પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, May 18, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : ગુજરાતના દલિત, આદિવાસી સંસદસભ્યો

નવા સંસદભવનની લોકસભા ચેમ્બર


અઢારમી લોકસભા ચૂંટણી 2024ના મતદાનના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી છ બેઠકો અનામત રાખવામાં આવી છે. ચાર અનુસૂચિત જનજાતિ માટે તો બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. અગાઉની સત્તર લોકસભા ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યામાં વધ-ઘટ થવા સાથે આ સંખ્યામાં પણ ફેરફાર થતો રહ્યો છે. અહીં અગાઉની સત્તર લોકસભામાં અનામત વર્ગની બેઠકનું પ્રતિનિધિ કરવા માટે વિજેતા થયેલા કેટલાક વ્યક્તિઓનો માત્ર નામ પરિચય આપવાનો ખ્યાલ છે. અનુસૂચિત જનજાતિ બેઠકના પ્રતિનિધિને ‘ST’ ઓળખીશું તેમજ અનુસૂચિત જાતિ બેઠકના પ્રતિનિધિને ‘SC’ સંજ્ઞાથી ઓળખીશું.


પહેલી લોકસભા 1952માં પંચમહાલ અને વડોદરા પૂર્વની બીજી ST અનામત બેઠક પર રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ વિજેતા થયા અને સુરતની આવી બેઠક પર બહાદુરભાઈ કુંથાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. બહાદુરભાઈ એ પછી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા અને 1960 પછી રચાયેલા ગુજરાતના પ્રારંભના પાંચેય મંત્રીમંડળમાં તેઓ સ્થાન ધરાવતા હતા. અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકોમાં પહેલી SC અનામત બેઠક પર મૂળદાસ ભુદરદાસ વૈશ્ય ચૂંટાઈ આવ્યા હતા. મૂળદાસ વૈશ્ય આ પછી 1962ની ત્રીજી લોકસભામાં સાબરમતી લોકસભા બેઠકથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ સાબરમતી બેઠક હવે ગાંધીનગર લોકસભા બેઠક તરીકે ઓળખાય છે અને તે બિનઅનામત છે. પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર કે કચ્છ વિસ્તારમાં કોઈ બેઠકને અનામતનો દરજ્જો મળ્યો નહોતો.


બીજી લોકસભામાં અમદાવાદની બીજી SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા હતા. દાહોદથી જાલજીભાઈ કોયાભાઈ ડીંડોડ, માંડવીથી છગનલાલ મદારીભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ નિચ્છાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ST અનામત બેઠકના પ્રતિનિધિ લેખે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી લોકસભામાં દાહોદની બેઠક SC અનામતનો દરજ્જો ધરાવતી હતી અને સ્વતંત્ર પક્ષના હીરાભાઈ કુંવરભાઈ બારીઆ ચૂંટાઈ આવ્યા હતા. કોઈક કારણસર આ બેઠકની પેટાચૂંટણી યોજવી પડી હતી. એમાં પણ સ્વતંત્ર પાર્ટીના પુરૂષોત્તમભાઈ હરિભાઈ ભીલ વિજેતા થયા હતા.


દેશના ગૃહમંત્રી અમિત શાહ 2024માં ચૂંટણી ઉમેદવાર હોવાના કારણે જેની ચર્ચા ચારેકોર છે એ ગાંધીનગર લોકસભા બેઠક 1967ની ચોથી લોકસભાથી અમલમાં આવી. કૉંગ્રેસના સોમચંદભાઈ મનુભાઈ સોલંકી SC અનામત ઉમેદવાર લેખે સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એ પછી પાંચમી લોકસભામાં સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. 1967થી જ પાટણ લોકસભાને SC અનામતનો દરજ્જો મળ્યો. સ્વતંત્ર પક્ષના ડાહ્યાભાઈ રામજીભાઈ પરમાર સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા. દાહોદ ST અનામત બેઠક પર કૉંગ્રેસના ભાલજીભાઈ રાવજીભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા. એ પછી પાંચમી લોકસભામાં તેઓ સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. માંડવીથી એ જ છગનભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ પટેલ કૉંગ્રેસમાંથી પુનઃ વિજયી થયા હતા.


      પાંચમી લોકસભા 1971માં પાટણથી SC અનામત બેઠક પર પહેલીવાર વિજેતા થયેલા ખેમચંદભાઈ સોમાભાઈ ચાવડા સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા એ સમયે 1960થી, બાર વર્ષ – બે મુદતથી કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા. ખેમચંદભાઈ સમય જતા ભારતીય લોકદળ અને જનતા દળમાંથી ચૂંટાઈ આવતા અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોના પ્રતિનિધિ રહ્યા. ગુજરાતના દલિત નેતૃત્વની વાત કરીએ તો ખેમચંદભાઈ ચાવડા એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ ત્રણ દાયકા જેવો લાંબો સમય સક્રિય રાજકારણમાં રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.

બીજી તરફ આદિવાસી નેતૃત્વની વાત કરીએ તો છોટાઉદેપુર ST અનામત બેઠક પરથી પાંચ મુદત માટે અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોમાંથી ચૂંટાયેલા નારણભાઈ જેમલાભાઈ રાઠવા રાજ્યસભાની છ વર્ષની એક મુદત સાથે બધું મળીને પાંત્રીસ વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. તેઓ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી રહ્યા. રામસિંહભાઈ પાતળિયાભાઈ રાઠવા કૉંગ્રેસમાંથી રાજ્યસભાની બે મુદત સાથે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રણ મુદત માટે સંસદસભ્ય રહ્યા. આમ તેઓ સત્તાવીસ વર્ષ જેવો લાંબો સમય સંસદના ફ્લોર પર રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.


હોદ્દાની જ વાત નીકળી છે તો જાણી લઇએ કે દાહોદ લોકસભા ST અનામત બેઠક પર સતત સાત મુદત, છઠ્ઠીથી બારમી લોકસભા સુધી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહેલા સોમજીભાઈ પુંજાભાઈ ડામોરને એકેય સરકારોએ મંત્રીપદ આપ્યું નહોતું. એમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિમ્હારાવના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકારોનો સમાવેશ થાય છે. એવું જ માંડવી ST અનામત લોકસભા બેઠકથી સતત સાત મુદત માટે કૉંગ્રેસમાંથી જ ચૂંટાતા રહેતા છીતુભાઈ દેવજીભાઈ ગામિતની બાબતમાં બન્યું. તેમનું ભણતર ઓછું હતું એટલે કદી મંત્રી પદ ના પામ્યા એવી શક્યતા ખરી.


લોકસભાના SC કે ST વર્ગના સભ્ય લેખે મંત્રી પદ કે સમકક્ષ કોઈ હોદ્દો, સ્થાન પામ્યાના પાંચ જ દાખલા આ પંચોતેર વર્ષમાં મળે છે. દસમી લોકસભા 1991માં વલસાડ લોકસભા ST અનામત બેઠક પર ત્રીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડળમાં ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી હતા. ચૌદમી લોકસભા 2004માં છોટા ઉદેપુર ST અનામત બેઠકના પાંચમી મુદતના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય નારણભાઈ રાઠવા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી હતા. એ જ રીતે પંદરમી લોકસભા 2009માં બારડોલી ST અનામત બેઠક પર બીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના મંત્રીમંડળમાં આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. સોળમી લોકસભા 2014માં દાહોદ ST અનામત બેઠક પર પહેલી વાર ચૂંટાયેલા જસવંતસિંહ ભાભોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં 2016થી 2019 દરમિયાન આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. જેનો કાર્યકાળ હવે સમાપ્ત થવામાં છે તે સત્તરમી લોકસભા 2019-2024ના અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રીજી મુદતના સંસદસભ્ય ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પેનલના સભ્ય રહ્યા. બેશક, આ કોઈ બંધારણીય હોદ્દો નથી પરંતુ પેનલ મેમ્બરને સ્પીકરની ગેરહાજરીમાં લોકસભા સંચાલન કરવાની તક મળે છે એ નોંધવું રહ્યું.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Wednesday, May 15, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના અપક્ષ સંસદસભ્યો

ભારતનું સંસદભવન : જૂનું અને નવું


ટેકેદારોના આશરે સરકારની રચના કરવાની હોય ત્યારે અપક્ષ ધારાસભ્યો કે સંસદસભ્યોનો બહુ ખપ પડે. તેમનો ટેકો લેવો જરૂરી બની જાય. ગુજરાતમાં રાજ્ય સરકારની રચના માટે અપક્ષ ધારાસભ્યોનો ટેકો લેવો પડ્યો હોય એવા પ્રસંગો એકથી વધુ વાર સપાટી પર આવ્યા છે અને પાર પડ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારની રચના કરવા, ગાબડું પુરવા કે તેનું ગાડું ગબડાવવા માટે ગુજરાતના અપક્ષ સંસદસભ્યની ટેકારૂપ જરૂર પડી હોય એવો કોઈ દાખલો નથી.


હા, ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે ખરા. તેમાં પહેલું નામ લેવાનું આવે તુલસીદાસ કિલાચંદનું. અલગ ગુજરાત રાજ્યની રચના નહોતી થઈ ત્યારે પહેલી લોકસભા 1952માં તેઓ મુંબઈ પ્રાંતની મહેસાણા પશ્ચિમ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. બીજી લોકસભાથી આ બેઠક પાટણ નામે નવું નામકરણ પામી. તુલસીદાસ કિલાચંદ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ હતા અને તેમના પિતા દેવચંદ કિલાચંદનો પરિવાર મહેસાણા, પાટણનો વતની હોવાના કારણે ચૂંટણી ઉમેદવારી કરવા ગુજરાત આવ્યા હતા. વિજેતા થઈને સંસદમાં પહોંચી ગયા. પહેલી લોકસભાની મુંબઈ-ગુજરાત પ્રાંતની ઓગણીસ બેઠકોમાં તેઓ સૌથી ઓછા એવા માત્ર 4,064 મતના તફાવતથી વિજેતા થયા હતા. એ પછી બીજી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા.


એવી જ રીતે પહેલી લોકસભામાં ગુજરાત પ્રાંતથી જે બીજા અપક્ષ સંસદસભ્ય ચૂંટાઈ આવ્યા તે ઇન્દુભાઈ ભાઈલાલભાઈ અમીન. વડોદરા પશ્ચિમ બેઠકથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. આ સમયે પંચમહાલ અને વડોદરા પૂર્વ એ નામથી બે લોકસભા બેઠકો પણ હતી. એક સામાન્ય અને બીજી અનુસૂચિત જનજાતિ માટે ST અનામત. બીજી લોકસભાથી વડોદરા અને પંચમહાલના ફાળે એક-એક બેઠક જ રહી.


1957માં બીજી લોકસભા ચૂંટણી યોજાઈ એ સમયે મુંબઈ રાજ્ય અંતર્ગત આવતા ગુજરાત પ્રાંતની પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. મહેસાણાથી પુરૂષોત્તમદાસ રણછોડદાસ પટેલ, પાટણથી મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર, અમદાવાદની સામાન્ય બેઠક પર ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તેમજ અનુસૂચિચ જાતિ માટે SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અને ખેડા બેઠક પરથી ફતેહસિંહજી રતનસિંહજી ડાભી. આ પાંચ સંસદસભ્યોમાંના પુરૂષોત્તમદાસ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક સમય જતા અનુક્રમે કૉંગ્રેસ તેમજ અન્ય પ્રાદેશિક પક્ષમાંથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક તો ફરી વાર ચોથી લોકસભામાં અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા અને એ પછી પાંચમી લોકસભામાં કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા.


ઇન્દુલાલ યાજ્ઞિક પાંચમી લોકસભામાં ચોથી મુદતના સંસદસભ્ય હતા ત્યારે મુદત દરમિયાન 17 જુલાઈ 1972ના રોજ અવસાન પામ્યા. ખાલી પડેલી બેઠક પર એ જ વર્ષે યોજાયેલી પેટાચૂંટણીમાં જે અપક્ષ ઉમેદવાર ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા તેમનું નામ પ્રોફેસર પુરૂષોત્તમ ગણેશ માવળંકર. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજના આચાર્ય. પ્રોફેસર પી. જી. માવળંકર આ પછી છઠ્ઠી લોકસભામાં ગાંધીનગર બેઠકથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આમ એક અર્થમાં પી. જી. માવળંકરને ગુજરાતમાંથી ચૂંટાયેલા છેલ્લા અપક્ષ સંસદસભ્ય પણ ઓળખાવી શકાશે. તેમને માત્ર છેલ્લા અપક્ષ સંસદસભ્ય જ નહીં, ગુજરાતમાંથી લોકસભાના ફ્લોર પર ગુંજેલા, ગર્જેલા છેલ્લા અવાજ તરીકે પણ ઓળખાવી શકાશે. પ્રોફેસર માવળંકર લોકસભાના ફ્લોર પર ઉભા રહી વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને નો મેડમ અને લોકસભા સ્પીકરને નો સર કહી અન્યાયી બાબતોનો વિરોધ કરવા માટે દેશભરમાં જાણીતા બન્યા હતા.


છઠ્ઠી લોકસભામાં અમરેલી બેઠકથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર ચૂંટાયેલા ઉમેદવાર દ્વારકાદાસ મોહનલાલ પટેલ લોકસભાની તેમની મુદત પછી 1980ની છઠ્ઠી ગુજરાત વિધાનસભામાં અમરેલીના અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મતલબ કે કૉંગ્રેસ પક્ષે તેમના જ પૂર્વ સંસદસભ્યને વિધાનસભાની ટિકિટ નહોતી ફાળવી. તો વર્તમાન સત્તરમી લોકસભાના પંચમહાલ બેઠકના ભાજપના સંસદસભ્ય રતનસિંહ રાઠોડ લોકસભામાં ચૂંટાઈ આવ્યા એ સમયે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય હતા. અપક્ષ ધારાસભ્ય લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોય તેવો ગુજરાતનો તેઓ પહેલો અને એકમાત્ર દાખલો છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Monday, May 13, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા ચૂંટણીના મહિલા પ્રતિસ્પર્ધીઓ

ભારતની સંસદનું નવું ભવન, શુભારંભ વર્ષ 2023


સંસદમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત બેઠકો આપવાની માત્ર વાતો કરતા કરતા સત્તરમી લોકસભાની મુદત તેના અંત ભાગે આવી પહોંચી છે. અઢારમી લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની વાત કરીએ તો મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસે 26માંથી ચાર – ચાર બેઠકો પર મહિલાઓને ઉમેદવારી આપી ટકાવારીનો આંક 15 ટકાએ લાવી મુક્યો છે. એવું આશ્વાસન લઈ શકાય કે ગુજરાતે ઉમેદવારીની બાબતમાં અડધો રસ્તો પસાર કરી લીધો છે. તેત્રીસ ટકાના પચાસ ટકા.


ભાજપે જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ભાવનગર બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં જામનગર સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. કૉંગ્રેસ પક્ષે અમરેલી, ગાંધીનગર, બનાસકાંઠા અને દાહોદ બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં દાહોદ સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. દાહોદ બેઠક પર કૉંગ્રેસે પૂર્વ સંસદસભ્ય ડૉ. પ્રભાબહેન તાવિયાડને દસ વર્ષ પછી પુનઃ તક આપી છે. છેલ્લે સોળમી લોકસભા ચૂંટણી 2014માં તેઓ ભાજપ સામે પરાજિત થયા હતા.


1951-52ની પહેલી લોકસભા ચૂંટણીથી લઇને સત્તરમી લોકસભા 2019 સુધી કુલ 426 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ છે. પેટાચૂંટણીઓનો પણ એમાં સમાવેશ કરીએ તો આજે 2024 સુધી કુલ 225 સંસદસભ્યોને ગુજરાતે ચૂંટી કાઢ્યા છે. પુરુષ સંસદસભ્યો 205 અને મહિલાઓ માત્ર 20. ટકાવારીમાં આંકડો જોઇએ તો માત્ર નવ ટકા પ્રતિનિધિત્વ મહિલાઓના ભાગે આવ્યું છે. બહુ કંગાળ આંકડો છે આ એટલું તો કહેવું જોઇશે.


સુરત બેઠક બિનહરીફ થવાને કારણે મતદાન થવાનું નથી. એ સિવાય પચીસ લોકસભા બેઠકો જેમાં માત્ર બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવાર લેખે બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ભારતીય જનતા પક્ષના ડૉ. રેખાબહેન ચૌધરી અને કૉંગ્રેસ પક્ષના ગેનીબહેન ઠાકોર. રેખાબહેનની આ પહેલી ચૂંટણી છે અને સામે ગેનીબહેન બીજી મુદતના ધારાસભ્ય છે. લોકસભા બેઠક પર મુખ્ય રાજકીય પક્ષની મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થાય એવા જૂજ નહીં માત્ર એક જ દાખલો ગુજરાતમાંથી મળે છે.


ગુજરાતની લોકસભા બેઠકોમાં સૌથી વધુ ત્રણ મહિલા સંસદસભ્યો આપનાર વડોદરા લોકસભા બેઠક પર તેરમી લોકસભા ચૂંટણી 1999 સમયે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. ભારતીય જનતા પક્ષે બારમી લોકસભામાં સંસદસભ્ય રહેલા જયાબહેન ઠક્કરને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા તો કૉંગ્રેસ પક્ષે ડૉ. ઉર્મિલાબહેન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય, ઊર્જા રાજ્યમંત્રી તેમજ સદગત મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવનસાથીની ઓળખ ધરાવતા હતા. પરંતુ ભાજપ સામે ચૂંટણી જીતી શક્યા નહોતા. આમ 1999 પછી ઠેઠ પચીસ વર્ષે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. ચૂંટણી પ્રચાર સુધી બનાસકાંઠા બેઠક તેના મુખ્ય ઉમેદવારોની વ્યૂહરચનાઓને કારણે રોજેરોજના સમાચાર બનવાની છે. આ સિલસિલો પાંચમી મે સુધી ચાલશે અને ચોથી જૂનની મતગણતરીની સાથે તેનો અંત આવશે.


ચાર રદ થયેલી અને છવ્વીસ લોકસભા બેઠકોમાં એકથી વધુ બેઠકો એવી છે જ્યાં મુખ્ય રાજકીય પક્ષોએ પાછલા પંચોતેર વર્ષમાં એક પણ મહિલા ઉમેદવારને તક આપી નથી. કેટલીક બેઠકો પર એવી તક આપી છે તો બહુ વર્ષો પહેલા આપી છે અથવા તો વર્ષો બાદ આપી છે. યાદ રહે ભારતે બે મહિલા રાષ્ટ્રપતિ, એક મહિલા વડાંપ્રધાન અને ગુજરાતે એક મહિલા મુખ્યમંત્રીને હોદ્દાગત સ્થાન, મોભો આપ્યા છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Monday, May 06, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા પેટાચૂંટણીમાં પણ બિનહરીફ વિજેતા

પાર્લમેન્ટ ઑફ ઇન્ડિયા, નવી દિલ્લી


પહેલા તબક્કામાં અગાઉની સરખામણીએ મતદાન ઓછું થયું છે એવા સમાચાર સાથે અઢારમી લોકસભાની રચના કરવા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1951-52થી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની રચના 1952માં થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીનો અવસર છે પણ આપણે વાત કરીશું પેટાચૂંટણીઓની. પેટાચૂંટણીઓ અને તે પણ માત્ર ગુજરાતની લોકસભા બેઠકોના સંદર્ભમાં.


એટલા માટે કે પેટાચૂંટણીઓ પણ ભારતના ચૂંટણી રાજકારણનું એક મહત્ત્વનું અંગ છે. યાદ કરવું ગમશે કે 2024માં જેમના ચૂંટણીચાણક્યકર્મની ચર્ચા ચારેકોર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે તેમની સક્રિય રાજનીતિની શરૂઆત પેટાચૂંટણી લડીને કરી હતી. અલબત્ત એ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હતી.


ગુજરાત અને લોકસભાના સંદર્ભમાં જોઇએ તો સત્તરમી લોકસભા એવી પાંચમી લોકસભા છે જેના તમામ સંસદસભ્યોએ તેમની પાંચ વર્ષની સંસદીય મુદત પૂર્ણ કરી છે. અગાઉ 1957માં બીજી, 1989માં નવમી, 1991માં દસમી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભાના ગુજરાતના તમામ સંસદસભ્યોએ તેમની સંસદીય મુદત પૂર્ણ કરી હતી. એ સિવાયની લોકસભાઓમાં રાજીનામા કે સભ્યના મુદત દરમિયાન અવસાનને કારણે પેટાચૂંટણીના સંજોગો ઉભા થયા હતા. એક અપવાદરૂપ હકીકત લેખે જણાવવાનું કે 1989ની નવમી લોકસભાનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો રહ્યો હતો. એ સમયે ભાવનગરના સંસદસભ્ય શશીકાન્તભાઈ જમોડનું મુદત વચ્ચે અવસાન થયું હતું. પરંતુ લોકસભાની ડામાડોળ સ્થિતિ વચ્ચે તેનું વિસર્જન હાથવેંતમાં હોવાથી બેઠકની પેટાચૂંટણી યોજવાની જરૂર નહોતી પડી.


પ્રથમ ત્રણ લોકસભામાં ગુજરાતના બાવીસ તેમજ ચોથી અને પાંચમી લોકસભામાં ચોવીસ સંસદસભ્યો હતા. છઠ્ઠી લોકસભાથી ગુજરાતની સંસદસભ્યોની સંખ્યા છવ્વીસ થઈ જે બેઠકોના કેટલાક ફેરફાર સાથે અઢારમી લોકસભા સુધી યથાવત છે. પહેલી બે લોકસભામાં કચ્છ, પંચમહાલ-વડોદરા, મહેસાણા અમદાવાદ, ખેડા અને સુરત બેઠકને વિસ્તાર આધારે બે-બે બેઠકોનું પ્રતિનિધિત્વ મળેલું હતું. ત્રીજી લોકસભાથી ત્રણ ફેરફારો થયા. બે બેઠકોનું પ્રતિનિધિત્વ નીકળી ગયું, દરેક સ્વતંત્ર લોકસભા બેઠકને એક જ સંસદસભ્યનું પ્રતિનિધિત્વ મળ્યું અને હા 1962ની ત્રીજી લોકસભા ચૂંટણી સમયે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવી ગયું હતું.


ગુજરાત અલગ નહોતું થયું એ સમયે પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર પાંતની હાલાર બેઠકની પેટાચૂંટણી પહેલવહેલી આવી પડી હતી. આવી પડી હતી એમ જ કહેવાશે કેમ કે એ બેઠકની સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ખંડુભાઈ દેસાઈ વિજેતા થયા અને વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં શ્રમ મંત્રી થયા.


એ જ રીતે સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા. અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને પહેલી લોકસભાના સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ વિજેતા થયા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Friday, May 03, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના બિનહરીફ સંસદસભ્યો

 

ભારતીય સંસદ


સવા દોઢ મહિના પછી ખુલવાનું હતું એ ખાતું એપ્રિલના અંતમાં ખુલી ગયું છે. અઢારમી લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું અને બોંતેર કલાક કરતાં પણ ઓછા સમયમાં પહેલું પરિણામ આવી ગયું. પરિણામ એવી જગ્યાએથી આવ્યું જ્યાં હજી મતદાન યોજાયું નથી. સુરત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ. ભારતીય જનતા પક્ષે તેના લોકપ્રિય નારા અબ કી બાર ચારસો પારને હકીકતમાં બદલવાના પહેલા પગથિયે પગ મુકી દીધો.


મુકેશ ચંદ્રકાંત દલાલ – અઢારમી લોકસભા માટે સુરત બેઠકના સંસદસભ્ય. બિનહરીફ વિજેતા. સત્તરમી લોકસભાના ત્રીજી મુદતના સંસદસભ્ય અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશના અનુગામી. ભાજપે ઉમેદવાર ન બદલ્યા હોત તો બીજો રેકોર્ડ થયો હોત – દર્શનાબહેન ગુજરાતના સૌથી લાંબી મુદતના મહિલા સંસદસભ્ય થયા હોત. સંભવિત ચોથી મુદત અને સંસદસભ્ય પદના વીસ વર્ષ. એમ થયું નથી, હવે થશે નહીં.


નર્વિરોધપણે, બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય એવા સંસદસભ્યોમાં મુકેશ દલાલનો નંબર દેશભરમાં પાંત્રીસમો આવે છે. છેલ્લો દાખલો શ્રીમતી ડિમ્પલ યાદવનો છે. 2012માં તેમના જીવનસાથી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળવા કન્નૌજ લોકસભા બેઠક ખાલી કરી પછી તેઓ પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પહેલીવાર ચૂંટણી લડેલા મુકેશ દલાલની જીતની સરખામણી એ રીતે પણ કરવી પડશે કે ડિમ્પલબહેનના પતિ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા અને સસરા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પિતા – પુત્ર બન્ને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા હતા.


આ સિવાય યશવન્તરાવ ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લાહ, હરેકૃષ્ણ મહેતાબ, ટી. ટી.ક્રિશ્નામાચારી, પી. એમ. સઇદ અને એસ. સી. જમીર લોકસભાના સભ્ય લેખે વખતોવખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર પદે રહેતા એસ. સી. જમીર થોડા વર્ષ અગાઉ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ નાગાલેન્ડ લોકસભા બેઠક પરથી 1967ની ચોથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમનો રાજકીય પક્ષ – નાગાલેન્ડ નેશનાલિસ્ટ ઓર્ગેનાઇઝેશન.


ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એ અર્થમાં મુકેશ દલાલ ગુજરાત રાજ્યના પહેલા બિનહરીફ સંસદસભ્ય ગણાશે. 1951-52માં યોજાયેલી પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પ્રાંતની હાલાર બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી હતી. હાલાર એટલે આજની જામનગર લોકસભા બેઠક જેના 2024ના ભાજપના ઉમેદવાર અને બે મુદતના સંસદસભ્ય પૂનમબહેન માડમ ગુજરાતના મહિલા ઉમેદવારોમાં તેમની સૌથી વધુ સંપત્તિને લઇને ચર્ચામાં છે.


પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પંચમહાલ અને વડોદરા પૂર્વ બેઠકની બીજી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર કૉંગ્રેસ પક્ષના રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે તેઓએ પહેલી લોકસભાના સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. પહેલી લોકસભામાં અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા હતા.


આમ અમદાવાદ બેઠકની 1956ની પેટાચૂંટણીના બિનહરીફ વિજેતાને લક્ષમાં લઇએ તો સડસઠ-અડસઠ વર્ષ પછી સુરતના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ છે જેઓ નિર્વિરોધપણે લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. 1984ની આઠમી લોકસભા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો સાથે લોકસભામાં ખાતું ખોલ્યું હતું. એમાં એક બેઠક ગુજરાતની મહેસાણાની હતી. ચાલીસ વર્ષ પછી ભાજપે ગુજરાતમાં મતગણતરી પહેલા એક બેઠક મેળવીને ખાતું ખોલ્યું છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)