પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, May 03, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના બિનહરીફ સંસદસભ્યો

 

ભારતીય સંસદ


સવા દોઢ મહિના પછી ખુલવાનું હતું એ ખાતું એપ્રિલના અંતમાં ખુલી ગયું છે. અઢારમી લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું અને બોંતેર કલાક કરતાં પણ ઓછા સમયમાં પહેલું પરિણામ આવી ગયું. પરિણામ એવી જગ્યાએથી આવ્યું જ્યાં હજી મતદાન યોજાયું નથી. સુરત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ. ભારતીય જનતા પક્ષે તેના લોકપ્રિય નારા અબ કી બાર ચારસો પારને હકીકતમાં બદલવાના પહેલા પગથિયે પગ મુકી દીધો.


મુકેશ ચંદ્રકાંત દલાલ – અઢારમી લોકસભા માટે સુરત બેઠકના સંસદસભ્ય. બિનહરીફ વિજેતા. સત્તરમી લોકસભાના ત્રીજી મુદતના સંસદસભ્ય અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશના અનુગામી. ભાજપે ઉમેદવાર ન બદલ્યા હોત તો બીજો રેકોર્ડ થયો હોત – દર્શનાબહેન ગુજરાતના સૌથી લાંબી મુદતના મહિલા સંસદસભ્ય થયા હોત. સંભવિત ચોથી મુદત અને સંસદસભ્ય પદના વીસ વર્ષ. એમ થયું નથી, હવે થશે નહીં.


નર્વિરોધપણે, બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય એવા સંસદસભ્યોમાં મુકેશ દલાલનો નંબર દેશભરમાં પાંત્રીસમો આવે છે. છેલ્લો દાખલો શ્રીમતી ડિમ્પલ યાદવનો છે. 2012માં તેમના જીવનસાથી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળવા કન્નૌજ લોકસભા બેઠક ખાલી કરી પછી તેઓ પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પહેલીવાર ચૂંટણી લડેલા મુકેશ દલાલની જીતની સરખામણી એ રીતે પણ કરવી પડશે કે ડિમ્પલબહેનના પતિ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા અને સસરા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પિતા – પુત્ર બન્ને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા હતા.


આ સિવાય યશવન્તરાવ ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લાહ, હરેકૃષ્ણ મહેતાબ, ટી. ટી.ક્રિશ્નામાચારી, પી. એમ. સઇદ અને એસ. સી. જમીર લોકસભાના સભ્ય લેખે વખતોવખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર પદે રહેતા એસ. સી. જમીર થોડા વર્ષ અગાઉ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ નાગાલેન્ડ લોકસભા બેઠક પરથી 1967ની ચોથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમનો રાજકીય પક્ષ – નાગાલેન્ડ નેશનાલિસ્ટ ઓર્ગેનાઇઝેશન.


ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એ અર્થમાં મુકેશ દલાલ ગુજરાત રાજ્યના પહેલા બિનહરીફ સંસદસભ્ય ગણાશે. 1951-52માં યોજાયેલી પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પ્રાંતની હાલાર બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી હતી. હાલાર એટલે આજની જામનગર લોકસભા બેઠક જેના 2024ના ભાજપના ઉમેદવાર અને બે મુદતના સંસદસભ્ય પૂનમબહેન માડમ ગુજરાતના મહિલા ઉમેદવારોમાં તેમની સૌથી વધુ સંપત્તિને લઇને ચર્ચામાં છે.


પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પંચમહાલ અને વડોદરા પૂર્વ બેઠકની બીજી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર કૉંગ્રેસ પક્ષના રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે તેઓએ પહેલી લોકસભાના સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. પહેલી લોકસભામાં અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા હતા.


આમ અમદાવાદ બેઠકની 1956ની પેટાચૂંટણીના બિનહરીફ વિજેતાને લક્ષમાં લઇએ તો સડસઠ-અડસઠ વર્ષ પછી સુરતના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ છે જેઓ નિર્વિરોધપણે લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. 1984ની આઠમી લોકસભા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો સાથે લોકસભામાં ખાતું ખોલ્યું હતું. એમાં એક બેઠક ગુજરાતની મહેસાણાની હતી. ચાલીસ વર્ષ પછી ભાજપે ગુજરાતમાં મતગણતરી પહેલા એક બેઠક મેળવીને ખાતું ખોલ્યું છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

No comments:

Post a Comment