પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, June 24, 2013

પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ


નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે પાપી પેટને ખાતર!...અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે દાળ-રોટી ભેગા થવા.

હવે આ પાપી પેટ કે દાળ-રોટીનો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી ધારણા સાચી છે પણ મને હમણાં આ પ્રકારની નોકરી / Job જોવા મળી. ભારતીય રેલવેના / Indian Railway / http://www.indianrail.gov.in/ ડબ્બામાં. લાંબા – ટૂંકા અંતરની રોજની હજારો ટ્રેનો દેશમાં દોડે છે. એમાં આ પ્રકારની વિશિષ્ટ નોકરી જોવી હોય તો લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવી પડે. મેં કરી. આમ તો એ મુસાફરી કશ્મીર – શ્રીનગરનું ‘કુદરતી સૌંદર્ય’ જોવા માટે કરી હતી પરંતુ યાત્રા દરમિયાન કુદરતી હાજતે જતાં અનાયાસ આ ઉપર વર્ણવી એવી નોકરી પણ જોવા મળી.

કેવી છે એ નોકરી? અને ક્યાં જોવા મળે? અમદાવાદથી જમ્મુ લઈ જતી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવી નોકરી કરનારા યુવાનો જોવા મળે. સોળ-સત્તર ડબ્બાની ટ્રેનમાં તેમની એક માત્ર કામગીરી તે પાયખાના (જાજરૂ – સંડાસ / Toilets) સાફ કરવાની. જમ્મુથી બપોરના સમયે અમદાવાદ / Ahmedabad પરત ફરતી ટ્રેન થોડા કલાકોના વિરામ બાદ રાત્રે કાં તો વેરાવળ / Veraval, Gujarat જવા ઉપડે અથવા જામનગર / Jamnagar, Gujarat પાસેના હાપા / Hapa, Jamnagar, Gujarat ગામે સીધેસીધી પહોંચે. એટલે એ નક્કી કે આ યુવાનો મોટે ભાગે સૌરાષ્ટ્રના હોય, વેરાવળ કે હાપા-જામનગરની આસપાસના ગામના પણ હોય. વેરાવળથી રાત્રે ઉપડીને બીજા દિવસની વહેલી સવારે અમદાવાદ આવતી ટ્રેનમાં બેસીને આવતા આ યુવાનો જમ્મુની / Jammu, Jammu & Kashmir State ખેપ મારીને ઘરે પાછા ફરે ત્યારે છઠ્ઠા દિવસની સવાર હોય. ચાર રાત ટ્રેનમાં અને એક રાત જમ્મુ સ્ટેશન યાર્ડમાં ગુજારતા આ યુવાનોને કામના કલાકોની ગણતરીએ પાંચ દિવસના પાંચસો લેખે મહિનાનો 2,500/- રૂપિયા પગાર / Salary મળે. બહુ તાણી-તૂસીને કામ કરે તો મહિનાના ત્રણ હજાર મળે ખરા પરંતુ શરીર એ માટે સાથ આપે તેવું રહ્યું જ ન હોય. કેમ કે આ યુવાનોને નોકરીએ રાખનાર રેલવે કોન્ટ્રાક્ટર તેમને પગાર આપે પણ જમવાની સવલતના નામે ફદિયું પણ ના પરખાવે. એટલે આ છોકરાઓ પાંચ – છ દિવસ-રાત વચ્ચે ઝોલાં ખાતી નોકરીના દિવસોનો ગુજારો ઘરેથી લાવેલા એકાદ દિવસના રોટલા-શાક કે પછી સેવ-મમરા અને બિસ્કીટ / Biscuits ખાઈને કરે. ટ્રેનના કેટરીંગ કોન્ટ્રાક્ટરના વેઇટર્સ નજર સામે ગરમા-ગરમ નાસ્તાના પેકેટ લઈને ફરતા હોય પરંતુ તેના ભાવ તેમની પહોંચ બહારના હોય. ભલે કોન્ટ્રાક્ટ હેઠળ હોય પરંતુ રેલવેની જ સેવા કરતા તેમના માટે રાહત દરના ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહીં?

તેનું પરિણામ શું આવે? એ જ કે આ યુવાનો પૂરો મહિનો તો આ કામ કરી જ ન શકે. એવી શક્તિ જ ન રહી હોય. અને એમ ન થાય એટલે પૂરો પગાર પણ ના મળે. ઘરેથી નીકળ્યા પછી પાછા પહોંચતાં સુધીના આઠ ટંક માત્રને માત્ર સેવ-મમરા-બિસ્કીટના સહારે ગુજારવાના કારણે તેમના યુવાન શરીર વૃદ્ધત્વની ચાડી ખાતા દેખાય. તબીબી ભાષામાં જેમને ‘અન્ડરવેઇટ’ / Underweight કહી શકાય એ તો તેમનામાં દેખાતું સામાન્ય લક્ષણ.

પાંચ દિવસની પંદરસો કિલોમીટરની તેમની આ ‘યાત્રા’ દરમિયાનની કામગીરી શું હોય છે? સૌથી મોટી કામગીરી તે સોળે-સોળ ડબ્બાના સંડાસ / Toilet સાફ કરવાની. એ કામ તો તેઓ ‘નિયત’ ધોરણે કરતા જ હોય પરંતુ તેને વધુ ‘જવાબદાર’ બનાવવા ડબ્બે – ડબ્બે તેમના અને સુપરવાઇઝરના નામ સહિતના મોબાઇલ નંબર લખેલા કાગળો ચોંટાડ્યા હોય. મુસાફરી કરતા નાના બાળક સાથેના મમ્મી – પપ્પા હોય કે રાહત દરની મુસાફરી કરતા સિનિયર સિટીઝન, સંડાસ સહેજ ગંદુ દેખાય એટલે પહેલું કામ ફોન કરવાનું કરે. ફરજ પરના આ યુવાનોમાંથી કોઈ એક સંડાસ તો સાફ કરી જ જાય પણ બીજી તરફ તેના મોબાઇલનું બેલેન્સ પણ ‘સાફ’ થવા માંડ્યું હોય. આને નોકરી કહેવી, વેઠ કહેવી કે કરમની કઠણાઈ એ નક્કી જ ન થઈ શકે. કેમ કે ટ્રેન જેવી ગુજરાતની સરહદ પાર કરે કે મોબાઇલમાં રોમિંગ ચાર્જિસ / Mobile Roaming Charges કપાવાના શરૂ થઈ જાય. એનું કોઈ વધારાનું એલાઉન્સ / Allowance (પગાર ઉપરાંતનું ભથ્થું) મળે કે? એવા મારા સવાલના જબાવમાં સામો સવાલ આવ્યો કે ‘એટલે શું?

આ પાયખાના સાફ કરવાની મજૂરી કરવા સામે તેમને કોઈ સવલત મળે છે ખરી? હા, રાત્રે ઊંઘવાની સગવડ મળે છે. તેમના માટે એક ડબ્બામાં રિઝર્વડ્ બર્થ / Reserved Berth હોય છે. પણ એમ સુખેથી સુવા દે તો એ વેઠ શેની? સાફ-સફાઈના સાધનો તેમજ માલસામાનની સાથે તેમનાં પોતાના કપડાંલત્તાં મુકવા માટે એક સંદૂક કોન્ટ્રાક્ટરે આપી હોય. રાત્રે ટ્રેનમાં ફરતા લોકો કે રિઝર્વડ્ ડબ્બામાં ચઢતા સામાન્ય મુસાફરો એ માલસામાન ચોરી / Theft ન જાય તે માટે આ પાંચ યુવાનો તેની ચોકી કરવા માટે વારાફરતી જાગતા રહે. આમ કિલોમીટર કપાતા જાય.

મને એમ થાય છે કે ચાલતી ટ્રેઈને ગંદા થતા આ સંડાસને સાફ રાખવા તે એટલું અગત્યનું કામ છે કે તેના માટે આ યુવાનોને ઘરેથી દૂર ભૂખ્યા રહીને ઉજાગરો કરવો પડે. પંદરસો – સત્તરસો કિલોમીટરનો પ્રવાસ ખેડતી ટ્રેન રસ્તામાં નાના – મોટા પચાસ સ્ટેશનોએ ઊભી રહે છે. એમાંના કેટલાક સ્ટેશનોએ તો તે વીસ મિનિટથી લઈને અડધો કલાક સુધી થોભતી (વિરામ / હૉલ્ટ / Halt) હોય છે. ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે?

(*) બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર : સદાકાળ સેવ મમરા 
વેરાવળ અને તેની આસપાસના ગામોના આ યુવાનો (પ્રફુલ, મિતેષ,ધર્મેન્દ્ર, રાજુ અને પરસોત્તમ) સમાજના દલિતવર્ગમાંથી / Dalit આવે છે તેવી સ્પષ્ટતા કરું કે ન કરું? ચાલશે? ના...ના...નહીં જ ચાલે. સ્પષ્ટતા નહીં કરું તો તેમની જિંદગી આમ જ ટ્રેન પર ચાલતી...માફ કરજો...દોડતી રહેશે...દાયકાઓ સુધી.

(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 1 જૂન 2013ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 8, અંક: 21, સળંગ અંક: 189)


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

9 comments:

 1. ઉત્પલ25 June 2013 at 10:41

  ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા થઈ જ શકે. દરેક સ્ટેશને સફાઇ કામદારો રાખવામાં આવેલા જ છે. એક કામદાર ચાર સંડાસમાં ફૂવારો મારે તો વધુમાં વધુ દસ મિનિટ થાય. અત્યારે જે છે તે વ્યવસ્થા ચાલુ જ રાખવી હોય તો રેલ્વે વિભાગ કોન્ટ્રાક્ટર દ્વારા અપાતો આવો અપૂરતો પગાર ચલાવી કેમ લે? કમસે કમ રેલ્વેની પેન્ટ્રીમાં ખાવાનું તો મફત આપી જ શકાય કારણ કે પેન્ટ્રીના પૂરા સ્ટાફ માટે રોજ બે વખત પૂરી-શાક કે દાળ-ભાત જુદા બનતા જ હોય છે. આવા આંખ ખોલી નાખતા અને વિચારતા કરી દેનારા લેખ ઉપર કોઇ કોમેન્ટ જ નહિ? આવી તે કેવી અસંવેદનશીલતા?

  ReplyDelete
 2. બીનીતભાઈ,આજે આ વાંચ્યા પછી ખાવાનું નહિ ભાવે।આજ ની તારીખે વ્યવસ્થિત management ના અભાવે દેશ નું ભવિષ્ય કહેવાય એવા યુવાનોની જીંદગી ટ્રેન માં ખતમ થઇ જશે એ વિચારે મન દુખી દુખી થઇ જાય છે।

  ReplyDelete
 3. બિનીત, ઉત્પલ, શિવાની : થેન્ક યુ ફોર યોર સેન્સિટિવિટી. ઇટ્સ આ ગૂડ સોલેસ રીડિંગ યુ ઓલ એંડ ફીલ ધેટ ધેર ઈઝ હોપ. એંડ થિંગ્સ વિલ ચેન્જ ઇફ નોટ સૂનર, બટ આફ્ટર મેની મોર પીપલ લાઈક યુ ગેટ સેંસિટાઇઝ્ડ ઇન ધ વે યુ આર !

  ReplyDelete
 4. Binitbhai, In our country, over population has gifted such social pollution. Dr.Baba Saheb Ambedkar had long ago insisted upon family welfare and many so-called leaders did not agree. I should emphasize here that so many good things were suggested and proposed for Nation sake and most of the orthodox leaders did not agree. That moments were unfortunate which has dragged our Nation to this end. I would like to reiterate again here that to-day I find the ideology of Dr. Baba Saheb Ambedkar not only more relevant but also very effective in the interest of Nationality and let me to be loud and say that no one could survive in competition with the ideology of Dr. Baba Saheb Ammbedkar, not even Gandhi. The clarity of thoughts and scientific approach of Dr. Ambedkar was to bring real Nationality by the way of attaining social justice, equality, liberty from all the considerable angles.
  -Harish Mangalam
  ReplyDelete
 5. Sunil Vora (Mumbai)28 June 2013 at 13:55

  Dear Binitbhai,
  After reading the Blog few Questions come to my mind.
  1. Will this worker will get any compensation in case the train they are on duty mate with any kind of accident i.e. derailment or collusion with another train? I have my doubts they want get officially any thing from Railway or Government. Only thing they will have to accept whatever the contractor offers them, as they are not Railway employee. They can not fight for their right in Court of Law, which will not grant them any relief on the ground they are not Directly hired by Railways hence the case is dismissed.

  Sunil Vora (Mumbai)

  ReplyDelete
 6. Sukhdev Patel (Anaheim, California, USA)28 June 2013 at 14:00

  Hell with Railway Ministry.
  Sukhdev Patel (Anaheim, California, USA)
  (Response through FACEBOOK / 26 June 2013)

  ReplyDelete
 7. Uttam Gajjar (Surat, Gujarat)28 June 2013 at 15:15

  ખૂબ હૃદયસ્પર્શી !
  ઉત્તમ ગજ્જર (સુરત, ગુજરાત)

  ReplyDelete
 8. સૌ મિત્રો,
  બ્લોગની 69મી પોસ્ટ (24 જૂન 2013)ના વાચન / પ્રતિભાવો આપવા તેમજ કામદારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે આભારી છું.

  બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 10 ઑગસ્ટ 2013

  ReplyDelete
 9. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
  69મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 24-06-2013 to 24-06-2014 – 260

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete