પરદેશથી આવતા પ્રવાસીઓ જેને ‘વોલ્ડ સિટી’ / Walled City, Ahmedabad તરીકે ઓળખે છે તે જૂના અમદાવાદનો માણેકચોક વિસ્તાર નાની-મોટી અનેક દુકાનોથી
ભરચક છે. એ બધાની વચ્ચે અહીં પથરાયેલા ચાર પ્રકારના બજારનું વિશેષ મહત્વ છે. એક –
રતનપોળનું કાપડ અને સોના-ચાંદી બજાર, બીજું – ફર્નાન્ડિઝ બ્રીજ
નીચેનું નવા-જૂના શૈક્ષણિક પુસ્તકોનું બજાર, ત્રીજું – ઘરવપરાશનાં ઇલેક્ટ્રિક સાધનોનું બજાર અને ચોથું – રોજ રાત્રે
માણેકચોક મધ્યે જામતું ખાણી-પીણી બજાર.
શહેરના વિકાસ સાથે આ તમામ બજારો પશ્ચિમ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ વિકસ્યા
છે. એ સૌની વચ્ચે એક બજાર એવું છે કે જેનું મહત્વ વિશેષપણે આજેય ટકી રહ્યું છે. એ
છે રતનપોળનું – માણેકચોકનું / Ratanpol – Manekchowk, Ahmedabad સોના-ચાંદી બજાર. તેના પાયામાં અહીં આવતા ગ્રાહકોએ વેપારીઓમાં મૂકેલો વિશ્વાસ
છે અને વિશ્વાસનું મૂળ શતાબ્દી અગાઉ સ્થાપવામાં આવેલા ધરમકાંટામાં છે. ઘરેણાં ઘડામણના
વ્યવસાયમાં રત અખાની સગી બહેને ભાઈ પાસે ઘડામણ કરાવ્યા પછી અવિશ્વાસ મૂક્યો અને
ટાંચન કરાવ્યું હતું તે જાણીતી વાત છે. એ ઘટના પછી જ્ઞાનમાર્ગે વળેલા અખાએ છપ્પા
રચીને અખા ભગતના / Akho Bhagat નામથી ગુજરાતી ભાષા-સાહિત્યમાં / Gujarati Literature નામના મેળવી.
આ પ્રકારની અવિશ્વાસની ઘટના ભાઈ-બહેન સિવાયના અન્ય સંબંધોમાં પણ ઘટી હશે એવું
અનુમાન લગાવી શકાય. જો કે એવો અવિશ્વાસ વેપારી-વેપારી વચ્ચે ન ઉદ્દભવે તે વાતનું
ધ્યાન પણ વીસમી સદીના પ્રારંભે એક ઘડવૈયા-કમ-વેપારીએ જ રાખ્યું હતું. એમનું નામ
પરસોતમદાસ કીકાશા ચોક્સી.
અસલનો ધરમકાંટો |
કંકોડી ગામના વતની અને માણેકચોકની જગ્યામાં ઘરેણા ઘડીને વેચવાનું કામ કરતા
પરસોતમદાસે અંગ્રેજી વર્ષ 1896માં ધરમકાંટાની સ્થાપના કરી
હતી. અમદાવાદના ઇતિહાસનું આલેખન કરતા એકવીસમી સદીમાં પ્રકાશિત થયેલા અડધો ડઝન
પુસ્તકોમાં જેનો ઉલ્લેખ સુદ્ધાં જોવા-વાંચવા મળતો નથી તેવા ધરમકાંટાના
સોના-ચાંદીના વેપાર અને બજારમાંની તેની ભૂમિકા વિશે વિગતે વાત કરતાં શ્રી ચોક્સી
મહાજન – અમદાવાદના પ્રમુખ હર્ષવર્ધન ચોક્સીએ જણાવ્યું કે, ‘ધરમકાંટો આવ્યો તે પહેલાં બજારમાં વિનિમય પદ્ધતિએ / Barter System વેપાર થતો હતો. રોજબરોજના વ્યવહારમાં નાણાનું ચલણ વધ્યું તે સાથે ભરોસો ઘટતો
ગયો. આમ થવાનું બીજું કારણ તે ઓગણીસમી સદીના અંતિમ દાયકાનો સમય એવો હતો કે
જર-ઝવેરાત જેમનો મૂળ વ્યવસાય નહોતો તેવા લોકો પણ આ ધંધામાં દાખલ થવા લાગ્યા. એ
સમયે સોના-ચાંદી જેવી મોંઘી જણસ ખરીદનાર અને તેના વેચનાર વચ્ચે પરસ્પર વિશ્વાસનું
વાતાવરણ કેળવાય તે માટે કોઈ તટસ્થ વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી બની ગયું હતું.
સોના-ચાંદીની શુદ્ધતાની ખાતરી થાય તે માટે ટાંચનની પદ્ધતિ હતી પરંતુ તોલમાપમાં
છેતરપિંડી ન થાય એવો વિશ્વાસ આપતી કોઈ પદ્ધતિ અમલમાં નહોતી.’
આ સમયગાળામાં સોનીબજારની શાખ જાળવી રાખવા જેમણે પહેલ કરી તે પરસોતમદાસ કીકાશા
ચોક્સી અને તેમની પહેલનું પરિણામ એટલે આજનો આ ધરમકાંટો.
નવી વ્યવસ્થાના પ્રારંભે અહીં વજન કરાવવા આવનારે કશું જ ચૂકવવું પડતું નહોતું.
એ શરૂઆત બહુ મોડી થઈ. બજારમાંના આગેવાન વેપારીઓ ધરમકાંટો સંભાળનાર વ્યક્તિનો
ઘરખર્ચ નીકળી રહે તેનું ધ્યાન જરૂર રાખતા. આજે સો ઉપરાંત વર્ષ વીતી ગયા પછી અસલનો
પરંપરાગત ધરમકાંટો વપરાતો બંધ થયો છે. તેનું સ્થાન ઇલેક્ટ્રોનિક વજનકાંટાએ લીધું
છે જે ડિજિટલ પદ્ધતિએ એક ગ્રામના હજારમાં ભાગ સુધીનું વજન દર્શાવી આપે છે.
‘ધરમકાંટો’ સંભાળનાર વ્યક્તિ હવે ચોક્સી મહાજનનો પગારદાર કર્મચારી બની છે.
ઘરેણા ગાળીને મેળવાયેલા ‘રૂપા’નું વજન |
એ રીતે ધરમકાંટાનું સંચાલન કરતા અમરીશ રાણા માણેકચોકના સોના-ચાંદી બજારમાં કામ
કરવાનો પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, ‘જર-ઝવેરાતનો વેપાર કરતી
આજની પાંચમી પેઢીએ તો પરંપરાગત એવો જૂની ઢબનો ધરમકાંટો વપરાતો જોયો પણ નથી. 1995 પછી ડિજિટલ વેઇટ મશીન આવી ગયા.’ ધરમકાંટાની સ્થાપનાના બરાબર સો વર્ષે આવેલો આ
મોટો ફેરફાર હતો. તોલમાપના જૂના કાંટાને ચોક્સી મહાજનની ઑફિસના એક ખૂણે આરામ
ફરમાવવા સારુ જગ્યા મળી છે ખરી.
મોંઘી જણસનું
વાજબી ભાવપત્રક...અને...
|
વજન કરાવવા આવનારે એક ગ્રામથી લઈને પાંત્રીસ કિલોગ્રામ ચાંદી / Silver માટે અને એક ગ્રામથી લઈને એક કિલોગ્રામ સોનાનું / Gold વજન કરાવવા માટે પાંચ રૂપિયાથી પચીસ રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.
ક્લાયન્ટને આપવામાં આવતી ત્રણ કાઉન્ટરફોઇલ ધરાવતી પહોંચમાં તારીખ-વાર અને દાગીનાની
સંખ્યા સાથે વજન લખ્યા પછી બે નકલ ગ્રાહકને આપવામાં આવે છે. ત્રીજી નકલ મહાજનના
રેકર્ડ પર રહે છે. આ વ્યવસ્થામાં દાગીનાના પ્રકાર સાથે ઝાઝી લેવા-દેવા નહીં હોવાના
કારણે પહોંચમાં માળા, મંગળસૂત્ર, બંગડી કે બુટ્ટી એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી.
...ભરોસાની પહોંચ |
વિવાદી સંજોગો કે કાયદાકીય ગૂંચવણ ઉદ્દભવવાના સમયે પોલીસ અને કૉર્ટ શ્રી
ચોક્સી મહાજન સંચાલિત ધરમકાંટાની પહોંચને માન્ય ગણે છે. સોના-ચાંદીના કીમતી જથ્થા
સાથે રસ્તે પસાર થતી વ્યક્તિ પાસે આ પહોંચ હોય તો જડતી લેનાર કે તપાસ કરનાર પોલીસ
જે તે વ્યક્તિને શંકાથી પર ગણે છે.
શુદ્ધતાનો ‘999’નો માર્કો ધરાવતા
ચાંદીના ચોરસાનું વજન
|
મુખ્યત્વે ચોક્સી બજારના વેપારીઓ વચ્ચે જ ઉપયોગમાં લેવાતી ધરમકાંટાની વ્યવસ્થા
હરકોઈ માટે ખુલ્લી છે. આપને પણ તેનો ખપ પડે તો સરનામું છે – જૂના શેરબજાર પાસે, માણેકચોક, અમદાવાદ.
(તસવીરો
: બિનીત મોદી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 90મી પોસ્ટ (23 ડિસેમ્બર 2013)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 31 ડિસેમ્બર 2013
waah.... 'prateek' ma deergh-ee kari te bahu gamyu.
ReplyDeleteabhinandan.
kavi prakash 'jalal'
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા ત્રણ વર્ષ પૂર્ણ થયા.
90મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 23-12-2013 to 23-12-2014 – 240
બિનીત મોદી (અમદાવાદ)