ડ ચાર આનાના જ છે. મેં છેલ્લે ૨૫૦ રુપીયામાં ૧૦૦૦ નંગ લીધેલ એ હજી થોડાક બચ્યા છે આ ટપાલ પેટીમાં નાખવા....આવા બે ત્રણ નમુના ફેસબુક અને બ્લોગ ઉપર મુક્યા પણ છે....

  ReplyDelete
 33. પ્રિય મિત્રો,
  25 ફેબ્રુઆરી 2012થી પ્રારંભેલા બ્લોગ ‘હરતાંફરતાં’ને આજે બે વર્ષ પૂર્ણ થયા.
  પ્રથમ પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 25-02-2013 to 25-02-2014 – 380

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 34. Congratulations................ :)

  ReplyDelete
 35. Generally these types of letter boxes are used Binitbhai... T.V. Type, Pillar Type C-3, C-4, C-5 (as per its size) Letter Boxes... Shared as an info. only & thank mixed congratulations for selection of subject..!!

  ReplyDelete