પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, March 07, 2015

અમદાવાદની આજકાલ : પાળેલા કૂતરા અને પોદળાએ આપેલી પીડા

મંજુલાબહેન શાહ / Manjulaben Shah

ફોટામાં દેખાતા મંજુલાબહેન શાહ / Manjulaben Shah મારા પડોશી છે અને એ કારણે જ તેમની વાત...ખરેખર તો પીડા અહીં બ્લોગપોસ્ટ તરીકે સ્થાન પામી છે. નહીં તો આવી વાતો ઝટ ધ્યાને નથી ચઢતી. વાંચનાર માટે મંજુલાબહેન પણ હું ક્યાંક તેમનો ઉલ્લેખ ‘મંજુલામાસી’ના નામે કરીશ એટલી રજા લઇને આગળ વધુ.

તો વાત જાણે એમ છે કે...રોજ સવારે મહાદેવના દર્શને જવાનો નિત્યક્રમ રાખતા મંજુલાબહેન વેલેન્ટાઇન ડે – 14 ફેબ્રુઆરીની સવારે ઘરેથી એકલા જ નીકળ્યા. મહાદેવજીનું મંદિર ઘરથી એટલું નજીક છે કે મન રિક્ષા ભાડે કરવાની ‘ના’ પાડે અને રિક્ષાવાળો ક્યારેક જ ‘હા’ કહે. અમદાવાદ / Ahmedabad અને તેના જેવા મહાનગરોમાં આ સમયે પાળેલા કૂતરાઓને પણ ‘નિત્યક્રમ’ના જ કારણોસર તેમના પાલકો ઘર બહાર ફરવા લઇને નીકળે છે. જે પાલકો પાસે આ માટેનો સમય નથી તેઓ ‘ડોગ હેન્ડલર’ની / Dog Handler વ્યવસાયી સેવાઓ લે છે. એ દિવસે ફરવા નીકળેલા એવા જ એક હેન્ડલર (કૂતરાને વ્યવસાયી ધોરણે ફરવા લઇ જનાર ભાડૂતી વ્યક્તિ)ના હાથમાંથી હળવા થયેલા કૂતરાએ મંજુબહેનને વહાલ કરવાની કોશિશ કરી. કોશિશ પણ એવી કે કૂતરાએ આગલા બે પગ ઊંચા કરી તેને એમના ખભા પર ટેકવવાનો પ્રયાસ કર્યો. કૂતરાના આ વહાલભર્યા હુમલા કે હુમલાભર્યા વહાલને ખાળવા મંજુલામાસી બે પગલાં પાછા હટ્યા. કૂતરાથી સલામત અંતર રાખવા માટેના તેમના આ પગલાંએ તેમને વધારે મુશ્કેલીમાં મુક્યા. પાછળની બાજુ ગાય / ભેંસનો પોદળો / Cow Dung પડેલો હતો. તેની પર પગ પડતાં વેંત બૅલન્સ્ ગુમાવેલા તેઓ લપસ્યા. થોડીવારે કળ વળ્યા પછી ખ્યાલ આવ્યો કે જાતે ઊભા થઈ શકાય એવી તાકાત શરીર કરતું નથી.
પોદળાએ આપેલી પીડા (*)


ઘટનાસ્થળેથી પસાર થતી એક કૉલેજકન્યાએ મદદ માટે હાથ લંબાવ્યો. તેમને ઊભા કરી શકાય એટલી તાકાત તેની પાસે પણ નથી એવો ખ્યાલ આવ્યો એટલે તેણે રિક્ષાવાળાને ઊભો રાખ્યો અને મંજુલાબહેનને ઘર સુધી પહોંચતા કરવાનો જોગ કર્યો. બાકી પેલો કૂતરાનો હેન્ડલર (કે માલિક) તો ત્યાંથી પોબારા જ ગણી ગયો હતો. સારવાર માટે વાયા ઘર-પરિવાર હૉસ્પિટલ પહોંચ્યા તો નિદાન થયું કે થાપા-પગના સાંધાનો બોલ તૂટી ગયો છે. ઑપરેશન કરીને બદલવો પડે. ખર્ચ થાય પચાસ હજાર ઉપરાંત અને પીડા પારાવારની.

હેન્ડલરના આવવાની રાહ જોતા મહાનુભાવો
પાળેલા કૂતરાના કૂદકાએ આપેલી પીડા મંજુલાબહેન મહિનો – બે મહિનો ભોગવશે. પલાંઠી વાળીને જમીન પર નહીં બેસવાની અને કેટલાક પ્રકારના કામ-પરિસ્થિતિને ટાળવાની બંધી ગણો તો બંધી અને સજા સમજો તો એ પણ કાયમી. કૂતરાને પાળવાના અને પાળ્યા પછી સભ્ય સમાજમાં એ જ્યાં રહે છે ત્યાં ચોખ્ખાઈ – સ્વચ્છતા રાખવાના કેટલાક નિયમો છે અને તેનું પાલન કરવું અત્યંત જરૂરી જ નહીં સરકારી રાહે ફરજિયાત પણ છે. જેમ કે પાળેલા કૂતરાને ગળે પટ્ટો બાંધ્યા વગર જાહેરમાં લાવી શકાતો નથી. એમ કર્યા પછી પણ તેના સંભાળનારે તેને કાબુમાં રાખવાનો હોય છે. ચેપી રોગથી રક્ષણ આપતું વેક્સિનેશન તેના માટે જ નહીં પાળનાર માટે પણ જરૂરી હોય છે. દૈહિક ઉત્સર્ગની તેની રોજિંદી ક્રિયાઓ ઘરના જાજરૂ – બાથરૂમમાં જ પૂરી કરાવવાની હોય છે પરંતુ કૂતરા પાળનારા તે માટે પોતાની મોર્નિંગ વૉકની ટેવનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. રસ્તાના ખૂણે-ખાંચરે પણ છડેચોક ટટ્ટી કરતો કૂતરો ગંદકી ફેલાવે છે તેની તેમને ચિંતા નથી. કેમ કે એવી ફિકર રાખવાનું કામ દેશના પંદરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને / Narendra Modi હસ્તક છે જેમણે ‘સ્વચ્છતા અભિયાન’ નામનું ડિંડક (સોરી અભિયાન જ) સત્તાવાર ધોરણે ચલાવ્યું છે.

પાલતુ કૂતરાને / Dog પટ્ટો કે સાંકળ બાંધ્યા વગર જાહેરમાં ફરવા લઈ જતા લોકો પછી આગળ બીજા બે વર્ગ આવે છે. એક મોટર-સાઇકલ કે સ્કૂટરેટ (એક્ટિવા પ્રકારના) પર બેસાડીને ફરવા લઈ જતો મધ્યમ વર્ગ અને બીજો તે કારની આગળ-પાછળની સીટમાં બેસાડીને કાચ ખુલ્લો રાખતો માલેતુજાર વર્ગ. બન્ને વર્ગ દ્વારા અપનાવાતા પ્રકાર જોખમી છે. સ્કૂટર / Scooter કે મોટર-સાઇકલ / Motor-Cycle પર કૂતરો પોતે જ એટલું અસુખ-અગવડ અનુભવે કે તે ગમે તે દિશામાં મોં – પૂંઠ ફેરવીને ચલાવનારને મુશ્કેલીમાં મુકી શકે. કારમાં / Car બેઠેલો કૂતરો એટલી સલામતી અનુભવે કે તે ગમે ત્યારે કાચની બહાર મોં કાઢીને બાજુમાંથી પસાર થતી વ્યક્તિ માટે અગવડ ઊભી કરી શકે. પાલકો આ સામે આંખ આડા કાન કરે છે કેમ કે તેમને મન આ સમસ્યા જ નથી.

માર પડવાની બીકે ફૂટપાથ પર ચઢેલી ગાય
કૂતરાની સાથે પોદળાના પાડનારની પણ ચર્ચા કરી લઇએ. શહેરમાં ગાય – ભેંસની વિષ્ટા / Animal Dung રસ્તા પર પડીને ગંદકી ફેલાવે કે આ પ્રાણીઓ ટ્રાફિકને અડચણરૂપ બને તે પછીના તબક્કાનો ત્રાસ ફેલાવવાની જવાબદારી તેના પાલકો પોતે જ નિભાવે છે. સાંજ પડ્યે આ પશુપાલકો મોટર-સાઇકલ સવાર થઈને તેમના પાળેલા પશુઓની શોધમાં નીકળી પડે છે. ભલું હોય તો સાથે એમનો એક સાથીદાર પણ લાકડી લઇને બેઠો હોય. શહેર વચ્ચે ઘાસચારો તો ક્યાંથી મળવાનો હતો? પરંતુ એંઠવાડ ખાઇને ધરાયેલું પશુ જ્યાં જોવા મળે ત્યાં એમની શોધ પૂરી થાય. બુચકારા બોલાવીને અને જરૂર પડ્યે લાકડી ફટકારીને ગાય – ભેંસને રસ્તા વચ્ચે દોડાવતા તેઓ તેને ઘર-ગમાણ ભણી દોરી જાય છે. એ દરમિયાન રસ્તે ચાલતા રાહદારીનું કે નાના-મોટા વાહનોનું જે થવાનું હોય તે થાય. એ તો ઠીક કોઈ હેવી વેઇટ વ્હીકલ (બસ, ટ્રક, ટ્રેક્ટર કે રોડ રોલર પ્રકારના) સાથે પશુ પોતે અથડાશે તો તેના શું હાલ-હવાલ થશે તેની પણ ચિંતા તેના પાલકોને થતી નથી. થતી હોય તો આવું કરે ખરા? પશુપાલકોના આ કરતૂતનો ફોટો લેવો પણ શક્ય નથી. એક ફ્રેમમાં તેમનો પકડદાવ આવે જ નહીં.

મૂંગા પશુઓને કસાઈવાડે કે કતલખાનામાં લઈ જતી ઘટનાઓના સમાચાર માત્ર વાંચીને જ ઘણાને અરેરાટી ઉપજતી હોય છે. મને ય ઉપજે છે. પરંતુ એ જ પશુઓને જ્યારે રસ્તા વચ્ચે તેના પાલકોનો ‘મોટર-સાઇકલ માર’ ખાતા જોઉં છું ત્યારે મને કતલખાને જતી ગાય – ભેંસ વધુ નસીબદાર લાગે છે. કમસે કમ લાકડીનો માર ખાઇને રસ્તા વચ્ચે હડિયાપાટી કરવામાંથી તો છૂટકારો મળી ગયો એને...કાયમ માટે.

હા...મંજુલાબહેન અને તેમના જેવા અનેકોની પીડા ચાલુ જ રહેવાની છે.


(* નિશાની સિવાયની તમામ તસવીરો : બિનીત મોદી)

Monday, March 02, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ફેબ્રુઆરી – 2015)

(ફેબ્રુઆરી – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 52મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 3 February 2015 at 09:12pm)
2002માં નવી ઓળખ પામેલા ગુજરાત રાજ્યની સ્થાપનાનો આજે 20002મો દિવસ છે...1 મે 1960થી 3 ફેબ્રુઆરી 2015
* * * * * * *

(
Thursday, 5 February 2015 at 02:00pm)
દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારનો માહોલ પ્રચારના અંતિમ દિવસ સુધી જોતાં એવું લાગે છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી) અને ભાવિ મુખ્યમંત્રી (ભાજપ પ્રમુખ અમિત અનિલચંદ્ર શાહ) પોતે પણ દિલ્હીના મુખ્યમંત્રીપદની રેસમાં છે.
* * * * * * *

(Friday, 6 February 2015 at 01:30pm)
નતાસા...માલિયા...મારા મોબાઇલમાં આ ભાજપના એસએમએસ કેવી રીતે આવવા લાગ્યા?”
મમ્માને પૂછો...ઇન્ડિયા ટ્રીપમાં મમ્મીને સાથે લઈ ગયા હતા, અમને નહીં (ગુસ્સામાં) હં...
મિશેલ...વ્હોટ્સ હેપનિંગ ધીસ વીથ માય બ્લેકબેરી?”
બરાક...ઇટ્સ માય મિસ્ટેક...તમે તાજ ટ્રીપ કેન્સલ કરી તો મેં ગુસ્સામાં જે મોબાઇલ નંબર ડાયલ કર્યો એ બીજેપીની મેમ્બરશીપ ડ્રાઇવનો હતો...સોરી ડિઅર.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Saturday, 7 February 2015 at 11:20am)
દિલ્હીના મતદારો આજે નક્કી કરશે કે તેમને કઈ કેડરના ભૂતપૂર્વ સનદી અધિકારીની સેવાઓ ખપશે...
IRS – Indian Revenue Serviceની (અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી) કે IPS – Indian Police Serviceની (કિરણ બેદી ભારતીય જનતા પાર્ટી)
* * * * * * *
ઘરઆંગણે ઓબામા

(
Sunday, 8 February 2015 at 11:11pm)
વિશ્વ હિન્દુ પરિષદના ઘરવાપસીનાટક અને તાજેતરના ભારતપ્રવાસ સંદર્ભે બરાક ઓબામાએ ઘરઆંગણે તેમજ ઘરવાપસીકર્યા પછી પણ ઉત્તમ ટિપ્પણી કરી.
* * * * * * *
ત્રણ બેઠકો જીતવા છતાં...
...‘બે’ આંગળી બતાવતા વિજેતા ઉમેદવારો

(
Tuesday, 10 February 2015 at 11:15pm)
મે – 2014માં બે લોકસભા બેઠકો પર જીત મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મહિના પછી ગુજરાતના ધારાસભ્ય-કમ-રાષ્ટ્રીય પ્રમુખની આગેવાનીમાં પાંચ ચૂંટણી જાહેરસભાઓ સંબોધીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ત્રણ બેઠકો અપાવી.
* * * * * * *

(
Thursday, 12 February 2015 at 02:55pm)
લગ્નો માટે થતા ભવ્ય જમણવારમાં જમ્યા પહેલા કે પછી હાથ ધોવાના સાબુનો સમાવેશ કરાવવા માટે પણ શું વિઝન 2020ડોક્યુમેન્ટ બનાવવું પડશે?
* * * * * * *

(
Sunday, 15 February 2015 at 04:05pm)
નટીશૂન્ય નાટકો’ – જૂની ગુજરાતી રંગભૂમિ પર ભજવાતા નાટકોનો એક પ્રકાર જેમાં સ્ત્રીપાત્રોની ભૂમિકા પુરૂષ અભિનેતાઓ દ્વારા ભજવવામાં આવતી
નટીશૂન્ય પ્રધાનમંડળ’ – દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના છ મહિલા ધારાસભ્યો જીત્યા પછી અરવિંદ કેજરીવાલના પુરૂષપ્રધાનપ્રધાનમંડળનો પ્રકાર
* * * * * * *

(
Tuesday, 17 February 2015 at 07:55pm)
દારૂબંધી દાખલ થયા પછી કેરાલાના કેટલાક લોકો આજે મહાશિવરાત્રિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ભાંગ પીવા અને તેની રૅસિપિ શીખવા.
* * * * * * *

(
Friday, 20 February 2015 at 11:00am)
સુરતનું જમણ અને કાશીનું મરણ...(જૂની કહેવત)
સુરતનો જરકસી જામોપહેરે કાશીનો સંસદસભ્ય...(નવી કહેવત)
* * * * * * *

(
Saturday, 21 February 2015 at 11:17am)
અંગ્રેજી સિવાયની તમામ ભાષાઓનું વિશ્વનાનું થતું જાય છે એવા વાતાવરણ વચ્ચે આજે વિશ્વ માતૃભાષા દિવસછે...અને અંગ્રેજીને બ્રહ્માંડપણ નાનું પડે એવો તેનો વ્યાપ છે.
* * * * * * *

(
Monday, 23 February 2015 at 03:35pm)
तुम मुझे खून दो, मैं तुम्हे आजादी दूंगा नेताजी सुभाषचन्द्र बोझ
तुम मुझे महेंगे उपहार दो, मैं उसकी नीलामी करवाउंगा – नेताजी नरेन्द्र मोदी
* * * * * * *

(
Wednesday, 25 February 2015 at 02:05pm)
દરેક વ્યક્તિ કંઈ આત્મકથા (Autobiography) લખી શકે નહીં...વિકલ્પે Selfieનો ઉપયોગ એ જ ઉત્તમ ઉપાય છે.
* * * * * * *

(
Saturday, 28 February 2015 at 00:10am)
એવી સખ્ખત વાયકા છે કે અમેરિકા અને ચીન બન્નેને ખુશ કરવા રાખવા નાણાકીય વર્ષ 2015 – 2016નું બજેટ આજે ડોલર મૂલ્યમાં અને ચાઇનીઝ ભાષામાં રજૂ થવાનું છે.

ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ફેબ્રુઆરી – 2011, ફેબ્રુઆરી – 2012, ફેબ્રુઆરી – 2013 તેમજ ફેબ્રુઆરી 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/03/2011.html



(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)