પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, April 07, 2016

યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના

નડિયાદ નગરની વતનવંદના

નવેમ્બરથી માર્ચનો પાંચ મહિનાનો સમયગાળો એવો હોય છે કે એ દરમિયાન કળા – કલાકારથી લઇને પાણીકળા (પ્લમ્બર) સુધીના વર્ગના સેમિનાર થતા હોય છે. સાહિત્ય, સંગીત, નૃત્ય, શિક્ષણ, વેપાર અને નામ બોલતા – સમજતા ના આવડે એવા ક્ષેત્રોના કંઈક પ્રકારના જાહેર કાર્યક્રમોની વણઝાર અને ભરમાર હોય. કાર્યક્રમ ગુજરાતમાં હોય તો અમદાવાદ / Ahmedabad, વડોદરા / Vadodara, રાજકોટ / Rajkot અને સુરત / Surat જેવા મોટા શહેરોને તેના આયોજનનો વિશેષ લાભ મળે છે.

માત્ર સાહિત્યક્ષેત્રની વાત કરીએ તો મોટા શહેરો સિવાય ભાવનગર / Bhavnagar, ભરૂચ / Bharuch અને નડિયાદ / Nadiad એમ ગુજરાતનાં ત્રણ નાનાં નગરો એવા છે જ્યાં સાહિત્યિક કાર્યક્રમોનું અવારનવાર અને અદકેરું આયોજન થતું હોય છે. આવો જ એક કાર્યક્રમ 13મી માર્ચ 2016ને રવિવારે પૂરા દિવસ માટે નડિયાદમાં યોજાઈ ગયો. કેન્દ્રિય સાહિત્ય અકાદેમી અને વડોદરાના બળવંત પારેખ સેન્ટરના સહયોગથી સૂરજબા મહિલા આર્ટસ્ કૉલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલ જેમનું જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે તેવા શિક્ષણકાર – નિબંધકાર યશવંત શુક્લ / Yashwant Shukla અને નાટ્યકાર જશવંત ઠાકરને / Jashwant Thaakar લગભગ અઢીસો ઉપરાંતની હાજરીએ દસ વક્તાઓ અને સદગતોના એટલી જ સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની સાક્ષીએ સ્મર્યા.

યશવંત શુક્લ
જન્મ : 8 એપ્રિલ 1915 (ઉમરેઠ, ખેડા-આણંદ જિલ્લાનું ગામ)
અવસાન : 23 ઑક્ટોબર 1999 (અમદાવાદ)
તસવીર : જગન મહેતા
કર્મભૂમિની રીતે અમદાવાદ જેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હતું એવા શબ્દકર્મી યશવંત શુક્લ અને રંગકર્મી જશવંત ઠાકરને નડિયાદ નગરે સ્મરવાનું કોઈ કારણ? આર્ટસ્ કૉલેજના પ્રાધ્યાપિકા ભાવિકા પારેખના / Bhavika Parekh આવકાર-શબ્દો અને પૂર્વ ઉપકુલપતિ તેમજ આપણી ભાષાના કવિ – નાટ્યકાર અને અકાદેમીના સંયોજક સિતાંશુ યશશ્ચંદ્રના / Sitanshu Yashashchandra આરંભિક ટૂંકા તેમજ મુદ્દાસરના સ્વાગત-વક્તવ્ય પછી કાર્યક્રમની ભૂમિકા બાંધતા સંશોધક-સંપાદક તેમજ આયોજનમાં સહભાગી સૂરજબા કૉલેજના આચાર્ય હસિત મહેતાએ / Hasit Mehta તેનું કારણ આપતા એક જ શબ્દમાં જણાવ્યું...વતન. હા, નાના-મોટા 102 ગામોના બનેલા ચરોતર પ્રદેશનું ઉમરેઠ / Umreth એ યશવંત શુક્લનું વતન અને (પેટલાદ નજીકનું) મહેળાવ / Mehlav ગામ તે જશવંત ઠાકરનું વતન. વધુ વિગતો આપતા પ્રિન્સીપાલ હસિત મહેતાએ જણાવ્યું કે આઝાદી પૂર્વેના સમયમાં નડિયાદ-આણંદ કે ખેડા નહીં પેટલાદ / Petlad નગર એ જાત-ભાતની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. આમ જણાવીને તેમણે મોટી ગેરસમજ દૂર કરી. અન્ય વક્તાઓના વક્તવ્ય સાથે ગેરસમજો દૂર થવાનો અને અહીંથી કશુંક પામીને જવાનો ઉપક્રમ આગળ વધવાનો હતો તે આ વિગત સાથે જ નક્કી થઈ ગયું.

જશવંત ઠાકર

જન્મ : 5 મે 1915 (મહેળાવ, ખેડા જિલ્લાનું ગામ)

અવસાન : 25 ડિસેમ્બર 1990 (અમદાવાદ)
કાર્યક્રમના આયોજન સંબંધે સંબંધિત સંસ્થાઓ તરફથી મળેલા વિધેયાત્મક પ્રતિભાવ અને શુક્લ – ઠાકર પરિવારો તરફથી મળેલા પ્રોત્સાહને પત્ની લિમિષા મહેતાને શર્ટના બટન નવેસરથી ટાંકવા પડ્યાની ચિંતા વ્યક્ત કરવા સાથે હસિત મહેતાનું ધ્યાન આરંભથી જ ‘ફૂલહાઉસ’ થવા માંડેલા કૉલેજના થિએટર હોલની છેલ્લી હરોળ તરફ ગયું. હોલ નાનો પડી રહ્યાની ગુન્હા લાગણીને તેમણે પ્રાયશ્ચિત રૂપે એક પંક્તિ બોલીને વાળી લીધી...તમે પણ માણો એ પંક્તિ...
દુકાન છે સાંકડી, ચા બને છે ફાંકડી...
આ સાથે આચાર્ય મહેતાએ એક સ્પષ્ટતા પણ કરી કે પહેલો બ્રેક ‘ચા’નો નહીં ‘છાસ’નો રહેશે.

સર્જકોનું શબ્દકર્મ-રંગકર્મ સર્જન
આરંભિક વક્તવ્યમાં શુક્લ – ઠાકર પરિવારનું સ્વાગત તેમજ વધુ વિગતે વાત કરતા સિતાંશુ મહેતાએ / Sitanshu Mehta ‘આચાર્યો નેપથ્યમાં ન ગયા’ની ટિપ્પણી સાથે જણાવ્યું કે, ‘રંગભૂમિ માત્ર દિગ્દર્શકોને હવાલે હોત તો આજે આ મંચ ખાલી હોત.’ આમ કહેવા સાથે જન્મશતાબ્દી સમારોહનું બીજરૂપ વક્તવ્ય આપનાર પ્રકાશ ન.શાહને તેમણે માઇકનો હવાલો સોંપ્યો.

વક્તા - મહેમાનોનું સ્વાગત
કાર્યક્રમ શરૂ થતા અગાઉ થિએટર હોલની દરેક ખુરશી પર વક્તા પરિચયના બે પાના મુકવામાં આવ્યા હતા એટલે દરેક વક્તવ્ય પહેલા સૌએ વક્તાનો પરિચય આપોઆપ જ કેળવી લેવાનો હતો. એ ક્રમમાં આગળ વધતા પ્રથમ વક્તા એવા કર્મશીલ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈએ / Prakash N. Shah યશવંતભાઈના આખરી દિવસોને યાદ કરતા જણાવ્યું કે અમે સૌ સાથીઓ નેહરૂ પુલ પર વિરોધ પ્રદર્શન સારુ માનવસાંકળ રચીને ઊભા હતા. યશવંતભાઈ માટે લાંબો સમય ઊભા રહેવું એક તાવણી હતી. પણ શરીરથી અશક્ત (બહુધા આયુષ્યના છેલ્લા દિવસોમાં) એવા તેમનો આખર સુધીનો જોસ્સો તો સ્ટૅન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડનો / ‘Stand Up and Be Counted’નો હતો. જેનો સાદો અર્થ એવો કરી શકાય કે વિપરીત સંજોગોમાં પ્રતિભાવ આપવાને એટલા ‘મજબૂત બનો જેની નોંધ લેવી પડે’.

પ્રકાશ ન. શાહ : યશવંત શુક્લના જુસ્સાનું સ્મરણ
કારકિર્દીના પ્રારંભે ‘પ્રજાબંધુ’ દૈનિકમાં સિત્તેર રૂપિયાના બાદશાહી માસિક પગારે ‘ઉપતંત્રી’ના હોદ્દે નોકરી કરતા તેમને તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહએ Chunilal Vardhman Shah કોઈ એક મુદ્દે લખાણ લખવાનું કહ્યું. યશવંતભાઈએ જે-તે વિષય સંબંધે સંદર્ભો લઈ – વાંચીને ફુરસદે લખાણ આપવાની વાત કરી તો તંત્રીએ કહ્યું કે, ‘મેં તમને વાંચવાનું ક્યાં કહ્યું છે, લખવાનું કહ્યું છે.’ યશવંતભાઈ જ્યાં હોય ત્યાં જણાવવાનું મન થાય કે 2016માં તંત્રીઓ – સંપાદકો આમ કે આવું કશું જ કહેતા નથી પણ બહુમતી લખનારા માટે કશુંય વાંચવું નહીં એ હવે શિરસ્તો બની ગયું છે. ‘પ્રજાબંધુ’માં તંત્રીલેખ લખતા ભોગીલાલ સાંડેસરાના / Bhogilal Sandesara અનુગામી બનીને જાહેર – નાગરિક પ્રશ્નોના પરિચયમાં આવેલા યશવંતભાઈ અખબારી આલમમાંથી શિક્ષણક્ષેત્રે ગયા ત્યાં સુધી એમને એક વાતનો વસવસો રહ્યો કે તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહે તેમને ‘શુક્લ’ને બદલે ‘શુકલ’ જ કહ્યા – ઓળખાવ્યા.

વક્તા તરીકે પ્રકાશભાઈની બખૂબી કહો કે ‘સિગ્નેચર સ્ટાઇલ’ કહો તે આ છે કે યશવંતભાઈના આખરી દિવસોને સંભારતા તેઓ બીજી જ ક્ષણે સાંભળનારને તેમની કારકિર્દીના આરંભનું બયાન કરી શકે છે. આમ કરીને પણ તેઓ મૂળ મુદ્દાને ન તો ભૂલે છે કે ન ચાતરી જાય છે તે તેમની એકાધિક ખૂબીઓમાંની ખૂબી નંબર બે છે.

શિક્ષણકાર તરીકે ઉમાશંકર જોશી / Umashankar Joshi, ભોગીલાલ ગાંધી / Bhogilal Gandhi, જયંતિ દલાલ / Jayanti Dalal, નગીનદાસ પારેખ / Nagindas Parekh અને મનુભાઈ પંચોળી / Manubhai Pancholi સરખા યશવંત શુક્લના સમકાલીનોને યાદ કરતા તેમણે કહ્યું કે ‘આ સહુ તેમના સાથી તેજસ્વી અધ્યાપકોને સાંખી શકતા હતા.’ અત્યારે જેનો સદંતર અભાવ છે તેવી આ યશવંતભાઈ અને સાથીઓને અપાયેલી મોટી અંજલિ હતી. આ સંદર્ભે તેઓ વાર્તાકાર ઇશ્વર પેટલીકરને / Ishwar Petlikar એમ પણ કહેતા કે ‘દૂઝણી ગાયનું પાટું ખમી ખાવું.’ (જવાબમાં પેટલીકર એમ પણ કહેતા કે મારી સાથે ખેતરે આવો તો ખબર પાડું કે ગાયનું પાટું કેવું હોય.)

એક ઇન્ટરવ્યૂ આપતા જયશંકર સુંદરીએ / Jayshankar Bhojak ‘Sundari’ તેમને કહ્યું હતું કે, ‘લખાતા અને બોલાતા શબ્દ વચ્ચેનો ગાળો એ જ અભિનય’. નાટ્યમહર્ષિ સુંદરી પાસેથી આવી સમજણ મેળવનાર યશવંત શુક્લએ તેમના આચાર્યપદ હેઠળની એચ.કે. (હરિવલ્લભ કાળીદાસ) આર્ટસ્ કૉલેજમાં રંગભૂમિને વિકસવા માટે તેમના ગાળામાં જે છૂટો દોર આપ્યો તે પ્રક્રિયાને પ્રકાશભાઈએ ‘આચાર્ય યશવંત શુક્લના સુંદરીકરણ’ તરીકે ઓળખાવી હતી. મહાગુજરાત આંદોલન સમયે તેમણે આપેલા વૈચારિક પ્રદાનને પણ આ સાથે યાદ કરવામાં આવ્યું હતું. સ્વાધ્યાયસજ્જ એવા જ સંઘેડા ઉત્તમ વક્તવ્યના સ્વામી યશવંતભાઈએ કરેલું મોટું કામ વિશ્વના વિચારપ્રવાહોને ગુજરાતગમ્ય કરતા રહેવાનું હતું.

નગીનદાસ પારેખે ‘ઇન્દિરાના નખરાં બહુ’ એવી એક ટિપ્પણી ઇન્દિરા ગાંધી / Indira Gandhi વિશેના લેખમાં કરી હશે તે સામે નારાજગી પ્રકટ કરનાર સાથી પ્રાધ્યાપક યશવંત શુક્લને પારેખ સાહેબે એમ કહ્યું કે ‘પ્રતિભાવ આપવાની તમારી શૈલી પણ તો નખરાળી છે.’ વક્તવ્યના અંતે પ્રનશાએ જણાવ્યું કે યશવંતભાઈના ગદ્ય સર્જનને ન્યાય નથી આપી શકાયો અને તે કામ કરવા જેવું છે – કરવું ઘટે.

યશવંતભાઈના નિબંધો, લેખો કે ગદ્ય સર્જન મિત્રોની દેન – પ્રયત્નોથી પુસ્તકાકાર સ્વરૂપે જાહેરમાં આવી શક્યું એવી પ્રકાશ ન. શાહની છેલ્લી ટીપ્પણીથી જ અનુસંધાન સાધતા હોય તેમ અનુગામી વક્તા પ્રા. રમણ સોનીએ / Raman Soni એવી આશા વ્યક્ત કરી કે યશવંતભાઈને મળ્યા હતા એવા મિત્રો પ્રકાશભાઈને પણ મળે જેથી વર્ષોથી લખતા પરંતુ લખાણોને પુસ્તક સ્વરૂપ આપવા પરત્વે દુર્લક્ષ સેવતા, યશવંતભાઈ કરતા પણ વધુ પ્રમાદી એવા પ્રનશાના પુસ્તકો ગુજરાતને – ગુજરાતી વાંચનારને મળી રહે. પોતાના પુસ્તકો સંદર્ભે યશવંતભાઈ એમ પણ કહેતા કે ‘લેખક હું છું, સંપાદક રઘુવીર ચૌધરી / Raghuveer Chowdhary છે.’

હસિત મહેતા, રાજેશ પંડ્યા, રમણ સોની,

જયંત મેઘાણી અને સિતાંશુ યશશ્ચંદ્ર
યશવંતભાઈની વાત કરવા શતાબ્દી સ્મરણનો દોર સાંધતા રમણ સોનીએ / Raman Soni જણાવ્યું કે એચ.કે. કૉલેજના પ્રથમ વર્ષથી લઇને એમ.એ. સુધી તેમનો વિદ્યાર્થી રહ્યો. વર્ગખંડમાં તેમને સાંભળવાનો લહાવો એવો અદભૂત હતો કે એ દરમિયાન કોઈ નોંધ થઈ શકી જ નહીં. પહેલા વર્ષના ‘યુવાન’ વિદ્યાર્થીનો ક્લાસ ત્રીજા માળે અને છેલ્લા વર્ષના કે એમ.એ.માં ભણતા પ્રમાણમાં ‘વૃધ્ધ’ વિદ્યાર્થીઓના વર્ગો ગ્રાઉન્ડ ફ્લોર પર હોય એવી શુક્લસાહેબની આગવી વ્યવસ્થા શક્તિને પણ તેમણે યાદ કરી. ‘તોફાની વિદ્યાર્થીને બહાર નીકળવાની વ્યવસ્થા કરી આપશું’ જેવી તેમની દરખાસ્ત કાયમી રહેતી અને જરૂર પડ્યે અમલ પણ થતો.

વિદ્યાર્થીકાળના સ્મરણો ઝડપથી અને ટૂંકમાં જ રજૂ કરીને રમણ સોનીએ વિષય પ્રવેશ કર્યો – સર્જકના વિવેચનો અને નિબંધો. સર્જકના પુનઃમૂલ્યાંકનની અનિવાર્યતા પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, ‘યશવંતભાઈના વિવેચન લેખોમાં વર્ષ સંદર્ભ તો નથી, ક્યાંક તો પુસ્તક અને લેખકનું નામ પણ નથી.’ ઐતિહાસિક ધોરણે તેનું મૂલ્યાંકન કરવામાં ખૂબ અગવડ પડે તેવી ટિપ્પણી સાથે એક દાખલો આપતા સોનીસાહેબે કહ્યું કે ‘જયાબહેન’ એવો વારંવાર ઉલ્લેખ આવતા એક લેખમાં વાંચતા-વાંચતા ઠેઠ છઠ્ઠે પાને પહોંચતા માલૂમ પડે છે કે તે અનુવાદક જયા મહેતાના પુસ્તક – અનુવાદની વાત છે. સ્ત્રોત / Source / સોર્સની ગેરહાજરીમાં ચાલુ રહેતી, રાખવી પડતી અટકળોની પરિસ્થિતિને તેમણે દુઃખદ ગણાવી હતી.

‘સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે’ એવી કવિ કલાપીની ખ્યાત ઉક્તિનો અર્થવિસ્તાર કરતા યુવાન વિવેચક યશવંત શુક્લ ‘કલાપીએ નવું કશું જ કહ્યું નથી’ એમ કહેવાની હિંમત દાખવતા આગળ વધતા કહે છે કે ‘નડિયાદ પહોંચવા માટે નડિયાદ જવું પડે’ એમ કોઈ કહે તેના જેવી જ તે એક સીધી-સાદી ઉક્તિ છે.

‘ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે’ એવી ટિપ્પણી કરનાર સુરેશ જોશી / Suresh Joshi સામે તેમણે એ વાતને હજી ‘ઘણું છેટું છે’ કહી પ્રતિવાદ કર્યો તે ઘટનાક્રમને રમણ સોનીએ મહત્વનો લેખાવ્યો હતો. ઉત્તમ નિબંધોના સર્જકે ‘જીવન એટલે સમય દળવાની ઘંટી’ જેવા ગુણવંત શાહના / Gunvant Shah ચબરાકિયા વિધાનો સામે શું કામ આફરીન પોકારી જવું પડે તે ન સમજાય તેવો અને કાયમી અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન છે તેવી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરીને તેમણે પોતાની વાત પૂરી કરી.

યશવંતભાઈએ કરેલા ત્રણ પુસ્તક અનુવાદોની નોંધ લેતા પુસ્તક પ્રસારક – પ્રકાશક જયંત મેઘાણીએ / Jayant Meghani જણાવ્યું કે મૅકિયાવેલીનું ઇટાલિયનભાષી ‘ધ પ્રિન્સ’ પુસ્તક સોળમી સદીમાં પ્રકટ થયું હતું. વાયા અંગ્રેજી થઇને ચારસો વર્ષે તેનો ગુજરાતી અનુવાદ નામે ‘રાજવી’ આપણને તેમની પાસેથી મળ્યો. સમયખંડના આટલા મોટા પટ છતાં તેમાંનું ગદ્ય ક્યાંય ખૂંચતું નથી એ અનુવાદકની મોટી સિધ્ધિ છે.

હેનરિક ઇબસનના નોર્વેજિયન નાટકનો અંગ્રેજી અનુવાદ ‘ધ લેડી ફ્રોમ ધ સી’નો ગુજરાતી અનુવાદ ‘સાગરઘેલી’ નામે (વર્ષ 1964) અને બર્ટ્રાન્ડ રસેલના ચિંતન-વિચાર ગ્રંથ ‘પાવર : અ સોશિઅલ અનાલિસીસનો ગુજરાતી અનુવાદ ‘સત્તા’ નામે (વર્ષ 1970) યશવંત શુક્લ પાસેથી મળ્યો. રસિકલાલ છો. પરીખ તેમના વિદ્યાર્થી યશવંતે કરેલા અનુવાદનો શબ્દે-શબ્દ જોઈ ગયા છે તેવી શિષ્યની પુસ્તકમાં સમાવિષ્ટ કેફિયતનો ઉલ્લેખ કરવા સાથે જયંતભાઈએ જણાવ્યું કે મૂળ કૃતિ જોતાં ક્યાંક તો એમ પણ લાગે છે કે અનુવાદકને પટ સાંકડો પડ્યો છે. યશવંતભાઈએ કરેલા અનુવાદો નવેસરથી આજના વિદ્યાર્થીઓને આપીને સંપાદિત અનુવાદનો નવો અભિગમ કેળવી શકાય તેમ છે. આજના ગુજરાતી અનુવાદ જગતમાં તેની ગેરહાજરી છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે વિદેશી ભૂમિ પર વર્ષો અગાઉ આલેખન પામેલી રચના સંદર્ભે ત્યાંના ચિત્રો, નકશા, સંદર્ભ નોંધ, ફૂટનોટ કે ટિપ્પણીનું ઉમેરણ કરવામાં આવે તો નવા દાખલ થતા વાચક માટે તે વધુ વાચનક્ષમ બનાવી શકાય છે.

‘સત્તા’ની પ્રસ્તાવનામાં યશવંતભાઈની એક નુક્તેચીની ‘એકાધિક પુનર્મુદ્રણો થયા હોવા છતાં રસેલે એને મઠારવાની – નવસંસ્કરણ કરવાની તકલીફ નથી લીધી. કંઈ નહીં તો દ્રષ્ટાંતો બદલાવી શક્યા હોત અથવા બીજા વિશ્વયુદ્ધ પછીની સ્થિતિને લક્ષમાં રાખીને વિસ્તારી શક્યા હોત’ – આ ટિપ્પણીમાંથી જ સંપાદિત અનુવાદનો ખ્યાલ મળે છે તેમ જણાવતા જયંત મેઘાણીએ પોતાની વાત પૂર્ણ કરતા ઉમેર્યું કે તેમના અનુવાદિત પુસ્તકો આ કળા શીખવા કે શીખવવા માંગનાર માટે પાઠ્યપુસ્તકની – ટેક્સ્ટ-બુકની ગરજ સારે તેવા છે.

દિવસના બે ભાગમાં વહેંચાયેલા સેમિનારમાં સવારનો ભાગ યશવંત શુક્લના ફાળે હતો તો બપોર પછીની બેઠકમાં જશવંત ઠાકરની / Jashwant Thaakar સાથે બન્નેનું સ્મરણ કરવાનો ઉપક્રમ હતો. ત્રણ વક્તવ્યો પછી હવે વારો હતો સ્વજનો દ્વારા સ્મરણનો. એ પરંપરામાં પહેલો વારો હતો યશવંતભાઈના પુત્રી નીલાબહેનનો – નીલા જયંત જોશીનો.

પુત્ર અભિજાત જોશીને સાંભળતા નીલા જયંત જોશી
તત્વજ્ઞાનના નિવૃત્ત પ્રાધ્યાપક એવા નીલાબહેને / Neela Jayant Joshi તેમને આ વિષય ભણવાનું સૂચવનાર હીરાબહેન અને રામનારાયણ વી. પાઠકનું / Ramnarayan V. Pathak પહેલું સ્મરણ કર્યું. સાથે તેમણે આપેલા નામ ‘દેવકીબાઈ’ને પણ યાદ કર્યું. પિતાજી વિશે મીઠી ફરિયાદ કરતા કહ્યું કે, ‘વાચકો, ભાવકો, વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો અને મિત્રોને તેમના સંગનો જેટલો લાભ મળ્યો છે એટલો અમને સંતાનોને નથી મળ્યો.’ ચાર બાળકોની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે વિધવા થયેલી મા સાથે ઉમરેઠ / Umreth ગામમાં વિતેલા યશવંતભાઈના સંઘર્ષપૂર્ણ બાળપણને સ્મરતા તેમણે એક કહેવતને પણ યાદ કરી – ‘ઉમરેઠ ગામના ઊંડા કુવા, દીકરી આપે તેના મા-બાપ મુઆ’. વિષમ કૌટુંબિક સંજોગો વચ્ચે કિશોર વયે પહોંચેલા યશવંતે આર્થિક ઉપાર્જન માટે ગોરપદું જ કરવું એવા મોટાકાકાના આગ્રહને બાના સાડલાની સોડમાં સંતાઇને ‘બા, મારે આ નથી કરવું, ભણવું છે’ કહીને કેવો નકાર્યો તેનું સાંભળનારને આંખમાં કોઈ પણ ક્ષણે આંસુ લાવી દે તેવું બયાન નીલાબહેને કર્યું. તેમણે કરેલા વર્ણન પરથી એ પણ સમજાય કે આમ ન થયું હોત તો આપણને યશવંતભાઈ શિક્ષણકાર રૂપે ન મળ્યા હોત.

પિતાને ‘ભાઈ’નું સંબોધન કરનાર નીલાબહેન યાદ કરે છે કે જૂના પ્રેમાભાઈ હોલની તેમની નોકરીને કારણે જ નાટકના રિહર્સલ જોવા મળતા હતા. એકવાર નાટક ભજવાઈ ગયા પછી ‘ભાઈ,તમે ત્રીજી હરોળમાં બેઠા હતા ને?’ એવું પૂછતી નીલાને ‘તું નાટક કરતી હતી કે મને જોતી હતી?’ એવી વઢ પણ પડે છે. યશવંતભાઈ ભૂલો કાઢે એવો ડર સતાવતો રહેવાને કારણે જ લગ્ન પછી ‘જોશી’ પરિવારમાં પહોંચેલા નીલા શુક્લ તેમનો પીએચ.ડીનો શોધનિબંધ / થિસીસ સસરાને બતાવતા પણ પપ્પાને નહીં.

વક્તાઓ સાથે યશવંત શુક્લનો બૃહદ પરિવાર
ભાઈ (યશવંત શુક્લ)ને કારણે જ રા.વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી / Vishnuprasad Trivedi જેવા સાક્ષરોનો અંતરંગ પરિચય થયો તો ‘જયંતથી વધુ સારો મુરતિયો નીલાને નહીં મળે’ એવી પંડિત સુખલાલજીની સલાહ પછી જ મમ્મી લગ્ન માટે રાજી થયા. આમ કહેતા નીલાબહેન બપોરના ભોજન વિરામ સમયે મને કહેતા હતા કે પહેલા પપ્પાથી ડરતી હવે હું બન્ને દીકરાઓથી (અભિજાત જોશી અને સૌમ્ય જોશી) ડરું છું. કશુંક આડું-અવળું બોલાઈ જવાનો ઉંમરસહજ ડર અનુભવતા તેઓ જો કે પિતા વિશે અસ્ખલિત બોલતા રહ્યા. પોતાને મળેલા ભણતર-ઘડતરનો સઘળો શ્રેય તેમણે વિદ્યાનગર હાઇસ્કૂલ અને સી.એન. વિદ્યાલયને આપ્યો.

ઉમરેઠમાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવા માટે કિશોર વયનો યશવંત અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર તળિયાની પોળમાં રહેતા અદિતરામ કાકાને ત્યાં રહેવા આવ્યો અને શિક્ષણકાર – નિબંધકાર બનીને નવરંગપુરા, સદ્મ સોસાયટીના ઘરમાં આખરી શ્વાસ પામ્યો. એવા શ્વાસ જેવા તે પોતે કિશોરાવસ્થાથી ઇચ્છતો હતો.

એક વિદ્યાર્થિની તરીકે અને સ્વજન રૂપે નીલાબહેને નાટ્યકાર જશવંત ઠાકરને પણ યાદ કર્યા. તેઓ એચ.કે.માં નાટક ભણાવવા આવ્યા એ પહેલા નીલાબહેનના મનમાં નાટકો માત્ર જોવા – ભજવવાનો જ ખ્યાલ હતો. તે એક વિદ્યા છે અને તેને ભણી શકાય તેવી કોઈ સમજ તેમનામાં નહોતી. એ સમજણ જ.ઠાએ વિક્સાવી. બાલ ગાંધર્વ અને જયશંકર સુંદરીની વેશભૂષા કરતા શાંતિકાકા નીલાને સાડી પહેરવાનું શીખવતા – પહેરાવતા. ઘર કરતા વધુ સમય એચ.કે.માં વીતાવતા જ.ઠા વિશે અભિનેતા – દિગ્દર્શક પ્રવીણ જોશી / Pravin Joshi કહેતા કે ‘અમે લોકોને ગમતા નાટકો કરીએ છીએ, લોકોને કેવા નાટકો ગમવા જોઇએ તે જ.ઠા કરે છે.’

રીટા આશુતોષ (પુત્રવધૂ) અને આશુતોષ યશવંત શુક્લ
નીલાબહેન પછી યશવંતભાઈને યાદ કરવાનો વારો હતો પુત્રનો – આશુતોષ યશવંત શુક્લનો / Ashutosh Yashwant Shukla. પપ્પાના સંગનો લાભ સંતાનોને નથી મળ્યો એવી બહેન નીલાની ફરિયાદને તેમણે એકથી વધુ વખત નકારી. સવારની પહેલી કીટલીભર ચા સાથે પીતા હતા એમ યાદ કરવા સાથે તેમણે ઉમેર્યું કે માંદા થઇને પથારીમાં પડ્યા રહીએ તો ભાઈ કહેતા કે, ‘ડ્રોઇંગરૂમમાં આવીને બેસશો તો હું કંઈ તમને સ્કૂલે નહીં મોકલી દઉં.’ આવી જ રીતે એક વારા સોફામાં આડા પડીને કશુંક વાંચતા આશુતોષને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથે આ પ્રમાણે સંવાદ થયો.

શું વાંચો છો?”, “પુસ્તક”, “કોનું છે?”, “મારું.”, “બરાબર છે. તમારું જ છે. પણ હું એમ પૂછું છું કે તેના લેખક કોણ છે?” પચાસેક વર્ષનો ગાળો વીતી ગયા પછી પણ ઉપરોક્ત સંવાદ અને આ પ્રકારના અનેક પ્રસંગોને માણી શકતા, તેનું બયાન કરી શકતા આશુતોષ શુક્લ અમદાવાદમાં વ્યવસાયી એન્જિનિઅર – ઉદ્યોગકાર તરીકે કાર્યરત છે. જેમના માટે યશવંતભાઈ ક્યારેક એવો વસવસો પણ કરતા હતા કે, ‘આશુ તારે આર્ટસ્ લેવા જેવું હતું.’ સાંભળનારને આજે પણ સાચો લાગે તેવો વસવસો.

જસવંત ઠાકરને યાદ કરતા તેમણે કહ્યું કે ‘પરિત્રાણ’ નાટકમાં અભિમન્યુની ભૂમિકા ભજવતો નિયમિત કલાકાર સમયસર આવ્યો નહીં ત્યારે જસવંતકાકા તેમને એચ.કે. કૅમ્પસના આચાર્યનિવાસથી સીધા જ રાજકોટ લઈ ગયા હતા. ભૂમિકાને કંઈક અંશે જાણતા – સમજતા આશુતોષે જ્યારે જ.ઠાને એમ કહ્યું કે ‘પોતે પોતાની રીતે પાઠ ભજવી લેશે’. આટલું સાંભળતા જ જ.ઠા તાડૂકી ઉઠેલા કે...No You will only act which you were taught…Understand? (તમને જે શિખવાડ્યું છે એ અને એટલું જ કરવાનું છે. સમજ્યા?)

પોતાની વાતને વિરામ આપતા આશુતોષભાઈએ કહ્યું કે રા.વિ. પાઠક, હીરાબહેન, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્નેહરશ્મિદાદા (ઝીણાભાઈ દેસાઈ) / Zinabhai Ratanji Desai ‘Snehrashmi’, મનુભાઈ પંચોળી, ગુલાબદાસ બ્રોકર / Gulabdas Broker, સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન. શાહ સરખા પપ્પાના ગુરુઓ, મિત્રોના અવિરત સાથ-સંગાથ થકી અમારા સમગ્ર પરિવારનું ઘડતર થયું છે.

અભિજાત જયંત જોશી
‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ અને ‘થ્રી ઇડીઅટ્સ’ જેવી હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર તરીકે આજે જાણીતા એવા અભિજાત જોશીની / Abhijat Joshi પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. દાદા સાથેની તેમની સ્મૃતિઓ છૂટક એન્ટ્રીરૂપે હોવાનું તેમણે જણાવ્યું. કારકિર્દીની પહેલી ફિલ્મ ‘કરીબ’ (વર્ષ 1996) જોવા દાદા મિત્ર ચીનુભાઈ નાયક સાથે ભદ્રના એડવાન્સ થિએટરમાં (હવે નથી, ધ્વસ્ત થઈ ગયું) પહોંચી ગયા હતા. મારી જ હોવા છતાં કહું છું કે આ ફિલ્મ એટલી બધી બકવાસ હતી કે દાદાનો પ્રતિભાવ જાણવાની મારી કોઈ હિંમત નહોતી અને એમણે કોઈ રિસ્પૉન્સ નહીં આપીને મારી આબરૂ જાળવી લીધી હતી.

બપોરના ભોજનવિરામ પછીની બેઠકમાં નાટ્યકાર જશવંત ઠાકરના રંગકર્મ વિશે બે વ્યાખ્યાનો આયોજિત હતાં. નાદુરસ્ત તબિઅતને લઇને ખુદ રંગકર્મી એવા બન્ને વક્તાઓ હસમુખ બારાડી / Hasmukh Baradi અને ભરત દવે / Bharat Dave કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જો કે તેમની ખોટ અનુભવવાને કોઈ કારણ નહોતું. રેડિયો જોકી તરીકે અમદાવાદમાં કાર્યરત દેવકીએ / Devki Dave ઉપસ્થિત રહીને પિતા ભરત દવેએ તૈયાર કરેલા વ્યાખ્યાનનું પ્રસંગોચિત ઉમેરણ સાથે પઠન કર્યું. ઉમેરણ એટલા માટે યથાર્થ ઠરે એમ હતું કેમ કે દેવકીની બીજી ઓળખ જશવંત ઠાકરના દોહિત્રી તરીકે – રંગકર્મી અદિતિ દેસાઈના / Aditi Desai પુત્રી તરીકે આપી શકાય એમ છે.

દેવકી દવે

પિતાના લેખનું પઠન અને નાનાનું સ્મરણ
વ્યાખ્યાનનું પઠન કરતા અગાઉ દેવકીએ નાના સાથેના બાળવયના પ્રસંગો સંસ્મરણો રૂપે કહ્યા તો ભરત દવેએ જ.ઠાની સંઘર્ષપૂર્ણ કારકિર્દીનો પૂરો આલેખ તેમના સંશોધનાત્મક લેખમાં આપ્યો હતો. એવો આલેખ જેમાં ભાગ્યે જ કોઈ મહત્વની વિગત રહી જવા પામી હોય.

અભ્યાસક્રમના ધોરણે નાટ્યકર્મ શીખવતી હસમુખ બારાડીની જ સંસ્થા ‘થિએટર મીડિઆ સેન્ટર’ દ્વારા તૈયાર થયેલી વીડિઓ સીડીના માધ્યમથી તેમના વક્તવ્યનો લાભ મળ્યો. હસમુખભાઈએ / Hasmukh Baradi રંગકર્મી તરીકે જ.ઠાની ભિન્ન છટાઓ વર્ણવી. જ.ઠાએ વિશ્વના નાટકોનો પરિચય ગુજરાતને – ગુજરાતીઓને ઘરઆંગણે કરાવ્યો. તેમણે આપેલા વૈશ્વિક કક્ષાના પ્રદાનની સામે તેમની નોંધ લેવામાં આપણે કેટલા ઊણા ઉતર્યા છીએ તેની ફરિયાદ વિગતો પણ બારાડીએ કહી. હજી મોડું નથી થયું અને શતાબ્દીટાણાએ એ ભૂલ સુધારી લેવાની એક તક આપી છે તો ગુજરાતે આ કામ કરી લેવા જેવું છે એમ તેમણે સૂચન કર્યું.

પ્રવીણ પંડ્યા : જ.ઠા.ની જિંદગી
બન્ને વ્યાખ્યાનો પછી હવે વારો હતો છેલ્લી બેઠકનો – વાચિકમનો. નાટ્યકાર – રંગકર્મી પ્રવીણ પંડ્યાએ / Pravin Pandya જશવંત ઠાકર લિખિત નાટ્યાંશોનું પઠન કરતા અગાઉ જણાવ્યું કે તેઓ યશવંત શુક્લ અને જશવંત ઠાકર એમ બન્નેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ભવન્સમાં ભણાવવા આવતા જ.ઠા ત્યાં આવતા પહેલા ગુજરાત કૉલેજ / Gujarat College, Ahmedabad પાસેના ખાડાવાળાના દાળવડા ટેસથી ખાતા અને ત્યાંથી એચ.કેની ફૂટપાથે મળતી ચા પીવા આવતા. દાળવડા અને ચા વાળો તેમની આ ટેવથી એટલા પરિચિત થઈ ગયેલા કે રીક્ષામાંથી પગ નીચે મુકતા તેમને જોઇને જ ડીશ તૈયાર કરી લાવતા. ભવન્સના લેક્ચર પછી ઑટોરિક્ષા માટે શાહપુરના શંકરભુવન સુધી કાયમ સંગાથ આપતા પ્રવીણને તેઓ કહેતા કે થિયેટર ચણા ફાકવાથી શરૂ થાય છે. આમ કહી તેઓ યુવાન પ્રવીણને પોતાની સાથે જ રીક્ષામાં નવરંગપુરા સુધી આવવા કહેતા. જો કે અન્યત્ર રહેઠાણ હોવાને કારણે એવો લાભ કદી લઈ શકાય તેમ નહોતું એમ પ્રવીણ પંડ્યાએ જણાવ્યું. જસવંત ઠાકરના અનુવાદિત નાટકોને પણ એક સ્વતંત્ર નાટક રૂપે જ જોવાની અને એ તરાહ પર જ તેમના નાટ્યકર્મનો અભ્યાસ કરવાની વિનંતી સાથે તેમણે પઠનનો પ્રારંભ કર્યો.

દાદાના દોહિત્રા : સૌમ્ય જોશી, અભિજાત જોશી અને દેવકી દવે
કવિ – પ્રાધ્યાપક – નાટ્યકાર તરીકે આજે જાણીતા એવા સૌમ્ય જોશીની / Saumya Joshi પારિવારિક ઓળખ એટલે યશવંતભાઈના દોહિત્રની. તેમણે યશવંત શુક્લના અતિ જાણીતા, વખણાયેલા, એકથી વધુ સંપાદનોમાં સ્થાન પામેલા ‘મોટી’ ચરિત્રનિબંધનું વાચન કર્યું. ‘મોટી’ એટલે યશવંતભાઈનાં બાનો બાયોડેટા. વાંચવો અનિવાર્ય.

અભિજાત જોશી, આશુતોષ શુક્લ અને હસિત મહેતા
નડિયાદ / Nadiad ખાતે આયોજિત એક દિવસીય સેમિનારમાં કવિ હર્ષદ ચંદારાણા / Harshad Chandarana, લઘુકથાઓના લેખક હરીત પંડ્યા, એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર રાજેશ પંડ્યા / Rajesh Pandya, કવિ – નાટ્યકાર – અભિનેતાની બહુમુખી ઓળખ ધરાવતા હરીશ ઠાકર, પૂર્વ સનદી અધિકારી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (ઉત્તર ગુજરાત)ના પૂર્વ ઉપકુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક / Kulinchandra Yagnik, નવલકથાકાર ધ્રુવ ભટ્ટ / Dhruv Bhatt, નિબંધકાર – પ્રાધ્યાપક મણિલાલ હ. પટેલ / Manilal H. Patel, મેઘરજની આર્ટસ્ કૉલેજના ગુજરાતીના અધ્યાપક અજયસિંહ ચૌહાણ / Ajaysinh Chauhan સહિત વિવિધ કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પૂરા દિવસ માટે કાન દઇને હાજર રહ્યા હતા.

કાર્યક્રમ –પરિસંવાદમાં આયોજકો દ્વારા અપાયેલા કે પોતે પસંદ કરેલા વિષયને પણ ચાતરી જઈને કોઈક અલગ જ મુદ્દે ચઢી જતા વક્તાઓ – પેપર પ્રેઝન્ટરો માટે વિષયને વફાદાર રહીને મુદ્દાસર રજૂઆત કેવી રીતે થાય તે શીખવા-સમજવા માટે પણ આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહે એવો હતો.

સંયોજક અને આયોજક

સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા અને હસિત મહેતા
કાર્યક્રમ પછીની અનૌપચારિક મુલાકાતમાં હસિત મહેતાએ / Hasit Mehta કહ્યું કે સાહિત્યિક સામયિકોમાં પ્રકટ યશવંત શુક્લના લેખોની સંખ્યા એટલી છે કે તે અગ્રંથસ્થ લેખોમાંથી ત્રણ પુસ્તકો થઈ શકે. ગુજરાતે શતાબ્દી વર્ષે આ કામ પણ કરવા જેવું છે.

કૅમ્પસના પાર્કિંગથી પેન્ટ્રી (ભોજનખંડ) સુધી સહુ પ્રાધ્યાપક – કર્મચારીગણમાં સ્વજનોના દર્શન થયાં તેવી સૂરજબા મહિલા આર્ટસ્ કૉલેજના યજમાનપદ વાળા આયોજનમાં સામેલ સહુને શતાબ્દી-સર્જકો જેટલા જ વંદન – અભિનંદન.

(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 1 એપ્રિલ 2016ના અંકમાં ‘સ્મરણવિશેષ’ વિભાગ તળે ઉપરોક્ત સેમિનાર અહેવાલ સંપાદિત થઈને પ્રકાશિત થયો છે.)


(કાર્યક્રમની તસવીરો : બિનીત મોદી અને આયોજક સંસ્થાના સૌજન્યથી)

No comments:

Post a Comment