પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, January 16, 2014

વતનમાં વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગરને સન્માનનો Showerbath


રતિલાલ બોરીસાગર : શિક્ષકનું સન્માન
શિક્ષક તરીકેની પહેલી અને હાસ્યલેખક તરીકેની આજીવન ઓળખ ધરાવતા રતિલાલ બોરીસાગરને બુધવાર, 5 જાન્યુઆરી 2011ની સાંજે સાવરકુંડલાવાસીઓએ મન ભરીને પોંખ્યા હતા. સન્માન સમારંભ જ્યાં યોજાયો હતો તે સ્થળ જે.વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ત્રણ હજાર ઉપરાંત શ્રોતાગણ ઉપસ્થિત હતો. એ જ સ્કૂલ કે જ્યાં રતિભાઈ (જન્મ : 31 ઑગસ્ટ 1938) 1949માં 11 વર્ષની ઉંમરે પાંચમા ધોરણમાં દાખલ થયા હતા અને પછી આ જ સ્કૂલમાં 19 વર્ષની વયે 1957માં શિક્ષક પણ થયા.

‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષક અને આજીવન રામકથાકાર મોરારિબાપુના હસ્તે ડૉ. રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar શાલ, સન્માનપત્ર અને માનધન અર્પણ થયા. માનધનની રકમ તેમણે પ્રતિષ્ઠાનને તુર્તજ ભાવિ કાર્યક્રમો માટે સુપ્રત કરી દીધી. સમારંભ સ્થળે સમયસર આવી પહોંચેલા મોરારિબાપુએ જણાવ્યું કે 65 વર્ષમાં પહેલી વાર ક્યાંક સમયસર નહીં, સમય કરતાં વહેલો પહોંચ્યો છું. શિક્ષકનું સન્માન અને તેય સ્કૂલના મેદાનમાં, પછી મોડા પડાય જ શી રીતે એવી ટીપ્પણી પણ કરી લીધી. સ્કૂલમાં આવતા અગાઉ સાવરકુંડલામાં / Savarkundla ફરતા મોરારિબાપુએ / Moraribapu ખુદે અનુભવ્યું કે બોરીસાગર સાહેબને સન્માનવા આજે તો ગામ હિલોળે ચઢ્યું છે. મને પોતાને પણ એવો એક અનુભવ થયો. અમદાવાદથી અહીં હું પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે આવ્યો હતો. રજનીભાઈ શેવીંગ કીટ સાથે લાવવાનું ભૂલી ગયા એટલે અમે એક મેડિકલ સ્ટોર પર એ માટે જઈ પહોંચ્યા. તેના માલિક રાજુભાઈએ સન્માન સમારંભમાં આવ્યા છો એવી પ્રાથમિક પૂછપરછ પછી જણાવ્યું કે પોતે પણ એમાં સામેલ થવા માટે દુકાન આજે વહેલી બંધ કરી દેવાના છે.

રતિલાલ...આજે તો આ આસન ગ્રહણ કરો
સમારંભ સ્થળે આવી પહોંચેલા મોરારિબાપુએ સ્ટેજ પર જવા માટે પ્રથમ રતિલાલ બોરીસાગરને આગળ કર્યા. બીજી દરકાર એ લીધી કે તેઓએ તેમના માટેની ખાસ સોફા ચેર રતિલાલને ઓફર કરી. ‘આજે તો આ આસન ગ્રહણ કરો’ તેમ પણ કહ્યું. મોરારિબાપુ એ સોફા ચેર પર બેસવા રાજી ન હતા. રતિલાલ જ તેના પર બેસે એવો આગ્રહ ક્યાંય સુધી કર્યા પછી તેમણે એમ કરવા, એ માટે સમજાવવા રઘુવીર ચૌધરીને પણ ભલામણ કરી. જો કે બેઠક વ્યવસ્થા અગાઉથી ગોઠવાયા પ્રમાણે જ ચાલી. નાદુરસ્ત તબિયતને લઈ સુશીલાબહેન બોરીસાગર કાર્યક્રમમાં મોડેથી આવ્યા. જો કે રતિલાલે ત્યાં સુધી બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીને જાણ તો કરી જ દીધી હતી કે આપ મારી પત્નીની જગ્યાએ બેઠા છો.

રતિલાલ બોરીસાગરને માનધન અર્પણ કરતા (ડાબેથી) વસંત પરીખ,
મોરારિબાપુ, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી અને
પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતા
પ્રારંભિક પ્રાર્થના, સ્વાગત વિધિ, પ્રતિષ્ઠાનનો પરિચય અને સ્થાપના પાછળના ઉદ્દેશો જણાવ્યા પછી બોરીસાગર સાહેબનો બોલવાનો વારો આવ્યો. તેમણે પ્રારંભે જ કહી દીધું કે સવારે મને કુરતા – સલવાર – કોટીના ડ્રેસમાં જેમણે પણ જોયો છે અને અત્યારે જે આ જોધપુરી સ્ટાઇલ કોટ-પેન્ટમાં જોઈ રહ્યા છો તે બન્ને જોડી કપડાં પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ સીવડાવી આપેલા છે. પોતે કોઈ કામની ના નથી કહી શકતા એ તેમને અહીં પણ નડી ગયું એવી નિખાલસ કબૂલાત પણ કરી લીધી. સુશીલાબહેન સાથેના લગ્ન સમયે પણ કોટ – પેન્ટ તો મિત્રના જ ઉછીના લાવીને પહેરેલા એમ શ્રોતાઓ સમક્ષ કહી એ મિત્ર હરી આચાર્યને યાદ પણ કરી લીધા. અરધો કલાકના વક્તવ્યમાં બોરીસાગરે મિત્રો, ભણતર, કારકિર્દી, નોકરીઓ, સંઘર્ષો, જીવનમાં જોયેલી લીલી – સૂકી, સગાં – સંબંધીઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, લેખન, પારિતોષિકો, સન્માન જેવાં કંઈક વિષયો આવરી લીધા. જો કે એ બધાથી ઉપર આજનું સન્માન સદાય યાદ રહેશે એમ પણ જણાવ્યું. મિત્રો – સગાં – સંબંધીઓને કોઇક મિષે મદદે આવ્યા હશે તો એ કામ નિયતિએ તેમની પાસે કરાવ્યું હશે એમ કહી જશ ખાટવાની વૃત્તિને તેઓ ક્યાયં છેટી મૂકી આવ્યા.

સુશીલાબહેન બોરીસાગરનું સન્માન
મોરારિબાપુએ પ્રવચનમાં ઘણી બધી વાતો ઉલ્લેખવા સાથે દાખલો આપ્યો કે પ્રતિષ્ઠાન તો પ્રમાણિક માણસનું જ શોભે. રતિલાલ નખશિખ પ્રમાણિક છે, સજ્જન છે એનું ઉદાહરણ આપતા કહ્યું કે આ માણસ તેને કોટ – પેન્ટ – કોટી સીવડાવી આપનારની ક્રેડિટ પણ ભૂલતો નથી એટલે તેને પ્રમાણિક ગણવો જ રહ્યો. તેમણે પ્રવચનનો પિરિઅડ પૂરેપૂરો લીધો – પીસ્તાલીસ મિનિટ. રતિલાલને શાલ, સુશીલાબહેન બોરીસાગરને તેમજ શિક્ષિકા બહેનોને સાડી અને નાનાભાઈ જેબલિયાને રામનામની કામળી આપી અંગત ધોરણે પણ સન્માન કર્યું.

સાવરકુંડલાના નગરજનો
શિક્ષણ – સાહિત્ય અને તેની વહીવટી શાખાઓમાં રતિલાલ બોરીસાગરની કામગીરીએ તેમને અઢળક મિત્રો આપ્યા અને તેઓ પાંચમાં પૂછાય – પૂછાતાં રહે એવા રાખ્યા છે. કદાચ એટલે જ વતન અને સ્કૂલ બન્ને છોડ્યાના 36 વર્ષ પછી યોજાયેલા સન્માન સમારંભમાં પણ રતિલાલ બોરીસાગરને વતનવાસીઓનો એટલો જ પ્રેમ મળ્યો જેટલો અગાઉ શિક્ષક તરીકે યોજાયેલા વિદાય સમારંભમાં મળ્યો હતો. 73 વર્ષના રતિલાલ 75ના થાય અને અમૃત મહોત્સવ ઉજવીએ એવા લાંબા વાયદા કરવાના બદલે તેમને સન્માનવાનો પહેલવહેલો વિચાર મુશાયરા સંચાલક અંકિત ત્રિવેદીએ આપ્યો એ સાથે જ પ્રવૃત્ત થયેલા સાવરકુંડલાની / Savarkundla, Amreli District સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ આ ખાસ આયોજન માટે અને તે થકી લાંબા પટે કંઈક નક્કર કામ કરવાની ખેવના ધરાવતા પ્રતિષ્ઠાનની રચના કરી. નામ આપ્યું – વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન.

જેમના નામે વ્યક્તિવિશેષ સન્માન થયું
પ્રતિષ્ઠાનના નેજા હેઠળ જ યોજાયેલા સન્માન સમારંભમાં રતિલાલ બોરીસાગર ઉપરાંત ત્રણ વ્યક્તિવિશેષોને પુરસ્કૃત કરાયા. નાનાભાઈ જેબલિયાને દર્શક સાહિત્ય સન્માન, આચાર્યા જ્યોતિબહેન સોમાણીને લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન અને દમયંતીબહેન ત્રિવેદીને પી. આર. સલોત શ્રેષ્ઠ યુવા શિક્ષક પારિતોષિક પૂર્વ શિક્ષક અને વર્તમાન રામકથાકાર મોરારિબાપુના હસ્તે અપાયા. ઉપરોક્ત ત્રણેય પુરસ્કાર દર વર્ષે સમિતિ શોધન પ્રક્રિયા થકી અપાશે. આ અવૉર્ડ જ્યારે પણ સાવરકુંડલાની ધરતી પરથી અપાય ત્યારે બોરીસાગર સાહેબનું સાંનિધ્ય મળતું રહે એવી ઇચ્છા તેમના પૂર્વ વિદ્યાર્થી અને પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતાએ / Haresh Mehta કરી હતી. બોરીસાગરના પરમ મિત્ર વસંતભાઈ પરીખે રતિલાલની લાક્ષણિકતાઓ તેમના જીવન અને સાહિત્યમાંથી ખોળી – ખોળીને વર્ણવી હતી.
નાનાભાઈ જેબલિયાનું સન્માન

રજનીકુમાર પંડ્યા કહે...
રતિલાલ...રૂક જાવ...
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ બોરીસાગર સાથે સંકળાયેલા સમકાલીનો તેમજ કેટલાક સાહિત્યિક મિત્રોનું સન્માન પણ કર્યું હતું. આવું જ સન્માન પામેલા પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યાએ પ્રતિભાવમાં કહ્યું કે રતિભાઈ કોઇક કારણસર અમદાવાદ છોડી વતન પરત આવવા માગતા હતા ત્યારે મેં જ તેમને સમજાવીને અમદાવાદમાં રોકી લીધા. મારા એમ કરવાથી સાવરકુંડલાએ એક શિક્ષક ગુમાવ્યો છે પણ ગુજરાતને શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ થઈ છે એમ કહી રજનીકુમારે સન્માન સમારંભના આયોજન માટે સાવરકુંડલાના નગરવાસીઓને અભિનંદન આપ્યા. આ નિમિત્તે પત્રકાર – સંપાદક ભિખેશ ભટ્ટ / Bhikhesh Bhatt સંપાદિત પુસ્તક ‘અમારા બોરીસાગર સાહેબ’નું પ્રકાશન થયું. કાર્યક્રમ સ્થળે રતિલાલ બોરીસાગર સહિત અન્ય લેખકોના પુસ્તક વેચાણની વ્યવસ્થાને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ભિખેશ ભટ્ટ સંપાદિત ‘અમારા બોરીસાગર સાહેબ’ પુસ્તકનું વિમોચન
કાર્યક્રમ માત્ર સાવરકુંડલાવાસીઓનો જ ન બની રહેતા અહીં બહારગામથી પણ રતિલાલના અનેક મિત્રો, સગાં, સંબંધીઓ, સાહિત્યકારો સન્માનના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક પરિચિત નામો આ રહ્યા – લોકભારતીના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. મનોજ જોશી, વાર્તાકાર બહાદુરભાઈ વાંક, કવિ ચંદ્રકાંત શેઠ, અનિલ જોશી અને રાજેન્દ્ર શુક્લ, હાસ્યલેખક નિરંજન ત્રિવેદી, સ્ટેજ હાસ્યકારો શાહબુદ્દીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી, બેન્કર અને લેખક પ્રદીપ ત્રિવેદી, ઇએનટી સર્જન ડૉ. નંદલાલ માનસેતા, વાર્તાકાર – લેખિકા કલ્પના જિતેન્દ્ર તેમજ ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહ. બોરીસાગર છેલ્લે જ્યાંથી નિવૃત્ત થયા તે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના વર્તમાન પદાધિકારીઓ અહીં ઉપસ્થિત હતા તો રતિભાઈ નિવૃત્તિ પછી જેમાં પ્રવૃત્ત થયા તે ‘સદભાવના ફોરમ’ના ફાધર વિલિઅમ, સંજય ભાવસાર અને ગૌરાંગ દિવેટીઆ પણ તેમના સાથીદારના સન્માનના સાક્ષી બનવા અહીં ખાસ અમદાવાદથી આવ્યા હતા.

મારું માથું ખાંડણિયામાં છે.
જુઓ, આ રીતે.
તમે ઝિંકાય એટલું ઝીંકી લો...
સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડ્યાએ પ્રાસાનુપ્રાસ શૈલીમાં કર્યું હતું તો અંતે રતિલાલના જ વિદ્યાર્થી રહી ચૂકેલા કલાકાર દંપતી અરવિંદ અને મીના બારોટે ડાયરાની વાતો દ્વારા ગીતો – ભજનોની રજૂઆત કરી હતી. આ બન્નેની વચ્ચે ભોજનની રજૂઆત બોરીસાગર દંપતી જ નહીં સમગ્ર કુટુંબ અમદાવાદના રતિલાલ પાર્કના 67 નંબરના મકાનમાં જેવું આતિથ્ય સૌનું કરે છે તેવી જ મજબૂત હતી.


(નોંધ : સન્માન સમારંભનો આ અહેવાલ વર્ષ 2011નો છે. સાહિત્ય – શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોને નવાજવાની – પોંખવાની પ્રતિષ્ઠાનની પરંપરાને જાળવી રાખતાં આવો જ એક કાર્યક્રમ સાવરકુંડલામાં 26 અને 27 જાન્યુઆરી 2014ના રોજ આયોજિત થયો છે. ઉપરોક્ત અહેવાલમાં જેમનો ઉલ્લેખ છે તે નાનાભાઈ જેબલિયા 26 નવેમ્બર 2013ના રોજ અવસાન પામ્યા છે તેની સખેદ નોંધ લઉં છું.)


(તસવીરો : બિનીત મોદી)

Thursday, January 09, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2013)

(ડિસેમ્બર – 2013)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 38મી પોસ્ટ છે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલની પહેલી પોસ્ટથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

‘તરૂણ’ આરોપી
(Sunday, 1 December 2013 at 03:33pm)
પણજી (ગોવા)ની કૉર્ટમાં ડમડમબાબાની સાક્ષીએ ડાયલૉગ સિરીઝ.....
મિસ્ટર તેજપાલ...સાથી મહિલા પત્રકારની જાતીય સતામણી કરવાના તમારા વિરૂદ્ધના આરોપ માટે ખુદના બચાવમાં કોઈ રજૂઆત કરવી છે?”
હા સાહેબ...મારી અરજ છે કે મારા વિરૂદ્ધનો કેસ જૂવિનાઇલ કૉર્ટમાં ચલાવવામાં આવે.
જૂવિનાઇલ કૉર્ટમાંAre you mad? તમારી ઉંમર સામું તો જૂઓ મિસ્ટર તરૂણ...
હું એ જ કહું છું જજસાહેબ...મારું નામ તરૂણ છે એટલે કેસ જૂવિનાઇલ કૉર્ટમાં...
* * * * * * *

(Tuesday, 3 December 2013 at 11:11am)
શહેરમાં વસતા ભટકતા કૂતરાંઓનું જીવનધોરણ સુધર્યું છે એમ ચોક્કસપણે કહી શકાય...કેમ કે...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...અગાઉ ગાડી નીચે લપાઈ જતા કૂતરા પર રેડિયેટરનું ગરમ લાય પાણી પડતું હતું...હવે SUV નીચે આરામ ફરમાવતા કૂતરાંઓ પર એરકંડિશનરની પાઇપમાંથી ઠંડા પાણીનો અભિષેક થાય છે.
* * * * * * *

(Thursday, 5 December 2013 at 11:11am)
વાહન ધીમેથી અને ધ્યાનથી ચલાવજો...
...કારણ કે...ખૂણામાં જન્મેલાં કુરકુરિયાં હવે રસ્તા પર ફરવા લાગ્યા છે.
* * * * * * *

(Saturday, 7 December 2013 at 09:29am)
મોંઘામાં મોંઘી લક્ઝરી કારમાં એક જ સીડી ડ્રાઇવ હોય છે...જ્યારે...
...લક્ઝરી બસમાં બે સીડી ડ્રાઇવ હોય છે...
એક સંગીત સાંભળવા માટે...અને...
બીજી બસને બહારથી સાફ કરવા ક્લીનરના ઉપયોગ માટેની સીડી (ડ્રાઇવ)...
...હા...હા...હા...આને પણ ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન જ ગણવા વિનંતી.
* * * * * * *

(Monday, 9 December 2013 at 06:00pm)
દેશમાં દસ વર્ષથી રાજ કરતા કૉંગ્રેસ પક્ષે રાજધાનીના દિલ્હી રાજ્યમાંથી વિરોધ પક્ષ તરીકે મળતી માન્યતા પણ ગુમાવી દીધી છે.
* * * * * * *

(Wednesday, 11 December 2013 at 12:34pm)
દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ કે આમ આદમી પાર્ટી કોઈ એક રાજકીય પક્ષ પાસે બહુમતી સાબિત કરવાનો એક જ વૈજ્ઞાનિક રસ્તો હવે બચ્યો છે...
...જીતી ગયેલા ઉમેદવારોનું ક્લોનિંગ કરાવો.
* * * * * * *

(Wednesday, 11 December 2013 at 05:50pm)
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી...
બધી ભારતીય ભાષાઓમાં ‘આપ’ શબ્દ અત્યારે ‘બાપ’ બનીને બેઠો છે.
* * * * * * *

(Thursday, 12 December 2013 at 11:22am)
મમ્મી...ક્યાં છો? તમારી ચિંતા થાય છે.
બેટા...ઘરે જ છું. તારા પપ્પા કૉર્ટમાંથી ઘરે આવે તેની રાહ જોઉં છું...
“…પણ દીકરા...તું ક્યાં છે? તારી ચિંતા થાય છે હોં.
મમ્મી...મારી ચિંતા ન કરતા. પપ્પાની તો બિલકુલ નહીં. હું એમની ઇન્ટર્ન સાથે જ છું.
પ્રસંગોપાત ડાયલૉગ સિરીઝ by ડમડમબાબા
* * * * * * *

(Sunday, 15 December 2013 at 08:20am & 05:10pm)
ભારતમાં એક પણ રેલવે સ્ટેશન એવું નહીં હોય...
...જેના પ્લૅટફૉર્મ પર જુગાર ના રમાતો હોય.....(જયપુર – રાજસ્થાન, ભોપાલ – મધ્ય પ્રદેશના પ્રવાસ પછી અમદાવાદથી અઢારસો કિલોમીટર દૂર ઓડિસા રાજ્યના સંબલપુર જિલ્લાના બુરલા ગામે પહોંચ્યા પછી કરેલું ચોંકાવનારું સંશોધન.)
* * * * * * *

હૃતિક રોશન અને સુઝાન ખાન
(Saturday, 21 December 2013 at 02:02pm)
અભિનેતા હૃતિક રોશન અને સુઝાન ખાનના તેર વર્ષના લગ્નજીવન બાદ થયેલા છૂટાછેડાના સમાચાર વાંચો છો?”
ના...તેર વર્ષ અગાઉ તેમના લગ્ન નિમિત્તે પ્રકટ થયેલી હિન્દુ મુસ્લિમ એકતાની અખબારી વાર્તાઓ શોધીને નવેસરથી વાંચુ છું.
ડમડમબાબાની ડિવોર્સ ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *


(Monday, 23 December 2013 at 02:02pm)
મુસાફરોની સુવિધા માટે ટ્રેન કમ્પાર્ટમન્ટમાં રાખવામાં આવેલા પાવર પ્લગનો ઉપયોગ કરનારા જાત-ભાતના લોકો હોય છે...
...એક મુસાફરે મોબાઇલ ચાર્જ કરવા મુક્યો...
...બીજાએ પ્લગ ભરાવી લેપટોપ ચાલુ કર્યું...
...તો...ત્રીજાએ ઓલઆઉટ ભરાવ્યું અને માથે ઓઢીને ઊંઘી ગયો...
(ઓલઆઉટ = મચ્છર ભગાડતું સાધન)
* * * * * * *


(Tuesday, 24 December 2013 at 12:12pm)
અમદાવાદના કેટલાક નાગરિકોને જિમ્નેસિયમમાં કરેલી કસરત પહેલીવાર ખપમાં આવી...
...કર્ણાવતી ક્લબની વાર્ષિક સામાન્ય સભામાં સભ્યોએ અંદરોઅંદર મારામારી કરી.
* * * * * * *

કેશુભાઈ પટેલ અને ક્રિસમસ
(CHRISTMAS : Wednesday, 25 December 2013 at 06:20pm)
ખરેખર ચેક કરવાની પણ જરૂર નથી. માત્ર મનોમન કલ્પના કરી જુઓ...
ગુજરાત પરિવર્તન પાર્ટીના મુખિયાજી કેશુભાઈ પટેલને લેંઘા-ઝભ્ભાને બદલે સાન્તાક્લૉઝના લિબાસમાં કલ્પી જુઓ...મઝા આવશે...કલ્પના કરવાની.
* * * * * * *

નાણા મંત્રાલયના પૂર્વ કર્મચારીઓ
(Saturday, 28 December 2013 at 01:15pm)
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય સાથે સંકળાયેલા વિભાગના ભૂતપૂર્વ કર્મચારીઓનું નસીબ અન્ય મંત્રાલયના કર્મચારીઓની સરખામણીએ સારું છે...
...રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડૉ. મનમોહન સિંહ હાલમાં દેશના વડાપ્રધાનપદે બિરાજે છે...તો...
...આવકવેરા વિભાગના પૂર્વ અધિકારી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના મુખ્યમંત્રીપદે બિરાજ્યા.
* * * * * * *

અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી  દિલ્હી
(Sunday, 29 December 2013 at 10:25am)
અરવિંદ કેજરીવાલ એવી પહેલી વ્યક્તિ છે જેમની મુખ્યમંત્રીપદ સંભાળ્યાના પહેલા દિવસથી નહીં...પણ...
...એ પહેલાંથી દેશના વડાપ્રધાનપદના ઉમેદવાર રૂપે ગણના થવા માંડી હોય...
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય અવલોકન.
* * * * * * *

દીક્ષિત માતા  પુત્ર
(Monday, 30 December 2013 at 09:55am)
મમ્મી...તમારું એક કામ હતું.
હા...બોલોને બેટા...શું હતું?”
મમ્મી...લાઈટબિલ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમે ભરી આવજોને...મારે પાર્લમન્ટ જવાનું મોડું થાય છે.
હા...પણ છ મહિના પછી લોકસભાની ચૂંટણી હારી ગયા પછી તો બિલ ભરવા પાછું તારે જ જવું પડશે હોં...પ્રોમિસ...
સંદીપ દીક્ષિત અને શીલા દીક્ષિત વચ્ચે થયેલો ડાયલૉગ.
* * * * * * *

(Tuesday, 31 December 2013 at 11:11am)
કાર શૉ-રૂમમાં ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ.....
એક નેનો આપજોને...વ્હાઇટ કલરની.
ચલાવીને લઈ જવી છે કે બોક્ષ પેકિંગ કરી આપું?”
બોક્ષ પેકિંગ...અને હા, ઉપર પેપર રેપિંગ કરજો...નવા વર્ષની ગિફ્ટમાં આપવાની છે.

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં મુકેલી ડિસેમ્બર – 2012 તેમજ ડિસેમ્બર 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/01/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)