પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, August 31, 2016

સો શ્રોતાઓ સારુ ચાર વક્તાઓ : જાહેરજીવનના મશાલચી ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ


ચંદ્રકાન્ત દરુની શતાબ્દી સ્મૃતિ નિમિત્તે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમનો અહેવાલ (કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ / http://binitmodi.blogspot.in/2016/08/blog-post_13.html) વાંચ્યા પછી તે નિમિત્તે થયેલા ચાર વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોએ આપેલા વક્તવ્યોનો આ સાર માત્ર છે જેમાં બહુમતી વાતોનો સમાવેશ થઈ જાય છે.

ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi
ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi – કાયદાશિક્ષણના નિષ્ણાત, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર

જીવિત વ્યક્તિઓની સાથે-સાથે આ દુનિયામાં જેમની હયાતી નથી તેવા લોકોના માનવ અધિકારોનું / Human Rights પણ સન્માન થવું જોઇએ તેમ હું માનું છું. સાથે-સાથે એમ પણ માનું છું કે માનવ અધિકારોની કોઈ ચોક્કસ સ્ક્રીપ્ટ ન હોવી જોઇએ. કદાચ આ માન્યતામાં શ્રદ્ધા હોવાના કારણે જ હું દરુને યાદ કરવા અહીં સુધી આવી પહોંચ્યો છું. એકલો પડી ગયેલો મૃતાત્મા ખુદના માટે આંસુ સારે તે પહેલા યોગ્ય સમયે તેને યાદ કરી લેવો જોઇએ તેમ પણ હું માનું છું. સ્ત્રી-પુરૂષ તેવા કોઈ ભેદ ન જોતો હું આપ સૌને માટે ‘જેન્ટલ પર્સન્સ’નું સંબોધન કરીને મારી વાત હિન્દી-અંગ્રેજી-ગુજરાતીમાં આગળ વધારું છું. સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હતો ત્યારે ટીચર્સ યુનિયનમાં સક્રિય એક ભાઈ મારા લેક્ચર્સના કાયમી શ્રોતા હતા. મેં તેમને પૂછ્યું હતું કે તમે શું કામ મને સાંભળવા આવો છો? તેમનો જવાબ હતો કે ‘તમે બહુ ફની ગુજરાતી બોલો છો એટલે.’

માનવ અધિકાર વિશે મેં પુસ્તક લખ્યું છે અને તે સંદર્ભે વાંચેલા પુસ્તકનું પહેલું વાક્ય કંઇક આવું હતું – ‘માનવ અધિકારોનું કોઈ ભવિષ્ય નથી.’ તેમાં લોકોના સત્તા સાથેના સંઘર્ષની પણ વાત હતી. યાદશક્તિનો ભૂલી જવાની ટેવ સાથેનો સંઘર્ષ. મારા મતે સત્તા એટલે બીજું કંઈ નહીં પણ લોકોની યાદશક્તિને ફરીથી ગોઠવી જાણવાની – તરફેણમાં કરી જાણવાની શક્તિ. શું યાદ રાખવાનું છે અને શું ભૂલી જવાનું છે તે શીખવાડે તેનું નામ સત્તા. ઘા અને જખમ વચ્ચે ફરક છે. રાજકારણના બે પ્રકાર છે – સત્તાનું અને માનવ અધિકારનું, ત્રીજો પ્રકાર છે – માનવ અધિકાર માટેનું રાજકારણ. ચંદ્રકાન્ત દરુ માનવ અધિકારના લડવૈયા હતા. એવા લડવૈયા જે સત્તાને સત્ય કહેવાની હિંમત ધરાવતા હતા. અને એટલા માટે જ આજે અહીં હું અમદાવાદમાં તેમને યાદ કરવાની સ્મૃતિસભામાં આવ્યો છું. થાક્યા વગર કામ કરવા માટે દરુ જાણીતા હતા.

મનરેગા જેવી સરકારી યોજનાઓથી ભારતના છેવાડાના માનવીનું દળદર ફીટવાનું નથી. હા, સમય જતાં આવી યોજનાઓના લાભાર્થી જ ન રહેગા, ન મરેગા. બંધારણ ઘડાયાના – અમલમાં મૂકાયાના સાતમા દાયકે પણ આપણે હજી ક્યાંક-ક્યાંક ‘વીકર સેક્શન ઑફ સોસાઇટી’નો ઉલ્લેખ કરવો પડે છે. આ શબ્દ-સમૂહ વાંચી – સાંભળીને જ હું તો હેરાન-પરેશાન થઈ જાઉં છું. બંધારણમાં અનેક સુધારા આવી ગયા તોય હજી આ શબ્દ વાપરવાનું ચાલુ જ છે. મારે તેમાં એક સુધારો હવે એ લાવવો છે કે તેમના માટે ‘પ્રોગ્રેસીવલી વીકન્ડ’ શબ્દ લખાવવો જોઇએ. બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ તેનો દરુ વિરોધ કરતા હતા. નાગરિકની ફરજો એ બંધારણનો ભાગ ન હોઈ શકે એવું તેઓ માનતા હતા.

ખરા લિવિંગ લેજન્ડ આમને કહેવાય...

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru
23 જૂન 1916થી 15 મે 1979
મારી વાતને અંત તરફ લઈ જતાં એટલું હું દ્રઢપણે કહીશ કે બંધારણ એ શાસકોની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. લોકોનો તેના પર હક્ક છે. ‘લિવિંગ લેજન્ડ’ શબ્દ હાલતાં ’ને ચાલતાં વાપરવાની હવે ફેશન થઈ પડી છે. એવો ઉપયોગ કરનારાને માલૂમ થાય કે જરા ચંદ્રકાન્ત દરુના જીવન સામે પણ જૂઓ. ખરેખર લિવિંગ લેજન્ડ / Living Legend કોને કહેવાય તેની ખબર પડશે. દરુએ આપેલા સંદેશાનો શબ્દે-શબ્દ આજે પણ યથાર્થ ઠરે છે.

મારો આ બકવાસ સાંભળવા માટે આપનો આભાર. આજના ભારતને હવે એક જ આંદોલનની જરૂર છે – ‘બકવાસ મુક્તિ આંદોલન’. હા, ગુજરાતમાં તમે એ આંદોલન ન કરતા તેવી વિનંતી.
(એક તબક્કે પોતાની ચોક્કસ વાતના સંદર્ભે પ્રોફેસર બક્ષીએ હિન્દી ફિલ્મ ‘બાબુલ’નું તલત મહેમૂદના કંઠે ગવાયેલું ગીત પણ ટાંક્યું હતું...જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ, મેરા જીવનસાથી બીછડ ગયા...લો ખત્મ કહાની હો ગઈ)

સોલી સોરાબજી / Soli Sorabjee
સોલી સોરાબજી / Soli Sorabjee – કાયદા નિષ્ણાત અને ભારતના પૂર્વ એટર્ની જનરલ

ઉપેન્દ્રની જેમ જ હું પણ તમને અંગ્રેજી-ગુજરાતીમાં જ સંબોધવા ઇચ્છું છું. પરંતુ પછી વિચાર આવ્યો કે મારી પારસી લઢણવાળી ગુજરાતી તમારી સમજમાં નહીં આવે. (શ્રોતાઓએ તો ગુજરાતીમાં જ બોલો તેમ કહ્યું.)

ચંદ્રકાન્ત દરુ કામદારોના હક માટે કાયદાના જાણકાર એવા ચેમ્પિયન લડવૈયા હતા. મિત્ર હતા તે તો મારું સદભાગ્ય. એક અગ્રણી રેડિકલ હ્યુમનિસ્ટ / Radical Humanist, બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ / Constitutional Expert Advocate અને લોકશાહી હકોના સાચા લડવૈયા દરુ પાસે હિંમત પણ હતી જેની આજના જાહેરજીવનમાં ખોટ જોવા મળે છે. નાગરિક સ્વાતંત્ર્યના તે એવા તો હિમાયતી હતા કે તેમણે એ હકો અપાવવા માટે દાણચોરોના / Smuggler અને કોફેપોસાની / COFEPOSA – Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act કલમો તળે બંદીવાન બનાવાયેલા લોકોના કેસ પણ લડ્યા. ઇન્દિરા ગાંધીના / Indira Gandhi વડપણ હેઠળની કૉંગ્રેસી સરકારે ઠોકી બેસાડેલી કટોકટી સામે દરુએ બંધારણની મર્યાદામાં રહીને જે કાયદાકીય લડત આપી તે તો બેમિસાલ છે. પ્રેસના સ્વાતંત્ર્ય સામે લડત આપતા તેમને ખુદને પણ જેલમાં જવાનો વારો આવ્યો. પણ આ કશાયથી ડરે તો એ દરુ શાના?

(ડાબેથી) મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગૌતમ ઠાકર
અમદાવાદમાં પુરૂષોતમ માવલંકરના / Purushottam Mavalankar ઘરે અમે મળતા. ગોષ્ઠિઓ થતી, વિચારોનું આદાનપ્રદાન થતું એ દિવસો યાદ આવે છે. હું જોતો કે દરુ તમામ ચર્ચાઓ ધીરજપૂર્વક સાંભળતા, ક્યારેય જરા સરખું ગુસ્સે પણ ન થતા. હળવાશમાં રહેતા હતા. પોતાને કાયદાની જાણકારી છે પણ તેનો ભાર લઇને ફરવામાં કે ચર્ચામાં ભાગ લઇને સામેવાળાને બોલીને આંજી દેવામાં તેમને લેશમાત્ર રસ નહોતો. વાણી સ્વાતંત્ર્ય / Freedom of Speech માટે તો જાણે સમર્પિત હતા. કાયદાના જ્ઞાનનો માનવ અધિકારો માટે ઉપયોગ કરનારા તેઓ તેમના જમાનાના એકમેવ હતા.

મહેન્દ્ર આનંદ / Mahendra Anand
મહેન્દ્ર આનંદ / Mahendra Anand – દરુના સાથમાં તૈયાર થયેલા જૂનિઅર સાથીદાર વકીલ

પ્રથમ તેમના વિદ્યાર્થી તરીકે અને પછી તેમના જૂનિઅર રૂપે તેમની સાથે હતો. શબ્દો કે આચરણમાં કોઈ ભેદ નહોતો એ તેમનું પહેલું નિકટદર્શન. વિચારો અને મૂલ્યો તેમના માટે પોથીમાંના રીંગણા નહોતા. જેવું વિચારતા તેવું જ બોલતા અને તે પ્રમાણે જ જીવતા હતા. રેડિકલ હ્યુમનિસ્ટ સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા તે પહેલાં માનવીય ધોરણે કેમ જીવાય તે તેમણે શીખી લીધું હતું. વડીલ ખરા પણ વડીલપણુ ન બતાવે – ન દાખવે. મિત્રો – સગાં-સંબંધી સૌ સાથેના સંપર્ક-આચરણમાં આ વાત જોવા મળે. નાના-મોટા સૌને એકસરખો આદર આપે. તેમના માટે આ બધું સહજ હતું.

તેમના સંપર્કમાં આવનાર કાયદાશાખાના જૂનિઅર માટે તે એક પ્રૅક્ટિકલ ટીચર હતા. જુનિઅરને હાઇકોર્ટમાં અપિઅર થવાનો મોકો આવે અને ભાષાનો પ્રશ્ન નડે – અંગ્રેજીની જાણકારીના અભાવનો પ્રશ્ન નડે ત્યારે દરુસાહેબ હાજરાહજૂર હોય. ડિક્ટેટ કરાવે, એટલું જ નહીં સ્પેલિંગ પણ બોલી બતાવે અને લખાવે. આનું બીજું પરિણામ એ પણ આવ્યું કે ક્લાર્કની પોસ્ટ પર પસંદગી ના પામી શકે તેવા લોકો હાઇકોર્ટ જજના હોદ્દા સુધી પણ પહોંચી ગયા. જૂનિઅર વકીલોને તેમની મોટી ઓથ રહેતી અને અંગત કામ કરાવી લેવા જેવા તેમના ગેરલાભ દરુ કદી લેતા નહીં. આમ કરવું તેમના લોહીમાં જ ન મળે.

હું તેમની સાથે જોડાયો ત્યારે પહેલા જ મહિને તેમણે ડિવિઝન બેન્ચની મેટર મને દલીલો કરવા સોંપી. આ તેમનો સાથીદાર વકીલ પરત્વેનો વિશ્વાસ. દલીલો ચાલતી હોય ત્યારે દરુસાહેબ પાછળથી આવીને છેલ્લી પાટલીએ બેસી જાય. જૂનિઅર વકીલને ખખડાવતાં, ડ્રાફ્ટિંગની ત્રૂટિઓ બતાવતા જજની (જજીસની) દલીલો દરુસાહેબ સાંભળે. પાછળથી તેની તેઓ ચર્ચા કરે અને પ્રૅક્ટિસમાં વધુ સારું શું થઈ શકે તેની ટીપ્સ આપતા રહે.

સાઇઠના દાયકામાં તેમના ઘર પાસે કચરો વાળતી બહેનને ઘરમાં બોલાવી રસોઈ સહિતના ઘરકામ શીખવ્યા અને તેની પાસેથી કામ પણ લીધું. તેમના મનમાં ઉંચ-નીચના કોઈ ખ્યાલ  નહોતા. જો કે જ્યાં રહેતા તે સોસાયટીના રહીશોમાં આ બધું જોઇને હાહાકાર મચી ગયો. રસોઈકામ શીખનાર બહેન પાછળથી તેમના પતિ સાથે સરકારી નોકરીમાં દાખલ થયા ત્યાં સુધીની દરકાર દરુસાહેબે લીધી હતી. કામદારોના પ્રશ્નને લઇને સભા ચાલતી હોય તો ત્યાં હાજર પાંચસો કામદારોમાંના તમામને નામ-કામથી ઓળખતા હોય. તેમની આ પ્રતિભા કહો કે લક્ષણ તે તો મારા પત્નીને આજે પણ યાદ રહી ગયા છે.

ઔદ્યોગિક કાયદો / Industrial Law એ સમયે નવો-સવો ભારતીય કાયદાની અમલવારીમાં સામેલ થયો હતો. દરુસાહેબ તેના પાયાના જાણકાર. પહેલા ઔદ્યોગિક અદાલતમાં અને પાછળથી હાઇકોર્ટમાં તેના કેસ સંબંધી લડત આપતા, દલીલો કરતા. કામદારો સામેના કેસમાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીવાળા (નવું બદલાયેલું નામ – ટોરેન્ટ પાવર લિમિટેડ) મુંબઈથી મોટા-મોટા વકીલ (સોલી સોરાબજી સામે જોતાં અને શ્રોતાઓના હાસ્ય વચ્ચે વાતને આગળ વધારતા)ને રોકી અમદાવાદ બોલાવે. સામે દરુસાહેબ કામદારોના પક્ષે હોય. જે જમાનામાં સામાન્ય માણસ મહિને સો-બસો રૂપિયા કમાતો હતો તેવા વખતે મુંબઈના વકીલો આવીને કોર્ટમાં એક દિવસ હાજર રહેવાના અગિયારસો રૂપિયા ફી લઈ જાય. દરુસાહેબ મફતના ભાવે કેસ લડતા હોય. તેઓ એવો કોઈ મુદ્દો – દલીલ ઉપસ્થિત કરે કે મુંબઈના વકીલ તેના વિશે વિચારવા સમય અને બીજી મુદત બંને જજ પાસે માંગે.

ઇલેક્ટ્રિસિટી કંપનીના અંગ્રેજ મેનેજર જોતા કે હું એટલે કે કંપની મુંબઈથી મોંઘોદાટ વકીલ લાવે છે અને આ મુફલિસ વકીલ નામે દરુ સામે તેમની કોઈ દલીલ-કારી ફાવતી નથી. ઉપરથી કંપનીનો વકીલ ટાઇમ માંગે છે. કામદારોનું યુનિયન દરુસાહેબને મહિને ચારસો રૂપિયા પગાર આપતું હતું. ચારસો રૂપિયામાં રોજ ચાર-પાંચ કેસ ચલાવી આપે. આમ છતાંય કોઈ-કોઈ અસંતુષ્ટ કામદાર એમ પણ સમજતો કે આ વકીલ પૈસા બહુ લઈ જાય છે. આવા કામદાર પ્રત્યે પણ દરુ તેમની સાથે પોતાનો ભાઈ હોય તેવો વ્યવહાર રાખતા. એક તબક્કે ઇલેક્ટ્રિસિટી કંપનીના મેનેજરે દરુને સાઇડ બદલીને પોતાની કંપનીની તરફેણમાં કેસ લડવા દાણો ચાંપી જોયો હતો. દરુનો સ્પષ્ટ જવાબ હતો – ના, હું રૂપિયા કમાવા કેસ નથી લડતો. જીવ્યા ત્યાં સુધી તેમણે કામદારોના પક્ષે જ રહી કંપનીને કાયદાકીય લડત આપી.

તેમના માટે હું કલાકો સુધી બોલી શકું તેમ છું. પરંતુ મારે ટ્રેજિક નાટકમાં વચ્ચે આવતા કોમેડી પાર્ટની જેમ ઉપેન્દ્ર બક્ષી સાહેબ અને સોલી સોરાબજીના વક્તવ્ય વચ્ચેનો સમયગાળો (ઇન્ટરલ્યૂડ) જ ભરી આપવાની ભૂમિકા ભજવવાની હતી તો આ સાથે અસ્તુ.

ગિરીશ પટેલ / Girish Patel
(આ તસવીર કાર્યક્રમની નથી)
ગિરીશ પટેલ / Girish Patel – માનવ અધિકારોના ગુજરાતી આલમ માટે જાણીતા કર્મશીલ વકીલ

દરુસાહેબની જન્મશતાબ્દી સમિતિના અધ્યક્ષ તરીકે ટ્રસ્ટ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતા આપ સૌ મહેમાનોનું હું સ્વાગત કરું છું. મને ખબર નથી કે શા માટે મને પ્રમુખ બનાવ્યો પણ દરુસાહેબને ઓળખનારા ઉંમરલાયક લોકોમાંનો હું એક છું તે કારણ હોઈ શકે. મંચસ્થ મહાનુભાવો અમારી સમિતિના આમંત્રણને માન આપી કોઈ પણ જાતના ખચકાટ વગર આવ્યા તે માટે તેમનો આભાર.

આ શતાબ્દીનું એક મહત્વ છે. આજે દુનિયાભરમાંથી લોકશાહી મૂલ્યોનો / Values of Democracy લોપ થઈ રહ્યો છે, લોકશાહીના પાયા હચમચી રહ્યા છે ત્યારે એ વિશે ચિંતા સેવનારા આપણા સૌનું મળવું જરૂરી છે. આતંકવાદના નામે નાગરિક આઝાદીના ગળે ટૂંપો લાગી રહ્યો છે. અનેક પ્રકારના ધાર્મિક ત્રાસવાદનો દુનિયાના દેશોમાં ફેલાવો થઈ રહ્યો છે. ઇતિહાસ અને સંસ્કૃતિને નામે ભારતમાં અરાજકતાનું વાતાવરણ સર્જવાની કોશિશ થઈ રહી છે. તેવે સમયે દરુને યાદ કરવા જરૂરી બની જાય છે.

દરુસાહેબ વિશે અનેક મુદ્દે – એકથી વધુ તબક્કામાં વાત થઈ શકે તેમ છે. હું એમાંના થોડા મુદ્દાને સ્પર્શીશ. 1958માં જ્યારે અમે બન્ને કાયદા વિષયના પ્રાધ્યાપક હતા ત્યારે અમારી ઓળખાણ થઈ. 1964માં જ્યારે હું લૉ કૉલેજનો પ્રિન્સિપાલ બન્યો ત્યારે પ્રોફેસરો અને મૅનેજમેન્ટ વચ્ચે ધર્ષણ ચાલતું હતું. એકેડમિક ફ્રિડમ (શૈક્ષણિક સ્વાતંત્ર્ય)ના સવાલ સાથે મારા માટે જોબ સિક્યુરિટીનો પ્રશ્ન આવ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે એક વૈકલ્પિક આવક પણ હોવી જોઇએ. હું દરુસાહેબ પાસે ગયો અને કહ્યું કે ‘મારે પ્રૅક્ટિસ શીખવી છે. ગમે ત્યારે આ ક્ષેત્રમાં આવવું પડે તો શીખેલું સારું.’ તેમણે મને આવકાર્યો. આમ 1964થી તેમના મૃત્યુ પર્યંત અને એ પછી તેમના સંતાનો સાથે આજ સુધી મારો સંપર્ક રહ્યો છે.

1942માં દરુ એક નાના ગામડાંમાંથી શિક્ષક બનવા અમદાવાદ આવ્યા. શિક્ષક હોવા છતાં પણ તે વાંચતા હતા, સ્વતંત્રપણે વિચારી શકતા હતા અને સ્વતંત્રતાના આગ્રહી હતા. ત્યાંથી આગળ વધીને તે એમ.એન. રોયની રેડિકલ હ્યુમનિસ્ટ ચળવળમાં જોડાયા. તેમનાં પત્ની મને કહેતા કે વહેલી સવારે ઘરેથી નીકળી જાય તે મોડી રાત્રે બાર વાગ્યે જ ઘરે પાછા ફરે. એમણે કદી ઘરનું ધ્યાન નથી રાખ્યું. થોડી લોન લઇને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેવાને નાનું મકાન બન્યું તે પણ પત્નીની જાત દેખરેખને કારણે. મકાન બનતું ત્યારે દરુસાહેબ પત્નીને મજાકમાં રોજ સવારે પૂછતા કે સાંજે મારે આ ઘરમાં આવવાનું છે કે પેલા નવા તૈયાર થતા મકાનમાં?

પછી તેઓ ટ્રેડ યુનિયનની / Trade Union Activities પ્રવૃત્તિઓમાં જોડાયા. ઔદ્યોગિક અદાલત દ્વારા મજૂરોના પ્રશ્નો લડ્યા. સફળતા મેળવી. મોટા મિલમાલિકોની ગાડીઓ વળોટીને રિક્ષામાં કોર્ટ પહોંચતા દરુ સામે પડેલા સો-એક કેસમાંથી એક ફાઇલ ઉઠાવે અને કેસ વાંચવો શરૂ કરે. વચ્ચે-વચ્ચે દલીલો આવતી જાય. કેસફાઇલમાંના વાક્યો જ નહીં તે આખું પાનું વાંચતા. 1950થી ’60 દરમિયાન તે માત્ર છસો રૂપિયામાં ઘર ચલાવતા હતા. ચારસો રૂપિયા ટ્રેડ યુનિયનના કેસો લડતા તેમાંથી મળતા અને બસો રૂપિયા કૉલેજમાંથી. એ જ દરમિયાન તેમણે ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્યાં પણ પહેલવહેલો કેસ એ યુનિયનનો, ગુજરાત યુનિવર્સિટીના ટીચર્સનો લડ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના જ અંગ્રેજી નાબૂદ કરવાના નિર્ણયને સૅન્ટ ઝેવિયર્સ કૉલેજના એક વિદ્યાર્થી દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવ્યો ત્યારે બચાવપક્ષના વકીલ તરીકે દરુને જોઇને સાથી વકીલો હસતા હતા. તેમના મનમાં હતું કે મજૂર અદાલતનો, બંધારણની દલીલો કરતો વકીલ આમાં કઈ રીતે ફાવશે – ચાલશે. પાંચ જજની બનેલી હાઇકોર્ટ બૅન્ચમાં તેમની દલીલો સાંભળીને ત્યારના એક સિનિઅર વકીલ પોતાની ચેમ્બર તરફ દોડ્યા. પોતાના સાથીઓને કહ્યું કે કોન્સ્ટિટ્યુશન ભણવું હોય તો ફર્સ્ટ કૉર્ટમાં જાવ અને એડવોકેટ દરુને સાંભળો. એ કેસમાં તેઓ જીત્યા. સર્વોચ્ચ અદાલતે પણ તેમની તરફેણમાં આવેલા ચુકાદાને બહાલ રાખ્યો.

સર્વિસ મેટર (સરકારી નોકરી સંબંધી) અને બંધારણીય બાબતોને લઈ કેસ લડતા દરુને દલીલો કરતા કોઈ પણ જૂએ તો તે એક સામાન્ય માણસ જ લાગે. પણ આ સામાન્ય માણસના ભાગે અસામાન્ય કામ આવવાનું બાકી હતું. એ કામ એટલે દેશ પર થોપી દેવાયેલી કટોકટીને બંધારણીય મર્યાદામાં રહીને કાયદાની કૉર્ટમાં પડકારવાનું કામ. એ યુગપ્રવર્તક કામ તેમના હાથે થયું. એવા હાથ નીચે મારું ઘડતર થયું તેનો આનંદ.

સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ રહી ચૂકેલા પી.એન. ભગવતીસાહેબે મને પૂછેલું કે, ‘આ દરુ પાસે આટલા ઓરિજીનલ સવાલો ક્યાંથી આવે છે? બહુ વાંચતા લાગે છે?’ મેં તેમને જવાબ આપેલો કે દરુ વાંચતા જ નથી. કેમ કે તેઓ માનતા કે માત્ર શીખવાથી – વાંચવાથી જ કાયદાનું જ્ઞાન ન આવે. વિશાળ વાંચન એ તેમની શક્તિ હતી. જસ્ટીસ જે.એમ. શેલતે મને કહ્યું હતું કે તેઓ ઇન્ડસ્ટ્રિઅલ લૉ દરુસાહેબ પાસેથી ભણ્યા છે.

કટોકટીના સમયમાં તેઓ દાણચોરોના કેસ પણ લડતા હતા. એ બાબતે હું પણ તેમનો વિરોધી હતો અને એ મતલબના લેખો પણ લખતો હતો. દલીલમાં તેઓ સામું કહેતા કે અસીલ સામે નહીં ઇસ્યુ સામે જૂઓ. એક કેસમાં મળતી જીતને કારણે અનેક લોકોને જેલમુક્તિનો લાભ મળતો એવા કોફેપોસા કે દાણચોરોના કેસ પત્યે તેઓ એક જ વ્યક્તિ-અસીલ પાસેથી ફી લેતા. આ તેમનો સિદ્ધાંત. તેઓ રૂપિયા માટે નહીં પણ જાહેર નિસબતને સારું કેસ લડતા હતા. દરુ જેવા બીજા એક વકીલ હતા તે હરૂભાઈ મહેતા / Harubhai Mehta. ગુજરાત હાઇકોર્ટમાં તે સમયે આ બે જ વકીલો ઇન્ટિલેકટ્યૂઅલ હતા.

સદાય શાંત રહેતા, સૌમ્યપણે પેશ આવતા દરુસાહેબને મેં કટોકટી જાહેર થયાના બીજા દિવસે 26 જૂન 1975ની સવારે હાઇકોર્ટના વકીલોના રૂમમાં ગુસ્સે થતા જોયા હતા તેવા કદી નથી જોયા. ગુસ્સામાં આવીને તેઓ બાર એસોસિએશનના ટેબલ પર ચઢીને ભાષણ કરતા હતા. શેના માટે? બંધારણને બચાવવા. રૂલ ઑફ લૉને બચાવી લેવા. તેમના ભાષણે હાઇકોર્ટમાં હડતાળનું એક વાતાવરણ પણ સર્જ્યું હતું. ‘ભૂમિપુત્ર’ સામયિકનો જે કેસ લડ્યાને જીત મેળવી તે માત્ર ગુજરાતમાં જ શક્ય હતું. આ કાયદાકીય લડતને પગલે તેમને પાંચ – છ મહિનાની જે પહેલી જેલ પડી તેમાં અંદર રહીને પણ કામ તો તેમણે લડતને આગળ ધપાવવાનું જ કર્યું. નવા સાથીદારોને તૈયાર કર્યા.

ઘરના દરવાજા કાયમ ખુલ્લા રાખતા દરુસાહેબને હું પૂછતો કે તમે આમ કેમ કરો છો? તેઓ કહેતા કે ગુજરાતમાં – અમદાવાદમાં એક દિવસમાં કેટલી ચોરીઓ થતી હશે? એમાં આપણા ઘરનો કયે દિવસે નંબર લાગવાનો હતો? આમ કહેતા દરુના ઘરના દરવાજા ગરીબ, તવંગર, મજૂર, મિલમાલિક, પીડિત, દલિત, શોષિત, મુસ્લિમ એમ સૌ માટે ખુલ્લા રહેતા હતા.


(નોંધ: વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 ઑગસ્ટ તેમજ 1 અને 16 સપ્ટેમ્બર 2016ના અંકોમાં ઉપરોક્ત વક્તવ્યો પ્રકટ થયા / થશે તેનો આ બિન-સંપાદિત પહેલો ડ્રાફ્ટ છે.)


તસવીરો : ચંદ્રકાન્ત દરુ પરિવાર અને ટ્રસ્ટના સૌજન્યથી, કાર્યક્રમની રંગીન તસવીરો – બિનીત મોદી

2 comments:

  1. આવા મહાનુભાવ વકતાઓએ જેમને માટે આટલી અને આવી પ્રશંસા કરી, એ દરુ સાહેબને વિષે જાણવા મળ્યું એનો આનંદ છે. લગભગ દરેકે વચ્ચે વચ્ચે રમૂજના ચમકારા પણ બતાડ્યા છે. આટલા સરસ Compilation માટે આભાર.

    ReplyDelete
  2. It is indeed a best article that Shows how Daru Saheb has lived and worked..By this way you paid a unique tribute..
    Hearty thanks..
    Gajanan Raval

    ReplyDelete