પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, August 30, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2011)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે જુલાઈ –2012ના સ્ટેટસ અપડેટ પખવાડિયા અગાઉ અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

મારે કયા સિંગાપોરમાં લેન્ડ થવાનું છે?

(Friday, 1 July 2011 at 03:01pm)
ભારતના એવરેજ નેતાઓ - રાજકારણીઓને પોતાના ગામને શાંઘાઈ - સિંગાપોર અને દેશને જાપાન - અમેરિકા જેવા બનાવી દેવાના સ્વપ્નાં આવે છે. આવવા જ જોઈએ. પણ એ સાચા પડે પછી પાઇલટ ભૂલા પડશે - અવઢવમાં મુકાશે. મારે લેન્ડ ક્યાં થવાનું છે? અસલી સિંગાપોરમાં કે નકલી?
* * * * * * *
(Tuesday, 5 July 2011 at 06:02pm)
આશરે 3500 જેટલા ગુજરાતી પરિવારોને પાણીની તકલીફ - સમસ્યા ક્યારેય નહિ સતાવે. કેમ કે ગુજરાતી સાહિત્ય પરિષદનું માસિક મુખપત્ર 'પરબ' દર મહીને તેમના ઘર સુધી નિયમિત પહોંચે છે.
* * * * * * *
(Wednesday, 6 July 2011 at 03:39pm)
ફોન - મોબાઈલ - ઈન્ટરનેટનો ઉપયોગ એટલો વધ્યો કે બી.એસ.એન.એલ.એ 156 વર્ષ (પ્રારંભ - 1855)થી ચાલી આવતી આંતરરાષ્ટ્રીય ટેલીગ્રામ સેવાઓ બંધ કરી દીધી. દેશની અંદર અપાતી ટેલીગ્રામ સેવાઓ પણ ઉપયોગ ઘટવાના અને ખોટ વધવાના કારણે બંધ થઇ શકે છે.
* * * * * * *
દયાનિધિ મારન : બે હાથે બખ્ખા
(Thursday, 7 July 2011 at 07:04pm)
ટેલીકોમ મંત્રાલયના 2G સ્કેમમાં સંડોવાયેલા તત્કાલીન મંત્રી દયાનિધિ મારને હાલ ટેક્સટાઈલ મંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એવા ચેનલ પત્રકારના સવાલના જવાબમાં જયલલિતાએ કહ્યું 'ના. રાજીનામું લખવાનો સમય વીતી ગયો છે. હવે તો વડાપ્રધાને તેમને તગેડી મુકવા જોઈએ.'
* * * * * * *
(Thursday, 7 July 2011 at 07:12pm)
આ સીઝનનો ધોધમાર કહી શકાય એવો પહેલો વરસાદ અમદાવાદમાં આજે જુલાઈએ શરૂ થયો છે. મારી ડાયરી નોંધ મુજબ દર વર્ષે 10 જૂનથી વરસાદની શરૂઆત થતી હોય છે. એ રીતે જોઈએ તો વરૂણદેવે મહિનો રાહ જોવડાવી છે.
* * * * * * *
(Friday, 8 July 2011 at 10:42pm)
ઓક્ટોબર 2010થી જુલાઈ 2011 વચ્ચેના સમયગાળામાં અમદાવાદના રસ્તાઓ પર રાહદારીઓ અને વાહન ચાલકોએ પાડેલા પાન - ગુટકાની પીચકારીઓના ડાઘ દૂર થાય એટલો વરસાદ જુલાઈની સાંજે પડી ચૂક્યો છે. વ્યસનબાજો ફરી એકવાર શહેરના રસ્તા રંગવાને 'આમંત્રિત' છે. આભાર.
* * * * * * *
(Monday, 11 July 2011 at 03:53pm)
I like your attitude to click on 'Like' button of FACEBOOK profile.
* * * * * * *
સુલેખનની કસોટી કરતી બેન્ક સ્લીપ
(Tuesday, 12 July 2011 at 09:44pm)
રાષ્ટ્રીયકૃત, ખાનગી કે સહકારી બેન્કોમાં ખાતેદાર રોકડ જમા કરવા કે ચેક કલીઅરીંગમાં આપવા જે સ્લીપ વાપરે છે તેની ડીઝાઈન ખામીઓથી ભરપૂર હોય છે. સારા અક્ષરે લખી શકતો માણસ પણ અહીં ગુંચવાઈ જાય. જગ્યા જ એટલી બધી ઓછી અને અટપટી હોય કે વાત ના પૂછો. આ સ્લીપની ડીઝાઈન કે લે-આઉટ કરાવવા પણ આપણે National Institute of Design પાસે જવું પડશે કે શું?
* * * * * * *
(Wednesday, 13 July 2011 at 07:08pm)
વડાપ્રધાન થવા માગતા ભારતીય જ નહીં, કોઈ પણ દેશના રાજકારણી માટે એક વધુ વિકલ્પ ખુલ્લો થયો છે. જુલાઈ 2011થી દક્ષિણ સુદાન નામે નવો દેશ અસ્તિત્વમાં આવ્યો છે. ચાર જ દિવસ થયા છે. દોડો...દોડો...વહેલો તે પહેલો. પછી કહેતા નહીં કે અમે રહી ગયા.
* * * * * * *
એમ.એસ. ગીલ : ગરિમાથી ગમ્મત સુધી
(Wednesday, 13 July 2011 at 07:29pm)
ભારતના ચૂંટણી કમીશનર જેવા ગરિમામય બંધારણીય પદેથી નિવૃત્ત થયેલા એમ.એસ.ગીલ રાજકારણમાં સક્રિય થઈને એવા ડહોળાયા કે કેન્દ્રિય રમત ગમત મંત્રી પદેથી રાજીનામુ આપી રવાના થવું પડ્યું. જબરી ગમ્મત થઈ.
* * * * * * *
(Thursday, 14 July 2011 at 03:21pm)
આતંકવાદને પાળતા - પોષતા 'વિલનો' 'હીરા'બજાર પર ત્રાટક્યા.
* * * * * * *
(Friday, 15 July 2011 at 05:43pm)
ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર 'પરબ'ના પ્રકાશનની કાયમી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેળવાતા સ્થાયી ફંડ અંતર્ગત નવસારીના સંસદસભ્ય ચંદ્રકાંત રઘુનાથ પાટીલે (સી.આર. પાટીલ) રૂપિયા એક લાખનું દાન આપ્યું છે. ('પરબ'ના જુલાઈ - 2011 અંકની સત્તાવાર જાહેરાતમાંથી)
* * * * * * *
(Monday, 18 July 2011 at 02:42pm)
માર્ક ઝુકરબર્ગ કોની રાહ જોઈ રહ્યો છે. વરસાદની? ના. ક્રિસમસની રજાઓ પડે તેની? ના. મેકડોનાલ્ડમાં ઓર્ડર કરેલા બર્ગરની? ના. એ ગુગલ પ્લસનું ઇન્વીટેશન મળે તેની રાહ જોઈ રહ્યો છે. કોઈ તેને ઇન્વીટેશન મોકલો, પ્લીઝ.
* * * * * * *
દુનિયાનું સૌથી મોટું રેફ્રીજરેટર
(Tuesday, 19 July 2011 at 03:43pm)
બીજો ઍન્ટાર્કટિકા ખંડ મેં શોધી કાઢ્યો છે. એ છે મારા ઘરનું રેફ્રીજરેટર જેમાં બરફ અને પાણી સિવાય કંઈ હોતું જ નથી.
* * * * * * *
ઉમાશંકર જોશી : વજનદાર વિરોધ
(Thursday, 21 July 2011 at 04:01pm)
કવિ ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી (1911 - 2011) વર્ષનું આજે સમાપન છે. એપ્રિલ 1970થી એપ્રિલ 1976 સુધીના છ વર્ષના સમયગાળા માટે તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના નામાંકન પામેલા સભ્યપદે રહ્યા હતા. 1975 - 1977ના કટોકટી કાળનો તેઓએ જે બળુકો વિરોધ સંસદ વચ્ચે જ રહીને કર્યો હતો તે ઘટના પરથી એમ માનવાનું મન થાય કે ઉમાશંકર નામાંકન પામેલા નહીં પણ ચૂંટાયેલા સભ્ય હતા અને એ પણ લોકસભાના.
* * * * * * *
(Saturday, 23 July 2011 at 04:50pm)
કાર બનાવનારી એટલી બધી કંપનીઓ ગુજરાતમાં આવવાની છે કે અહીં લગભગ હવે કોઈના હાથ - પગ અકસ્માતથી તો નહીં જ ભાગે - તૂટે. સ્કૂટર ફેરવીએ તો એ દિવસ જોવાનો આવેને. લાગે છે મેડીકલમાં PG લેવલે ઓર્થોપેડિક સર્જરીની બેઠકો પણ ઘટાડી જ દેવી જોઈએ.
* * * * * * *
પ્રમોદ મહાજન : ભાઈ,
વેળાસરની વિદાય માટે આભાર
(Tuesday, 26 July 2011 at 07:08pm)
2G સ્કેમ એટલું આગળ વધ્યું છે કે હવે પ્રમોદ મહાજનનો આત્મા ભાઈ પ્રવીણ મહાજનને પાસે બોલાવીને 'Thank You' કહેતો હશે.
* * * * * * *
સંતોષ હેગડે : કર્ણાટકના લોકાયુક્ત
(Tuesday, 26 July 2011 at 07:46pm)
કેન્દ્ર સરકારમાં અને ભારતભરમાં જ્યારે કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે (1983 - 1988) કર્ણાટકમાં 'જનતા પક્ષ'ના રામક્રિષ્ણ હેગડેનો વાવટો ફરકતો હતો. અત્યારે લોકાયુક્ત સંતોષ હેગડે 'ભારતીય જનતા પક્ષ'ની સરકારનો 'વાવટો' જરા જુદી રીતે ફરકાવી રહ્યા છે.
* * * * * * *
(Wednesday, 27 July 2011 at 08:26pm)
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ફીરકાના સાધુ 'માલદાર સ્વામી'ના નામે ઓળખાતા હતા. સ્વર્ગસ્થ સાઈબાબા, હયાત રામદેવ કે અર્વાચીન પદ્મનાભસ્વામી મંદિર (તિરુઅનંતપુરમ, કેરળ)નો ખજાનો જોઇને લાગે છે કે 'માલદાર સ્વામી' માત્ર નામ નહીં, સર્વનામ હશે.
* * * * * * *
(Wednesday, 27 July 2011 at 08:52pm)
વિધાનસભા ભાજપના મોવડી મંડળ અને ગવર્નરને છક્કડ ખવડાવનાર યેદીયુરપ્પા કર્ણાટકના લોકાયુક્ત સુરેશ હેગડે સામે હાર્યા છે. (તડ ને ફડ, નગીનદાસ સંઘવી, કળશ, દિવ્ય ભાસ્કર, 27 જુલાઈ 2011) અત્યારે ચર્ચામાં રહેતા નામ સંતોષ હેગડેને બદલે સુરેશ હેગડે લખવાનું. (વાચકોને વંચાવતા સંપાદકો પણ નહીં વાંચતા હોય?) આ લ્યો મારું તડ ને ફડ.
* * * * * * *
નાટક જોવાનો કોયડો (તસવીર : બિનીત મોદી)
(Wednesday, 27 July 2011 at 09:08pm)
રજીત કપૂર અને શેરનાઝ પટેલ સહીત આઠ કલાકારો રાહુલ દા કુન્હાના લેખન-દિગ્દર્શન વાળું અંગ્રેજી નાટક 'CLASS OF '84' 31 જુલાઈ 2011ને રવિવારે રાત્રે 8:30 કલાકે જયશંકર સુંદરી નાટ્યગૃહમાં ભજવવાના છે. અમદાવાદમાં થતી તેની હોર્ડિંગ અને પેપર જાહેરાતોમાં આ હોલ એલીસબ્રીજમાં દર્શાવે છે. કોઈ કહેશે કે આ હોલ એલીસબ્રીજમાં ક્યાં આવ્યો? કે પછી હોલ જે વિસ્તારમાં છે તે રાયખડનું અંગ્રેજી એલીસબ્રીજ થાય છે.
* * * * * * *
હીના રબ્બાની ખાર (પાકિસ્તાનના વિદેશમંત્રી)
(Thursday, 28 July 2011 at 04:26pm)
'હીનાકી જવાની.....' શીલા પોતે અત્યારે આવું કોઈ ગીત સાંભળવા મળે તેવું ઈચ્છતી હશે.
(પાકિસ્તાનના વિદેશ પ્રધાન હીના રબ્બાની ખારની ભારત મુલાકાત અને તે ગાળામાં લોકપ્રિય થયેલા હિન્દી ફિલ્મ ગીત શીલા કી જવાની સંદર્ભે)
* * * * * * *
(Friday, 29 July 2011 at 06:08pm)
ગુજરાતમાં હાલોલ પાસે રસ્તો ક્રોસ કરતા શેવરોલે કારથી અને સાણંદ પાસે રસ્તો ક્રોસ કરતા નેનો કારથી સાચવવું. અહી તેનું ઉત્પાદન કરતા કારખાના છે.
* * * * * * *
(Saturday, 30 July 2011 at 07:32pm)
ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર 'પરબ'ના જુલાઈ-2011 અંકના સાહિત્યવૃત્ત (પાનું - 82) પ્રમાણે ચાર ગુજરાતી સર્જકોના પુસ્તકોનું વિમોચન વડોદરામાં મહારાજા શ્રી રણજીતસિંહજી ગાયકવાડના હસ્તે થયું હતું. 'પરબ'ના તંત્રી - સંપાદકોને માલૂમ થાય કે ભારતને 1947માં આઝાદી મળી ગઈ છે. 'મહારાજા' જેવા વિશેષણો ક્યાં સુધી વાપરવાના ચાલુ રાખશો?

પખવાડિયા અગાઉ અહીં મુકેલી જુલાઈ – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/08/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Saturday, August 25, 2012

કૂતરાની પૂંછડી..... : કહેવતને ખોટી પાડતો કૂતરો...ભણતરની આજની વ્યાખ્યા પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ભણતા ત્યારે ગુજરાતી વિષયની પરીક્ષામાં કહેવતની પાદપૂર્તિ કરોએવો સવાલ આવતો. આજેય આવતો હશે એમ માની લઇએ. તો કહેવત છે કે.....
કુતરાની પૂંછડી વાંકી તે વાંકી

હવે આ કહેવતને ખોટી પાડતો હોય એવો સીધી પૂંછડીવાળો કુતરો / Dog અમદાવાદની ગલીઓમાં હરતાંફરતાં મળી આવ્યો છે. લો તમે પણ જુઓ.
હું એકદમ સ્ટ્રેઇટ ફોરવર્ડ’ છું

કોઈ ભયજનક સ્થિતિનું નિર્માણ થાય તો કુતરાના કાન સરવા થાય, પૂંછડી સહેજ ટાઇટ કરે અને ક્યારેક પ્રતિક્રિયા રૂપે ભસે ય ખરો એવું સામાન્યપણે આપણે જોતા આવ્યા છીએ. એટલે એવી જ કોઈ સ્થિતિ નિર્માઈ હશે તેમ માનીને હું પણ તેને જોતો રહ્યો. તો ખબર પડી કે તેની પૂંછડી તદ્દન સ્વાભાવિક લાગે એવા ક્રમમાં જ સીધી અને ઊભી રહેતી હતી.
ચાલો સારું થયું. સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસોની સંખ્યા આમેય ઓછી થતી જતી હોય એવા સમયકાળમાં સ્ટ્રેઇટ ફોરવર્ડ પૂંછડી ધરાવતો શ્વાન પણ છેવટે મળ્યો તો ખરો.
તેની ઊભી પૂંછડી જોઇને યાદ આવ્યા ડોગ ક્લિનિક / Pets Clinic. અમદાવાદવડોદરા, રાજકોટ કે સુરત જેવા ભારતભરના શહેરોમાં પ્રેક્ટિસિંગ વેટરિનરિ ડૉક્ટરના દવાખાના જોવા મળે. તેમના દર્દીઓમાં બહુમતી કુતરાઓની જ હોય તો મુંબઈ જેવા શહેરમાં મ્યાઉંમાસી બિલાડી પણ હોય. શોખથી કુતરાને પાળવા-પોસવાવાળા એક વર્ગનો બીજો શોખ હોય કુતરાની પૂંછડી સીધી કરાવવાનો. હવે એ કંઈ એમ સીધી થાય નહીં. એટલે પાલતુ કુતરાના તદ્દન ફાલતુ માલિકો તેને સીધી કરાવવા રીતસરની વાઢકાપ કરાવે / Dog Tail Cutting. આ બધું કુતરુ જ્યારે બચ્ચું હોય ત્યારે થાય એટલે પીડાદાયક હોય. એમ તો પૂંછડી સીધી કરાવવાની પ્રક્રિયા કુતરાં પર ગમે તે ઉંમરે થાય એ પીડાદાયક જ હોય. વેટરિનરિ ડોક્ટરની ભાષામાં પૂંછડીની આ પ્રકારની વાઢકાપને Docking તરીકે ઓળખવામાં આવે છે.
કુમળા કુતરાની પૂંછડી પર 'કાતર'કામ

સ્ટડ ફાર્મમાં ઘોડા ઉછેરતા તાલેવંતોને પણ ઘોડાની પૂંછડી કપાવવાની આવી લગની લાગી હોય છે. તેના કારણો કુતરા કરતા જુદા હોય છે. કુતરાની પૂંછડી કપાવવાથી એ સીધી તો ક્યારેય થતી નથી. હા, ટૂંકી થાય છે. અને એનો પાલક – માલિક એમ સમજવા માંડે છે કે તે સીધી થઈ ગઈ. વાઢકાપની આ પ્રક્રિયામાં વર્ષોવર્ષ કંઈ કેટલાય બચ્ચાંને પૂંછડીના ભાગે સેપ્ટિક / Septic થાય અને અંતે મોતને ભેટે. આવું થાય ત્યારે કુતરાના માલિકની સ્થિતિ થોડીક તો કફોડી થાય છે. કારણ રોકડા રૂપિયા ચૂકવીને લાવેલા બચ્ચાને ઉછેરવા પાછળ ઠીક-ઠીક રૂપિયાનો ખર્ચ થયો હોય છે. મોટેભાગે તેની બજાર કિંમત વધારે ઉપજાવવા માટે જ આ કવાયત થતી હોય. એમાં રૂપિયા ચૂકવીને કરાવાયેલી વણજોઇતી વાઢકાપ પછી તે મોતને ભેટે ત્યારે તેના માલિક માટે તે ખોટનો સોદો સાબિત થતો હોય છે.
આટલું જાણ્યા પછી અને કેટલીક હદ સુધી જોયા પછી લાગે છે કે હવે નવી કહેવતનું સર્જન કરવું પડશે.....કુતરાના પાલકની પૂંછડી વાંકી તે વાંકી.....પૂંછડીની જગ્યાએ બુદ્ધિ શબ્દ મુકો તો ય કોઈ હરકત નથી.

Monday, August 20, 2012

રાજીવ ગાંધી : પ્રતિમા અને ટપાલટિકિટ – એક તુલનાત્મક ‘અભ્યાસ’ભારતના સાતમા અને આજ સુધીના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીનો / Rajiv Gandhi આજે 20મી ઓગસ્ટે 69મો જન્મદિવસ છે. હયાત હોત તો એ જેમાં પાઇલટ / Pilot હતા એવી ઇન્ડિયન એરલાઇન્સમાં / Indian Airlines આજે સિનિયર સિટીઝનની રૂએ મળતો લાભ લઈ ઓછા ખર્ચે હવાઈયાત્રા કરતા હોત. એમ તો ડ્રાઇવિંગ જાણતા હોય તેવા પણ એ પહેલા જ વડાપ્રધાન / Prime Minister of India હતા. હોદ્દા પર હતા એ દરમિયાન પોતાના મતવિસ્તાર એવા ઉત્તર પ્રદેશના અમેઠીના / Amethi અંતરિયાળ વિસ્તારોની મુલાકાત સમયે પત્ની સોનિયા ગાંધીને / Sonia Gandhi સાથે બેસાડી જોંગા જીપ-કારનું સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય તેવી તસવીરોને અખબારોમાં પહેલા પાને સ્થાન મળતું હતું.

લોકસભા ટી.વી. ચેનલ પર કદીકને કદીક દર્શાવાતા ચૂંટાયેલા સાંસદોના ગ્રૂપ ફોટામાં પહેલી હરોળમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને / Indira Gandhi અને એ પછીની પાંચમી – સાતમી હરોળમાં તેમને રામવિલાસ પાસવાનની / Ramvilas Paswan બાજુમાં ઊભા રહેલા જોઇને આશ્ચર્ય તો થાય છે. પણ પછી પાર્લમેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર લોકસભાના પેજિસ પર ખાંખાખોળા કરતા જાણવા મળે છે કે રાજીવ ફિરોઝ ગાંધી પહેલીવીર સાતમી લોકસભામાં પેટાચૂંટણી મારફતે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં અમેઠીની લોકસભા બેઠક પર સંજય ગાંધી / Sanjay Gandhi વિજેતા થયા હતા પરંતુ પ્લેન અકસ્માતમાં તેમનું અવસાન થયા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં / By-election આ બેઠક પર પાઇલટ રાજીવ ગાંધી વિજેતા થયા હતા. જીવ્યા ત્યાં સુધી એમણે અમેઠીની બેઠક જાળવી રાખી. આઠમી લોકસભામાં પક્ષને વિક્રમજનક બહુમતી અપાવી વડાપ્રધાનપદ જાળવી રાખ્યું. નવમી લોકસભામાં વિરોધપક્ષના નેતાપદે / Leader of Opposition બિરાજ્યા. દસમી લોકસભા ચૂંટણી લડ્યા ખરા પરંતુ જીતના સમાચાર મળે તે પહેલા તેઓ જિંદગી હારી ગયા હતા.

સાતમી લોકસભા (18 જાન્યુઆરી 1980થી 31 ડિસેમ્બર 1984)ના અંતિમ દિવસોમાં જ ઇન્દિરા ગાંધીની હત્યા થતા તેઓ પાઇલટ સીટ પરથી પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી પર આરૂઢ થયા. જો કે 1980માં જ નાનો પુત્ર સંજય પ્લેન ચલાવતા અકસ્માતે મૃત્યુ પામ્યો તે પછી ઇન્દિરા ગાંધીએ મોટા પુત્ર રાજીવનો રાજકારણમાં / Politics પ્રવેશ કરાવ્યો તે દિવસથી બિનસત્તાવાર ધોરણે તેઓ પાઇલટ મટી ગયા હતા. નવી દિલ્હીના 1 – સફદરજંગ રોડ સ્થિત ઇન્દિરા અને રાજીવ ગાંધીના સંયુક્ત મેમોરિયલના શો-કેસમાં રાખવામાં આવેલું તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્ડિયન એરલાઇન્સની સર્વિસબુક અને પાઇલટ તરીકે તેમની પસંદગીના એરક્રાફ્ટની લોગબુક ધ્યાનથી જોઇએ તો ખ્યાલ આવે છે કે રાજકારણમાં સક્રિય થયા પછી રાજીવ ગાંધીએ એરક્રાફ્ટ ઉડ્ડયન સાવ ઓછું કરી નાખ્યું હતું. લોગબુકના પાનાંઓ પર જે તે દિવસના ઉડ્ડયનનો રૂટ, સમય, તેના કલાક – મિનિટો દર્શાવ્યાની સામે રાજીવ ગાંધીની સહી જોવા મળે છે. કેટલાક ઉડ્ડયનમાં તેમની જવાબદારી મુખ્ય પાઇલટની છે તો ક્યાંક કો-પાઇલટ હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇન્દિરા અને રાજીવ ગાંધીનું સંયુક્ત મેમોરિયલ

નવી દિલ્હી સ્થિત ઉપરોક્ત સ્મારક એકવાર તો જોવા જેવું છે. વડાપ્રધાન તરીકેના સત્તાવાર નિવાસસ્થાન 1 – સફદરજંગ રોડ, કે જ્યાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી એ મકાનમાં જ બનાવાયેલા સ્મારકનો પ્રારંભ ઇન્દિરા ગાંધીથી થાય છે જે એમની હત્યાના દિવસ (31 ઓક્ટોબર 1984)થી રાજીવ ગાંધીની જીવની દર્શાવે છે. ફરીવાર કહું – લખું કે આ સ્મારક એકવાર તો જોવા જેવું છે.....બાકી.....
રાજીવ ગાંધી મેમોરિયલ : શ્રીપેરૂમ્બુદુર

.....બાકી અમદાવાદમાં / Ahmedabad ઇન્દિરા કે રાજીવ ગાંધીનું સ્મારક તો ક્યાંથી હોય? હા, તેમના પિતા-નાના નેહરૂચાચાના નામે બનેલા બ્રીજના લાલ દરવાજા છેડે બંધ પડેલા રૂપાલી સિનેમાની આગળના ટ્રાફિક જંક્શન પર આ માતા-પુત્રની એક સંયુક્ત પ્રતિમા મુકવામાં આવી છે. મને લાગે છે આટલું લખીને હું વાંચનાર સમક્ષ જૂઠ્ઠું બોલી રહ્યો છું. મારે સાચે-સાચું કહી જ દેવું જોઇએ.....તો...

રાજીવ - ઇન્દિરાની પ્રતિમા : કંતાનમાં કેદ

...તો સત્ય એ છે કે પ્રતિમા મુકાઈ છે એની ના નહીં, પણ તે હજી ઓઝલ-પરદાપ્રથા હેઠળ છે. એનોય વાંધો નહીં. ઠીક છે એ તો...પ્રતિમા તેનું અનાવરણ થાય તેની રાહ જોતી ઊભી રહેશે. હા, વાંધો અહીં જ છે. કારણ કે તે સાત-સાત વર્ષથી આમ જ ઊભી છે. ચોક્કસ કહું તો 2005થી. થોડી ઘણી હકારાત્મકતા સાથે પણ આ વિષયને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં / Ahmedabad Municipal Corporation આજે 2012માં તો ભારતીય જનતા પક્ષનું શાસન છે પણ વર્ષ 2000થી 2005ના સમયગાળામાં કોંગ્રેસનું શાસન હતું. શાસનના અંતિમ મહિનાઓમાં તત્કાલીન મેયર અનીસા બેગમ મિરઝાએ ઇન્દિરા-રાજીવની પ્રતિમા શહેરમાં યોગ્ય સ્થળે પ્રસ્થાપિત કરવાનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરાવ્યો. કોંગ્રેસના શાસન દરમિયાન જ પ્રતિમાનું નિર્માણ થઈ ગયું, હોદ્દા-સત્તાની રૂએ જે-તે અધિકારીઓ કે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિમા બનાવનાર કલાકારના અમદાવાદની ભાગોળ બહાર આવેલા સ્ટુડિયો પર જઈ તેનું નિરીક્ષણ કરી આ કામ બદલ મહેનતાણું ચુકવણી કરવાના કાગળ પર મતું (સહી) મારી દીધું. આ વ્યવહારિકતા પૂરી થઈ એ સાથે કલાકારે પ્રતિમાની ડિલિવરી મ્યુનિસિપલ સત્તાવાળાઓને આપી દીધી. પ્રતિમા યોગ્ય સ્થળે ગોઠવાઈ ગઈ. એ યોગ્ય સ્થળ એટલે આ પોસ્ટ સાથેના ફોટામાં દેખાય છે એ.

બસ એ ઘડીને આજનો દિવસ. પ્રતિમા હજી ઓઝલ-પરદામાં જ છે. તેને એક મિણિયામાં મુશ્કેટાટ બાંધી રાખી છે. પ્રતિમા મુકવાનો નિર્ણય કરાવનાર અનીસા બેગમ મિરઝા હવે જન્નતનશીન છે. તેમના પછી અઢી – અઢી વર્ષની મુદતવાળા બે મેયર અમદાવાદના પ્રથમ નાગરિકનો મોભો શોભાવી ગયા – અમિત શાહ અને કાનાજી ઠાકોર. હાલના મેયર અસિત વોરાનો નંબર ત્રીજો છે. પણ પ્રતિમાની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી એ આ ફોટામાં દેખાય એટલું સાફ છે. પ્રતિમાની ડિલિવરી થઈ અને સિમેન્ટ-કોંક્રિટના પેડસ્ટલ પર ગોઠવાઈ એ પછી એક વાત એવી વહેતી કરવામાં આવી કે તે આ બન્ને મહાનુભાવના મોભા જેવી નિર્માણ નથી થઈ. લો બોલો. અલ્યા સાહેબો, મોભા પ્રમાણે મૂર્તિ ના બની હોય તો એના બનાવનારને કહીએને. વચ્ચે એકવાર એવો પણ વિચાર કરવામાં આવ્યો કે પ્રતિમા નવેસરથી જ બનાવડાવવી. જો કે અનેક સરકારી યોજનાઓ-કાર્યક્રમોની જેમ એ વિચાર માત્ર વિચાર બનીને જ રહી ગયો.

એમ તો સ્વ. હરેન પંડ્યા (2003માં જેમની હત્યા થઈ એ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી)ના પિતા વિઠ્ઠલભાઈને એકવાર શું ય વિચાર આવ્યો તે એમણે અમદાવાદના અખબારો જોગ નિવેદન (પ્રેસનોટ) મોકલ્યું હતું કે ઇન્દિરા-રાજીવની આ પ્રતિમાનું અનાવરણ ચોક્કસ સમય મુદતમાં નહિ થાય તો એ કામ એ પોતે કરી લેશે. શક્ય છે તેમની આવી જાહેરાત પછી એ દિવસોમાં પ્રતિમા પાસે પોલીસ પહેરો પણ બેસાડાયો હોય. જો કે આવું કે તેવું કશાય પ્રકારનું અનાવરણ આજ દિન સુધી થયું નથી. એ મતલબની જાહેરાત કરનારા વિઠ્ઠલભાઈ પણ હવે દિવંગત છે.

અગાઉ કહ્યું તેમ આ મુદ્દાને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. એ રીતે શું કામ જોવો ય જોઇએ? અમદાવાદ કે ગુજરાતના રાજકીય જીવનમાં છેલ્લા બે દાયકાથી વિરોધપક્ષે બેસતા કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત મુખ્યાલયનું નામ રાજીવ ગાંધી ભવન છે પરંતુ પ્રતિમા અનાવરણના મુદ્દે તેની સાથે સંકળાયેલા સત્તાવાળાઓને એકાદ સાદો કાગળ-પત્ર પણ લખ્યો હોય એવું જાણમાં નથી. સાત-સાત વર્ષથી કેદ થયેલી આ પ્રતિમા કોઈ ધાતુમાંથી બનાવી છે કે પથ્થરની એ પણ જાણમાં નથી. એ જે હોય તે પણ આટલા વર્ષો ટાઢ-તડકો અને વરસાદ ખમેલી પ્રતિમાના તેજ-ચળકાટ ઓછા તો થઈ જ ગયા હોય. આટલી સાદી સમજ કેળવવા માટે કંઈ કલાના નિષ્ણાત હોવું જરૂરી નથી, ચાહક હોવું પૂરતું છે. લાગે છે કે હવે તો આ કારણસર જ તેનું અનાવરણ થતું અટકાવવું જોઇશે. તેને અહીં ચોક વચ્ચેથી ખસેડી લઈ ઠેકાણાસરના ગોડાઉનમાં મુકવાની વ્યવસ્થા થશે તો મહાનુભાવનો મોભો અને માન બન્ને જળવાઈ રહેશે એ નક્કી.

જીવતી-જાગતી વસતીથી ઊભરાતા આ દેશમાં મહાનુભાવની, રાજકારણીઓની કે પછી કોઈ એક્સ – વાય – ઝેડની નિર્જીવ પ્રતિમા ચોક વચાળે કે ચાર રસ્તે મુકાવવી જોઇએ કે નહીં એ આખી જુદી જ ચર્ચાનો વિષય હોવાથી તેને ફરી ક્યારેક હાથમાં લઇશું. અત્યારે તો મારા હાથમાં રાજીવ ગાંધીની ટપાલટિકિટ (ફિલાટેલિક સ્ટેમ્પ) / Philatelic Stamp છે. લો તમે પણ જુઓ.

રાજીવ ગાંધી : એક રૂપિયાની આદમકદ  ટપાલટિકિટ

પ્રતિમાના અનાવરણ બાબતે કમનસીબ નીવડેલા રાજીવ ગાંધી ટપાલટિકિટના અનાવૃત થવા બાબતે નસીબદાર હતા. 21મી મે 1991ની રાત્રે તેમની હત્યા થઈ એ પછી આવતા જન્મદિવસ (20મી ઓગસ્ટ) એ તેમની આ પોસ્ટલ સ્ટેમ્પ રિલીઝ થઈ હતી જે મેં પ્રતિમાની પડોશમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ (જી.પી.ઓ.)ના ફિલાટેલિક બ્યુરોમાંથી મેળવી હતી. વ્યક્તિના અવસાન પછી ત્રણ જ મહિના જેવા ટૂંકા ગાળામાં ટપાલટિકિટ તૈયાર થઈ હોય તેવો પણ આઝાદ ભારતનો આ પહેલવહેલો કિસ્સો હતો. અને એ રીતે જોઇએ તો ટપાલટિકિટ બની ગયેલા રાજીવ ગાંધી નસીબદાર હતા. પૂળો મૂકો પ્રતિમાને.....!

દિલ્હી અને શ્રીપેરૂમ્બુદુર મેમોરિયલની તસવીરો : નેટ પરથી