પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, August 01, 2016

પાટલૂન વેચવા પાણીનો વેડફાટ

તસવીર પ્રતિકાત્મક છે, પાણી નહીં


ચોમાસાની ઋતુ છે. જમાનો ડિજિટલ બન્યો અને સ્માર્ટફોન આવ્યો તેના દાયકા અગાઉથી હું ડાયરી વાપરતો આવ્યો છું. આજે પણ કેટલાક કામ, પ્રસંગો કે ભાવિ યાદગીરી નિમિત્તની યાદી માટે ડાયરીનો જ ઉપયોગ કરું છું. મોટેભાગે એમ બનતું આવ્યું છે કે દસમી જૂનની આસપાસના તારીખ-વારના પાને મારે નોંધ કરવાની આવે કે ‘અમદાવાદમાં આજે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ’. જૂની ડાયરીઓના પાનાં ફેરવતાં માલૂમ પડે છે કે કોઈ વર્ષે આવી નોંધ લેવાનો મોકો મોડો મળ્યો છે અને ગયા વર્ષે 2015માં તો આવી કોઈ નોંધ લેવાનો સમૂળગો વારો જ નથી આવ્યો.

આ વર્ષે પણ પરિસ્થિતિ અલગ તો નથી જ અને હવે ચિંતાના વાદળોનો ઘેરાવ થાય તેવી બની છે. અખબારી અહેવાલો જણાવે છે કે...વરસાદની આવક હજી જોઇએ એવી થઈ નથી. જળાશયોમાં માત્ર થોડા દિવસો ચાલે એટલું જ પાણી બચ્યું છે. પાણીની બાબતમાં સ્થિતિ વિકટ બને તેવા એંધાણ. થોડા દિવસની સાદી વ્યાખ્યા છે, એક કે બે પખવાડિયા અથવા મહિનો માસ. પછી એ સ્થિતિને પહોંચી વળવાના ઍક્શન પ્લાન ઘડવામાં આવે અને તેનો અમલ કરતાં બીજું ચોમાસું આવી જાય. વચ્ચે-વચ્ચે ટૅન્કરથી પાણી પહોંચતું કરવાની વાતો કરવામાં આવે અથવા તો ભારતીય રેલવેના ટૅન્કર કન્ટેનર ટ્રેનની મહેરબાનીથી ખરેખર એમ થાય પણ ખરું.

વરસાદી પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ નથી થતો એટલે આ સમસ્યામાં રતિભાર ફર્ક પડે તેવું કશું અત્યારે નજીકમાં કે ક્ષિતિજ પર દેખાતું નથી. હા, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તે સાફ દેખાઈ રહ્યું છે, ધોળે દિવસે થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથેના વિડિઓમાં તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેના વિવરણમાં આગળ વધુ તે પહેલા એક સ્પષ્ટતા એ પણ કરી લઉં કે આ કોઈ વ્યક્તિગત કે સંસ્થાગત નહીં પણ પ્રતિકાત્મક ઉદાહરણ છે.


ફેશન, ફૂડ અને ફ્રેન્ડસર્કલ સાથે ફરવા માટે જાણીતા નવરંગપુરા, અમદાવાદના સી.જી. રોડ પરથી ગુલબાઈ ટેકરા જવાના રસ્તે આવેલા શ્રી બાલાજી હાઇટ્સ નામના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અગાઉ જોયેલું દ્રશ્ય ભૂલી શકાય તેવું નથી. રવિવારનો દિવસ (24 જુલાઈ 2016) હતો. મોટાભાગની બંધ દુકાનો વચ્ચે આ એકજ દુકાન (પોસ્ટમાં સૌથી ઉપરનો ફોટો) ખુલ્લી હતી. ગ્રાહકો આવવાને વાર હતી એવી દુકાનનું આંગણુ ચોક્ખુંચણક થઈ રહ્યું હતું. દિવસ દરમિયાન પાંચ-દસ ગ્રાહકો શર્ટ-પાટલૂન ખરીદવા આવે-તો-આવે...એવી સંભાવના વચ્ચે વૉટરપાઇપથી ગૅલનબંધ પાણી ફરશ પર વહાવાઈ રહ્યું હતું. (જૂઓ લિન્ક https://www.youtube.com/watch?v=jPUGbs94wR4) રબર વાઇપરની મદદથી ફરશને એટલી ઘસવામાં આવતી હતી જાણે ફર્શને ફેશિયલ થઈ રહ્યું હોય. ફોટામાં અને વિડિઓમાં દેખાતા આ કામ કરનારા તો વખાના અને પગારના માર્યા આ કામ કરે. ‘આવો વેડફાટ ન થાય કે આ રીતે કામ ન કરાય’ એમ કહેનારું તેમને કોઈ નહોતું. એવો પણ સવાલ થાય કે શૉરૂમનું આંગણું એટલી મહત્વની જગ્યા છે કે તેને આમ રોજે-રોજ ચોક્ખી રાખવી પડે. અને તે પણ કોના માટે? થોડા સંભવિત ગ્રાહકોને આવકારવા માટે? અને ‘કોના ભોગે?’ એવો જો સવાલ થાય તો તેનો જવાબ પણ નજીકમાં જ છે.

સી.જી. રોડથી ગુલબાઈ ટેકરાના રસ્તે આગળ વધો એટલે જે રહેણાંક વસતી આવે છે તેને અમદાવાદી શહેરીજનો મજાકમાં ‘હોલિવુડ’ નામે ઓળખે છે. શહેરી ગરીબોથી ગીચોગીચ એવી વસતીમાં ચોમાસાના પ્રારંભે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવાના કામની શરૂઆત થાય છે. એ સમયે તેમણે દિવસની શરૂઆત પાણીના બે ટૅન્કર મંગાવીને કરવી પડે છે. એક ખુદના માટે અને બીજું મૂર્તિ બનાવવાના કામ માટે. આખરે રોજી-રોટીનો સવાલ છે. આ ઉપર જે લોકો શૉરૂમનું આંગણું ચોક્ખું કરી રહ્યા છે તેઓ આ વસતીમાંથી જ આવે છે. ખુદના વપરાશ માટે તેઓ કે તેમનો પરિવાર પાણીના ટૅન્કરના રૂપિયા ખર્ચે છે, તાણી-તૂસીને પાણી વાપરે છે. બીજી તરફ રોજી-રોટી તેમના જ હાથે આ રીતે પાણી વહાવડાવે છે, વેડફાટ કરાવે છે.


હવે અહીંથી થોડે આગળ વધીને વસ્ત્રાપુરની ભાગોળે પહોંચીએ તો આવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ – અમદાવાદ / Indian Institute of Management, Ahmedabad / http://www.iimahd.ernet.in/ આંતરરાષ્ટ્રિય સ્તરે ખ્યાતિપ્રાપ્ત આ શૈક્ષણિક સંસ્થાના ભણતર વિશે તો કશું કહેવાપણુ છે નહીં. પણ ગણતરમાં મોટું મીંડું. આ વિડિઓ લિન્ક જ જોઈ લો. https://www.youtube.com/watch?v=3SfrEInP1Jk આપણે શૉરૂમનું આંગણું ચોક્ખુંચણક થતું જોયું. તેની સામે આ એક મોટું એકરબંધ પરિસર છે. તેના આંગણામાં સંખ્યાબંધ વૃક્ષો ’ને ઝાડ-પાન છે. તેની પર બેસતા પક્ષીઓ કુદરતી ક્રમમાં જ શૌચક્રિયા કરે છે ’ને ઉડી જાય છે. પાછળ મુકી જાય છે તેમની હગાર. હવે આ એક કુદરતી પ્રક્રિયા છે. પણ તેને સાફ કરવા માટે કુદરત પાસેથી જ મેળવેલું ગૅલનબંધ પાણી રીતસરનું વેડફાઈ રહ્યું છે. બાગકામમાં વપરાતા ખુરપી જેવા સાધનથી પહેલા સુકાઈ ગયેલી હગારને ખોતરવામાં આવે છે. પછી તેના કારણે પડી ગયેલા ડાઘાડૂઘીને વૉટરજેટ નૉઝલથી પાણીનો પુષ્કળ મારો ચલવીને દૂર કરવામાં આવે છે. પરિસરનો સાફસફાઈનો કોન્ટ્રેક્ટ ધરાવતી એજન્સીના કર્મચારીઓ માટે આ તેમના ઉપરીએ સોંપેલું કામ માત્ર છે. તેના પર આઈઆઈએમ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વહીવટી અધિકારીની પણ સીધી દેખરેખ નથી. એટલે આમ કરવું કેટલું જરૂરી છે? જરૂરી હોય તો પણ સાફસફાઈની આ એકમાત્ર પધ્ધતિ છે? કોઈ વૈકલ્પિક ઉપાય છે? આવા સવાલોના જવાબ આઈઆઈએમ કૅમ્પસ પરથી મળતા નથી. એ જવાબ અહીંથી દૂર આવેલા દિલ્હીમાંથી મળે છે. વાંચનારને જાણવું રસપ્રદ થઈ પડશે કે દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા અને એકરબંધ વિસ્તારમાં ફેલાયેલા અક્ષરધામ પરિસરમાં / http://www.swaminarayan.org/ પણ આવી જ સમસ્યા છે. પણ તેનો ઉકેલ સ્વામિનારાયણ સંસ્થાના સેવક સાધુ-સંતો જરા જુદી રીતે કરે છે. માત્ર થોડા લિટર પાણીના ઉપયોગથી પ્લાસ્ટિકની આરી વડે ચરકને ખોતરી, ડાઘાડૂઘી દૂર કરી ડોલ પાણીની મદદ વડે પિંકસ્ટોન પરથી પક્ષીઓની હગારને દૂર કરવામાં આવે છે.

વપરાશ અને નિભાવ ખર્ચની રીતે ‘સફેદ હાથી’ ગણાય છે તેવી સફેદ કલરની અને રંગ-રંગીન ગાડીઓની સંખ્યા દેશમાં વધતી ચાલી છે. તેના પગલે પાણીના વેડફાટનું પ્રમાણ પણ વધ્યું છે. ચપટીક ડાઘાડૂઘી ધરાવતી ગાડીને વૉટરપાઇપથી ગૅલનબંધ પાણીનો વેડફાટ કરીને ધોવામાં આવે છે. કેટલીક વાર એ કામ ચાલુ વરસાદે થતું પણ જોઈ શકાય છે. અમદાવાદ – વડોદરા – સુરત જેવા સ્માર્ટ સિટીથી લઇને નાના શહેરોમાં કારનો ચહેરો ચકચકિત કરી આપતા વ્યવસાયી ધોરણે સેવા આપતા એકમોની સંખ્યા વધી છે. માત્ર થોડા કલાકો માટે ગણ્યાગાંઠ્યા લોકોના ખપમાં આવતી ગાડીને સાફ કરવા માટે, ધોવા માટે અર્ધી ડોલ પાણી બસ થઈ પડે. તેના બદલે આવતીકાલે પાણીની ઉપલબ્ધિ જ સમૂળગી ધોવાઈ જાય તે હદે આજે પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેની વિસ્તૃત વાત નવેસરથી અને નવા વિડિઓ સાથે કરીશું એ નક્કી જાણજો.

(તસવીર : બિનીત મોદી અને વિડિઓ લિન્ક યુ-ટ્યૂબના સૌજન્યથી)

1 comment:

  1. કોઈ સ્હેજજેય સુધરવાનું નથી, મોટા દંડ/ જેલની સજા જેવાં પ્રાવધાન કાયદામાં હોય અને એનો ચુસ્તીથી અમલ થાય તો જ કોઈકે ય ફેર પડે. આમ કહું છું ત્યારે હું નમ્રતાથી ધ્યાન દોરું કે, હું મારા તેમ જ કુટુંબીજનો/ મદદગારો દ્વારા થતા પાણીના ઉપયોગ/ વેડફાટ બાબતે ઘણો જ સતર્ક છું.

    ReplyDelete