પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, May 07, 2012

પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર


પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર
તસવીર : બીરેન કોઠારી

ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર
નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે 7 મે 1912ના રોજ જન્મેલા પન્નાલાલ પટેલ / Pannalal Patel 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીના ઘરમાં અવસાન પામ્યા. તેમનો આ ફોટો પ્રજ્ઞા સોસાયટીના ઘરના ડ્રોઇંગ રૂમમાં ડિસેમ્બર – 1988ના અંતિમ દિવસોમાં પાડ્યો હતો.

પન્નાલાલ પટેલ/ Pannalal Patel ( 07-05-1912થી  06-04-1989)



શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ ટાણે મારે આ ફોટા પાછળની વાત જ કહેવી કરવી છે. તેમના સાહિત્યની વાત મીમાંસા નથી કરવી. એ હું કરી ન શકું, મારી લાયકાત પણ નથી.

કોમર્સ કૉલેજના ભણતરનું મારું પહેલું વર્ષ હતું. એ પહેલાં વાંચવાનો શોખ કેળવાયેલો. એલ.જે. કૉલેજની લાઇબ્રેરી કે એમ.જે. લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવી પન્નાલાલની નવલકથાઓ વાંચી હતી એટલે લેખકને મળવા જવાની ઇચ્છા થયા કરે. બીજું કારણ તે નાટ્યકાર ભરત દવેએ માનવીની ભવાઈનવલકથા પરથી આ જ નામે બનાવેલું ફૂલ-લેન્થ નાટક. ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં ભજવાયેલું આ નાટક જોયા પછી તેમને મળવાની ઇચ્છા બળવત્તર બની તો ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત થયેલા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈનામે ફિલ્મ બનાવવાની જાહેરાતે તેમાં ઉમેરો કર્યો. નવલકથાની પ્રસ્તાવનાના અંતે આવતું એડ્રેસ નોંધી લઈને બે-ત્રણ વાર એમના ઘર પાસેથી પસાર થયો પણ અંદર જઈને મળવાની તો શું બંગલાનો ઝાંપો ખખડાવવાની હિંમત પણ ના ચાલી. સંકોચ થતો હતો. મનમાં થતું કે તેમને મળીને શું વાત કરીશ? બીજી તરફ લેખકને મળવાનો અંદરથી ધક્કો વાગવાનું સમાંતરે ચાલુ રહ્યું. બહુ લાંબુ પણ ન ચાલ્યું એ અને એકવાર તેમના ઘરે પહોંચી જ ગયો કેમેરા સાથે. એટલા માટે કે.....

પન્નાલાલ પટેલ : કર્મભૂમિ અમદાવાદનું ઘર
તસવીર સૌજન્ય : ભરત પન્નાલાલ પટેલ 

એ દિવસોમાં જ તસવીરકાર જગન મહેતા વિશે રજનીકુમાર પંડ્યાની કોલમમાં વાંચ્યું હતું. ગાંધીજીની
ટુવર્ડસ્ ધ લાઇટતસવીરથી જગવિખ્યાત અને પૉર્ટ્રેટ ફોટોગ્રાફીમાં જેમનો જોટો ના જડે તેવા જગન મહેતા સમકાલીન સાહિત્યકારોની તસવીરો પાડતા. જો કે પરિષદ / Gujarati Sahitya Parishad જેવી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાને તેમના એ ફોટાનો કશો ખપ નહોતો એ જાણીને દુઃખી થયેલા જગનદાદાએ આગળ ઉપર એ કામ કરવાનું છોડી દીધાનું જાહેર કર્યું હતું. પરિષદ કે જગનદાદા વિશે એ સમયે વિશેષ કશું જ ન જાણતા મને લેખમાં આ વાત વાંચીને થયું કે કોઈકે તો આ કામ આગળ વધારવું રહ્યું. પન્નાલાલ પટેલને મળવા જતાં જગનદાદાનો લેખ અને તેમની વાત યાદ આવી એટલે જ કદાચ કેમેરા સાથે પહોંચ્યો તેમના ઘરે. ઓવર ટુ પ્રજ્ઞા સોસાયટી.....બંગલા નંબર પંદર.....

સાંજના સમયે મળવા ગયો ત્યારે એ માંદગીથી થાકેલા હતા. જમવાનો સમય પણ થઈ ગયો હતો. પરિવારજનોમાં મોટા પુત્ર અરવિંદભાઈ હાજર હતા. બાપુજીકહી તેમણે મારા મળવા આવવાનું કારણ જણાવ્યું એટલે રાજી થયા. ઘરના સભ્યોની ઓળખાણ કરાવતા કહ્યું કે, ‘નાનો ભાઈ ભરત અમેરિકા છે. તે રઘુવીર ચૌધરીની દીકરી દૃષ્ટિ સાથે પરણ્યો છે એટલે એ નાતે તેઓ અમારા વેવાઈ થાય.મેં ફોટો પાડવાની તૈયારી કરી તો એમણે કપડાં વ્યવસ્થિત કરતા સ્વેટર પહેર્યું.

પન્નાલાલ પટેલનો ફોટો પાડ્યાના ત્રેવીસ વર્ષ પછી જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ત્યારે એક રોમાંચ થાય છે. કેમ ન થાય? સાહિત્યિક કાર્યક્રમોના કે સાહિત્યકારોના ફોટા તો આજેય હું પાડું છું. પણ હા, એ ક્રમમાં આ પહેલો ફોટો છે. આજે એ યાદ કરવું ગમે છે કે પન્નાલાલને મળવાનું મન તેમના સાહિત્ય જેવી જ બળકટ પ્રતિક્રિયાને કારણે પણ થયું હતું. શી હતી એ બળકટ પ્રતિક્રિયા? 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર જાહેર થયો ત્યારે સન્માન અંતર્ગત અપાનારા એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર બાબતે પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું કે.....જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છું.એવોર્ડ સન્માનો પુરસ્કાર તો ઘણા અપાય છે, વર્ષો-વર્ષ જાહેર થાય છે...પણ તેનો આવો બળકટ પ્રતિભાવ આટલા વર્ષોમાં ફરી સાંભળવા મળ્યો નથી. એટલું જ નહીં, પન્નાલાલના સાહિત્ય સંદર્ભે પ્રકાશિત અધ્યયન ગ્રંથ કે શતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં પણ આ શબ્દો ઉલ્લેખાયા નથી.

થોડા વખત પછી ફોટાની પ્રિન્ટ લઈને તેમના હસ્તાક્ષર લેવા ઘરે ગયો ત્યારે અગાઉ જેવો કોઈ સંકોચ નહોતો રહ્યો. ઇચ્છ્યું કે ફોટાની પાછળ તેઓ તેમનો ઉપરોક્ત પ્રતિભાવ – ‘જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છુંલખીને હસ્તાક્ષર કરી આપે. પણ એટલું લખવા જેટલી શારીરિક શક્તિ રહી નહોતી એટલે માત્ર ઑટોગ્રાફથી જ સંતોષ માની લીધો. દિવસ હતો શનિવાર 18 ફેબ્રુઆરી 1989. બસ એ પછીના દોઢ મહિને 6 એપ્રિલ 1989ના રોજ તેઓ અવસાન પામ્યા.

19 comments:

  1. વાહ, બિનીતભાઈ. ટૂંકમાં, પેલી અફવા સાચી છે કે તમારે દરેક સાહિત્યકાર સાથે ઘરોબો છે! :)

    ReplyDelete
  2. rutul, you may be right. true to his profession, he loves to meet people and visit places but he is never a paparazzi, i suppose.

    ReplyDelete
  3. Rajnikumar Pandya (Ahmedabad)8 May 2012 at 14:54

    ભાઈ બિનીત,

    તારી સાહિત્યપ્રીતિ અને વિશેષ તો સાહિત્યકારપ્રીતિ મારાથી અજાણી નથી. તારો આ લેખ બહુ સંયમિત ભાષામાં સરસ રીતે લખાયો છે. અભિનંદન.

    મને આ વાંચીને એક ભૂલાયેલી ઘટનાનું સ્મરણ તાજું થયું.

    1957ના જુનથી થી 1959ના માર્ચ વચ્ચેનો કોઈ દિવસ! મારી એચ એલ કોલેજની હૉસ્ટેલથી જરી દૂર એ.એમ. ટી. એસ ના બસ સ્ટેન્ડે ઉભો હતો .મારે એક મિત્ર સાથે ઘીકાંટા રોડ પર કોઈ ફિલ્મ જોવા જવું હતું. ત્યાં એકાએક સામેના સ્ટેન્ડે આવેલી નવ નંબરની બસમાંથી લેખકોનું ટોળું ટપોટપ ઉતર્યું. પિતાંબર પટેલ, ઇશ્વર પેટલીકર, વિનોદીની નિલકંઠ, કિસનસિંહ ચાવડા અને બીજા કેટલાક. એ બધા સાગમટે ચાલીને કોઈ દિશા તરફ ગતિ કરી રહ્યા. મારી સાહિત્યકાર-પ્રીતિ પણ તારા જેવી જ હતી એ એકવીસની વયે. એટલે પ્રશ્ન થયો કે એ બધા આમ એક સાથે ક્યાં જતા હશે? જવાબ મેળવવા માટે મારા મિત્રને ફરિયાદ કરતો મેલીને મેં એ લોકો પાછળ બકરી રજકા પાછળ ચાલવા માંડે એમ ચાલવા માંડ્યું. સારી એવી વાર ચાલ્યા પછી અમે સૌ (એટલે કે હું તો પાછળ પાછળ આવેલો છોકરો) એક થોડા શણગારેલા નાનકડા બંગલા પાસે આવ્યા. એ બધા "આવો...આવો...આવો..."ના સ્વાગત વચનો સાંભળીને બંગલાની અંદર પ્રવેશ્યા અને હું પણ એવા કોઈ વચનની ખેવના વગર પાછળ પ્રવેશ્યો. તો વચ્ચે સેંથો પાડેલા વાળવાળા કોઈ સજ્જન મને પણ આવકારો આપીને અંદર દોરી ગયા.

    હા, એ પન્નાલાલ પટેલ હતા અને તે દહાડે એમના પ્રજ્ઞા સોસાયટીના આ બંગલાનું વાસ્તુ સવારે હશે પણ સાંજે એમણે આ સાહિત્યકાર મંડળીને પોતાને આ બંગલે ચા નાસ્તા માટે નોતરી હતી. અને મને ખરો 'ચાનસ' મળી ગયો. લેખક હોવાના તો મારા કોઈ દિદાર નહોતા પણ અજાણ્યા છોકરા તરીકે એમણે મને પણ આવકાર્યો, પાછળના ભાગે એક હીંચકો હતો ત્યાં મને બેસાર્યો અને પોતે પણ ઘડીક બેઠા. હાથમાં પેંડા અને ચીવડાની રકાબી થમાવી. જે હું એમની હાજરીમાં માંડ પૂરી કરી શક્યો. એમને સહેજ મરકીને મને પૂછ્યું, ક્યાંથી આવો છો? મેં જવાબ તો આપ્યો પણ મારા મનમાં એમના પરત્વેની જબ્બર અભિભુતતા હતી તે એ કે તેમની વાર્તા પરથી અગાઉ હિંદી ફિલ્મ 'ઉલ્ઝન' બની હતી. એટલે મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો તે એ કે, તમારી નવલકથા ઉપરથી ફિલ્મ બનેલી તેમાં તમે કામ કર્યું હતું કે નહિ? મારો સવાલ બાલીશ હતો પણ તેમનો જવાબ ઉડાઉ નહોતો. તેમણે મરકીને કહ્યું, "ના હોં ભૈ, મારું એ કામ નહીં".

    તો બિનીત.....આ બધું મને યાદ કરાવવા બદલ તારો આભાર!

    આગળ ઉપર તો હું તેમને અનેકવાર મળ્યો. અરે 'ઉલ્ઝન'ના ડાઇરેક્ટર એન.આર. આચાર્યની ઓળખાણ મને કવિ પ્રદીપજીએ કરાવી તે પછી મેં તેમના ઉપર આખો એક લેખ લખ્યો જે મારા પુસ્તક 'આપ કી પરછાઇયાં'માં પણ છે. પણ જે રોમાંચ પેલી સાંજે થયો હતો તેનો જોટો ના મળે.

    રજનીકુમાર પંડ્યા (અમદાવાદ)
    E-mail: rajnikumarp@gmail.com

    ReplyDelete
  4. Hi!

    I read your post on Pannalal Patel. I would tell you that your style of writing is different then others. I find much feelings then reasons behind it! Keep on writing. It is really a nice thing that tells many things about your inner self. It seems, you have many stories to tell yet. Thank you for sharing.

    Regards,

    Mayurika

    ReplyDelete
  5. એ 'ફોટા પાછળની વાત' એટલે... બસ, માત્ર લાગણી. એ અનુભવી આ વાંચીને.

    ReplyDelete
  6. ઉર્વીશ કોઠારી8 May 2012 at 18:17

    અને હા ઋતુલ, પેલી અફવા પણ સાચી કે દુનિયામાં બે પ્રકારના માણસ છેઃ-))
    સરસ પોસ્ટ.

    ReplyDelete
  7. ભરતકુમાર ઝાલા10 May 2012 at 22:22

    બિનીતભાઇ, તમારા સંસ્મરણો વાંચવાની ખરેખર મજા આવે છે. ને ગુરૂ રજનીકુમારનો પ્રતિસાદ પણ ખૂબ જ ગમ્યો.

    ReplyDelete
  8. વહાલા બીનીતભાઇ,
    પૂજ્ય પન્નાલાલભાઇના હસ્તાક્ષર અને છેલ્લો ફોટો જોઇને ગદગદીત થયા. આ રવીવારે જ તેમની લઘુ નવલ 'પાછ્લે બારણે'નૂ શ્રી ભરતભાઇ યાગ્નીકે કરેલૂ નાટ્ય રુપાન્તર 'વારસદાર' જોયુ જે ખરેખર માણવા ને જોવા લાયક હતુ. ફરીથી આભાર સાથે...

    દીપક જાની

    ReplyDelete
  9. Binit Modi (Ahmedabad)24 May 2012 at 17:49

    સૌ મિત્રો,

    બ્લોગની સાતમી પોસ્ટ (7 મે 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    સાહિત્યકારોને રૂબરૂ થવું - મળવું ગમતું હતું અને ફોટા પાડવાનો શોખ હતો. એ બેમાંથી આ નીપજી શક્યું અને તમને સહભાગી બનાવી શક્યો એનો મનેય આનંદ છે.

    રજનીકાકા - તમારા પ્રતિભાવથી એવી લાગણી થઈ જાણે પોસ્ટને માથે છોગું ઉમેરાયું. આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરુવાર, 24 મે 2012

    ReplyDelete
  10. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને એક વર્ષ પૂર્ણ થયું.
    સાતમી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 07-05-2012 to 07-05-2013 – 870
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  11. Gajajan Raval (Ahmedabad & USA)14 September 2013 at 19:55

    It would be our pleasure to go through your articles.

    Gajanan & Sharda Raval (Ahmedabad & USA)
    (Response through E-mail: Wednesday, 9 May 2012)

    ReplyDelete
  12. Shilpa Bhatt (Ahmedabad, Gujarat)14 September 2013 at 20:10

    મઝા પડી બિનીત. મારા વાચનરસની શગ સંકોરી આપવા બદલ કેટકેટલા જણનો આભાર માનું? એમાં તારો ફાળો પણ ખરો એમ કહું તો અતિશયોક્તિ નથી.

    શિલ્પા ભટ્ટ ઉર્ફે કાક ભટ્ટ (અમદાવાદ)
    (Response through E-mail: Monday, 14 May 2012)

    ReplyDelete
  13. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના 600મા દિવસ (16 ઑક્ટોબર 2013) અને 82 પોસ્ટના મુકામ પર આ સાતમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 16 ઑક્ટોબર 2013

    ReplyDelete
  14. બહુ જ સરસ લેખ બન્યો છે -ખાસ કરીને તેના લાઘવ અને સંયમિત ભાષાકર્મને કારણે; છત્તાં સઘળી ઉર્મિ-ભાવાભિવ્યક્તિની પૂરી સમાવેશાત્મક્તાથી. અભિનંદન.

    ReplyDelete
  15. Neeta Mehta (Junagadh, Saurashtra, Gujarat)18 October 2013 at 01:35

    મઝા આવી ગઈ. રજનીકુમાર પંડ્યાની કમેન્ટ આ બ્લોગપોસ્ટનું બોનસ છે.
    નીતા મહેતા (જૂનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાત)

    (Response through FACEBOOK, 16 October 2013 : BLOG Post Re-shared @ Marking 1000 Reader Count)

    ReplyDelete
  16. superb. Thoroughly enjoyed reading

    ReplyDelete
  17. Binitbhai
    Thanks a lot for wonderful article

    I am Dhiru Parekh, Editor of 'Anand Upvan' Guj monthly magazine.
    This magazine is free from Sex, Politics & Crime Stories. Full dedicated to Samaj, Sahitya & Sanskruti.

    Can I reprint this article with photos in comming issue of Anand Upvan ?
    Pl. reply soon.
    - Dhiru Parekh (Cell 9757090607)

    ReplyDelete
  18. My Mail ID : anandupvan@gmail.com
    pl. reply soon.

    - Dhiru Parekh (Cell 9757090607)

    ReplyDelete
  19. પ્રિય મિત્રો,
    સાતમી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 07-05-2013 to 07-05-2014 – 360

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete