પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, December 23, 2013

ધરમકાંટો : સોના – ચાંદીના વેપારમાં વિશ્વાસનું પ્રતીક


પરદેશથી આવતા પ્રવાસીઓ જેને ‘વોલ્ડ સિટી’ / Walled City, Ahmedabad તરીકે ઓળખે છે તે જૂના અમદાવાદનો માણેકચોક વિસ્તાર નાની-મોટી અનેક દુકાનોથી ભરચક છે. એ બધાની વચ્ચે અહીં પથરાયેલા ચાર પ્રકારના બજારનું વિશેષ મહત્વ છે. એક – રતનપોળનું કાપડ અને સોના-ચાંદી બજાર, બીજું – ફર્નાન્ડિઝ બ્રીજ નીચેનું નવા-જૂના શૈક્ષણિક પુસ્તકોનું બજાર, ત્રીજું – ઘરવપરાશનાં ઇલેક્ટ્રિક સાધનોનું બજાર અને ચોથું – રોજ રાત્રે માણેકચોક મધ્યે જામતું ખાણી-પીણી બજાર.

શહેરના વિકાસ સાથે આ તમામ બજારો પશ્ચિમ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ વિકસ્યા છે. એ સૌની વચ્ચે એક બજાર એવું છે કે જેનું મહત્વ વિશેષપણે આજેય ટકી રહ્યું છે. એ છે રતનપોળનું – માણેકચોકનું / Ratanpol – Manekchowk, Ahmedabad સોના-ચાંદી બજાર. તેના પાયામાં અહીં આવતા ગ્રાહકોએ વેપારીઓમાં મૂકેલો વિશ્વાસ છે અને વિશ્વાસનું મૂળ શતાબ્દી અગાઉ સ્થાપવામાં આવેલા ધરમકાંટામાં છે. ઘરેણાં ઘડામણના વ્યવસાયમાં રત અખાની સગી બહેને ભાઈ પાસે ઘડામણ કરાવ્યા પછી અવિશ્વાસ મૂક્યો અને ટાંચન કરાવ્યું હતું તે જાણીતી વાત છે. એ ઘટના પછી જ્ઞાનમાર્ગે વળેલા અખાએ છપ્પા રચીને અખા ભગતના / Akho Bhagat નામથી ગુજરાતી ભાષા-સાહિત્યમાં / Gujarati Literature નામના મેળવી.

આ પ્રકારની અવિશ્વાસની ઘટના ભાઈ-બહેન સિવાયના અન્ય સંબંધોમાં પણ ઘટી હશે એવું અનુમાન લગાવી શકાય. જો કે એવો અવિશ્વાસ વેપારી-વેપારી વચ્ચે ન ઉદ્દભવે તે વાતનું ધ્યાન પણ વીસમી સદીના પ્રારંભે એક ઘડવૈયા-કમ-વેપારીએ જ રાખ્યું હતું. એમનું નામ પરસોતમદાસ કીકાશા ચોક્સી.

અસલનો ધરમકાંટો
કંકોડી ગામના વતની અને માણેકચોકની જગ્યામાં ઘરેણા ઘડીને વેચવાનું કામ કરતા પરસોતમદાસે અંગ્રેજી વર્ષ 1896માં ધરમકાંટાની સ્થાપના કરી હતી. અમદાવાદના ઇતિહાસનું આલેખન કરતા એકવીસમી સદીમાં પ્રકાશિત થયેલા અડધો ડઝન પુસ્તકોમાં જેનો ઉલ્લેખ સુદ્ધાં જોવા-વાંચવા મળતો નથી તેવા ધરમકાંટાના સોના-ચાંદીના વેપાર અને બજારમાંની તેની ભૂમિકા વિશે વિગતે વાત કરતાં શ્રી ચોક્સી મહાજન – અમદાવાદના પ્રમુખ હર્ષવર્ધન ચોક્સીએ જણાવ્યું કે, ‘ધરમકાંટો આવ્યો તે પહેલાં બજારમાં વિનિમય પદ્ધતિએ / Barter System વેપાર થતો હતો. રોજબરોજના વ્યવહારમાં નાણાનું ચલણ વધ્યું તે સાથે ભરોસો ઘટતો ગયો. આમ થવાનું બીજું કારણ તે ઓગણીસમી સદીના અંતિમ દાયકાનો સમય એવો હતો કે જર-ઝવેરાત જેમનો મૂળ વ્યવસાય નહોતો તેવા લોકો પણ આ ધંધામાં દાખલ થવા લાગ્યા. એ સમયે સોના-ચાંદી જેવી મોંઘી જણસ ખરીદનાર અને તેના વેચનાર વચ્ચે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે કોઈ તટસ્થ વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી બની ગયું હતું. સોના-ચાંદીની શુદ્ધતાની ખાતરી થાય તે માટે ટાંચનની પદ્ધતિ હતી પરંતુ તોલમાપમાં છેતરપિંડી ન થાય એવો વિશ્વાસ આપતી કોઈ પદ્ધતિ અમલમાં નહોતી.’

આ સમયગાળામાં સોનીબજારની શાખ જાળવી રાખવા જેમણે પહેલ કરી તે પરસોતમદાસ કીકાશા ચોક્સી અને તેમની પહેલનું પરિણામ એટલે આજનો આ ધરમકાંટો.

નવી વ્યવસ્થાના પ્રારંભે અહીં વજન કરાવવા આવનારે કશું જ ચૂકવવું પડતું નહોતું. એ શરૂઆત બહુ મોડી થઈ. બજારમાંના આગેવાન વેપારીઓ ધરમકાંટો સંભાળનાર વ્યક્તિનો ઘરખર્ચ નીકળી રહે તેનું ધ્યાન જરૂર રાખતા. આજે સો ઉપરાંત વર્ષ વીતી ગયા પછી અસલનો પરંપરાગત ધરમકાંટો વપરાતો બંધ થયો છે. તેનું સ્થાન ઇલેક્ટ્રોનિક વજનકાંટાએ લીધું છે જે ડિજિટલ પદ્ધતિએ એક ગ્રામના હજારમાં ભાગ સુધીનું વજન દર્શાવી આપે છે. ‘ધરમકાંટો’ સંભાળનાર વ્યક્તિ હવે ચોક્સી મહાજનનો પગારદાર કર્મચારી બની છે.

ઘરેણા ગાળીને મેળવાયેલા ‘રૂપા’નું વજન
એ રીતે ધરમકાંટાનું સંચાલન કરતા અમરીશ રાણા માણેકચોકના સોના-ચાંદી બજારમાં કામ કરવાનો પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, ‘જર-ઝવેરાતનો વેપાર કરતી આજની પાંચમી પેઢીએ તો પરંપરાગત એવો જૂની ઢબનો ધરમકાંટો વપરાતો જોયો પણ નથી. 1995 પછી ડિજિટલ વેઇટ મશીન આવી ગયા.’ ધરમકાંટાની સ્થાપનાના બરાબર સો વર્ષે આવેલો આ મોટો ફેરફાર હતો. તોલમાપના જૂના કાંટાને ચોક્સી મહાજનની ઑફિસના એક ખૂણે આરામ ફરમાવવા સારુ જગ્યા મળી છે ખરી.


મોંઘી જણસનું
વાજબી ભાવપત્રક...અને...
વજન કરાવવા આવનારે એક ગ્રામથી લઈને પાંત્રીસ કિલોગ્રામ ચાંદી / Silver માટે અને એક ગ્રામથી લઈને એક કિલોગ્રામ સોનાનું / Gold વજન કરાવવા માટે પાંચ રૂપિયાથી પચીસ રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે. ક્લાયન્ટને આપવામાં આવતી ત્રણ કાઉન્ટરફોઇલ ધરાવતી પહોંચમાં તારીખ-વાર અને દાગીનાની સંખ્યા સાથે વજન લખ્યા પછી બે નકલ ગ્રાહકને આપવામાં આવે છે. ત્રીજી નકલ મહાજનના રેકર્ડ પર રહે છે. આ વ્યવસ્થામાં દાગીનાના પ્રકાર સાથે ઝાઝી લેવા-દેવા નહીં હોવાના કારણે પહોંચમાં માળા, મંગળસૂત્ર, બંગડી કે બુટ્ટી એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી.

...ભરોસાની પહોંચ
વિવાદી સંજોગો કે કાયદાકીય ગૂંચવણ ઉદ્દભવવાના સમયે પોલીસ અને કૉર્ટ શ્રી ચોક્સી મહાજન સંચાલિત ધરમકાંટાની પહોંચને માન્ય ગણે છે. સોના-ચાંદીના કીમતી જથ્થા સાથે રસ્તે પસાર થતી વ્યક્તિ પાસે આ પહોંચ હોય તો જડતી લેનાર કે તપાસ કરનાર પોલીસ જે તે વ્યક્તિને શંકાથી પર ગણે છે.

શુદ્ધતાનો ‘999’નો માર્કો ધરાવતા
ચાંદીના ચોરસાનું વજન
મુખ્યત્વે ચોક્સી બજારના વેપારીઓ વચ્ચે જ ઉપયોગમાં લેવાતી ધરમકાંટાની વ્યવસ્થા હરકોઈ માટે ખુલ્લી છે. આપને પણ તેનો ખપ પડે તો સરનામું છે – જૂના શેરબજાર પાસે, માણેકચોક, અમદાવાદ.


(તસવીરો : બિનીત મોદી)

Friday, December 06, 2013

નીતા અનિલ પરીખ : મારી બહેન, પરિવારનું ‘પાવર હાઉસ’

મામાના હાથે કન્યાવિદાય : 6 ડિસેમ્બર 1988

કન્યાવિદાય પ્રસંગનો આ મારો ખૂબ ગમતો ફોટો છે. મેં પાડ્યો છે એ કારણ તો ખરું જ. એ સિવાયનું કોઈ કારણ...ના...એ પાછળ એક કથા છે. જેની શરૂઆત આ રીતે થઈ  હતી...
ચાલને હોલ પર શું તૈયારીઓ થાય છે તે જોતા આવીએ.
ઘર-પરિવારમાં શુભ પ્રસંગે આવો ડાયલૉગ થવો સ્વાભાવિક છે. મોટેભાગે પરિવારના પુરુષ સભ્યો એકમેક સાથે આ પ્રકારનો સંવાદ કરતા હોય છે. મારી સાથે પણ થયો. પણ એ બોલનાર કોઈ પુરુષ નહીં પણ એક યુવતી હતી. એ યુવતી જે બાર-પંદર કલાક પછી સપ્તપદીના ફેરા લેવાની હતી અને અત્યારે મારી સમક્ષ સ્કૂટર પર ફરવા જવાનું કહેતી હતી...
બીનુ...ચાલને હોલ પર શું તૈયારીઓ થાય છે તે જોતા આવીએ.

આ યુવતીના લગ્ન પહેલાંની વિવાહકથા આડે આવેલા આરોહ-અવરોહ-અવરોધથી હું તેનાથી નાનો હોવા છતાં પૂરેપુરો વાકેફ હતો. આજ સુધી ઉતરી નથી શક્યો એવી કૉલેજનું પગથિયું ચઢ્યે માંડ પાંચ-છ મહિના થયા હોય એવી અઢારની મારી ઉંમર. ખરું કહું તો લગ્નના આગલા દિવસે પ્રસંગને થોડા કલાકો જ બાકી રહ્યા હોય ત્યારે ઘર બહાર નીકળવાની વાત મને થોડી શંકાસ્પદ લાગી હતી. ‘ભાગી જવાનો પ્લાન તો નહીં બનાવ્યો હોય ને?’ એવો વિચાર પણ આવી ગયો. મારી હા-ના નું કોઈ વજન પડે તેમ નહોતું. કારણ કે એ મારાથી મોટી હતી. સ્કૂટર ચલાવતા હું નવું-નવું શીખ્યો હતો એટલે ડબલ સવારી ચલાવવાના કૉન્ફિડન્સનો પણ પૂરેપૂરો અભાવ. પછી? પછી શું...કંઈક આડું-અવળું થશે તો ઘરમાંથી કોઈનો ઠપકો પડશે એવી ભીતિ છતાં ‘પડશે એવા દેવાશે’ એવી ભાવના સાથે અમે બન્ને નીકળી પડ્યા. સમય રાતના નવ-દસની વચ્ચેનો.

‘મારા હાથે મહેંદી મૂકેલી છે એટલે હું સ્કૂટરનું હેન્ડલ નહીં પકડી શકું. જરા ધીરે ચલાવજે.’ ભર શિયાળે પરસેવો વળે એમ મારો કલર ઉતરી રહ્યો હતો અને આ છોકરીને તેની મહેંદીની ચિંતા હતી.

એ છોકરી એટલે વનપ્રવેશ ઉજવી ચૂકેલા અને 6 ડિસેમ્બરના દિને લગ્નનું પચીસમું વર્ષ ઉજવતાં નીતા નવીનચંદ્ર શાહ. પારસી ચાલના ઘરથી લગ્નસ્થળ આબુ વિહાર હોલ કંઈ બહુ દૂર નહોતો. સ્કૂટરની કીક મારીને તેમને બેસાડતાં પહેલાં મેં એક નજર ફેરવી લીધી અને મનમાં બબડ્યો ‘હં...સાદા કપડાં જ પહેર્યા છે...સાથે કશું લીધું નથી...ઘરેણા-બરેણા કંઈ પહેર્યા નથી...એટલે ભાગી જવાની કોઈ યોજના તો લાગતી નથી.’ એક આડવાત છે, અગાઉ લખી ગયો છું છતાં આ પ્રસંગ સાથે તદ્દન સુસંગત છે એટલે લખી જ દઉં. બચત કરેલી રકમ પ્રોવિડન્ટ ખાતામાં જમા કરાવવા માટે પપ્પાએ બૅન્કમાં મોક્લ્યો ત્યારે ગવર્નર પર ભેરવેલી રોકડા વીસ હજાર રૂપિયાની થેલીને સાચવવા માટે થઈને ચૌદ-પંદર વર્ષની ઉંમરે પહેલીવાર એક હાથે સાઇકલ ચલાવી હતી. આજે સાઇકલની જગ્યાએ સ્કૂટર હતું. તેને એક હાથે ચલાવવાનું જોખમ વહોરીને એકાદવાર નીતાબહેનના દુપટ્ટાને અડકીને ખાતરી કરી લીધી કે તે પાછળની સીટ પર જ બેઠાં છે. સ્કૂટર ચલાવતી વખતે સતત સાઇડમીરરમાં જોતો રહ્યો હોઉં કે ડોક ફેરવીને સીટ તપાસતો રહ્યો હોઉં એવો આ મારા માટે પહેલો અને છેલ્લો પ્રસંગ હતો.

થેન્ક ગોડ...નીતાબહેન / Nita Anil Parikh ક્યાંય ભાગી નથી ગયા. લીનાબહેન – સંજયભાઈની / Leena Sanjay Shah સાથે જ લગ્નની સિલ્વર જ્યુબિલી ઉર્ફે રજતજયંતીની ઉજવણી કરવા અને એ નિમિત્તે પરિચિતોને પાર્ટી આપવા માટે આપણી વચ્ચે હાજર છે. આ પાર્ટી અને જમવાની વાત પરથી યાદ આવ્યું. તેમની નોકરીના શરૂઆતના મહિનાઓ હતાને મારા પપ્પા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Praful Modi, તેમના મામા / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html) ટ્રાન્સફર થઈને અમદાવાદ આવ્યા. ઓફિસરનું પ્રમોશન લઈને અમદાવાદ જેવા શહેરમાં આવ્યા હતા એટલે નોકરીના સમય ચુસ્તીથી સાચવવા પડે. આ સમય સાચવવામાં વસુફોઈ અને લીના-ગોપીબહેનની / Gopi Nikesh Shah સાથે પ્રચ્છન્ન ફાળો નીતાબહેનનો હતો. મને બરાબર યાદ છે કે શનિ-રવિની રજામાં ઠાસરા-ઘરે આવેલા પપ્પાને મમ્મીએ પૂછ્યું હતું કે ‘સવારના નવ વાગે તમને જમાડીને મોકલવામાં વસુબહેનને તકલીફ નથી પડતી?’...પપ્પાએ જવાબમાં કહ્યું હતું કે ‘એ તો નીતાને પણ ટિફિન લઈને જવાનું હોય ને એટલે મારી થાળી પીરસાઈ જ જાય છે.’

હા...નીતાબહેન એ સમયે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની અને અત્યારે ટોરન્ટ પાવર / Torrent Power Limited / http://www.torrentpower.com/ તરીકે ઓળખાતી કંપનીની નોકરીમાં નવા-સવા જોડાયા હતા. પહેલું પોસ્ટીંગ ‘પાવરહાઉસ’માં હતું. પહેલા પગારમાંથી એ ખુદના માટે કે પરિવાર માટે શું લાવ્યા હશે એ જાણવા માટે તો તેમનો ઇન્ટરવ્યૂ કરવો પડે પણ દિવ્યાંગ / Divyang Shah અને મારા માટે પેન્ટ-શર્ટનું કાપડ લાવ્યા હતા એ તો બરાબર યાદ છે. બસ એ દિવસથી એ મારા માટે ફોઈની દીકરી મટીને ‘મોટીબહેન’ બની ગયા છે. (જેમણે મને પેન્ટ-શર્ટ લાવી આપવાના બાકી છે તેવા ભાઈઓ-બહેનો સૌએ આ પ્રસંગ ખાસ યાદ રાખવો અને ખરીદીના દિવસ સુધી તેનું નિત્યસ્મરણ કરવું.)

બે ભાઈઓના (હસમુખભાઈ શાહ / Hasmukh Shah અને પ્રફુલ મોદી) પરિવાર વચ્ચે એક પણ દીકરી નહીં હોવાના કારણે મમ્મીને વસુફોઈની ત્રણેય દીકરીઓ પ્રત્યે પહેલેથી પક્ષપાત રહ્યો એવું મારું નિરીક્ષણ છે. ખોટું પણ હોઈ શકે છે. મમ્મીની કાયમ માટે એવી ઇચ્છા રહેતી કે ત્રણેય છોકરીઓમાંથી કોઈ એક તો વૅકેશનમાં મારી પાસે આવીને રહે. વારંવાર બોલાવતી રહે પણ એ શક્ય ન બને. કૉલેજના ભણતર પછી તરત નોકરી કરતાં થયેલા નીતાબહેનની બાબતમાં તો એ શક્યતા ધૂંધળી થઈ એટલે એકવાર લીના-ગોપીબહેન ઠાસરાના ઘરે રહેવા આવીને મમ્મીની ઇચ્છા પૂરી કરી ગયા હતા.

નોકરી કરતાં થયા એટલે તેમના લગ્ન માટેની ઉતાવળ ચાલી. નાની ઉંમરે આવી ગયેલા ચશ્માં એમાં મોટી બાધારૂપ હતા. કોઈપણ કાલખંડમાં પ્રગતિશીલ હોવાનો દાવો કરતા સમાજના ભણેલા ખરા પણ ગણેલા નહીં તેવા ભાવિ વરરાજાઓ ચશ્માં જેવા ક્ષુલ્લક માપદંડથી તેમની પસંદગી કરવામાં પાછા પડતા હતા. પછી? પછી શું...ચશ્માં નજીકના હતા કે દૂરના એ તો મને ખબર નથી પણ એ ચશ્માંની મદદથી જ તેમણે ઑફિસમાં બાજુના ટેબલ પર બેસતા અનિલ કાન્તિલાલ પરીખને શોધી કાઢ્યા – પપ્પા નવીનચંદ્ર શાહ / Navinchandra Shah અને કાકા અરવિંદભાઈ શાહની / Arvind N. Shah હાજરીમાં જ.

‘પ્રગતિશીલ’ શબ્દનો ઉલ્લેખ તમે હમણાં વાંચ્યોને? આ મારી બહેન શબ્દાર્થમાં નહીં યથાર્થમાં પ્રગતિશીલ છે. તેમની સાથે કોઈ પણ મુદ્દે વાતચીત, વાદ અને વિવાદ થઈ શકે. સાવ જ ખોરંભે પડેલા મારા કૉલેજ ભણતરની ગાડી પાટે ચઢાવવા લગ્નજીવનના સાવ શરૂઆતના દિવસોમાં તેમણે મને પોતાના સંયુક્ત કુટુંબવાળા ઘરે રહીને ભણવાની ઑફર કરી હતી. ભણાવવા માટે જરૂર પડ્યે અડધી રજા લેવાથી લઈને નોકરીને અધવચ્ચેથી તડકે મૂકવાની તૈયારી પણ એક તબક્કે તેમણે બતાવી હતી. મને લાગે છે ‘પાવરહાઉસ’માં કામ કરતી અને મનથી મજબૂત – પાવરફૂલ વ્યક્તિ જ આવી ઑફર કરી શકે.

મારે ત્રણ માસી છે – અરૂણા, રોહિણી અને પલ્લવી. એમના મોઢે કાયમ સંબોધનમાં હું ‘બીનુ’ શબ્દ સાંભળતો આવ્યો છું. એમની સાથે આ જગતમાં બીનુ કહેનારા ત્રણ જ જણ છે – નીતા, લીના અને ગોપીબહેન. મમ્મી / Sudha Modi અને વસુફોઈ / Vasumati Shah ખરા પણ એમનો સમાવેશ સિનિઅર સિટીઝન ફોરમમાં કરવામાં આવ્યો છે.


સુખ-દુઃખના સંખ્યાબંધ દિવસોને એકસરખી અદાથી પાર કરતાં એક હાથથી કોન્ટેક્ટ લેન્સ ધોતી અને બીજા હાથથી આંસુ લૂછતી બહેન રવિવાર 8મી ડિસેમ્બરે કન્યાવિદાયના પ્રસંગની ફરી એકવાર સાક્ષી બનવાની છે – દીકરા તપનને / Tapan / http://wedding.tapanparikh.in/home ભૂમિ શ્રોફ સાથે પરણાવતી વખતે.

Tuesday, December 03, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2013)

(નવેમ્બર – 2013)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 37મી પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Friday, 1 November 2013 at 09:09am)
ડમડમબાબાની ડુગડુગી.....
દિવાળી નૂતનવર્ષ નિમિત્તે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નવી ચલણી નોટો વહેંચી પણ તેના પર સહી તો જૂના ગવર્નર ડી. સુબ્બારાવની જ છે. નવા ગવર્નર રઘુરામ રાજનનો નંબર આવતી દિવાળીમાં લાગશે.
So, HAPPY DHANTERAS…धनतेरस की शुभकामनाएं...ધનતેરસની શુભેચ્છાઓ...
* * * * * * *
(Saturday, 2 November 2013 at 02:22pm)
કાળીચૌદશની રાત્રે આમ તો અઘોરપંથના બાવાઓનું માહાત્મ્ય હોય છે...પરંતુ...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...બાવાઓ ત્રણ પ્રકારના હોય છે...પ્રામાણિક, પાખંડી અને પાનકાર્ડવાળા...
* * * * * * *
(Sunday, 3 November 2013 at 12:12pm)
દિવાળીની સાંજની સારી રીતે ઉજવણી કરી શકનારા સરકારી કર્મચારીઓનો દિવસ અજંપામાં વીતવાની વકી છે...કેમ કે...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...દિવસભર આ આજની એક રજા રવિવારને કારણે કપાઈ ગઈએવા વિચારો આવ્યા જ કરવાના...
Whatever, HAPPY DIWALI…दिपावली की शुभकामनाएं...દિવાળીની શુભેચ્છાઓ...
* * * * * * *
(Monday, 4 November 2013 at 03:03am)
નવા વર્ષનો પ્રારંભ આમ તો મીઠાઈ ખાઈ ખવડાવીને જ થવો જોઇએ...પરંતુ...
...અમેરિકામાં થયેલું એક ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...ભારતમાં કંદોઈને ત્યાં મળતા તૈયાર ઘૂઘરા કરતા શિંગોડા પાનનું કદ મોટું હોય છે.
So, HAPPY NEW YEAR…नूतन वर्ष की शुभकामनाएं...સાલ મુબારક અને શુભેચ્છાઓ...
* * * * * * *
(Tuesday, 5 November 2013 at 08:08am)
આજે ભાઈબીજના દિને બહેનના ઘરે ભાઈઓ ભોજન પામશે જ તેમાં કોઈ શંકા નથી...પરંતુ...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...ભોજન સમયસર મળશે કે કેમ તેનો બધો આધાર ઇન્ટરનેટની સ્પીડ પર રહેશે...કેમ કે...
...જે બહેનો રૅસિપિ બુક વાંચીને વાનગીઓ બનાવશે તેમની રસોઈ ઝડપથી બનશે...અને...જે બહેનો યુટ્યૂબ પરના વિડિઓ જોઇને જમવાનું બનાવશે...એ ભાઇઓનું શું થશે તે હવે આપ જાણો છો...
So, HAPPY BHAIBIJ…भाईदूज की शुभकामनाएं...ભાઈબીજની શુભેચ્છાઓ...
* * * * * * *
(Wednesday, 6 November 2013 at 12:12pm)
તળીને તૈયાર થતા ઘૂઘરાની ગણતરી મીઠાઈમાં કરવી કે ફરસાણમાં તે સંબંધે દિવાળી ઉજવતા અને નહીં ઉજવતા એવા દુનિયાના તમામ દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે.
* * * * * * *
(Thursday, 7 November 2013 at 12:12pm)
એક તિથિનો લોપહોવાના કારણે આજે નૂતનવર્ષના ચોથા દિવસે લાભપાંચમછે. અને હા, આને પણ ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન જ ગણવું.
* * * * * * *
(Friday, 8 November 2013 at 09:09am)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
પપ્પા નવું આઇ-પેડ અપાવો.
કુંવર સવાર-સવારમાં પહેલા ભણવાનું ઠેકાણું પાડો...પછી બીજી વાત.
સારું...ફેસબુક પ્રોફાઇલમાં મારા બાળપણના ફોટાનો ઉપયોગ કરીને દિવસ આખો તમે કોની-કોની પ્રોફાઇલના ઠેકાણા શોધતા ફરો છો તેની વાત મમ્મી સાથે બેસીને આજે સાંજે કરી લઇશું.
* * * * * * *
(Saturday, 9 November 2013 at 11:11am)
જલારામ જયંતીના પાવન અવસરે...ડમડમબાબાની કવિતા : જલારામબાપાની વેદના
મારા નામે ઉતારે છે ઘાણ રોજે રોજ મણ-મણના...
...કોક દી મારા જમણમાં પણ મૂક બે-ચાર ટુકડા ખમણના...
* * * * * * *
આસારામ 1008
(Saturday, 9 November 2013 at 04:04pm)
આસારામએ માગણી કરી છે કે તેના વિરૂદ્ધની ચાર્જશીટ 500 કે 1500; ગમે તેટલા પાનાની હોય...
...ફોન્ટ સાઇઝ નાની-મોટી કરીને 1008 પાનામાં જ પ્રિન્ટ કરીને તેને કોપી આપવામાં આવે જેથી...
...બાકી રહી ગયેલું '1008'નું લેબલ (વિશેષણ!) પણ પ્રાપ્ત થાય.
* * * * * * *
(Monday, 11 November 2013 at 08:08am)
દિવાળીના નાસ્તાને કારણે કે પછી ફટાકડાના અવાજને કારણે પૂંછડું છૂટી જવાનીસમસ્યા ઉદ્દભવે છે તે બાબતે ડૉક્ટરોમાં મતમતાંતર પ્રવર્તે છે.
* * * * * * *
‘નિર્મલ ભારત’ અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર
(Tuesday, 12 November 2013 at 10:10am)
સેટેલાઇટ ડિશ રિસીવરના આગમન સાથે ભારતમાં જાહેર સ્વચ્છતામાં વધારો થયો છે એવું ડમડમબાબાનું સંશોધન વધુમાં જણાવે છે કે...
...અગાઉ ટી.વી. ઍન્ટેનૅ પર બેસીને પ્રાતઃકર્મ વિધિ સંપન્ન કરતા પક્ષીઓની ચરક હવે ડિશ રિસીવર ઝીલી લે છે. સેટેલાઇટ ટી.વી. પ્રસારણની સેવાઓ પૂરી પાડતી ટાટા સ્કાય, એરટેલ, રિલાયન્સ ડિજિટલ, ડિશ ટી.વી. સહિત અન્ય સવા ડઝન કંપનીઓનો નિર્મલ ભારતઅભિયાનમાં જોડાવા બદલ આભાર.
* * * * * * *
(Wednesday, 13 November 2013 at 04:04pm)
શહેરમાં ફરતી પૅસિન્જર રિક્ષામાં માત્ર ત્રણ જ વ્યક્તિને બેસાડવાની મંજૂરી હોય છે...પરંતુ...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...એ જ રિક્ષા હાઇ-વે પર ફરતી થાય એટલે આઠ પૅસિન્જરના કાયદામાં ફેરવાઈ જાય છે.
* * * * * * *
(Friday, 15 November 2013 at 03:33pm)
શહેરમાં વસતા ભટકતા કૂતરાંઓનું જીવનધોરણ સુધર્યું છે એમ ચોક્કસપણે કહી શકાય...
કેમ કે...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
અગાઉ વધ્યા-ઘટ્યા દાળ-ભાત-શાક અને રોટલી-ભાખરી પામતા કૂતરાંઓને હવે પાઉંભાજી અને પીઝાની ગ્રેવી નસીબ થાય છે.
* * * * * * *
(Saturday, 16 November 2013 at 02:22pm)
ભારતનો પ્રવાસ પૂરો કરીને પોતાને ગામ-ઘરે પહોંચેલા ફોરેનરે તેને મળવા આવતા સગાં-સંબંધી-મિત્રો સમક્ષ પ્રવાસનો આનંદ વ્યક્ત કરતા અને તેનું વર્ણન કરતા કહ્યું કે...આપણા દેશની સ્મોલ કાર કરતાં પણ નાનું એવું વ્હીકલ ચલાવવા માટે ત્યાં ત્રણ-ત્રણ ડ્રાઇવર હોય છે.
તેની વાત સાંભળનારા તો બધા તાજુબ જ થઈ ગયા. આ વાત જ્યારે તેના ભારતીય દોસ્તે સાંભળી તો તેને કહ્યું કે...ડોબા...એ તો રિક્ષાનો ડ્રાઇવર આજુબાજુ બે પૅસિન્જર બેસાડે છે.
* * * * * * *
‘ભારતરત્ન’ સચિન તેન્ડુલકર
(Sunday, 17 November 2013 at 04:44pm)
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેન્ડુલકરને ભારતરત્નનું સન્માન જાહેર થાય એ તો આનંદની જ વાત છે...પરંતુ...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...
...સન્માન પ્રાપ્ત કરવાનો આગલો દિવસ બહુ જ અપમાનજનકહોય છે...કેમ કે...
...રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ લેફ્ટ-રાઇટકરાવતું રિહર્સલ કરાવે એ પછી બીજે દિવસે સન્માન મળે છે.
* * * * * * *
(Monday, 18 November 2013 at 01:11pm)
દરજીઓએ હવે થીંગડાં મારવાનું બંધ કર્યું છે...પરંતુ...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...બિલ્ડરોએ રસ્તાઓને થીંગડથાગડ કરવાનું ચાલુ રાખ્યું છે.
ચોમાસાથી બિસમાર થયેલા રસ્તાઓ માટે આ કામ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સૂચનાથી ચાલી રહ્યું છે.
* * * * * * *
(Tuesday, 19 November 2013 at 01:41pm)
નીઓરિચ (Neorich / નવશ્રીમંત) વ્યક્તિને ઓળખવી કઈ રીતે?
નિશાની નંબર એક પગમાં સફેદ બૂટ કે ચંપલ પહેરેલા હોય તો સમજવું કે...
* * * * * * *
ઓમજી મહારાજ : શોભન સરકારના પ્રવક્તા
(Thursday, 21 November 2013 at 11:11am)
પુરાણકામ કરવા માટે સુવર્ણરજધરાવતી માટી હાજર સ્ટોકમાં મળશે. રૂબરૂ મળો યા આપનો સંદેશો કિત્તા પર લખીને મોકલો.
સાઇટ સુપરવાઇઝર ભારતીય પુરાતત્વ વિભાગમુકામ ડોડિયાખેડા, જિલ્લો : ઉન્નાવ, ઉત્તર પ્રદેશ.
નોંધ : બપોરે એકથી બે દરમિયાન રિસેસના સમયે આવો તો સાધુ શોભન સરકારને મળવા વિનંતી.
* * * * * * *
તરૂણ તેજપાલનો ‘તહેલકા’
(Friday, 22 November 2013 at 04:44pm)
અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રકાશિત થતા સામયિક તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ સાથી મહિલા પત્રકારની જાતીય સતામણીના મામલે...
...ગુજરાતી ભાષામાં ઓળખાવીએ તો સાવ ‘હલકાનીકળ્યા.
* * * * * * *
(Sunday, 24 November 2013 at 10:01am)
શીરા માટે શ્રાવક ન થવાય...એમ...
...તાજા દૂધની ચા પીવાનું મન થાય એટલે કંઈ આણંદ થોડું જવાય છે...
...તોય મેં આજે આણંદની વાટ પકડી છે...બોલો...
* * * * * * *
ગેટવે ઑફ ઇન્ડિયા (*)
(Tuesday, 26 November 2013 at 02:00am)
તસવીરની તારીખ : રવિવાર, 18 માર્ચ 2007…
...અને તવારીખમાં...જત જણાવવાનું કે...
...પાંચ વર્ષ પહેલાની ગોઝારી દુર્ઘટનાનું પ્રવેશદ્વાર...ગેટવે ઑફ ઇન્ડિયા : બુધવાર, 26 નવેમ્બર 2008ની સાંજે...
* * * * * * *
(Wednesday, 27 November 2013 at 12:21pm)
ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે લિફ્ટની અંદર ફસાઈ જવાના સંખ્યાબંધ બનાવો બને છે અને તેવી ઘટનાઓના ખબર ક્યારેક અખબારો દ્વારા મળે છે...પરંતુ...
...ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે...લિફ્ટના દરવાજાની બહાર રહીને કરેલી ભૂલને કારણે ફસાઈ જનારાઓમાં તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ પહેલા છે...
...એવી ભૂલજેને તેઓ પોતાની ખામીગણવા તૈયાર નથી.
* * * * * * *
ગુજરાતી બારાખડી
(Thursday, 28 November 2013 at 09:00am)
ય ર લ વ અને પ ફ
ગુજરાતી વર્ણમાળામાં સાથે-સાથે આવતા આ એવા છ અક્ષરો છે જેનો અંગ્રેજી અર્થ મળે છે...
યર = Year – વર્ષ
લવ = Love – પ્રેમ
પફ = Puff – વરાળ
* * * * * * *
(Friday, 29 November 2013 at 01:11pm)
તહેલકાઑફિસ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ...
હલો, તંત્રી તરૂણ તેજપાલને લાઇન આપશો...?
સાહેબ તો ફીલ્ડમાં ગયા છે...
ફીલ્ડમાં ગયા છે કે ફ્લર્ટિંગ કરવા ગયા છે?
ના...ના...ફીલ્ડમાં જ ગયા છે...ભાગતા-ફરતા નારાયણ સાઈનો ઇન્ટરવ્યૂ લેવા.
* * * * * * *
(Saturday, 30 November 2013 at 02:22pm)
હિન્દી કે અંગ્રેજી તહેલકાના જૂના નવા અંકો પસ્તીમાં મૂકવા નહીં. વજનમાં તેની ગણતરી કરવામાં નહીં આવે કે વળતર આપવા માટે પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
હુકમથી – તરૂણ
તરૂણ = TARUN – Traders Association of Raddi, Utensils (old vessels) and Newspapers

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અહીં મુકેલી નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/12/2012.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)