પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, July 27, 2012

અમદાવાદની આજકાલ : ‘સિટીઝન’ વગરનો ‘સિટીઝન’નો શો-રૂમ


ક્યાં છે સિટીઝન?


કેટલા વાગ્યા? કે શું સમય થયો?એવું હવે કોઈ પૂછતું નથી. રસ્તે ચાલતાં કે બસ – ટ્રેનમાં મુસાફરી કરતાં અચૂક પૂછાતા સવાલનો સમય વીતી ગયો છે. બેશક તેનો શ્રેય ટકે શેર વેચાતા થયેલા મોબાઇલને જ આપવો પડે. પરીક્ષામાં સારા માર્ક લાવશો તો કાંડા ઘડિયાળ કહેતાં રિસ્ટ વોચ / Wrist Watch લાવી આપશું એવું વચન આપતા વાલીઓનો જમાનો પણ વીતી ગયો છે. કાંડા ઘડિયાળ પહેરનારાની સંખ્યા વધે એ પહેલાં કમરે મોબાઇલ ઝુલાવવાનો જમાનો આવી ગયો. હવે એના ય વળતાં પાણી છે. હાથ પર કાંડા ઘડિયાળ નહીં, હથેળીમાં ટેબલેટ હોય એ એકવીસમી સદીમાં હયાત હોવાની નિશાની ગણાવા લાગ્યું છે.


કાંડે ઘડિયાળ પહેરવાનું ચલણ ભલે ઘટ્યું, ઘડિયાળના શો-રૂમ તો એના એ જ છે. બલકે એની સંખ્યા વધી રહી છે. એક સમયે અમદાવાદમાં / Ahmedabad ઘડિયાળ ખરીદવાનું એકમાત્ર સરનામું હતું ગાંધી રોડ અને ફર્નાન્ડિઝ પુલ પરની હારબંધ દુકાનો. ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન મશીન ટુલ્સ / Hindustan Machine Tools (એચ.એમ.ટી.) કંપનીનો ઘડિયાળ વેચાણનો ઓથોરાઇઝડ્ શો-રૂમ ભદ્ર સ્થિત પ્રેમાભાઈ હોલની / Premabhai Hall પડોશમાં હતો. વિદેશી બ્રાન્ડ – માર્કાની ઘડિયાળ ખરીદવા માગનારે કસ્ટમ નોટિફાઇડ શોપ કે દાણચોરીના માલ પર આધાર રાખવો પડતો. બીજો રસ્તો હતો પરદેશથી આવતા સ્વજન ભેટ-સોગાદ રૂપે ચકચકિત ઘડિયાળ આપણા માટે લેતા આવે તે. કાંકરિયા – જૂની પાઇલટ ડેરી પાસે આવેલા શ્રેયસ કો-ઓપરેટીવ સ્ટોર્સની દૈનિક અખબારમાં કાયમ જાહેરાત આવતી.....વિદેશી ઘડિયાળોનો નવો સ્ટોક આવી ગયો છેદોડો...દોડો...દોડો...’.


એ જાહેરાતમાં વિદેશી ઘડિયાળોના બ્રાન્ડ નેમ પણ લખવામાં આવતા. હવે સમય બદલાયો છે. દાણચોરીના માલ રૂપે આવતી કે કસ્ટમ નોટિફાઇડ શોપમાં વેચાતી એ વિદેશી ઘડિયાળોના શો-રૂમ જ હવે અમદાવાદની ધરતી પર આવી ગયા છે. નદીપારના અમદાવાદના આશ્રમ રોડ, સી.જી. રોડ કે નવરંગપુરા જેવા પોશ વિસ્તારોમાં આ વિદેશી બ્રાન્ડના શો-રૂમ હોય તે પણ જૂની વાત થઈ ગઈ. એ શો-રૂમ આગળ વધીને સેટેલાઇટ અને સરખેજ-ગાંધીનગર હાઇવે સુધી પહોંચ્યા છે.

ઓ.કે. પણ ગ્રાહક રાજ્જા / Customer ત્યાં પહોંચ્યો છે ખરો? જવાબ છે.....ના. પોસ્ટ સાથેની તસવીર જોશો તો સમજાશે કે સમય દર્શન કરાવતા શો-રૂમમાં ગ્રાહકના દર્શન દુર્લભ છે. કારણ, કાંડા પર ઘડિયાળ પહેરવાનો જમાનો જ જૂનો થઈ ગયો પછી નવી ઘડિયાળો વેચાય ક્યાંથી?.....

.....તો પછી આ ભપકાદાર શો-રૂમ લઇને બેઠેલા લોકોનો સમય / Time કેવી રીતે પસાર થતો હશે? એવો સવાલ થાય તો જવાબ છે સમય જોઇને’.

Saturday, July 21, 2012

અમદાવાદની આજકાલ : સીટી બસનું બસ સ્ટેન્ડ – ‘એની સુગંધનો દરિયો’એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ : એની સુગંધનો દરિયો


શહેરના નાગરિકોને સ્થાનિક વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડતી એ.એમ.ટી.એસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) / Ahmedabad Municipal Transport Service અવારનવાર માધ્યમોમાં સમાચાર બની ચમકે છે. ભાગ્યે જ એવો કોઈ દિવસ પસાર થતો હશે કે તેના નામનું સમાચારનું ચોકઠું અખબારના પાને ન હોય. અમદાવાદની આજકાલમાં / Ahmedabad આજે સીટી બસ નહીં તેનું સ્ટેન્ડ ચર્ચાના કેન્દ્રમાં છે.

અગાઉ એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ એટલે લાલ દરવાજાનું / Lal Darwaja સેન્ટ્રલ બસ સ્ટેશન એવી વ્યાખ્યા હતી. કેમ કે ગામમાં ઠેર – ઠેર લોખંડના પાઇપ માથે પાટિયું મારીને ઊભા કર્યા હતા એ તો બસ સ્ટોપ હતા. હવે એવા બસ સ્ટોપ બહુ ઓછા રહ્યા છે. હવે જે છે અથવા શહેર વિસ્તરતાં નવા વિસ્તારોમાં ઊભા થઈ રહ્યા છે એ બધાં બસ સ્ટેન્ડ જ છે.

લોખંડનું માળખું (ઑલ સ્ટીલ ફ્રેમ), છત પર સિમેન્ટ મટીરિયલનું છાપરૂં અને બસ સેવાના સંભવિત મુસાફરને બેસવા માટે લાકડાનું પાટિયું હોય એવી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ડિઝાઇન હવે જૂની થઈ ગઈ. અત્યારે જોવા મળે છે અથવા આ પોસ્ટ સાથેના ફોટામાં જોઈ રહ્યા છો તે તો બસ સ્ટેન્ડની આધુનિક ડિઝાઇન છે. જેને શહેર સ્થિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન’ / National Institute of Design દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સંસ્થાના સ્થાપનાકાળથી લઈને આજ સુધી તેના કામકાજ, રાષ્ટ્રનિર્માણમાં તેણે આપેલા ફાળા અને ડિઝાઇન ક્ષેત્રે તેમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પ્રદાનની પણ જાત-ભાતની વાતો વહેતી કરવામાં આવે છે. સારું છે. જો કે આ બસ સ્ટેન્ડની ડિઝાઇન કરવાની બાબતમાં તેના ડિઝાઇનર – સંશોધકો ગોથું ખાઈ ગયા છે. બેશક ડિઝાઇન આધુનિક છે, પણ તે લો-કોસ્ટ તો જરાય નથી જેની ભારત જેવા દેશ માટે ખાસ જરૂર હોય. સ્ટેન્ડ નવા-સવા બેસાડવામાં આવ્યા ત્યારે તેમાં એલ્યુમિનિયમ જોવા મળતું હતું જે સામાન્યપણે લોખંડ કરતાં મોંધું જ હોય. હવે કદાચ ઘસાઈને તે લોખંડ જેવું જ દેખાવા લાગ્યું છે.

સૌથી મોટું ગોથું બસ સ્ટેન્ડના પ્લેસમેન્ટની બાબતમાં ખવાઈ ગયું છે. ફોટામાં જોશો તો ખ્યાલ આવશે કે બસ સ્ટેન્ડની પાછળ ખાસ્સી એવી જગ્યા પડે છે. માણસ સહેલાઇથી અવરજવર કરી શકે તેવો ગેપ. હવે આ જગ્યાનો મુતરડી / Urinal તરીકે ઉપયોગ થાય છે. દિવસે કે રાત્રે તેનો બેરોકટોકપણે આવો ઉપયોગ કરનારાને રોકી-ટોકી શકે એવું કોઈ તંત્ર તો આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે ક્યાંથી હોય? અને હા, જાહેર શૌચાલયની / Public Toilet સગવડના નામે આપણા દેશમાં એટલું મોટું મીડું છે ને કે પબ્લિક સેનીટેશન ક્ષેત્રે સ્વાતંત્ર્ય સેનાની સૂર્યકાન્ત પરીખના વડપણ હેઠળ કામ કરતી અમદાવાદની સંસ્થા નાસા ફાઉન્ડેશનના / Nasa Foundation બદલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાને જવાબદારી સોંપવામાં આવે તો તેના સંશાધનો પણ નબળાં પડે.

અમદાવાદ જેવા મેગા સીટીમાં જાહેર સ્થળોએ મુતરડી કહેતાં પેશાબઘરની સંખ્યા વસતી – અવરજવરના પ્રમાણમાં આમેય ઓછી છે. એટલે એ સમસ્યાનો આમ બારોબાર ઉકેલ આવી ગયો એવી હળવાશ રાખવી પાલવે તેમ નથી કારણ કે આખો મુદ્દો હળવા થવાની ક્રિયામાંથી જ ઊભો થયો છે. અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા મુસાફરે પાંચ – પંદર મિનિટ જેવો સમય અહીં વીતાવવાનો હોય છે. એના નાકને થતી પીડાનો પણ ખ્યાલ રાખવો ઘટે.

બ્લોગ જેવા જાહેર માધ્યમમાં બસ સ્ટેન્ડની પાછળ મુત્રવિસર્જન કરતા લોકનો ફોટો તો સુરુચિભંગના ભયે અહીં મુકી ના શકું. (આ આટલું લખ્યું તે પણ સુરુચિભંગ કર્યા જેવું લાગે છે પરંતુ જાહેર નોંધ લેવા માટે સાથે સાથે એ જરૂરી પણ લાગે છે.) જો કે વાંચનાર એનો જાતઅનુભવ કરી શકે.

પેટ્રોલનો ભાવવધારો ગમતી બાબત તો ક્યાંથી હોય? પણ લીટરે પાંચ-સાત રૂપિયાનો છેલ્લો કમરતોડ પ્રકારનો ભાવવધારો થયા પછી નક્કી કર્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને કોરાણે મુકી મહિનામાં ચાર – પાંચ દિવસ સીટી બસમાં મુસાફરી કરવી. થાય છે – થઈ રહી છે. ખાસ કોઈ તકલીફ પડતી નથી. હા, પહેલા દિવસે જે તકલીફ થઈ તેનું જ તો અહીં વર્ણન છે જેને તમે નામ આપી શકો - એની સુગંધનો દરિયો’.

Sunday, July 15, 2012

રાષ્ટ્રપતિપદની ચૂંટણી – 2012 : મહેલમાં ‘રાજકીય’ વનવાસરાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
રાષ્ટ્રના પ્રથમ નાગરિક તરીકેનો માનભર્યો બંધારણીય હોદ્દો ધરાવતા રાષ્ટ્રપતિપદની / President of India ચૌદમી ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરીને વિદાય લેશે. આ ગૌરવવંતા પદ પર અગાઉ ડૉ. રાજેન્દ્રપ્રસાદ જેવા વિદ્વાન, એ.પી.જે. અબ્દુલ કલામ જેવા વિજ્ઞાનીથી માંડીને વડાપ્રધાન કહે તો ઝાડુ મારવાની તૈયારી દેખાડનાર જ્ઞાની ઝૈલસિંઘ પણ રહી ચૂક્યા છે.

આ ચૂંટણી નિમિત્તે આ હોદ્દે અગાઉ બિરાજી ગયેલા મહાનુભાવોને યાદ કરવાનો ઉપક્રમ તો છે જ, પણ એથી વધુ રસપ્રદ કવાયત આ હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી હોય અને પરાજય થયો હોય એવા ઉમેદવારોની વાત કરવાનો છે. દેશના સર્વોચ્ચ બંધારણીય સ્થાને પહોંચેલા મહાનુભાવોને સહુ જાણે છે. પરંતુ હારેલા ઉમેદવારો કે જેમણે આ પદ પરબારું કોઈને મળી જાય તે પહેલાં ચૂંટણીના મેદાનમાં આવવાનો પડકાર ફેંક્યો કે ઝીલી લીધો તેમની પણ યથાયોગ્ય નોંધ લેવાનો આશય છે.

પરાજિત થયેલા આ ઉમેદવારો ચૂંટાયા હોત તો શું થાત એની અટકળ કરવાની મહેનત કરવા જેવી નથી. કેમ કે ચૂંટાયેલા ઉમેદવારોએ આ હોદ્દે રહીને શું કર્યું છે એ સહુ જાણે છે. આ કવાયતમાં અનાયાસે કેટલાંક રસપ્રદ તારણો પણ નીકળે છે.

સૌથી પહેલાં તો ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના જાહેર કરાયેલા કાર્યક્રમ પર નજર નાંખીએ જેના પ્રથમ ચાર તબક્કા પસાર થઈ ગયા છે અને મતદાનના દિવસની રાહ જોવાય છે.

જાહેરનામું પ્રસિદ્ધ થશે - 16 જૂન 2012 (શનિવાર)
ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ - 30 જૂન 2012 (શનિવાર)
ઉમેદવારી પત્રોની ચકાસણી - જુલાઈ 2012 (સોમવાર)
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ - જુલાઈ 2012 (બુધવાર)
જરૂર જણાયે મતદાનની તારીખ - 19 જુલાઈ 2012 (ગુરૂવાર)
મતદાન થયે ગણતરીની તારીખ - 22 જુલાઈ 2012 (રવિવાર)
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે - 25 જુલાઈ 2012 (બુધવાર)

નોંધ: શપથ ગ્રહણની તારીખ જાહેરનામામાં દર્શાવી નથી.


રાષ્ટ્રપતિપદ માટેની આજ સુધીની એક ડઝન ચૂંટણીઓમાં સૌથી પહેલાં તો મારું ગુજરાત, નંબર વન ગુજરાતને શોધવા પ્રયત્ન કર્યો. રાષ્ટ્રપતિ તરીકે તો ઠીક, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પણ કોઈ ગુજરાતી નામ ક્યાંય દેખાયું નહીં. પછી ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં તો કીંગમેકરની પરંપરા છે.

હા, ગુજરાતની બધી બાબતોની જેમ આમાં પણ એક અપવાદ છે. રાષ્ટ્રપતિ પદ માટે 1952માં યોજાયેલી પહેલવહેલી ચૂંટણીમાં એક ગુજરાતી નામે કે.ટી. શાહ – ખીમજી તલકશી શાહે ઉમેદવારી કરી હતી, કચ્છના વતની હતા અને રાજકીય ક્ષેત્રે મુંબઈમાં સક્રિય હતા. વચ્ચે સિત્તેરના દાયકાની આસપાસ યોજાયેલી એક ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાનું / Gulzarilal Nanda નામ આ પદ માટે ઉમેદવારીની વિચારણામાં લેવામાં આવ્યું હતું ખરું. પણ નંદાજી મૂળ તો હરિયાણાના હતા. લોકસભામાં ગુજરાતની સાબરકાંઠા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા તેમને આપણે સદાય સવાયા ગુજરાતી તરીકે જ જોયા છે.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા મળી તેના અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણની કલમ 56ના ભાગ પાંચમાં ઉલ્લેખાયા પ્રમાણે પદ પર ચૂંટાનાર વ્યક્તિ પાંચ વર્ષની મુદત માટે આ હોદ્દો સંભાળી શકે છે. આ ચૂંટણીના મત મૂલ્ય સંબંધે ખાસ ધ્યાન એ બાબતે દોરવાનું કે લોકસભા – રાજ્યસભાના સભ્યોની સાથે જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો વડે બનતા ઇલેક્ટોરલ કૉલિજ / Electoral College (મતદાર મંડળ)નું મત મૂલ્ય જે તે રાજ્યની વસતી સંખ્યા તેમજ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની બેઠકસંખ્યા સાથે સંકળાયેલું હોય છે. ભારતમાં દર દસ વર્ષે વસતી ગણતરી થાય છે. સભ્યના અવસાન, રાજીનામા જેવા સંજોગોમાં બેઠક ખાલી પણ હોય. એટલે રાષ્ટ્રપતિપદ માટેની દર ચૂંટણીએ આ ઇલેક્ટોરલ કૉલિજ અને મત મૂલ્ય બદલાતું રહે છે. વાંચવાની સરળતા રહે એ માટે જણાવવાનું કે જે તે ઉમેદવારની સાથે કૌંસમાં દર્શાવેલી સંખ્યા તેમને મળેલા મતોની મૂલ્ય સંખ્યા છે. રાષ્ટ્રપતિનું પદ કોઈ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતું નથી પરંતુ ઉમેદવારી અગાઉ તેઓ કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે એ સંદર્ભે કેટલેક ઠેકાણે મળેલા મતોની સાથે જે તે ઉમેદવારના રાજકીય પક્ષનો અને તેઓ કયા રાજ્યના રહેવાસી હતા એ ઉલ્લેખ પણ સાથે જ દર્શાવ્યો છે. આ ક્રમમાં પહેલી ચૂંટણી 1952માં યોજાઈ.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 
બીજી મે 1952ના રોજ યોજાયેલી સૌથી પહેલી ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારો ઊભા રહ્યા હતા. આ ચૂંટણીનું મતમૂલ્ય કુલ 6,05,386 મતનું હતું. એટલે કે આટલા મતોમાંથી જેને સૌથી વધુ મત મળે એ સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ગણાય. ઉમેદવારો હતા કે. ટી. શાહ (અપક્ષ, મુંબઈ92827)લક્ષ્મણ ગણેશ થટ્ટે (2672), હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ1954), કૃષ્ણકુમાર ચેટરજી (533) અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (અપક્ષ, બિહાર). ડૉ.રાજેન્દ્રપ્રસાદને / Dr. Rajendra Prasad સૌથી વધુ 5,07,400 મત મળ્યા અને તે દેશના પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. જો કે બંધારણ અમલી બનવાના દિવસથી તે આ પદ અગાઉથી સંભાળતા જ હતા.
પાંચ વરસ પછી સાતમી મે 1957ના રોજ બીજી ચૂંટણી યોજાઈ. તેમાં કુલ ત્રણ ઉમેદવારો ઊભા રહ્યા હતા. કુલ  4,64,370 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં ફરી એક વાર હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ2672)એ ઝંપલાવ્યું. તેમના ઉપરાંત નગેન્દ્ર નારાયણ દાસ (અપક્ષ, આસામ2000) અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ / Dr. Rajendra Prasad (અપક્ષ, બિહાર) પણ હતા. રાજેન્દ્રબાબુને 4,59,698 મત મળ્યા અને તે વિજેતા જાહેર થયા. સળંગ બે મુદત દરમિયાન પદ સંભાળ્યું હોય એવા તે એકમાત્ર રાષ્ટ્રપતિ બની રહ્યા. હરિરામ ચૌધરીના મતમાં 718ની વૃદ્ધિ થઈ તે આ ચૂંટણીની એક ફલશ્રુતિ કહી શકાય.
ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન
ત્યાર પછી આવી ત્રીજી ચૂંટણી, જે સાતમી મે 1962ના રોજ યોજાઈ. આમાં પણ કુલ ત્રણ ઉમેદવારો ઊભા રહ્યા હતા, જેમાં હરિરામ ચૌધરીનો સમાવેશ પણ થતો હતો. કુલ 5,62,945 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં હરિરામ ચૌધરી (અપક્ષ, પંજાબ6341) અને યમુના પ્રસાદ ત્રિશુલિયા (અપક્ષ3537) વિરૂદ્ધ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન (અપક્ષતામિલનાડુ)ને 5,53,067 મત મળ્યા. મે – 1952થી દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત એવા ડૉ. રાધાક્રિશ્નન / Dr. Sarvapalli Radhakrishnan વિજેતા જાહેર થયા અને દેશના બીજા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. સતત ત્રીજી ચૂંટણીના ઉમેદવાર બનીને હારવાની હેટ્રીક કરી ચુકેલા હરિરામ ચૌધરીને આગળની બન્ને ચૂંટણીમાં મળેલા મતના સરવાળા કરતા પણ વધુ મત મળ્યા.
ડૉ.ઝાકીર હુસેન 
જસ્ટીસ કોકા સુબ્બારાવ 
છઠ્ઠી મે 1967ના રોજ યોજાયેલી ચોથી ચૂંટણીમાં ઉમેદવારી કરવાવાળાનો રાફડો ફાટ્યો હતો એમ કહી શકાય. કુલ સોળ (16) ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હાજર હતા. 8,38,048 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ખુબી રામ (1369), યમુના પ્રસાદ ત્રિશુલિયા (232), ભાંબુરકર શ્રીનિવાસ ગોપાલ (232), બ્રહ્મ દેવ (232)કૃષ્ણકુમાર ચેટરજી (125) અને કમલા કુમાર સિંઘને (125) મત મળ્યા. ચંદ્રદત્ત સેનાની, યુ.પી. ચુગાની, ડૉ. એમ.સી. દાવર, ડૉ. મન સિંઘ આહલુવાલિયા, મનોહર હોલકર, સીતારામૈયા રામાસ્વામી શર્મા હોયશલા, સત્યભક્ત અને અગાઉની ચૂંટણીઓમાં ત્રણ વખત ઉમેદવારી કરી હારી ચૂકેલા હરિરામ ચૌધરી સહિતના આઠ ઉમેદવારોને એક પણ મત મળ્યો નહીં. 518 મત રદ થયા. મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઉપસી આવેલા કોકા સુબ્બારાવ (અપક્ષ, આંધ્રપ્રદેશ363971) વિરૂદ્ધ ડૉ. ઝાકિર હુસૈન (અપક્ષઆંધ્ર પ્રદેશ)ને 4,71,244 મત મળ્યા. ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત ડૉ.ઝાકીર હુસૈન / Dr. Zakir Husain વિજેતા જાહેર થયા અને દેશના ત્રીજા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છનાર માટે રાજ્યસભા કે લોકસભાના સભ્યનું અનુમોદન – સહી પ્રસ્તાવપત્ર પર આવશ્યક હોય છે. આ ચૂંટણીમાં એક પણ મત નહીં મેળવી શકેલા આઠ ઉમેદવારોને તેમના ફોર્મ પર સહી કરનારા સંસદસભ્યએ પણ મત નહીં આપ્યો હોય એ ઉપરોક્ત પરિણામ પરથી સમજી શકાય એવું છે. મુખ્ય પ્રતિસ્પર્ધી કોકા સુબ્બારાવ / Koka Subba Rao આંધ્ર પ્રદેશ વડી અદાલતનું મુખ્ય ન્યાયાધીશપદ સંભાળ્યા પછી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશપદ પર પણ પોતાની સેવાઓ આપતા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝંપલાવવા માટે તેમણે વહેલી નિવૃત્તિ લઈ લીધી અને વિરોધપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બન્યા. બંધારણ અન્વયે નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં એવો તેમનો ચુકાદો ખાસ્સો જાણીતો છે. હરીરામ ચૌધરીએ આ વખતે સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવી હતી.
રાષ્ટ્રપતિપદ સંભાળ્યાના (13 મે 1967) બે વર્ષ પૂરા કરે તેના દસ જ દિવસ અગાઉ 3 મે 1969ના રોજ ડૉ. ઝાકિર હુસૈન / Dr. Zakir Husain અવસાન પામ્યા. પદ પર જ અવસાન પામનારા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ બની રહ્યા. તેમના અવસાનને પગલે ઉપરાષ્ટ્રપતિ / Vice-President of India વી.વી. ગીરીએ કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો માત્ર અઢાર દિવસ માટે સંભાળ્યો. કારણ કે સમય પહેલા આવી પડેલી ચૂંટણીમાં તે ઉમેદવારી કરવા માગતા હતા. એટલે તેમના સ્થાને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એમ. હિદાયતુલ્લાહે / M. Hidayatullah પદનો કાર્યભાર છત્રીસ દિવસ માટે સંભાળ્યો. આગળ જતાં હિદાયતુલ્લાહ સત્તાવાર રીતે ચૂંટણી જીતીને દેશના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા. આમ હંગામી ધોરણે રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી તેનાથી ઉતરતા પદે ઉપરાષ્ટ્રપતિ બનનારા હિદાયતુલ્લાહ પહેલા અને આજ સુધીના એકમેવ છે.
વી.વી. ગીરી
અધવચ્ચે આવી પડેલી આ પાંચમી ચૂંટણીની વાત આગળ વધારીએ તો ઓગસ્ટ 1969માં યોજાયેલી ચૂંટણીમાં કુલ પંદર (15) ઉમેદવારો ઊભા રહ્યા હતાએટલે કે ગઈ ચૂંટણી કરતા એક ઓછો. કુલ 8,36,337 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ગઈ ચૂંટણીમાં એક પણ મત નહીં મેળવી શકેલા ચંદ્રદત્ત સેનાનીને આ વખતે લોટરી લાગી હોય એમ 5,814 મત મળ્યા અને એવા જ બીજા ઉમેદવાર હરિરામ ચૌધરીને 125 મત નસીબ થયા ખરા. એ સિવાય ફુરચરણ કૌર (940)રાજા ભોજ પાંડુરંગ નાથુજી (831)બાબુલાલ મગ (576)મનોવિહારી અનિરૂદ્ધ શર્મા (125) અને ગઈ ચૂંટણીમાં 1369 મત મેળવનાર ખુબી રામને આ વખતે માત્ર 94 મત મળ્યા ખરા. ભાગમલ, કૃષ્ણકુમાર ચેટરજી, સંતોષ સિંઘ કચવાહાડૉ. રામ દુલાર ત્રિપાઠી ચકોર અને રમણલાલ પુરુષોત્તમ વ્યાસ સહિતના પાંચ ઉમેદવારોને એક પણ મત મળ્યો નહીં. આ છેલ્લું નામ લાગે છે તો ગુજરાતી પણ તેમના વિશેની કોઈ વિગત મળતી નથી. કોઈ મિત્ર તેમના વિષે જણાવી શકશે તો આનંદ થશે. મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઉપસી આવેલા નીલમ સંજીવ રેડ્ડી (કોંગ્રેસ, આંધ્રપ્રદેશ405427) વિરૂદ્ધ વરાહગીરી વેંકટગીરી (અપક્ષમદ્રાસ રાજ્ય)ને 4,20,077 મત મળ્યા. એ રીતે વી.વી.ગીરી / Varahagiri Venkata Giri વિજેતા જાહેર થયા અને દેશના ચોથા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. વી.વી.ગીરીના મુખ્ય પ્રતિસ્પર્ધી નીલમ સંજીવ રેડ્ડી / Neelam Sanjiva Reddy આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને એક અનુભવી રાજકારણી હતા. સિધ્ધાંતના તે એવા પાકા હતા કે રાજકીય હોદ્દો ચૂંટણીની ઉમેદવારી પર હાવી ન થઈ જાય એટલા માટે તેમણે ઉમેદવારી કરતાં અગાઉ લોકસભાના સ્પીકરપદેથી રાજીનામું ધરી દીધું હતું. જો કે તેમના રાજકીય અનુભવની કે સિદ્ધાંતની તત્કાલીન વડાપ્રધાન / Prime Minister of India ઇન્દિરા ગાંધીને જાણે કે કોઈ કિંમત જ નહોતી. રેડ્ડીને કોંગ્રેસ પક્ષનો ટેકો અને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા પછી મતદાન અગાઉના છેલ્લા દિવસોમાં તેમણે ટેકાના વહાણનું સઢ ફેરવી નાખ્યું. પક્ષના સંસદસભ્યોને ઇન્દિરા ગાંધીએ / Indira Gandhi પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને મતદાન કરવાની અપીલ કરી. આ અપીલનો ગર્ભીત અર્થ અપક્ષ ઉમેદવાર વી.વી. ગીરીને ટેકો જાહેર કર્યાનો હતો.
સી. ડી. દેશમુખ (પાંચમી ચૂંટણીના ત્રીજા પ્રતિસ્પર્ધી)
રેડ્ડી ચૂંટણી હારી ગયા અને આંધ્ર પ્રદેશના પોતાના વડવાઓના વતન ઇલ્લુરૂ જઈ બાપ-દાદાની ખેતીમાં સક્રિય થયા જે એમનું ગમતું કામ હતું. છ વર્ષ પછી 1975માં જયપ્રકાશ નારાયણે તેમને રાજકારણમાં પુનઃ સક્રિય કર્યા અને દિલ્હી પરત લાવ્યા. ત્યાર પછી રેડ્ડી જનતા પક્ષમાં જોડાયા અને 1977ની લોકસભા ચૂંટણી લડ્યા. નીલમ સંજીવ રેડ્ડીને ડૉ. ઝાકિર હુસૈનના અવસાનને પગલે આવી પડેલી ચૂંટણીમાં જીત ન મળી. જો કે આગળ ઉપર અન્ય એક રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેતા જ થયેલા દુઃખદ અવસાનને પગલે આવી પડેલી ચૂંટણીમાંવગર ચૂંટણીએ જ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તેમના માટે કેવી રીતે ખૂલ્યો તેની વાત કરીશું. પાંચમી ચૂંટણીના પંદરમા ઉમેદવાર હતા ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ. તે સી.ડી. દેશમુખના / C.D. Deshmukh નામે વધુ જાણીતા હતા. તે આઈ.સી.એસ અધિકારી હતા અને બ્રિટીશ શાસને નીમેલા ભારતીય રિઝર્વ બેન્કના / Reserve Bank of India પ્રથમ ગવર્નર. જવાહરલાલ નેહરૂના વડપણ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળમાં નાણાપ્રધાનનો હોદ્દો સંભાળી ચૂકેલા દેશમુખને આ ચૂંટણીની મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં એક લાખથી વધુ મત મળ્યા હતા પરંતુ બીજી ગણતરીમાં તેમને મળેલા મોટાભાગના પ્રેફરન્સિઅલ મત સંજીવ રેડ્ડીના ખાતામાં જમા થયા હતા. બન્ને ઉમેદવારો આ ચૂંટણી હારી ગયા એ જુદી વાત છે.
ડૉ. ફખરુદ્દીન અલી અહમદ
રાષ્ટ્રપતિપદની છઠ્ઠી ચૂંટણી યોજાઈ 17મી ઓગસ્ટ 1974ના રોજ. નવાઈ લાગે એવી વાત એ છે કે આમાં માત્ર બે (2) ઉમેદવારો ઊભા રહ્યા હતા. ઇલેક્ટોરલ કૉલિજ બદલાતા આ ચૂંટણીમાં કુલ મત મૂલ્ય 9,43,309 થયું. ત્રિદીબ ચૌધરી (રિવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટીપશ્ચિમ બંગાળ189196) વિરૂદ્ધ ડૉ. ફખરૂદ્દીન અલી અહમદ (કોંગ્રેસદિલ્હી)ને 7,54,113 મત મળ્યા. ડૉ. અલી / Dr. Fakhruddin Ali Ahmed વિજેતા જાહેર થયા અને દેશના પાંચમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. મુખ્ય પ્રતિસ્પર્ધી ત્રિદીબ ચૌધરી / Tridib Chaudhury ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ગોવા મુક્તિ આંદોલનમાં પણ ભાગ લઈ ચુક્યા હતા. બિનકોંગ્રેસી વિરોધપક્ષના સર્વમાન્ય ઉમેદવાર બન્યા તે સમયે તે લોકસભામાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરતા હતા. દેશના લોકશાહી રાજકારણની ચર્ચા વખતે આજે પણ જેનો ઉલ્લેખ અનિવાર્ય બની રહ્યો છેતે કટોકટી / State of Emergency ના ખરડા પર અડધી રાતે મત્તું મારી આપનાર રાષ્ટ્રપતિ તરીકે ડૉ. ફખરૂદ્દીનને આજે પણ યાદ કરવામાં આવે છે. આ કટોકટી 1975થી 1977 દરમ્યાન લાદવામાં આવી હતી.
ત્રિદીબ ચૌધરી
(છઠ્ઠી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી)
રાષ્ટ્રપતિપદ સંભાળ્યાની (24 ઓગસ્ટ 1974) અડધી મુદત – અઢી વર્ષ પૂરા કરે તેના પખવાડિયા અગાઉ 11 ફેબ્રુઆરી 1977ના રોજ ડૉ. ફખરૂદ્દીન અલી અહમદ અવસાન પામ્યા. પદ પર જ અવસાન પામનારા તે બીજા રાષ્ટ્રપતિ બની રહ્યા. એમ પણ કહી શકાય કે રાષ્ટ્રપતિ તરીકે મૃત્યુ પામવાનું તેમને નસીબ થયું. નહીંતર આ પદે બિરાજનાર મોટે ભાગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે જ દુનિયા છોડે છે. તેમના અવસાનને પગલે ઉપરાષ્ટ્રપતિ બી.ડી. જત્તીએ / Basappa Danappa Jatti કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. રાષ્ટ્રપતિની નવી ચૂંટણી યોજાય અને તેનું સત્તાવાર પરિણામ જાહેર થાય ત્યાં સુધી એટલે કે સાડા પાંચ મહિના માટે બી.ડી.જત્તી / B.D. Jatti હંગામી રાષ્ટ્રપતિપદે રહ્યા.
નીલમ સંજીવ રેડ્ડી
ડૉ. અલીના અણધાર્યા અવસાન પછી જાહેર થયેલી ઓગસ્ટ 1977માં યોજાનારી સાતમી ચૂંટણી માટે કુલ સાડત્રીસ (37) ઉમેદવારોએ ફોર્મ ભરીને રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જવાની જાણે કે લાઇન લગાવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેમાંના છત્રીસ (36) ઉમેદવારોના ફોર્મ રદ થયાં. આમજનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી / Neelam Sanjiva Reddy વગર ચૂંટણીએ વિજેતા જાહેર થયા અને દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. અગાઉ જણાવ્યું એમ હોદ્દા પરના રાષ્ટ્રપતિનું અવસાન થયું અને વગર ચૂંટણીએ તેમને આ પદ મળ્યું. ત્યારે તેમની ઉંમર પાંસઠ (65) વર્ષની હતી. નોંધવા જેવી બાબત એ છે કે આટલી ઉંમરે રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કરનાર રેડ્ડીને આજ સુધીના સૌથી યુવાન રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનની જે ટ્રેન સંજીવ રેડ્ડી 1969માં ઇન્દિરા ગાંધીને કારણે ચૂકી ગયા હતા તે એમને બરાબર આઠ વર્ષ પછી મળી ગઈ. યોગાનુયોગ એવો પણ સર્જાયો કે કટોકટીને પગલે 1977ની લોકસભા ચૂંટણીઓમાં સત્તા ગુમાવનાર ઇન્દિરા ગાંધી 1980માં ફરી પાવરફુલ થયા ત્યારે નીલમ સંજીવ રેડ્ડીએ જ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ગ્યાની ઝૈલ સિંહ
જુલાઈ 1982માં યોજાયેલી આઠમી ચૂંટણીમાં માત્ર બે (2) ઉમેદવારો ઊભા રહ્યા હતા. કુલ 10,36,798 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં જસ્ટીસ હંસ રાજ ખન્ના (અપક્ષપંજાબ282685) વિરૂદ્ધ જ્ઞાની (કોઈ પણ સરદારજીને માનાર્થે આ સંબોધનથી બોલાવવામાં આવે છે, એ સિવાય બીજી કોઈ ગેરસમજ કરવી નહીં.) ઝૈલ સિંહ (કોંગ્રેસપંજાબ)ને 7,54,113 મત મળ્યા. જ્ઞાનીજી / Giani Zail Singh વિજેતા જાહેર થયા અને દેશના સાતમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. જ્ઞાનીજી કદાચ દેશના એવા પહેલા રાષ્ટ્રપતિ હોવાનું બહુમાન ધરાવે છે કે જેમના વિષે અનેક ટુચકાઓ બન્યા હોય અને રમૂજો પ્રચલિત બની હોય. રાષ્ટ્રપતિપદની ગરિમા કોરાણે મૂકીને તેમણે મેડમ કહે તો ઝાડુ મારવાની તૈયારી દેખાડી હતી. જો કેઇન્દિરા ગાંધી આ પદની ગરિમા જાણતાં હતાં એટલે તેમણે જ્ઞાનીજીને એવો મોકો આપ્યો નહીં.
              જસ્ટીસ હંસ રાજ ખન્ના

            (આઠમી ચૂંટણીના 
             મુખ્ય પ્રતિસ્પર્ધી)
જ્ઞાનીજીના મુખ્ય પ્રતિસ્પર્ધી જસ્ટીસ એચ.આર. ખન્ના / Hans Raj Khanna દિલ્હી વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ રહી ચૂક્યા હતા. કટોકટીને પગલે અટકાયતમાં લઈ આડેધડ જેલમાં પૂરાયેલા લોકોની ભાળ મેળવવા માટે દેશભરની અદાલતોમાં હેબિયસ કોર્પસ / Habeas Corpus અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આવી એક અરજીની સુનવણી સર્વોચ્ચ અદાલત / Supreme Court of India સમક્ષ થઈ. પાંચ સિનિયર ન્યાયાધીશોની બનેલી બેન્ચ સમક્ષ ચાલેલી સુનવણી દરમિયાન મૂળભૂત માનવ અધિકારોના ભંગ બાબતે જસ્ટીસ ખન્નાએ બાકીના ચાર ન્યાયાધીશોના મંતવ્યથી વિરૂધ્ધનો મત પ્રગટ કર્યો. આને કારણે જસ્ટીસ ખન્ના સરકારના અળખામણા થઈ ગયા. એ સમયની સરકારની વ્યાખ્યા એટલે ઇન્દિરા ગાંધી’. ઇન્દિરા ગાંધીએ તેમને સુપરસીડ કરી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના પદથી વંચિત રાખ્યા. માનભંગ થયેલા જસ્ટીસ ખન્નાએ ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. બહુ અલ્પજીવી નીવડેલી ચૌધરી ચરણસિંહની સરકારમાં કાયદા અને ન્યાય ખાતાના મંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.આર. ખન્ના ચરણસિંહના ટેકાથી રાષ્ટ્રપતિની ચૂંટણીના વિરોધપક્ષના સર્વસંમત ઉમેદવાર બન્યા. નિર્ભયપણે મંતવ્ય – અભિપ્રાય પ્રકટ કરનાર જસ્ટીસ ખન્નાને બિરદાવતાં જાણીતા વકીલ નાની પાલખીવાલાએ / Nani Palkhiwala એમ કહ્યું હતું કે તેમની પ્રતિમા તો દેશની ગલીએ ગલીએ અને ખૂણે ખૂણે મુકાવી જોઇએ.
આર. વેંકટરામન
જસ્ટીસ વી.આર. કૃષ્ણ ઐયર
(નવમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી)
જુલાઈ 1987માં યોજાયેલી નવમી ચૂંટણીમાં કુલ ત્રણ (3) ઉમેદવારો ઊભા રહ્યા હતા. ગઈ ચૂંટણી કરતા એક વધુ. કુલ 10,23,921 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં મિથિલેશ કુમાર (અપક્ષ2223) અને જસ્ટીસ વી.આર. કૃષ્ણ ઐયર (અપક્ષ, કેરળ281550) વિરૂદ્ધ આર. વેંકટરામન (કોંગ્રેસતામિલનાડુ)ને 7,40,148 મત મળ્યા. ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત આર. વેંકટરામન / R. Venkataraman વિજેતા જાહેર થયા અને દેશના આઠમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. મુખ્ય પ્રતિસ્પર્ધી જસ્ટીસ કૃષ્ણ ઐયર / V. R. Krishna Iyer કાયદા-ન્યાય ક્ષેત્રે સક્રિય થયા તે અગાઉ કારકિર્દીના પ્રારંભે કેરળના રાજકારણમાં સક્રિય હતા. કેરળ વિધાનસભામાં 1952માં ચૂંટાઈ આવીને તેમણે રાજ્યની પહેલી સામ્યવાદી સરકાર (1957)માં કાયદાપ્રધાનનો હોદ્દો પણ શોભાવ્યો હતો. 1959માં રાજકારણને અલવિદા કરનાર કૃષ્ણ ઐયર પુનઃ વકિલાતમાં સક્રિય થયા. સમય જતાં કેરળ વડી અદાલતમાં અને પછી દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા. નવેમ્બર 1915માં જન્મેલા અને શતાયુ થવા ભણી આગળ વધી રહેલા જસ્ટીસ ઐયર હાલ એર્નાકુલમમાં નિવૃત્ત જીવન ગાળે છે.

ડૉ. શંકર દયાલ શર્મા
જી.જી. સ્વેલ 
(દસમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી)
24મી જુલાઈ 1992ના રોજ યોજાયેલી દસમી ચૂંટણીમાં કુલ ચાર (4) ઉમેદવારો ઊભા રહ્યા હતા. એટલે કે આગલી ચૂંટણી કરતાં એક વધુ. કુલ 10,26,188 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં રામ જેઠમલાણી (અપક્ષ2704)કાકા જોગિન્દર સિંહ ઉર્ફે ધરતીપકડ (અપક્ષ1135) અને જી.જી. સ્વેલ / G.G. Swell (અપક્ષ, મેઘાલય346485) વિરૂદ્ધ ડૉ. શંકર દયાલ શર્મા (કોંગ્રેસમધ્ય પ્રદેશ)ને 6,75,864 મત મળ્યા. ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત શંકર દયાલ શર્મા / Dr. Shankar Dayal Sharma વિજેતા જાહેર થયા અને દેશના નવમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. પોતાની પેંગ્વીન જેવી ડગુમગુ ચાલ માટે શર્માજી જાણીતા બન્યા. એક સમારંભ દરમ્યાન આ રીતે ચાલતાં ચાલતાં તે ભફ્ફ દઈને બેસી પડ્યા ત્યારે આ ઘટના થકી તે અખબારોમાં ચમક્યા હતા. સ્વ. હસમુખ ગાંધીએ / Hasmukh Gandhi ત્યારે સમકાલીનમાં / Samkaleen Daily આઠ કોલમનું હેડીંગ બાંધતાં લખેલું: રાષ્ટ્રપતિ ભપ્પ થઈ ગયા. તેમનો ભત્રીજો મનુ શર્મા જેસિકા લાલ હત્યા કેસમાં સંડોવાયો હોવાનું બહાર આવતાં ફરી એક વાર શર્માજી સમાચારોમાં ચમક્યા હતા. ત્યારે તે પદ પર નહોતા.
કાકા જોગિન્દર સિંહ 
ઉર્ફે ધરતી પકડ

          રામ જેઠમલાણી

વિરોધપક્ષના સર્વસંમત ઉમેદવાર એવા મુખ્ય પ્રતિસ્પર્ધી જ્યોર્જ ગિલ્બર્ટ સ્વેલ / George Gilbert Swell રાજ્યસભા – લોકસભાના સભ્ય હોવા ઉપરાંત લોકસભાના નાયબ સ્પીકર રહી ચૂક્યા હતા. રાજકારણને અલવિદા કર્યા પછી નોર્વે અને બર્માના એમ્બેસેડર તરીકે તેમની નિમણૂક થઈ હતી. ઉમેદવાર તરીકે વિરોધપક્ષની માન્યતા નહીં મેળવી શકેલા જાણીતા અને વિવાદાસ્પદ લોકોના વકીલ એવા રામ જેઠમલાણીએ / Ram Jethmalani ભાજપ સહિતના સાથી પક્ષો તરફની પોતાની નારાજગી જાહેર કરવા ખાતર જ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. કાકા જોગિન્દર સિંહ ઉર્ફે ધરતીપકડ / Kaka Joginder Singh alias Dharti-Pakad રાષ્ટ્રપતિ સહિતની લોકસભા – રાજ્ય વિધાનસભાની મોટાભાગની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવીને ઓલ ટાઇમ રનર સાબિત થતા હતા.
કે. આર. નારાયણન
   ટી.એન. શેષાન

17મી જુલાઈ 1997ના રોજ યોજાયેલી અગિયારમી ચૂંટણીમાં માત્ર બે (2) ઉમેદવારો ઊભા રહ્યા હતા. ગઈ ચૂંટણી કરતા પચાસ ટકા ઓછા. કુલ 10,069,21 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં ટી. એન. શેષાન (અપક્ષ, કેરળ50631) વિરૂદ્ધ કે. આર. નારાયણન (કોંગ્રેસકેરળ)ને 9,56,290 મત મળ્યા. ઉપરાષ્ટ્રપતિપદે કાર્યરત કે. આર. નારાયણન / K. R. Narayanan વિજેતા જાહેર થયા અને દેશના દસમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. તે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા. મુખ્ય પ્રતિસ્પર્ધી ટી.એન. શેષાન / T.N. Seshan વિશ્વનાથ પ્રતાપસિંહના વડાપ્રધાનપદ દરમિયાન કેબિનેટ સચિવ / Cabinet Secretary રહી ચૂક્યા હતા. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર / Chief Election Commissioner of India પદે રહીને વિવાદાસ્પદ અને જાણીતા બનેલા શેષાન તેમણે દાખલ કરેલા ચૂંટણી સુધારાઓને કારણે લોકોમાં જાણીતા અને લોકપ્રિય બન્યા હતા. મતદાન કરવા માગતા દરેક નાગરિક પાસે મતદાર ઓળખપત્ર હોવું જોઇએ એવો જાહેર ખ્યાલ પહેલવહેલો તેમણે મૂકી આપ્યો હતો. શેષાનના આવાં પગલાંથી ભારતની લોકશાહીમાં ચૂંટણી પંચ જેવી કોઈ સંસ્થાનું અસ્તિત્વ છે અને તેની પાસે આ હદની સત્તા છે એનો ખ્યાલ લોકોને આવ્યો હતો. શિલ્પા શેટ્ટીને પોતાની પ્રિય હીરોઈન ગણાવનાર અને રોજા ફિલ્મ દરેક ભારતીયે જોવી જોઈએ એવી સહી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કરી આપનાર શેષાને એક તબક્કે ભલભલા માથાભારે ઉમેદવારોને ફફડતા કરી દીધા હતા. એ અલગ વાત છે કે અગાઉ ઇન્દિરા ગાંધી પ્રત્યેની તેમની વફાદારી વેળાએ આ કશુંય તેમને યાદ આવ્યું નહોતું. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે બન્ને ઉમેદવારો એક સમયે ભારત સરકારની સર્વિસ કેડરનો હિસ્સો હતા. કે.આર. નારાયણન રાજકારણમાં સક્રિય થયા તે પહેલાં ઇન્ડિયન ફોરેન સર્વિસની / Indian Foreign Service કેડર અંતર્ગત વિદેશ મંત્રાલયમાં સેવાઓ આપી ચૂક્યા હતા. ટી. એન. શેષાન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસમાં / Indian Administrative Service કાર્યરત હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીની કવાયત કરનાર ચૂંટણી પંચના પૂર્વ સર્વોચ્ચ અધિકારીએ જ દેશનું સર્વોચ્ચ પદ મેળવવા માટે ચૂંટણીનો માર્ગ અપનાવ્યો હોય તેવી પણ આ પહેલી ઘટના હતી.
             કેપ્ટન લક્ષ્મી સહગલ : કાનપુરના ઘરમાં
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
15મી જુલાઈ 2002ના રોજ યોજાયેલી બારમી ચૂંટણીમાં માત્ર બે ઉમેદવારો ઊભા રહ્યા હતા. કુલ 10,30,250 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં કેપ્ટન લક્ષ્મી સહગલ (માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાકેરળ107366) વિરૂદ્ધ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (અપક્ષ, તામિલનાડુ)ને 9,22,884 મત મળ્યા. ડૉ.કલામ / Dr. A.P.J. Abdul Kalam વિજેતા જાહેર થયા અને દેશના અગિયારમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યા. મુખ્ય પ્રતિસ્પર્ધી કેપ્ટન લક્ષ્મી / Captain Lakshmi Sahgal નેતાજી સુભાષચન્દ્ર બોઝ દ્વારા સ્થપાયેલી આઝાદ હિન્દ ફૌજની મહિલા રેજિમેન્ટનાં કમાન્ડર હતાં. સિંગાપોરમાં તેમણે અનેક મહિલાઓને સ્વરાજ્ય કાજે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડી હતી. ત્યાર પછી ભારત પરત ફરીને કાનપુરમાં એ સ્થાયી થયાં હતાં અને તબીબી સેવાના ક્ષેત્રે કાર્યરત હતાં. 1971માં તેમણે રાજ્યસભામાં માર્ક્સવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમની ઉમેદવારીની વિશેષતા એ હતી કે પહેલી જ વાર એક મહિલા દેશના આ સર્વોચ્ચ સ્થાન માટે મુખ્ય પ્રતિસ્પર્ધી બનવાનું – વિરોધપક્ષના સર્વસંમત ઉમેદવાર હોવાનું નામાંકન મેળવી શકી હતી. આગળ નોંધ્યા પ્રમાણે 1969ની પાંચમી ચૂંટણીમાં ફૂરચરણ કૌર નામના મહિલા ઉમેદવાર ચૌદ (14) પુરૂષ ઉમેદવારો વચ્ચે મેદાનમાં હતાં.
ભૈરોંસિંહ શેખાવત
   (તેરમી ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી)
શ્રીમતી પ્રતિભા પાટીલ
19મી જુલાઈ 2007ના રોજ યોજાયેલી તેરમી ચૂંટણીમાં માત્ર બે ઉમેદવારો ઊભા રહ્યા હતા. કુલ 9,69,422 મત મૂલ્ય ધરાવતી આ ચૂંટણીમાં ભૈરોંસિંહ શેખાવત (અપક્ષરાજસ્થાન331306) વિરૂદ્ધ પ્રતિભા દેવીસિંહ પાટીલ (કોંગ્રેસમહારાષ્ટ્ર)ને 6,38,116 મત મળ્યા. પ્રતિભા દેવીસિંહ પાટીલ / Pratibha Devisingh Patil વિજેતા જાહેર થયાં અને દેશના બારમા રાષ્ટ્રપતિપદે બિરાજ્યાં. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે મુખ્ય પ્રતિસ્પર્ધી ભૈરોંસિંહ શેખાવત / Bhairon Singh Shekhawat ભારતીય જનતા પક્ષમાં એકથી વધુ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તો તેમની સામેના ઉમેદવાર ચૂંટણીમાં ઝુકાવતા અગાઉ રાજસ્થાનના રાજ્યપાલપદે કાર્યરત હતા. એમ તો ઉમેદવારી સમયે ભૈરોંસિંહ શેખાવત ખુદ ઉપરાષ્ટ્રપતિપદે આરૂઢ હતા. આ પદ પર રહી ઉમેદવારી કરીને હાર પામનારામાં પણ શેખાવત એકમેવ છે. ચૂંટણીમાં હારી જતાં તેમણે મુદત પુરી થતાં પહેલા જ રાજીનામું ધરી દીધું. આ ચૂંટણી રાજકારણ, અપપ્રચાર અને કાદવઉછાળ પ્રવૃત્તિ જેવાં રાષ્ટ્રપતિપદની ગરિમાને ન છાજે એવાં તમામ અપલક્ષણોથી છવાયેલી રહી હતી. 2007 સુધી યોજાયેલી એક ડઝન ચૂંટણીઓમાં આ બાબતની ગેરહાજરી હતી. પદ મેળવવામાં સફળ રહેલાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલે પાંચ વર્ષની મુદત દરમિયાન શરૂઆતથી છેક નિવૃત્તિના દિવસો નજીક આવતા સુધી તેમની સામેના આક્ષેપોનો જવાબ આપતા રહેવું પડ્યું હતું. તેમના કાર્યકાળની એ વિશેષતા હતી.

રાષ્ટ્રપતિપદે આરૂઢ થયેલા મહાનુભાવોની કેટલીક વિશેષતાઓ જોઇએ તો આર. વેંકટરામન અને કે.આર. નારાયણન સૌથી મોટી એવી સિત્યોતેર (77)ની ઉંમરે રાષ્ટ્રપતિપદે આરૂઢ થયા હતા. પદ પર રહેતા અવસાન પામેલા બે રાષ્ટ્રપતિ (ડૉ. ઝાકિર હુસૈન અને ડૉ. ફખરૂદ્દીન અલી અહમદ) સિવાયની વાત કરીએ તો પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પદ છોડ્યા પછી માત્ર એક જ વર્ષ જેવા ટૂંકા ગાળામાં અવસાન પામ્યા. તો આર. વેંકટરામન નિવૃત્તિ પછી ચાર રાષ્ટ્રપતિની સોગંદવિધિમાં ઉપસ્થિત રહ્યા અને આયુષ્યની શતાબ્દી પૂરી થવાના થોડા દિવસો અગાઉ જ અવસાન પામ્યા.
રાષ્ટ્રપતિપદના પ્રારંભના વર્ષોના ઉમેદવારો જોતાં એમ માનવાનું મન થાય કે ઉપરાષ્ટ્રપતિને / Vice-President of India જ આ હોદ્દાની ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે. જો કે ખરેખર એવું નથી. આજ સુધીના બાર (12)માંથી માત્ર છ (6) ઉપરાષ્ટ્રપતિ જ આ હોદ્દા પર પહોંચી શક્યા છે.
         પૂર્ણો સંગમા
પ્રણવ મુખરજી

તેરમા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા હવે ચૌદમી વખત ચૂંટણી યોજાઈ રહી છે. 19મી જુલાઈ 2012ના દિવસે યોજાનારા મતદાન માટે બે (2) ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના પ્રણવ મુખરજી / Pranab Mukherjee અને વિરોધપક્ષના સર્વસંમત ઉમેદવાર એવા પૂર્ણો સંગમા / P.A. Sangma. હાલમાં લોકસભાના સભ્ય એવા પ્રણવ મુખરજીએ રાજ્યસભામાં એક ટર્મ માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમની જીતવાની મોટી સંભાવનાઓ જોવામાં આવે છે એ પ્રણવ મુખરજીનું ગુજરાત સાથેનું અને એમ ગુજરાતનું રાષ્ટ્રપતિ ભવન સાથે સંધાન સાધવું હોય તો આ રીતે સાધી શકાય એમ છે. કોઈ ગુજરાતી આ પદ માટે ચૂંટણીમાં ઝુકાવે તે માટે કેટલી રાહ જોવી પડશે? કોને ખબર!


(કેપ્ટન લક્ષ્મીની તસવીર : બીરેન અને ઉર્વીશ કોઠારીની કાનપુર મુલાકાત) 

(અન્ય તસવીરો: નેટ પરથી.)