નામકરણની 'લાખેણી' તક્તી |
અમદાવાદના
આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો
રોડ હવે સત્તાવાર રીતે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ’ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા
દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની
સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક
એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના
તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી
આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
![]() |
કાર્યક્રમનું આમંત્રણ |
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ’ તરીકે ઓળખાશે.
![]() |
પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક |
ખરેખર એમ થયું? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિને ‘પરબ’ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ‘ટાઇમ્સ પાછળ, નદીકિનારે’ શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ ‘સાહિત્ય વિશેષ’માં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ‘ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર’ જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)
![]() |
ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય, મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં..... |
આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યો? અમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?
ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે
‘દિવ્ય
ભાસ્કર’ની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને
જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે ‘પરબ’ના તંત્રી યોગેશ જોષી જ સાચો
પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા
નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું
નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું
છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ
ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.
ગુજરાતી
સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા ‘પરબ’નો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો
વિનાના પણ હોય એમ આ ‘પરબ’ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો
બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની
નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. ‘પરબ’માં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ
હોય તો.
હવે એક
આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે
મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી
ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની
દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને
આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં
રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો
ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી
જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ
મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી
દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ
લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને
લાખેણો પડ્યો છે.
પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ