
“બીજો માળ, બાવીસ નંબર...તારક મહેતાને ત્યાં...”...આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું.
“ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી.
* * * * * * *
2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને ‘પદ્મ શ્રી’ સન્માન મળી રહ્યાની સત્તાવાર જાહેરાત થઈ. સમાચાર સાંભળીને સગાં – સંબંધી – વાચકો – ચાહકો એમ અનેકના શુભેચ્છા ફોન આવ્યા. દરેકને તેમણે સાંભળ્યા અને પ્રતિભાવ આપ્યો. એ જ પરંપરામાં અમેરિકા વસતા જમાઈ ચંદુ (કવિ ચંદ્રકાન્ત શાહ)નો પણ ફોન આવ્યો.
“દદ્દુ પદ્મ શ્રી સન્માન મેળવવા દિલ્હી જશોને?” એમ ચંદુભાઈએ પૂછ્યું.
“બિનીત અને શિલ્પા સાથે આવતા હશે તો જાડી સાથે જવાની હિંમત કરીશું.” તારકભાઈનો જવાબ.
તેમનો આ જવાબ સાંભળીને દીકરી – જમાઈ ઇશાનીબહેન – ચંદુભાઈએ અમેરિકા રહ્યે એર ટિકિટોનું બુકીંગ મેળવ્યું અને અમારી ટોળી પહોંચી દિલ્હી...રાષ્ટ્રપતિ ભવનના દરવાજે. અઠવાડિયું દિલ્હીમાં સાથે રહ્યા. દરબાર ભવનમાં આયોજિત થતા પદ્મ સન્માનના મુખ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા, દિલ્હીમાં ફર્યા અને લેખકથી વિશેષ...મનગમતા માણસ સાથે રહીને અમે પતિ – પત્નીએ મઝા કરી.
પ્રિય લેખકને મનગમતા માણસ બનાવવાની આ શરૂઆત કેવી રીતે થઈ?
પાંચ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2011ના રોજ ‘ભાઈ’બંધ બીરેન કોઠારીના બ્લોગ પૅલિટ / Palette પર તારકભાઈના 83મા જન્મદિન નિમિત્તે જે વિસ્તૃત પોસ્ટ લખી તેનું જ આ રી-રન ઉપરના બે ડાયલૉગ સાથે અને થોડા ફેરફાર સાથે રજૂ છે. પ્રારંભે કૌંસમાં બીરેન કોઠારીની ટૂંકી નોંધ છે.
(તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)
* * * * * * *

દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ‘ચિત્રલેખા’ વાંચવાનું અનિયમિત થયું, પણ ‘ઊંધા ચશ્માં’વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી.
એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ‘ચિત્રલેખા’ના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,‘હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી.’ દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું.’ આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.

મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’ / Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

[caption id="attachment_48433" align="alignleft" width="150"]

મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે, ‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ.’ ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું, ‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. ’સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.
જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે, ‘કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!’
જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું, ‘ક્યારે આવવાનું ફાવશે?’ મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં...કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, ‘કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું.’ તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.
એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ / Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ‘ગલ્ફ ન્યુઝ’ / Gulf News ના મેનેજરપદે હતા.

દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.
[caption id="attachment_48435" align="aligncenter" width="300"]

મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે ‘લાઇન ઓફ એક્શન’ની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.
લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.
લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું, ‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે.’ મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે ‘મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ.’ આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ‘ભત્રીજા’નો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ‘ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે.
[caption id="attachment_48434" align="aligncenter" width="300"]

ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ‘ઉત્સવ હોટલ’ના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ‘ના’ પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી,મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.

પ્રારંભે જેમનો ઉલ્લેખ છે તે ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા ‘રેવડી દાણાદાણ’ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.

રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, ‘મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા.’ આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, ‘યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.’
[caption id="attachment_48437" align="aligncenter" width="300"]

ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, “મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે.” 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' / Tarak Mehta Ka Ooltah Chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નહીં અને સહજતાપૂર્વક તેને સ્વીકારતા રહ્યા.
[caption id="attachment_48441" align="aligncenter" width="300"]

1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને પાછલા પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા. ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે. એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.
હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.
2008માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘નવભારત’ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે. પ્રતિકૂળ તબિયત, સંજોગોને અવગણીને પણ પાછલા વર્ષોમાં તેમણે તેમના પ્રવાસના શોખને પુનઃર્જીવિત કર્યો. એંસીમાં વર્ષ નિમિત્તે વાચકો – ચાહકો – સ્વજનો સમક્ષ જાહેર કરેલા ‘દેહદાન’ના સંકલ્પનો સ્વજનોએ અમલ કરવો પડે તે દિવસ આવી પહોંચ્યો...બુધવાર 1 માર્ચ 2017ની સવારે તારકભાઈ પોતે જ બનાવેલો માળો છોડી ગયા.
(તસવીરો : અંગત સંગ્રહ તેમજ નેટ પરથી)
ખૂબ સરસ સ્મરણાંજલિ.
ReplyDeleteખૂબ લાગણીશીલ અને અતિ ભાવવાહી લખાણ.
ReplyDeleteઅદભુત.....
ReplyDeleteબિનિતભાઈ, આવા 'મહાત્મા' સાથેના સંબંધોની ગૂંથણીનું ખૂબ જ હ્રદયસ્પર્શી અને છેલ્લે તો ખરેખર સાવ રડી પડાય તે રીતનું વર્ણન છે.
ReplyDeleteહંમેશાની જેમ અદભૂત
ReplyDeleteશ્રી તારકભાઈ મહેતાની ભાવાંજલીને આપે જે રીતે આલેખી તે માટે આપને સલામ.
ReplyDelete