પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, October 19, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (સપ્ટેમ્બર – 2011)સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે સપ્ટેમ્બર – 2012ના સ્ટેટસ અપડેટ ગયા પખવાડિયે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Saturday, 3 September 2011 at 01:20pm)
મારું ગુજરાત, નંબર વન ગુજરાત.....
ગુજરાતમાં એક ગામ અને એક જિલ્લાનું નામ એવું છે જેનું અંગ્રેજી સીધેસીધું ડીક્ષનરીમાંથી મળે છે. નથી માનતા? ના માનશો. લો આ રહ્યાં એ બે નામ.....મહેસાણા જિલ્લાનું ગામ: કડી RING, જિલ્લો: ડાંગSTICK
You can check it by clicking – http://www.gujaratilexicon.com/dictionary/EG/stick*/
* * * * * * *

કવિ દયારામ
(Monday, 5 September 2011 at 03:42pm)
મારું ગુજરાત, નંબર વન ગુજરાત.....
ભારત દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જેની ભાષાના કવિનું નામ સાડીની એક બ્રાન્ડને પણ અપાયું છે.....ગુજરાતી ભાષાના કવિ દયારામ.....અને.....'દયારામ' પ્રિન્ટની સાડીઓ.....
* * * * * * *

(Tuesday, 6 September 2011 at 03:26pm)
ગુજરાતના અગ્રણી દૈનિકોમાં પ્રગટ થયેલી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની એક જાહેરાત પ્રમાણે ખાદ્ય ચીજો કે દવાઓ અંગેની (મોટે ભાગે તેની ગુણવત્તા સંબંધી) કોઈ ફરિયાદ હોય તો ઇન્ટરનેટના માધ્યમથી ફરિયાદ કરવાની લિન્ક આ રહી....
http://www.gujhealth.gov.in/complaint-feedback-public.htmબાકીની વિગતોઉપરોક્ત સાઇટની મુલાકાત લેતાં સ્વયં સ્પષ્ટ થશે. આભાર. (સંદર્ભ: ગુજરાત સમાચાર, અમદાવાદ, 26ઓગસ્ટ 2011,પાનું 11)
* * * * * * *

કમલનાથ : જુઓ આ રીતે રૂપિયા ઉસેટવાના
(Tuesday, 6 September 2011 at 04:57pm)
મધ્ય પ્રદેશના છીંદવાડામાંથી લોકસભા બેઠક સતત જીતતા આવેલા કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રી કમલ નાથે જાહેર કરેલી રૂપિયા 263 કરોડની સંપત્તિના આંકડા પરથી લાગે છે મધ્ય પ્રદેશની કમ સે કમ આ લોકસભા બેઠકનો પ્રચાર સહિતનો આગામી ચૂંટણી ખર્ચ તેમણે જ ઉઠાવી લેવો જોઇએ. ભારતના ચૂંટણી પંચની એટલી ચિંતા તો ઓછી થાય. આભાર.
* * * * * * *

(Wednesday, 7 September 2011 at 08:59pm)
CIRCULAR :'ફેસબુક' પર પોતાનો ફોટો મુક્યા વગર એકાઉન્ટ ધરાવનાર સૌને પોતાનો ફોટો અપલોડ કરવા વિનંતી. આપનો આભાર.
લિ. ફેસબુક ફોટોગ્રાફર્સ ફોરમ (સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને મજૂર મહાજન સંઘ દ્વારા માન્ય સંગઠન)
* * * * * * *

(Thursday, 8 September 2011 at 05:15pm)
ગણપતિનું સ્થાપન, તોરણનું રંગ-રંગીન ડેકોરેશન, સ્પીકરમાંથી રિમિક્સ ભજનો સાથે ગીતોની લહાણી, ખાણી-પીણીની લારીઓ, બાઇક સીમ કાર્ડ અને ઈન્ટરનેટના પેકેજ વેચતા સ્ટોલ.....છોકરા - છોકરીઓની ભીડ.....શું અહીં મેળો લાગ્યો છે? ના અહીં કોલેજ છે. (વસ્ત્રાપુર અમદાવાદમાં આવેલી આર.જે. ટીબરેવાલ કોમર્સ કોલેજ પાસેથી પસાર થયા પછી)
* * * * * * *

ગુજરાતનો લોકાયુક્ત
(Thursday, 8 September 2011 at 06:24pm)
ચોક્કસ કહું તો 2009માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રાણી સંગ્રહાલય માટે પરદેશથી જિરાફ મંગાવવાની વાત કરી હતી. જેના આવવાનું હજી 2011માં ય ઠેકાણું નથી પડ્યું તે જિરાફ જો સમયસર આવી ગયું હોત તો ગુજરાતમાં લોકાયુક્તની નિમણુક કરવાની જરૂર જ પડતી નહીં. જિરાફની ડોક જ કાફી છે. ક્યાંય પણ ખરું - ખોટું કરનારની ખબર જ લઈ નાખે. 'Giraffe...Giraffe...Come Soon.....'
* * * * * * *

(Friday, 9 September 2011 at 04:42pm)
મારું ગુજરાત, નંબર વન ગુજરાત.....
ભારત દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં કોફી પીવાય છે તે કરતાં 'કોફી ટેબલ બુક'નું ઉત્પાદન વધારે થાય છે. ક્યાંક 'સુવિનિઅર'ને પણ હવે કોફી ટેબલ બુક તરીકે ઓળખાવવામાં આવે છે. ગુજરાત તને ધન્ય છે આભાર.
* * * * * * *

(Saturday, 10 September 2011 at 04:18pm)
"કેમ તમારું રિલેશનશીપ બ્રેકઅપ થયું?"
"યાર, મેં ફેસબુક પર તેના 327 પ્રોફાઇલ સ્ટેટસ 'Like' કર્યા.....અને એણે મારી ફેસબુક વોલ પર માત્ર 189 વાર જ 'Like' કર્યું.....So we parted.....ક્યાં સુધી અન્યાય સહન કરવાનો....."
* * * * * * *

(Saturday, 10 September 2011 at 09:20pm)
લાખેણી ગણાવાયેલી 'નેનો' કાર અચાનક આપોઆપ સળગવાની એક પછી એક ઘટનાઓ પરથી લાગે છે કારમાં અન્ય સ્પેરપાર્ટની સરખામણીએ 'ઈગ્નિશન સિસ્ટમ' (Ignition System) સક્રિયપણે કામ કરતી લાગે છે.
* * * * * * *

(Monday, 12 September 2011 at 06:09pm)
અમદાવાદમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ આયાતી જિરાફ આખરે ઝૂમાં 'આવી' જ ગયું. ઝૂના એનિમલ કિપરે ઓળખાણ પાકી થયા પછી પૂછ્યું, 'ભોજન કે તે પછીની કોઈ ખાસ ઈચ્છા?'
'હા, મારે જમ્યા પછી માણેકચંદ ગુટકા જોઇશે'…'પણ, એવા વ્યસનની જરૂર જ શું છે અને માણેકચંદ જ કેમ?'
'ઉંચે લોગ, ઉંચી પસંદ'.....લાવવાના છો કે પછી વિઝા કેન્સલ કરાવું?
* * * * * * *

(Wednesday, 14 September 2011 at 03:53pm)
ઘરમાં ડાયાબીટીસ ધરાવતી અને સામાન્ય હોય તેવી વ્યક્તિ માટે બે વાર અલગ અલગ ચા ના બનાવવી હોય તો એક રસ્તો આ પણ છે. મોળી ચા બનાવ્યા પછી 'ડાયાબીટીસ' માટે ચા અલગ કરીને બાકીની ચા મા 'ફ્લેવર્ડ મિલ્ક' નાખી દેવાનું. પ્રોબ્લેમ સોલ્વ. ખાંડ ઉમેરવાથી ફરીથી ચા ઉકાળવાની કડાકૂટમાંથી પણ છુટકારો મળશે. આભાર.
* * * * * * *

(Wednesday, 14 September 2011 at 04:01pm)
બે પૈડાના વાહન (સ્કુટર, મોટરસાયકલ, સ્કૂટરેટ) માં પેટ્રોલ બચાવવાનો રામબાણ ઉપાય મેં ખોળી કાઢ્યો છે. પાર્કિંગમાંથી રસ્તા પર આવતા સુધી વાહનનું એન્જિન ચાલુ કરવું નહીં. દર મહીને બે લીટર પેટ્રોલ બચશે. ગ્રાઉન્ડ ફલોરનું પાર્કિંગ જ્યાં પણ હોય ત્યાં આ ઉપાયનો 'લીટમસ ટેસ્ટ' એક મહિના માટે કરી જુઓ. બાકી મારા માટે આ 'Tried and Tested' ઉપાય છે. આભાર.
* * * * * * *

પ્રદીપસિંહ જાડેજા : ગુજરાતના 'કાયદા'મંત્રી
(Thursday, 15 September 2011 at 07:10pm)
અમદાવાદી સાંજના હેવી ટ્રાફિક વચ્ચે સાયરન વગાડતી, લાલ બત્તી ઝબકાવતી પસાર થતી કારની મીડલ રોમાંથી પહેલા ગુટકાનું ખાલી પાઉચ બહાર ફેંકાયુ...થોડીવારે કાગળના ટુકડા......હવે થોડી વધારે અને સોલીડ વિગત...કાર: ઇનોવા, કલર: વ્હાઇટ, રજીસ્ટ્રેશન નંબર GJ – 18 / GA – 9954, માલિક: ગુજરાત સરકાર, વપરાશકાર: પ્રદીપસિંહ જાડેજાકાયદો, ન્યાય અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી, દિવસ: બુધવાર, 14 સપ્ટેમ્બર 2011ની સાંજના 8:00 કલાકની આસપાસ, રૂટ : અમદાવાદના ટાઉન હોલથી પરિમલ ગાર્ડન...
* * * * * * *

(Thursday, 15 September 2011 at 08:10pm)
અમદાવાદના બે વિસ્તારોના નામ ગુજરાતના તળાવ પરથી છે.....એકકાંકરિયા તો ખરૂં જ.....પણ એ પછીનું નામ તે.....અમદાવાદમાં રહેતા હોવ તો થોડી પૂર્વ તરફ પણ નજર દોડાવો.....અને ગુજરાતમાં રહેતા હોવ તો થોડા ધાર્મિક થાવ.....જવાબ આવડશે જ.....બીજું ગોમતીપુર.....યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર સામે આ તળાવ છે.....
* * * * * * *

(Thursday, 15 September 2011 at 08:26pm)
સરકારી માલિકીના 'દૂરદર્શન'ના કર્મચારીઓ અમદાવાદમાં વસ્ત્રાપુરની 'ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કોલોની'માં અથવા સેટેલાઇટની 'અંતરીક્ષ કોલોની'માં રહે છે.....તો......ખાનગી માલિકીની ચેનલ 'સોની એન્ટરટેઇનમેન્ટ'ના કર્મચારીઓ ક્યાં રહે છે.....અમદાવાદમાં રહેતા હોવ તો થોડી પૂર્વ તરફ પણ નજર દોડાવો......જવાબ આવડશે જ.....રખિયાલ વિસ્તારની 'સોનીની ચાલી'માં.....
* * * * * * *

(Friday, 16 September 2011 at 03:56pm)
'અમદાવાદમાં ક્યાં રહો છો?'
'હિથ્રો એરપોર્ટ પર.'
'સરનામુ ન જણાવવું હોય તો ઠીક, બાકી આવા અતિશયોક્તિ વાળા જવાબ ન આપો.'
'નારાજ ન થાઓ. વસ્ત્રાપુરના મુખ્ય રસ્તા પર જ્યાંથી દર પાંચ સેકન્ડે એક વાહન પસાર થાય છે ત્યાં મારું ઘર હોવાથી આવો જવાબ આપ્યો...અને બિરાદર આગળ તો સાંભળો...એકવીસમી સદીના આરંભકાળથી ગુજરાતમાં અતિશયોક્તિ ભરી વાતો કરવી એ તો 'ઇન થીંગ' અને 'ફેશન સ્ટેટમેન્ટ' ગણાય છે.' આપનો આભાર.
* * * * * * *

(Friday, 16 September 2011 at 04:20pm)
ગુજરાતના ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થપાયેલી 'રિલાયન્સ' કંપનીએ ગુજરાતી ભાષાના એક શબ્દ 'તોતિંગ' સાથેનો નાતો બરાબર જાળવી રાખ્યો છે. કેવી રીતે તે સમજાવું. 'રિલાયન્સ' કંપનીનો આરંભ થયો ત્યારે તે શેરહોલ્ડરોને 'તોતિંગ' રકમના ડીવીડન્ડ ચુકવતી. હવે તે મોબાઇલ ધારકોને 'તોતિંગ' રકમના અને ભળતી-સળતી સેવાઓના બીલ મોકલી આપે છે. આભાર. બિનીત મોદી 'તોતિંગ' - મને આ શબ્દ એટલો ગમી ગયો કે આ પ્રોફાઇલ પુરતું 'તખલ્લુસ'
* * * * * * *

(Friday, 16 September 2011 at 04:46pm)
પેટ્રોલના ભાવ વધ્યા પછી 'સાવ મફતના ભાવે' રથયાત્રા આયોજિત કરવા માટે લાલ કૃષ્ણ અડવાણીને રૂટ સજેશન.....શિમલાથી ગાડી ગબડાવવાની...વગર એન્જિન ચાલુ કર્યે ગાડી ચંડીગઢ સુધી તો પહોંચી જ જશે...ત્યાંથી વાઘા બોર્ડર નજીક છે...સહેજ કુદકો મારશો એટલે 'મોસાળ' પક્ષ ઝીલી લેશે...બસ પછી તો વડાપ્રધાન પદ પણ હાથવગું જ.....અજમાવી જૂઓ.....આભાર.....
* * * * * * *

(Friday, 16 September 2011 at 05:41pm)
અમદાવાદમાં એક વ્યક્તિ 'અરીસા'માં જોતો હોય તો એ શું કરતો હશે?
1. માથાના વાળ ઓળી રહ્યો છે. 2.દાઢી (Shaving) કરી રહ્યો છે. 3. મ્હોં ધોઈ ચહેરો સાફ કરી રહ્યો છે. 4. અંગ્રેજી દૈનિક 'Ahmedabad Mirror' વાંચી રહ્યો છે.
* * * * * * *

(Saturday, 17 September 2011 at 02:53pm)
વ્યક્તિ વિશેષમહાનુભાવની સ્મૃતિમાં યોજાતા વ્યાખ્યાન વર્ષે એક જ વાર હોય એવી મારીતમારી સમજ છે. આદર્શ પરિસ્થિતિ એ જ છે પણ હંમેશાં એવું થતું નથી. જેમ કે વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં અમદાવાદમાં યોજાતા વ્યાખ્યાનનું 32મું લેક્ચર ઇન્ફોસીસના નારાયણમૂર્તિએ 'ભ્રષ્ટાચાર મુક્ત ભારતની દિશામાં' એ વિષયે 19 જુલાઈ 2011ના રોજ આપ્યું. તેના બે મહિના પછી 33મું લેક્ચર આજે 17 સપ્ટેમ્બરે લોર્ડ ભીખુ પારેખ 'ભારતીય લોકશાહીનું ભવિષ્ય' એ વિષયે આપવાના છે. આભાર.
* * * * * * *

(Monday, 19 September 2011 at 07:15pm)
'72' કલાકના ઉપવાસ પછીનો મહત્વનો આંકડો છે '272'લોકસભામાં બહુમતી સિદ્ધ કરતો આ આંકડો કોઈ પણ રાજકીય પક્ષને દિલ્હીમાં સત્તા અને તેના નેતાને વડાપ્રધાન પદ અપાવે છે.
(ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતે આયોજિત ત્રણ દિવસના સદભાવના ઉપવાસના સમાપન ટાણે)
* * * * * * *

(Wednesday, 21 September 2011 at 03:59pm)
'મિત્ર, ક્યારેક સમય લઈને મળવા આવો.'…'ક્યાં?'
'ટેલિવિઝન પરની સીરીઅલ જોતાં જોતાં વાત કરવી હોય તો ઘરે આવો.....અને.....ફેસબુક પર 'લોગ ઇન' રહી 'Like' બટન ક્લીક કરતાં કરતાં વાતો કરવી હોય તો ઓફિસે આવો.....'
તો આવો છો ને?મળીએ છીએ. આભાર.
* * * * * * *

(Thursday, 22 September 2011 at 04:18pm)
'555'નો આંકડો બે રીતે ખૂબ મહત્વનો છે. આ બ્રાન્ડની બીડી પણ મળે છે અને સહકારી - ખાનગી કે રાષ્ટ્રીયકૃત બેન્કો '555' દિવસની ફિક્સ ડિપોઝીટ (ગુજરાતીમાં 'બાંધી મુદતની થાપણ') સ્વીકારે છે. બન્નેમાં ધુમાડો થાય છે. બીડીનો તો થાય જ, મોંઘવારી વ્યાજની રકમનો પણ ધુમાડો કરી આપે છે. આભાર.
* * * * * * *

નવાબ...અને...
...નિઓરીચ...
(Friday, 23 September 2011 at 02:58pm)
22 સપ્ટેમ્બર 2011ના રોજ જેમનો ઇન્તેકાલ થયો તે ટીમ ક્રિકેટ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મનસુર અલી ખાન પટૌડીને 1987ના ક્રિકેટ વિશ્વકપ સમયે મુખ્ય સ્પોન્સર કંપની 'રિલાયન્સ' અને તેના સર્વેસર્વા ધીરુભાઈ અંબાણીએ 'વિમલ' બ્રાન્ડ માટે અન્ય ક્રિકેટર્સ સાથે મોડેલીંગ કરવા મોં માંગી રકમ ઓફર કરી. ગ્રાસીમ કંપનીની 'ગ્વાલિઅર' શુટિંગ બ્રાન્ડ માટે પત્ની શર્મિલા ટાગોર સાથે મોડેલીંગ માટે જ જોડાયેલા પટૌડીએ આદરપૂર્વક એ ઓફર નકારી કાઢી. 'નવાબ' (પટૌડી) અને 'નિઓરીચ' (ધીરુભાઈ અંબાણી) વચ્ચે આટલો ફરક તો રહેવાનો!
* * * * * * *

(Friday, 23 September 2011 at 03:33pm)
મોંઘવારીનો ખ્યાલ બે રીતે મળે છે.....એકકુંવારાઓને રેસ્ટોરન્ટના 'મેનુ કાર્ડ'ની જમણી બાજુ જોઇને...ત્યાં વાનગીના ભાવ લખ્યા હોય છે...અને.....બે પરણેલાઓને મોદીના બીલની ડાબી બાજુ જોઇને...ત્યાં ખરીદેલી વસ્તુઓનું વોલ્યુમ (નંગ, ગ્રામ વિ.) લખેલું હોય છે. સ્પષ્ટતા'મોદી' એટલે કરિયાણાવાળો. આભાર.
* * * * * * *

(Saturday, 24 September 2011 at 02:18pm)
કોઈ પણ સ્થળે (નાનું ગામ, શહેર, મેગાસિટી વિ.) ખાડા - ટેકરા વિનાનો સળંગ 100 મીટર રસ્તો શોધી આપનારને 'ઇનામ'માં તેમનું કોઈ એક કામ કરી આપવામાં આવશે...જેમ કે...1) તમારા વતી લાઇટબીલ - ટેલિફોનબીલની લાઇનમાં ઉભા રહેવામાં આવશે. 2) બહારગામ જતી વખતે આપનો સામાન ટ્રેનના કમ્પાર્ટમેન્ટ - પ્લેટફોર્મ સુધી મૂકી આપવામાં આવશે. (પ્લેટફોર્મ ટીકીટનો ત્રણ રૂપિયા ખર્ચ હું ભોગવીશ.).....ઉપરોક્ત ઇનામોની કિંમત ઓછી ન આંકશો. તમારે તો તમારી આસપાસ માત્ર 100 મીટરનો 'સુંવાળો રસ્તો' જ શોધવાનો છે. આભાર.
* * * * * * *

મોહમ્મદ રફી અને કિશોર કુમાર
(Saturday, 24 September 2011 at 03:58pm)
ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે એવું વારંવાર કહેવાય છે. હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગતું તો નથી પણ એક શક્યતા એવી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ 'વોઇસ ઓફ મોહમ્મદ રફીમુકેશ અને કિશોર કુમાર' વચ્ચે થાય તો થાય પણ ખરું. સંખ્યા જ એટલી મોટી છે કે ટકવા માટે યુદ્ધ કર્યા સિવાય તેમનો છૂટકો નથી. આભાર.
* * * * * * *

(Monday, 26 September 2011 at 01:08pm)
ભારતના વડાપ્રધાન પદે જેમનું આઠમું વર્ષ ચાલી રહ્યું છે તે ડૉ. મનમોહન સિંહ આજે (26 સપ્ટેમ્બર 2011) આયુષ્યના એંશીમાં (80) વર્ષમાં પ્રવેશી રહ્યા છે. દેશમાં આજની તારીખે લગભગ એક ડઝન નેતાઓને વડાપ્રધાન બનવાના સ્વપ્ના આવે છે. હું ઈચ્છું કે ડૉ. મનમોહન સિંહ એટલું લાંબુદીર્ઘ શાસન કરે કે સમય જતાં ધોળકાની નગરપાલિકાના પ્રમુખને પણ દેશના વડાપ્રધાન બનવાનું સ્વપ્નું આવે. આભાર.
* * * * * * *

(Monday, 26 September 2011 at 08:30pm)
માર્કેટિંગનું પુસ્તક વેચવા નીકળેલા 'મેનેજમેન્ટ ગુરૂ' (So Called and Advertised) અરિંદમ ચૌધરીને 'ફેશન ગુરૂ'ની આવશ્યકતા છે. બ્લુ સુટ પહેરીને ટી.વી.ની જાહેરાતમાં પત્ની સાથે આવતા તે સહેજ ધોરણસરની હોય તેવી રેસ્ટોરન્ટના કેપ્ટન (ઓર્ડર લેનાર) જેવો વધુ દેખાય છે. આભાર.
* * * * * * *

(Monday, 26 September 2011 at 08:46pm)
મિત્રો સ્નેહીઓ કોઈ પણ પૂછે કે, 'ફલાણું - ઢીંકણું પિક્ચર જોયું?'.....તેમને સામો પ્રશ્ન પૂછો કે 'નવું કે જૂનું?'.....એ ગુંચવાશે...તરત જવાબ નહીં જડે.....તમને મઝા પડશે એની આપણી ગેરન્ટી.....દાખલા તરીકે 'બોડીગાર્ડ જોયું?' 'નવું કે જૂનું?' – આ ડાયલોગથી શરૂઆત કરીને અજમાવી જુઓ. આભાર.
* * * * * * *

મોન્ટેકસિંહનું 'મીલ' મેજિક
(Tuesday, 27 September 2011 at 09:19pm)
પ્લાનિંગ કમીશનના ચેરમેન મોન્ટેકસિંહ આહલુવાલિયા ગણાવે છે એવા રોજના 32 રૂપિયામાં પરિવારનું પેટ તો ન ભરી શકાય પણ એક કામ થઈ શકે. બે દિવસ ભૂખ્યા રહીને 64 રૂપિયા બચાવો. એ રકમમાંથી 1000 એસ.એમ.એસ. થઈ શકે એવું મોબાઇલ સર્વિસ પેક ખરીદો. 'અમે ભૂખ્યા છીએ' એવો સંદેશો ટાઇપ કરીને લોકસભાના 544 અને રાજ્યસભાના 244 સભ્યોને, ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોને તેમજ 29 રાજ્યોના મુખ્યમંત્રીઓને મોકલો. તો ય એક એસ.એમ.એસ.નું બેલેન્સ વધશે. એ મોન્ટેકસિંહ આહલુવાલિયાને મોકલો. આભાર.
* * * * * * *

(Wednesday, 28 September 2011 at 02:55pm)
કાગડાઓનું ટોળું આજે સવારે એક જિમ્નેશિયમની બારીએ જઈ પહોંચ્યું. કા...કા....કા.....જિમ્નેશિયમના સંચાલકે કહ્યું, 'શ્રાદ્ધ પક્ષ ગઈ કાલે પૂરો થયો. આજે અહીં શું દાટ્યું છે?' કાગડાઓના ટોળામાંથી તેમનો સરદાર બોલ્યો, 'ભાઈ, પંદર દહાડાથી તળેલું –  મસાલેદાર ખાધું છે એટલે જ આજે અહીં આવ્યા છીએ. જોઈએ તો ફી લઈ લે પણ કસરત કરવા દે, કા...કા....કા.....'. આભાર.
* * * * * * *

(Wednesday, 28 September 2011 at 3:14pm)
ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે ગુજરાત માટે ખાસ એક સર્ક્યુલર (પરિપત્ર) બહાર પાડ્યો છે: નવરાત્રિ ગરબાના આયોજકોગાનારાઓને વિનંતી કે 'પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી' ગરબો આ વર્ષથી જાહેરમાં ગાવો નહીં, કેમ કે 30 જૂન 2011ના દિવસથી અમે સત્તાવાળાઓએ 'પાવલી'ને અધિકૃત રીતે રદ કરી દીધી છે. આપનો, ગરબા ગાનારાઓ, રમનારાઓ, આયોજકો, આ નવ દિવસ ઘરે બેસી રહેનારાઓ સૌનો આભાર.
* * * * * * *

પરોઠાની 'સંસ્થા'
(Wednesday, 28 September 2011 at 09:55pm)
સેવા મેવા એવા વૈકલ્પિક અથવા તો બેવડા કારણોસર સંસ્થાઓની રચના થાય છે અને તેના લાંબા નામને અંગ્રેજીમાં ટૂંકું કરી ફેશનેબલ બનાવવાના ઢગલા પ્રયત્નો થાય છે. એ જોઇને મેં પણ એક સંસ્થાની સ્થાપના કરી જ નાખી છે જેનું લાંબી ઓળખ અને ટૂંકું નામ આ પ્રમાણે છેPreservation And Restoration Of The Heritage of Ahmedabad –  PAROTHA. I mean પરોઠા. ખાવાના પરોઠા. મેવા સાથે સેવા. આભાર.
* * * * * * *

(Friday, 30 September 2011 at 02:51pm)
છોકરાઓ છોકરીઓ (બાબાઓ અને બેબીઓ પણ, બસ) 'જીન્સ' પહેરવાનું છોડે અને તેમના શરીરમાં ગરબાના 'જીન્સ' દાખલ થાય એનું નામ નવરાત્રિ. આભાર.
* * * * * * *

(Friday, 30 September 2011 at 03:03pm)
મારું ભારત મહાન ભારત.....ભારતમાં બે રાયપુર છે.....એક રાયપુર છત્તીસગઢ રાજ્યનું પાટનગર છે અને.....બીજું રાયપુર તે અમદાવાદનું જે ભજીયાગોટાનું પાટનગર કે રાજધાની જ નહીં 'એપી સેન્ટર' છે. ભજીયા - ગોટા ખાઓ, ખુદ જાન જાઓ.....આભાર.
* * * * * * *

(Friday, 30 September 2011 at 03:44pm)
અમદાવાદમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરે માંગણી કરી છે કે આ પ્રોજેક્ટનું કામ હું પાંચ ચોમાસા પુરા થાય પછી શરૂ કરીશ. આ સમયગાળામાં જે કંઈ ભુવા પડ્યા તે ખરા. મારો ખોદકામનો (Excavation) ખર્ચો એટલો તો ઓછો થશે. આભાર.

અગાઉ અહીં મુકેલી સપ્ટેમ્બર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://binitmodi.blogspot.in/2012/10/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

5 comments:

 1. Jugalkishor Vyas (Ahmedabad)20 October 2012 at 20:01

  તમારું સરવૈયું માણ્યું. આટલા સંક્ષેપમાં આટલું બધું આપવાની તમારી શૈલી–શક્તિ ગમી ગઈ. અમદાવાદમાં તો હુંય રહું છું, ૧૯૬૫થી પણ તમારું અમદાવાદ આજે જાણ્યું–માણ્યું!! સાભાર.

  જુગલકિશોર વ્યાસ (અમદાવાદ)

  ReplyDelete
 2. સૌ મિત્રો,
  બ્લોગની આડત્રીસમી પોસ્ટ (19 ઓક્ટોબર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 17 માર્ચ 2013

  ReplyDelete
 3. ભાઈ બિનીત -- મઝા પડી--- :)

  ReplyDelete
 4. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
  38મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 19-10-2012 to 19-10-2013 – 450

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 5. પ્રિય મિત્રો,
  38મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 19-10-2013 to 19-10-2014 – 50

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete