પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, July 27, 2012

અમદાવાદની આજકાલ : ‘સિટીઝન’ વગરનો ‘સિટીઝન’નો શો-રૂમ


ક્યાં છે સિટીઝન?


કેટલા વાગ્યા? કે શું સમય થયો?એવું હવે કોઈ પૂછતું નથી. રસ્તે ચાલતાં કે બસ – ટ્રેનમાં મુસાફરી કરતાં અચૂક પૂછાતા સવાલનો સમય વીતી ગયો છે. બેશક તેનો શ્રેય ટકે શેર વેચાતા થયેલા મોબાઇલને જ આપવો પડે. પરીક્ષામાં સારા માર્ક લાવશો તો કાંડા ઘડિયાળ કહેતાં રિસ્ટ વોચ / Wrist Watch લાવી આપશું એવું વચન આપતા વાલીઓનો જમાનો પણ વીતી ગયો છે. કાંડા ઘડિયાળ પહેરનારાની સંખ્યા વધે એ પહેલાં કમરે મોબાઇલ ઝુલાવવાનો જમાનો આવી ગયો. હવે એના ય વળતાં પાણી છે. હાથ પર કાંડા ઘડિયાળ નહીં, હથેળીમાં ટેબલેટ હોય એ એકવીસમી સદીમાં હયાત હોવાની નિશાની ગણાવા લાગ્યું છે.


કાંડે ઘડિયાળ પહેરવાનું ચલણ ભલે ઘટ્યું, ઘડિયાળના શો-રૂમ તો એના એ જ છે. બલકે એની સંખ્યા વધી રહી છે. એક સમયે અમદાવાદમાં / Ahmedabad ઘડિયાળ ખરીદવાનું એકમાત્ર સરનામું હતું ગાંધી રોડ અને ફર્નાન્ડિઝ પુલ પરની હારબંધ દુકાનો. ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન મશીન ટુલ્સ / Hindustan Machine Tools (એચ.એમ.ટી.) કંપનીનો ઘડિયાળ વેચાણનો ઓથોરાઇઝડ્ શો-રૂમ ભદ્ર સ્થિત પ્રેમાભાઈ હોલની / Premabhai Hall પડોશમાં હતો. વિદેશી બ્રાન્ડ – માર્કાની ઘડિયાળ ખરીદવા માગનારે કસ્ટમ નોટિફાઇડ શોપ કે દાણચોરીના માલ પર આધાર રાખવો પડતો. બીજો રસ્તો હતો પરદેશથી આવતા સ્વજન ભેટ-સોગાદ રૂપે ચકચકિત ઘડિયાળ આપણા માટે લેતા આવે તે. કાંકરિયા – જૂની પાઇલટ ડેરી પાસે આવેલા શ્રેયસ કો-ઓપરેટીવ સ્ટોર્સની દૈનિક અખબારમાં કાયમ જાહેરાત આવતી.....વિદેશી ઘડિયાળોનો નવો સ્ટોક આવી ગયો છેદોડો...દોડો...દોડો...’.


એ જાહેરાતમાં વિદેશી ઘડિયાળોના બ્રાન્ડ નેમ પણ લખવામાં આવતા. હવે સમય બદલાયો છે. દાણચોરીના માલ રૂપે આવતી કે કસ્ટમ નોટિફાઇડ શોપમાં વેચાતી એ વિદેશી ઘડિયાળોના શો-રૂમ જ હવે અમદાવાદની ધરતી પર આવી ગયા છે. નદીપારના અમદાવાદના આશ્રમ રોડ, સી.જી. રોડ કે નવરંગપુરા જેવા પોશ વિસ્તારોમાં આ વિદેશી બ્રાન્ડના શો-રૂમ હોય તે પણ જૂની વાત થઈ ગઈ. એ શો-રૂમ આગળ વધીને સેટેલાઇટ અને સરખેજ-ગાંધીનગર હાઇવે સુધી પહોંચ્યા છે.

ઓ.કે. પણ ગ્રાહક રાજ્જા / Customer ત્યાં પહોંચ્યો છે ખરો? જવાબ છે.....ના. પોસ્ટ સાથેની તસવીર જોશો તો સમજાશે કે સમય દર્શન કરાવતા શો-રૂમમાં ગ્રાહકના દર્શન દુર્લભ છે. કારણ, કાંડા પર ઘડિયાળ પહેરવાનો જમાનો જ જૂનો થઈ ગયો પછી નવી ઘડિયાળો વેચાય ક્યાંથી?.....

.....તો પછી આ ભપકાદાર શો-રૂમ લઇને બેઠેલા લોકોનો સમય / Time કેવી રીતે પસાર થતો હશે? એવો સવાલ થાય તો જવાબ છે સમય જોઇને’.

8 comments:

  1. તમને કદાચ ખ્યાલ નહી હોય પણ મોંઘીદાટ ઘડિયાળો લેવા વાળા પડ્યા છે અને એવા ઢગલાબંધ લોકો છે :)

    ReplyDelete
  2. કાર્તિકભાઇની વાતમાં દમ છે. આજે યુગ એક તરફ પીરામીડની તળેટીના ગાહકોને ધ્યાનમાં રાખી, ક્યાં તો ઓછામાં ઓછી જરૂરિયાતો જરૂર પૂરી કરે તેવાં ઉત્પાદનો કે એ વર્ગના ગ્રાહકને પોષાય તેવા ભાવમાં આપી શકાય તેવા જથ્થામાં, વસ્તુ વેંચવાનૂ ચલણ વ્યાપક બનેલ છે [જે વ્યાપક સમુદાય માટે તરીકે પ્રચલિત છે.]
    તો બીજે છેડે બહુ ઉંચી આવકવાળા વર્ગની ખાસંખાસ જરૂરિયાત - જેના દ્વારા ગ્રાહક 'પ્રતિષ્ઠિત' વર્ગનાં છે તે દેખાઇ આવે - પૂરી પાડવા માટે અલાયદી ઉત્પાદકો અને ઉત્પાદનો [કે સેવાઓની] 'અલાયદી' શ્રેણી રજૂ કરાય છે. આ વર્ગને વસ્તુ [કે સેવા] વેંચાય નહીં, તેઓ પોતાની બહૂ જ આગવી અભિરૂચિને તુષ્ટિ કરવા તેને ખરીદે. આ વર્ગમાં તે વર્ગની કક્ષાની ભાવની 'હરિફાઇ' જોવા મળે.
    અને મધ્યમ વર્ગ - આ બન્ને વર્ગની ગણત્રીમાં ન આવે તે - તો બિચારો ભાવતાલના કિસાબ મેળવતો આ દુકાનેથી તે દુકાને 'લાભકારી વેચાણ'નાં ઝાંઝવાંનાં જળની શોધમાં પોતાનું આયખું ઘસે છે.

    ReplyDelete
  3. 'કાંડા પર ઘડિયાળ પહેરવાનો જમાનો જ જૂનો થઈ ગયો '

    બિનીત આઈ એમ ડાઉટફૂલ. ઘડિયાળો હવે સમય જોવા નહિ, પણ કાંડાને શોભાવતા ફ્રેન્ડશીપ બેન્ડ કે બ્રેસલેટની જેમ એક આભૂષણ તરીકે, એક સ્ટાઈલ સ્ટેટમેંટ તરીકે તો જરૂર પહેરે છે. અને ગમે તેમ પણ બાંડા કાંડે એટલે કે અડવાણા કાંડે સ્ત્રી કે પુરુષો બહુ વધારે સુંદર નથી લાગતા. મોંઘા બ્રાંડનેમને કારણે ' સીટીઝન' માં તમે ગયા હોય ત્યારે ભીડ નાં હોય એ બનવા જોગ છે. પણ ફેશનેબલ યુવા 'સિટીઝનો' તો તેમને પરવડે તેવી ડુપ્લીકેટ 'ફોરીન' બ્રાંડ ચાઇનીઝ માર્કેટમાંથી પણ ખરીદી લે છે.

    ReplyDelete
  4. Rajnikumar Pandya (Ahmedabad)30 July 2012 at 17:53

    Very Short, Sweet and Impactfull Piece.
    Rajnikumar Pandya (Ahmedabad)

    ReplyDelete
  5. સૌ મિત્રો,
    બ્લોગની વીસમી પોસ્ટ (27 જુલાઈ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    સિટીઝન ઘડિયાળ જેવા ગ્રાહકની ગેરહાજરીવાળા અનેક સ્ટોર્સ - દુકાનો જોયા પછી આ લખ્યું છે એટલે કરોડો - અબજોની વસતી વચ્ચે મોંઘીદાટ ઘડિયાળ ખરીદતા ગણતરીના લોકોને 'ઢગલાબંધ ગ્રાહકો'ની વ્યાખ્યામાં કેવી રીતે મૂકી શકાય એ પણ વિચારવું રહ્યું અને એ મુજબનું તેનું આર્થિક પાસું પણ સમજવું રહ્યું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 27 ઓગસ્ટ 2012

    ReplyDelete
  6. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
    20મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 27-07-2012 to 27-07-2013 – 380

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. પ્રિય મિત્રો,
    20મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 27-07-2013 to 27-07-2014 – 50

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete