પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, August 13, 2016

કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru

23 જૂન 1916થી 15 મે 1979


વીસમી સદીના અમદાવાદ તેમજ ગુજરાતની વકીલ આલમના જાણીતા-ચર્ચિત ચહેરા ચંદ્રકાન્ત દરુના / Chandrakant Daru શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે કરવી જોઇએ તેવો તેમના સાથીદારોનો દ્રઢ ખ્યાલ છે. વિચારને અમલમાં મુકવા ‘ચંદ્રકાન્ત દરુ સ્મારક ટ્રસ્ટ’ અંતર્ગત ‘ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણી સમિતિ’ની રચના કરવામાં આવી. બન્નેના અધ્યક્ષ અનુક્રમે પ્રકાશ ન. શાહ / Prakash N. Shah અને એડવોકેટ ગિરીશભાઈ પટેલ / Girish Patel. એ સિવાય અઠ્ઠાવીસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી – ત્રેવીસ પુરૂષો અને પાંચ મહિલાઓ. જાહેરજીવનની કર્મશીલતાની બાબતે સ્ત્રી-પુરૂષના ભેદભાવ પાડવા જોઇએ કે કેમ તે અલગ ચર્ચાનો મુદ્દો છે. પણ એક ટિપ્પણી કરીને મારી વાત આગળ વધારીશ કે પાંચ વક્તાઓમાં એક મહિલા વક્તાનો સમાવેશ થયો હોત અને સમિતિના તમામ નહીં તો બહુમતી સભ્યોએ સક્રિયતા બતાવવા સાથે શતાબ્દી ઉજવણીના પ્રથમ ચરણ જેવા કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ મુનાસિબ સમજ્યું હોત તો મારા આ અહેવાલ પછી પબ્લિશ થનારી મહાનુભાવોના વક્તવ્યોની આગામી બ્લોગપોસ્ટનું પેટામથાળું તો કમ-સે-કમ જુદું હોત.

‘લોકશાહી બચાઓ’ અમદાવાદની જનસભામાં

લોકનાયક જયપ્રકાશ નારાયણને આવકારતા ચંદ્રકાન્ત દરુ
અરે! દરુ કટોકટીકાળમાં જે બે સામયિકોની પ્રકાશનયાત્રા ચાલુ રહે તે માટે જીવ રેડીને કાયદાકીય લડાઈ લડ્યા તે ‘ભૂમિપુત્ર’ / Bhoomiputra અને ‘સાધના’ના / Sadhana વર્તમાન સંચાલકોની ગેરહાજરી રજનીભાઈ દવેના / Rajni Dave અપવાદ સિવાય પણ કાર્યક્રમ દરમિયાન ઉડીને આંખે વળગે તેવી હતી.

ખેર! સમિતિના અઠ્ઠાવીસ સભ્યોમાંથી પચાસ ટકા ઉપરાંતની ગેરહાજરી વચ્ચે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે હિમાવન-પાલડી સ્થિત મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણીની શરૂઆત થઈ. ટ્રસ્ટના અધ્યક્ષ પ્રકાશ ન. શાહ તેમના ગુજરાત બહારના લાંબાગાળાના પૂર્વનિર્ધારિત રોકાણને લઇને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. આટલી નોંધ સાથે ખેદપૂર્વક મારે એ પણ ઉમેરવું રહ્યું કે કાર્યક્રમમાં તેમનો નામજોગ નોંધપાત્ર ઉલ્લેખ પણ કોઇએ કર્યો નહીં. વક્તાઓ પાસેથી એ અપેક્ષિત નહોતું અને કાર્યક્રમના આયોજક ગૌતમ દશરથલાલ ઠાકર ઉલ્લેખ-નોંધ લેવાનું ચાતરી ગયા. આટલી નોંધ સાથે હું ઉમેરીશ કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સોલી સોરાબજીનો પરિચય આપવા પૂરતું મંચ પર આવવાની તક મેળવી શકેલા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ અમીબહેન યાજ્ઞિક / Ami Yagnik માત્રએ પ્રકાશભાઈને નામજોગ યાદ કરવા સાથે ચુનીભાઈ વૈદ્ય / Chunibhai Vaidya અને ગિરીશ પટેલને તેમનું ઘડતર કરનારા રૂપે લેખાવ્યા હતા.

(ડાબેથી) મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગૌતમ ઠાકર
આટલું લખ્યા પછી મૂળ કાર્યક્રમ વિશે હું શું લખીશ તેનો કાચો અંદાજ વાંચનારને તો આવતા આવશે, આ ક્ષણે મને પણ આવતો નથી. પ્રારંભે ‘મૂળગામી માનવવાદના મશાલચી’ એ નામે પ્રકાશિત ચંદ્રકાન્ત દરુ શતાબ્દી સ્મૃતિગ્રંથનું વિમોચન ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગિરીશ પટેલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

ત્યાર બાદ ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi અને સોલી સોરાબજીના / Soli Sorabjee વક્તવ્યો થયા જે એમના નામ-કામ અને મોભાને અનુરૂપ નહોતા. આ મહાનુભાવોના વક્તવ્યોની વચ્ચે દરુના જુનિયર સાથી રહી ચૂકેલા એડવોકેટ મહેન્દ્ર આનંદે / Mahendra Anand પોતાની વકીલાતની કારકિર્દી ઘડતરમાં દરુસાહેબનો ફાળો, તેમની વકિલાતના લક્ષણો અને બેફિકરા સ્વભાવના કેટલાક ઉદાહરણો કહેવા સાથે રસપ્રદ વાતો કરી. એ જ રીતે દરુસાહેબના વ્યવસાયી સાથી રહી ચૂકેલા અને વકીલોની એકવીસમી સદીની આલમના એકમાત્ર કર્મશીલ એડવોકેટ ગિરીશભાઈએ / Girish Patel તેમનાં દરુ સાથેના સંસ્મરણો કહ્યા.

આ બે અપવાદને બાદ કરતાં એકંદરે કાર્યક્રમ એકદમ નિરસ જણાયો. પહેલો એવો કાર્યક્રમ જોયો જેમાં સ્થાનિકથી લઇને રાષ્ટ્રિય કક્ષાના ચાર વક્તાઓ હાજર હોય અને શ્રોતાઓમાંથી તેમને સમ ખાવા પૂરતી એક વાર પણ દાદ મળતી હોય. વક્તવ્યોને અંતે ‘શ્રોતાઓને પ્રશ્ન પૂછવા હોય તો...’ એ મતલબની જાહેરાત થઈ તો ખરી પણ પ્રશ્ન પૂછી શકે તેવા શ્રોતાઓ પ્રારંભના કંટાળાજનક વક્તવ્યોને લઇને સભાગૃહ છોડી ગયા હતા.

સોલી સોરાબજી સરખા સિનિયર એડવોકેટને સાંભળવા વકીલોની આલમ જિજ્ઞેશ મેવાણીના / Jignesh Mewani એકમાત્ર અપવાદ સિવાય ગેરહાજર હતી. સીટિંગ જજો તો બચાડા પ્રૉટોકોલના માર્યા પ્રવચન સાંભળવા ન આવી શકે તે સમજાય એવું છે. ટ્રિબ્યૂનલ જજ તરીકે સેવાઓ આપી ચૂકેલા એકમાત્ર નિવૃત્ત જજ મધુકર ધ્રુવ / Madhukar Dhruv કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ઉના / Una ગામના પાદરે દલિતો પર થયેલા અત્યાચારની ચારેકોર ચર્ચા હતી પણ અહીં અમદાવાદ જેવા શહેરની વચ્ચોવચ્ચ પાલડીમાં આવેલા હોલની ચાર દિવાલો વચ્ચે આ ઘટનાનો હરફ સુધ્ધાં ઉચ્ચારાય ના તે વાત મને લાગે છે દરુના આત્માને પણ અકળાવનારી લાગી હશે.

કાર્યક્રમના અંતે વધ્યા – ઘટ્યા શ્રોતાઓને સોલી સોરાબજી સાથે ફોટા પડાવવામાં અને સૅલ્ફી લેવામાં વધુ રસ હતો. પત્રકારો તો  હાજર હતા નહીં. હાજર હતી એવી ચેનલોના ખબરદારોએ પણ ઉનાની ઘટના વિશે એકેય હરફ ઉચ્ચારીને વાત આગળ ન વધારી. સભાગૃહમાં સ્ટેટ આઇ.બી / Intelligence Branch (રાજ્ય સરકારના ગૃહ વિભાગના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ)ના બે પ્રતિનિધિઓમાંથી એક લોકોની અવર-જવર પર ધ્યાન રાખીને ઓળખી શકે તેમના નામ નોંધતો હતો અને બીજો મારી પાછળ બીજી હરોળમાં બેસી વક્તવ્યોની નોંધ કરતો હતો. ગૌતમભાઈ ઠાકરે સાથીદારોને પૂછ્યું પણ ખરું કે, ‘આજના કાર્યક્રમની પ્રેસ-નોટ કોણ તૈયાર કરશે?’ એક સાથીદારે જવાબ આપ્યો – ‘સ્ટેટ આઇ.બી’. દેશના – ગુજરાતના જાહેરજીવન માટે કામ કરી ચૂકેલી એક વ્યક્તિના નામે બનેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા આયોજિત મર્યાદિત લોકો માટેના જાહેર કાર્યક્રમમાં સ્ટેટ આઇ.બીના પ્રતિનિધિ શું કામે – કયા ઇરાદાથી આવ્યા હતા તેવું પૂછવાની આયોજકોમાંથી કોઇની હામ નહોતી. કેમ કે એકવીસમી સદીની ગોઠવણોવાળી જાહેરજીવનની લડતો એવું શીખવવા માટે કાચી પડે છે.

ગૌતમ ઠાકર / Gautam Thaker દ્વારા સંપાદિત – સંકલિત સ્મૃતિગ્રંથનો પરિચય કેળવવાનું કામ ધીરજ માંગી લે તેવું છે. 2016માં પણ આ પ્રકારે રેઢિયાળ પધ્ધતિ અપનાવીને ગ્રંથ તૈયાર થઈ શકે તેવી સમજણ પાકી કરી આગળ વધવું. સાલું (આ શબ્દ લખ્યા વગર મારી વાત આગળ વધારી શકું તેમ નથી.) સ્મૃતિગ્રંથમાં પણ અપવાદરૂપ બે ઠેકાણા સિવાય બહેનોના ફોટા નથી. કેમ જાણે દરુના જીવનમાં કોઈ મહિલાનો પ્રવેશ જ ન થયો હોય. ટાઇટલ પેજ પર દરુના ફોટાને સ્પેશિયલ ઇફેક્ટ શું કામ આપી છે અને છેલ્લા ટાઇટલ પર એમ.એન. રોય દંપતિનો / M.N. Roy ફોટો છે તો દરુ દંપતિનો ફોટો ક્યાં છે? આવા સવાલોના જવાબો મળી શકે તેમ નથી. દરુની જન્મતારીખ રજનીભાઈ દવેનો લેખ વાંચો ત્યારે મળે છે. સ્મૃતિગ્રંથમાં આવી અને વ્યક્તિવિશેષના જીવન-કવન જેવી વિગતો અલગથી મળવી જોઇએ એવી મારી સામાન્ય સમજ છે જે સંપાદક ગૌતમ ઠાકર સાથે વહેંચવી રહી.

આમંત્રણ આપીને મંગાવેલા લેખો જેમના તેમ અહીં બે પૂંઠા વચ્ચે ચોંટાડી દેવાયા છે. જેમ કે એકમાત્ર બહેન ઇલાબહેન ભટ્ટે / Ela Bhatt લેખ લખીને કોને વંચાવ્યો, કોણે સુધારા-વધારા કર્યા તેનો પણ લેખમાં જ ઉલ્લેખ છે. આટલું કર્યા પછી પણ બે ઠેકાણે ‘મજૂર મહાજન સંઘ’ સંસ્થાનો ઉલ્લેખ ‘મહારાજ’ તરીકે થયો છે અને વાંચનાર ગોથું ખાધા જ કરે છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એ.એમ. અહમદીએ / A.M. Ahmadi પત્રરૂપે પાઠવેલા લેખને જેમનો તેમ ‘સંપાદિત કરવાની જરૂર જણાય તો તેમ કરવું’ એવી સૂચના સાથે જ પ્રકાશિત કર્યો છે. એક-બે લેખ સિવાય બહુમતીપણે ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા સ્મૃતિગ્રંથમાં સમાવાયેલા ફોટાઓની ઓળખ લાઇન અંગ્રેજીમાં છે. કેમ? એવું પૂછી શકાય તેમ નથી.

કેમ કે સરકાર, સમાજ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ગુરુ, રાજકારણી અને કઇંકોને પીયુસીએલ / PUCL વતી સવાલ કરી જવાબ માંગતા ગૌતમભાઈને ઉપરોક્ત કાર્યક્રમના અઠવાડિયા અગાઉ એસએમએસ કરીને મેં પૂછ્યું હતું કે ‘પીયુસીએલ ગુજરાત, ડાબેરી વિચારધારા કે ગુજરાત બિરાદરી પાસે મંચ પર બેસાડી શકાય કે ફ્રન્ટ પર ઊભા રાખી શકાય તેવું મહિલા નેતૃત્વ કેમ નથી?’ જેમ તેમને માંગ્યા મુજબના ઇચ્છિત જવાબો મળતા નથી તેમ મને પણ આજ દિન સુધી જવાબ પાઠવ્યો નથી. હા, આ વાંચીને પ્રતિભાવ આપશે એવી આશા રાખી શકાય.

કાર્યક્રમ અગાઉ અને સ્મૃતિગ્રંથમાં પણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને શતાબ્દી વર્ષની ઉજવણીને આગળ ધપાવવા, ખર્ચને પહોંચી વળવા નાણાભંડોળની જરૂર હોઈ દાન મેળવવા માટે અપીલ કરવામાં આવી છે. એ માટે જ થઇને સ્મૃતિગ્રંથની કિંમત સવાસો રૂપિયા રાખવામાં આવી છે. હવે પ્રવૃત્તિઓ અને પ્રકાશન જો આ કક્ષાના જ થવાના હોય તો પછી દરુના નામે ભંડોળ મેળવીને ‘ખર્ચની નવી કટોકટી’ શું કામ ઊભી કરવી જોઇએ?

કાર્યક્રમ સંબંધે આટલું લખ્યા પછી તેમાં થયેલા વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોના શબ્દો વાંચવા માટે આ રહી આગામી બ્લોગપોસ્ટની લિન્ક – http://binitmodi.blogspot.in/2016/08/blog-post_31.html


(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 1 ઑગસ્ટ 2016ના અંકમાં ‘કહું, મને કટેવ’ વિભાગ તળે ઉપરોક્ત કાર્યક્રમનો અહેવાલ પ્રકટ થયો તેનો આ બિન-સંપાદિત પહેલો ડ્રાફ્ટ છે.)

તસવીરો : ચંદ્રકાન્ત દરુ પરિવાર અને ટ્રસ્ટના સૌજન્યથી, કાર્યક્રમની રંગીન તસવીરો – બિનીત મોદી

3 comments:

 1. 'રંગતરંગ' નામના એક માસિકમાં એક કોલમ નિયમિત આવતી, 'સાચું હોય તો શરમજનક'. એમાં આ પૂરેપૂરું મૂકી શકાયું હોત. આજના જમાનામાં આવી વેઠ ઉતરી શકે એ શોચનીય છે. ખેર!

  ReplyDelete
 2. Chandrakant Parikh16 August 2016 at 18:40

  કટોકટી વેળા હું બારડોલીમાં બૅન્કમાં કાર્યરત હતો. ચંદ્રકાન્ત દરુની આગેવાની અને તેમના તરફથી મળેલા માર્ગદર્શનમાં સૌએ સાથે મળીને ૧૯૭૫ની કટોકટીનો વિરોધ કર્યો હતો. બારડોલી આસપાસના ઘણાં ગામોમાં અમે સ્થાનિક સ્વયંસેવકોની નાની-નાની મંડળીઓ બનાવીને કટોકટી વિરુદ્ધ લોકમત ઊભો કર્યો હતો.
  ચંદ્રકાન્ત પરીખ (નિવૃત્ત બૅન્કર, અમદાવાદ)

  (Response through FACEBOOK : 16 August 2016 at 05:50pm)

  ReplyDelete
 3. Rajnikant Gajjar (Ahmedabad)26 August 2016 at 18:30

  આવી ઉજાણી જોઇને દરુ સાહેબ જરૂરથી રડ્યા હશે.
  રજનીકાન્ત ગજ્જર (અમદાવાદ, હાલ ઓસ્ટ્રેલિયાથી)

  (Response through FACEBOOK : 25 August 2016 at 04:00am)

  ReplyDelete