પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, December 25, 2014

સુમતિફોઈ : પપ્પાની પાંચમી બહેન

સુમતિ હરવદન શાહ / Sumati Harvadan Shah
13-03-1934થી 13-12-2014

સુમતિ સાકરલાલ મોદી ઉર્ફે સુમતિ હરવદન શાહ – સગપણમાં પપ્પાના માસી (પાર્વતી સાકરલાલ મોદી)ના દીકરી અને એ નાતે મારા ફોઈ થાય. સગી ચાર બહેનો (સ્વ. મધુકાન્તાબહેન, સ્વ. જસુબહેન, ચંપાબહેન અને વસુબહેન) ઉપરાંત પપ્પા પર સૌથી વધુ જો કોઈ હેત વરસાવનારું હોય તો તે આ સુમતિફોઈ / Sumati Harvadan Shah. વતન ગોધરામાં જન્મેલા (જન્મ તારીખ : 13 માર્ચ 1934) અને જન્મારો કાઢેલા આ ફોઈએ અને હરવદનફુઆએ મને એક જબરા વૈભવની નવાજેશ કરી હતી.

એ વૈભવ એટલે હરવદનફુઆના ટાઇપરાઇટર / Typewriter સામે બેસવાનો. આજની આઈપેડ – સ્માર્ટફોનની સગવડ પણ સાવ ફીક્કી લાગે તેવો વૈભવ એટલે સ્વ. હરવદનફુઆના ટાઇપરાઇટર સામે બેસવા મળે તે. ગોધરાની સાયન્સ કૉલેજમાં લૅબોરેટરિ આસિસટન્ટ (પ્રયોગશાળા સહાયક) રહી ચૂકેલા તેઓ વધારાની આવક માટે ગુજરાતી – અંગ્રેજી ટાઇપરાઇટિંગ / Typewriting તેમજ નાના-મોટા વેપારીઓ માટે નામું લખવાનું કામ વ્યવસાયી ધોરણે કરતા હતા. કૉલેજથી આવે ત્યારે કે પછી પોતાના કામમાંથી અવકાશ મળે એટલે મશીન પર કોરો કાગળ ચઢાવીને વિદ્યાર્થીઓને ટાઇપરાઇટિંગ શીખવવાનું કામ પણ તેઓ કરતા. 2001માં તેમનું અવસાન થયા પછી તેર વર્ષે 2014ના અંતિમ દિવસોમાં સુમતિફોઈ પણ ચાલી નીકળ્યા. બસ એ બાર-તેર વર્ષની જ ઉંમર હતી જ્યારે મને ટાઇપરાઇટરનો ચસકો લાગ્યો હતો. પપ્પાની બૅન્કની નોકરી સાથે ગામે-ગામ ફરતો રહેતો હું જ્યારે બૅન્કમાં જવાની તક મળે ત્યારે ટાઇપ મશીન પર હાથ અજમાવતો. એમ ગોધરા / Godhra, District : Panchmahal જતો ત્યારે સુમતિફોઈના ઘરે જવાના બે આકર્ષણો રહેતા...જાડા મઠિયા અને અંગ્રેજી – ગુજરાતી ટાઇપરાઇટર. હરવદનફુઆ વિદ્યાર્થીઓને શીખવતા એટલા જ ઉમળકાથી મને પણ ટાઇપ મશીન પર કોરો કાગળ ચઢાવી આપતા.

ટાઇપરાઇટરનો વૈભવ
સંસ્કૃત / Sanskrit ભાષાની પંડિતાઈ પ્રત્યેના અણગમાએ અને હરવદનફુઆની સલાહ પર 1985માં દસમા ધોરણમાં મેં જ્યારે સંસ્કૃતની અવેજીમાં ટાઇપરાઇટિંગ વિષય પસંદ કર્યો ત્યારે કમ્પ્યુટર ન તો ફોટામાં જોયું હતું, નામ પણ નહોતું સાંભળ્યું. ફુઆનું એવું કહેવાનું હતું કે આ ટાઇપરાઇટિંગ તને કારકિર્દીમાં આગળ વધવામાં ખૂબ કામ લાગશે, ઉપયોગી થઈ પડશે. એ વખતે ન સમજાયેલા તેમના આ શબ્દો સ્વ. ફોઈ – ફુઆ વિશે કમ્પ્યુટરના માધ્યમથી જ બ્લોગ માટે લખતાં અને ભાષાનું વ્યવસાયી કામ કરતાં આજે સમજાઈ રહ્યા છે એ મારે સ્વીકારવું રહ્યું.

કારકિર્દી માટે મેં જેમ ફુઆની સલાહ સ્વીકારી તેમ આર્થિક સમૃદ્ધિ માટે પપ્પા (સ્વ. પ્રફુલ મોદી / http://binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html) સુમતિફોઈની સલાહ અચૂક માનતા. તેઓ એલ.આઈ.સી / Life Insurance Corporation of India / http://www.licindia.in/ અને પોસ્ટ ઑફિસ / India Post / http://www.indiapost.gov.in/ બચતનું કામ કરતા અને પપ્પા પાસે આગ્રહ કરીને બચત કરાવડાવતા. નોકરીના કે તે પછી નિવૃત્તિના વર્ષો દરમિયાન અંગત વાતચીતમાં પપ્પા ફોઈનો આગ્રહ તેમને કેવો-કેટલો ફળદાયી રહ્યો તેનો ખાસ ઉલ્લેખ કરતા એક વાત અચૂક કહેતા કે અમદાવાદ / Ahmedabad જેવા શહેરમાં પોતાનું મકાન ખરીદવા માટે બિલ્ડરને આપવી પડતી તફાવત રકમ (માર્જિન મની / Margin Money)ની વ્યવસ્થા એ બચત ફોઈ મારફતે પરત મેળવીને કેવી રીતે મદદરૂપ નીવડી હતી. એમ તો આ ફોઈ જમવાના ભાણે આગ્રહ કરવામાં પણ કોઈ કસર છોડતા નહીં. કાજીવાડા – ગોધરાના તેમના આંગણે મમ્મી – પપ્પાની સાથે કે એકલા ગયેલા મને કદી એવું યાદ નથી આવતું કે હું ખાલી પેટે કે હાથે પાછો ફર્યો હોઉં. ચા-નાસ્તાના ટાઇમે નાસ્તો અને જમવાના ટાઇમે આગ્રહ કરીને ડાઈનિંગ ટેબલ પર બેસાડી દેતા સુમતિફોઈ તેમનાથી વિખૂટાં પડતી વેળાએ પોતાની બંધ મુઠ્ઠી ખોલતા અને ઝડપભેર મારી હથેળીને મુઠ્ઠી બનાવીને દબાવી દેતા કહેતા કે ‘આ તારા હકના છે.’ આનાકાનીને કોઈ અવકાશ જ નહોતો એવો તેમનો આ આગ્રહ મને બહુ પાછળથી પપ્પાએ સમજાવ્યો હતો કે બચત કરનારની રોકાણ રકમ પર એજન્ટ હોવા લેખે તેમને જે કમિશન મળતું તે ફોઈ પોતાના ખપ પૂરતી રાખીને બાકીની રકમ આ રીતે પરત કરી દેતા હતા. પપ્પાએ તે રકમ લેવાની કદીકને આનાકાની કરી હશે તે એમણે રકમ મારા હાથમાં મુકવી શરૂ કરી.

છ ભાઈઓ અને પાંચ બહેનોના પરિવારમાં સુમતિફોઈ પાલીમાસી અને સાકરમાસાનું પાંચમું સંતાન હતા. (તેમના ભાઈ સુરેન્દ્ર મોદી / http://binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને ભાઈ વિનોદ મોદી / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html વિશે વાંચો.) સુરેન્દ્રકાકા – વિનોદકાકા સિવાયના ભાઈઓ કારકિર્દી માટે તેમ સુમતિફોઈ – અનિલાફોઈ સિવાયની બહેનો સંતાનો સાથે અમેરિકામાં વસે છે. કિશોરાવસ્થામાં વતન ગોધરામાં ઉજવેલી એક દિવાળી એવી યાદ આવે છે કે અમેરિકા વસતા તેમના મોટાભાગના ભાઈઓ-બહેનો ગોધરા આવ્યા હતા. ભાઈબીજના દિવસે તેમણે સૌને જમવાનું આમંત્રણ આપ્યું હતું. ભાણા-ભત્રીજાઓની સાથે તો એ સંખ્યા બહુ મોટી થાય.

એ સંખ્યા જાણીને મારા પપ્પાએ તેમને એવું સૂચન કર્યું કે, ‘બહેન નાના ઘરમાં બધા કેમના સમાઇશું? હું તો તારો માસીયાઈ ભાઈ છું...સુધા અને બિનીત સાથે બીજે દિવસે આવીશ તો નહીં ચાલે?’ તોલી-જોખીને બોલાયેલા તેમના જવાબનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બન્ને યાદ રહે તેવા હતા...‘મારું દિલ જ મોટું છે, ઘર મોટું કરીને શું કામ છે?’...‘અને હા મોટાભાઈ (સુરેન્દ્ર)ને વિનોદ નહીં આવે તો ચાલશે...તારે તો એમનાથી પહેલા આવી પહોંચવાનું.’

આ સત્તાવાહી અવાજ સાંભળી લીધા પછી પપ્પાએ કંઈ કરવાનું રહેતું નહીં. ભાઈબીજના ભોજનને અને ફોઈના આગ્રહને ન્યાય આપ્યેજ છૂટકો. અફસોસ કે આવો સત્તાવાહી અવાજ હવે સાંભળવા નહીં મળે. જેમનું દિલ મોટું હતું એવા સુમતિફોઈ માંદગી અને એકલતાના કારણે ગોધરા જેવા પ્રમાણમાં નાના નગરની જાહોજલાલી, અડોશ-પડોશ છોડીને ન ગમતું હોવા છતાં છેવટના વર્ષોમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં આવીને દીકરી-જમાઈના પરિવાર સાથે રહ્યા. શ્વસુર પક્ષે ખંભાત / Khambhat શહેર સાથે નાતો ધરાવતા તેઓ અમદાવાદમાં નાની દીકરી દીપ્તી હીમલ શાહના / Dipti Himal Shah ઘરે શનિવાર, 13 ડિસેમ્બર 2014ની સવારે એક્યાશી વર્ષની વયે અવસાન પામ્યા. મોટી દીકરી મોના દીનેશ દોશી / Mona Dinesh Doshi પડોશના ગાંધીનગર શહેરમાં જ પરિવાર સાથે રહે છે જેમણે મમ્મીનો નાની બચતનો વ્યવસાયી વારસો બરાબર ફોઈની અદાથી જ સંભાળ્યો છે.


(તસવીરો : બિનીત મોદી)

Tuesday, December 16, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2014)

(નવેમ્બર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 49મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

નટરાણી એમ્ફીથીઅટર – અમદાવાદ
Natrani Amphitheater – Ahmedabad
(Monday, 3 November 2014 at 01:40pm)
મલ્ટીપ્લેક્સ થીઅટરમાં ફિલ્મ જોતી વખતે ન સંભળાય...
એમ.જે. લાઇબ્રરિ, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં છાપું, મેગેઝિન કે પુસ્તક વાંચતી વખતે ન સંભળાય...
ટાઉન હૉલ, જયશંકર સુંદરી હૉલ કે ટાગોર હૉલમાં નાટક જોતી વખતે ન સંભળાય...
...પરંતુ...ઉસમાનપુરાઅમદાવાદ સ્થિત નટરાણી એમ્ફીથીઅટરમાં કોઈ પણ કાર્યક્રમ જોતી વખતે માલિક સંચાલક ડૉ. મલ્લિકા સારાભાઈના તેમજ અડોશ-પડોશના પાળેલા કૂતરાઓના ભસવાના અવાજ અચૂક સંભળાય...
અમદાવાદનો ઇતિહાસ રજૂ કરતી રંગમંચ શ્રેણી કડક બાદશાહીમાં રજૂઆત પામી નથી તેવી જબ કુત્તે પે સસ્સા આયાસિવાયની સાચુકલી વાત...
* * * * * * *


(
Wednesday, 5 November 2014 at 11:25am)
આમ આદમી પાર્ટીએક એવો રાજકીય પરપોટો હતો જેને ટેકેદારો ગત વર્ષે દિલ્હીની વીજળી વગરની ગરમીમાં બરફનો ગાંગડો બનાવવા નીકળ્યા હતા. એ નિષ્ફળતા પરથી બોધપાઠ લઇને હવે આ વર્ષે એ કસરત શિયાળામાં પુનઃ પ્રારંભ પામશે.
* * * * * * *

(
Friday, 7 November 2014 at 02:10pm)
કો-ઑપરેટિવ બેન્કની જેમ કાળા નાણાનું ખાતું પણ ઝીરો બૅલન્સથી ઑપરેટ થઈ શકે એવી ખબર સાલી મને આજે જ પડી.
નોંધ : ઉપરોક્ત વિધાન સાલીશબ્દના ઉપયોગ વગર લખી શકાય એમ જ નહોતું. એટલા પૂરતો મને માફ કરવા વિનંતી.
* * * * * * *

(
Tuesday, 11 November 2014 at 11:15am)
વિમાનની ટક્કરનો ભોગ બનેલી ભેંસએ પોતાને થયેલી ઇજાની કળ વળ્યા પછી સુરત શહેર પોલીસ સમક્ષ આજે પાઇલટ વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે...
હિટ એન્ડ ફ્લાયની...
* * * * * * *

(
Friday, 14 November 2014 at 09:00pm)
ભૂખ્યા પેટે ભજન ન થાય...
હા, ડાયબીટિઝનો ટેસ્ટ થઈ શકે...ફાસ્ટિંગ શુગર...
આજે 14 નવેમ્બર વિશ્વ ડાયબીટિઝ દિવસ...
* * * * * * *

(
Wednesday, 19 November 2014 at 01:50pm)
કાયમ લેંઘો પહેરીને ફરતો જણ એક સવારે પેન્ટ પહેરીને સન્મુખ થાય ત્યારે ઝટ ઓળખાતો નથી.
* * * * * * *
બાંકડાનો ‘લીલો’ રંગ

(
Saturday, 22 November 2014 at 05:05pm)
બગીચામાં કે જાહેર સ્થળે બેસવાના બાંકડાને કોઈ પણ કલર કરો...તેના પર બેસનારને ચેતવવા માટે તો છેવટે લીલોશબ્દ જ કામમાં આવે છે...
બાંકડાનો રંગ લીલો છે, બેસતા પહેલા ચકાસી લેશો.
* * * * * * *

(
Monday, 24 November 2014 at 07:20am)
મગફળીમાંથી બનતા સીંગતેલનો જ્યારે સીંગભુજિયાની પ્રક્રિયા દરમિયાન મગફળી સાથે પુનઃ સંપર્ક થાય છે ત્યારે તેને માને મળ્યા જેટલો આનંદ થાય છે.
* * * * * * *
કોટી કોટી વંદન

(
Wednesday, 26 November 2014 at 07:40am)
ધાર્મિક કે અન્ય કોઈ પણ કારણસર આપણે કોટી કોટી વંદનશું કામ કરીએ છીએ?
શર્ટ, ટી-શર્ટ, સફારી શર્ટ, ઝભ્ભા કે બંડીનો કોટીના મુકાબલે કોઈ વાંક-ગુનો છે ખરો?
* * * * * * *
વરરાજાની ગાર્ડન કાર

(Saturday, 29 November 2014 at 03:00pm)
સી.એ. સાહેબબગીચો મૂવેબલ પ્રૉપર્ટીમાં આવે કે ઇમમૂવેબલ પ્રૉપર્ટીમાં?”
ઘરનો બગીચો હોય તો ઇમમૂવેબલમાં અને વરરાજાની ગાડીને ફૂલોથી વધુ પડતી શણગારી હોય તો એ મૂવેબલ પ્રૉપર્ટી ગણાય. ઇઝ ધેટ ક્લિઅર?”
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)