પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, July 21, 2012

અમદાવાદની આજકાલ : સીટી બસનું બસ સ્ટેન્ડ – ‘એની સુગંધનો દરિયો’એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ : એની સુગંધનો દરિયો


શહેરના નાગરિકોને સ્થાનિક વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડતી એ.એમ.ટી.એસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) / Ahmedabad Municipal Transport Service અવારનવાર માધ્યમોમાં સમાચાર બની ચમકે છે. ભાગ્યે જ એવો કોઈ દિવસ પસાર થતો હશે કે તેના નામનું સમાચારનું ચોકઠું અખબારના પાને ન હોય. અમદાવાદની આજકાલમાં / Ahmedabad આજે સીટી બસ નહીં તેનું સ્ટેન્ડ ચર્ચાના કેન્દ્રમાં છે.

અગાઉ એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ એટલે લાલ દરવાજાનું / Lal Darwaja સેન્ટ્રલ બસ સ્ટેશન એવી વ્યાખ્યા હતી. કેમ કે ગામમાં ઠેર – ઠેર લોખંડના પાઇપ માથે પાટિયું મારીને ઊભા કર્યા હતા એ તો બસ સ્ટોપ હતા. હવે એવા બસ સ્ટોપ બહુ ઓછા રહ્યા છે. હવે જે છે અથવા શહેર વિસ્તરતાં નવા વિસ્તારોમાં ઊભા થઈ રહ્યા છે એ બધાં બસ સ્ટેન્ડ જ છે.

લોખંડનું માળખું (ઑલ સ્ટીલ ફ્રેમ), છત પર સિમેન્ટ મટીરિયલનું છાપરૂં અને બસ સેવાના સંભવિત મુસાફરને બેસવા માટે લાકડાનું પાટિયું હોય એવી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ડિઝાઇન હવે જૂની થઈ ગઈ. અત્યારે જોવા મળે છે અથવા આ પોસ્ટ સાથેના ફોટામાં જોઈ રહ્યા છો તે તો બસ સ્ટેન્ડની આધુનિક ડિઝાઇન છે. જેને શહેર સ્થિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન’ / National Institute of Design દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સંસ્થાના સ્થાપનાકાળથી લઈને આજ સુધી તેના કામકાજ, રાષ્ટ્રનિર્માણમાં તેણે આપેલા ફાળા અને ડિઝાઇન ક્ષેત્રે તેમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પ્રદાનની પણ જાત-ભાતની વાતો વહેતી કરવામાં આવે છે. સારું છે. જો કે આ બસ સ્ટેન્ડની ડિઝાઇન કરવાની બાબતમાં તેના ડિઝાઇનર – સંશોધકો ગોથું ખાઈ ગયા છે. બેશક ડિઝાઇન આધુનિક છે, પણ તે લો-કોસ્ટ તો જરાય નથી જેની ભારત જેવા દેશ માટે ખાસ જરૂર હોય. સ્ટેન્ડ નવા-સવા બેસાડવામાં આવ્યા ત્યારે તેમાં એલ્યુમિનિયમ જોવા મળતું હતું જે સામાન્યપણે લોખંડ કરતાં મોંધું જ હોય. હવે કદાચ ઘસાઈને તે લોખંડ જેવું જ દેખાવા લાગ્યું છે.

સૌથી મોટું ગોથું બસ સ્ટેન્ડના પ્લેસમેન્ટની બાબતમાં ખવાઈ ગયું છે. ફોટામાં જોશો તો ખ્યાલ આવશે કે બસ સ્ટેન્ડની પાછળ ખાસ્સી એવી જગ્યા પડે છે. માણસ સહેલાઇથી અવરજવર કરી શકે તેવો ગેપ. હવે આ જગ્યાનો મુતરડી / Urinal તરીકે ઉપયોગ થાય છે. દિવસે કે રાત્રે તેનો બેરોકટોકપણે આવો ઉપયોગ કરનારાને રોકી-ટોકી શકે એવું કોઈ તંત્ર તો આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે ક્યાંથી હોય? અને હા, જાહેર શૌચાલયની / Public Toilet સગવડના નામે આપણા દેશમાં એટલું મોટું મીડું છે ને કે પબ્લિક સેનીટેશન ક્ષેત્રે સ્વાતંત્ર્ય સેનાની સૂર્યકાન્ત પરીખના વડપણ હેઠળ કામ કરતી અમદાવાદની સંસ્થા નાસા ફાઉન્ડેશનના / Nasa Foundation બદલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાને જવાબદારી સોંપવામાં આવે તો તેના સંશાધનો પણ નબળાં પડે.

અમદાવાદ જેવા મેગા સીટીમાં જાહેર સ્થળોએ મુતરડી કહેતાં પેશાબઘરની સંખ્યા વસતી – અવરજવરના પ્રમાણમાં આમેય ઓછી છે. એટલે એ સમસ્યાનો આમ બારોબાર ઉકેલ આવી ગયો એવી હળવાશ રાખવી પાલવે તેમ નથી કારણ કે આખો મુદ્દો હળવા થવાની ક્રિયામાંથી જ ઊભો થયો છે. અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા મુસાફરે પાંચ – પંદર મિનિટ જેવો સમય અહીં વીતાવવાનો હોય છે. એના નાકને થતી પીડાનો પણ ખ્યાલ રાખવો ઘટે.

બ્લોગ જેવા જાહેર માધ્યમમાં બસ સ્ટેન્ડની પાછળ મુત્રવિસર્જન કરતા લોકનો ફોટો તો સુરુચિભંગના ભયે અહીં મુકી ના શકું. (આ આટલું લખ્યું તે પણ સુરુચિભંગ કર્યા જેવું લાગે છે પરંતુ જાહેર નોંધ લેવા માટે સાથે સાથે એ જરૂરી પણ લાગે છે.) જો કે વાંચનાર એનો જાતઅનુભવ કરી શકે.

પેટ્રોલનો ભાવવધારો ગમતી બાબત તો ક્યાંથી હોય? પણ લીટરે પાંચ-સાત રૂપિયાનો છેલ્લો કમરતોડ પ્રકારનો ભાવવધારો થયા પછી નક્કી કર્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને કોરાણે મુકી મહિનામાં ચાર – પાંચ દિવસ સીટી બસમાં મુસાફરી કરવી. થાય છે – થઈ રહી છે. ખાસ કોઈ તકલીફ પડતી નથી. હા, પહેલા દિવસે જે તકલીફ થઈ તેનું જ તો અહીં વર્ણન છે જેને તમે નામ આપી શકો - એની સુગંધનો દરિયો’.

9 comments:

 1. બીરેન કોઠારી22 July 2012 at 08:38

  મોટા ભાગના વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ જોઈને લાગે છે કે એ એ.એમ.ટી.એસ. દ્વારા નહીં, પણ 'ગરીબ આવાસ યોજના' અંતર્ગત બનાવાયાં હશે. ઘર નહીં ધરાવતા પરિવારો એમાં ઘરવખરી સાથે રહે છે. 'નીચે ધરતી' ભલે હોય, ઉપર 'આભ'ને બદલે છાપરું તેમને મળી રહે છે.
  અને બસ સ્ટેન્ડની આમેય ક્યાં જરૂર રહે છે? ડ્રાઈવરો ત્યાં બસ ઉભી રાખતા નથી, એટલે મોટા ભાગના લોકો તેની બહાર જ આગળ યા પાછળ ઉભા રહે છે. બસ સ્ટેન્ડમાં રહેતા પરિવાર માટે 'સુગંધના દરિયા'ની સમસ્યા ખરી, પણ માથે છાપરું મળ્યાની ખુશી એટલી બધી હોય છે કે એ નડતી નથી.

  ReplyDelete
 2. 'સુગંધનો દરિયો' કહીને તમે અમ્યુટ્રાસનું નાક ખરું ખેચ્યું!
  આજે હવે 'પોતાનાં' વાહન પર અવરજવર કરવાનું ચલણ વધી ગયું હોવાથી, અંધાધુંધ શહેરીકરણને કારણે તે કોઇનું આશ્રયસ્થાન બન્યું હોવાને કારણે, ડ્રાઇઅવરની અશિસ્ત કે ટ્રાફીકને પળોજણને કારણે સ્ટૅન્ડ પાસે ન ઉભી રહેતી બસોને કારણે સ્ટેન્ડ્સનું મહાત્મ્ય ઘટ્યું હશે, જે બિનિતભાઇ જેવાનાં ઉદાહરણથી ફરીથી પ્રસ્થાપિત થાય તેમ જરૂર ઇચ્છીએ.
  હા, જ્યારે અમે શાળામાં ભણતા એ વર્ષોમાં અમારી કૉલોનીથી નજદીક કહી શકાય તેવાં 'લાકડાંનાં પાટિયાં'વાળાં [તે સમયનાં 'સચિવાલય' / હાલનાં 'પૉલીટેકનીક'નાં] સ્ટેન્ડ એ અમારાં વેકેશનની ઉનાળુ રાત અપર એકઠા થવાનો અડ્ડો હતો. જ્યારે 'કૉલેજીયન' થયા એટલે એ લાકડાંના પાટીયાં પર બેસવાને બદલે સ્ટેન્ડની આગળની લોખંડની એંગલવાળી રૅલિંગ પર પગ ઝુલાવતા બેસવું તે 'કૉલેજીયન' હોવાની 'અદા' ગણાતી.તો અમુક બસ-સ્ટેન્ડ કોઇ કોઇ મિત્રોનાં પહેલા પ્રણય -અંકુરનાં જન્મસ્થળ પણ હતાં.
  બિનિતભાઇએ આ બધી યાદો તાજી કરાવી આપી.

  ReplyDelete
 3. elite institutes like IIM/NID/CEPT et al are taken by administrators as the sole proprietors of talent and they rush to them for any civic solution as if they have a sure pill for every ill.

  the BRTS project cited as the great success, for example, has little regard for the thousands of private 2-wheelers/3-wheelers/4-wheelers that are allotted a strip quite inadequate to their numbers whereas a few hundred BRTS buses quite disproportionately taking away the lion share of the Ahmadabad roads! when the administrators are unable to restrict the population of private vehicles plying on roads through their RTOs/traffic police, it's quite illogical for the CEPT to restrict road space for them and create permanent bottlenecks. CEPT's logic of calculating the traffic by the passengers on these BRTS buses and allotting the space accordingly is grossly faulty. they must take into account not the NUMBER of passengers but the NUMBER of BRTS buses occupying the road space vis a vis the number of other private vehicles plying on the strips of janmarg.

  it's my opinion, the administrators must first invite suggestions from the general public who are the actual users and only then invite the campus talents to join in with their special skills.

  ReplyDelete
 4. Minesh Mody (Lansing, Michigan, USA)23 July 2012 at 19:03

  It is good to read your blog. Excellent job in bringing up issues like these.

  One question...Why is it always a fault of Government or ST Service. When AMTS built these structures, they had a very good intent of building something to help people and also make it more attractive than old style stops.

  Indian citizens never take responsibility for their actions. It is always someone else. We always want all rights and facilities but we never take joint responsiblity of anything. It is OK for everyone to be corrupt because other people do it. People who are more corrupt are bad but my corruption is justifiable. Very unfortunate but very true is that after migrating out of India, many citizens carry and spread the same attitude. Even worst, younger people with better education are more greedy and want everything for nothing. Just my views/observation.

  Minesh Mody (Lansing, Michigan, USA)

  ReplyDelete
 5. જેમકે નસીરુદીન શાહ , " ભવ ની ભવાઈ " માં કહે છે , ' કે હજુ ગંધ કેમ બંધ નથી થઇ , કે હજુ ગંધ કેમ બંધ નથી થઇ ! '

  ReplyDelete
 6. સૌ મિત્રો,
  બ્લોગની ઓગણીસમી પોસ્ટ (21 જુલાઈ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  જાહેર સ્થળે ખુલ્લામાં કુદરતી હાજતનો નિકાલ કરવામાં અગાઉ 'આસ-પાસ કોઈ દેખતું તો નથીને...' એવી તકેદારી લેવી પડતી હતી. 'આધુનિકતા'ના નામે નવા મુકાયેલા બસ સ્ટેન્ડની દિવાલથી (Advertisement Wall) એક ફાયદો થયો. શરમ રહી નહિ અને 'પછીતે પેશાબઘર' બની ગયું.

  બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 4 ઓગસ્ટ 2012

  ReplyDelete
 7. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
  19મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 21-07-2012 to 21-07-2013 – 490

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 8. Naresh Saini (Ahmedabad)22 July 2013 at 01:20

  બદલાતા સમયની સાથે લાલ બસ અને લાલ થાંભલાવાળા બસ સ્ટેન્ડે આધુનિકતા સાથે આજને સ્વીકારી. આનાથી અમદાવાદીઓને કૈંક નવું, કૈંક સારું મળ્યું અને સ્વીકાર્યું. આનો ઉપયોગ / દુરૂપયોગ કરતા સુજ્ઞ નાગરિકોની માનસિકતા અને સંસ્કારિતા તેમને એવું કરવા પ્રેરે છે. એ જ નાગરિકો પોતાના કુટુંબ સાથે ત્યાં ઊભા રહે તો એવું કરતા વિચારે. આ આપણી જ સંપતિ છે, આપણા જ ટેક્સના પૈસામાંથી બનેલું છે અને આપણું જ છે અને આપણે જ સાચવવાનું છે.

  નરેશ સૈની (અમદાવાદ)

  (Response through FACEBOOK : Monday, 22 July 2013)

  ReplyDelete
 9. પ્રિય મિત્રો,
  19મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 21-07-2013 to 21-07-2014 – 90

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete