ગુજરાતના જાહેરજીવનના ચોક્કસ સમયગાળા માટે જેમના નામ-કામની નોંધ લેવી અનિવાર્ય
ગણાય તેવા વકીલ કૃષ્ણકાંત વખારીઆના / Krishnakant Vakharia પુસ્તક ‘યુગદર્શન’ / Yugdarshan વિશે ‘નિરીક્ષક’માં વાંચ્યું. પછી એ પુસ્તક પણ જોવાનું
થયું. આ પ્રકારનાં સંભારણાં જાહેર જીવનને લગતા દસ્તાવેજોની અછતમાં ઉપયોગી નીવડી
શકે છે, જો તેમાં માહિતીની ખરાઈની ચીવટ જળવાઈ હોય તો. દુર્ભાગ્યે આ પુસ્તકમાં
સામાન્ય વિગતો-સાલવારીની ગંભીર ભૂલો ઠેર ઠેર જોવા મળે છે, જે પુસ્તકની સામગ્રીની
એકંદર વિશ્વસનીયતા માટે હાનિકારક છે.
જેમ કે ભારતના રાજકારણમાં યુવાનોના પ્રવેશ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, મેનકા ગાંધી અને વરૂણ ગાંધી જેવા
અલગ-અલગ અડધો ડઝન સંદર્ભે વિગત તપાસો, તો જાણવા મળે કે જૂન 1980માં એક વિમાન અકસ્માતમાં સંજય ગાંધીની / Sanjay Gandhi
અણધારી વિદાય થઈ. છતાં આ પુસ્તકમાં સંજય ગાંધીનું અવસાન વર્ષ 1982 દર્શાવ્યું છે. (પાનું 318) ‘ઑપરેશન બ્લુ સ્ટાર’ / Operation Blue Star નામથી થયેલી અતિ જાણીતી લશ્કરી કાર્યવાહીને અહીં ‘Operation Blue’ અને ‘બ્લુ ઑપરેશન’ તરીકે ઓળખાવાઈ છે. (પાનું 318 અને 320)
જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર / Vasant Gajendra Gadkar સાથેના સ્નેહસંભારણા આલેખતા કૃષ્ણકાંતભાઈ તેમની વ્યવસાયી વકીલ તરીકેની
કારકિર્દીના પ્રારંભિક ગાળા માટે લખે છે કે, ભારતીય જનસંઘની / Bhartiya Jan Sangh એક પિટિશનમાં ગડકરે ભૂલથી તેમનું (એડવોકેટ વખારીઆનું) વકીલાતનામું દાખલ
કરેલું. (પાનું 168)
સવાલ એ થાય કે આવું બને કેવી રીતે? કેમ કે જે-તે કોર્ટકેસના સંદર્ભે દાખલ થતા વકીલાતનામા પર
વકીલની સહી હોય છે. આવી ભૂલ જો થઈ હોય તો પણ આ એક જ મુદ્દા પર ભાવિ રાજકીય કારકિર્દી
પૂર્ણપણે રોળાઈ ગઈ તેવો લેખકનો દાવો વધારે પડતો છે.
પ્રકરણ 43થી 47 (પાનું 220થી 244)ના પચીસ પાનામાં કૉંગ્રેસના નેતા – ખજાનચી શ્રી
દીક્ષિતજી તરીકે વારંવાર ઉલ્લેખ પામતી વ્યક્તિ ઉમાશંકર દીક્ષિત / Uma Shankar Dikshit છે તેવી સ્પષ્ટતા
માત્ર એક જ વાર, એ પણ શરૂઆતના પાને (પાનું 222) થાય એ અધૂરી ઓળખ આપ્યા જેવું લાગે છે. બીજું કે જ્યારે પુસ્તક 2016માં પ્રકાશિત થતું હોય ત્યારે તો ઉત્તરપ્રદેશના દિવંગત નેતા ઉમાશંકર દીક્ષિત
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના / Sheila Dikshit સસરા થતા હતા એવો ઓળખ ઉલ્લેખ અનિવાર્ય
તો નહીં પણ જરૂરી તો બને જ છે. વાંચન – સમજને સરળ બનાવતા આવા સંદર્ભોની ‘યુગદર્શન’
પુસ્તકમાં સદંતર ગેરહાજરી કઠે તેવી છે.
ચુસ્ત સંપાદનના અભાવે પુસ્તકમાં ખટકે એવું પુનરાવર્તન પણ વારંવાર જોવા મળે છે.
જેમ કે વિશ્વનાથ પ્રતાપસિંહના / Vishwanath Pratap
Singh વડાપ્રધાનપદના પહેલા દિવસથી લઇને તેમના અનુગામી
બનેલા ચંદ્રશેખરના / Chandra Shekhar આ પદ પામવાના – ટકાવી રાખવાના સત્તાકીય સંઘર્ષકાળનું એકસરખું
વર્ણન બે જુદા – જુદા પ્રકરણોમાંથી મળે છે. આ બે પ્રકરણ, 65મું ‘કેન્દ્રમાં મિશ્ર લૂલી સરકારો’ (પાનું 345) અને 70મું ‘શ્રી ચંદ્રશેખર સાથેનાં સંભારણાં’ (પાનું 378) વચ્ચે માત્ર ‘પરિશિષ્ટ’નો જ તફાવત છે. આવા દાખલા ગુજરાતનું રાજકારણ –
સત્તાકારણ આલેખતા પ્રકરણોમાં પણ જોવા મળે છે.
નામો આગળથી ‘શ્રી’ ‘શ્રીમતી’ ટાળી શકાય એવાં હતાં છતાં એ વાપરવાં જ હોય તો જરા
વધારે ચીવટ રાખવા જેવી હતી. કારણ કે ભિંદરાનવાલેના નામ આગળ પણ ‘શ્રી’ લાગી ગયું
છે. (પાનું 320)
આ પુસ્તકમાં (બીજી આવૃત્તિમાં) સુધારા અશક્ય લાગે તો, પ્રસ્તાવનામાં જણાવ્યા
પ્રમાણે લેખકનાં આગામી બે પુસ્તકોમાં આ પ્રકારની પ્રાથમિક ભૂલોનું પુનરાવર્તન ન
થાય અને ગુજરાતના જાહેર જીવન વિશેની પ્રમાણભૂત વિગતો જાણવા મળે એવી અપેક્ષા રાખી
શકાય.
(યુગદર્શન, લેખક: કૃષ્ણકાંત વખારીઆ, પ્રકાશક: પ્રવીણ પબ્લિકેશન, રાજકોટ, પાનાં સંખ્યા: 480, કિંમત રૂપિયા 850/-, પ્રથમ આવૃત્તિનું વર્ષ 2016, ISBN : 978 – 93 – 81462 – 83 – 6)
(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક
પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ
પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 એપ્રિલ 2016 ના અંકમાં ‘કહું, મને કટેવ’
વિભાગ તળે ઉપરોક્ત પુસ્તક પરિચય પ્રકટ થયો હતો.)
‘નિરીક્ષક’ પાક્ષિક પીડીએફ સ્વરૂપે મેળવ્યાના તેમજ પ્રસ્તુત લેખ બ્લોગ પર અપલોડ કર્યાના દિવસો વચ્ચે તા.19 એપ્રિલ 2016ના રોજ શ્રી કૃષ્ણકાંતભાઈ વખારીઆ તરફથી મળેલા ઇ-મેલ પ્રતિભાવનો અહીં કમેન્ટ સ્વરૂપે ઉલ્લેખ કરવો અનિવાર્ય બની રહે છે. સાનંદ કે નારાજગી વચ્ચે પ્રતિભાવ પાઠવવાનો રિવાજ જાહેરજીવનમાંથી લુપ્ત થતો જાય છે તેવા સમયમાં મળેલો કૃષ્ણકાંતભાઈનો સંદેશો મીઠી વીરડી સમાન છે. આપ પણ વાંચો તે પ્રતિભાવ...
ReplyDeleteબિનીત મોદી
‘નિરીક્ષક’ પાક્ષિકમાં મારા પુસ્તક ‘યુગદર્શન’ અંગે તમારી ટીપ્પણી વાંચી ગયો. તમે પુસ્તક ઝીણવટથી જોયું છે. ભૂલો બતાવી તે યોગ્ય કર્યું છે. બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની તક મળશે તો સુધારીશ.
તમારો ખૂબ ખૂબ આભાર.