ભારતનું સંસદભવન : જૂનું અને નવું |
ટેકેદારોના આશરે સરકારની રચના કરવાની હોય ત્યારે અપક્ષ
ધારાસભ્યો કે સંસદસભ્યોનો બહુ ખપ પડે. તેમનો ટેકો લેવો જરૂરી બની જાય. ગુજરાતમાં
રાજ્ય સરકારની રચના માટે અપક્ષ ધારાસભ્યોનો ટેકો લેવો પડ્યો હોય એવા પ્રસંગો એકથી
વધુ વાર સપાટી પર આવ્યા છે અને પાર પડ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારની રચના કરવા,
ગાબડું પુરવા કે તેનું ગાડું ગબડાવવા માટે ગુજરાતના અપક્ષ સંસદસભ્યની ટેકારૂપ જરૂર
પડી હોય એવો કોઈ દાખલો નથી.
હા, ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે ખરા.
તેમાં પહેલું નામ લેવાનું આવે તુલસીદાસ કિલાચંદનું. અલગ ગુજરાત રાજ્યની રચના નહોતી
થઈ ત્યારે પહેલી લોકસભા 1952માં તેઓ મુંબઈ પ્રાંતની મહેસાણા પશ્ચિમ બેઠકથી ચૂંટાઈ
આવ્યા હતા. બીજી લોકસભાથી આ બેઠક ‘પાટણ’ નામે નવું નામકરણ પામી. તુલસીદાસ કિલાચંદ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ હતા અને
તેમના પિતા દેવચંદ કિલાચંદનો પરિવાર મહેસાણા, પાટણનો વતની હોવાના કારણે ચૂંટણી
ઉમેદવારી કરવા ગુજરાત આવ્યા હતા. વિજેતા થઈને સંસદમાં પહોંચી ગયા. પહેલી લોકસભાની
મુંબઈ-ગુજરાત પ્રાંતની ઓગણીસ બેઠકોમાં તેઓ સૌથી ઓછા એવા માત્ર 4,064 મતના તફાવતથી
વિજેતા થયા હતા. એ પછી બીજી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા.
એવી જ રીતે પહેલી લોકસભામાં ગુજરાત પ્રાંતથી જે બીજા
અપક્ષ સંસદસભ્ય ચૂંટાઈ આવ્યા તે ઇન્દુભાઈ ભાઈલાલભાઈ અમીન. વડોદરા પશ્ચિમ બેઠકથી
તેઓ ચૂંટાઈ આવ્યા હતા. આ સમયે પંચમહાલ અને વડોદરા પૂર્વ એ નામથી બે લોકસભા બેઠકો પણ
હતી. એક સામાન્ય અને બીજી અનુસૂચિત જનજાતિ માટે ST અનામત. બીજી લોકસભાથી વડોદરા અને પંચમહાલના ફાળે એક-એક બેઠક જ રહી.
1957માં બીજી લોકસભા ચૂંટણી યોજાઈ એ સમયે મુંબઈ રાજ્ય
અંતર્ગત આવતા ગુજરાત પ્રાંતની પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા.
મહેસાણાથી પુરૂષોત્તમદાસ રણછોડદાસ પટેલ, પાટણથી મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર,
અમદાવાદની સામાન્ય બેઠક પર ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તેમજ અનુસૂચિચ જાતિ માટે SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અને ખેડા બેઠક પરથી ફતેહસિંહજી
રતનસિંહજી ડાભી. આ પાંચ સંસદસભ્યોમાંના પુરૂષોત્તમદાસ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક
સમય જતા અનુક્રમે કૉંગ્રેસ તેમજ અન્ય પ્રાદેશિક પક્ષમાંથી બીજી મુદત માટે ચૂંટાઈ
આવ્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક તો ફરી વાર ચોથી લોકસભામાં અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ
આવ્યા અને એ પછી પાંચમી લોકસભામાં કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા.
ઇન્દુલાલ યાજ્ઞિક પાંચમી લોકસભામાં ચોથી મુદતના સંસદસભ્ય
હતા ત્યારે મુદત દરમિયાન 17 જુલાઈ 1972ના રોજ અવસાન પામ્યા. ખાલી પડેલી બેઠક પર એ
જ વર્ષે યોજાયેલી પેટાચૂંટણીમાં જે અપક્ષ ઉમેદવાર ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા
તેમનું નામ પ્રોફેસર પુરૂષોત્તમ ગણેશ માવળંકર. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજના
આચાર્ય. પ્રોફેસર પી. જી. માવળંકર આ પછી છઠ્ઠી લોકસભામાં ગાંધીનગર બેઠકથી ભારતીય
લોકદળના ઉમેદવાર લેખે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આમ એક અર્થમાં પી. જી.
માવળંકરને ગુજરાતમાંથી ચૂંટાયેલા છેલ્લા અપક્ષ સંસદસભ્ય પણ ઓળખાવી શકાશે. તેમને
માત્ર છેલ્લા અપક્ષ સંસદસભ્ય જ નહીં, ગુજરાતમાંથી લોકસભાના ફ્લોર પર ગુંજેલા,
ગર્જેલા છેલ્લા અવાજ તરીકે પણ ઓળખાવી શકાશે. પ્રોફેસર માવળંકર લોકસભાના ફ્લોર પર
ઉભા રહી વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને ‘નો મેડમ’ અને લોકસભા સ્પીકરને ‘નો સર’ કહી અન્યાયી બાબતોનો વિરોધ કરવા માટે દેશભરમાં જાણીતા
બન્યા હતા.
છઠ્ઠી લોકસભામાં અમરેલી બેઠકથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર
ચૂંટાયેલા ઉમેદવાર દ્વારકાદાસ મોહનલાલ પટેલ લોકસભાની તેમની મુદત પછી 1980ની છઠ્ઠી
ગુજરાત વિધાનસભામાં અમરેલીના અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મતલબ કે
કૉંગ્રેસ પક્ષે તેમના જ પૂર્વ સંસદસભ્યને વિધાનસભાની ટિકિટ નહોતી ફાળવી. તો
વર્તમાન સત્તરમી લોકસભાના પંચમહાલ બેઠકના ભાજપના સંસદસભ્ય રતનસિંહ રાઠોડ લોકસભામાં
ચૂંટાઈ આવ્યા એ સમયે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય હતા. અપક્ષ ધારાસભ્ય લોકસભામાં
ચૂંટાઈ આવ્યા હોય તેવો ગુજરાતનો તેઓ પહેલો અને એકમાત્ર દાખલો છે.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)
No comments:
Post a Comment