પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, July 05, 2013

પગાર ત્રણસો રૂપરડી, પાટુ પડ્યું રૂપિયા ત્રણ લાખનું


ચલણી નાણાંના મૂલ્ય સંદર્ભે આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકારાયેલા અમેરિકન ડૉલર / US Dollar સામે ભારતીય રૂપિયાનું / Indian Rupee સતત ધોવાણ થઈ રહ્યું છે એવા સમાચારોથી ગત જૂન મહિનો છવાયેલો રહ્યો. રૂપિયાના મૂલ્યમાં થતું ધોવાણ આડકતરી રીતે તો સૌ કોઈને લાગુ પડે છે પણ બહુમતી નાગરિકોને સીધેસીધી તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

હવે જેવા છે તેવા આ રૂપિયા જેના ખિસ્સામાં પડ્યા છે તેમના મૂલ્યોમાં કેવું અને કેટલું ધોવાણ થઈ રહ્યું છે તે આગળ વાંચતા થોડું ઘણું સમજાય એવું છે. રૂપિયાથી છલકાતા દરેક ખિસ્સાધારકને એક લાકડીએ હંકારી શકાતા નથી. એમ કરવું વાજબી પણ નથી. તોય એવું લાગે છે કે આ રીતે એકાદ શાબ્દિક ડફણું તો ફટકારવું જ રહ્યું.
જયંતિભાઈ હરિજન : સફાઈ કામદારની જિંદગી સાફ
ફોટામાં દેખાય છે તે ભાઈ નામે જયંતિભાઈ હરિજન / Jayantibhai Harijan સફાઈકામદાર / Sweeper છે. સાઇઠ વર્ષના છે એટલે આમ તો નિવૃત્ત સફાઈકામદાર એ રીતે ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ કોઈ-કોઈના સંજોગ, મોટે ભાગે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હોય કે નિવૃત્તિ એમ ઝટ નસીબ ના થાય. આમનું પણ એમ જ. નડિયાદ / Nadiad તાલુકાના પલાણા / Palana ગામે રહેતા જયંતિભાઈ પંચાયતની નોકરીમાં હતા ત્યારે ગામના શેરી – ફળિયાની સાફસફાઈ કરતા. નિવૃત્તિ પછી ગામની ભાગોળે આવેલી યુરોપ સોસાયટીમાં પણ એ જ કામ સ્વીકાર્યું. પગાર મહિને રૂપિયા બે હજાર. સોસાયટી બીનનિવાસી ભારતીયો તરીકે ઓળખાતા એનઆરઆઈ / Non Resident Indian પટેલ નાગરિકોથી ભરી-ભાદરી. આ બે હજારના પગારની તેમને મન મોટી વિસાત ન હોય. પરદેશ જેવી ચોખ્ખાઈ અહીં ઘરઆંગણે મળતી હોય તો એમ જ સમજોને કે રોજનો એક રૂપિયો...સોરી...એક ડૉલર થયો. રૂપિયાનું ધોવાણ જ એવું કરી મૂક્યું છે કે એક ડૉલરમાં આખી સોસાયટીની ગંદકી ધોવાઈ જાય – ધોવાતી રહે.

જયંતિભાઈ અગાઉ નોકરીમાં હતા ત્યારે પલાણા ગામની સંચાવાળી ખડકીમાં સાફસફાઈની જવાબદારી સંભાળતા હતા. આજે એ જગ્યા તેમના કામની જવાબદારીમાં નથી આવતી. તો ય એક સદગૃહસ્થ નામે જતીનભાઈ પટેલના / Jatin Patel કહેવાથી તેમણે તેમની હદમાં ના આવતી હોય તે જગ્યાની સફાઈ કરવાનું પણ સ્વીકાર્યું. પગાર નક્કી થયો મહિને રૂપિયા ત્રણસો. કામ શરૂ. મજેથી જ ચાલતું હશે એમ માની લઇએ. થોડો સમય વીત્યો તે કામ સોંપનાર જતીનભાઈને પરદેશ જવાનું થયું. તેમણે જયંતિભાઈને સૂચના આપી કે હવે તમે ખડકીની જગ્યામાં સફાઈકામ ના કરશો. કેમ કે મહિનો થાય ને પગાર ચૂકવવાની તેમણે વહોરેલી સ્વૈચ્છિક જવાબદારી તેઓ અન્ય કોઈને ભળાવી શકે તેમ નહોતા.

ચાલો...જે થયું તે ઠીક જ થયું...આ ક્યાં કાયમી નોકરી હતી...’ એવું ઠાલું આશ્વાસન શહેરમાં રહીને લેવું હોય તો લઈ શકાય, પલાણા જેવા ગામમાં નહીં. વૈકલ્પિક કશું કામ મળી આવે અને બીજે દિવસથી પગાર ચાલુ થઈ જાય એવા વિકલ્પો નાના ગામમાં આમેય ઓછા હોય. જયંતિભાઈ માટે તો આ એક આર્થિક ફટકો જ હતો. અને બીજો એક મોટો ફટકો પડવાની તૈયારીમાં હતો.

23મી જૂન...રવિવારની સવાર રોજ જેવી જ ઉગી હતી. પણ જયંતિભાઈ માટે જુદી હતી. ખડકીમાં સફાઈકામ નથી થતું એવું જેના ધ્યાન પર આવ્યું તે રહેવાસી નામે રાકેશ પટેલે / Rakesh Patel જયંતિભાઈ સાથે ડાયલૉગની શરૂઆત કરી જે ‘હવે પગાર નથી મળતો’ એવું કહેતાની સાથે બીજી મિનિટે ગાળાગાળીમાં ફેરવાઈ ગયો. સત્તાવાર ફરિયાદમાં પણ જે શબ્દોનો લેખિત ઉલ્લેખ કરવાનું પ્રતિબંધિત છે કે ટાળવામાં આવે છે એવા જાતિવિષયક શબ્દો જાહેરમાં બોલાયા. ‘વાત આટલેથી પતી હોત તો ઠીક હતું’ એ તો મારું – તમારું – આપણું વિશફૂલ થિંકિંગ છે. એમ થવું જરૂરી થોડું છે. શાબ્દિક માર પછી રાકેશ પટેલે ગડદાપાટુનો માર શરૂ કર્યો. જયંતિભાઈ હરિજનને એવી તો લાતો મારી કે થાપાનો બૉલ સાંધામાંથી છૂટો પડી ગયો. આટલું વાંચીને કમકમા છૂટ્યા હોય તો થોડો પોરો ખાવ અને આગળ વાંચો.

‘મારામારી’ તો કહેવાય જ નહીં કેમ કે એ તો બન્ને પક્ષે સામસામી થયેલી હોય. આને તો ‘અત્યાચાર’ / Outrage જ કહેવો પડે. માર ખાઈને કણસતા જયંતિભાઈને ગામનો રિક્ષાવાળો ઇમ્તિયાઝ પઠાણ / Imtiyaz Pathan ઘરે મુકી ગયો અને ઘરવાળાએ તેમને નડિયાદ હૉસ્પિટલ ભેગા કર્યા. ડૉક્ટરે ઑપરેશન કરીને થાપાનો સાંધો – બૉલ બેસાડ્યો. ખાનગી હૉસ્પિટલમાં થયેલી સારવાર છ આંકડામાં પડી અને તે આંકડા આગળ ફરતા રહેવાના એવી જરૂરી નથી તેવી સ્પષ્ટતા કરવાનું મને આવશ્યક લાગે છે. સફાઈકામદાર ભાઈ જયંતિભાઈ હરિજન સમાજના કયા વર્ગમાંથી આવે છે તે લખવાની અહીં ભાગ્યે જ જરૂર છે.

હા...શાહ – પરીખ, દેસાઈ – દરબાર, મહેતા – મોદી કે પંડ્યા – પટેલ પરિવારના લોકો સાફસફાઈના આ કામમાં જોડાય અને પછી પણ અત્યાચાર / Outrage ચાલુ રહે તો પછી લખવું પડશે કે અત્યાચારનો ભોગ બનનાર સમાજના દલિતવર્ગમાંથી આવે છે કે શાહુકાર – પાટીદાર વર્ગમાંથી...?

ગુજરાતના જાહેર માધ્યમો જેને ‘પટેલ પાવર’ / Patel Power કહીને બહુ પોરસાવે છે – પાનો ચઢાવે છે – પોંખે પણ છે તે પટેલ પાવર આવો હોય? ભલે તે એકલ-દોકલ અને છૂટક હોય તો ય સમાજે તેની સામે ‘રેડ કાર્ડ’ / Red Card બતાવવું જરૂરી છે...જો ‘ગ્રીન કાર્ડ’ની / Green Card ચર્ચામાંથી સમય મળે તો. બાકી અત્યારે તો આ અત્યાચારની એન્ટ્રી ખેડા જિલ્લાના વસો / Vaso પોલીસ સ્ટેશનમાં પડી ગઈ છે. અને હા, ખાટલામાં પડેલા જયંતિભાઈ છ મહિના સુધી ઊભા થાય તેમ નથી. ઊભા થયા પછી કામ કરી શકે એવી શક્યતા નહિવત્ છે એટલે ખોટની ખતવણી બહુ લાંબી ચાલવાની છે એ નક્કી. ઘટના અને ફરિયાદ નોંધાયાના સાતમા દિવસે એફઆઈઆરમાં / FIR – First Information Report નોંધાયેલા તહોમતદારની ધરપકડ કરવા તપાસકર્તા પોલીસ અધિકારીને ફોન કરીને હુકમ આપતી વખતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ / Makrand Chauhan ‘હું ય દલિત છું’ એમ કહી પોતાની ઓળખાણમાં ઉમેરો કરતા હોય ત્યારે આ ઘટનાની તપાસ લાંબી નહીં ચાલે અને ગુનેગારને જલદીથી સજા થશે એટલું આશ્વાસન લઈ શકાય એટલો આશાવાદ પ્રગટાવવો ખોટો નહીં.
(તસવીર
: બિનીત મોદી)

24 comments:

  1. બિનીતભાઈ, તમે સાચી જ વાત કહી કે માનવગરિમાનો ભંગ કરતી અપમાનસૂચક સંજ્ઞાનો ઉપયોગ ન કરવાનું કાયદાનું ફરમાન હોવા છતાં સૌ ઉજળિયાતો 'સફાઈ કામદાર' નામના આ 'તુચ્છ પ્રાણી'ને હજી આજે પણ કાયદાનો કશો ભય રાખ્યા વિના એ ઘૃણાસ્પદ સંજ્ઞાથી જ સંબોધે છે ! આ સ્ટોરી લખીને તમે દલિત સમાજ પર રોજબરોજ થતાં અત્યાચારોનો એક ઓર નમૂનો પેશ કર્યો, અને એને આ રીતે પ્રકાશમાં લાવવા બદલ ગુજરાતનો દલિત સમાજ તમારા જેવા સંવેદનશીલ, સમાનતાવાદી, માનવતાવાદી, ન્યાયપ્રિય પત્રકારનો જેટલો આભાર માને તેટલો ઓછો જ ગણાશે.

    બિનીતભાઈ, ગુજરાતનાં સદભાગ કે અહી તમારા જેવા વિરલ માનવતાવાદી-ભ્રાતૃભાવવાદી' મોદી પણ છે , અને એક બીજા ' વર્ણવાદી-હિંદુવાદી' મોદી પણ છે જે સતત ગુજરાતનાં આર્થિક વિકાસ અને પ્રગતિની વાતોનાં બણગાં ફૂંકયા કરે છે, પણ હજીય ગુજરાતનાં પટેલો -દરબારો અને એવા જ મિથ્યા જ્ઞાતિઅભિમાનમાં રાચતા અન્ય ઉજળિયાતો થકી દલિતો-આદિવાસીઓ વગેરે નબળા વર્ગો પર આચરાતા અત્યાચારો સાથે 'સ્વર્ણિમ ગુજરાત' સામાજિક રીતે તો હજી સામંતવાદી યુગના અંધકારમાં જ જીવે છે અને એ રીતે એ કેટલું પછાત છે એની શરમ પણ અનુભવતા નથી ! ગુજરાતી દલિત સાહિત્ય અને ગુજરાતી દલિત પત્રકારત્વ કે જેનું કામ છે આવા અત્યાચારો -અન્યાયોને પ્રકાશમાં લાવવાનું, એ પોતાનો ધર્મ બજાવે ન બજાવે, પણ તમે તમારો પત્રકારધર્મ બજાવ્યો એ માટે જેટલો આભાર માનું એટલો ઓછો છે. .

    ReplyDelete
  2. Instead I would suggest to send a Registered Post A/D F.I.R. to Concerned DSP, and DIG of Police, Gujarat State, under cc to : concerned Ministry. Definitely might help.

    Also, please give more details of his family, how is the size and presently, source of income, enable some one who wanted to help, through you or directly.

    ReplyDelete
  3. અસરકારક લખ્યું છે.

    ReplyDelete
    Replies
    1. ઉર્વીશ, તમારા જેવા પત્રકાર મિત્રોને થોડી વગ વાપરીને પણ આ સ્ટોરીને મુખ્ય ધારાના મીડિયા ઉપરાંત નિરીક્ષક, નયા માર્ગ, ભૂમિપુત્ર, દલિત અધિકાર વગેરે જેવા પત્રોમાં પ્રગટ કરવાની અપીલ કરું છુ.

      Delete
  4. Anil Macwan Manavata....7 July 2013 at 23:10

    66th Independece Of Our Country But Still The Image Of Equality Of Human being is In Jail ..Who Will fight For This Freedom . A Man Or Soceity Cannot be big by name or surname it should came from humanity. No One Born with Surname And society, Everyone Is human. If You have American dollar in your wallet but you don't know how to respect to One Rupee that means your are not even in category of Indian Societies. Harijan,Dalits, Hindu, Muslims ,Christians etc. Who are they ? All are human Being
    No One Came With Their Surname And No One Will Go With Surname. We Always Used To Say that My Country Is Independent but Lets asked to our self a Question that ,Am I Independent With All...? Live With Equality In Societies That Means A Real Part Of Human Society. Big Surname Is Not Steps Of Heaven But It Shows Who You Are With All..If I Cannot Respact to a Sweeper That Means I am Not Worthy To get Respact From Sweeper. Lets Brake This Thinking Of High Societis And Lets Make One Human Societies.Jayantibhai I Wish You Have Justice And Get Well Soon. Thank You ...

    ReplyDelete
  5. BINITBHAI,
    THESE ARE ALL....
    ARUNYER ROODAN ( JUNGLE MAIN RONA) KOINU PETNU PAANI HAALE TEM NATHI..KHAIBADELAA !!!!!

    ReplyDelete
  6. જતીન ભાઈને કહેવાનું કે, આવો પાવર અમેરિકા આવીને બતાવે તો મરદના બચ્ચા માનું !! હજુ પણ આવા સજ્જનો (!) અસ્તિત્વ ધરાવે છે - એ ચોક્કસ સમાચાર કહેવાય.
    નીરવ ભાઈની કવિતાઓ યાદ કરાવી દીધી.

    ReplyDelete
    Replies
    1. થેન્ક યુ, સુરેશભાઇ. અહી એ કવિતા મૂકવાની લાલચ થાય છે :


      પટેલલાડુ
      *
      નીરવ પટેલ

      હળવદનો બામણીયા લાડુ તો નરી લાડુડી --
      પટેલ પાવરનો વાવટો ફરકાવતો
      ઊંચે ઊંચે આકાશને આંબે એવો
      પટેલલાડુ તો સાચ્ચે જ બન્યો ગિનેસ બુકમાં ગોઠવાય એવો !

      દેશવિદેશના પટેલગાડાં
      જાણે એકસામટા ખાબક્યાં પટેલખળામાં.
      ઘી-સાકર ને મેવાથી લચપચ
      મહામહામહા લાડુના દર્શન કરીને
      મોદીજીના પાંચ કરોડ ગુજરાતીઓ
      ને તોગડીયાજીના ૮૫ કરોડ હિન્દુઓના મોંમાં પાણી આવી ગયાં :
      આખી દુનિયાનો અન્નદાતા
      ને સારાયે જગતનો તાત --
      એનો લાડુ તો સૌને પૂગે એવો,
      ખાધે ખૂટે નહિ એવો જ હોય ને !

      સૌને સંભારી સંભારી
      પટેલલાડુની પ્રસાદીના પડિયા
      ને પતરાળી વહેંચાવા માંડ્યા :

      આ લંડનના લેઉઆ પટેલને ત્યાં,
      આ કેનેડાના કડવા પટેલને ત્યાં ,
      આ આફ્રિકાના આંજણા પટેલને ત્યાં,
      આ આંતરસુંબાના અમીન પટેલને ત્યાં,

      આ કાળીગામના કણબી પટેલને ત્યાં,
      આ કરમસદના કાછિયા પટેલને ત્યાં,
      આ કેસરડીના કોળી પટેલને ત્યાં.

      આ કોંગ્રેસના કેશુભાઈ પટેલને ત્યાં,
      આ બીજેપીના નરહરીભાઈ અમીનને ત્યાં..

      આ દુધિયા ડેરીના માલિક દેસાઈ-પટેલને ત્યાં,
      આ બગસરા જવેલર્સનાં માલિક સોની-પટેલને ત્યાં,
      આ ગાંધીનગરના જ્યોતિષી ભીખાભાઈ જોશી-પટેલને ત્યાં,
      આ સફાઈ વિદ્યાલયના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પાયખાના-પટેલને ત્યાં,

      આ બરોડાના બિલ્ડર મણિભૈ માફિયા-પટેલને ત્યાં,
      આ વિસનગર બેન્કના ભોળીદાસ ફડચારામ પટેલને ત્યાં,
      આ 'પટેલ પોલ્ટ્રી ફાર્મ' વાળા પ્રવીણભાઈ પટેલને ત્યાં ,
      આ 'નિર્દોષ' બીડીવાળા પરભુદાસ પટેલને ત્યાં.
      આ કિડનીના વેપારી ડો. કરસનભાઈ પટેલને ત્યાં,
      આ સ્વામિનારાયણ સીડીના ડાયરેક્ટર સત્સંગીભાઈ પટેલને ત્યાં...

      સૌ મોં વકાસીને જોતાં રહ્યાં
      ને પટેલલાડુ તો ૩૫ લાખ કુટુંબની પટેલ બિરાદરીમાં વહેંચાઇ ગયો !

      માંહોમાંહેં સૌ ગણગણવા માંડ્યાં :
      પટેલ તો અમે ય છીએ, અમે કેમ નાતબહાર ?
      હું ય પટેલ ભાયડો છું,
      ભરૂચનો અહમદ ભીખાજી પટેલ
      હું ય પટેલ છું,
      સંજાણનો સોરાબજી બરજોરજી પટેલ
      હું ય પટેલ છું,
      આણંદ ઓર્થોડોક્સ ચર્ચનો પાદરી
      રેવરન્ડ ફાધર સિલાસ જ્યોર્જ પટેલીયા
      હું ય પટેલ છું,
      વ્યારાનો તમારો વેવાઈ ઓતમભાઈ આદિવાસી વસવા-પટેલ
      હું ય પટેલ છું,
      દસ્કોશી રોહિત સમાજના જ્ઞાતીપટેલનો દીકરો નીરવ પટેલ
      હું ય પટેલ છું,
      ઉમીયામાંતાના આંગણાને અજવાળનાર વાલ્મીકી-પટેલ
      હું ય પટેલ છું,
      પન્નાલાલ પટેલના માનસપુત્ર કાનજીની પ્રિયતમાની કૂખે
      જન્મેલું અનૌરસ સંતાન

      હું ય પટેલ છું,
      મુખી કે મતાદાર ના હોવા છતાં
      તમારી જેમ ગામ આખાની લૂખ્ખી પટલાઈ કરું છું...

      હું ય પટેલ છું,
      એક વખતનો તારો શેઢાપાડોશી ઠાકરડો પાટીદાર -
      મારી ય વીસ વિઘા પાટ હતી
      જે વાણિયાના ચોપડે ડૂબી ગઈ !
      ટાણે યાદ છે મારી જેમ તારા ઘરનું પાણી ય
      ભરામણ-વાણિયા પિતા તે દિ' ?

      તને યાદ છે ,
      મારી વળગણીએ સૂકવેલી મુડદાલ માંસની વલૂરીઓ ખાઈને
      આપને છપ્પનિયો કાળ કાઢેલો ?

      તને યાદ છે,
      તારો ધોળિયો ધોરી
      ને મારો કાળીયો ધોરી
      ને આપણી બાપદાદા વખતની સૂંઢળ ?

      આદમબાબાની ઓલાદ આપણ સૌ,
      આખી પૃથ્વીના પાટીદાર આપણ સૌ.
      તને યાદ છે,
      ત્યારે તો આ પૃથ્વીને કશા આટાપાટા જ નહોતા ?

      તારી નાત આટલી નાની નાં કર પટેલિયા,
      તારી જાત આટલી ઝીણી નાં કર પટેલિયા.
      મૂઠી ધાન માગી જા ઘરદીઠ
      પટેલ લાડુ બનાવ મોટ્ટો મોટ્ટો
      માણસદીઠ સૌને પ્રસાદી પહોંચે તેવડો
      પૃથ્વીના ગોળા જેવડો મોટ્ટો મોટ્ટો ...

      * * *








      :

      Delete
  7. આને ખોટા રસ્તે વપરાયેલ પટેલ પાવર કહેવાય .

    આજે કહેવાતા સુધરેલા સમાજમાં આવા દુખદ જ્ઞાતિવાદના લોકો ભોગ બનતા હોય એ શરમજનક બાબત છે .

    નિર્દોષ વ્યક્તિ ઉપર જુલમ ગુજારનાર રાકેશ પટેલને સજા મળવી જ જોઈએ .

    ભાઈ જયંતીભાઈના હોસ્પીટલનો અને બીજો મેડીકલ ખર્ચ પણ ગુનાના દંડ તરીકે જતીન પટેલ અને રાકેશ પટેલ પાસેથી ઓકાવીને એમને અપાવવો જ જોઈએ .

    આ હૈયું કંપાવી દે એવી સત્ય ઘટનાને જાહેરમાં લાવવા માટે બીનીતભાઈ મોદીને ધન્યવાદ ઘટે છે .



    ReplyDelete
    Replies
    1. વિનોદભાઇ, આપની ન્યાયપ્રિયતાની હિમાયત સલામને પાત્ર.

      Delete
  8. This is too much....after 66 years of Independence.
    Its not wrong to call NRIs as Non-Reliable-Indians.
    Most sorrowful event....and don't know,when,where it'll stop!Its all a matter of dreadful set of mind of those NRIs and even IRs not free from it.

    ReplyDelete
  9. બિનીતભાઈ આપનો ખુબજ આભાર,
    આપે દલિતો ના સવાલને વાચા આપીને મદદ કરી છે.

    ReplyDelete
  10. Suresh Jani (Mansfield, Texas, USA)8 July 2013 at 23:55

    ચોંકાવી - અકળાવી દે તેવો લેખ.
    સુરેશ જાની (મેન્સફિલ્ડ, ટેક્સાસ, અમેરિકા)

    ReplyDelete
  11. Alpesh Patel (Gandhinagar, Gujarat)9 July 2013 at 00:05

    બિનીતભાઈ, હું પણ પટેલ છું. જેણે ખોટું કામ કર્યું તેને સજા તો મળવી જોઈએ.

    અલ્પેશ પટેલ (ગાંધીનગર, ગુજરાત)
    (Response through FACEBOOK)

    ReplyDelete
    Replies
    1. અલ્પેશભાઇ, શોષણને વખોડતી તથા ન્યાય અને સમાનતાની હિમાયત કરતી આપની સંવેદનશીલતાને સલામ.

      Delete
  12. Jignesh Mevani (Ahmedabad)9 July 2013 at 00:15

    What emerges out of the story is this: Thanks to Land Reforms, Patels could change their class-status but in the absence of any progressive movement within the community their feudal mindset has not changed. And by feudal mindset I mean two things.
    (A) They look down upon the Dalits because Dalits are historically untouchables...and...
    (B) They want Dalits to remain at the bottom of caste-hierarchy, so that they can exploit them economically.

    Jignesh Mevani (New Age Activist, Ahmedabad - Gujarat)
    (Response through FACEBOOK)

    ReplyDelete
  13. Kirit Macwan (Nadiad, Gujarat)9 July 2013 at 00:20

    સરકાર પોતે જ શ્રમજીવીઓ માટે ઘડાયેલા મજૂર કાયદાઓનો ભંગ કરે છે.
    કિરીટ મેકવાન (નડિયાદ, ગુજરાત)
    (Response through FACEBOOK)

    ReplyDelete
  14. Dear Mr. Bineet,
    Well done. After 66 years of independence and laws prohibiting
    untouchability such incidents of atrocities on low caste Hindus by upper caste are common. Many are reported by media and much more o unreported. The laws can't change the mindset.
    Rakesh has shown his true colour. I am sure nothing will ahppen to him ruining one senior's life. In India even today many say that "Show me the face and I show you the law." I really appreciate your crusade against corrupt minded. Keep it up.
    Firoz Khan
    Sr. Editor
    Hindi Abroad weekly (www.hindiabroad.com)
    Toronto, Canada.

    ReplyDelete
  15. Firoz Khan (Toronto, Canada)16 July 2013 at 14:25

    You can't change donkeys into horses by enacting Laws. Its the attitudes that have to be changed. And in most case they aren't. Even centuries of efforts do not get the desired results. Even today in 21st century there are hundreds and thousands believe in codification of the society done by Manu.

    Firoz Khan (Toronto, Canada)
    Senior Editor - Hindi Abroad Weekly (www.hindiabroad.com)

    (Response through FACEBOOK : Tuesday, 16 July 2013)

    ReplyDelete
  16. Tagaji Barot (Tharad, Vav, Gujarat)17 July 2013 at 21:45

    જે આપણી સેવા કરનાર વર્ગ છે તેને ખભે બેસાડી બહુમાન કરવું જોઈએ. આપણે તેમનું શોષણ કરી તેમને હડધૂત કર્યા.

    તગાજી બારોટ (થરાદ, વાવ, ગુજરાત)

    (Response through FACEBOOK : Tuesday, 16 July 2013)

    ReplyDelete
  17. સૌ મિત્રો,
    બ્લોગની 71મી પોસ્ટ (5 જુલાઈ 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    ‘ફેસબુક’ પર આ પોસ્ટ શૅર કરતા કેટલાક વાચકોએ મેસેજ કરીને જયંતિભાઈને આર્થિક મદદ કરવા કે તેમના પરિવારને પગભર કરવાની જવાબદારી સ્વીકારવા તત્પરતા બતાવી હતી.

    હોસ્પિટલમાં સારવાર લેતા જયંતિભાઈને હું મળ્યો ત્યારે તેમની કે પરિવાર સાથે મદદ બાબતે કોઈ વાતચીત થઈ નહોતી. એટલે વાચકોને ફોન - મોબાઇલ નંબરની માહિતી આપ્યા પછી તેમનો સીધો સંપર્ક કરી કોઈ પણ પ્રકારે મદદ પહોંચાડનાર સૌનો આ તબક્કે આભાર.

    જેમના થકી આ ઘટનાના સંપર્કમાં આવ્યો અને જેઓ જયંતિભાઈને પોલીસ તેમજ કાયદાકીય કાર્યવાહી સંદર્ભે મદદરૂપ થયા તે ‘નવસર્જન’ સંસ્થાના અમદાવાદ ઑફિસના અને ખેડા જિલ્લાના કાર્યકરોનો પણ આભાર.

    આવનારી પેઢીમાં શિક્ષણ તેમજ સમાજજીવનની ઘણી બધી બાબતો દ્વારા સમાનતાના ગુણો કેળવાય અને અમલમાં મુકાય તેવી આજના શિક્ષકદિને અભ્યર્થના.

    બિનીત મોદી (અમદાવાદ) / શિક્ષકદિન : ગુરૂવાર, 5 સપ્ટેમ્બર 2013

    ReplyDelete
  18. આજની તારીખે માણસ ચંદ્ર તેમજ મંગળ ગ્રહ પર પહોંચી ગયો. દુનિયામાં કોઈ પણ જગ્યાએ બનતી ઘટનાઓને પલકવારમાં એકથી બીજા સુધી ટેલિવિઝનના માધ્યમથી પહોંચાડી શકાય છે તેમજ મોબાઇલ અને ફોનની ક્રાંતિ દ્વારા દુનિયાએ ખૂબજ મોટી પ્રગતિ કરી છે. પરંતુ જાતિવાદી સડેલી માનસિકતાની પ્રગતિ થઈ શકતી નથી તે ઉપરોક્ત ઘટના પરથી સાબિત થાય છે.

    કાન્તિલાલ પરમાર (નવસર્જન, અમદાવાદ)

    ReplyDelete
  19. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
    71મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 05-07-2013 to 05-07-2014 – 580

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete