ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતમાં એક નામ એવું છે જે માત્ર નામથી જ ઓળખાય છે. કોઈ અટક કે ઉપનામ-તખલ્લુસ તેને લાગુ પડતું નથી. વસુબહેન / Vasubahen. ‘વિનોદની નજરે’માં વિનોદ ભટ્ટે તેમનો પરિચય આપતા શરૂઆત આ રીતે કરી છે.
નામ : વસુબહેન.
ઉપનામ: વસુબહેન.
અટક: વસુબહેન.
પિતા અગર પતિનું નામ : વસુબહેન.
વસુબહેન : આજે થયા અઠ્ઠયાશી (88) |
આ નામ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે એક વાર તેમને ઝઘડો પડેલો. ઉમેદવારી-પત્રમાં પોતાનું આખું નામ તેમણે વસુબહેન લખેલું. કાર્યાલયે આ ઉમેદવારીપત્ર અધૂરું ગણીને તેમનું નૉમિનેશન રદ કરેલું. પછી કોર્ટમાંયે પોતાનું આ જ નામનું રજિસ્ટ્રેશન થયેલું છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું એટલે પાછળથી પરિષદની કારોબારીના સભ્ય તરીકે તેમને કો-ઑપ્ટ કરવામાં આવેલાં.
ગુજરાતી સાહિત્ય પરિષદે જેમને કારોબારી સભ્ય તરીકે કો-ઑપ્ટ કર્યા હતા તે વસુબહેન આજે 2012માં પરિષદના પાડોશી છે. એમ તો જિંદગી ધરીને જ્યાં નોકરીગત પ્રવૃત્ત રહી છેલ્લે નિયામકપદેથી 1982માં વયનિવૃત્ત થયા તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના સાખપાડોશી છે. ગુજરાતી સાહિત્યની ક્લાસિક કૃતિ ‘વિનોદની નજરે’ (પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) ના ઉપર ઉલ્લેખેલા તેમના વિશેના લેખના પહેલા પ્રાગટ્યને ત્રણ દાયકા ઉપરાંતનો સમય વીતી ગયો છે. એક સમયના સબળ માધ્યમ ગણાતા રેડિયોમાં કામ કરી ચુકેલા વસુબહેનની નવેસરથી નવા માધ્યમમાં નોંધ લેવી જોઈએ એવા ખ્યાલ સાથે તેમના ઘરે પહોંચ્યો. અહીંથી હું આગળ વધું અને વાંચવામાં તમે આગળ વધો એ પહેલાં એટલું જણાવું કે ‘વિનોદની નજરે’માં તેમના વિશે વાંચ્યા વિના પરિચય અધૂરો જ રહેવાનો. તો ચાલો ઓવર ટુ આશ્રમરોડ.....પાંચમા માળે, જિવાભાઈ એપાર્ટમેન્ટસ્, કંદોઈ ભોગીલાલ મૂળચંદની ગલીમાં – નદી કિનારા તરફ.
* * * * * *
‘વસુબહેન, આ અઠવાડિયે શુક્રવારે તમારો જન્મદિવસ છે તો તમારા વિશે લખવું છે.’
‘જન્મદિવસ તો ગયો. હોળીના દિવસે. ઘરમાં બધા એ રીતે યાદ રાખતા કે એક બાજુ હોળી પ્રગટી અને બીજી બાજુ મારું પ્રાગટ્ય થયું.’
‘બરાબર, પણ તારીખ પ્રમાણે જન્મદિવસ 23 માર્ચે. તો મારે એ નિમિત્તે તમારી ઓળખ જોગ કંઈક લખવું એવો ખયાલ છે.’
‘વિનોદે બધું લખ્યું છે.’
‘એ સિવાયનું મારે લખવું છે.’
‘હમણાં જ ચાર દિવસ હોસ્પિટલમાં રહી આવી. ત્યાં કોઈ વાત કરવાવાળું જ ના મળે. મારું બોલવાનું જ બંધ થઈ ગયું. હવે થાક લાગે છે.’
મહેફિલના – મેળાવડાના માણસ એવા વસુબહેન આજે અઠ્ઠયાશી વર્ષનાં થયા. જન્મતારીખ 23 માર્ચ 1924. અઠ્ઠયાસી વર્ષે લાગવા જોઈએ એટલા જ થાકેલા પણ કંટાળેલા નહીં. તેમના અતિ જાણીતા તકિયાકલામ સાથે મને કહે, ‘પ્રભુ, ફરી વાર મળીએ તો.’ માંદગીના ખબર મળતાં મુંબઈ રહેતા તેમના બહેન ઇન્દુબહેન અમદાવાદ દોડી આવેલા. સગાં-સબંધી-મિત્રો-પરિચિતોના માત્ર એક-એક પ્રતિનિધિ ગણીએ તો ય તેમનો રૂમ એકદમ ભર્યો-ભાદર્યો. બધાને તેમની સાથે કંઈક વાત કરવી હતી. પરીક્ષાની તૈયારી કરતી પાડોશીની છોકરી પણ તેની દાદી સાથે આવીને બે ઘડી વસુબહેનને વહાલ કરી ગઈ, એમ કહીને કે તમને મળ્યા વગર વાંચવામાં મન નહોતું લાગતું.
પાડોશીની દીકરી : તમને મળ્યા વગર વાંચવામાં મન નહોતું લાગતું |
હોસ્પિટલમાંથી રજા મળ્યે કલાકો જ વિત્યા હતા. લાંબી વાત થઈ શકે એવી કોઈ ગુંજાશ નહોતી. છતાં બહેન ઇન્દુબહેન પાસેથી થોડી વિગતો મેળવી શકાઈ – વાત થઈ શકી. પરિવારની વિગતો આપતા તેમણે જે જણાવ્યું એ પ્રમાણે.....
વતન અમદાવાદ અને મોસાળ જંબુસર-ભરૂચ પાસેનું આમોદ ગામ પણ જન્મ વડોદરામાં થયેલો. કારણ પિતા રામપ્રસાદ બાલકૃષ્ણ શાસ્ત્રી સયાજીરાવ ગાયકવાડના પોલીટીકલ સેક્રેટરી હતા. મનુભાઈ દિવાન અને વી.ટી. કૃષ્ણામાચારી જેવા એ સમયના જાણીતા વહીવટદારો સાથે તેમણે કામ કરેલું. માતાનું નામ સરસ્વતીબહેન. બે ભાઈઓ (શરદકાન્ત –મહેન્દ્ર) અને ચાર બહેનો (સૂર્યબાળા, મધુ, વસુ અને ઇન્દુ)ના પરિવારમાં વસુબહેનનો નંબર પાંચમો. શરદભાઈ (હાલ સ્વર્ગસ્થ) વેપાર તરફ વળ્યા હતા તો મહેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના ડ્રગ કન્ટ્રોલર હતા અને અધિકારી તરીકે ખૂબ લોકપ્રિય હતા. હાલ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળે છે. ઇન્દુબહેન અને વસુબહેને આજની બી.એ. સમકક્ષ ગણાય તેવી ગૃહિતા ગમા – જી.એ.ની ડીગ્રી મહર્ષિ કર્વેએ સ્થાપેલી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી કોલેજમાંથી મેળવી હતી. આજે એ કોલેજ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. મધુબહેન વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. જો કે જિંદગીના અંતિમ વર્ષોમાં અમદાવાદ આવી ગયા હતા અને અહીં જ અવસાન પામ્યા. ઇન્દુબહેન એ.સી.સી. કંપનીની મુંબઈ ઓફિસમાં તેત્રીસ વર્ષ કામ કર્યા પછી હાલ નિવૃત્ત જીવન ગાળે છે.
બે બહેનો : વસુ અને ઇન્દુ |
વડોદરામાં ભણતર પૂરું કર્યા પછી વસુબહેને પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદની રાવ મગનભાઈ કરમચંદ સ્કૂલમાં સ્વીકારી. એ અણગમતી નોકરી હતી એટલે એમાંથી છૂટવા જ તેમણે 1949માં આકાશવાણીની / All India Radio નોકરી સ્વીકારી. વડોદરા – રાજકોટ – મુંબઈમાં વિવિધ પદો પર કામ કરતાં છેલ્લે નિયામકપદેથી અમદાવાદમાં નિવૃત્ત થયા. આકાશવાણીની નોકરી દરમિયાન રાજકોટમાં ફરજ બજાવતા તેમની સાથેનો એક પ્રસંગ ‘વિનોદની નજરે’માં આ રીતે આલેખાયો છે.....ઓવર ટુ.....રાજકોટ.....
ચોર-શાહુકાર વચ્ચે પણ તેમને મન ઝાઝો ફરક નથી. વચ્ચે રાજકોટના તેમના મકાનમાં ચોરી થઈ. ચોર પકડાયો. વસુબહેનને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યાં. તેર-ચૌદ વર્ષના ચોર છોકરાને જોઈને આશ્ચર્યથી તેમણે પોલીસને પૂછ્યું, ‘આટલા નાના છોકરાએ ચોરી કરી?’ પછી એ છોકરાના બરડા પર સ્નેહથી હાથ ફેરવી તેને પોતાની પાસે બેસાડવા માંડ્યાં. પોલીસે તેમને રોકતાં કહ્યું : ‘ચોરને તમારી સાથે ખુરસીમાં ના બેસાડાય. તે ચોર છે એવું તેને લાગવું જોઇએ......’
પણ પોલીસની વાત પર બહુ ધ્યાન ન આપતાં ચોર સાથે તેમણે પ્રશ્નોત્તરી શરૂ કરી : ‘દોસ્ત, મારું ઘર તને કેવું લાગ્યું?’
‘શોભાવાળું...’
‘મારા શો-કેસમાં પડેલી બેલ્જિયમની કીમતી ક્રોકરી તેં કેમ ના લીધી?’
‘કાચની ચીજો હાથમાંથી છટકીને ફૂટી જાય તો અવાજ થાય ને આજુબાજુવાળા જાગી જાય તો પકડાઈ જવાય...’
ત્યાર બાદ વસુબહેને પોલીસને કહ્યું : ‘મારું કશું ચોરાયું હોય એવું નથી લાગતું.’ ત્યારે ચોરે સામેથી શાહુકારી બતાવી : ‘હોય બહેન! તમારા ગળાની ચેઇન ચોરીને મેં સોનીને ત્યાં વેચી નાખી છે.’
ને ચોરની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને તેમણે તેને આમંત્રણ આપ્યું : ‘તું છૂટે એટલે મારા ઘેર, હું હોઉં ત્યારે આવજે...આપણે સાથે ચા પીશું.’
આ વસુબહેનને મન ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે...
હા, આજે ત્રીસ વર્ષ પછી પણ તેમની એ ભાવનામાં કોઈ ફરક પડ્યો નથી. ના જ પડ્યો હોય ને એ તો. કારણ તેમનું નામ વસુબહેન છે. ચોરને આપ્યું હતું એવું જ આમંત્રણ તેમણે મને પણ આપ્યું હતું. મૂળ તો રજનીકુમાર પંડ્યા વતી કોઈ કામે તેમના ઘરે એકથી વધુ વાર મારી અવર-જવર થતી રહેતી. મને કહે, ‘પ્રભુ, તારે આવતા-જતા રહેવું. વાતો કરીશું. મઝા પડશે.’ જો કે અમદાવાદની અડાબીડમાં એવો વખત કદી આવ્યો નહીં. પણ સમય મળ્યે ચાર-છ મહિને ઘરે મળી તેમના ક્ષેમકુશળ પૂછી લેતો. ઘરમાં કદી એકલા ન હોય. દરબાર ભરેલો જ હોય. શક્ય છે આ દરબારી માહોલને કારણે જ કદી વન-ટુ-વન વાત કરવાનું ન બન્યું કે જેથી તેમનો કોઈ આલેખ કરી શકાય.
આકાશવાણી સાથેના તેમના એકાધિક સ્મરણો છે. તેમની સાથે કામ કરી ચુકેલા લોકો પાસે પણ પ્રાસંગિક સંસ્મરણો છે. ન હોય તો જ નવાઈ. ઇન્દિરા ગાંધી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યા હોય તેવો તેમનો એક ફોટો આલબમમાં જોયો હતો. બન્ને એકસરખાં ઠસ્સાદાર લાગે. ફ્રેમમાં એક પણ પોલીસ દેખાતો ન હોય તેવો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં વસુબહેન ઊભા હોય તેવો ફોટો એટલા માટે યાદ આવે કે આજે સલામતીના નામે વડાપ્રધાનના ચોકિયાતોને પણ ચાલીસ ફીટ દૂર ઊભા રાખવામાં આવે છે.
વસુબહેન, ઇન્દિરા ગાંધી અને સત્યવતીબહેન શાહ વડાપ્રધાનના નિવાસસ્થાને, દિલ્હી |
તેમનો ખૂબ સમૃદ્ધ ફોટો આલબમ આજે વેરવિખેર છે. ખપના – ઉપયોગના છે એમ કહી કેટલાય લોકો ફોટા લઈ ગયા છે જે પરત આવ્યા નથી. સ્મૃતિલોપને કારણે હવે વસુબહેનને પણ ફોટા લઈ જનારના નામ યાદ નથી. વચ્ચે એક નમૂનો તેમને એવો ભટકાયો કે ફોટા સ્કેન કરવાના નામે આલબમમાં ચોંટાડેલા ફોટા ઉખાડી-ઉખાડીને લઈ ગયો. એ ફોટા પાછા આવ્યા પણ ન આવ્યા બરાબર.
આકાશવાણીમાંથી નિવૃત્ત થઈને વસુબહેન મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. રાજ્ય સરકારે રચેલા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના પહેલા અધ્યક્ષપદે તેમની નિમણૂક થઈ હતી. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના તેઓ આજીવન પ્રમુખ છે. ઢળતી વયે ઘરમાં બકુલાબહેન તેમની દેખભાળ રાખે છે. વસુબહેનના એ જુના સાથીદાર છે. એટલા જુના કે હવે તેમની પણ અવસ્થા થવા આવી છે.
ઘરમાં ઘડિયાળના કાંટે સાથ આપતા બકુલાબહેન |
સાજે – માંદે હવાફેર કરવા વસુબહેન સૂર્યબાળાબહેનના દીકરા ભાણેજ આશુતોષભાઈ – વંદનાબહેન (શીવકુમાર જોશીના દીકરી)ના પરિવાર સાથે જઈને રહે છે. હા, જ્યાં જાય ત્યાં મહેફિલ જમાવીને બેસે. વાતોનો મેળો કરે. એનું જ નામ તો વસુબહેન.
આંગણે આવેલાની દરકાર: " હું ન મળું તો સંદેશો જરૂર લખજો " |
( નોંધ: પોસ્ટમાં રંગીન ટેક્સ્ટ 'વિનોદની નજરે' પુસ્તકમાંથી.
રંગીન તસવીરો : બિનીત મોદી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સૌજન્ય : વસુબહેન)
Kyaa baat hai. I will have to read her books now. Thanks for sharing.
ReplyDeleteઆ નવા મિત્ર વસુબેન ને મળીને ઘણી જ ખુશી થઈ. આ લેખની અંતિમ લાઇન મને ખૂબ ગમી" હું ન મળું તો સંદેશો જરૂર મુકશો."
ReplyDeleteનવી વ્યક્તિ સાથે પરિચય કરાવવા બદલ આભાર.
wah bhai wah ...ru - b - ru malya jevu lakhyu .
ReplyDelete-chandrashekhar vaidya .
Thanks Binit ji for this information.
ReplyDeleteI was very lucky when I met Vasubahen at her residence in November 1994; She hinted me that "do not take tea without some eatables" and she offered me some biscutes. I never forget her sweet words. I first seen her at All India Radio, Surat in 1994. She says someone her jamai as 'Dasmo jam', how fun and humor she share! Wishing her Best Wishes and Vasant jevu khiltu health. Pranaam
સુંદર પોસ્ટ
ReplyDeleteસરસ થયું છે. ફોટા પણ સરસ છે. તારી સ્ટાઇલના.
ReplyDeleteવરસો પહેલાં આકાશવાણી રાજકોટ પર સાંભળેલા...કદાચ રાજકોટ સ્ટેશન રીલે પણ કરતુ હોય......પણ વસુબહેનના અવાજની ખુમારી બહુ ગમતી.....સમાચાર લક્ષી કોઈ પ્રોગ્રામ હતો......માહિતી જાણીને આનંદ થયો......ઈશ્વર તેમણે સ્વસ્થ અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાથર્ના.....
ReplyDeletei have heard the name of VASUBAHEN but today i read much about the legend & i impressed. after all NARISHAKTI is blesses of god. iwish her healthy life..& long live with same stemina..
ReplyDeleteVasubahen visheno taro aa lekh kharekhar khoob j saras chhe......
ReplyDeleteCongratulation.
Ramesh Tanna (Ahmedabad)
આભાર બિનીતભાઈ,
ReplyDeleteવસુબહેન ખૂબ મોટાં માણસ, મળવા જેવાં માણસ, સાચૂકલાં માણસ.
સસ્નેહ,
વિપુલ કલ્યાણીનાં વંદન
(હેરો, મિડલસેકસ, બ્રિટન)
મોદી, મજા પડી. આકાશવાણીમાં એમના કિસ્સા બહુ સાંભળ્યા છે. આ લેખ વાંચીને નક્કી કર્યું કે, હવે અમદાવાદ આવું એટલે તેમને મળી આવીશ.
ReplyDeleteઆભાર....
- અભિષેક
તેમને અમદાવાદમાં સાંભળવાનો લ્હાવો માણ્યો છે.
ReplyDeleteએમનો ટૂંક પરિચય ...
http://sureshbjani.wordpress.com/2007/04/04/vasuben_bhatt/
Very Nice Binitbhai....
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની ચોથી પોસ્ટ (23 માર્ચ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
વસુબહેન વિશે વાંચ્યા પછી થોડા મિત્રોએ તેમને રૂબરૂ મળવાની ઇચ્છા બ્લોગના માધ્યમથી વ્યક્ત કરી કે ફોન દ્વારા તેમની ક્ષેમ-કુશળતાના ખબર પૂછ્યા તેનો આનંદ છે.
રેડિયો જેવા જમાના જૂના સબળ માધ્યમ સાથે જોડાયેલા વસુબહેન માટે બ્લોગ જેવા આધુનિક માધ્યમમાં લખી તેમની હયાતીની નોંધ લેવાના આશયે આટલું લખ્યા પછી રેડિયો સ્ટેશનના તેમના સમકાલીનો – પરિચિતો એવા રણજીતભાઈ ભટ્ટ, વીનેશ અંતાણી, તુષાર શુક્લ અને સાદિક નૂર પઠાણનો સંપર્ક થયો.
આ સિવાય પણ ઘણા લોકો વસુબહેનના વાત-સંભારણાઓથી સમૃદ્ધ છે. એ સઘળું લખાય તો ચં.ચી. મહેતાના ‘રેડિયો ગઠરિયાં’નો ભાગ બીજો વસુબહેનના નામે મળે એ નક્કી.
લેખ વાંચીને મારા પપ્પા પ્રફુલભાઈ મોદીએ યાદ કર્યું કે પચીસ વર્ષ અગાઉ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલા કાર્યક્રમ ‘ત્વમેવ મા સર્વમ્’નું ઘરે બેઠા સાંભળતાં કેસેટ રેકોર્ડીંગ કર્યું હતું. વસુબહેને જેની સ્ક્રીપ્ટ લખી નિર્માણ કર્યું હતું તેવા એ કાર્યક્રમને રેડિયો પર સાંભળતી વખતે જ રેકોર્ડ કરી લેવાની એ સમયે નવી ગણાતી સુવિધાનો લાભ લેવાનો – વાપરવાનો મારા માટે પણ પહેલો અનુભવ હતો.
અભિષેક શાહ (આકાશવાણી કેન્દ્ર, વડોદરા) – તારે તો વસુબહેનને મળવું જ પડશે. મને લાગે છે તું અમદાવાદ આવી જાય તો આગળ લખ્યું છે તેમ ‘રેડિયો ગઠરિયાં’ના બીજા ભાગનું કામ થાય ખરું.
ફરીથી સૌ મિત્રો અમદાવાદના ઋતુલ જોશી – ચંદ્રશેખર વૈદ્ય – ઉર્વીશ કોઠારી – હિતેન ભટ્ટ અને રમેશ તન્ના, ભાગ્યેન્દ્ર પટેલ, નરેશ ભાવસાર, કૃતિ જાની, અમેરિકાના સુરેશભાઈ – પૂર્વીબહેન મલકાણ, વિપુલભાઈ કલ્યાણી (બ્રિટન)નો આભાર.
બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 23 એપ્રિલ 2012
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર્ષ પૂર્ણ થયું.
ચોથી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 23-03-2012 to 23-03-2013 – 780
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય બિનીત,
ReplyDeleteઆભાર પ્રિય પ્રભુ વસુબેન વિશે લખવા બદલ.
તેમને યાદ હશે કે કેમ મને ખબર નથી. પરંતુ વરસો પહેલાં, રેડિયો નિયમિત સાંભળતાં મારાં બાને તે ખુબ ગમતાં. વિનોદભાઇએ ઓળખાણ કરાવેલી. પછીની મુલાકાતમાં બા વિશે વાત કરી અને તેમને યાદ કરે છે એમ પણ કહ્યું હતું. તે પછી ઠેઠ ૧૯૯૨માં બાના અવસાન સુધી, કોઇપણ કાર્યક્રમમાં હું તેમને મળું, ત્યારે મારે કહેવાનું “હું સલિલ” અને એ અચૂક કહેતાં,“બાને યાદ આપજે”.
ફરી મળું ત્યારે મારી આદરપૂર્ણ યાદ જરૂર પાઠવજે.
-સલિલ
સૌ પ્રથમ એમની કલમનો આસ્વાદ સ્કૂલમાં ભણતા ત્યારે એમની લખેલી વાર્તા 'જમાના પ્રમાણે' દ્વારા માણ્યો હતો, જે આજે વીસ વર્ષ પછી પણ યાદ છે. વસુબહેન એટલે વસુબહેન.
ReplyDeleteઅયાઝ દારૂવાલા (ગ્રાફિક આર્ટિસ્ટ - ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ, અમદાવાદ)
(Post Re-shared on 26 May 2013 : Response through FACEBOOK, 27 May 2013)
.....અને એ પછી પણ એમ.જે. લાઇબ્રેરીના બાળ - કિશોર વિભાગના વાચક તરીકે 1991 - 1994 / 95 સુધી એમને જજ તરીકે, વક્તા તરીકે જાણવા-માણવાની તકો વિપુલ માત્રામાં પ્રાપ્ત થયેલી.
ReplyDeleteઅયાઝ દારૂવાલા (ગ્રાફિક આર્ટિસ્ટ - ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ, અમદાવાદ)
(Post Re-shared on 26 May 2013 : Response through FACEBOOK, 28 May 2013)
Binitbhai tame vasuben vishe laki ne mane bhutkal na ek prasang ni yad apavi didhi tyare vasuben chief guest hata ane hun host -temano parichay aapta chellu vakya amare ej kahevu padelu ke' vasuben etle vasuben etla vasuben j' thank you for sharing.
ReplyDeleteDear BinitBhai,
ReplyDeleteYou took me down memory lane through this post. I clearly remember when I was in primary school while going to noon school from my home invariably on Monday - Wednesday @ 12:00 Noon on All India Radio; Mumbai her program for women 'Mahila Mandal' (મહિલા મંડળ) used to aired & on those days in All Gujarati Home if its Monday or Wednesday & if its 12:00 Noon, without fail only one program will be listen i.e. Mahila Mandal (મહિલા મંડળ) whose presenter were 'VASUBEN'. Thanks for taking me down memory lane. I am enjoying all your post.
Sunil Vora (Mumbai)
વિનોદ ભટ્ટે આપેલા પરિચય મુજબ સુશ્રી વસુબહેન વસુબહેન વસુબહેનને રુબરુ મળવાનું સદભાગ્ય તો નથી મળ્યું,પણ આ ખૂબ સરસ લેખ અને ફોટાઓ દ્વારા તેમના સરળ-સહ્રદય-જીવનલક્ષી અભિગમ અંગેનો તેમનો સંદેશો તો જરૂર મળી ગયો!અભિનંદન, બિનીતભાઈ!
ReplyDelete-યોગેશ ભટ્ટ.
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગ પ્રારંભના 555મા દિવસ (1 સપ્ટેમ્બર 2013) અને 77 પોસ્ટના મુકામ પર આ ચોથી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.
મને લાગે છે લખાણનો ફાળો તો નાનો સૂનો હશે પરંતુ વસુબહેન કોઈ પણ પેઢીના ગુજરાતી વાચકવર્ગમાં આજે 2013માં પણ લોકપ્રિય હોવાની આ વાચકસંખ્યા એ મોટી નિશાની છે.
બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 1 સપ્ટેમ્બર 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteચોથી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 23-03-2013 to 23-03-2014 – 260
બિનીત મોદી (અમદાવાદ)
Very fine Binitbhai ,walking in the down memory lane with Vasubahen ,very grateful experience too with my work in Doordarshan kendra Ahmedabad also indeed she is a super women.
ReplyDelete