વડાપ્રધાન.
ભારતનું વડાપ્રધાન પદ. કયા રાજકારણીને એ પામવાની ઇચ્છા ન હોય? સક્રિય
રાજકારણમાં ધોરણસરનો સમય પસાર કર્યો હોય એવા કોઈ પણને આ પદ પામવાની ઇચ્છા હોય જ. ‘આવી કોઈ ઇચ્છા નથી’ એવું
જો કોઈ કહે તો સમજવું કે કાં તો એ વ્યક્તિ રાજકારણી નથી કાં તો જૂઠ્ઠું બોલે છે. આજની
તારીખે તો શું, કોઈ પણ
વર્ષની કોઈ પણ તારીખે વડાપ્રધાન / Prime Minister of India પદની ઇચ્છા રાખનારની યાદીમાં દોઢ – બે ડઝન નામ તો હોય...હોય...ને
હોય જ. ખૂટતું હોય તો આપણું નામ ઉમેરી દેવું. યાદી પુરી કરવાની એ સહેલી રીત છે. હું
એમ જ કરું છું.
ખેર! આ તો
એક વાત થઈ. મોરારજી દેસાઈના અપવાદને બાદ કરતા અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન પદે આવ્યા
ત્યાં સુધી ભારતીય રાજકારણ અને વડાપ્રધાન પદ સાથે એક વાત એરલ્ડાઇટની જેમ જોડાઈ ગઈ હતી
કે – દેશને વડાપ્રધાનની ભેટ તો ઉત્તર પ્રદેશ જ આપે છે. વાત પણ સાચી હતી. ઉપરના બે અપવાદમાં
ગુલઝારીલાલ નંદા, એચ.બી.
દેવગૌડા, ઇન્દરકુમાર
ગુજરાલ અને હાલના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું એમ વધુ ચાર નામ ઉમેરો તો ખ્યાલ આવશે
કે જવાહરલાલ નેહરૂથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના વડાપ્રધાનો ઉત્તરપ્રદેશના રાજકારણ
સાથે નાતો ધરાવતા હતા.
ખેર! આ તો
બીજી એક વાત થઈ. પણ એટલું કહું કે ચરણસિંહ ચૌધરી અને ચંદ્રશેખર સિવાયના એક ડઝન વડાપ્રધાનોમાંથી
કોઈએ આ પદ મેળવવા કાવા-દાવા કર્યા નથી. દેશના સર્વોચ્ચ બંધારણીય પદોમાંના એક ગણાતા
એવા સ્થાન પર તેઓને કોઈ તિકડમબાજી કર્યા વગર જ સ્થાન મળ્યું છે. યાદી જુઓ એટલે સમજાઈ
જશે. જેમ કે.....
જવાહરલાલ
નેહરૂ – પ્રથમ વડાપ્રધાન. રાષ્ટ્રપિતા ગાંધીજીએ મંજૂરીની મહોર મારેલું નામ.
ગુલઝારીલાલ
નંદા – જવાહરલાલ નેહરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનના પગલે ચૌદ – ચૌદ દિવસના ટૂંકા
ગાળાની બે મુદત માટે પદ પર આવેલા.
લાલ બહાદુર
શાસ્ત્રી – જવાહરલાલ નેહરૂના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
ઇન્દિરા
ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
મોરારજી
દેસાઈ – કટોકટી સમાપ્ત થયે સત્તા પરિવર્તન માટે જાહેર થયેલું સર્વસંમત નામ.
રાજીવ
ગાંધી – ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
વિશ્વનાથ
પ્રતાપસિંહ – સત્તા પરિવર્તનનો યોગ બીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
પી.વી.
નરસિંહરાવ – રાજીવ ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
અટલ બિહારી
વાજપેયી – સત્તા પરિવર્તનનો યોગ ત્રીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ જેનો
લાભ વાજપેયીને સતત ત્રણ ટર્મમાં મળ્યો.
એચ.બી.
દેવગૌડા – વાજપેયી સરકારે ટુંકા ગાળામાં બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત
નામ જે પદ પર આવવાના આગલા દિવસ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતું.
ઇન્દરકુમાર
ગુજરાલ – દેવગૌડા સરકારે બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જેણે વિદેશ
પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહીને પણ સર્વોચ્ચ પદ પામવાના કોઈ કાવા-દાવા કર્યા નહોતા.
ડૉ. મનમોહન
સિંહ – સત્તા પરિવર્તનનો યોગ ચોથી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
ખેર! આ તો
ત્રીજી જ એક વાત થઈ. પરંતુ ઉત્તર પ્રદેશનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ ના ધરાવતા હોઈએ અને
પદ પર પહોંચવા માટેની તિકડમબાજી પણ ના કરવી હોય (અથવા આવડતી ના હોય) તો દેશના આ સર્વોચ્ચ
સ્થાને પહોંચવાની કોઈ ચોથી જ એવી તરકીબ છે ખરી?
“હા, છે.”
“ક્યાં?”
“અમદાવાદમાં.”
“શું વાત કરો છો.”
“જુઓ, આ અમદાવાદ
છે ને તે એક એવું શહેર છે જેણે દેશના એક નહીં, બબ્બે નાણામંત્રીઓને વડાપ્રધાન બનવાની તક પૂરી પાડી છે.”
“યાર જરા ફોડ પાડીને વાત કરો.”
“જુઓ સમજાવું. મોરારજી દેસાઈની તો ખબર
નથી પણ વિશ્વનાથ પ્રતાપસિંહ અને ડૉ. મનમોહન સિંહને તો આ અમદાવાદ શહેરે જ વડાપ્રધાન
બનાવ્યા છે.”
“કેવી રીતે?”
“એ બન્નેએ કેન્દ્રીય નાણામંત્રીના હોદ્દા પર રહેતા અમદાવાદ આવીને
જે તે બેન્કની મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના કેટલાક સમય પછી તેઓ બન્ને ભારતનું
વડાપ્રધાન પદ પામ્યા, કોઈ કાવા-દાવા કર્યા
વિના.”
“ના હોય?”
“જુઓ, આ રહ્યા ફોટા.”
ઇન્કમટેક્ષ ચાર રસ્તા નજીક આજે પણ કાર્યરત એવી કાલુપુર બેન્કની / Kalupur Bank હેડ ઓફિસનું ઉદ્ઘાટન વિશ્વનાથ પ્રતાપસિંહે 26 જૂન 1986ના રોજ કર્યું એ પછીના ચોથા વર્ષે એ દેશના વડાપ્રધાન પદે પહોંચી ગયા હતા.
એ રીતે ડૉ. મનમોહન સિંહે 2 એપ્રિલ 1994ના દિને નેહરૂબ્રીજ સામેના સાકાર – 1 બિલ્ડીંગમાં યુટીઆઈ બેન્કની / UTI Bank Limited મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના અગિયારમા વર્ષે 2004માં તેઓ વડાપ્રધાન પદે આરૂઢ થયા હતા. અરે, આજકાલ કરતાં એ ઘટનાને આજે 22મી મે ના દિવસે આઠ વર્ષ પૂરા પણ થયા. હા, યુટીઆઈ બેન્કનું નામ અને સ્થાન બન્ને બદલાઈ ગયા છે. હવે તે એક્સિસ બેન્કના / AXIS Bank Limited નામે લૉ-ગાર્ડન નજીક સમર્થેશ્વર મહાદેવ સામે કામ કરતી જોવા મળે છે.
ઇન્કમટેક્ષ સ્થિત કાલુપુર બેન્કની ઈમારત |
એટલે શું છે કે
દેશના વડાપ્રધાન પદે પહોંચવાની એક ચાવી ઉત્તર પ્રદેશ પાસે છે તો બીજી ચાવી ગુજરાતના
અમદાવાદ શહેર પાસે છે. માનો યા ના માનો, મરજી છે આપની. હા, એના માટેના
ઇચ્છુક જણે અમદાવાદમાં બેન્કની શાખાનું ઉદ્ઘાટન કરવું પડે. અને હા, રિવરફ્રન્ટની
રેતીનો ઢગલો સહેજ મોટો કરીને ‘બેન્ક’નું નામ આપી રિબન કાપી દેવા માત્રથી પણ કંઈ ઉદ્ઘાટન થતું નથી
કે નથી થવાતું વડાપ્રધાન.
ડૉ. મનમોહન સિંહે અમદાવાદમાં બેન્કની આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યુંત્યારે 1983માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા |
એ સિવાયની તસવીરો : બિનીત મોદી
good collection of the photographs.....
ReplyDeleteમને એમ કે અમદાવાદ અને વડાપ્રધાનના શિર્ષકવાળી, અને તેમાંય આજના સંજોગોમાં લખાયેલી આ પોસ્ટમાં મોદીનું નામ છેવટે અંત ભાગેય, એકાદ વાક્ય પૂરતું ય આવશે જરૂર. તમારી આ પ્રિય પંચિંગ બેગને છેડ્યા વગર તમે કેવી રીતે રહી શક્યા? આવો આકરો સંયમ અને આવી અઘરી શિસ્ત તમે કેવી રીતે કેળવી શક્યા, બિનીત ભાઈ?
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની નવમી પોસ્ટ (22 મે 2012)ના પ્રતિભાવો માટે આભારી છું. ખરેખર જ હરતાં ફરતાં ધ્યાને ચઢેલી બાબત પર લખી શક્યો એનો આનંદ. કાલુપુર બેન્કના ઉદ્ઘાટન માટે આવ્યા તેના બરાબર એક વર્ષ અગાઉ અનામત આંદોલનની આડમાં થયેલા કોમી રમખાણોની જાત તપાસ માટે આવેલા વી.પી. સિંહ તેમના મિત્ર અને આપણી ભાષાના ગઝલકાર શેખાદમ આબુવાલાને મળવા તેમના પોળના ઘરે હોદ્દાના કોઈ ભાર વગર પહોંચી ગયા હતા.
બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 5 જૂન 2012
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને એક વર્ષ પૂર્ણ થયું.
નવમી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 22-05-2012 to 22-05-2013 – 490
બિનીત મોદી (અમદાવાદ)
પ્રિય મિત્રો,
ReplyDeleteનવમી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 22-05-2013 to 22-05-2014 – 210
બિનીત મોદી (અમદાવાદ)