પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, December 31, 2012

અમદાવાદની ગઈકાલ : પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન!...અને આજકાલની ‘પડદાપ્રથા’!સોળે સાન અને વીસે વાન’ – ગુજરાતી કહેવત છે. ઝાઝી સમજણ પણ આપવી પડે તેમ નથી. સાન-ભાન આવવાનું હોય તો સોળમે વર્ષે આવી જાય અને વાન (શરીરના રંગ-રૂપ)માં કોઈ ફેરફાર થવાનો હોય તો ઉંમરના વીસમા વર્ષ સુધીમાં થઈ જાય. ઓ.કે. નાગરિક તરીકે મારું – તમારું – આપણું ઘડતર થવાનું હોય તો કેટલા વર્ષોમાં થઈ જવું જોઇએ એવો પ્રશ્ન આ કહેવતની રૂએ મારા મનમાં ઉદભવ્યો છે. આવી કોઈ ત્રિરાશી હોતી નથી પણ આજે માંડીએ. દિલ્હી શહેરની પીડિત દીકરીનું દૂર દેશાવર એવા સિંગાપોરમાં મૃત્યુ નીપજવું એ એક કારણ તો છે જ...બીજા ય ઘણા કારણો છે. પણ હાલ તો એકડે એકથી શરૂઆત કરીએ.

ભણતી વખતે નાગરિકશાસ્ત્રના પાનાં ઉથલાવ્યા હોય તે ખરું બાકી એ દિશામાં આજની પેઢીના લોકોમાં નવેસરથી સમજણ પ્રગટાવનાર જે થોડાં નામો ગુજરાત પાસે છે તેઓની એક બહુ મોટી ફરિયાદ રહી છે કે – આઝાદીના છ દાયકા વીતી ગયા પછી પણ આપણું ભારતીયોનું નાગરિક તરીકે ઘડતર ન થયું. ઘરની ચાર દિવાલ બહારના જાહેર વાણી – વર્તનમાં બેજવાબદારીપણું, દોંગાઈઓ જાણે કે કોઠે પડી ગયા છે. વીસમી સદીના પચાસ ઉપરાંત વર્ષો તો ફોગટમાં જ જાણે પસાર થઈ ગયા.

જેમાં પ્રવેશવાની આપણને બહુ આતુરતા હતી એવી એકવીસમી સદીનો પહેલો દાયકો પસાર થઈ ગયા પછી પણ આપણી પરિસ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો નહીં. એટલે જ આ કહેવત યાદ આવે છે કે સોળે સાન અને વીસે વાન હોય તો આપણા સામૂહિક નાગરિક ઘડતરમાં કેમ આટલાં વર્ષો નીકળી ગયા. અરે જેમાં આજે જીવીએ છીએ તેવી એકવીસમી સદીનાં બાર વર્ષો પણ આજે રાતે પૂરાં થઈ જશે. કચરાના નિકાલ માટે પરદેશના પ્રવાસો થયા અને વિદેશી નિષ્ણાતોને નોતર્યાં પણ જાહેરમાં કચરો ફેંકવાની ટેવ ન ગઈ. પોશ કારની સાથે પોર્શ બ્રાન્ડની ગાડી પણ ભારતમાં વેચાતી થઈ પણ વાહનનું પાર્કિંગ કરતા ન આવડ્યું. સિક્સ સીટર કારમાં બાબા – બેબીઓને બાલમંદિરે મુકવા જતા મમ્મી–પપ્પાને એવો વિચાર સરખો પણ આવતો નથી કે આ બાબો કે બેબી ભણી-ગણીને મોટા થશે ત્યારે ઓફિસે જવાનું પેટ્રોલ ક્યાંથી લાવશે.

આ સઘળું અત્યારે કેમ યાદ આવે છે? ઉપર જણાવ્યું તેમ એક નહીં અનેક કારણો છે. આપણી નાગરિક નિસબતનો વાવટો તો જાણે પૂરેપૂરો સંકેલાઈ ગયો છે. કેવી રીતે એવો પ્રશ્ન થતો હોય તો ઉત્તમ તો નહીં પણ એક નમૂનો આપી શકું તેમ છું. આ રહ્યો.

રેડીમેડ જીન્સ પેન્ટની જાહેરાતનો આ ફોટો રવિવાર, 21 ઑક્ટોબર 2007ના દિને નવરંગપુરા – અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઊભા રહી પાડ્યો હતો. પેન્ટનું વેચાણ કરતો શૉ-રૂમ હોર્ડિંગની પછીતે જ હતો. માલિકીની જગ્યા હતી એટલે પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન કરતો ફોટો જાહેરમાં લટકાવવાનો જાણે કે પરવાનો મળી ગયો હતો. સભ્ય સમાજમાં થોડી ચણ-ભણ થઈ હશે, ધ્યાન દોરનારાઓએ પોતાના વાંધા – વિરોધ દર્શાવ્યા હશે તે જાહેરાતનું આ પાટિયું અઠવાડિયા – પખવાડિયામાં ઉતારી લેવું પડ્યું. શાબાશ!

તો શું આપણે એમ સમજવું કે આ કે આવા પ્રકારના પાટિયાં કાયમ માટે ગાયબ થઈ ગયા? ના...રે...ના. એવી તે નિસબત હોય આપણી? એ તો પાંચ વર્ષે દેખા દેતા નેતાની જેમ જ બરાબર પાંચ વર્ષે પુનઃ પ્રગટ પણ થાય – બરાબર પાંચ વર્ષે જ!

હવે આ બીજો ફોટો બરાબર પાંચ વર્ષે જ સોમવાર, 24 ડિસેમ્બર 2012ના રોજ પાડ્યો છે. અમદાવાદના હાર્દ સમા વિસ્તાર સી.એન. વિદ્યાલય પાસેના ત્રિભેટેથી. આ સિરીઝના અતિ વાંધાજનક ફોટા બાજુ પર રાખીને આ નમૂનાને અહીં ચોંટાડ્યો છે. પાંચ વર્ષ પછી ફરી એકવાર ચણ-ભણ થઈ તે કેટલાક નમૂનેદાર પાટિયાં ગોડાઉન ભેગાં થયાં. જો કે એ પહેલાં તે આપણી નાગરિક સભ્યતાનું મીટર જરૂર ડાઉન કરતા ગયા.

(બન્ને તસવીરો : બિનીત મોદી)

Tuesday, December 25, 2012

પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા.....તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. 


મણિયારો ગાઈને લોકપ્રિયતાના સીમાડા વટાવી ગયેલા તેમના વિશે એકવાર એમ પણ વાંચવામાં આવ્યું કે – વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ દવેનો / Praful Dave ગીત – ગાયકીમાં સાથ લીધા વિના ગુજરાતી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકે તેમ નથી. ગુજરાતી ફિલ્મો / Gujarati Films માટે ગીતલેખન કરતા કવિઓ – ગીતકારોની ઇચ્છા હોય કે તેમના શબ્દોને પ્રફુલ દવેનો સ્વર મળે.....વગેરેવગેરે...

               
આવી કંઈક વાતો સાંભળી વાંચીને મને તેમને મળવાની ઇચ્છા થઈ આવી. ચોવીસ કલાકની તો ઠીક...ચેનલ શબ્દ જ ટેલિવિઝન માટે અસ્તિત્વમાં નહોતો એટલે તેમને ટીવી પર ક્યારેય જોયા નહોતા. છાપામાં ક્યાંય ફોટો પણ છપાયેલો નહોતો જોયો. ઓડિયો કેસેટના જેકેટ પર નામની સાથે ફોટો હોય તો હોય. આજે 2012માં લોકપ્રિયતાના માપદંડો ગણાય તેવા સાધનો માંહેનું કશું જ તેમની પાસે નહોતું અને તો ય પ્રફુલ દવે લોકપ્રિય હતા. મળવાની ઇચ્છા થઈ એટલે પાલડી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી ગયો. સમાજસેવાના સંદર્ભે એ દિશામાં કામ કરતા લોકોનું રામકથાકાર મોરારિબાપુના હસ્તે સન્માન થાય અને અંતે ગીત- સંગીતનો કાર્યક્રમ – ડાયરો હોય તેવું આયોજન હોવાનું આજે આછું-પાતળું યાદ છે.

આછું-પાતળું એટલા માટે કેમ કે એ ચોવીસ વર્ષ પહેલાની વાત છે. ડાયરો પૂરો થયે સ્ટેજ પાછળ પહોંચીને તેમની સાથે થોડી વાતો કરી. અપાર લોકપ્રિયતા-ચાહનાનો અંશ પણ તેમને અડ્યો નહોતો. ફોટો પાડવાની ઇચ્છા વ્યક્ત કરી તો, “ફોટાનું શું કરશો ભાઈ? એવી પ્રતિક્રિયા આપી. સ્ટેજના પડદા ઓથે ઊભા રહેવા વિનંતી કરી તો સહેજ પણ આનાકાની નહીં. માત્ર તેમણે એક જ વિનંતી કરી...ભાઈ, એક કોપી મને પણ આપજો.

ફોટો પડી ગયો. પ્રિન્ટ હાથમાં આવી. વધારાની એક કોપી તેમના માટે પણ કઢાવી.
એ પછીની વિગતો યાદ નથી પણ ફોટો આપવા માટે એક કાર્યક્રમમાં જ પહોંચી ગયો. રાજી થયા. ફોટાની મારી કોપી પાછળ લખ્યું ખુશ રહો – પ્રફુલ દવે. 25 ડિસેમ્બર 1988 અમદાવાદ’. તેમના ગીતોની એક કેસેટ અને વિઝિટીંગ કાર્ડ આપતા કહ્યું, “વડોદરા – ઇલોરાપાર્કમાં જ રહું છું. ક્યારેક આવો તો મળો.

એવો રૂ-બ-રૂ થવાનો અવસર આટલા વર્ષોમાં કદી આવ્યો નહીં. પણ હા, ફેસબુક પર રોજે-રોજ મળાય છે. હા, એ મારા ફેસબુક ફ્રેન્ડ તો છે જ – સક્રિય પણ છે.

Wednesday, December 19, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2011)સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે નવેમ્બર – 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

નૂતન
(Tuesday, 1 November 2011 at 06:22pm)
મારું ગુજરાત, નંબર વન ગુજરાત.....
ભારતના ફિલ્મજગતે ગુજરાત પર ગર્વ લેવો પડે તેવી ઘટનાએ ગયા અઠવાડિયે આકાર લીધો...ખરેખર.....હિન્દી ફિલ્મોની એક દિવંગત અભિનેત્રીને ગયા અઠવાડિયે સૌથી વધુ ગુજરાતીઓએ યાદ કરી...ખરેખર.....નૂતન વર્ષાભિનંદન.....ફરી એકવાર....નૂતન.....વર્ષાભિનંદન.....દિવાળી કાર્ડ, ઇ-મેલ, ઇ-ગ્રિટીંગ્ઝ, એસ.એમ.એસ અને ફેસબુકના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવનાર સહુનો આભાર.
બિનીત મોદી અને પરિવાર (અમદાવાદ)
* * * * * * *

(Wednesday, 2 November 2011 at 08:19pm)
કચ્છમાં શિયાળા દરમિયાન થોડા વર્ષથી 'રણ ઉત્સવ' ઉજવતી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની 2011 માટેની જાહેરાત આજે નવેમ્બરે ગુજરાતના મુખ્ય દૈનિકોમાં પ્રગટ થઈ છે. ડિસેમ્બર 2011થી 17 જાન્યુઆરી 2012 વચ્ચે યોજાનારા રણ ઉત્સવ માટે જાહેરાતમાં સ્થળનું નામ આ પ્રમાણે દર્શાવ્યું છે: સફેદ રણ, ઢોરડો ગામ, કચ્છ ગુજરાત. કોઈ જણાવશે કે આ 'ઢોરડો' ગામ કચ્છમાં ક્યાં આવ્યું? 'વાંચે ગુજરાત' નામનું અભિયાન ચલાવનાર ગુજરાત સરકાર અને તેના પ્રવાસન નિગમ 'ગુજરાત ટુરીઝમ'ને જણાવવાનું કે ગામનું નામ 'ઢોરડો' નહીં પણ 'ધોરડો' છે. બાય ધ વે ગામના નામની આ પળોજણમાં પડ્યા વગર 'રણ ઉત્સવ' માણવો હોય તો 'ગુજરાત ટુરીઝમ'ની અમદાવાદ ઓફિસનો ફોન નંબર છે (079) 2658 91722657 6434. ગાંધીનગર ઓફિસનો ફોન નંબર છે (079) 2322 2523 2322 2645 તેમજ ટોલ ફ્રી નંબર છે 1800 233 7951.વધુ વિગતો માટે આ સાથેની બે લિન્ક જુઓ http://www.gujarattourism.com
* * * * * * *

(Thursday, 3 November 2011 at 06:00pm)
કેન્દ્ર રાજ્ય સરકારની નોકરીઓ માટે છઠ્ઠું પગાર પંચ અમલમાં છે તેવા સમયમાં રોજગારી કામની ગેરન્ટી આપતી 'નરેગા' યોજનામાં કોમ્પ્યુટર ઓપરેટર લેખે છ હજારના પગારદાર એવા મોતીહારી પૂર્વ ચંપારણ બિહારના સુશીલ કુમારે દિવાળી પછી છઠના દિવસ નવેમ્બરે 'કૌન બનેગા કરોડપતિ'ની પાંચમી સીઝનની સ્પર્ધામાં ઝુકાવીને પાંચ કરોડ રૂપિયા જીત્યા. I Salute.
* * * * * * *

(Thursday, 3 November 2011 at 06:48pm)
ગયા મહીને ઓક્ટોબર 2011ના છેલ્લા સપ્તાહ દરમિયાન ભારતીય ચલણ 'રૂપિયા'નું વધુ એક વાર અવમૂલ્યન થયું કારણ કે અભિનેતા શાહરૂખ ખાને 150 કરોડ રૂપિયાના 'ખર્ચે' બનાવેલી હિન્દી ફિલ્મ 'રા.વન' ખરેખર 'ખર્ચો' સાબિત થઈ. જેઓએ આ ફિલ્મ જોઈ છે તેમને આશ્વાસન અને નથી જોઈ તેમને અભિનંદન. Thank You.
* * * * * * *

(Saturday, 5 November 2011 at 04:36pm)
મારું ગુજરાત, નંબર વન ગુજરાત.....
નવેમ્બર 2011: પેટ્રોલનો ભાવવધારો રૂપિયો 82 પૈસા (182 પૈસા).....
ડિસેમ્બર 2012: ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોને ચૂંટી કાઢવા માટે મતદાન કરવાનું.....સ્પષ્ટતા: આપને સમય હોય ને 182 ધારાસભ્યોને વ્યક્તિગત ચૂંટી ખણો તો ય આપણને વાંધો નથી. વધુ એક સ્પષ્ટતા'ચૂંટી ખણવી'નો અર્થ થાય છે 'ઝીણો ચીંટિયો ભરવો'.....See the Link – આભાર. http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AB%80%20%E0%AA%96%E0%AA%A3%E0%AA%B5%E0%AB%80*/
* * * * * * *

(Saturday, 5 November 2011 at 04:37pm)
નવેમ્બર 2011:પેટ્રોલનો ભાવ 73 રૂપિયા.....આ ભાવ કદીકને ઘટશે કે કેમ તેવી આછી પાતળી શક્યતાઓ સામે પણ તોંતેર (૭૩) મણનો 'તો' લાગી ગયો છે.
* * * * * * *

(Saturday, 5 November 2011 at 04:38pm)
'મેનેજર સાહેબ, લોકર ભાડે લેવું છે.'.....'આ લો સાઇઝ અને તે મુજબના વાર્ષિક ભાડાની ગણતરીનો કાગળ. તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી લો.'
'સાહેબ, આમાં તો લોકરની સાઇઝ ઇંચમા બતાવી છે. મારે તો મોટું લોકર જોઇએ છે. પેટ્રોલના ભાવ વધ્યા એટલે સ્કૂટર અંદર રાખવાનો વિચાર છે.'
'તો પછી તમે લોકર નહીં, ગોડાઉન ભાડે લઈ લો. લોકો ગાડી મુકવા આવશે અને તમને કમાણી પણ થશે.' આભાર.
* * * * * * *

જનમભોમકામાં અડવાણી
(Monday, 7 November 2011 at 06:06pm)
લાલ કૃષ્ણ અડવાણીની જન ચેતના યાત્રા: ઓક્ટોબર નવેમ્બર 2011.....
બે શહેરો વચ્ચે મુસાફરી કરતા રસ્તામાં આવતા નાના ગામ કે તેના વિસ્તારોમાંથી સોંસરવું પસાર ના થવું પડે કે લોકોને તકલીફ ન પડે તે માટે 'બાયપાસ રોડ'ની વ્યવસ્થા વખતથી ચાલી આવે છે. આવી કોઈ સગવડનો ખ્યાલ રાખ્યા વિના અડવાણીની રથયાત્રા ધરાર આજે અમદાવાદ શહેરમાં પ્રવેશસે અને સમી સાંજના ઇદનો તહેવાર મનાવવા પરિવાર સાથે ઘર બહાર નીકળેલા બિરાદરોને અગવડમાં મુકશે.
* * * * * * *

યાત્રા દરમિયાન 'જોવાલાયક' સ્થળોની યાદી આ રહી....
(Monday, 7 November 2011 at 06:54pm)
લાલ કૃષ્ણ અડવાણીની જન ચેતના યાત્રા: ઓક્ટોબર નવેમ્બર 2011.....
વડોદરા એક્સપ્રેસ-વે પરથી અમદાવાદમાં પ્રવેશ્યા પછી યાત્રાના રૂટ પરના આપે 'જોવાલાયક' સ્થળો(1) જુહાપુરા ગાયોની કતલ થતી રોકતા આર.ટી.આઈ. કાર્યકર નદીમની હત્યા થઈ તે સ્થળ. (2) નહેરૂનગર એકના ડબલ કરવાની લાલચ આપીને રોકાણકારોની 'ટોપી' ફેરવી ગયેલા શેર બજાર કૌભાંડી અભય ગાંધીની બંધ પડેલી ઓફિસ. (3) નહેરૂનગર આ ઓફિસની સામે ઉભેલી સ્વ. હરેન પંડ્યાની પ્રતિમા: એ જોઈને આપને તેમના વિધવા પત્ની જાગૃતિબહેનને મળવાનો સમય આપવાનું યાદ આવે. (4) જજીસ બંગલા આપના 'ગુરુ' આસારામના આશ્રમમાં મોતને ભેટેલા દીપેશ અભિષેક વાઘેલાના 'અપમૃત્યુ'ની તપાસ માટે રચાયેલા જસ્ટીસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચની ઓફિસ : આસારામ અને તેનો પુત્ર નારાયણ અહીં જુબાની માટે જાતે આવતા ફફડે છે. (5) ભૂયંગદેવ ચાર રસ્તા 2001ના ધરતીકંપ પછી તરત બંધ પડેલી માધવપુરા સહકારી બેન્કની એક શાખા : આ બેન્કનું ઉઠમણું કરવામાં મુખ્ય ભાગ ભજવનાર શેર બજાર કૌભાંડી કેતન પારેખ અને સર્વોચ્ચ અદાલતમાં તેને બચાવનાર ગુજરાતમાંથી ચૂંટાયેલા 'માનનીય' સંસદસભ્ય અરૂણ જેટલીની પણ આપને યાદ આવશે. પ્રભાત ચોક ઘાટલોડિયાની જાહેર સભામાં ભાષણ ઠોક્યા પછી રાત્રિરોકાણ માટે ગાંધીનગર જતી વખતે.....(6) ગુજરાત હાઈ કોર્ટ સામે કર્ણાટકમાં થયા તેવા જ ગુજરાતના ખાણ ખનીજના ગેરકાયદે ખોદકામને અટકાવવા માંગતા આર.ટી.આઈ. કાર્યકર અમિત જેઠવાની હત્યા થઈ તે સ્થળ.....ઉપરોક્ત સ્થળો જોવા બદલ આપનો આભાર.
* * * * * * *

(Tuesday, 8 November 2011 at 06:21pm)
'તમારા એરેન્જડ મેરેજ છે?'..... 'ના.'
....'તો લવ મેરેજ?'..... 'ના.'.....'ઓ.કે. ન્યુઝ પેપરમાં મેટ્રિમોનિઅલ (લગ્ન સંબંધી બસ) જાહેરાત આપીને એકબીજાને મળ્યા?'..... 'ના.'
.....'ફેસબુક પર મળ્યા?'..... 'ના'
.....'અમે બન્ને બેન્કમાં પાસબુક એન્ટ્રી કરાવવાની લાઇનમાં ભેગા થયા અને એકબીજાનું સ્ટેટસ, સોરી બેલેન્સ જોઈને લગ્ન કર્યા.પૂછપરછ કરવા બદલ આપનો આભાર અને તમને સંતોષકારક જવાબો આપી શક્યા તે બદલ અમને ખુદને અમારાં અભિનંદન.
* * * * * * *

(Wednesday, 9 November 2011 at 08:39am)
મારા મિત્ર જિગેશભાઈ શાહને તેમના કેન્સર પીડિત દાદી માટે ‘O’ Positive ( પોઝિટિવ) બ્લડની જરૂર છે. ફેસબુક પર જોડાયેલા નહીં જોડાયેલા અમદાવાદ સ્થિત મિત્રો તેમનો મોબાઇલ નંબર 99043 XXXXX પર સંપર્ક કરી મદદરૂપ થઈ શકે છે. આભાર.
નોંધ: આ સ્ટેટસ અપલોડ કર્યા પછી અમદાવાદથી બહાર એવા મને ત્રણ કલાકમાં જ જિગેશભાઈ તરફથી ખબર મળ્યા કે લોહીની જરૂરિયાત પૂરી થઈ છે. ફેસબુકનો આ ઉપયોગ પણ શક્ય છે.
* * * * * * *

એય મીઠુ મીઠુ ના બોલ!
(Wednesday, 9 November 2011 at 04:35pm)
ચોક્કસ રાજકીય ગણતરીઓ સાથે નવેમ્બરથી જૌનપુર ઉત્તર પ્રદેશથી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરઘસ (યાત્રા બસ) કાઢી નીકળેલા બેંગલોર કર્ણાટકના રવિશંકરને 'યાત્રા' દરમિયાન થોડો પોરો ખાવાનો સમય બહુ જલદી આવી ગયો. ભ્રષ્ટાચાર આચરવા માટે જેલ ભેગા થયેલા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાને આ સરઘસ શરૂ થયાના ચોવીસ જ કલાકમાં નવેમ્બરે જામીન મળી ગયા છે. 'ગુરૂ' રવિશંકર થોડી રાહ જુઓ, 'ચેલા' યેદીયુરપ્પા તમને સાથ આપવા આવી પહોંચશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીને ઘેર બેઠા નવા નવા કૌભાંડો કરવાનો 'ટ્યુશન પાઠ' મળશે તે નફામાં. આભાર.
* * * * * * *

(Thursday, 10th November 2011 at 11:38am)
આજે ગુરૂવાર10 નવેમ્બર 2011: દેવદિવાળી.....ફેસબુક પર જેમની ઉપસ્થિતિ છે તેવા પત્રકાર મિત્ર કેતન રૂપેરા (પૂર્વે દિવ્ય ભાસ્કર દૈનિક અને અભિયાન સાપ્તાહિકમાં કાર્યરત)એ પત્ની જિગીશા સાથે મળીને દિવાળીની પૂર્વ સંધ્યાએ પ્રીતિ ભોજન માટે એકઠા થયેલા થોડાક મિત્ર દંપતીઓને ખાદીના હાથરૂમાલની ભેટ આપી. આ ભેટને રોજિંદા ઉપયોગ માટે ખપમાં લીધા પછી હવે ધીરે ધીરે પહેરવા ઓઢવા માટે પણ ખાદી ખરીદવાનું મન બનતું જાય છે. કેતન ખાદી સાથે જોડાયેલા પ્રશ્નો પરત્વે પણ સારી એવી જાણકારી ધરાવે છે. રૂપેરા દંપતિનો આભાર.
* * * * * * *

(Thursday, 10th November 2011 at 3:15pm)
પેટ્રોલિયમ પેદાશોના છાસવારે થતા ભાવવધારાની ટીકા તેનો ઉપયોગ કરનારા કરે એ સમજાય પરંતુ આજે તો પંપ પર પેટ્રોલ પુરનારા ભાઈએ પણ તેની ટીકા કરી. થયું એવું કે લિટરે રૂપિયા 73/-ના ભાવનું લિટર પેટ્રોલ બજાજ સુપર સ્કુટરમાં ભરાવતા બિલ થયું રૂપિયા 292/-. પંપમેનની ઉતાવળ એવી કે બિલના ઉપરના બે રૂપિયા હું ચુકવું તે પહેલા રૂપિયા 71/-ના જૂના ભાવે ગણતરી કરીને મને પાંચ રૂપિયા પરત આપ્યા. મેં ગણતરી કરીને સમજાવ્યું ત્યારે એ ભાઈએ કહ્યું કે, 'વારંવાર ભાવ વધ્યા કરે છે એટલે યાદ રહેતું નથી અને અમારા જેવા જિંદગી ધરીને વાહન નહીં વાપરનારા પણ પેટ્રોલના ભાવમાં આ રીતે દંડાઈ જાય છે.' અસ્તુ.
* * * * * * *

સ્વામી અગ્નિવેશ : અન્નાથી દાઝેલા
(Saturday, 12 November 2011 at 12:48pm)
કલર્સ ચેનલના રિઆલીટી શો બીગ બોસમાં સ્વામી અગ્નિવેશે એન્ટ્રી લીધા પછી મહેમૂદ કિશોરકુમાર અભિનિત 1968ની હિન્દી ફિલ્મ સાધુ ઔર શેતાન’ નવેસરથી બનાવવાનો વખત આવી ગયો છે સાધુશેતાન ઔર સ્વામી અગ્નિવેશ.
* * * * * * *

એય લોન આપો લોન....
(Monday, 14 November 2011 at 12:22am)
પેટ્રોલના સ્ટોકથી લઈને પાઇલોટના પગાર ચુકવવા સુધીની નાણાભીડ અનુભવતી વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સને રાષ્ટ્રીયકૃત બેન્કો તરફથી બેઇલ આઉટ પેકેજ મળે તેની ચિંતા વડાપ્રધાન ડો. મનમોહન સિંહ કરી રહ્યા છે. એવી ચિંતા કરવામાં અને નાણાભીડ દૂર કરવાનો રસ્તો ખોળવામાં હું પણ દેશના વડાપ્રધાનની સાથે છું. એમ કરતા એક રામબાણ ઉપાય પણ મળી આવ્યો છે. વિજય માલ્યાએ હરાજીમાંથી ખરીદેલી ટીપુ સુલતાનની તલવાર મ્યાનમાંથી કાઢી હવામાં વિંઝતા વિંઝતા બેન્કો પાસે પહોંચી જવાનીજરૂર છે. નકલી પિસ્તોલથી ડરીને સેઇફ વોલ્ટની ચાવી ધરી દેતા બેન્ક મેનેજરો આ અસલી તલવારથી તો ખરેખર ડરશે અને જોઇએ એટલા રૂપિયા પણ ધીરશે. આભાર.
* * * * * * *

(Monday, 14 November 2011 at 07:45pm)
અકાઉન્ટસ લખતા અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરતા વ્યવસાયીઓને સુચના: ભારતમાં 'પેટ્રોલ અલાઉન્સ'ને હવે 'બેઇલ આઉટ પેકેજ' તરીકે ઓળખાવાય તો હિસાબો ચકાસતી વખતે વાંધો લેવો નહીં. (સંદર્ભ: કિંગફિશર એરલાઇન્સની નાણાભીડ 2011)
* * * * * * *

(Tuesday, 15 November 2011 at 06:25pm)
વસિયતનામુ: વર્ષ 2015 મારા અવસાન પછી મારી સ્થાવર જંગમ મિલકત તેમજ ગુગલ પ્લસ અને ફેસબુક પ્રોફાઇલની વહીવટી બાબતો મારા દ્વારા નિમાયેલા અને આ સાથે જણાવેલા વહીવટદાર (Administrator)ને હસ્તક રહેશે.
* * * * * * *

(Wednesday, 16 November 2011 at 06:46pm)
વર્ષ 2011 (31 ઓક્ટોબર) : દુનિયામાં સાત અબજમી બાળકીનો જન્મ થયો અને 'સાત હિન્દુસ્તાની' ફિલ્મથી કારકિર્દી શરૂ કરનારા અમિતાભ બચ્ચનના પરિવારમાં જન્મથી 'અબજપતિ' ઓળખાવી શકાય તેવી બાળકીનું આગમન (16 નવેમ્બર) થયું. અભિનંદન અને આભાર.
* * * * * * *

(Thursday, 17 November 2011 at 03:50pm)
મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....અવ્વલ અમદાવાદ…..
સેટેલાઇટ’ શબ્દનો રોજે-રોજ સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છેઇસરો (ISRO)ની ઓફિસ વર્કશોપમાંફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માંવિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેન્દ્રીય પ્રધાનની ઓફિસમાંસાયન્સ સીટીમાંવિજ્ઞાન ભણાવતી સ્કૂલ કોલેજોમાંટેલિફોન એક્ષચેન્જમાંમોબાઇલની ઓફિસમાં કે ન્યુઝ એન્ટરમેઇન્ટ ચેનલના સ્ટુડિયોમાં.......ના ઉપર જણાવેલી એકેય જગ્યાએ નહીં.....સેટેલાઇટ’ શબ્દનો સૌથી વધુ ઉપયોગ અમદાવાદના નાગરિકો દ્વારા થાય છે.....કારણ કે અહીં એ નામનો વિસ્તાર અને રોડ બન્ને આવેલા છે.
* * * * * * *

(Wednesday, 23 November 2011 at 04:07pm)
ડ્રાઇવિંગ શીખવા ભલે ગમે તે સ્કૂલમાં જાઓ, પાર્કિંગ તો રેસીડેન્સીઅલ કે કોમર્સિઅલ કોમ્પ્લેક્સનો સિક્યુરીટી ગાર્ડ બતાવે એ જગ્યાએ અને કહે તેમજ કરવું પડશે. યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવા બદલ આપનો આભાર. (અમદાવાદમાં રહેવાના અનુભવ પરથી)
* * * * * * *

(Thursday, 24 November 2011 at 10:36am)
સ્કુટર મોટરસાઇકલ કે કારને સર્વિસ રીપેર કરનારા તેમના ગેરેજને વર્કશોપ’ તરીકે ઓળખાવે છે એ રીતે પોઝિટિવ થિંકિંગના નામે ઉપાડો લેનારા મેનેજમેન્ટ મોટીવેશનલ ‘So Called’ ગુરુઓ તેમના મીટીંગ જેવા સેમિનારને વર્કશોપ’ તરીકે ઓળખાવે છે. શું આ ગુરુઓ નામે જિતેન્દ્ર અઢિયાસ્નેહ દેસાઈ કે સુરાણી આદિ એક હાથમાં માઇક અને બીજા હાથમાં પાના પક્કડ લઇને વર્કશોપમાં આવે છે?
* * * * * * *

(Thursday, 24 November 2011 at 08:26pm)
કોંગ્રેસ પક્ષથી 1999માં છેડો ફાડનાર શરદ પવારને બાર વર્ષે પક્ષનું ચિહ્ન ભેટમાં મળ્યું. આભાર હરવિંદરસિંહ.
* * * * * * *

(Thursday, 24 November 2011 at 09:16pm)
બાળકના જન્મ પછી હોસ્પિટલ ડિસ્ચાર્જ સમયે નર્સ નવજાત શિશુને હાથમાં લઈ મમ્મીએ તેને કેમ તેડવું તે શીખવે અને પાર્કિંગ એરિયા સુધી આવી બાળકને કાર સીટમાં કેવી રીતે સુવડાવવું બેસાડવું તેની સમજ આપે છે. (પરદેશમાં જોયેલું, અન્યોના અનુભવમાંથી જાણેલું અને ઐશ્વર્યા અભિષેકની દીકરીને ઘરે લઈ જતા 'દાદા' અમિતાભ બચ્ચનની તસવીર જોયા પછી આપ સૌને આટલું જણાવવા યોગ્ય લાગેલું. યાદ રહે, બાળકનો જ્યાં જન્મ થયો તે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલ માટે 'ફાઇવ સ્ટાર' હોસ્પિટલના દરજ્જાનો દાવો થતો હતો.) મૂળ મુદ્દાને આંબી જતો લાંબો કૌંસ વાંચવા બદલ પણ આપનો આભાર.
* * * * * * *

પવારના ગાલને 'પંપાળનારો'
(Thursday, 24 November 2011 at 09:33pm)
કોંગ્રેસ પક્ષથી 1999માં છેડો ફાડનાર શરદ પવારને બાર વર્ષે પક્ષનું ચિહ્ન ભેટમાં મળ્યું. ગાલ પર પડેલો આ તમાચો શરદ પવારને લાંબો સમય યાદ રહેશે કારણ રાજકીય દુકાન જેવા તેમના પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું ચિહ્ન છે 'ઘડિયાળ' – ટીક ટીક કરતી ઘડિયાળ. હર પળ યાદ અપાવતી ભેટ આપવા માટે આભાર હરવિંદરસિંહ.
* * * * * * *

રાજેન્દ્રસિંહ : પાણીની પળોજણ
(Friday, 25 November 2011 at 01:38pm)
ભરૂચ નજીક આવેલા વાલીયા ગામના લોકોએ આગેવાનોએ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મેળવવા જળ નિષ્ણાત રાજેન્દ્રસિંહને આજે વિસ્તારની મુલાકાતે બોલાવ્યા છે. ભૌગોલિક રીતે જોઇએ તો વાલીયાની એક તરફ 20 કિલોમીટર દૂર નર્મદા નદી (નર્મદા જિલ્લો) વહે છે તો બીજી તરફ 40 કિલોમીટર દૂર તાપી નદી (સુરત જિલ્લો) વહે છે. એ બન્ને વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ કરતો કેચમેન્ટ એરિયા છે છતાં પાણીની તંગી હોવાનું આશ્ચર્ય થાય છે. બીજું એક આશ્ચર્ય એવું પણ થાય છે કે જે ગુજરાતની બે ત્રણ પેઢી પ્રાથમિક માધ્યમિક સ્કૂલમાં ગુજરાતી ભણતા-ભણતા પાણીકળો’ નામનો પાઠ ભણી ગઈ છે અને જ્યાં આજે પૂરતી સંખ્યામાં જળનિષ્ણાતો ઉપલબ્ધ છે તે ગુજરાતે પાડોશી રાજ્ય રાજસ્થાનથી રાજેન્દ્રસિંહને શું કામ તેડાવવા પડેરેમન મૈગસેસે પુરસ્કાર વિજેતા છે એટલેપાણીકળો: ભૂગર્ભ જળ સ્ત્રોત શોધી કાઢનાર નિષ્ણાત. See the Link – http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8B*/
* * * * * * *

(Saturday, 26 November 2011 at 03:17pm)
રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ કંપનીને પ્રગતિના પંથે લઈ જવા બેકવર્ડ ઇન્ટીગ્રેશનનો સહારો લીધો હતો. તેમના દિવંગત થયા પછી કંપનીના ભાગલા કરી છૂટા પડેલા ભાઈઓ મુકેશ અને અનિલ અંબાણીએ પોતપોતાની કંપનીઓને ટકાવી રાખવા પરસ્પર સહયોગ સાધ્યો હોય તેમ લાગે છે. અનિલ અંબાણી ગ્રૂપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ મોબાઇલ સેવાના ખોટા અને ભળતા સળતા બિલ મોકલે. એ બિલને સમજવાતેમાં સુધારો કરાવવા કે સમાધાનરૂપી કોઈ રકમ નક્કી કરવા ગ્રાહકે પેટ્રોલ બાળી કંપનીની રિજિઓનલ ઓફિસ (પ્રાદેશિક કચેરી, બસ)નું રૂબરૂ ચક્કર કાપવું પડે. ખોટા બિલ પાછળ પેટ્રોલ બાળનારા બધા નહીં તો થોડાક લોકો પણ રિલાયન્સ પેટ્રોલિયમ પંપના ગ્રાહકો હોવાના. ખરું નેએક હકીકત તરફ ધ્યાન દોરું રિલાયન્સ કોમ્યુનિકેશન્સની એરિયા ઓફિસ અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી છે. તેની સાવ નજીકમાં રહેતા મોબાઇલ ધારકે કંપનીની ઓફિસે એક વાર જવા માટે પણ 1520 રૂપિયાનું પેટ્રોલ બાળવું પડે. ખાનગી કંપનીઓ તો સરકારી કચેરીઓ કરતા બે ધક્કા વધુ ખવડાવે એટલે દરેક ધક્કે પેટ્રોલ ખર્ચનો ગુણાકાર કરતા જાઓ. આપ ‘Reliance Mobile’ના ગ્રાહક હો તો આશ્વાસન અને ન હો તો આભાર.
* * * * * * *

સતીષ પ્રધાન : માઇક મળ્યું નથી કે ઠોકાઠોક...
(Tuesday, 29 November 2011 at 01:38pm)
ભારતના ઔદ્યોગિક વિકાસ સંદર્ભે ફ્લેગશીપ કંપની ગણાતી તાતા ગ્રૂપની પેરન્ટ કંપની તાતા સન્સના માનવ સંશાધન (Human Resources) વિભાગના વડા સતીષ પ્રધાને અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક કાર્યક્રમ કોન્ફ્લુઅન્સમાં વક્તા રૂપે હાજર રહેતા 25 નવેમ્બરે કહ્યું કે, ‘બિઝનેસ સ્કૂલની પ્લેસમેન્ટ પ્રક્રિયા પુષ્કરમાં થતી પ્રાણીઓની હરાજી જેવી છે. રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે મેળાની સાથે યોજાતી પશુઓના ખરીદ વેચાણની પ્રક્રિયામાં દુનિયાના પ્રવાસીઓ મીડિયાને રસ પડે છે. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વિનંતી કે પ્લેસમેન્ટ પછી તગડો પગાર મળે તો પણ ચાર પૈડાંનું વાહન ન ખરીદતા. જો કાર ખરીદશો તો પશુ પક્ષી સાથેનો તમારો નાતો કાયમ માટે જોડાઈ જશે. રખડતા અને પાળેલા એમ બન્ને પ્રકારના કુતરા કુદરતી હાજત માટે આપની કારના ટાયરનો ઉપયોગ કરશેકબુતર કાબર જેવા પક્ષીઓ એ જ ક્રિયા માટે કારના હૂડનો ઉપયોગ કરશે તો આપણા પૂર્વજો જેવા વાંદરા ઝાડ પર ચઢવા માટે કાર હૂડનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરશે. મારી સલાહ માનીને કાર નહીં ખરીદવાનો નિર્ણય લેનારા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓનો આગોતરો આભાર. (નોંધ: સતીષ પ્રધાનને ઉપરોક્ત બાબતની જાણ નથી એ આપની જાણ માટે.)See the Link – http://bollywood.divyabhaskar.co.in/article/MGUJ-AHM-pradhan-slams-b-school-placement-pattern-2592185.html
* * * * * * *

(Tuesday, 29 November 2011 at 02:08pm)
ભારતના ઔદ્યોગિક વિકાસ સંદર્ભે ફ્લેગશીપ કંપની ગણાતી તાતા ગ્રૂપની પેરન્ટ કંપની તાતા સન્સના માનવ સંશાધન (Human Resources) વિભાગના વડા સતીષ પ્રધાને અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક કાર્યક્રમ કોન્ફ્લુઅન્સમાં વક્તા રૂપે હાજર રહેતા 25 નવેમ્બરે કહ્યું કે, ‘બિઝનેસ સ્કૂલની પ્લેસમેન્ટ પ્રક્રિયા પુષ્કરમાં થતી પ્રાણીઓની હરાજી જેવી છે. સતીષ સાહેબ, માનવ સંશાધનના જે કામ સાથે આપ સંકળાયેલા છો અને જે કંપનીનું પ્રતિનિધિત્વ કરો છો તેની એચ.આર. પોલિસી કેવીક છે તે સામાન્ય જનતાએ સમજવા માટે આ સાથે એટેચ કરેલી ટાટા મોટર્સ લિમિટેડની જાહેરાત જ પર્યાપ્ત છે. જાહેરાતના લખાણની એક લાઇન જ જુઓ – ઉમેદવારને આવવા જવા માટેનું ભથ્થુ આપવામાં આવશે નહીં.’ મિસ્ટર પ્રધાન, સામાન્ય લોકો માટે બનાવાયેલી જે કારના ઉત્પાદન માટે ગુજરાત સરકારે આપની કંપનીને પાણીના મૂલે એકરબંધ જમીન આપી તે રાજ્યના નાગરિક એવા ટ્રેઇની ઉમેદવારને આપવા માટેના બસ ભાડાના 100 – 200 રૂપિયા આપની કંપની પાસે નથી? શતાબ્દી ઉજવી ચૂકેલી કંપનીની એચ.આર. પોલિસી આવી હોય? આપનો ખૂબ ખૂબ આભાર. બિનીત મોદી (અમદાવાદ) નોંધ: આ જાહેરખબર 15 ઓક્ટોબર 2011ના રોજ અમદાવાદના સ્થાનિક દૈનિકોમાં પહેલી વાર પ્રસિદ્ધ થઈ તે પછી 26 નવેમ્બર 2011ના રોજ ત્રીજી વાર પ્રગટ થઈ છે. See the Link http://bollywood.divyabhaskar.co.in/article/MGUJ-AHM-pradhan-slams-b-school-placement-pattern-2592185.html
* * * * * * *

(Tuesday, 29 November 2011 at 04:54pm)
મોંઘવારીભાવવધારોખેડૂતોની આત્મહત્યા કે ઘરવપરાશની ચીજ વસ્તુઓના છૂટક વેચાણમાં વિદેશી સીધા મૂડીરોકાણ (FDI)ને મંજૂરી. મુદ્દો કોઈ પણ હોય કોંગ્રેસ પાસે એક જ જવાબ છે આમ આદમીનો પક્ષઆમ આદમીની સરકાર. ખરેખરમોંઘા ભાવના आम ખરીદીને ખાઈ શકે એવા કરોડ અને અબજપતિઓનો પક્ષ સરકાર.
* * * * * * *

(Wednesday, 30 November 2011 at 11:30am)
છૂટક ચીજ-વસ્તુ વેચાણના ભારતીય બજારમાં એફ.ડી. (FDI) આઈ તો દેશના સામાન્યજનની બચત (FD) જશે ધોવાઈ.

પખવાડિયા અગાઉ અહીં મુકેલી નવેમ્બર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/12/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)