પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, January 10, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2012)



સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઓગસ્ટથી નવેમ્બર – 2012. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Saturday, 1 December 2012 at 02:55pm)
આર્થિક સામાજિક અને રાજકીય બાબતોને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગુજરાતમાં આજે પહેલી ડિસેમ્બરથી પસ્તીભંગારનો વેપાર સામાન્ય માણસના હાથમાંથી ખુંચવાઈ ગયો છે.....
.....કેમ કે આ ધંધામાં બે મોટા ખેલાડીઓનો પ્રવેશ થયો છે.....
.....ભાજપ અને કોંગ્રેસ..........બન્નેએ વિધાનસભા ચૂંટણીની ઉમેદવારી માટે એક-બીજાનો 'ભંગાર' લેવાનું શરૂ કર્યું છે.....મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....
* * * * * * *

(Sunday, 2 December 2012 at 02:35pm)
પેટ્રોલિયમ ઉત્પાદનોથી સમૃધ્ધ ગલ્ફના દેશોમાં વાહનની એવરેજ તેની ઉત્પાદક કંપનીએ બ્રોશરમાં દાવો કર્યા કરતા પણ વધુ આવે તો તેવા વાહનો સ્થાનિક સત્તાવાળાઓ જપ્ત કરી લે છે જેથી સરકારી માલિકીની ઑઇલ કંપનીઓને તેમનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં તકલીફ ન પડે.
નોંધ: આવી કોઈ કાર્યવાહી થતી નથી. એમ વાહનો જપ્ત કર્યા કરે તો રાખે ક્યાંરણમાં રાખે તો પછી ઊંટ ફરવા માટે ક્યાં જાયઆજે ભલે આમ વિચારતા હોઇએ પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં કશું વિચાર્યા વગર જ આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: ગલ્ફના તો શું દુનિયાના કોઈ પણ દેશમાં આ રીતે વાહનો જપ્ત થતા નથી. માત્ર ભારતમાં દર પાંચ વર્ષે વાહન જપ્ત થાય છે. ચૂંટણી આવે ત્યારે ટ્રાફિક પોલીસ નહીં પણ ચૂંટણી પંચ વાહનો જપ્ત કરે છે!
* * * * * * *

(Monday, 3 December 2012 at 06:45pm)
"કહું છું, આ બેબીને તેડી લો ને.....ઊંચકીને થાકી ગઈ."....."ઓ.કે. તો તું આ હેલ્મિટ લઈ લે...હું પણ તેને ઊંચકીને થાકી ગયો છું."
* * * * * * *

(Tuesday, 4 December 2012 at 02:55pm)
વાનગીના નામને અને વજનના એકમને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન
નાસ્તામાં પ્રખ્યાત એવી વાનગીનું નામ આપો જેના નામમાં જ વજનનો એકમ છુપાયેલો છે.
કોઈ ક્લૂ આપો.”…“.કે. તે ગુજરાતી વાનગી છે.
“…..ખમણ.....ખમણ’…..”
* * * * * * *

તસવીરમહેશ પરમાર
(Wednesday, 5 December 2012 at 10:15pm)
પહેલું રક્તદાન સોમવાર, 21 ડિસેમ્બર 1987ના દિવસે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં કર્યું હતું. મોરારીબાપુની રામકથા નિમિત્તે કથા સ્થળે આયોજિત અને સળંગ નવ દિવસ ચાલેલી એ રક્તદાન શિબિરનો ફોટો મારી પાસે નથી. ક્યાંથી હોય? ફોટો પડાવવા જેવી સમજણ પણ નહોતી અને કેમેરો વસાવવા જેવો સંપન્ન પણ નહોતો, કારણ વિદ્યાર્થી હતો. આજકાલ કરતા જીવનની મહામૂલી એ ઘટનાને આ મહીને પચીસ વર્ષ પુરા થશે. તબીબી સલાહ અને આરોગ્યલક્ષી નિયમ પ્રમાણે એક વર્ષ દરમિયાન વધુમાં વધુ ચાર (4) વખત રક્તદાન કરી શકાય. કર્યું. આ પચીસ વર્ષ દરમિયાન આ એક જ કામ એવું હતું જે મેં નિયમિત ધોરણે કર્યું, ભણવાનું તો અનિયમિત અને અનિયતકાલીન. પરિવારમાં મમ્મી - પપ્પા, કુટુંબીજનોમિત્રો, પત્ની શિલ્પા, અનેક શુભેચ્છકો અને રેડ ક્રોસ જેવી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થાના સહકારથી એ કામ કર્યું. 1995થી 1997ના દુબઈ અબુધાબીના પરદેશ વસવાટ દરમિયાન પણ નિયમિત રક્તદાન કરવાનો ક્રમ રેડ ક્રેસન્ટ સંસ્થાના સહયોગથી પાર પડ્યો. પચીસ ગુણ્યા ચાર બરાબર સો.....100.....

હા, આજે બુધવાર, ડિસેમ્બર 2012ના દિવસે સોમું રક્તદાન કર્યું. સ્થળ: ભારતીય જીવન વીમા નિગમ, વિભાગીય કચેરીચોથો માળજીવનપ્રકાશ બિલ્ડીંગ, રિલીફ રોડ, અમદાવાદ. આયોજક: એલ.આઈ.સી એમ્પ્લોઇઝ યુનિયનનું અમદાવાદ ડિવિઝન. હા, આ પ્રસંગનો ફોટો છે. પ્રસંગે ફોટોગ્રાફરની ભૂમિકા ભજવનાર અને આ સાથેની તસવીર લેનાર એલ.આઈ.સીના કર્મચારી મહેશભાઈ પરમારે આજે 51મી વખત રક્તદાન કર્યું. તેમનો આભાર. વાર્તાકાર નવલકથાકાર તરીકે જાણીતા અને યુનિયનમાં સેક્રેટરીનો હોદ્દો ધરાવનાર મહેશભાઈ યાજ્ઞિકનો વિશેષ આભાર. તેમની સાથેનો પહેલો પરિચય રજનીકુમાર પંડ્યાને કારણે આ મકાનમાં જ થયો હતો અને આ જગ્યાએ જ સપ્ટેમ્બર 2006માં મેં 75મું રક્તદાન કર્યું હતું. રેડ ક્રોસ સંસ્થા તરફથી મને ‘Centurion Blood Donor – 100’ની વિશેષ ટેગ પહેરાવવામાં આવી.

ફોટામાં ડાબેથી એસ.આઈ. ચૌધરી (યુનિયનના પ્રમુખ), મહેશ યાજ્ઞિક, મહેશ ત્રિવેદી (અમદાવાદ રેડ ક્રોસના સલાહકાર, પ્રકાશ મોદી (મારા સાળાભાઈ અને એલ.આઈ.સીના વિકાસ અધિકારી (Development Officer), સૂર્યકાન્ત નાયક (અમદાવાદ રેડ ક્રોસના નાયબ નિયામક) અને શિલ્પા બિનીત મોદી ઉર્ફે શિલ્પા શાંતિલાલ મોદી.....(વજનમાં તો તેનાથી ડબલ છું જ, અટકને કારણે પણ હું 'ડબલ મોદી' છું.....નંબર વન કહો કે વન હન્ડ્રેડ કહો....ડમડમબાબા માટે બધું સરખું જ છે.....
* * * * * * *

(Thursday, 6 December 2012 at 06:00pm)
કૌટુંબિક સંબંધને અને અમદાવાદના એક વિસ્તારને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન
અમદાવાદના એક વિસ્તારનું નામ આપો જેના નામમાં જ કૌટુંબિક સંબંધનું નામ છુપાયેલું છે.”...“કોઈ ક્લૂ આપો.
.કે. તે નદીપારના જૂના અમદાવાદમાં આવેલો વિસ્તાર છે.”...“…..ખમાસા.....ખમાસા’…..”
* * * * * * *

(Friday, 7 December 2012 at 04:35pm)
ડમડમબાબા ડાયલોગ સીરિઝ.....
"ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોની યાદશક્તિ હાલમાં 100 ટકા કામ કરી રહી છે."
"થેન્ક્સ ટુ.....ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય રાજકીય પક્ષો."....."કેવી રીતે?"
"ચૂંટણી પ્રચાર હળાહળ જ્ઞાતિવાદથી ભરપૂર છે. મતદાર ના ઈચ્છે તો પણ તેને તેની જ્ઞાતિ યાદ રહી જ જાય એવું તંત્ર ગોઠવાઈ ગયું છે."
* * * * * * *

(Saturday, 8 December 2012 at 03:25pm)
વીજળીના પ્રકાર અને રાજકારણના પ્રવાહને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન
ઇલેક્ટ્રિસિટીના બે પ્રકાર હોય છે એ.સી. (ઓલ્ટરનેટીંગ કરન્ટ) અને ડી.સી. (ડાઇરેક્ટ કરન્ટ).....ચૂંટણીના દિવસોમાં તેમાં વધુ એક પ્રકારનો ઉમેરો થાય છે અન્ડરકરન્ટ.....
* * * * * * *

(Sunday, 9 December 2012 at 00:35am)
ઉત્તર આફ્રિકાના મોરોક્કોની રાજધાની રબતમાં દોરીવાળા બૂટની ત્રણ જોડી એક સાથે ખરીદો તો કંપની દોરી બાંધવાનું મશીન મફત આપે છે અને તેને વાપરવાની ટ્રેનિંગ પણ આપે છે.
નોંધ: આવું કોઈ મશીન મળતું તો નથી જદુનિયામાં ક્યાંય બનતું પણ નથી. બની શકે ખરું? આજે ભલે આમ વિચારતા હોઇએ પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં કશું વિચાર્યા વગર જ આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: બૂટની દોરી બાંધવાનું મશીન શોધાશે તો એ પછી એને કારણે બચતા સમયથી દેશના વિકાસમાં કેટલી વૃધ્ધિ થઈ તેના પણ સંશોધનો થવા માંડશે!
* * * * * * *

(Monday, 10 December 2012 at 00:10am)
રેલવેની રિઝર્વ ટિકિટ અને સોનાના ઘરેણાને એકમેક સાથે સાંકળતું અને મૂલ્ય સંબંધિત તુલનાત્મક અભ્યાસ કરતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
બન્નેની શાખ એવી છે કે તેના રોકડા રૂપિયા ગણતરીની મિનિટોમાં ગમે ત્યારે મળે છે.....રેલવેનું રિઝર્વેશન કેન્સલ કરાવો ત્યારે અને ઘરેણાને ઝવેરાત બજારમાં વેચવા જાવ ત્યારે.....
* * * * * * *

તસવીર કોલાજબિનીત મોદી
(Monday, 10 December 2012 at 07:55pm)
નાટકને આકંઠ ચાહનારા ગુરૂ અશ્વીની ભટ્ટ રંગભૂમિ સાથેની ખુદની નિસબત વર્ણવતા કહેતા કે.....'એક વાર બળિયા ટંકાઈ ગયા પછી બસ.....એ છૂટે નહીં.' તેમની વિદાયથી વાચકો મિત્ર સમુદાય સાથે અંગત જીવનમાં જે ખાલીપો સર્જાયો છે તે બરાબર આવો જ છે.....પ્રેક્ષકની રાહ જોતી પ્રેમાભાઈ હોલની ખાલી પરસાળ જેવો.....ભદ્ર અમદાવાદ સ્થિત પ્રેમાભાઈ હોલના મેનેજર રહી ચૂકેલા અશ્વીનીભાઈને શ્રદ્ધાંજલિ..........ગુરૂ.....વરસના વચલા દહાડે નાટક જોવા જઈશું તોય યાદ તો તમે જ આવશો.....
* * * * * * *

(Tuesday, 11 December 2012 at 08:25pm)
ડમડમબાબા 'દમદાર' ન્યૂઝ  સર્વિસ.....ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતના ચૂંટણી પંચે બનાવેલી સ્ટેટિક સર્વેલન્સ ટીમોએ એટલા બધા રોકડા રૂપિયા ઝડપ્યા છે કે નોટો છાપતા નાગપુરના સિક્યુરિટી પ્રેસના 'કારીગરો'એ ઓવરટાઇમ કરવો પડે છે.
* * * * * * *

(Wednesday, 12 December 2012 at 05:25pm)
મહેમાનગતિ અને મતદાનની બંધારણીય ફરજને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
સૌરાષ્ટ્રની મહેમાનગતિ એટલી વખણાય છે કે આજ કાલમાં ત્યાં મહેમાન બનીને જાવ તો યજમાન એમ પણ કહે કે....."હવે આવ્યા જ છો તો ચા-પાણી કરી, સાંજે જમીને આવતીકાલે મતદાન કરીને જ જજોને!"
* * * * * * *

(Thursday, 13 December 2012 at 05:25pm)
ડમડમબાબા 'દમદાર' ન્યૂઝ સર્વિસ.....ગુજરાત વિધાનસભા ચૂંટણી 87 બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ..........હાશ! અડધી અગ્નિપરીક્ષા પૂરી થઈ.....
* * * * * * *

(Monday, 17 December 2012 at 05:10pm)
મતદાન, બાળપણ, યુવાની અને સામાજિક - આર્થિક મોભાને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
મતદાનનો દિવસ કમ-સે-કમ મતદારને એક તક તો પૂરી પાડે જ છે........ભણીરહ્યા પછી સ્કૂલ કોલેજના ક્લાસરૂમમાં પાછા જવાની......જમીનના માલિક ના હોઇએ તો પણ પંચાયતના મકાનમાં પગ મુકવાની...અને......વાંચવાની ટેવ ના હોય તોય લાઇબ્રરિમાં જવાની........કારણ કે આ તમામ જગ્યાઓએ મતદાન મથક હોય છે.....
* * * * * * *

(Monday, 17 December 2012 at 06:25pm)
ડમડમબાબા ડાયલોગ સીરિઝ.....
"શું મતદાન કરી આવ્યા?"..."હા, મેં તો 2014ની લોકસભા ચૂંટણી માટે પણ આજે સાથે જ મતદાન કરી દીધું....."
".....ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તો પ્રચાર અપપ્રચારના મુદ્દા કે આક્ષેપો પ્રતિઆક્ષેપોના પ્રકાર - ભાષા ત્યાં સુધી બદલાય એમ લાગતું નથી."
* * * * * * *

(Tuesday, 18 December 2012 at 03:30pm)
શિક્ષણ અને મતગણતરીને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
અંગ્રેજીના શિક્ષણ કે ભાષાની જાણકારી બાબતે ભારત દેશ કેટલો પાછળ રહી ગયો છે તેની ખબર પાછલા ચોવીસ કલાકમાં જ પડી. એક્ઝિટ પોલનું ગુજરાતી મતગણતરી’ કર્યું હોય એમ લાગે છે.
* * * * * * *

(Wednesday, 19 December 2012 at 06:00pm)
ડમડમબાબા ડાયલોગ સીરિઝ.....
"વાંચવાના ચશ્માં કરાવવા છે."..."ડોક્ટરનો નંબર લખેલો કાગળ આપો અને તમારી પસંદગીની ફ્રેમ નક્કી કરી લો."
"ડોક્ટરનો કાગળ આ રહ્યો પણ ફ્રેમ પસંદ નથી કરવાની. હેલ્મિટના વિઝરમાં જ ચશ્માંના કાચ નાખી આપો. એ રીતે જ હેલ્મિટ અને ચશ્માં સાથે પહેરવાનું ફાવે એમ છે."
* * * * * * *

હું તો વન-ડે મેચ રમવા આવ્યો છું
(Thursday, 20 December 2012 at 01:45pm)
ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2012 : ડમડમબાબા સ્પેશલ કૉમેન્ટ.....
હું તો અહીં વન-ડે મેચ રમવા આવ્યો છું.” પહેલી વાર મુખ્યમંત્રીપદ ધારણ કરતાં પહેલાં ઑક્ટોબર – 2001માં ઉપરોક્ત વિધાન કરનાર નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ અસોસિએશનના પ્રમુખપદે રહેતાં ડિસેમ્બર – 2012માં સળંગ ત્રીજી ટેસ્ટ મેચ જીતી ગયા છે.
* * * * * * *

(Friday, 21 December 2012)
તારીખ અને તવારીખની રીતે જોઇએ તો નિયમિતપણે ચાલી આવતી મારી રક્તદાનની પ્રવૃત્તિને આજે પચીસ વર્ષ પૂરા થયા. પહેલું રક્તદાન સોમવાર, 21 ડિસેમ્બર 1987ના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં કર્યું અને શતક – સોમું રક્તદાન બુધવાર, 5 ડિસેમ્બર 2012ના રોજ અમદાવાદમાં ભારતીય જીવન વીમા નિગમની રિલીફ રોડ સ્થિત વિભાગીય કચેરીમાં કર્યું. આ બે મકામની વચ્ચેનો આ સાથેનો ફોટો મારા એકત્રીસમા રક્તદાનનો છે. અમદાવાદના નારણપુરા – ઉસ્માનપુરા વિસ્તારના જંક્શન પર આવેલી નાયકનગર સોસાયટીના એક ટેનામેન્ટમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રવિવાર, 16 જુલાઈ 1995ના રોજ ભાગ લીધો ત્યારે આગ્રહ કરીને મમ્મી-પપ્પાને (સુધા અને પ્રફુલ મોદી) સાથે લઈ ગયો હતો. હું રક્તદાન કરતો હોઉં અને તેઓ મારી પાસે બેઠા હોય તેવો ફોટો પડે એવી ઇચ્છા તો ખરી જ અને બીજું તે એ સમયે હું નોકરી માટે થઈને દુબઈ – અબુધાબી જવાની તૈયારી કરતો હતો. પરદેશના વસવાટ દરમિયાન આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકીશ કે કેમ અને કમાણી કરીને બે – ત્રણ કે પાંચ વર્ષે પાછા ફરીને પુનઃ તેમાં જોડાઈ શકીશ કે કેમ તે બન્ને બાબતે હું સાશંક હતો.

વિશેષપણે નોંધવાનું કે મારી આ પ્રવૃત્તિ માટે મમ્મી-પપ્પાએ કદી મને ટોક્યો નહોતો એ વાતનું મારે મન મોટું મહત્ત્વ હતું એટલે તેનો મહિમા કરવા પણ મારે તેમને સાથે રાખવા હતા. બાકી પરિચિત હોય કે અપરિચિત – હું રક્તદાન કરીને આવું ને હાથ પર પાટો બાંધેલો જુએ એટલે કહેઆમાં આપણને શું મળે?”…..“આપણને જરૂર પડે ત્યારે બ્લડ બેન્કવાળા મોં ફેરવી લે છે.”…..“એના કરતાં તો જ્યારે, જેવી અને જેને જરૂર પડે ત્યારે જ બ્લડ ડોનેટ કરવા જવું જોઇએ – આપવું જોઇએ.

આ અને આવી કંઈક વાતો સાંભળતાં – સાંભળતાં પચીસ વર્ષ પૂરા થયા અને રક્તદાનની પ્રવૃત્તિ પણ બેરોકટોક ચાલી તેનો આનંદ છે. તીર્થાટનથી જરાય કમ નહીં એવી મારી આ યાત્રામાં સાથે રહેનાર સગાં – સંબંધીઓ – મિત્રોનો આભાર.
* * * * * * *

અર્જુન મોઢવાડિયા
હવે 
કાળી બંડી નહીં કાળો ડગલો પહેરશે
(Saturday, 22 December 2012 at 04:44pm)
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012:ડમડમબાબા સ્પેશલ કૉમેન્ટ.....
ગુજરાત યુનિવર્સિટીની આગામી વાર્ષિક પરીક્ષાઓમાં કાયદા વિદ્યાશાખાનું પરિણામ અન્ય શાખાઓની સરખામણીએ ઊંચું આવવાની સંભાવનાઓ વધી ગઈ છે.....
.....કારણ કે યુનિવર્સિટીના કાયદા શાખાના વિદ્યાર્થી અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા ચૂંટણીમાં પાસ થવા ગત પરીક્ષામાંથી ડ્રોપ લીધો હતો...મતલબ કે પરીક્ષા આપવામાંથી મુક્તિ મેળવી હતી.....ચૂંટણીના પરિણામોએ એમને એવા 'મુક્ત' કર્યા છે કે હવે તૈયારી કરીને સારા માર્કે પાસ થઈ શકશે.
* * * * * * *

(Sunday, 23 December 2012 at 01:00am)
દક્ષિણ અમેરિકાના ઉત્તર કિનારે આવેલા વેનેઝુએલા દેશની બેન્કોમાં લોન લેવા આવનારને નાદારી નોંધાવવાનું ફોર્મ પણ સાથે જ આપી દેવામાં આવે છે જેથી એ માટે ખાસ બીજો ધક્કો ના ખાવો પડે. ઇન્ટરનેટ પરથી લોન મેળવવાનું ફોર્મ ડાઉનલોડ કરો તો નાદારીનું ફોર્મ પણ સાથે-સાથે જ ડાઉનલોડ કરી લેવાનું વેબસાઇટ યાદ અપાવે છે.
નોંધ: દુનિયાની કોઈ બેન્ક (કે વેબસાઇટ) તેના ગ્રાહકોનું આટલું ધ્યાન રાખતી નથી. પછી વેનેઝુએલાની બેન્કો આવું કરતી હશે એમ માનવાને કોઈ વાજબી કારણ છે ખરુંનથી નેઆજે ભલે આમ વિચારતા હોઇએ પણ દોઢ-બે દાયકા પહેલાં ગુજરાતી છાપાંની રવિવારની પૂર્તિઓમાં કશું વિચાર્યા વગર જ આ પ્રકારની અષ્ટમ-પષ્ટમ વાતો માહિતી આપવાના નામે અને સામાન્ય જ્ઞાન વધારવાના બહાને નિયમિત ધોરણે પ્રકટ થતી હતી.
નોંધની નોંધ: પેટ્રોલ ડીઝલના ભાવ અને ઇન્ટરનેટની સ્પીડ જે ઝડપે વધી રહી છે એ જોતાં બેન્કોએ આ પ્રકારની સુવિધા નજીકના ભવિષ્યમાં શરૂ કરવી પડશે તેમાં બે-મત નથી!
* * * * * * *

(ડાબેથી) બિનીત મોદી – નવીનચંદ્ર શાહ – દિવ્યાંગ શાહ
તસવીર: અનીશા દિવ્યાંગ શાહ
(Monday, 24 December 2012 at 01:35am)
નવીનચંદ્ર શાહ : ફુઆ નહીં ફ્રેન્ડ.....
કિશોર વયે કે વિદ્યાર્થી અવસ્થામાં અમદાવાદનો ગાંધી આશ્રમ જોવાનું નિમિત્ત બે જ કારણથી બને. એક કાં તો મમ્મી-પપ્પા બતાવે અથવા સ્કૂલમાંથી પ્રવાસ ગોઠવાયો હોય. મારા માટે ત્રીજું જ કારણ નિમિત્ત બન્યું હતું. વેકેશનમાં સાબરમતી અમદાવાદમાં ફોઈના ઘરે રહેવા આવેલા મને ગાંધી આશ્રમ જોવા મારા ફુઆ લઈ ગયા હતા. એ સિવાય પણ તેમણે અમદાવાદમાં મને ઘણું ફેરવ્યો હતો. અરે...મને શું તેઓ પતંગને પણ સલૂકાઈથી આકાશમાં ફેરવતા હતા.

પતંગવિદ્યાના આશિક
, ઉત્તરાયણની ઉલટભેર રાહ જોતા હોય અને એ દિવસની મહિનાઓ અગાઉથી તૈયારી કરતા હોય એવા મારા ફુઆ નવીનચંદ્ર નટવરલાલ શાહનું રવિવાર23મી ડિસેમ્બર 2012ની સાંજે અમદાવાદમાં પાંચ દિવસની ટૂંકી બિમારી બાદ અવસાન થયું છે. 19મી ડિસેમ્બરની સવારે સ્ટ્રોકનો ભોગ બનેલા તેઓની ડૉ. જીવરાજ મહેતા મેમોરિઅલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી.

વતન ગોધરામાં
 1933માં 22મી ઑક્ટોબરના રોજ જન્મેલા તેઓએ પ્રાથમિકથી કૉલેજકક્ષા સુધીનું શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. વ્યવસાયે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં (હવે ટોરન્ટ પાવર) કાર્યરત રહ્યા પછી 40 વર્ષની નોકરી બાદ તેઓ 1991માં નિવૃત્ત થયા હતા. એ.ઇ.સીની નોકરી તેમના માટે ફેમીલી ફંક્શનિંગ જેવી હતી...કેમ કે આ જ કંપનીમાં તેમના પિતા (નટવરલાલ શાહ) અને મોટાભાઈ (અરવિંદ એન. શાહ) પણ નોકરી કરીને સેવાનિવૃત્ત થયા હતા. આજે 2012માં ટોરન્ટ પાવરમાં દીકરી જમાઈ (નીતા અને અનિલ પરીખ) તેમજ પુત્ર દિવ્યાંગ શાહ કાર્યરત છે.

ચાર ભાઈ-બહેનોના પરિવારમાં તેઓ બીજા નંબરે હતા. તેમનાથી નાના એક બહેન (ઇન્દુબહેન) દિવંગત છે. મોટાભાઈ અરવિંદભાઈ શાહ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે તો નાની બહેન ધર્મિષ્ઠાબહેન પરિવાર સાથે વતન ગોધરામાં રહે છે. ફોઈ (વસુમતીબહેન) સાથેના લગ્ન થકી પરિવારમાં ત્રણ પુત્રીઓ નીતા (અનિલ પરીખ)
લીના (સંજય શાહ) ગોપી (નિકેશ શાહ) અને પુત્ર દિવ્યાંગ તેમજ પુત્રવધૂ અનીશા અને દીકરીઓના સંતાનોનો બહોળો પરિવાર અંતિમ ઘડીઓમાં હોસ્પિટલમાં તેમની સાથે હતો એનું મોટું આશ્વાસન લઈ શકાય તેમ છે.

પખવાડિયા પછી અમદાવાદનું આકાશ પતંગોથી છવાઈ જશે ત્યારે તમે તીવ્રપણે યાદ આવશો અને એ રીતે વર્ષોવર્ષ યાદ આવશો નવીનફુઆ. હાર્ટ બાયપાસ સર્જરી પછી પણ ઉત્તરાયણનો આખો દિવસ અગાસીમાં ગાળવાના અને રાત્રે તુક્કલ પેચ લડાવ્યા પછી જ લંબી તાણવાના તમારા સ્પિરીટને આજે લાંબી સોડ તાણ્યા પછીની સલામ.

પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

તેમની અંતિમયાત્રા સોમવાર
, 24મી ડિસેમ્બર 2012ની સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાન B/1 – અતીત એપાર્ટમેન્ટ, કોણાર્ક કરિશ્મા દેરાસર સામે, નેહરૂપાર્ક, વસ્ત્રાપુરઅમદાવાદથી નીકળી વી.એસ. હોસ્પિટલ એલીસબ્રીજ સ્થિત સ્મશાન ગૃહે પહોંચી હતી.
* * * * * * *

(Thursday, 27 December 2012 at 03:45pm)
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 ડમડમબાબા સ્પેશલ કૉમેન્ટ.....
પરિણામ આવી ગયું, સત્તાધારી પક્ષના નેતાએ પદગ્રહણ પણ કરી લીધું, દુનિયાભરના માધ્યમોમાં તેના ફોટા છપાઈ ગયા, ગુજરાત સરકારના માહિતી ખાતાએ તેના કટીંગ્સની ફાઇલ બનાવી દીધી.....પણ એ ખાતા હસ્તકની ગુજરાત સરકારની વેબસાઇટ પર હજી નરેન્દ્ર મોદીનો ફોટો પૂર્વવત મુકાયો નથી.....આમ ને આમ તો દિલ્હીની ગાદી ક્યાંથી સર થવાની હતી.....અરે દિલ્હીની ગાડી (ટ્રેન) પણ પકડી શકાશે નહીં.....જુઓ આ રહી લિન્ક – http://www.gujaratindia.com/
* * * * * * *

(Thursday, 27 December 2012 at 04:05pm)
ડમડમબાબા ડાયલોગ સીરિઝ.....
"સચિવાલયમાં આજે બહુ સૂનું સૂનું લાગે છે નહિ?"
"કેમ, સાહેબ દિલ્હી ગયા છે એટલે?"..."ના, મુખ્યમંત્રીપદે શપથવિધિ થઈ ગયા પછી પણ સાહેબનો ફોટો વેબસાઇટ પર મુકાયો નથીને એટલે..." જુઓ આ રહી લિન્ક – http://www.gujaratindia.com/
* * * * * * *

(Friday, 28 December 2012 at 04:25pm)
એકલી અટૂલીનિઃસહાય યુવતી પર વાસનાના વરૂઓ લાગ જોઇને તૂટી પડે છે.....બળાત્કારની એવી ધૃણાસ્પદ ઘટના પછી.....લાગ જોઇને આડેધડ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરનાર પર પ્રજાએ તૂટી પડવું જોઇએ.....
.....ચાલો શરૂઆત અભિજીત પ્રણવ મુખરજીથી કરીએ.....
* * * * * * *

(Saturday, 29 December 2012 at 02:10pm)
અતિશય મોંઘોદાટ મોબાઇલ ખરીદવો નહીં કારણ કે એની કિંમત જેટલો તો ટોકટાઇમ પણ વાપરી શકાતો નથી.’ એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
નોંધ: ટેલિફોનના શોધક ગ્રેહામ બેલએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો થોડા વધારે ‘Like’ મળે અને કોમેન્ટની સંખ્યા વધે એવા શુભ આશયથી જ તેમનું નામ ઠપકાર્યું છે.
* * * * * * *

(Monday, 31 December 2012 at 01:25am)
ક્રિસમસ અને કુપોષણની સમસ્યાને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ભારતમાં કુપોષણની સમસ્યા કોઈ એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી પરંતુ એ રાષ્ટ્રીય સ્તરનો પ્રશ્ન છે તે 2012ના આ છેલ્લા અઠવાડિયામાં સાબિત થઈ ગયું...કેમ કે.....માયકાંગલા સાન્તાક્લોઝ પહેલીવાર મોટી સંખ્યામાં જોવા મળ્યા.
* * * * * * *

(Monday, 31 December 2012 at 06:45pm)
દેશના ખૂણેખાંચરે ક્યાંય પણ થતી બળાત્કારની ઘટનાનો વિરોધ જ કરવાનો હોય અને ભોગ બનનાર પ્રત્યે સંવેદના જ પ્રગટાવવાની હોય.....
.....બસ એટલું યાદ રાખીએ કે વિરોધની સાથે સંવેદના પ્રગટ કરતી વખતે મીણબત્તીની સાથે મશાલનો પણ ઉપયોગ કરીએ.....
.....અને રસ્તેથી પસાર થતી વખતે મશાલ થોડી ઊંચી રાખીએ.....એટલે કપડાંથી કારની જાહેરાતમાં અકારણ થતા મહિલાઓના અર્ધનગ્ન કે નગ્ન ચિત્રણવાળા પોસ્ટરોનો આપોઆપ નિકાલ થાય.....

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/12/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની સુડતાલીસમી પોસ્ટ (10 જાન્યુઆરી 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 25 એપ્રિલ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    47મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 10-01-2013 to 10-01-2014 – 320

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete