પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, October 10, 2016

મને મદદરૂપ થનારને મારે મળવું છે

વિશોધન અધ્યારુ
પચાસમે વર્ષે બાળરોગ નિષ્ણાતને કેમ શોધી રહ્યા છે

મોજ – મનોરંજનના અનેક નવા વિકલ્પો એકવીસમી સદીમાં ઉપલબ્ધ હોવાથી સરકસના / Circus ખેલ હવે નહીંવત્ પ્રમાણમાં થાય છે. અમદાવાદમાં / Ahmedabad સરકસના તંબુ જ્યાં તાણવામાં આવતા હતા તે સાબરમતી નદીનો પટ રિવરફ્રન્ટને / Sabarmati Riverfront નામ કરી આપ્યા પછી અંગકસરતના દાવ જોવા મળતા નથી. જો કે અમદાવાદ કે તેના જેવા શહેરોમાં રસ્તા પર વાહન ચલાવવું એ અંગકસરતના દાવ કે સરકસમાં ખેલ બતાવવાથી કમ નથી.

વાહન ચલાવવું, સલામતીપૂર્વક ચલાવવું, અન્યને અડચણરૂપ ન થાય તે રીતે હંકારવું એ એક આવડત હોઈ શકે તે ખ્યાલ જ કદી આપણી આસપાસ ફરક્યો નહીં. એવો ખ્યાલ-સમજણ ઉગી નીકળશે ત્યારે મારી-તમારી, આ વાંચનારની હાજરી આ જગતમાં હશે કે કેમ એ વિશે કલ્પના જ કરવાની રહે. હાલ તો નાના-મોટા અકસ્માતોનેHit and Run કારણે રસ્તા પર હાજરી નોંધાવતા માણસની ઘડી-બે ઘડીમાં કાયમી ‘ગેરહાજરી’ નોંધાઈ જાય તેવું વાતાવરણ છે. એ પહેલાનો તબક્કો છે અકસ્માતગ્રસ્ત થનારની મદદે પહોંચી જવું. પોલીસ ફરિયાદ અને તે પછીની કાનૂની પ્રક્રિયા સંબંધી જટિલ નિયમોમાં આવેલા કેટલાક સકારાત્મક ફેરફારોને કારણે હવે અકસ્માતને સમયે મદદરૂપ થનારા મળી રહે છે. બાકી થોડા વર્ષો અગાઉ આ બાબતે પરિસ્થિતિ તદ્દન કંગાળ હતી – અદ્દલ ભારતના રસ્તાઓ જેવી જ.

પોસ્ટમાં સૌથી ઉપર જેમનો ફોટો છે તે વિશોધનભાઈ અધ્યારુ / Vishodhan Adhyaru મિત્ર પ્રણવ અધ્યારુના / Pranav Adhyaru મોટાભાઈ છે અને એ રાહે પરિચિત છે. અમદાવાદમાં વ્યવસાયે કમ્પ્યૂટર નેટવર્કિંગ સિસ્ટમના નિષ્ણાત વિશોધનભાઈને 23મી ઑગસ્ટની રાત્રે વરસતા વરસાદમાં સ્કૂટર અકસ્માત થયો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ઑફિસ કામકાજથી પરવારીને સરદાર પટેલ સ્ટેડિઅમ નજીક લખુડી તળાવડી તરીકે ઓળખાતા વિસ્તારના પાંચ રસ્તાના જંક્શન પરથી પસાર થતા અકસ્માતનો ભોગ બન્યા. રેઇનકોટ પહેરીને ઘર તરફ જવા સજ્જ તેઓ હોન્ડા ઇટર્નો સ્કૂટર પર સવાર હતા. વરસતા વરસાદમાં પણ ઝડપભેર બીજી દિશામાંથી આવતા એક્ટિવા ચાલકથી ખુદને સલામત રાખવાના પ્રયત્નમાં તેમનો અકસ્માત થયો.

રસ્તા પર પડ્યા પછી થોડી મિનિટો બાદ કળ વળી એટલે તેમને જાતે જ ખ્યાલ આવ્યો કે ખભાના હાડકાનું ડિસ્પ્લેસમેન્ટ થયું છે. એક્ટિવા ચાલક તો મદદ કરવા શેનો ઊભો રહે. સામાન્ય સંજોગોમાં અને દિવસે એક્સિડન્ટ થાય તો રસ્તા પર ટોળું વળે. એથી વિપરીત અહીં રાતનો સમય હતો અને વરસાદ ચાલુ હતો એટલે જલદીથી કોઈ મદદે આવી પહોંચે તેવી શક્યતા નહોતી. તોય રસ્તે પસાર થતી એક કાર તેમને જોઇને અટકી ગઈ. કારચાલક બાળકોના રોગોના નિષ્ણાત ડૉક્ટર હતા. તેમણે ‘શ્વાસ સહેલાઇથી લઈ શકો છો? ક્યાં દુઃખે છે? ક્યાં ઇજા થયાનું અનુભવાય છે?’ એવા સવાલ પૂછીને વિશોધનભાઈ સ્વસ્થ હોવાની ખાતરી કરી લીધી. એમ્બ્યુલન્સ બોલાવવી છે કે સારવાર માટે ક્યાં જવું છે તેની પૂછપરછ કરતાં રેઇનકોટનો કોટ દૂર કરી આપ્યો અને એર-કંડિશનર ચાલુ કરી કારમાં બેસાડ્યા. એ દરમિયાન ડૉક્ટરને યાદ આવ્યું કે તેમના ઑર્થપીડિક ડૉક્ટર મિત્રનું ઘર નજીકમાં છે. તેમની મદદ મેળવી શકાય તેમ છે. નજીકમાં જ સ્થિત સેવિયર હૉસ્પિટલમાં / Saviour Hospital / http://saviourhospital.com/ પણ સારવાર માટે જઈ શકાય તેમ હતું. જો કે પરિચિત ડૉક્ટર પાસે જ સારવાર માટે જવાનું નક્કી કરી ચૂકેલા વિશોધનભાઈએ ડૉક્ટરને સ્કૂટર બાજુ પર પાર્ક કરી અકસ્માત સ્થળથી નજીકમાં આવેલી ઑફિસ સુધી મુકી જવાની વિનંતી કરી. ડૉક્ટર મુકી ગયા.

પરિચિત ડૉક્ટર પાસે નિદાન કરાવતા ખબર પડી કે ખભાની પાંસળીનું હાડકું તૂટી ગયું છે. સારવાર અને દોઢ-બે મહિનાના આરામ પછી જ હાડકાનું પૂર્વવત સંધાન શક્ય બનશે. પ્રણવના ભાઈ લેખે સંપર્કમાં આવ્યો ત્યારથી મેં વિશોધનભાઈને તેમના કાર્યક્ષેત્રમાં સતત પ્રવૃત્ત જ જોયા છે. ફરજિયાત આરામ કરવાનો સમયગાળો ચાલુ છે. દરમિયાન કારની સર્વિસ કરાવવા ગયેલા ડૉક્ટરને ગરાજના મેકૅનિકે કારની ડિકિમાંથી કોટ કાઢીને આપ્યો. ડૉક્ટરને યાદ આવ્યું કે અકસ્માત સમયે જેમની મદદમાં અને ઑફિસ સુધી મુકવા ગયા હતા તેમનો આ રેઇનકોટ છે. ઑફિસનું લોકેશન યાદ હતું એટલે સમય મળ્યે પરત પણ આપી ગયા.

સંભવતઃ ડૉક્ટર એવા સમયે ઑફિસે આવ્યા હતા કે તેમનું નામ – સરનામું – સંપર્ક વિગત પૂછપરછ કરીને જાણી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. ખેર! વિશોધનભાઈ અધ્યારુ રસ્તા વચ્ચે તેમને મદદરૂપ થનાર ડૉક્ટરને મળવા માંગે છે. મળીને તેમનો આભાર વ્યક્ત કરવા માંગે છે. કેમ કે આ રીતે દરકાર લેનારા લોકોની સંખ્યા હવે ઓછી થતી જાય છે.

(તસવીર : બિનીત મોદી)

1 comment:

  1. માણસાઈમાં આપણી શ્રધ્ધા ટકી રહે એવી ઘટનાઓ બન્યા જ કરે છે.

    ReplyDelete