ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta
27 માર્ચ 1944 થી 19 જાન્યુઆરી 2019 (અમદાવાદથી
અમદાવાદ)
(1981, દુબઈ પ્રવાસની સ્ટુડીઓ તસવીર યાદગીરી)
|
મારા મમ્મી
સુધાબહેનને ત્રણ બહેનો છે અને એમ મારે ત્રણ માસી. પચીસ વર્ષ પહેલા 1994ની આસપાસ એ સંખ્યામાં એક મજબૂત ઉમેરો થયો એ નામ
એટલે ઇન્દુમાસી. ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta. હા, એ જ ‘દુનિયાને ઊંધા
ચશ્માં’ના માળાના શ્રીમતીજી. ઘણા બધા માટે જાડીકાકી. થોડા
લોકો માટે ઇન્દુબા. અમદાવાદમાં એ જ્યાં રહેતા એ પેરેડાઇઝ અપાર્ટમન્ટમાં / Paradise Apartment,
Ambawadi, Ahmedabad એમને પહેલીવાર મળ્યો ત્યારે એ મારા માટે શ્રીમતી
તારક મહેતા હતા, સંબોધન કદાચ ઇન્દુબહેનનું જ કરતો હોઇશ. એકવાર મને કાંઠલેથી
પકડ્યો. કહે કે મહેતાને તમે તારકકાકા કહો છો તો હું તમારા માટે બહેન કેવી રીતે
ગણાઉં. તમે મને ઇન્દુમાસી કહી શકો. તો આમ જાડીકાકી મારા માટે ઇન્દુમાસી બની ગયા.
ઇન્દુબહેન
– તારકભાઈને પહેલીવાર મળ્યો ત્યારે હું કુંવારો હતો. પછી લગ્ન થયા. તેમની સાથેના
વ્યવહારમાં આ સંબોધન એટલું વણાઈ ગયું હતું કે લગ્ન પછી પત્ની શિલ્પાને હું માસીના
સંદર્ભમાં કોઈ પણ બાબત-સમાચાર જણાવતો ત્યારે એ આપોઆપ સમજી જતી કે ઇન્દુમાસીની વાત
થાય છે. સગાં ત્રણ માસીની વાત નામોલ્લેખ સાથે કરવી એવી અમે અમલ સમજૂતી કરી હતી.
અમદાવાદમાં મારી કામની જગ્યા ગૂર્જર પ્રકાશનની ઑફિસ અને તેમનું ઘર પેરેડાઇઝ
અપાર્ટમન્ટ બન્ને આંબાવાડી વિસ્તારમાં. એ કારણે વિશેષ અવર-જવર રહેતી. મળવામાં અઠવાડિયાથી
વધારે અંતર પડે એટલે અચૂક ફોન આવે. તેમને મળ્યા પછી હું ઘરે પહોંચીને સાંજનું ભોજન
જે અલ્પ માત્રામાં લઉં તેના પરથી પત્નીને ખ્યાલ આવી જાય કે આજે હું મહેતા દંપતીને
ત્યાં દબાવીને આવ્યો છું. ઑફિસ આંબાવાડીમાં જ હતી તોય શિલ્પા મને પૂછે કે, ‘હું
આંબાવાડીનો આંટો મારીને આવ્યો છું કે કેમ?’
હા, મહેમાનગતિ કરવી એ ઇન્દુમાસીની હોબી હતી. કદાચ તેમને
સૌથી વધુ આનંદ એ બાબતનો. લેખક-પત્રકાર રજનીકુમાર પંડ્યાએ મારો તારક મહેતા પરિવાર
સાથે કઈ રીતે સંપર્ક કરાવ્યો તે હું અગાઉ લખી ગયો છું. (સંદર્ભ લિન્ક – http://binitmodi.blogspot.com/2017/03/blog-post.html) તેમના – પરિવારના કામમાં મેં આંશિક ધોરણે જવાબદારી
સ્વીકારી કે કામ કર્યું એ રૂએ તો મારે દર આંતરે દિવસે તેમના ઘરે જવાનું થતું
રહ્યું. પણ ઇન્દુમાસી જેમનું નામ. તેમની મહેમાનગતિમાં કોઈ ફરક નહીં. બધું પગારદાર માણસોના
ભરોસે થતું હોય પરંતુ એમ કરવાવાળાને ચાકરી ન લાગે અને મેળવનારને પોતાની સહેજ પણ
ઓછી દરકાર લેવાઈ રહી છે એવું બિલકુલ ન લાગે, ન લાગવા દે તેનું નામ ઇન્દુમાસી.
અઠવાડિયામાં આઠ વાર તેમના ઘરે જનાર મને એમણે કદી ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ન લીધો એનું મારે મન બહુ મોટું બહુમાન છે. એકવાર, માત્ર એક
જ વાર રસોઈકામની જવાબદારી સંભાળતા બહેનથી મારી આગતા-સ્વાગતામાં કે આવકારમાં કઇંક
કાચું કપાયું હશે તે તરત જ તેમના પ્રેમાળ અને બીજા અર્થમાં સત્તાવાહી અવાજમાં
જરૂરી સૂચના અપાઈ ગઈ. એવી નોંધ સાથે કે તેનો અમલ કાયમ કરવાનો છે – તેમની
ગેરહાજરીમાં હું તેમના ઘરને આંગણે હઉં ત્યારે પણ.
હરવાફરવાનો તેમનો શોખ ગજબનો. એ નિમિત્તના જે બીજા શોખ તે
પહેરવા-ઓઢવાના, ખરીદીના અને ઉત્તમમાં ઉત્તમ ભોજનના. એમના શોપિંગ લીસ્ટમાં નાસ્તાની
ચીજ-વસ્તુઓ મોખરે હોય. તારકભાઈ સાથે દેશ-પરદેશના અઢળક પ્રવાસો કરનારા તેમના પગ
મહેતાસાહેબની નાજુક તબિયત પછી બંધાઈ ગયા. તેમને ખુદને પણ આરોગ્ય સંબંધી પ્રશ્નો
હતા. એ બધા વચ્ચે તેમને કચ્છના આશાપુરા મા પર ગજબની આસ્થા – શ્રધ્ધા હતી. તારકભાઈની
સંભાળ વ્યવસ્થા ગોઠવી, તબિયતના તકાજાને ધ્યાનમાં રાખી એક જ સમયના દર્શન માટે પણ તે
કચ્છ-ભૂજ-આશાપુરાનો / Ashapura Maa Temple, Bhuj, Kachchh ત્રણ દિવસનો પ્રવાસ કાર્યક્રમ અવારનવાર ઘડી કાઢતા. ક્યારેક
અમે દંપતી (શિલ્પા બિનીત) એ કાર્યક્રમનો હિસ્સો બનતા. તેમના પરિવારના અન્ય સભ્યો
પણ સાથે હોય. લેખન-પત્રકારત્વના ક્ષેત્રમાં હોવાના કારણે એ ક્ષેત્રના સક્રિય લોકોનો
પરિચય સ્વાભાવિક હોય પરંતુ આકાશવાણી અમદાવાદમાં કાર્યરત મૌલિન મુનશીનો /
Maulin Munshi પરિચય મને મહેતા દંપતીના
કારણે થયો હતો. મૌલિનના પિતાજી તારકભાઈના ભાણેજ હતા. મૌલિનના પરિવાર માટે તેઓ
તારકમામા-ઇન્દુમામી હતા. તારકભાઈએ તેમના એકાંકી નાટકોનો એક સંગ્રહ ‘ડહાપણની દાઢ’ મને અને મૌલિનને સંયુક્ત રીતે અર્પણ કર્યો છે.
રજનીકુમાર પંડ્યા પાસેથી મળેલી તાલીમ પછી હું ઇન્દુમાસીના
હાથે ઘડાયો એમ કહું તો ખોટું નહીં. એમના વ્યવહારીક કામોની જવાબદારી એ કક્ષાની હતી
કે તેમાં મારે ઊંડા ઉતરવું જ પડે. જાતભાતના નીતિ-નિયમોની જાણકારી મળે. એ કામમાં
આવતા અંતરાયો અને ઉકેલ પણ મળતા જાય. બહુધા તારકભાઇનું નામ-ફેમ કામમાં આવે. કામની
જવાબદારી સોંપ્યા પછી પૂછગંધો પણ ના લે અને નિશ્ચિંત પણ ન થાય એ ગુણ-અવગુણ જે ગણાતું
હોય તે ભલે ગણાય – ઇન્દુમાસીમાં એ બન્ને જોવા મળ્યા. મારી દરકાર હંમેશા લે.
ઉનાળાની ભરબપોરે કે વરસતા વરસાદમાં કોઈ કામ કરવાનું હોય ત્યારે એ રિક્ષા-ટેક્ષીનો
વિકલ્પ સૂચવીને બેસી ના રહે...મારા માટે એની વ્યવસ્થા કરી જ હોય. પોતાના કે અન્યના
નાના-મોટા કોઈ લાભ માટે કદી તારકભાઈનું કે ચિત્રલેખાનું નામ ન વટાવ્યું એ તેમનો
મોટો ગુણ. કોઈને કદી એ માટે એવી સૂચના આપતા પણ ન જોયા – ન સાંભળ્યા. બાકી આ લખ્યા
એ બે એવા ચલણી નામ હતા, છે અને રહેવાના કે ભલભલા કામ ચપટીમાં પતી જાય. મહેતા
દંપતીએ આવી ખેવના કદી ન કરી.
પ્રભાબહેન શુક્લ : ઇન્દુમાસીના માતુશ્રી |
પોતાને કાચનું વાસણ ગણાવનારા તારકભાઈની કાળજીપૂર્વક દરકાર
રાખનાર ઇન્દુમાસી સાથે બધું મળીને પચીસેક વર્ષનો સંબંધ રહ્યો. પાછલા પાંચેક વર્ષ
તેમના આરોગ્યની ચિંતા કરાવનારા રહ્યા. અધરાતે – મધરાતે દોડવું પડે. સારવાર
મેળવવામાં કદી કચાશ ન રાખી એ એમનો મોટો ગુણ. સારવારમાં સામેલ ડૉક્ટરો સાથે સીધો
સંપર્ક રાખે. પારિવારિક સંબંધ પણ ખરો. હોસ્પિટલની – ડૉક્ટરની સૂચનાઓનું અક્ષરશઃ
પાલન પણ કરે અને કંટાળે ત્યારે થોડું બાજુ પર પણ મૂકે. તારકભાઈની યાદ કાયમ રાખનારા
પુસ્તક ‘સ્મૃતિ
વિશેષ’ના 28 ડિસેમ્બર 2018ના
રોજ અમદાવાદમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમ માટે સગાં-સંબંધી-મિત્રો-પરિચિતો ઉપરાંત
તેમની સારવારમાં અવારનવાર સામેલ થયેલા તમામ ડૉક્ટરોને પણ યાદ કરીને વોટ્સઅપ
આમંત્રણ પાઠવ્યા. આ જ પુસ્તકના 5 જાન્યુઆરી 2019ના રોજ મુંબઈમાં આયોજિત કાર્યક્રમને પણ મનભરીને માણવા રૂબરૂ
પહોંચ્યા. પ્રવાસ, ખાણીપીણી અને પરિચિતોને હળવા-મળવામાં જ પોતાનું શ્રેય જોનારા
તેમના માટે આ છેલ્લો પ્રવાસ બની રહ્યો. સ્મૃતિ પુસ્તક પ્રકાશિત થયાના પખવાડિયા પછી
19 જાન્યુઆરી 2019ની
બપોરે તેમણે આખરી વિદાય લીધી. એ અગાઉ ઇન્દુમાસીએ આખરી દરકાર એ લીધી કે તારકભાઈની
અંગત લાયબ્રેરીના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સામયિકો અને પ્રકાશિત સામગ્રીને તેનો
યોગ્ય ભાવિ ઉપયોગ કરનારા મિત્રો સુધી પહોંચતા કર્યા.
નૂતનવર્ષના આશિર્વાદ : દિવાળી 2018 |
આવતા જનમમાં મને ત્રણ નહીં ચાર માસી મળે એવી આકાંક્ષા
સાથે – આવજો ઇન્દુમાસી.
હ્રદયસ્પર્શી..
ReplyDelete🙏👌
ReplyDelete